અવગતે ગયેલ આત્મા 'ઝંડ' બની વ્યક્તિના શરીરમાં પ્રવેશે?
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- ઝંડ તરીકે ઓળખાતી ભૂતની પ્રજાતિને કરોડરજ્જુ નથી હોતી. એટલે આ 'સ્પાઇન-લેસ' ભૂતને સાચવવા બે-ત્રણ ભૂતો તેમની પાછળ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે !! ઝંડ અને તેના બે બોડીગાર્ડ ભૂતને કન્ટ્રોલ કરવા સ્માર્ટફોન મોબાઈલનો ઉપયોગ કરવો પડે!
અ જયનો ગુસ્સો વધતો જતો હતો. હવે તે કોઇના કહ્યામા રહ્યો ન હતો. મનફાવે ત્યારે મોડી રાત્રે ઘરમાં આવવું તોર ચડે તો રાત્રે મોડા સુધી ડી.વી.ડી. પ્લેયર ચાલુ કરી ડાન્સ કરવો અને ઘરનાં કોઈ સભ્ય વોલ્યુમ ધીમુ કરવાનું કહે તો ગાળાગાળી કરવી. સવારે અગીયાર-બાર વાગ્યા સુધી ઘોરવું. આટલા મોડા ઉઠયા પછી ઉઠતાં વેંત સતત મિત્રો સાથેવાત કર્યા કરવી અને પછી અચાનક બહાર નીકળી જવું. બહાર નીકળતી વખતે મમ્મી પાસે હાથખર્ચી માટે બે-ત્રણ હજાર રૂપિયા માંગવા, મમ્મી જો જરાક પણ આનાકાની કરે તો બે ધોલ વળગાડી દેવી.
અજયના તરંગો અને શોખો પણ અજબ ગજબના હતા મિત્રો પાછળ પૈસાનો ધુમ ખરચો કરવો રોજ નવાં આયોજનો કરવાં. ક્યારેક પબ્લીક લીમીટેડ કંપની બનાવી તેનો પલ્બીક ઇસ્યુ બહાર પાડવાનું આયોજન કરવું !! તો ક્યારેક મર્સીડીસ કારનો શો રૂમ ખોલવાની યોજના કરવી !! તો ક્યારેક નવી ટાઉનશીપની સ્કીમ કરવાનું આયોજન કરવું.
પપ્પા શાંતિથી સમજાવે કે 'બેટા એમ હવાઈ યોજનાઓ ન ઘડાય, પછેડી જોઈ સોડ તણાય. આપણી પાસે એટલા પૈસા નથી કે તું જે કરવા ધારે છે એ કંઇપણ આપણે કરી શકીએ.' પપ્પાની વાત સાંભળી અજય ગુસ્સામાં બરાડતો.
'યુ ઓલ્ડમેન પૈસા કમાવા માટે પૈસાદાર થવું જરૂરી નથી. પૈસા કમાવવા માટે મગજમા રીચ આઈડીયા આવવા અને તમારા આ આઈડીયા લોકોના મનમાં ઠસાવવાની આવડત હોવી જરૂરી છે. ઓ.કે. મારૂં ભેજું બહુ ફળદ્રુપ છે અને હું રેતીમાં વહાણ ચલાવા સક્ષમ છું.'
'આઈ.એમ.ફ્યુચર રતન ટાટા સમજ્યા મિસ્ટર ભૂપતરાય દવે ?'
'હું આધુનિક કાર બનાવવાની અફલાતુન ફેકટરી નાંખીશ. મારામા અજબની તાકાત છે જે તમારા જેવા ફાલતુ બેન્કના પુઅર કર્મચારીની કલ્પના અને સમજની બહાર છે હેવ એ નાઇસ ડે પુઅર...ઓલ્ડ...મેન.'
આવું બોલી અજય ઘરની બહાર કારની ચાવી લઇ નીકળી જતો અને પૂરઝડપે ગાડી ભગાડી ઘડીના છઠ્ઠાભાગમાં અદ્રશ્ય થઇ જતો.
