- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- આપણે અહીં ''ગેમિંગ ડીસઓર્ડર'' કે ''ઈન્ટરનેટ ગેમિંગ ડીસઓર્ડર''નાં નામે વિશ્વભરમાં ઓળખાતા ''વિડીયો ગેમની લત'' વિશે જાણીશું. આ એક આવેગ નિયંત્રણ વિકાર છે
તા જેતરમાં જ એક કમનસીબ ઘટના બની ગઈ. ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં ત્રણ સગીરા બહેનો કોરિયન વિડીયો ગેમ્સને રવાડે ચડી હતી. આ વિડીઓ ગેમ્સના ટાસ્ક પ્રમાણે પ્રેમીને માટે બલિદાન આપો એ ટાસ્કને અનુસરતા ત્રણેય બહેનોએ આત્મહત્યા કરી.
વિડીયો ગેમ્સનું આવું વ્યસન પહેલા બ્લ્યુ વેલ અને PUBG નામની ગેમ દ્વારા આપણા યુવાધનની થયેલી ખાનાખરાબી સૌ કોઈ જાણે છે. આ વિડીયો ગેમ્સ એ માત્ર રમતો નથી પણ એક મનોવૈજ્ઞાનિક માયાજાળ છે. જેની મોડસ ઓપરેન્ડી પણ સમજવા જેવી છે. વિડીયો ગેમ્સમાં ભાગ લેતાં યુવક યુવતીઓને વિવિધ ટાસ્ક આપવામાં આવે છે જે તેમને જકડી રાખે છે. પહેલાં સરળ ટાસ્ક ત્યારબાદ લાગણીસભર વાતચીત, ત્યારબાદ ડીજીટલ પ્રેમી, ત્યારબાદ પ્રેમી સાથે મેસેજીસ-ફોટોસની આપલે, ત્યારબાદ વિડીયો કોલિંગ પછી સાથે હોરર ફિલ્મ જોવી આવા સંખ્યાબંધ ટાસ્ક અને છેલ્લે પ્રેમી માટે બલિદાન આપો એવો ટાસ્ક. આમ આવી વિડીયો ગેમ રમતા લોકો કારકિર્દી અને તરુણાવસ્થાનો સમય ગુમાવે છે. માતા-પિતાની સામા થઈ જાય છે. ક્યારેક ઘરમાં ચોરી કરતાં પણ શીખે છે અને ક્યારેક જીવનનો અંત પણ આણે છે.
આ ઈન્ટરનેટ ગેમિંગ ડીસઓર્ડર જેની ચર્ચા આપણે આ લેખમાં કરી છે એ કોઈ શોખ નથી પણ એક માનસિક બિમારી છે જે વ્યક્તિને ઘોર હતાશા, એકલતા અને આત્મઘાતિ વિચારો તરફ લઈ જાય છે.
તમારી આજુબાજુ રહેતું કોઈ વ્યક્તિ જો અચાનક શાંત થઈ જાય, બહુ ઓછું બોલે, એકલો રહેવા લાગે, આઉટડોર ગેમમાં રસ ન લે, મિત્રોથી દૂર ભાગે, ખાવા-પીવામાં રસ ન લે, ગમે ત્યારે સૂઈ જાય, સ્વભાવ ચીડિયો બની જાય અને આખો દિવસ ફોનમાં જ પડયો રહે તો તમે સતર્ક થઈ જજો. એની સાથે વાત કરજો, એને સાંભળજો, એને સમજવાનો પ્રયાસ કરજો અને જરૂર પડે નિષ્ણાત મનોચિકિત્સકની મદદ લેજો. કારણ સમયસરની મદદ એક જિંદગી બચાવી શકે છે.
ઈન્ટરનેટ ગેમિંગ ડીસઓર્ડર વિશે વિસ્તૃત સમજ આપવા હું તમને મારી કેસ ફાઈલમાંથી શિવમનું ઉદાહરણ આપું છું.
એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં તો આ વખતે શિવમ ભલભલાને પાછળ પાડી બધાથી આગળ નીકળી જવાનો હતો. પણ કમનસીબે કોવીડ વાયરસે પરીક્ષાને ઔપચારિકતા બનાવી દીધી અને શિવમને અભ્યાસ કરતાં વિડીયો ગેમ્સમાં વધારે પાવરધો બનાવી દીધો.
