mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આપણે ગરીબ છીએ તેનું કારણ વિધિના લેખ નથી

Updated: Sep 19th, 2023

આપણે ગરીબ છીએ તેનું કારણ વિધિના લેખ નથી 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- બધી જ સફળતાની શરૂઆત એ કાર્ય પૂરુ કરવાની દ્રઢ ઇચ્છા શક્તિથી થાય છે. જેમ ધીમા તાપે અનાજ રંધાતું નથી તેમ કમજોર ઇચ્છાથી મોટી સફળતા ક્યારેય મળતી નથી. સફળતા માટે જરૂરી છે બળબળતી મહત્વાકાંક્ષા.

બે ટા એસ.બી. આપણે ગરીબ છીએ એનું કારણ કુદરતી આપણી ક્રૂર મજાક કરે છે કે પછી વિધાતાએ લખેલા લેખ છે એ નથી. પણ આપણે ગરીબ એટલા માટે છીએ કારણતારા પિતાએ ક્યારેય ધનવાન બનવાની ઇચ્છા જ રાખી ન હતી.

હા...આજ દિન સુધી આપણા બાપદાદાઓએ ક્યારેય ધનવાન થવાનો વિચાર સુધ્ધાં નથી કર્યો.

'આપણી ગરીબી ઇશ્વરેચ્છા નથી પણ આપણે પૈસાદાર થવાની ક્યારેય ઇચ્છા સુધ્ધાં કરી નથી.' એસ.બી. ફુલરના કૂમળા દિમાગમાં માતાના આ વાક્યો ઊંડે ને ઊંડે ઉતરી ગયાં. એસ.બી.નીગ્રો ખેતમજૂરનું સાતમું સંતાન હતા. માતા આ પુત્રને અલગ રીતે ઉછેરવા માગતી હતી. તે નાનપણથી જ પુત્રને તેના સ્વપ્નાઓની વાતો કહેતી હતી.

માતાના વાક્યોએ ફુલરની વિચારધારાને જડમૂળમાંથી બદલી નાંખી. એને એનું મન એના પર કેન્દ્રિત કર્યું જે પામવાની તેને ઇચ્છા હતી અને જે નહોતું જોઇતું એના પરથી મન હટાવી લીધું. પૈસાદાર બનવાની બળબળતી મહત્વાકાંક્ષા તેના દિલમાં પેદા થઇ.

ઝડપથી પૈસા બનાવવા માટે તેણે કોઇક વસ્તુનું વેચાણ કરવાનું નક્કી કર્યું. આ માટે બાર વર્ષ તેણે ડોર ટુ ડોર ડીટર્જન્ટ સાબુનું વેચાણ કર્યું. કઠોર પરિશ્રમ, અડગ નિર્ધાર અને કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા, પ્રામાણિકતાસ્ને શિસ્ત સાથે પેની-પેનીની બચત કરી બાર વર્ષમાં તેણે પચીસ હજાર ડોલરની બચત કરી.

એને ખબર પડી કે જે કંપનીમાંથી તે ડીટર્જન્ટ સાબુ લેતો હતો તે ૧ લાખ ૫૦ હજાર ડોલરમાં વેચવા કાઢી હતી. ફુલરે પડકાર ઝીલી લીધો. ૨૫ હજાર ડોલર ડીપોઝીટ રૂપે જમા કરાવ્યા. બાકીના પૈસા દસ દિવસમાં જમા કરાવવાના હતા નહીં તો ડીપોઝીટ જપ્ત થાય તેમ હતી.

એસ.બી.ફુલર જુદા જુદા વેપારીને મળ્યાં. ૧ લાખ ૧૫ હજાર ડોલર ભેગા થયા, દસ હજાર ડોલર હજી બાકી હતા. છેલ્લી રાત હતી, કામ મુશ્કેલ હતું. પણ બળબળતી ઇચ્છા હતી પોઝીટીવ મેન્ટલ અટીટયુડ હતું. એ ઓછા જાણીતા વેપારીને નફાની ખાત્રી કરાવી આ રકમ તેમણે મેળવી લીધી.

એસ.બી.ફુલર કહે છે, 'તમારે શું જોઇએ છે એની તમને ખબર હોય તો તમે એને બહુ સહેલાઇથી ઓળખી શકો. દિવાસ્વપ્નોને હકીકતોમાં બદલી શકો.'

યાદરાખો તમારૃં ધ્યેય કુદરતના નિયમોની વિરૂદ્ધ ન હોય તો પ્રયત્ન કર્યા કરો. પ્રયત્ન કરવામાં તમારે કંઇ જ ગુમાવવાનું નથી. જે લોકો હકારાત્મક મનોવલણ, સાથે પ્રયત્નો કરે છે તે સફળતા મેળવે જ જંપે છે.

સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા ધ્યેય પ્રાપ્ત કરવાની દ્રઢ ઇચ્છાશક્તિથી આવે છે.

નેપોલિયન હિલે કહ્યું છે. 'માણસ જે વિચારી શકે છે  અને જેમાં વિશ્વાસ ધરાવે છે અને તે મેળવી ને રહે છે.'

સોક્રેટીસને એક નવયુવાને સફળતાનું રહસ્ય પૂછ્યું.

સોક્રેટીસે એ નવયુવાનને કહ્યું 'કાલે સવારે નદી કિનારે મને મળજે, સફળતાનું રહસ્ય સમજાવી દઇશ.'

બીજે દિવસે બન્ને નદી કિનારે મળ્યા. સોક્રેટીસે પેલા નૌયુવાનને એની સાથે નદીમાં ચલાવાનું કહ્યું.

આગળ વધતાં વધતાં જ્યારે પાણી પેલા યુવાનની ગરદન સુધી આવ્યું ત્યારે સોક્રેટીસે અચાનક એ નવયુવાનનું માથું પકડીને પાણીમાં ડૂબાડયું. છોકરો બહાર નીકળવા માટે છટપટાવા લાગ્યો. સોક્રેટીસે એ છોકરો ભૂરો પડવા ન માંડયો ત્યાં લગી એને છોડયો નહીં.

ત્યાર પછી જ સોક્રેટીસ એનું માથું પાણીની ઉપર લાવ્યો એણે સૌથી પહેલાં ઊંડા ઊંડા શ્વાસ લીધા.

સોક્રેટીસે પ્રશ્ન કર્યો, 'જ્યારે તારૃં માથું પાણીની અંદર હતું ત્યારે તને સૌથી વધારે કંઇ વસ્તુ મેળવવાની ઇચ્છા હતી ?'

પેલા નવયુવાને જવાબ આપ્યો, 'હવા' સોક્રેટીસ બોલ્યા. સફળતા મેળવવાનું આ જ રહસ્ય છે. સફળતા મેળવવાની ઇચ્છા એટલી તીવ્ર અને ગહેરી હો જેટલી કે ડૂબતી વ્યક્તિને હવા મેળવવાની જરૂરીયાત હોય છે. તો તમને સફળતા જરૂર મળશે. બસ સફળતા મેળવવાનું આ એક મહત્વનું રહસ્ય છે.

બધી જ સફળતાની શરૂઆત એ પુરું કરવાની દ્રઢ ઇચ્છાશક્તિથી જ થાય છે. જેવી રીતે ધીમા તાપે અનાજ રંધાતું નથી એવી રીતે કમજોર ઇચ્છાથી મોટી સફળતા ક્યારેય નથી મળી શકતી.

અત્રે પ્રશ્ન એ થાય કે તમારામાં બળબળતી મહત્વાકાંક્ષા હોય પણ તમે કોઇ શારીરિક ક્ષતિના શિકાર હોવ તો પછી એ મહત્વાકાંક્ષાને પૂરી કેવી રીતે કરી શકાય ?

માત્ર પોઝીટીવ મેન્ટલ એટીટયુડ ધરાવીને હાથ કે પગની જન્મજાત ખોડખાંપણ સાથે સિદ્ધિ કેવી રીતે મેળવી શકાય ?

ટોમ ડેમ્પ્સીનો જમણો પગ અડધો હતો અને જમણા હાથને નામે માત્ર ઠુંઠું જ હતું. એને ફૂટબોલ રમવાની તીવ્ર ઇચ્છા હતી.

તેની ઇચ્છાને કારણે એના માતા-પિતાએ એને આર્ટિફીસીયલ પગ બનાવડાવી આપ્યો. લાકડાના એ કૃત્રિમ પગને ફૂટબોલના બુટમાં બેસાડવામાં આવ્યો. દિવસે ને દિવસે ટોમ લાકડાના પગથી ફુટબોલને અસરકારક લાત મારતાં શીખવા લાગ્યો. તે ફૂટબોલને જોરથી દૂર સુધી ફટકારવામાં એટલો પાવરધો થયો કે તેને ન્યુ ઓર્લીયન્સ ટીમ તરફથી રમવા માટે પસંદ કરવામાં આવ્યો.

અને એ દિવસ આવ્યો જ્યારે ૬૬૯૧૦ ફૂટબોલ ફેન્સની હાજરીમાં ટોમ ડમ્પ્સીએ ૬૩ યાર્ડનો રેકોર્ડ બ્રેક ગોલ ફટકારી તેની ટીમને જીતાડી.

