- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- ઊંઘની અછતથી મગજ વધુ સંવેદનશીલ બને છે અને ઓવર થીંકીંગ વધે છે
(ગતાંકથી ચાલુ)
જો લીના કેસમાં એવું બન્યું કે તેને એન્ઝાઈટી, ડીપ્રેશન અને આત્મહત્યા વિશેના અનિચ્છનીય વિચારો વારંવાર આવવા લાગ્યા. મગજમાં ઘુસી જતા આ ‘Intrusive thoughts’ ને કારણે તે ‘Compulsions’ સ્વરૂપે કેટલીક ક્રિયાઓ વારંવાર કરવા લાગ્યો જેવી કે વારંવાર ડોકટર પાસે જવું, ગુગલ કરવું, યુટયુબ જોવી, રીચેક કરવું એટલે કે વસ્તુઓને ફરી ફરીને ચકાસવી જેવા વર્તનો તે કરવા લાગ્યો. ક્યારેક ઘરનું તાળું લોક કર્યા પછી તેને ખાતરી થતી નહતી કે તેણે બરાબર લોક કર્યું છે કે કેમ એટલે તે વારંવાર આને ચકાસતો રહેતો. આના કારણે તેનામાં ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડીસઓર્ડરનાં લક્ષણો પણ આકાર લેવા માંડયા.
ભયાનક બીમારીઓના વિચારોથી ગભરાઈ ગયેલો જોલી ધર્મના સહારે પણ ગયો અને પૂજાપાઠ પણ કરવા લાગ્યો. ધર્મમાં સૂચવાયેલા નિયમો અને પેટર્નને તે ખૂબ કડક રીતે અનુસરવા લાગ્યો. જો તે આ નિયમોનું પાલન ન કરે તો તેને અંદરથી બેચેની, અશાંતિ અને અપરાધભાવના અનુભવાતી હતી. આ પ્રકારની મનોસ્થિતિ ને 'જીબિેૅેર્નજૈાઅ' તરીકે ઓળખાવાય છે જેને ધાર્મિક વળગણ પણ કહી શકાય. આ ઓબ્સેસીવ કમ્પલ્સિવ ડીસઓર્ડરનું જ એક સ્વરૂપ છે. અહીં વ્યક્તિ ધર્મને શાંતિ માટે નહીં પરંતુ ભય અને અશાંતિ ટાળવા માટે અનુસરવા લાગે છે.
જોલીની માનસિક સમસ્યા સમજવા માટે તેના જીવનના પરિપ્રેક્ષ્યને સમજવું ખૂબજ મહત્વપૂર્ણ છે. આપણે અગાઉ જોઈ ગયા તેમ કોવિડના સમયમાં પોતાની સામાન્ય તકલીફ માટે તે ડોકટર ગુગલ અને પ્રોફેસર યુટયુબની મદદ લેવા લાગ્યો. જેથી તેની તકલીફો વધી ગઈ. એવી પરિસ્થિતિમાં ૨૦૨૩માં તેના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું. તે પોતાના પિતાની ખૂબ જ નજીક હતો અને પિતાના મૃત્યુનું દુ:ખ તેને એટલું બધું હચમચાવી ગયું કે આજે પણ પિતાની તસવીર તે જોઈ શકતો નહતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે તે પિતાને ગુમાવ્યા પછીના ‘Unresolved Grief’ એટલે કે અપૂર્ણ શોકની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો હતો એટલે જ સમય જતા પણ પિતાના મૃત્યુના આઘાતમાંથી તે બહાર આવી શક્યો નહોતો. જોલીની જેમ ઘણી વ્યક્તિ બહારથી સામાન્ય દેખાય છે પરંતુ અંદરથી શોક, ખાલીપો અને અસુરક્ષા અનુભવતો હોય છે. પિતાની ગેરહાજરી પછી તેનામાં સલામતી અને માર્ગદર્શનની ખોટ સાલવા લાગી હોઈ શકે છે. આવી ઘટનાઓ પછી કેટલીકવાર અતિશય ચિંતાથી ઘણી વ્યક્તિઓ પીડાવા લાગે છે. જોલીની વૈવાહિક અને અન્ય સંબંધોની હિસ્ટ્રી પણ તેની માનસિક ગૂંચવણને છતી કરતી હતી. તેના પ્રથમ લગ્ન પ્રેમ લગ્ન હતાં