- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- એવા ઘણા જીવન છે જે પૂરેપૂરું જીવન જીવે એના પહેલા જ જિન્દા લાશ બની જાય છે. પ્રેમ અને ઉષ્માથી છલોછલ સંબંધો એકએક શુષ્ક, નીરસ અને શાંત કેમ બની જાય છે ?
ગ યા લેખમાં આપણે સંબંધોના નિ:શબ્દ અંત વિશે ચર્ચા કરી ગયા. હવે પ્રેમી-પ્રેમિકા, પતિ-પત્ની, માતા-પિતા અને સંતાન તથા બે મિત્રો વચ્ચેના સંબંધોનો નિ:શબ્દ અંત કેવી રીતે આવે છે એ દ્રષ્ટાંત સાથે સમજીશું. અનાયા અને ધ્રુવનો પ્રેમ સંબંધ શરૂઆતમાં ખૂબજ જીવંત અને લાગણીના ધસમસતા ઘોડાપુર જેવો હતો. કલાકો સુધી ચાલતી વાતો અને નાનીનાની ક્ષણો અને પ્રસંગોમાં ખુશી શોધવી, સુમધુર ભવિષ્યના સ્વપ્નાઓ જોવા એ બધુ જ હતું. જીવન જાણે કવિતામય બની ગયું હોય એવી અનુભૂતિ થતી હતી. અનાયાને લાગતું હતું કે ધ્રુવ તેને સૌથી વધુ સમજતો હતો. પરંતુ સમય સાથે ધ્રુવ ધીમે ધીમે દૂર થવા લાગ્યો. અનાયા એ કરેલા મેસેજનો જવાબ ઘણો મોડો આવતો અથવા ક્યારેક નપણ આવતો. અનાયાનાં ફોનકોલ્સનો જવાબ ટાળતા ધ્રુવનાં આ બદલાયેલા વર્તનને સમજવા અનાયાએ ઘણાં પ્રયત્નો કર્યાં. એ શરૂઆતમાં પૂછતી,
'શું થયું છે'
'તું કેમ આટલો બધો બદલાઈ ગયો છે?' આવા પ્રશ્નોનો દરેક વખતે ધ્રુવ તરફથી જવાબ મળતો -'કંઈ નથી.' અહીથી અનાયાની અંદર એક બદલાવ શરુ થયો. તેણે પૂછવાનું બંધ કર્યું. તે ધ્રુવને મેસેજ લખતી પણ મોકલતી નહિ. તેના દિલમાં ધ્રુવ માટે હજી પ્રેમ હતો પરંતુ સાથે સાથે હવે થાક પણ હતો. એક દિવસ તેણે ધ્રુવને માત્ર એટલું કહ્યું 'ચાલ હવે રહેવા દે.' આ વાક્ય પછી સંબંધ તુટયો નહિ પણ મૌન બની ગયો. આ કેસ હિસ્ટ્રી બતાવે છે સંબંધોમાં પ્રેમ અને થાક વચ્ચેની હાલકડોલક મનોસ્થિતિ પછી લાગણીઓ પાછી ખેંચી લેવાય છે અને આખરે સંબંધોનો નિ:શબ્દ અંત આવે છે.
રીના અને મિહિર બહારથી એક મેઈડ ફોર ઈચ અધર જેવું દંપતી લાગતું હતું. ઘરમાં પણ બધું યથાવત હતું. પરંતુ અંદરથી સંબંધ સાવ ખાલી થઇ ગયો હતો. મિહિર કામમાં વ્યસ્ત રહેતો. ઘેર આવતો પણ તેની હાજરી માત્ર શારીરિક રહેતી. મન અને લાગણીથી તે રીના પાસે ન હતો. રીના શરૂઆતમાં વાત કરતી, પોતાની પીડા વ્યક્ત કરતી અને વારંવાર જાણવા માંગતી કે,
'તું મને સાંભળતો કેમ નથી?'
'મારે તારી જરૂર છે.'
'શું તને મારી કોઈ જ જરૂર નથી?'
