Get The App

સહનશીલતા કે બીમાર મનોદશા?

Updated: Nov 21st, 2023

GS TEAM


Google News
Google News
સહનશીલતા કે બીમાર મનોદશા? 1 - image


- વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ

- એવાં સેંકડો વ્યક્તિઓ છે જે બીજાઓનાં અન્યાયને સહન કરી પોતાના હીત અને અધિકારની જાળવણી કરી શકતા નથી. એટલું જ નહીં તેઓ પોતાની જાતને બીજાઓ દ્વારા કચડાવા દે છે. 

દ ર ૧૦ માંથી ૮ વ્યક્તિ જાત અવગણના કરે છે. તમારી આસપાસ કણસતા લોકો પ્રત્ય થોડુક વધારે ધ્યાન આપશો તો તમને આ વિધાનની સત્યતા સમજાઈ જશે. તમારા પોતાના ભૂતકાળ પર નજર કરશો તો તમને સમજાશે કે જાણે અજાણ્યે આજ સુધી કેટલીએ વાર તમે પણ તમારી જાતની અવગણના કરી છે.

રીઅલ લાઈફનાં કેટલાક ઉદાહરણો તપાસીએ ઃ

ગીરીશની કંઈક આવીજ કહાની છે. ગીરીશ તેની ઓફીસમાં ઊંધું માથું ઘાલીને સતત કામ કરતો રહેતો. તેના સહ કાર્યકરો તેની આ આદતને 'ગધ્ધાવૈતરું' કહેતા હતા. ઓફીસનો સમય પૂરો થઈ ગયા પછી પણ તે મોડે સુધી કામ કરતો. એટલું ઓછું હોય તેમ વધારાનું કામ લઈ તે ઘેર આવતો. રજાઓમાં પણ તે કામ ઢસડયા કરતો. ગીરીશનાં સહકાર્યકરો પોતાનું કામ ગીરીશનાં માથે ઠોકી બેસાડીને શેર બજારની , આઈપીએલ કે વર્લ્ડ કપની. પેટ્રોલનાં ભાવ વધારાની કે અન્ય સનસનાટીયુક્ત વાતો કરી આરામથી નોકરીનો સમય પસાર કરતાં. એટલું જ નહીં ગીરીશની મજાક પણ કરતાં. આ બધું સહન કરી ગીરીશ ગધ્ધાવૈતરું કર્યા કરતો.

સતત કામને કારણે ગીરીશ થાકતો અને થાકીને ખૂબ ખાતો. એને ક્યારેય કસરત કરવાનો સમય મળતો નહીં. એની ફાંદ પુરા મહિનાનો ગર્ભ રહ્યો હોય તેવી મોટી થઈ ગઈ હતી.

એક દિવસ ઓફિસેથી રાત્રે મોડો ઘેર આવ્યો ત્યારે ત્રીજા માળે લઈ જતી તેના ફલેટની લીફટ લોક થઈ ગઈ હતી. ગીરીશ ત્રણ સીડી ચડી પોતાના ફલેટ સુધી પહોંચી, પોતાના ઘરની ડોરબેલ વગાડીએ સાથે જ એ કોલેપ્સ થઈ ગયો. તેનું હાર્ટ ફેલ થવાથી તત્કાળ મૃત્યુ થયું.

તેના આ અકાળે આકસ્મિક મૃત્યુનું કારણ હતું જાત અવગણના સેલ્ફ નીગ્લેક્ટ.

ગીરીશે શારીરિક અને માનસિક એમ બંને પ્રકારની ફિટનેસની અવગણના કરી હતી. તેના પોતાના હીતની ક્યારેય જાળવણી કરી ન હતી. તેની સહનશીલતા તેની બીમાર મનોદશાનું લક્ષણ પુરવાર થઈ હતી.

બીજું ઉદાહરણ છે દિનેશનું. દિનેશ તેની જાત કરતાં તેના સગાઓને વધારે મહત્ત્વ આપતો.

દિનેશે તેના ઘરમાં પોતાના ૨ સંતાનો ઉપરાંત તેના ભાઈ-બહેનોનાં બાળકોને પણ ભણાવવા રાખ્યા હતાં. તે સગા-સ્નેહીઓને આર્થિક મદદ પણ કરતો. આ બધાને કારણે વધારાનો જે આર્થિક બોજો પડતો એ સરભર કરવા દિનેશ કાળી મજૂરી કરતો.

