- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- વ્યક્તિગત લાગણીઓ - 'પર્સનલ ઈમોશન્સ' તમારી વ્યાવસાયિક - (પ્રોફેશનલ) જવાબદારી પર કાબુ ન જમાવે તેનું ધ્યાન રોજ-બરોજના જીવનમાં સહુ કોઈએ રાખવું પડશે.
આ પણે અવાર-નવાર એવું થતું જોયું છે કે સવારે ઘરમાં કંઈ ખટપટ થાય તો ઓફિસમાં આખો દિવસ ખરાબ પસાર થાય છે અને ઓફીસમાં બોસ ખખડાવી નાંખે તો સાંજે ઘેર બાળકો નાહકના પીટાઈ જાય છે.
અર્થાત્ 'અંગત જીવન' - 'પર્સનલ લાઈફ'માં કંઈક અનિચ્છનીય ઘટના બને તો એની અસર 'વ્યાવસાયિક જીવન' - 'પ્રોફેશનલ લાઈફ' પર પડે છે. કારણ આપણી લાગણીઓ - 'ઈમોશન્સ' આપણા પર કબ્જો જમાવે છે.
આવું થતું કઈ રીતે અટકાવી શકાય ?
તમે એરોપ્લેનમાં મુસાફરી કરી હોય તો 'કોકપીટ' કે જ્યાં પાયલોટ બેસીને હવાઈજહાજ ઉડાડે છે તેના પ્રવેશ દ્વાર પર એક શાનદાર સંદેશ લખેલો હોય છે જે પ્રત્યેક પાયલોટે કોકપીટમાં પ્રવેશતા પહેલાં વાંચવો જરૂરી હોય છે.
‘FLYING IS A SERIOUS PROFESSION, DO NOT CARRY YOUR WORRY BEYOND THIS POINT'
'હવાઈજહાજ ઉડાડવું એ એક ગંભીર અને જવાબદારીવાળો વ્યવસાય છે. તમારી ચિંતાને આ પોઈન્ટથી આગળ ન લઇ જાવ.'
કોકપીટના પ્રવેશ દ્વાર પર ચોંટાડાયેલી આ તકતી પાયલોટ સાહેબને એ વાતથી વાકેફ કરે છે કે અંગત જીવનની સમસ્યા આપ આ બિંદુથી આગળ લઇ જઈ શકતા નથી. તમારા અંગત જીવનમાં ગમે તેવી મૂંઝવણ હોય, ગમે તેટલી બબાલ થઇ હોય એને આ લક્ષમણ-રેખાથી તમે આગળ લઇ જઈ શકતા નથી કારણ ૩૦૦ જિંદગીનો સવાલ છે.
તમે કલ્પના કરો કે પાયલોટ સાહેબનો સવારે ઘરેથી નીકળતાં પત્ની સાથે બહુ મોટો ઝઘડો થઇ જાય અને ધૂંધવાયેલા પાયલોટ સાહેબ ખરાબ મૂડમાં હવાઈ જહાજ ઉડાડે તો કેવી ભયાનક હોનારત સરજાય ?
એટલે જ 'પર્સનલ ઈમોશન્સ' 'પ્રોફેશનલ જવાબદારી' પર કાબુ ન જમાવે તેનું ધ્યાન રોજ-બરોજના જીવનમાં સહુ કોઈએ રાખવું પડશે.
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રમાં આ વાત જ સમજાવે છે.
કુરુક્ષેત્રમાં સેંકડો યોદ્ધાઓ અર્જુનનો સાથ આપવા ઉભા છે કારણ એમને વિશ્વાસ છે કે અર્જુન ધર્મયુદ્ધ લડશે અને ઘમંડી દુર્યોધનને એના કુકર્મોની સજા અપાવશે.