વર્ષો સુધી રીના આવા પ્રશ્નો પૂછતી રહી પરંતુ તેનો કોઈ સાચો પ્રતિસાદ મળ્યો નહીં. ધીમે ધીમે રીનાએ બોલવાનું બંધ કર્યું. તે હવે માત્ર જરૂર પૂરતી જ વાત કરતી હતી. તેની બધી જ લાગણીઓ અંદર દબાઈ ગઈ.
એક દિવસ મિહિરે પૂછયું - 'તું હવે પહેલા જેવી કેમ નથી રહી?'
રીનાએ જવાબ આપ્યો - 'હવે કંઈ જ કહેવાનો અર્થ નથી.' આ કેસ હિસ્ટ્રી ભાવનાત્મક થાક (Emotional Burnout)- દબાવી રાખવું (Supression)- આંતરિક અલિપ્તતા (Inner Detachment) દર્શાવે છે.
આરવ બાળપણમાં પોતાની માતાથી ખૂબ જ નજીક હતો. તે પોતાની દરેક લાગણી એની સાથે શેર કરતો. પરંતુ જ્યારે પણ તે તેની પીડા, મૂંઝવણ અને ડર લઈને માતા પાસે જતો ત્યારે એને સંભાળવા મળતું, 'આટલો ઢીલો પોચો ન થા.' 'આમ વાત વાતમાં રડવાનું ન હોય.' 'મજબુત બન.' પોતાની લાગણી પ્રત્યે માતા તરફથી આવી અવગણના મળી ત્યાર પછી તેણે ધીમે ધીમે બોલવાનું બંધ કર્યું. હવે માતા જ્યારે પૂછતી કે 'શું વાત છે' ત્યારે આરવ તરફથી જવાબ મળતો 'કંઈ નહીં'. આ 'કંઈ નહીં'ની પાછળ ઘણું બધું હતું પરંતુ હવે તે બહાર આવતું ન હતું. આ કેસ હિસ્ટ્રી બતાવે છે સંબંધોમાં બંધન તૂટવું (AttachementRupture) - ભાવનાત્મક બંધ થઇ જવું (emotional Shutdown) - મૌન અંતર (Silent Distance) આ પ્રક્રીયા પછી ધીમે ધીમે સંબંધોનો નીથશબ્દ અંત આવે છે.
રજતને લાગતું હતું કે તેના પિતા તેને સમજતા નથી માત્ર આદેશો આપે છે.
'આ કર.'
'આવું કરવું નહીં.'
પિતા માટે આ પુત્રની કેર લેવાની રીત હતી. પરંતુ રજત માટે પિતાની આવી રીત તેના પર કંટ્રોલ રાખવાની પધ્ધતિ બનતી ગઈ. જ્યાં એકાનુભૂતિનો અભાવ હોય ત્યાં પ્રેમ પણ દબાણ જેવો જ લાગે છે. ધીમે ધીમે રજતે પિતા સાથે પોતાના દિલની વાતો શેર કરવી બંધ કરી દીધી. એ ઘરમાં રહેતો પણ પિતાથી લાગણીની દ્રષ્ટિએ જોજનો દૂર હતો. આ કેસ હિસ્ટ્રી બતાવે છે. નિયંત્રણ સામે સમજણ (Control v/s Understanding) - દૂર થવું (Withdrawal) - ભાવનાત્મક અંતર (Emotional gap) જેવા ઘટકો સંબંધોનો ની:શબ્દ અંત લાવે છે.