તેના પોતાના સંતાનો તેનાથી નારાજ હતાં. તેના ભત્રીજાઓ અને ભાણીયાઓને તો તે હિટલર જેવો આપખુદ અને જોહુકમી કરતો નકામો માણસ લાગતો.

સગા-સ્નેહી પાસેથી તેમની આપત્તિનાં સમયમાં તેણે ઉછીના આપેલા પોતાની કાળી મજૂરીનાં નાણા તે માંગવા જતો ત્યારે બધાં જ સીફતપૂર્વક તેની વાત ટાળી દેતાં. લોકોનો આવો વ્યવહાર તે લાંબો સમય ચલાવી લેતો પણ તેની સહનશક્તિની હદ આવી જતી ત્યારે ક્રોધે ભરાયેલો દિનેશ કોઈકને કોઈકની સાથે ઝઘડી પડતો. જવાબમાં તેનું શોષણ કરનાર બધાં જ સગાઓ તેની ઉદ્ધતાઈને કારણે તેના આવા વર્તનને વખોડી તેની સાથેનાં તમામ સંબંધો કાપી નાંખતા. લોકો માટે સતત ઘસાવા છતાં પોતે કાળી મજૂરી કરતો દિનેશ વગર વાંકે બદનામ થતો જતો હતો. એટલે એકલો પડતો જતો હતો.

ત્રીજું ઉદાહરણ છે બલબીરનું. બલબીરનો માથાનો દુખાવો અસાધ્ય થઈ ગયો હતો. ગમે તેટલી તપાસ, નિદાન અને સારવાર છતાં પણ તેનો માથાનો દુઃખાવો મટવાનું નામ લેતો નહોતો.

માથાના દુખાવાનાં નિદાન માટે કરાવાયેલ તમામ રીપોર્ટસ નોર્મલ આવતા હતા. લોકોએ કહ્યું ટેન્શન ન રાખો ભાઈ.

પણ બલબીરને શાનું ટેન્શન હોઈ શકે ? તેની શારીરિક તંદુરસ્તી ઇર્ષ્યા આવે એવી હતી. તે ગ્રેજ્યુએટ થઈ ગયો હતો. પપ્પાએ તેને મનગમતો શો રૂમ પણ ખોલાવી આપ્યો હતો. અને એક સુંદર યુવતી સાથે તેના લગ્ન પણ થઈ ગયા હતાં. પછી બલબીરને શાનું ટેન્શન હોય ?

પણ હકીકત એ હતી કે બલબીર હંમેશાં ધૂંધવાયેલો અને તનાવગ્રસ્ત રહેતો હતો. સવારે ૯ વાગ્યે તે શો રૂમ પહોંચી જતો. તેના સ્વપ્ના ઘણાં ઊંચા હતા. પોતાના સ્વપ્નાઓ સાકાર કરવા તે તનતોડ મહેનત પણ કરતો. પરંતુ રોજ સવારે ૧૧ વાગ્યે તેનો જૂનો સ્કૂલ ફ્રેન્ડ તેને મળવા આવતો. તે વાતોમાં ઘણો હોંશિયાર. એટલે અવનવી વાતો કર્યા કરતો.

ૂબંને મિત્રો વાતોમાં એવાં પરોવાઈ જતાં કે કોઈ ઘરાક પૂછવા કે ખરીદવા આવ્યો હોય તો બલબીર એને ટૂંકા જવાબો આપી પુટાસ કરી દેતો હતો.

બપોરે ૩ વાગ્યે બંને મિત્રો દુકાન બંધ કરી હોટલમાં જમવા જતા હતાં. સાંજના પણ મોડે સુધી પેલો મિત્ર બલબીરની જ દુકાનમાં પડયો પાથર્યો રહેતો હતો. ધીરે ધીરે બલબીર એની હાજરીથી અકળાવા લાગ્યો. પણ એને દુકાને આવવાની ના ન કહી શક્યો. તે જેમ જેમ તેના મિત્રને સહન કરતો જતો હતો. તેમ તેમ તેનો માથાનો દુઃખાવો વધતો જતો હતો. ધીરે ધીરે પેલા મિત્રનાં શો રૂમ પર આવવાનાં સમયે બલબીરનું માથું જોર જોરથી લબકારા લેવા માંડ્તું.

