Get The App

પ્રેમ- સંબંધોમાં ઉંમર એ એકમાત્ર આંકડો છે

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
પ્રેમ- સંબંધોમાં ઉંમર એ એકમાત્ર આંકડો છે 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- કોઈ એક વ્યક્તિ સાથે સમય પસાર કરવો ગમતો હોય, એની સાથે વાતો કરવી ગમતી હોય, એની પાસેથી ઘણું જાણવાનું મળતું હોય, એની પાસેથી ઘણી પ્રેરણા મળતી હોય અને એ વ્યક્તિ ઘણો ગમવા લાગતો હોય એનો અર્થ માત્ર એક જ થાય કે તમને એની સાથે પ્રેમ થઇ ગયો છે?

તાજેતરમાં જ ૨૩ વર્ષની એક શિક્ષિકા ૧૩ વર્ષનાં તેના વિદ્યાર્થી દ્વારા ગર્ભવતી થઇ એ સમાચારે લોકજીભે ખૂબજ ચકચાર જગાવી હતી. આ તો એક કાનૂની કિસ્સો છે. એટલે એની ચર્ચા વધારે નથી કરતો પણ ઉંમરમાં મોટા પુરુષ અને નાની સ્ત્રી અથવા તો મોટી સ્ત્રી અને નાના પુરુષ વચ્ચેનાં પ્રેમ સંબંધો આજનાં જમાનામાં કઈ હવે નવા નથી રહ્યા. પ્રેમીજનો તો એમ કહે છે કે 'મનગમતા નામને ઉંમર ન હોય, એ તો ગમે ત્યારે હાથ ઉપર લખાય.' પ્રેમ કર્યો છે એટલે એમની ઊર્મિઓની -અભિવ્યક્તિ આવી હોઈ શકે. રસિકો તો એવું પણ કહેતા સંભળાયા છે કે  'કોઈ ફૂલ ક્યારેય મોસમ જોઇને ખીલતું નથી પરંતુ ફૂલ ખીલે એટલે મોસમ બદલાય છે.' આમ પ્રેમ અને લગ્નમાં ઉંમર એકમાત્ર આંકડો છે તેવું આજના જમાનામાં માનવામાં આવે છે. 

સંબંધોની સફળતા માટે વિશ્વાસ, સન્માન અને સમજણ એ અગત્યના પરિબળો  છે. દિલીપ કુમાર, સાયરા બાનુથી ૨૨ વર્ષ મોટા હતાં. મિલિન્દ સોમન અંકિતા કોન્વરથી ૨૬ વર્ષ મોટા છે. પ્રિયંકા ચોપરા નીક જોનાસ કરતા ૧૦ વર્ષ મોટી છે અને અંજલી તેંડુલકર સચિન તેંડુલકર કરતા ૬ વર્ષ મોટી છે. આ ઉદાહરણો એ સત્યને પૂરવાર કરે છે કે પ્રેમમાં ઉંમરનો તફાવત અવરોધ બની શકતો નથી. પરસ્પરની સમજણ, વિશ્વાસ અને જવાબદારી એ સૌથી અગત્યની મોટી વસ્તુ છે.

વયમાં મોટો પુરુષ અને નાની સ્ત્રીનાં પ્રેમસંબંધોમાં એવું માનવામાં આવે છે કે આવા સંબંધોમાં પુરુષ આર્થિક રીતે મજબૂત, સામાજિક રીતે સ્થિર અને જવાબદાર હોય છે. જેથી યુવતીને સુરક્ષા, માર્ગદર્શન અને પરિપકવતા મળે છે. પરંતુ ઘણીવાર સમાજ બે પાત્રો વચ્ચેની પેઢીના આ અંતરને 'પૈસાની લાલચ' જેવા શબ્દોથી નવાજે છે. ઉદાહરણ આપું તો ૬૦ વર્ષનાં એક ડોક્ટરે ૨૨ વર્ષની એક નર્સ સાથે લગ્ન કર્યા. શરૂઆતમાં બહુ જ વિરોધ થયો પરંતુ થોડા વર્ષોમાં બંને વચ્ચેની સમજણ અને પ્રેમથી સંબંધ સફળ રહ્યો.

ઉંમરમાં મોટી સ્ત્રી અને નાના પુરુષ વચ્ચેના પ્રેમ સંબંધમાં નાનો પુરુષ ઘણીવાર પ્રેરણા, પ્રેમાળતા અને સ્નેહ માટે મોટી સ્ત્રી તરફ આકર્ષાય છે. જ્યારે ઉંમરમાં મોટી સ્ત્રીની ભાવનાત્મક જરૂરિયાતો પૂરી થાય છે અને ઘણીવાર યુવાન સાથી મળવાથી જીવનમાં અદ્દભુત ઉત્સાહનો સંચાર થાય છે. એક ઉદાહરણ આપું. ૪૦ વર્ષનાં એક વિધવા શિક્ષિકા પોતાની જ સ્કૂલના એક પૂર્વવિદ્યાર્થી એવા ૨૬ વર્ષના યુવાન સાથે પ્રેમમાં પડયા. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. સમાજમાં ઘણી ચર્ચા અને ટીકા થઈ પરંતુ સમય જતાં બધાએ આ સંબંધને સ્વીકારી લીધો.