આ સમયે જ અર્જુન લાગણીશીલ થઇ વિચારે છે કે ગુરુ દ્રોણાચાર્ય, ભિષ્મપિતામહ, ભાઈ-ભાંડુ અને અંગત સ્વજનો પર તે તીર કેવી રીતે ચલાવશે ? તેમનો સંહાર કરીને રાજપાઠ મેળવીને પણ શું કરવાનું ? તેના હાથમાંથી ગાંડીવ સરી પડે છે. સ્વજનો સાથેની લાગણીને વશ થઇ તે યુદ્ધ ન લડવાનો નિર્ણય લઈ રણમેદાન છોડવા માંગે છે.
શ્રીકૃષ્ણને ગીતાના અઢાર અધ્યાય સુધી ઉદ્દબોધન કરી અર્જુનને સમજાવવું પડયું કે 'પર્સનલ ઈમોશન્સ'ને તારી 'પ્રોફેશનલ ડયુટી' પર કાબુ ન જમાવવા દે. એક યોદ્ધા તરીકેની તારી ફરજ બજાવ. કુરુક્ષેત્રએ અંગત લાગણીઓને પ્રદશત કરવાની કે લાગણીવશ થઈ નિર્ણય લેવાની જગ્યા નથી.
યાદ રાખો તમે જ્યારે 'ઈમોશનલ' બનો છો ત્યારે તમારી 'ઈન્ટેલીજન્સ' ઓછી થઇ જાય છે. એટલે જ ટૂંકી બુદ્ધિ અને ટૂંકી દ્રષ્ટિથી લીધેલા તમારા નિર્ણયો બદલ તમને જીવનભર પસ્તાવો થાય છે.
જ્યાં દિમાગથી કામ લેવાનું છે ત્યાં દિલ ન લગાવો અને જ્યાં દિલથી કામ લેવાનું છે ત્યાં દિમાગ ન લડાવો.
અર્જુનને ધર્મયુદ્ધ લડવાની સલાહ આપી શ્રી કૃષ્ણ તેના રથના સારથી બની જઈ સંદેશો આપે છે કે હવે નહી હું ભાગી શકું કે નહી તું.
અહીંયા મને ફિલ્મ મેરા નામ જોકરનો એક સીન યાદ આવે છે. જેમાં રાજ કપુર સર્કસના જોકરનો રોલ કરે છે. સરકસમાં પહેલીવાર જોકરની માં એનો શો જોવા આવે છે. જોકર બનેલા રાજ કપુર રસ્સીથી ઉંચે લટકે છે. રસ્સી ઉપર જતી જાય છે. આ દ્રશ્ય જોઈ માં ગભરાઈ જાય છે અને ત્યાં જ તેનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે.
રાજુને માં ના મૃત્યુના સમાચાર અપાય છે. હવે પછીનો શો એનો એકલાનો- 'સોલો શો' હતો. સર્કસના માલિક ધર્મેન્દ્ર રાજ કપુરને કહે છે, 'રાજુ શો મસ્ટ ગો ઓન.'
અને જોકર બનેલ રાજુ એ જાણવા છતાં કે માં નું મૃત શરીર સામે જ પડયું છે, છતાં પણ સ્ટેઇજ પર હસતા - હસાવતાં પોતાનું પરફોર્મન્સ ચાલુ રાખે છે. તમારા પર્સનલ ઈમોશન્સની તમારા કામધંધા પર કોઈજ અસર ન પડવી જોઈએ એ સમજાવવા આથી વધારે સચોટ બીજું કયું ઉદાહરણ હોય ?
તમે કહેશો કે આવું તો ફીલ્મોમાં શક્ય છે. વાસ્તવિક જીવનમાં સમસ્યાઓથી પરેશાન વ્યક્તિ પોતાની ફરજ અને જવાબદારી નિભાવે એવું કેવી રીતે બની શકે ? આવું વાસ્તવિક જીવનમાં પણ બન્યુ છે. કેટલાક લોકોએ પોતાના અંગત જીવનની સમસ્યાઓથી વ્યાવસાયિક જીવનને પ્રભાવિત થવા દીધું નથી.
૨૦૦૬-૨૦૦૭ની આ વાત છે. દિલ્હીના ફીરોજશાહ કોટલા મેદાન પર દીલ્હી અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાતી હતી. અઢાર વર્ષનો એ છોકરો દિવસની રમત પૂરી કરીને સાંજે પોતાના ઘરે આવે છે. પોતાના રૂમમાં સૂઈ જાય છે.