કેમ ? કારણ મિત્ર તેના ધંધાના વિકાસનાં સ્વપ્નાઓની આડે આવતો હતો. પોતે તેને સાફ ના પાડવાની હિમ્મત દાખવી શક્તો ન હતો. તેથી તેનો માથાનો દુઃખાવો વધતો જતો. મિત્રને સહન કરવા જતાં બલબીરને માથાના દુઃખાવાની ભેટ મળી હતી.

સતત માથાનાં દુઃખાવાને કારણે તેણે દુકાને જવાનું બંધ કરવું પડયું. ક્યારેક તે દુકાન ખોલતો તો અધવચ્ચેજ બંધ કરી પાછો આવી જતો.

આવી તો કેટલીયે કથનીઓ છે. કદાચ તમારી કથની પણ આમાંથી કોઈને મળતી આવતી હોય. આ બધાની કહાનીઓમાં સામ્ય એ છે કે તેમણે પોતાની જાતની અને પોતાના હીતની અવગણના કરી હતી.

શું તમે એમ માનો છો કે આ બધાં સામાન્ય વર્તણૂકનાં ઉદાહરણો છે ? ના.. હકીકતમાં આ બધાં બીમાર મનોદશા ધરાવતા લાગણીશીલ લોકોનાં ઉદાહરણો છે. તમે ધારો તો એમનાથી કંઈક જુદા બની શકો છો અને જાત અવગણનાથી પર રહી તમારા હક માટે '‘ASSERTIVE સ્વાગ્રાહી બની શકો છો.

'Assert નો અર્થ થાય છે નિશ્ચયપૂર્વક ગંભીરતાથી કહેવું. પોતાના હક માટે પોતાનો દાવો મક્કમતાથી રજુ કરવો. આમાં આગ્રહનો ભાવ વિશેષ છે એટલે મે 'Assertનાં અર્થમાં સ્વઆગ્રહ એટલે કે સ્વાગ્રહી શબ્દ વિકસાવ્યો છે.

Assert  ક્રિયાપદ પરથી Assertiveness શબ્દ બન્યો છે. જેને હું આ પુસ્તકમાં સ્વાગ્રહિતા તરીકે ઓળખાવિશ.

એસર્ટીવનેસ ટ્રેઇનીંગ એટલે પોતાના હક માટે પોતાનો દાવો મક્કમતાથી રજૂ કરવાની તાલીમ. એટલે કે સ્વાગ્રહિતાની તાલીમ. તમે પણ સ્વાગ્રહી બનો અને સ્વાગ્રહિતાની તાલીમ લો એ આ પુસ્તકનો આશય છે.

યાદ રાખો સ્વગ્રહી બનવું એ સ્વાર્થીપણાનો પ્રકાર નથી.

તમારા માનસિક સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે તમે જાત અવગણના નહીં પણ તમારી જાતમાં રસ દાખવતા થાવ. તમારી જાતને પ્રેમ કરવાની કળા હસ્તગત કરો. મારા પુસ્તક 'શૂન્યથી શિખર સુધી' માં મંય જાતને કહો આઈ લવ યુ એ પ્રકરણનો સમાવેશ કર્યો છે જે વાંચી જવાનું સૂચન કરું છું. દુનિયામાં એવાં ઘણાં લોકો છે જે પોતાનું જીવન પોતાની મરજી મુજબ જીવે છે. તેમનાં જીવન પર તેમનો પોતાનો જ કાબુ હોય છે બીજાઓનો ક્યારેય નહીં.

યાદ રાખો તમે તમારું સ્વપણું જાળવી રાખો એનો અર્થ બીજાઓનું સ્વપણું તમે જુટવી લો છો એવું નથી. બીજો આપણા જીવનમાં દખલ ન કરે અને આપણે આપણા હીતની જાળવણી કરીએ એ આપણો હક છે.

યાદ રાખો તમારે તમારી ઇચ્છા મુજબ જીવવાનું છે. બીજાઓની દોરવણી મુજબ નહીં. આ માટે જાત અવગણનાથી તમે કેવી રીતે દૂર રહી શકો તેના પાયાનાં મનોવૈજ્ઞાાનિક સિધ્ધાંતની સમજથી તમારું વર્તન બદલાશે, વાતાવરણ બદલાશે અને તમારું જીવન પણ બદલાશે.

ન્યુરોગ્રાફ

સ્વસુરક્ષા અને સ્વાગ્રહિતા એ સ્વચ્છંદતા નહીં પણ સ્વતંત્રતા છે.

- ડો.મૃગેશ વૈષ્ણવ

Tags :