Get The App

બાળકોમાં મોબાઈલનું વ્યસન .

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
બાળકોમાં મોબાઈલનું વ્યસન                              . 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- વ્યસ્ત મા-બાપો બાળકને શાંત રાખવા કે ખાવાનું ખવડાવવા બાળકને હાથમાં મોબાઈલ આપી દે છે. એનાથી બાળક શાંત ચોક્કસ થાય છે પણ થોડા સમયની શાંતિ પછી લત બની જાય છે

સ્મા ર્ટફોન અને ઈન્ટરનેટનો આવિષ્કાર માનવીનાં રોજીંદા જીવનને ખૂબજ પ્રભાવિત કરી રહ્યો છે. એક સમયે સમય બચાવવા માટે શોધાયેલ આ સાધનો આજે આપણો સમય બરબાદ કરી રહ્યા છે. એ ગંભીર વિચારનો વિષય છે. ઈન્ટરનેટ દ્વારા વિશ્વભરની માહિતીઓ આપણા સુધી તો પહોંચી જાય છે પરંતુ એના કારણે ઘણુબધું આપણાથી દૂર થતું જાય છે એનો આપણે વિચાર કરતા નથી. આજના સમયમાં મોબાઈલ ફોન જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સંચાર, માહિતી અને મનોરંજન માટે તે ખૂબજ ઉપયોગી સાધન છે. પરંતુ જ્યારે આ સાધન બાળકોના જીવનમાં અતિરેક રીતે પ્રવેશી જાય ત્યારે તે ગંભીર સમસ્યા બની શકે છે. ઘણી વખત માતા-પિતા પોતાની વ્યસ્તતા, કામનો ભાર અથવા શાંતિ માટે બાળકને મોબાઈલ આપી દે છે. શરૂઆતમાં તે સરળ અને નિર્દોષ ઉપાય લાગે છે. પરંતુ ધીમે ધીમે આ આદત વ્યસનમાં ફેરવાઈ શકે છે. 

ઘણાં ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે છે કે નાનું બાળક ખાવા માટે તૈયાર નથી હોતું તો તેની સામે મોબાઈલમાં કાર્ટૂન ચાલુ કરી દેવામાં આવે છે. બાળક મોબાઈલ જોતા જોતા ખાઈ લે છે અને માતા-પિતાને લાગે છે કે સમસ્યા હલ થઇ ગઈ. પરંતુ સમય જતાં બાળકને ખાવા માટે મોબાઈલ અનિવાર્ય બની જાય છે. જો મોબાઈલ ન મળે તો તે કંઈ પણ ખાવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે છે. આ ડીજીટલ નિર્ભરતા (Digital Dependency) નો પ્રારંભિક સંકેત છે. 

એક ૧૦ વર્ષનાં બાળકને મારી પાસે લાવવામાં આવ્યો. તેના માતા-પિતાની ફરિયાદ હતી કે બાળક રોજ ૬ થી ૮ કલાક મોબાઈલમાં ગેમ રમે છે. જ્યારે માતા-પિતા તેના પાસેથી મોબાઈલ ખેંચવી લે ત્યારે તે ખૂબજ ગુસ્સે થઇ જાય છે, ચિસો પાડે છે, વસ્તુઓ ફેંકી દે છે. મોબાઈલના વધારે વપરાશનાં કારણે આ બાળકનો અભ્યાસમાં રસ ઓછો થતો જતો હતો. તેની ઉંઘ ઘટવા માંડી હતી અને તે મિત્રો સાથે બહાર રમવા પણ જતો નહતો. આ માતા-પિતાને ડીજીટલ હાઈજીન (Digital Higene) શીખવવામાં આવ્યું અને બાળકને ડીજીટલ ડીટોક્ષ (Digital Detox) કઈ રીતે કરી શકાય તેનો ચોક્કસ પ્રોગ્રામ ઘડી આપવામાં આવ્યો. માતા-પિતાએ પોતાના માટે પણ ચોક્કસ નિયમ બનાવ્યા. મોબાઈલનો સમય ઓછો કર્યો અને બાળકને ક્રિકેટ, ચિત્રકામ જેવી રચનાત્મક પ્રવૃત્તિમાં જોડયો. થોડા સમયમાં બાળકનું વર્તન ફરીથી સંતુલિત બન્યું. 