દસમાં ધોરણ સુધી મોબાઈલને હાથ પણ ન લગાડનાર શિવમ માત્ર થોડાજ મહિનાઓમાં લગભગ બધી જ વિડીયો ગેમ્સમાં માસ્ટર માઇન્ડ બની ચૂક્યો હતો. ''ડેથ રેસ'', ''મોર્ટલ કોમ્બેટ'' અને ''ગ્રાન્ડ થેફ્ટ ઓટો'' જેવી વાયોલેન્ટ ગેમ્સ તો તેના ડાબા હાથનો ખેલ બની ગઈ હતી. તદદુપરાંત ''સાઈલેન્ટ ડીલ'', ''પોસ્ટલ-૨'', ''મેડ વર્લ્ડ'' અને ''બાયો શોક''માં તેને હવે કોઈ હરાવી શકે તેમ નહોતું. ''કોલ ઓફ ડયુટી'' અને ''બુલેટ સ્ટ્રોમ''નો તો તે કિંગ કહેવાતો હતો.
મોબાઈલ ફોનના વધારે પડતા વપરાશને કારણે તે ''કાઉચ પોટેટો'' બની ગયો હતો. પોતાની આ કથળેલી માનસિક અવસ્થા માટે તે મમ્મી-પપ્પાને દોષ દેતો હતો. તેમની સામે થઈ જતો, ખૂબ ગુસ્સો કરતો તો ક્યારેક હિંસક પણ બની જતો. મોબાઇલ ફોન વાપરવાની જો મમ્મી-પપ્પા ના પાડે અને અભ્યાસમાં ધ્યાન આપવાનું સૂચવે તો તેનો ગુસ્સો એટલી હદ સુધી વધતો કે ક્યારેક મોબાઇલ ફોનનો ઘા કરીને પણ તોડી નાંખતો હતો. છેલ્લા એક વર્ષમાં તેણે પાંચ મોબાઇલ ફોન તોડયા હતા.
ક્યારેક ધૂંધળા ભવિષ્યની ચિંતામાં તે એટલો ચિંતાતૂર થઈ જતો હતો કે જુદા જુદા પ્રકારની વિડીયો ગેમ રમી તે તેનો તનાવ હળવો કરવાની કોશિશ કરતો. ક્યારેક તેને એવું લાગતું કે તેને મેરિટમાં ટોચ પર પહોંચવું છે અને શઈઈ્ ની એકઝામ આપી તેને ડૉક્ટર બનવું છે, પણ અભ્યાસમાં તેનું મન લાગતું જ ન હતું. ધીરે ધીરે તેને એહસાસ થતો જતો હતો કે તે ડૉક્ટર તો ક્યારેય નહિ બને પણ કોમર્સ ગ્રેજ્યુએટ બની શકે તો પણ સારું. આવા વિચારો કરી તેને પોતાની જાત પર ગુસ્સો ચડતો હતો. ગુસ્સામાં ને ગુસ્સામાં ક્યારેક પોતાના જ હાથ પર બ્લેડથી કાપા મારી નુકશાન પહોંચાડતો હતો. તો ક્યારેક મોબાઇલ ફોનનો ઘા કરી તોડી નાંખતો હતો પણ ત્યાર બાદ ખૂબ જ કજીયા કરી આત્મહત્યાની ધમકી આપી તે નવો મોબાઈલ ફોન મેળવતો. બે વાર તો તેણે આત્મહત્યાની કોશિશ પણ કરી હતી. સત્ય એ હતું કે મોબાઇલ ફોન વગર તે જીવી શકે તેમ ન હતો. શિવમ રાતનો રાજા હતો. લગભગ આખી રાત તે મોબાઇલ પર વિડીયો ગેમ રમતો. ક્યારેક રમતા રમતા ખૂબ જ ખુશ થઈ જતો અને એક અઠંગ ખેલાડી થવાના સ્વપ્નાં સેવતો. તે એવું દ્રઢપણે માનતો થઈ ગયો હતો કે ''આ ગેમિંગની કુશળતા જ તેને એક દિવસ કરોડપતિ બનાવશે. એટલે હવે તેને ભણવાની કોઈ જ જરૂર નથી.''
શિવમનું ''ગેમિંગ ડીસઓર્ડર''નું નિદાન કરાયું. આ ઉપરાંત તે ચિંતા, હતાશા અને બાયપોલર મૂડી ડીસઓર્ડરનાં કેટલાક લક્ષણો પણ બતાવતો હતો.
