- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- દરેક સંબંધ એક અનુભવ છે - શીખ છે. કોઈપણ સંબંધ કાયમી નથી
સં બંધોની શરૂઆત કરતી વખતે આ સંબંધ લાંબો અને ચિરકાલીન બની રહે અને જીવનભર સુખ, શાંતિ અને સલામતી આપતો રહે એવી સૌ કોઈની ઈચ્છા હોય છે પરંતુ દરેક કિસ્સામાં આ ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. કેટલીકવાર સંબંધોનો ધીમેધીમે કે પછી એકાએક અંત આવે છે.
દરેક સંબંધોનો અંત વાદ-વિવાદ, બોલાચાલી, મતભેદ-મનભેદ, અબોલા, ઝઘડાઓ, જુદા રહેવું કે છુટાછેડાથી થતો નથી. કેટલાક સંબંધો ધીમે ધીમે ઓછા થતા જાય છે. અપેક્ષાઓ ધીમે ધીમે મુરઝાવા લાગે છે. લાગણીઓ પોતાની જગ્યા છોડવા માંડે છે અને એક દિવસ એ સમજાઈ જાય છે કે ક્યારેક જે એક જીવંત અને મોહરી ઉઠતો સંબંધ હતો એ હવે માત્ર એક ઔપચારિકતા અને આદતમાં ફેરવાઈ ગયો છે.
દરેક સંબંધની શરૂઆત એક વિશ્વાસથી થાય છે કે ''એ મને સમજશે.'' - ''એ મને સ્વીકારશે.'' આ વિશ્વાસ માત્ર કોઈ આશા કે સ્વપ્નું નથી પણ વ્યક્તિના મનની એક ઊંડી ભાવના છે. આ કારણે જ આપણે સામેની વ્યક્તિને એના સાચા સ્વરૂપમાં નથી જોતા પણ આપણી કલ્પનાનાં આદર્શ સ્વરૂપમાં એને ઢાળીએ છીએ અને અનુભવીએ છીએ. આ પ્રક્રિયાને આદર્શીકરણ એટલે કે Idealization કહે છે. આજ માનસિક પ્રક્રિયા આપણને સામેની વ્યક્તિની નજીક લાવે છે. આપણું દિલ ખોલવા પ્રેરણા આપે છે અને લાગણીઓનું રોકાણ કરવાની હિમ્મત આપે છે.
પરંતુ ધીમેધીમે સમય સાથે જ્યારે આ બધી અપેક્ષાઓ વારંવાર અધુરી રહી જાય છે ત્યારે મન ભાંગવાનું અને લાગણીઓ તૂટવાની શરૂ થાય છે. પરંતુ આપણા સપના અને કલ્પના એ સંબંધોને બચાવાના કામમાં લાગી જાય છે. શરૂઆતમાં આપણે સામેના પાત્રને સમજાવાનો પ્રયત્ન કરીએ છીએ અને પ્રશ્નો પૂછીએ છીએ કે ''તને શું થયું છે ?''... ''તું પહેલા જેવો કેમ રહ્યો નથી ?...'' આ પ્રશ્નો દ્વારા દિલ ખોલવાનો અને વાતચીતનો પ્રયાસ થાય છે. આનો હેતુ કોઈપણ ભોગે સંબંધો સાચવવાનો એક નિર્દોષ પ્રયાસ હોય છે.
પરંતુ જ્યારે સામેથી વારંવાર અવગણના મળે અથવા તમારી લાગણીઓને કોઈ મહત્ત્વ ન અપાય ત્યારે છેવટે મન હારી અને થાકી જાય છે. અહીં એક મહત્ત્વપૂર્ણ મનોસ્થિતિ જન્મે છે જેમાં પ્રેમ હજુ પણ હોય છે પરંતુ તેમાં થાક પણ જોડાઈ જાય છે. આ હાલકડોલક અસ્પષ્ટ મનોસ્થિતિમાં પ્રેમ અને પીડાનો એકસાથે અનુભવ થાય છે. જે વ્યક્તિને અંદરથી કોરી નાંખે છે. ધીમે ધીમે મનમાં એક નવી પ્રક્રિયા શરૂ થાય છે જેને લાગણીની વિમુખતા (Emotional Withdrawal) કહે છે. જેમાં વ્યક્તિ પોતાની લાગણીઓને પાછી ખેંચવા માંડે છે. તે હવે ઓછું બોલે છે, ઓછું સમજાવે છે, તે અંદરથી એ શાંત અંતરને સ્વીકારવા માંડે છે. મનમાં એક અવાજ ઉભો થાય છે. હવે એને સમજાવવાની જરૂર નથી. આ વાક્ય માત્ર શબ્દ નથી પરંતુ એક લાંબા આંતરિક મનોસંઘર્ષને પરિણામે આકાર લેતો નિર્ણય હોય છે. આ મનોસંઘર્ષ દરેક પ્રકારના સંબંધોમાં જોવા મળે છે. પ્રેમ સંબંધોમાં શરૂઆતની ઉષ્મા અને સામીપ્ય ધીમે ધીમે ગાયબ થતા જાય છે. બંને વચ્ચે વાતો ક્યારેક કલાકો ચાલતી હતી તે હવે થોડી મીનીટોમાં પૂરી થઈ જાય છે. મેસેજ લખાય છે પણ મોકલાતા નથી. ફોન થાય છે પરંતુ ટૂંકા સંવાદોમાં મનનું જોડાણ ધીમેધીમે મૃતપ્રાય થતું જાય છે. મોટેભાગે બંને વચ્ચે કોઈ મોટી ઘટના નથી બનતી પણ નાનીનાની અવગણનાઓ એકઠી થઈને વ્યક્તિને અને સંબંધોને મૌન બનાવી દે છે.
