Get The App

''મારી સાથે જ હંમેશાં આવું કેમ થાય છે ?'' .

Updated: Oct 17th, 2023

GS TEAM


Google News
Google News
''મારી સાથે જ હંમેશાં આવું કેમ થાય છે ?''                          . 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- ''મારી સાથે જ આવું કેમ થાય છે ?'' એ મોટાભાગના વ્યક્તિઓ દ્વારા સામાન્ય રીતે બોલાતો ડાયલોગ છે ને ? જીવનમાં આવું જ થતું રહે તો વ્યક્તિ કઈ રીતે માનસિક સ્વસ્થતા દાખવી શકે ? કઈ રીતે હસતો રહી શકે ? ભગવાન સારા માણસો સાથે જ આવો અન્યાય કેમ કરે છે ? મારે પાસે આ પ્રશ્નોના જવાબ છે.

''મારી સાથે જ હંમેશાં આવું કેમ થાય છે ?''

‘‘ Why me ?’’ 

''મારી સાથે જ આવો અન્યાય કેમ થાય છે ?''

વિદ્યાર્થી કહે છે, મેં ''દિવસ-રાત જોયા વગર મહેનત કરી પણ ''  NEET’’  માં સારા માર્ક્સ ન આવ્યા. એવામાં એક યુવતીનો સહારો મળ્યો. જીવનમાં કંઈક કરી બતાવવાની હિંમત આવી પણ એ ગર્લફ્રેન્ડે આખરે દગો દીધો. જેમ તેમ કરી ભણવામાં મન લગાવ્યું ત્યાં કોવિડ આવ્યો, પિતાજીનું મૃત્યુ થયું, ઘરની તમામ જવાબદારી આવી પડી. ભગવાન મારી સાથે જ કેમ આવું કરે છે ?

વડીલ કહે છે, ''ડબલ નોકરી કરી બાળકોને ભણાવ્યાં, લોન લઈ હાયર એજ્યુકેશન અપાવ્યું. મોટી થઈ છોકરી પરનાતી જોડે લગ્ન કરી વિદેશ ચાલી ગઈ અને છોકરો પરણીને પત્નીના કહેવાથી બીજે રહેવા ચાલ્યો ગયો. ભાઈઓએ પિતાજીની વારસામાં આવેલી સંપત્તિ પણ પડાવી લીધી. ભગવાન મને જ આવો અન્યાય કેમ કરે છે ?''

ખેડૂત કહે છે, ''મે સમયસર વાવણી કરી, સમયસર પાણી પાયું, રોજ સવારે સમયસર જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો, તડકો પણ સારો પડયો, વરસાદ પણ સમયસર સારા પ્રમાણમાં પડયો. હું પાક લણવાનો જ હતો ત્યાં કમોસમી વરસાદ અને કરા પડયા. આમાં મારો શું વાંક ? હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. ભગવાન કયા ગુનાની સજા મને કરો છો ?''

''મારી સાથે જ આવું કેમ થાય છે?'' એ મોટાભાગના વ્યક્તિઓ દ્વારા સામાન્ય રીતે બોલાતો ડાયલોગ છે ને ? જીવનમાં આવું જ થતું રહે તો વ્યક્તિ કઈ રીતે માનસિક સ્વસ્થતા દાખવી શકે ? કઈ રીતે હસતો રહી શકે ? ભગવાન સારા માણસો સાથે જ આવો અન્યાય કેમ કરે છે ?

આ પ્રશ્નનો જવાબ આર્થર એશ ના ઉદાહરણ દ્વારા હું તમને આપવા માંગુ છું. આર્થર એશ વિશ્વનો એક મહાન ટેનિસ પ્લેયર થઈ ગયો. વિશ્વ ટેનીસ ચેમ્પિયનશિપની ચાર મુખ્ય સ્પર્ધાઓ હોય છે જેમાં યુ. એસ. ઓપન, ઓસ્ટ્રેલીયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડંન. આ સ્પર્ધાઓ ગ્રાન્ડસ્લેમનાં નામે ઓળખાય છે. આ ચારમાંથી ત્રણ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ આફ્રિકન-અમેરિકન ટેનિસ પ્લેયર હતો આર્થર એશ.