પિતા પુત્ર વચ્ચે આ પ્રકારના સંવાદો અવાર નવાર થતા, પછી અજય ધસમસતા ઘોડાપુરની જેમ બહાર નીકળી જતો ત્યારે ભૂપતભાઈનો જીવ તાળવે ચોટી જતો. અજય પાછો આવે ત્યાં સુધી તેમને દહેશત રહેતી કે તે ભયાનક એક્સીડન્ટ કરી નાંખશે તો ?
હંમેશાં મોટી મોટી વાતો અને મોટાં મોટાં આયોજનો કરનાર અજયનો મિત્રવર્ગ બહોળો હતો. પરંતુ ઘરમા માં-બાપ સાથે તેને બારમો ચન્દ્રમા હતો તેમના પર તે ખૂબ ગુસ્સો કરતો, ક્યારેક ગાળાગાળીને ધોલ-ધપાટ પણ કરી લેતો.
એક રાત્રે અજય મોડે સુધી પાછો નહોતો ફર્યો એટલે ભૂપતભાઇ અને તેમના પત્ની ઘણાં ચિંતિત હતા ત્યાં જ તેમના પર અજાણ્યો ફોન આવ્યો કે જેમાં ફોન કરનાર અજાણી વ્યક્તિએ કહ્યું
'અજયની કારને ગંભીર અકસ્માત થયો છે, તમે સ્થળ પર તાત્કાલિક પહોંચો' આટલું કહી એડ્રેસ આપી અજાણી વ્યક્તિએ ફોન મૂકી દીધો.
મા-બાપ બેબાકળા બની ઘટના સ્થળે પહોંચી ગયાં ત્યાં જઇને તેમને જોયું કે કારનોઝાડ જોડે અથડાવાથી કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને અજય અટ્ટહાસ્ય વેરતો બાજુમાં ઉભો હતો. મમ્મી-પપ્પાને ત્યાં આવેલા જોઇ તે બોલ્યો
'જોઈ આપણી કમાલ ! કારનો કચ્ચરઘાણ નીકળી ગયો પણ મને એક ઘસરકો પણ ન વાગ્યો ! હવે તમને બધાને બતાવવા આ ખેલ રોજ ખેલાશે. આખી દુનિયાને બતાડી આપવામાં આવશે કે અજય અબજોપતિ એક 'સુપર-ડુપર'મેન છે.'
આ ઘટનાના સમાચાર સગાં-સંબંધીઓમાં ફેલાય એટલે લોકોએ ભૂપતભાઈને કહ્યું ''નક્કી અજયને કંઇક વળગ્યું છે. કોઇકે કંઇક કરી નાંખ્યું છે. એ તો ડાહ્યો ડમરો છે. એની પાસે કોઈ પ્રેત આવા ખેલ કરાવે છે. તેને કોઈ ભૂવા તાંત્રિક કે માંત્રિકને બતાવો.''
ભણેલ ગણેલ ભૂપતભાઈ અજયમાં પ્રવેશેલી કહેવાતી પ્રેતશક્તિને ઓળખી કાઢવા લોકો લઇ ગયા તે ભૂવા પાસે ગયા અજયમાં રહેલા પ્રેતને ઓળખી કાઢવા ભૂવાએ તેની બધી જ વિદ્યા અને તાકાત કામે લગાડી. ત્રણ દિવસની સાધના પછી તેણે જાહેર કર્યું કે અજયને 'ઝંડ' વળગ્યું છે. ઝંડ તરીક ઓળખાતા ભૂતને કરોડરજ્જુ હોતી નથી. એક ઝંડની પાછળ બીજાં બે ભૂતહોય છે. જે કરોડરજ્જુ વગરના ઝંડને સાચવવાનું કામ કરે છે.
આવાં ભૂત છેલ્લા થોડાક સમયથી જ ધ્યાનમાં આવ્યા છે. આ ભૂત તમારા સર્કલમાં અકાળે મૃત્યુ પામેલ ત્રણ અતૃપ્ત આત્માઓના છે. તેમની મુક્તિ કરાય તો જ અજયની તકલીફ મટે. આ માટે ચોક્કસ પ્રકારની વિધિ કરાય તો જ પ્રેતાત્માઓને મુક્તિ મળે. વિધિની કીંમત લગભગ સવા-લાખ જેટલી થઇ શકે.