મોબાઈલનો વધારે પડતો ઉપયોગ બાળકોના મગજનાં વિકાસ પર વિપરીત અસર કરે છે અને તેનું વર્તન અને વલણ પણ અકળ થઇ જાય છે. સતત સ્ક્રીન પર ઝડપથી બદલાતા દ્રશ્યો જોવાને કારણે બાળકનો એટેન્શન સ્પાન (Attention Span) એટલે ધ્યાનનું સાતત્ય ઘટતું જાય છે. પરિણામે તેને પુસ્તક વાંચવામાં અથવા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત બાળકોમાં અન્ય વર્તનલક્ષી સમસ્યાઓ પણ જોવા મળે છે. 

૧. ચિડીયાપણું અને ગુસ્સો વધે છે.

૨. શારીરિક સક્રિયતા ઘટે છે.

૩. ધ્યાન અને એકાગ્રતા ઘટે છે.

૪. ઉંઘમાં ખલેલ પડે છે.

૫. આંખોની તકલીફ અને માથાનો દુ:ખાવો થાય છે.

૬. સામાજિક સંવાદ ઘટે છે.

કેટલાક બાળકોમાં તેમને મોબાઈલથી દૂર કરવાથી આક્રમક વર્તન પણ જોવા મળે છે. ચીસો પાડવી, વસ્તુઓ ફેંકવી, માતા-પિતાને સામા જવાબો આપવા. આ બધાં લક્ષણો જો તમારા બાળકમાં જોવા મળે તો એ સ્પષ્ટ સંકેત આપે છે કે બાળક મોબાઈલ પર વધારે પડતું નિર્ભર બની રહ્યું છે.

અન્ય એક ૧૮ વર્ષની યુવતીને મારી પાસે લાવવામાં આવી. તે ખૂબજ ચીસો પાડતી હતી. ઘરમાં વાસણો ફેંકી દેતી હતી. માતા પિતાને મારતી હતી. આ બધું વર્તન જો તેની પાસેથી મોબાઈલ લઇ લેવામાં આવે તો તે કરતી હતી. તે ૧૧માં ધોરણમાં ભણતી હતી પરંતુ ડમી સ્કૂલ રાખવાને કારણે તે નતો સ્કૂલમાં હાજરી આપતી કે નતો કલાસીસમાં. તેણે અભ્યાસમાં સંપૂર્ણ રસ ગૂમાવી દીધો હતો. તે આખો દિવસ પોતાનો રૂમ બંધ કરી અને મોબાઈલ સાથે પડી રહેતી હતી. ક્યારેક તેને ખાવાની પણ કોઈ સુધબુધ રહેતી ન હતી. એકવાર તો તે મોબાઈલમાં એટલી બધી તલ્લીન બની ગઈ કે ઘરનું બારણું તોડીને તેને રૂમમાંથી બહાર કાઢવી પડી. મોબાઇલમાં વીડીયો ગેમ ઉપરાંત ઇન્સ્ટાગ્રામના વધારે વપરાશના કારણે બે-ચાર છોકરાઓની ફ્રેન્ડ રીક્વેસ્ટ પણ તેણે સ્વીકારી હતી અને તેઓની સાથે આખો દિવસ ચેટ કર્યા કરતી.