વિમ્બલડંનનાં ચેમ્પિયનશીપ જીત્યા પછી ૩૬ વર્ષની ઉંમરે સાર્થર એશ ને હૃદયની બાયપાસ સર્જરી કરાવવાની જરૂર પડી. આ સર્જરી દરમ્યાન તેને લોહી ચડાવવામાં આવ્યું. ૮૦ ના દાયકામાં લોહી ચડાવવાના પ્રોટોકોલ આજનાં જેવાં ઝીણવટભર્યા ન હતાં તેથી લોહી ચડાવ્યા પછી આર્થર એશ ને એચ.આઈ.વી. એઈડ્સ થયો. સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો. અસંખ્ય લોકોએ તેને સહાનુભુતી બતાડતા પત્રો લખ્યાં જેમાં ૧૫ વર્ષના એક છોકરાએ લખ્યું કે

''મને સમજણ નથી પડતી કે ભગવાને આ ભયાનક રોગ કે જેનો કોઈ ઈલાજ નથી એને માટે તમને પસંદ કેમ કર્યા ? ભગવાન આવો નિર્દય કઈ રીતે થઈ શકે ?''

સાર્થક એશે આ તરુણને પ્રત્યુત્તર આપતા નીચે મુજબ જવાબ લખ્યો જે આજે પણ વિલ્બલડંનનાં સેન્ટ્રલ કોર્ટ નંબર ૧ માં ગ્રેનાઈટની તકતીમાં કંડારાયેલો છે.

''પ્રિય દોસ્ત, હું તારી ભાવનાઓનો આદર કરું છું પરંતુ હું તને કંઈક કહેવા માંગુ છું જે ધ્યાનથી સાંભળ કારણ આ વાત ઈશ્વરને આવો પ્રશ્ન કરતાં સૌ કોઈ માટે સમજવી જરૂરી છે.''

લગભગ પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાની ઈચ્છા ધરાવે છે.

જેમાંથી પચાસ લાખ બાળકો ટેનિસ શીખી શકે છે.

જેમાંથી પાંચ લાખ યુવાનો પ્રોફેશનલ ટેનિસ પ્લેયર બને છે.

જેમાંથી પચાસ હજાર યુવાનો જુદી જુદી સ્પર્ધામાં ભાગ લેવા પામે છે.

જેમાંથી પાંચ હજાર યુવાનો ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા સુધી પહોંચે છે.

જેમાંથી પચાસ વિમ્બલડંન રમવા સુધી પહોંચે છે.

જેમાંથી ચાર સેમીફાઈનલ સુધી પહોંચે છે.

જેમાંથી બે ફાઈનલ સુધી પહોંચે છે.

જેમાંથી એક તેના હાથમાં કપ ઉઠાવે છે અને ચેમ્પિયન બને છે.

ભગવાને જ્યારે આ માટે મને પસંદ કર્યો ત્યારે મેં એને એમ નહોતું પૂછયું કે માત્ર હું જ શા માટે ? તો પછી ભગવાને એઈડ્સ રોગ માટે મારી પસંદગી કરી છે તો હું જ શા માટે કે મારી સાથે જ આવું કેમ બન્યું એ પ્રશ્ન પૂછવાનો મને કોઈ અધિકાર છે ખરો ?

ના. કારણ આ જિંદગી છે જેમાં તમને ક્યારેક ભગવાન છપ્પર ફાડીને સુખ કે દુ:ખ આપે છે.

આર્થર એશનો આ જવાબ મારી સાથે જ આવું શા માટે બને છે એવું વિચારતા સહુ કોઈએ સમજી લેવાની જરૂર છે કારણ આ વિચાર બહુ ખતરનાક છે અને તમને હીનભાવના અને હતાશા તરફ લઈ જાય છે. એવાં ઘણાંય લોકો છે જેમને સુખ અને સમૃદ્ધિ મળે છે ત્યારે ભગવાનને યાદ નથી કરતાં પણ દુ:ખ આવી પડે છે ત્યારે ભગવાનને ગાળો દેવાનું શરૂ કરે છે.