જોકે અહીં આપેલા બે ઉદાહરણોની જેમ મોટા ભાગનાં સંબંધોમાં ઉંમરના તફાવતવાળા બે પાત્રો વચ્ચે શરૂઆતમાં લાગણીની અનુભૂતિ જે ખૂબ જ તીવ્રતાથી થતી હોય છે, એટલી જ તીવ્રતાથી ટકી શકતી નથી. જેની પાછળ ઘણાં કૌટુંબિક અને સામાજિક કારણો હોય છે. આમાંનું એક મુખ્ય કારણ એ હોય છે કે મોટા ભાગના લોકો શરૂઆતમાં થતા આકર્ષણ, સન્માન, સહાનુભુતી કે દોસ્તીને પ્રેમ માની લેવાની ભૂલ કરે છે.

કોઈ એક વ્યક્તિ સાથે સમય પસાર કરવો ગમતો હોય, એની સાથે વાતો કરવી ગમતી હોય, એની પાસેથી ઘણું જાણવાનું મળતું હોય, એની પાસેથી ઘણી પ્રેરણા મળતી હોય અને એ વ્યક્તિ ઘણો ગમવા લાગતો હોય એનો અર્થ એ નથી કે એની સાથે તમને પ્રેમ થઇ ગયો છે. આ વાત એ વ્યક્તિ સાથેનાં ૬-૧૨ મહિનાના પરિચય કે સહવાસ પછી તમને સમજાઈ જશે.

આ સત્ય સમજતા તમને આટલી વાર લાગે છે કારણ માતા-પિતા પોતાનાં બાળકોને એવું ભાગ્યે જ સમજાવે છે કે ઉંમર સાથે થતું આકર્ષણ એ સાહજિક અને સ્વાભાવિક છે. ટીચર કે પ્રોફેસર માટે થતો પ્રેમ ડોક્ટર, વકીલ કે મેન્ટર માટે થતું આકર્ષણ એ ટીનએજનો પહેલો અનુભવ હોય છે. આને ક્રશ, ઇન્ફેચ્યુએશન, પપીલસ્ટ કે પપીલવ કહેવાય છે. કોઈ એક સમયે કોઈ એક વ્યક્તિ માટે થતું ભયાનક આકર્ષણ અલ્પજીવી હોઈ શકે છે. પરંતુ આપણે આને સ્વાભાવિક રીતે લઇ શકતા નથી. આકર્ષણનો આવો અનુભવ મોટાભાગના લોકોને થાય છે પરંતુ એનો સ્વીકાર કરવાને બદલે આપણે દંભની દુનિયામાં રાચી એને પ્રેમનું નામ આપીએ છીએ. કેટલાક તો વળી આને દિવ્ય પ્રેમ કે જન્મોજનમનો પ્રેમ પણ કહી નાખે છે.

આવા આકર્ષણને આપણે જરા ઊંડાણથી સમજવાની જરૂર છે કારણ હવે સમય બદલાયો છે. સ્ત્રી-પુરુષ સાથે કામ કરે છે. એક જમાનામાં સ્ત્રી-પુરુષ એકબીજા સાથે આટલો લાંબો સમય નહોતા ગાળતા એટલે આકર્ષણના આવા પ્રસંગો ખાસ બનતા નહતા. પરંતુ અત્યારે સ્ત્રી-પુરુષ આખો દિવસ સાથે કામ કરે છે અને પોતાના જીવનસાથી કરતા પણ વધારે સમય પોતાના સહકર્મચારી સાથે વિતાવે છે. આ સમય દરમ્યાન એક બીજાનાં અંગત જીવનની, મુંઝવણોની અને પીડાની ચર્ચા થઇ શકે છે જેમાંથી સ્વાભાવિક રીતેજ મૈત્રી જન્મી શકે છે. આવી મૈત્રી એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે સ્વાભાવિક રીતે થઇ શકે એવું આપણા સમાજમાં શીખવાડવામાં આવતું નથી.

સ્ત્રી-પુરુષ એકબીજાનાં માત્ર મિત્રો જ બની શકે એ શબ્દ આપણા સમાજની ડિક્શનેરીમાં નથી. હેલ્થી ફલર્ટ એટલે કે સ્ત્રી-પુરુષ એકબીજા સાથે સ્વાભાવિકપણે હસી મજાક કરી શકે એવો ખ્યાલ સંતાનોને માતા-પિતા ભાગ્યે જ આપે છે. સંતાનોનાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને સ્વીકારતા પહેલાં માં-બાપના દિલમાં કારમા ઝાટકા વાગે છે. ક્યારેક બાળક આનો ઉલ્લેખ કરે તો 'આ આપણા સંસ્કાર નથી' એવું કહી માં-બાપ એને ખખડાવી નાખે છે. એજ માં-બાપ 'હમ તેરે બિન કહી રહ નહીં સકતે' કે 'મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લિયે' જેવા ગીતો બાળકની હાજરીમાં શાંતિથી સાંભળે છે. એટલેકે માતા-પિતાની કથની અને કરનીમાં તફાવત છે એ બાળક જુવે છે.