દામ્પત્યજીવનમાં વર્ષો સુધી ચાલતી એકતરફી સમજણ અને પ્રયત્નો અંતે નિરાશા અને થાકમાં પરિવર્તિત થાય છે. જ્યાં પહેલા દિલની વાતચીત થતી એને હવે ચર્ચાનું નામ અપાય છે અને આપણા ઉષ્મા ભરેલા અંતરની લાગણીઓ પ્રગટ કરવાની કે સાથે બેસી સંબંધોને ફરી જીવંત બનાવવાનો વાર્તાલાપ કરવાની તક અપાતી નથી. સામેનું પાત્ર આવા કોઈ પ્રયાસોને માત્ર ખોટી, અંતહીન અને નિરર્થક ચર્ચામાં ખપાવી દે છે. એટલે લાગણીશીલ વ્યક્તિ પાસે મૌન સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ધીરેધીરે એવો સમય આવે છે જેમાં બંને વચ્ચેનાં સંબંધોમાં જે લાગણી હતી એ હવે માત્ર જવાબદારી અને ઔપચારિકતા બની જાય છે.
માતા-પિતા અને સંતાનનાં સંબંધમાં પણ આ નિ:શબ્દ અંત ખૂબજ ઊંડો હોય છે. જ્યારે સંતાનો નાના હોય છે ત્યારે પોતાની ઈચ્છાઓ અને લાગણીઓ વ્યક્ત કરે છે. માતા-પિતા એમની બધી જ ઈચ્છાઓ અને લાગણીઓને સંતોષવા માટે સમર્થ હોતા નથી. ક્યારેક મોંઘા રમકડાની માંગણી, મોબાઈલની માંગણી કે અભ્યાસની બદલે સંતાનનું મન કહે તેમ કરવાની છૂટ માતા-પિતા આપી શકતા નથી. સંતાન આને માતા-પિતાના કંટ્રોલીંગ વર્તન તરીકે જુએ છે અને નાનપણથી જ તેને માતા-પિતા દ્વારા ઘણાં ટ્રોમા આપવામાં આવ્યા છે એવી ગાંઠ મનમાં વાળી લે છે અને મનમાંને મનમાં કહે છે ''કંઈ નહીં.'' આ શબ્દ પાછળ અસંખ્ય વણકહેલી લાગણીઓ અને અસંખ્ય ગેરસમજ ભરેલા અનુમાનો બંધાય છે અને સંબંધોનો નિ:શબ્દ અંત આવે છે.
માતા-પિતા જ્યારે મોટી ઉંમરના પડાવ પર પહોંચે છે ત્યારે સંતાનો તેમના કુટુંબ અને સંતાનોને પ્રાયોરિટી આપે છે. વૃદ્ધ માતા-પિતા સાથે ખાસ કોમ્યુનિકેશન થતું નથી. પોતાના સંતાનોને પોતે પોતાની રીતે જ ઉછેરશે એવું નકકી કરી પતિ-પત્ની વડીલ માતા-પિતાની ઘોર ઉપેક્ષા કરે છે. માતા-પિતાને ઘણું કહેવું હોય છે. સાથે બેસી દિલની વાત કરી સહજીવન - Coliving માટે કેટલીક સર્વસંમત બાઉન્ડ્રી બનાવી કુટુંબને સાચવી રાખવાની ભાવના હોય છે. પણ વયસ્ક સંતાનોને આ બધી વાતો ખોટી ચર્ચા લાગે છે. જેમાં તેમને રસ હોતો નથી. માતા-પિતાની અવગણના વધતી જાય છે એટલે સંતાનોને નાનાથી મોટા કેવી રીતે કર્યા, અભ્યાસમાં, આગળ આવવામાં તન, મન અને ધનથી કેટલી મદદ કરી એ વાતો યાદ અપાવે છે પરંતુ વેલેન્ટાઈન ડે, ફાધર્સ ડે અને મધર્સ ડે નાં કલ્ચરમાં માનતા વયસ્ક સંતાનોને વર્ષમાં એખવાર કૃતજ્ઞાતા દિવસ મનાવાનું સુઝતુ નથી. એટલું જ નહીં પણ માતા-પિતાને ચોખ્ખું ચોપડાવે છે કે તમે આ બધું કર્યું એમાં કઈ ઉપકાર નથી કર્યો. બધાના માતા-પિતા આમજ કરે છે. ઉલટાના અમે તો ઘણી અધુરપમાં ઉછર્યા છીએ. તમે જે બધું કર્યું એ ગણાવો એ તમારી હીનવૃત્તિ અને બાલિશતા છતી કરે છે. આવા અલપઝલપ સંવાદો અને મૌનથી પ્રગટ થતા શબ્દો માતા-પિતાને આઘાતજનક મૌનમાં સરકાવી દે છે અને સાથે રહેતા સંબંધોનો નિ:શબ્દ અંત આવે છે.