ટોમ ડીમ્પ્સીની સફળતા નવયુવાનોને નીચેની વાતો શીખવી જાય છે.

૧. જે લોકો ઊંચું ધ્યેય પ્રાપ્ત કરવાની બળબળતી મહત્વાકાંક્ષા ધરાવે છે તેઓ સફળતા પ્રાપ્ત કરે છે.

૨. જે લોકો હકારાત્મક મનોવલણ સાથે પ્રયત્નો કરે છે અને પ્રયત્નો કરવાનું ચાલું રાખે છે તેમને સફળતા મળે છે.

૩. કોઇપણ પ્રવૃત્તિમાં સફળતાની ટોચે પહોંચવા જરૂરી છે પ્રેક્ટીસ પ્રેક્ટીસ અને પ્રેક્ટીસ.

૪. કઠોર પરિશ્રમ અને કામ એક ગમ્મત બની જાય છે જ્યારે તમે ચોક્કસ ઇચ્છિત ધ્યેય નક્કી કરો છો.

૫. તમામ મુશ્કેલીઓની વચ્ચે સરખા અથવા વધારાના લાભની શક્યતા હોય છે જે હકારાત્મક મનોવલણથી પ્રેરિત થાય છે.

૬. મનુષ્યની સૌથી મોટી તાકાત પ્રાર્થનાની તાકાત છે.

જો આપણે એ લોકોની સત્યકથાઓ વાંચીએ જે લોકો ગંભીર શારિરીક ખોડ ખાંપણ છતાં જીવનમાં આગળ વધ્યાં, તો આપણને જણાશે કે સફળ થવાની તીવ્ર ઇચ્છા જ એમના આગળ વધવા માટે ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ચાલક બળ બની રહી. એમના જીવનનું એક ચોક્કસ ધ્યેય હતું. એ લોકો સાબિત કરવા માંગતા હતા કે કોઇપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ છતાં પણ તેઓ કંઇક કરી બતાડશે અને એમણે ખરેખર કંઇક કરી બતાડયું છે.

ઇચ્છા શક્તિને કારણે જ પોલીયોગ્રસ્ત વિમા રૂડોલ્ફ ૧૯૬૦ના ઓલમ્પિકમાં સૌથી ઝડપથી દોડવાવાળી એથલેટનો ખિતાબ અપાવ્યો અને તેણે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા.

ગ્લેન કનિગધનના કહેવા મુજબ ઇચ્છાશક્તિને કારણે એક માઇલની દોડમાં એક છોકરો જેના પગ બળી ગયા હતા એ વિશ્વ રેકોર્ડ બનાવી શક્યો.

પાંચ વર્ષની એક પોલીયોગ્રસ્ત બાળકીએ પોતાના પગની તાકાત પાછી મેળવવા માટે તરવાનું શરૂ કર્યું અને પોતે સફળ થશે એવી અંતરની ઇચ્છાને કારણે જ એને ૧૯૫૬ની મેલબોર્ન ઓલમ્પિક પ્રતિયોગિતાની ત્રણ અલગ અલગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી રેકોર્ડ સ્થાપ્યા. એનું નામ હતું શેલી માન.

જ્યારે લોકો કોઇ ચોક્કસ ધ્યેય વગર અને દિશાશૂન્ય બની જાય છે. ત્યારે સામે ઊભેલી તક તેમણે દેખાતી નથી. તેઓ અવસરને આફતમાં પલટી નાંખે છે.

જ્યારે વ્યક્તિમાં કંઇક મેળવવાની ઇચ્છા હોય પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની દિશા હોય, ચોક્કસ ફોક્સ પર ટકવાની લગન હોય, સખત પરિશ્રમ માટે જરૂરી શિસ્ત હોય તો બાકીની ચીજો સરળ બની જાય છે. પણ જો તમારામાં આ ગુણ ન હોય તો તમારી તમામ આવડત નકામી પુરવાર થાય છે.

ન્યુરોગ્રાફ

ઇતિહાસ લખાય ત્યારે એ પણ લખાય કે આ દેશમાં કેટલાક જીદ્દી લોકો પેદા થયા જે આસમાની ઉંચાઇઓને આંબવાની જીદમાં છેવટે માટીમાં મળી ગયા પણ મરતા પહેલા એ લોકો એમના કદમોના નિશાન છોડી ગયા. બસ આ જીદ સફળતા મેળવવાનું મૂળભૂત કારણ બને છે.

Gujarat