મોબાઈલની શોધ પહેલા બાળકો પરિવાર સાથે રમતો રમતાં, વધુમાં વધુ સમય પોતાના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે વિતાવતા. પરિણામે તેમની વચ્ચે વધુમાં વધુ સંવાદ થતો અને એકબીજા સાથે ઘનિષ્ટ સંબંધ બંધાતો. બાળકનું પ્રકૃતિ સાથેનું પણ જોડાણ રહેતું અને તેની અભિવ્યક્તિની કુશળતા ખીલી ઉઠતી. આ પ્રકારના ઘડતરથી બાળક પોતાની સમસ્યાઓનું જાતેજ સમાધાન શોધી લાવતો. જીવનમાં આવતા કોઈપણ ટેન્શનનો ઉપાય મિત્રો અને પરિવારજનો પાસેથી મળી રહેતો. કારણકે તેનો વધુમાં વધુ સમય માણસો સાથે પસાર થતો. આ કારણે તેનું વ્યક્તિત્વ પણ બહુમુખી પ્રકારનું રહેતું. પરંતુ આજે ઘરના એક ખૂણામાં કલાકો સુધી મોબાઈલ સાથે એકલી અટુલી બેસતી વ્યક્તિઓ દેખીતી રીતે તો દુનિયાભરનાં સંપર્કમાં હોય છે પરંતુ ભીતરથી ખાલીપો અને હતાશા અનુભવતી હોય છે.

મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો જો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો તેના થકી વિવિધ વિષયોનું ઉત્તમ શિક્ષણ મેળવી શકાય છે. વિવિધ પ્રકારનાં કૌશલ્યો વિકસાવતા ઓનલાઈન કોર્સ અને વીડીયો ટયુટોરીયલ્સના માધ્યમથી વ્યક્તિ કોઈપણ ક્ષેત્રનું જ્ઞાન મેળવી શકે છે. અને ફુરસતનાં સમયમાં ઈ-બુક્સ અને ઓડિયો બુક્સ દ્વારા મનોરંજન અને માહિતી પણ મેળવી શકે છે. મોબાઈલનું વ્યસન છોડાવવા માટે નીચે મુજબ પગલા ભરવા જરૂરી છે.

૧. માતા-પિતા પોતે ઉદાહરણ બને.

બાળકો હંમેશા માતા-પિતાની નકલ કરે છે. તેઓ માતા-પિતા કહે તેમ કરતા નથી પણ કરે તેમજ કરે છે. 

જો માતા-પિતા અને દાદા-દાદી સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય તો બાળકને નિયંત્રણ શીખવાડવું બહુજ મુશ્કેલ બની જાય છે. તેમાં પણ બાળકની જીદ, કજિયા કે પ્રશ્નોથી છૂટવા વ્યસ્ત માતા-પિતા તેના હાથમાં મોબાઈલ પકડાવી દે છે એટલે બાળક શાંત થઇ જાય છે. પરંતુ માતા-પિતાએ સમજી લેવું જરૂરી છે કે આ થોડા સમયની શાંતિ ધીમે ધીમે આદત અને પછી લત બની જાય છે. માતા-પિતા પોતેજ પોતાના માટે મોબાઈલ અને સ્ક્રીનના ઉપયોગની આચાર સંહિતા નક્કી કરે તે અત્યંત જરૂરી છે.

૨. સ્ક્રીન ટાઈમની મર્યાદા રાખવી.

બાળકનો સ્ક્રીન ટાઈમ એટલેકે મોબાઈલ, ટેબ્લેટ અને ટીવીનો ઉપયોગ ચોક્કસ સમય પુરતો જ કરે એ જરૂરી છે. આ અંગે ગાઈડલાઈન્સ આ પ્રમાણે છે. ૦ થી ૨ વર્ષ માટે બાળકને મોબાઈલનો ઉપયોગ કરવા દેવો જોઈએ નહીં. ૩ થી ૫ વર્ષના બાળકને કોઈપણ પ્રકારનો સ્ક્રીન ૧ કલાકથી વધારે જોવા ન દેવાય અને  ૬ થી ૧૨ વર્ષના બાળકને ૧ થી ૨ કલાકથી વધારે સ્ક્રીનનો ઉપયોગ ન કરવા દેવાય. એ સિવાય ૧૨ વર્ષથી મોટા બાળકો, વયસ્કોએ પણ ૨ કલાકથી વધારે મનોરંજન માટે મોબાઈલ કે અન્ય સ્ક્રીનનો ઉપયોગ ન કરવો.