 બાળકે માતા-પિતાને એકબીજાની બાજુમાં બેસીને વ્હાલ કરતા કે હાથ પકડતા નથી જોયા પણ ટી.વી. પર 

કે સિનેમામાં ખુલ્લમખુલા સેક્સનાં દ્રશ્યો જોતા માતા-પિતાને એક બીજા સાથે તથા તેમની  સાથે જોયા છે. એણે મા-બાપ પર એક બીજાને ટોન્ટ મારતા જોયા છે પણ વખાણ કરતા નથી જોયા કે એક બીજાને સન્માન આપતાં નથી જોયા. એટલે જ્યારે અન્ય કોઈ એને સન્માન આપે છે ત્યારે એને આકર્ષણ થાય છે અને એ આકર્ષણને એ પ્રેમ સમજી લેવાની ભૂલ કરે છે. પરંતુ એક સનાતન સત્ય એ છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં શરીર હોયજ એવું  નથી કારણ માત્ર શરીર એ પ્રેમ નથી.

મોટા ભાગનાં સંબંધો સમજ્યા વિના બંધાય છે અને સમજ્યા વિના તૂટી જાય છે. આ સંબંધો કેમ તૂટયા એવું જો એમને પૂછવામાં આવે તો એનો કોઈ ચોક્કસ જવાબ તેમની પાસે હોતો નથી. બંને વચ્ચે ક્યારેક કોઈ ઝઘડો થાય અને પછી એવું પૂછવામાં આવે કે કઈ બાબત પર ઝઘડો થયો ? શું બંને વચ્ચે થયેલી દલીલબાજી ખરેખર સાચી હતી ? શું બંને વચ્ચે ઝઘડાનો કોઈ મુદ્દો સાચો હતો કે માત્ર અહમનો ટકરાવ હતો ? આવા બધાં પ્રશ્નોનો કોઈ ચોક્કસ જવાબ મળતો નથી.

સંબંધો તૂટયા પછી જો આવા પ્રશ્નોનો જવાબ આત્મખોજ કરીને પોતાની જાતને પ્રમાણિક પણે પૂછવામાં આવે તો એ પ્રશ્ન પૂછનારને પોતાને જ હચમચાવી નાખે એવો ભયાનક હોય છે.

આપણે બધાં જ કોઈપણ વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવીએ છીએ. આપણને કોઈપણ વ્યક્તિ તરફ સન્માન જાગે છે. આપણને સામેની વ્યક્તિમાં રસ પડે છે. એની આવડતમાં, એની છટામાં, એના મોભામાં, એના જ્ઞાનમાં, એની બુદ્ધિમાં, એની વાતોમાં કે એના સૌદર્યમાં થોડો સમય દાખલ થવાની આપણને ઈચ્છા થાય છે. એનાથી આપણે અંજાઈ જઈએ છીએ. એના મય થઇ જઈએ છીએ. પણ લાગણીનો આ ઉભરો ચિરકાલીન ટકી શકતો નથી. જોકે આપણને આ બધું 'કુછ કુછ હોતા હૈ'ની જેમ જે કઈ કઈ થાય છે એણે આપણો ઉછેર કે આપણા સંસ્કાર 'પ્રેમ' એવું નામ આપે છે. એટલે આપણી સાથે આવું થાય ત્યારે આપણે પણ એવું માની બેસીએ છીએ કે આપણને પ્રેમ થયો હોવો જોઈએ.

પરંતુ હકીકતમાં પ્રેમ એક બહુ જ અલગ અને દિવ્ય અનુભૂતિ છે. પ્રેમ એ એક એવો ચમત્કાર છે જે તમારા જીવનમાં જાદુઈ ફેરફાર સર્જી શકે છે. જે પ્રેમસંબંધ તમારામાં ચમત્કારીક ફેરફાર નથી લાવી શકતો એ સંબંધ પ્રેમ નથી હોતો. પ્રેમમાં પડવાનું નથી હોતું. 'ખચનનૈહય ૈહ ન્ર્પીદ એ પ્રેમમાં પડવાની પ્રક્રિયા સાથે વપરાતો એક મિસનોમર છે. પ્રેમ ઉર્ધગતિએ લઇ જાય છે. પ્રેમ કદાચ એકવાર થાય અને એકથી વધુ વાર પણ થાય પરંતુ પ્રેમની દરેક અનુભૂતિ આપણામાં કંઇક ઉમેરવાની ક્ષમતા ધરાવે છે. યાદ રાખો, જે પ્રેમ પીડા આપે છે. આંસુ આપે છે, દુ:ખ આપે છે, તકલીફ આપે છે એ પ્રેમ નથી. એ સત્ય પ્રેમમાં પાપાપગલી કરતી યુવાપેઢીએ સમજી લેવાની જરૂર છે.

ન્યુરોગ્રાફ : -

પ્રેમ એટલે એકબીજાની સામે જોયા કરવાની પ્રક્રિયા નહીં પણ એકબીજાએ સાથે મળી અને જગતને જોવાની અને જાણવાની પ્રક્રિયા.