રાત્રે બે વાગ્યે માં જગાડી અને કહે છે 'તારા પિતાજીનું અવસાન થયું છે'. ઘરમાં સન્નાટો છવાયેલો હતો. એ છોકરાએ રાત્રે પોતાના કોચ જે એ સમયે ઓસ્ટ્રેલિયા હતા તેમને ફોન કર્યો અને સમાચાર આપ્યા કે 'પિતાજી મૃત્યુ પામ્યા છે. સવારે સ્મશાન લઇ જઈ અગ્નિદાહ આપવાનો છે અને સવારે મારી બેટિંગ છે. ટીમને પણ મારી જરૂર છે, શું કરું ?'
કોચે કદાચ એ જ જવાબ આપ્યો હશે જે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, 'તારી વ્યક્તિગત લાગણીઓ તારા ક્રિકેટના પરફોર્મન્સમાં વચ્ચે ન આવવી જોઈએ.'
સવારે એ છોકરો પિતાજીના મૃતદેહને છોડી ફીરોજશાહ કોટલા મેદાન પર જાય છે. ૯૦ રન બનાવે છે, પછી નિગમબોધ ઘાટ જઈ પિતાજીના અગ્નિ સંસ્કાર કરે છે. તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે હું વિરાટ કોહલીની વાત કરું છું.
દોસ્તો વિરાટની આ એક જ વાત નથી. આઈ.પી.એલ.- ૨૦૧૬માં વિરાટના હાથ પર નવ ટાંકા આવ્યા હતા છતાં તેણે બેટીંગ કરી અને પચાસ બોલમાં એકસો તેર રન ફટકાર્યા હતા.
અનિલ કુંબલેની ૨૦૦૨ની ભારત - વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ખેલાયેલી એન્ટીગુઆ ટેસ્ટ કોણ ભૂલી શકે ? કુંબલેએ આ મેચમાં ટૂટેલા જડબા સાથે સતત અઢાર ઓવર બોલીંગ કરી મહાન બેટ્સમેન લારાને આઉટ કર્યો હતો. બીજે દિવસે તેને સર્જરી માટે બેંગલોર જવાનું હતું, છતાં ઈજાગ્રસ્ત કુંબલેનું આ કર્તવ્ય પાલન ખરેખર દાદ માંગી લે તેવું હતું. પોતાની ફરજ નીભાવી તેમને કહ્યું 'હવે હું આરામથી ઘેર જઈ શકીશ કારણ મેં મારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા છે.'
વિરાટ કોહલી અને અનિલ કુંબલેની તેમની 'પર્સનલ લાઈફ'ની સમસ્યા છતાં 'પ્રોફેશનલ લાઈફ'ની ફરજ નીભાવવાની નિષ્ઠાએ જ તેમને મહાન બનાવ્યા છે.
રોજ બરોજ આપણને એવા સંખ્યાબંધ ઉદાહરણો જોવા મળે છે જેમાં સામાન્ય શરદી, સળેખમ થાય કે માથું દુ:ખે તો લોકો રજા પાડી દે છે. આ કામ ન કરવાનું બહાનું માત્ર કહેવાય.
તમે પણ તમારા અંગત જીવનની સમસ્યા છતાં કોઈપણ પ્રકારની હોહા મચાવ્યા વગર તમારા વ્યાવસાયિક કામ-ધંધા પ્રત્યેની ફરજ નીભાવશો તો ઇતિહાસમાં તમારૃં નામ સુવર્ણ અક્ષરે લખાશે.
ન્યુરોગ્રાફ
ઘરની સમસ્યા લઇ ઓફીસમાં ન જાવ અને ઓફીસનું ટેન્શન લઈ ઘેર ન આવો. જ્યાં છો ત્યાં તમારી શક્તિના ૧૦૦% આપી તમારું કર્તવ્ય બજાવો.