ભૂપતભાઈ આ બધું માનવા તૈયાર ન હતા પણ લોકોએ તેમને એક સત્ય યાદ અપાવ્યું કે ત્રણ વર્ષ પહેલાં તેમના વતનના ગામડામાં રહેતા એક કુટુંબને અકસ્માત નડેલો. જેમાં એક જણને કરોડરજ્જુ પર ગંભીર ઇજા થયેલ. કદાચ આ માણસનો અવગતે ગયેલ આત્મા જ ઝંડ બની અજયના શરીરમાં પ્રવેશ્યો હશે. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ પણ મરી ગયા હતા તેમનો અવગતે ગયેલ આત્મા એટલે 'ઝંડ'ને સાચવવાવાળો બીજા બે ભૂત હોઈ શકે. આ ત્રણેય પ્રેતાત્માઓ જ અજયના શરીરમાં પ્રવેશી તેની પાસે વિચિત્ર વર્તન કરાવે છે.
ભૂપતભાઇ હવે લોકોનો ઝાઝો વિરોધ કરી શકે તેમ ન હતા, કારણ જે ઘટના તેમને યાદ પણ ન હતી એનો ઉલ્લેખ ભૂવાએ કર્યો હતો. એટલું જ નહીં ભૂપતભાઈના સર્કલમાં અકાળે મૃત્યુ પામેલ વ્યક્તિઓના આત્મા જ અજયના શરીરમાં પ્રવેશ્યા છે એટલી સચોટ વાત ભૂવાએ કરી હતી. એ વાત સ્વીકારી પુત્રના શરીરમાં પ્રવેશેલા 'સ્પાઇન-લેસ' ભૂત ઝંડને અને તેના બે બોડીગાર્ડ ભૂતને ભગાડવાની વિધિ માટે સવા લાખ રૂપિયા ભેગા કરી પેલા ભૂવાને ચૂકવી દઇ વિધિ કરવા સંમતિ આપી દીધી.
ભૂવાએ બે રાત્રિ સાધના કરી અને ત્રીજી રાત્રે અજયના કુટુંબીજનોને બોલાવીને કહ્યું કે 'જેમ કરોડરજ્જુ વગરના' સ્પાઈન લેસ માણસો નિર્માલ્ય હોય છે અને ગમે તે બાજુ ઢળી પડે એવું જ 'ઝંડ'નું છે. મેં બે રાત્રિની સાધના દરમ્યાન ત્રણેય ભૂતને પૂછ્યું કે અજયના શરીરમાંથી બહાર નીકળવાનું તેઓ શું લેશે ? તો બધું નક્કી કર્યા પછી પેલું ઝંડ ફરી જાય છે અને વધારે માગણી કરે છે. ઝંડને જોઇએ તે આપવામાં ખર્ચો સવાલાખથી વધારે થાય તેમ છે.
ભૂપતભાઈએ ભૂવાને ખાતરી આપી કે પચ્ચીસ-પચાસ હજાર વધારે ખર્ચો થાય તેનો તેમને વાંધો નથી પણ તેમનોપુત્ર આ પીડામાંથી મુક્ત થવો જોઇએ.
ભૂવાએ એ બાબતની ખાત્રી આપતા જણાવ્યું કે આ ઝંડને બરાબર કંટ્રોલ કરવા આધુનિક મોબાઈલ અને વેવ્સનો ઉપયોગ કરવો પડશે. લેટેસ્ટ મોડલના મોબાઈલથી તે અજયના મગજમાં વેવ્સ દ્વારા સંદેશાઓ મોકલશે જે ઝંડ સુધી પહોંચશે અને તે અઠવાડીયામાં ઉચાળા ભરશે !!!
ભૂપતરાય દવે એ ભૂવાની માંગણીને ધ્યાન મા લઇ તદ્દન નવોનક્કોર સેમસંગ ગેલેક્સી-૧૦ મોબાઈલ ખરીદી ભૂવાને આપી દીધું.
આધુનિક પ્રેતાત્માઓને કંટ્રોલ કરવા સ્માર્ટ ફોન જેવા આધુનિક ઉપકરણો કેવી કમાલ કરે છે તેની ચર્ચા હવે પછી.
ક્રમશઃ