૩. સૂતા પહેલા મોબાઈલ ટાળવો.

સૂવાના ઓછામાં ઓછા ૧ કલાક પહેલા મોબાઈલનો ઉપયોગ બંધ કરી દેવો. કારણ મોબાઈલની બ્લ્યુ લાઈટને કારણે ઉંઘમાં ખલેલ પહોંચે છે અને મગજ વધારે સક્રિય થઇ જાય છે.

૪. રાત્રે મોબાઈલ રૂમમાં ન રાખવો.

બાળકો અને કિશોર, કિશોરીઓ રાત્રે મોડે સુધી મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહે છે તેથી રાત્રે તેમના રૂમમાં મોબાઈલ ન રાખવો.

૫. સોશિયલ મીડિયા ઉપયોગમાં સાવધાની.

બાળકને સમજાવવું કે દરેક માહિતી, ફોટો કે વ્યક્તિ વિશ્વસનીય નથી. પ્રાઈવસી, સાયબર બુલીંગ અને ઓનલાઈન જોખમો વિશે જાગૃતિ કેળવવી.

૬. ઓફલાઈન પ્રવૃતિઓ વધારવી.

રમત-ગમત, સંગીત, વાંચન, ચિત્રકામ, યોગ અથવા અન્ય શોખ બાળકોના માનસિક વિકાસ માટે જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછા એક કલાક શારીરિક પ્રવૃત્તિ કરવાની બાળકોને આદત પાડવી.

૭. પરિવાર સાથે સમય વિતાવવો.

દરરોજ પરિવાર સાથે થોડો સમય વાતચીત, ભોજન અથવા કોઈ રમત માટે રાખવો. આનાથી બાળકનું ભાવનાત્મક જોડાણ અને સંવાદ મજબુત બને છે.

૮. ઘરમાં ''મોબાઈલ મુક્ત સમય'' બનાવો.

ભોજન સમયે, પરિવાર સાથે વાતચીત દરમ્યાન અને સૂતા પહેલા મોબાઈલનો ઉપયોગ ટાળો.

૯. ધીમે ધીમે સમય ઘટાડો.

બાળકનાં હાથમાંથી એકદમ મોબાઈલ ખૂંચવી લેવાની બદલે ધીરે ધીરે સમય ઓછો કરો અને બાળકને સ્ક્રીન નહીં પણ માતા-પિતા સંબંધ અને સમય આપે.

જાગ્યા ત્યારથી સવાર એવું માનીને આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે બધાં મોબાઈલનાં ઉપયોગની સમયમર્યાદા નક્કી કરીએ. જરૂર હોય ત્યાંજ ઓનલાઈન સામગ્રીનો ઉપયોગ કરીએ. વધુમાં વધુ જીવીત વ્યક્તિઓ સાથે સમય વિતાવીએ. વધુમાં વધુ શારીરિક પ્રવૃત્તિઓ કરીએ, રમતો રમીએ અને રાત્રે સૂતા પહેલા મોબાઈલ નહીં પણ પુસ્તક વાંચીને સૂઈએ. મોબાઈલનો ઉપયોગ માત્ર શીખવા માટે અથવા તો મર્યાદિત મનોરંજન માટે કરીએ. સૌથી મહત્વનું કામ કરવા જેવું એ છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ મોબાઈલનો ઉપવાસ રાખીએ. યાદ રાખો, બાળકોને મોબાઈલ કરતા વધારે જરૂરી છે માતા-પિતાનો સમય અને માર્ગદર્શન. જો આજે જાગૃતતા રાખીશું તો આવતી પેઢીને મોબાઈલનાં વ્યસનથી બચાવી શકીશું અને તેમને સ્વસ્થ અને સંતુલિત જીવન આપી શકીશું.

ન્યુરોગ્રાફ :- 

ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ વિકાસ લાવે છે પરંતુ તેનો અતિરેક વ્યસન લાવે છે.