ભગવાન માત્ર માણસોને જ નહિ પોતાની જાતને પણ અન્યાય કરે છે. એક રાત્રે રાજ તિલક અને માત્ર ચોવીસ કલાક પછી જ વનવાસ અને એ પણ બીજા કોઈએ નહિ પોતાની માં એજ ભગવાન શ્રીરામને આપ્યો અને ભગવાન શ્રીકૃષ્ણને તો સગો મામો કંશ એમને મારવા માટે પાછળ પડયો હતો. જન્મ સાથે જ એમને ખતમ કરવા માંગતો હતો એટલે નવજાત શિશુએ આમ તેમ ભાગવું પડયું.

સમસ્યા આવવી આપણા હાથમાં નથી પણ સમસ્યાને પ્રતિભાવ આપવો આપણા હાથમાં છે. 

આર્થર એશ સાથે જે ઘટના બની એનો એણે જે પ્રતિભાવ આપ્યો જેને કારણે તેનું મૃત્યુ સુખમય થયું.

સુખ તમને ખુશખુશાલ રાખે છે.

પ્રયત્નો તમને મજબૂત બનાવે છે.

દુ:ખ તમને માણસ બનાવે છે.

નિષ્ફળતા તમને નમ્ર બનાવે છે.

સફળતા તમને એક નવો જ ચળકાટ આપે છે.

પણ વિશ્વાસ અને શ્રદ્ધા તમને જીવન આગળ ધપાવવામાં મદદ કરે છે.

તમારી જાતથી તમે અસંતુષ્ટ હોઈ શકો છો. પણ યાદ રાખો કે આ દુનિયામાં સેંકડો લોકો તમારા જેવાં બનવાના સ્પપ્નાઓ જોવે છે.

ખેતરમાંથી ઉંચે આકાશમાં વિમાનને ઉડતું જોઈ રહેલું બાળક પાયલોટ થવાનાં સ્વપ્ના જોવે છે જ્યારે વિમાન ચલાવતો પાયલોટ નીચે ખેતર તરફ જોઈ અને ઘેર પહોંચવાના સ્વપ્ના જોવે છે.

આ જ તો જિંદગી છે. તમારી જિંદગીથી તમે સંતુષ્ટ રહો કારણ પૈસાથી જ જો સુખ મળતું હોત તો તે બધા જ પૈસાદારો શેરીઓમાં નાચતા હોત પણ હકીકતમાં ગરીબ બાળકો જ આવું કરી શકે છે.

સત્તાથી જ જો સલામતી મળતી હોત તો વી.આઈ.પી. કોઈપણ વાય કે ઝેડ સિક્યોરિટી વગર ફરતો હોત.

જો સુંદરતા અને કિર્તીથી જ ઉત્તમ સંબંધો બંધાતા હોત તો દુનિયાની તમામ સેલિબ્રિટીસના લગ્નો આદર્શ લગ્નો હોત.

પરંતુ આમાંનું કંઈજ બનતું નથી. કારણ આ જિંદગી છે. ક્યારેક હાર મળે છે તો ક્યારેક જીત. જે છે એનો સ્વીકાર કરી લો.

જો તમારામાં તમારી સાથે બનેલ ઘટનાને અનુરૂપ કોઈ ફેરફાર કરવાની જરૂર હોય તો તે ચોક્કસ કરો અથવા તો જે વ્યક્તિ તમારું કહ્યું માનતી હોય તે જો તેના વર્તન અને વલણમાં ફેરફાર કરી શકે એમ હોય તો તેવું થાય તેની કોશિષ કરો બાકી તમારી સાથે જે ઘટના ઘટે છે તેની સાથે કઈ રીતે કામ લેવું તે શીખી જાઓ. પણ ક્યારેક એમ ન બોલો કે ''ભગવાન મારી સાથે જ આવું કેમ થાય.'' એની બદલે એમ બોલો કે ''મારી સાથે આવું શા માટે ન થાય. ભગવાન જિંદગીમાં ગમે તેટલી સમસ્યા મને આપ પણ તેને ઉકેલવાની આવડત પણ મને આપ.''

ન્યુરોગ્રાફ :

જિંદગીમાં ગમે તેટલા પડકારો અને પરેશાની આવે તો ભલે આવે તેને શાનદાર પ્રતિભાવ આપવાનું ક્યારેય ન ચૂકશો. યાદ રાખો મહાન પુરુષો નર્સિંગ હોમોમાં પેદા નથી થતાં પણ જીવનમાં સંઘર્ષ કરતા કરતા મહાન થાય છે.

Tags :