કવિતા અને મિતાલી વર્ષો સુધી ગાઢ મિત્રો હતાં. એકબીજાની દરેક વાત શેર કરતાં. દરેક મુશ્કેલીના સમયમાં સાથે રહેતાં. પરંતુ જીવન બદલાયું, પ્રાથમિકતાઓ બદલાઈ. એકની કેરીઅરમાં વ્યસ્તતા વધી અને બીજીનાં જીવનમાં નવા સંબંધો આવ્યા. વાતો ઓછી થઇ. મળવાનું પણ ઓછું થયું. કોઈ ઝઘડો નહતો. સંબંધોના બ્રેકઅપ જેવું પણ કઈ નહતું. પણ એક દિવસ બંનેને સમજાયું કે હવે વાત કરવા માટે ખાસ કંઈ બાકી રહ્યું નથી. આ કેસ હિસ્ટ્રી બતાવે છે કે ધીમે ધીમે અલગ થવું (Gradual Disengagement) - સંબંધોનાં જોડાણમાં ઘટાડો (Reduced Connection) -સ્વાભાવિક મૌન (Natural Silence)ની પ્રક્રિયા દ્વારા સંબંધોનો નીથ શબ્દ અંત આવે છે. ઉપરની પાંચેય કેસ હિસ્ટ્રીમાં દર્શાવાયેલ સંબંધોની ઉષ્મા અને ત્યાર
પછીની શુષ્કતા જે સંબંધોનો નિ:શબ્દ અંત લાવે છે તેને પાંચ તબક્કામાં સમજી શકાય.
૧. આદર્શીકરણ (Idealization)
શરૂઆતમાં 'એ મને સમજશે'. આ તબક્કો માનસિક રીતે ખૂબજ શક્તિશાળી હોય છે. અહીં આપણે વાસ્તવિક વ્યક્તિને નહીં પરંતુ આપણે પોતાના મનનાં આદર્શ પ્રતિબિંબને પ્રેમ કરીએ છીએ.
૨. અપેક્ષા અને પ્રયત્નો (Expectation and Effort)
આ તબક્કામાં વારંવાર સમજાવાનો પ્રયાસ થાય છે. અહીં સંબંધોને જીવંત રાખવા માટે વ્યક્તિ સતત પ્રયત્નશીલ રહે છે. એટલે વાર્તાલાપ હજી ચાલે છે.
૩. નિરાશા અને થાક (Disappointment and Emotional Fatigue)
'તું વધારે વિચારે છે' એવો વારંવાર મળતા પ્રતિશાદ ને કારણે હવે પ્રેમ છે પણ સાથે સાથે થાક પણ છે.
૪. વિમુખતા (Emotional Withdrawal)
'હવે સમજાવાની જરૂર નથી.' સંબંધોમાં આ સૌથી મહત્વપૂર્ણ વળાંક છે. અહીં લાગણીઓ પાછી ખેંચાય જાય છે.
૫. મૌન અને સ્વીકાર (Silence and Acceptance)
અહીં સંબંધ તૂટતો નથી પરંતુ શાંત થઇ જાય છે. અને આ તબક્કાથી હિલીંગ શરુ થાય છે. જ્યારે સંબંધો શાંત થાય છે ત્યારે જીવન ખાલી લાગતું હોય છે પણ એ ખાલીપણું ખરેખર એક નવી શરૂઆત હોય છે. સંબંધોનાં નિ:શબ્દ અંતથી પોતાની જાતને હતાશામાં ગરકાવ થતી બચાવવા આટલું કરો.
પોતાની લાગણીઓને માન્યતા આપો.
પોતાની જાત સાથે જોડાણ કરો. (Self Connection)
મર્યાદાઓ નક્કી કરો.
પરિસ્થિતિનો સ્વીકાર કરો.
અહીં સંબંધોમાં અપેક્ષાઓ છોડવી જરૂરી છે. એનો અર્થ ભૂલી જવું એવો નથી પરંતુ અંદરથી મુક્ત થવું એવો છે.
સંબંધો ક્યારેક અવાજ સાથે તૂટે છે પરંતુ મોટેભાગે શાંતિથી પૂરા થાય છે. અને આ શાંતિમાં એક ઊંડો સંદેશ હોય છે. 'જ્યારે સમજાવાની ઈચ્છા ખતમ થાય છે ત્યારે સંબંધોનો અંત શરુ થાય છે. અને જ્યારે સ્વીકાર જન્મે છે ત્યારે ઉપચાર શરુ થાય છે.'
જીવનની આજ સૌથી સુંદર અને સૌથી શાંત વાસ્તવિકતા છે.
ન્યુરોગ્રાફ :
મૌન સંબંધોનો સૌથી મોટો શત્રુ છે.