પરંતુ સમય જતાં તે પત્નીથી ભાવનાત્મક રીતે દૂર જવા લાગ્યો. ત્યારબાદ તે બીજી વ્યક્તિ તરફ આકર્ષાયો. આ પ્રકારની મનોસ્થિતિમાં વારંવાર જુદીજુદી વાતોમાં રસ પડવો અને ફોન તથા ડીજીટલ દુનિયામાં ખોવાઈ જવું ઘણીવાર ‘Emotional Avoidance’ અર્થાત આંતરિક અસંતુષ્ટતાનું સૂચન હોઈ શકે છે. હાલમાં તેના બીજા લગ્ન થયા છે અને બીજી પત્ની સાથે તેનો લાગણીકીય સંબંધ સારો છે પરંતુ કામેચ્છામાં ઘટાડો અને ફોન પ્રત્યેનું તેનું વધતું આકર્ષણ એ વાત તરફ અંગુલી નિર્દેશ કરે છે કે તેનું એન્ઝાઈટી અને ઓબ્સેસન તેની વ્યક્તિગત જીવનક્ષમતા પર અસર કરી રહ્યા છે. માનસિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ કેસમાં મુખ્યત્વે ત્રણ સ્તરો કામ કરી રહ્યા છે. પ્રથમ બાયોલોજીકલ લેવલ. જેમાં મગજના સિરોટોનીનના લેવલમાં અને ચિંતાને કાબુમાં લાવતી સીસ્ટમમાં અસંતુલન પેદા થયું છે. બીજું સાયકોલોજીકલ લેવલ. જેમાં બાલ્યાવસ્થામાં ઘડાયેલું તેનું માનસ, આઘાતોને સહન કરવાની ક્ષમતા, પિતાના મૃત્યુનું લંબાયેલું દુ:ખ અને ઘટનાઓને વિકૃત સ્વરૂપે સમજી નકારાત્મક વિચારો તરફ વળવું
ત્રીજું સોશિયલ લેવલ. જેમાં યુટયુબ, ગુગલ, સોશિયલ મીડિયા આલ્ગોરિધમ અને સતત મળતી નકારાત્મક માહિતી તેના ડરને વધારી રહી છે. આલ્ગોરિધમ એવી સામગ્રી વારંવાર બતાવે છે જે વ્યક્તિ પહેલેથી જ શોધી રહ્યો હોય. તેથી ડીપ્રેશન વિષે અનેક વિડીઓ જોયા પછી તેના વિચારો સતત વધતા ગયા અને તે આત્મહત્યા તો નહિ કરી નાખેને એનો ડર મજબુત થતો ગયો.
આવા કેસમાં સૌથી અસરકારક સારવાર એસ. એસ આર, આઈ દવાઓ છે. તાવ ઉપરાંત સી.બી.ટી. છે. CBTમાં દર્દીને સમજાવવામાં આવે છે કે તેના વિચારો હંમેશા સત્ય નથી. 'મને ડિપ્રેશન છે એટલે હું આત્મહત્યા કરીશ' જેવી માન્યતાઓને પડકારવામાં આવે છે. દર્દીને એવું શીખવાડવા માં આવે છે કે વિચારો અને વાસ્તવિકતા વચ્ચે તફાવત છે. તેની ઊંઘની સમસ્યા પણ ગંભીર છે. છેલ્લા બે મહિનાથી ઊંઘ ન આવવી ચિંતાના વિષચક્ર ને વધુ ખરાબ બનાવી રહી છે. ઊંઘની અછતથી મગજ વધુ સંવેદનશીલ બને છે અને ઓવર થીંકીંગ વધે છે. રાત્રે ફોનનો ઉપયોગ ઓછો કરવો, નિયમિત ઊંઘનો સમય રાખવો, કેફીન લેવાનું ટાળવું વગેરે મદદરૂપ બની શકે છે. આ ઉપરાંત દવાઓ સારી મદદ કરી શકે છે.
પરિવારની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ રહે છે. પરિવારને સમજાવવું જરૂરી છે કે દર્દીના વિચારો મજાક નથી પરંતુ માનસિક બીમારીનો એક ભાગ છે. અંતમાં, આ કેસ આપણને બતાવે છે કે ડિજિટલ માહિતી, 'સાઇબરકોન્ડ્રિયા', 'કોગ્નીટીવ ડીસ્ટોર્શન' 'ઈલનેસ એન્ઝાઈટી ડીસઓર્ડર' અને ઓ.સી.ડી. રુપે કેવી રીતે વ્યક્તિના જીવનને અસર કરી શકે છે. યોગ્ય સમય પર સારવાર અને પરિવારનો સહકાર દર્દી સંપૂર્ણપણે સાજો કરી શકે છે.