આજે આપણે ''ગેમિંગ ડીસઓર્ડર'' કે ''ઈન્ટરનેટ ગેમિંગ ડીસઓર્ડર''નાં નામે વિશ્વભરમાં ઓળખાતા ''વિડીયો ગેમની લત'' વિશે જાણીશું. આ એક આવેગ નિયંત્રણ વિકાર છે. આ વિકારનો મુખ્ય માપદંડ ગેમિંગ પર આત્મનિયંત્રણનો અભાવ માનવામાં આવે છે. કોઈ વ્યક્તિ પોતાની દૈનિક જવાબદારીઓને પૂરી કર્યા વગર કે તેના નકારાત્મક પરિણામોની પરવા કર્યા વગર બીજાબધાં લાભદાયી કામોને પડતા મૂકી માત્ર ગેમિંગની જ પ્રવૃત્તિઓમાં સામેલ રહે તો તેને ગેમિંગ ડીસઓર્ડર થયો છે એમ કહેવાય. આ એક બિહેવીયોરલ એડીકશન એટલે ચોક્કસ વર્તનનું વ્યસન છે. છેલ્લાં દસકામાં યુવાનોમાં આ રોગ પુરઝડપથી વધી રહ્યો છે. તેમાં પણ કોવીડ પછી ગેમિંગ ડીસઓર્ડર વ્યાપકપણે વિસ્તરી રહ્યો છે.
શિવમ અભ્યાસ અને ભાવી કારકિર્દીનાં ભોગે પણ ગેમિંગમાં રચ્યો પચ્યો રહે છે. એટલે તેને તો ગેમિંગ ડીસઓર્ડર થયો જ છે. જો કે દિવસમાં કેટલાં કલાક ગેમ રમો તો તેને ગેમિંગ ડીસઓર્ડર કહેવાય તે હજી સંશોધનોનો વિષય છે. કેટલાંક સંશોધકો પ્રતિદિન કલાકથી વધારે તો કેટલાંક સંશોધન સંસ્થાનો પ્રતિદિન ૨ કલાકથી વધારે ગેમિંગમાં રચ્યા પચ્યા રહેવાના વર્તનને ગેમિંગ ડીસઓર્ડર ગણાવે છે.
દેશ વિદેશમાં ઓનલાઇન ગેમ્સ વધારે લોકપ્રિય થતી જાય છે. આમાની કેટલીક રમતો ખુબ જ આનંદદાયક અને લોકોને રસ તરબોળ કરી દે તેવી હોય છે. જેનું વ્યસન પણ થઈ શકે છે. આપણા દેશમાં વિડીયો ગેમ્સનું ચલણ શાળાનાં બાળકો, યુવાનો, ગૃહિણીઓમાં ઝડપભેર વધતું જાય છે. એક સંશોધન પ્રમાણે અમેરિકાના ૭૦ ટકા ઘરોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ વીડિયો ગેમ્સ રમે છે. એન્ટરટેઇન્મેન્ટ સોફટવેર એસોસિએશનના અહેવાલ પ્રમાણે ૧૬ કરોડથી વધારે અમેરીકન વયસ્કો ઓનલાઇન ગેમ્સ રમે છે. આમાની કેટલીક રમતો ખૂબ જ આનંદદાયક અને લોકોને રસ તરબોળ કરી દે તેવી હોય છે. જેનું વ્યસન પણ થઈ શકે છે. આપણા દેશમાં વિડીયો ગેમ્સનું ચલણ શાળાનાં બાળકો, યુવાનો, ગૃહિણીઓમાં ઝડપભેર વધતું જાય છે. અન્ય એક સંશોધન પ્રમાણે અમેરિકા, કેનેડા, બ્રિટન અને જર્મનીમાં ૧૬ થી ૨૪ વર્ષના યુવાનોમાંના ૮૬ ટકા અને તેથી મોટા વયાસ્કોમાંના ૬૫ ટકા લોકો ઓનલાઇન ગેમ્સ રમે છે.
ન્યુરોગ્રાફ
જનરેશન ઝેડ અને આલ્ફાના વલણ અને વર્તન માટે માત્ર માતા-પિતાને દોષ આપવો યોગ્ય નથી, કારણ કે હવે તેઓ ઈન્ટરનેટ અને ડીજીટલ યુગના પરિપ્રેક્ષ્યમાં મોટા થઈ રહ્યાં છે.