બે મિત્રો વચ્ચેના સંબંધોમાં પણ જીવનની બદલાતી પરિસ્થિતિઓ અને પ્રાથમિકતા વચ્ચે કિશોરાવસ્થાનાં નિર્દોષ અને પ્રગાઢ પ્રેમસંબંધો ધીમેધીમે ઓછા થતા જાય છે.
સંબંધોમાં શુષ્કતા અને નીરસતા આવી જાય છે. કોઈ ઝઘડો થતો નથી. સંબંધો તૂટવાની કોઈ વાતચીત થતી નથી પરંતુ એક દિવસ સમજાઈ જાય છે કે હવે મિત્રતાનાં એ સંબંધો જીવંત રહ્યા નથી અને મિત્રો-મિત્રો વચ્ચે હવે કોઈ લાગણીસભર જોડાણ રહ્યું નથી.
સંબંધોના આ બધા પ્રકારોમાં થતા અનુભવોમાં એએક સામ્યતા હોય છે. પહેલાં આશા, પછી પ્રયત્નો, પછી નિરાશા, પછી થાક અને અંતે મૌન અને સંબંધોનો નિ:શબ્દ અંત, આ વિવિધ પ્રકારના સંબંધોના નિ:શબ્દ અંતમાંથી જન્મતા મનોસંઘર્ષ, હતાશા, નિરાશા, તનાવ અને મૌનનાં ભારને કારણે કથળતી મનોસ્થિતિની વિવિધ કેસ હિસ્ટ્રીઝની ચર્ચા આપણે હવે પછીના લેખમાં કરીશું.
પરંતુ અહીં એક નવી સમજણ ઉમેરવી જરૂરી છે.-
સંબંધોનો નિ:શબ્દ અંત એ હંમેશા નિષ્ફળતા માત્ર હોતી નથી. ઘણીવાર તે વ્યક્તિના આંતરિક વિકાસનો એએક ભાગ પણ હોય છે. જ્યારે આપણે વારંવાર આપણી લાગણીઓને અવગણાતી જોઈએ છીએ ત્યારે એકક્ષણે આપણે શીખી જઈએ છીએ કે બીજાઓ સાથેના જોડાણનાં હવાતિયા મારવા કરતાં પોતાની જાત સાથે જોડાવું વધારે મહત્ત્વપૂર્ણ છે. આ જાત સાથેનું જોડાણ એ ઉપચાર અને ઉકેલની શરૂઆત છે. કારણ અહીં વ્યક્તિ બહારના સંબંધ કરતાં પોતાની અંદરનાં સંબંધને વધારે મહત્ત્વ આપવાનું શરૂ કરે છે.
આ પ્રક્રિયાઓમાં સંબંધોમાં ચોક્કસ મર્યાદાઓ (Boundries) નક્કી કરવી ખુબ જ મહત્ત્વપૂર્ણ છે. પહેલાં આપણે જે બધુ જ સહન કરતાં હતાં એની સાથે હવે આપણે આપણી પોતાની લાગણીઓનું માન રાખવાનું શીખી જઈએ છીએ. મને આ સ્વીકાર્ય નથી. બીજાઓએ મારી સાથે કેવી રીતે વર્તન કરવું એ હું નક્કી કરીશ અન્ય લોકો નહીં. આ સમજણ આપણને અંદરથી ધીરે ધીરે મજબુત બનાવે છે.
માનસશાસ્ત્રનાં દ્રષ્ટિકોણથી મનને તનાવ અને આઘાતોમાંથી બચાવવાની આ એક Defence Mechanism એટલે કે બચાવ પ્રક્રિયા છે. મન પોતાને સુરક્ષિત રાખવા માટે લાગણીઓ પાછી ખેંચે છે. આ પ્રક્રિયા વ્યક્તિને વધુ સજાગ અને પરિપકવ બનાવે છે.
આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો દરેક સંબંધ એક અનુભવ છે - શીખ છે. કોઈપણ સંબંધ કાયમી નથી. આપણે ઘણીવાર મારા સંબંધ, મારી પત્ની, મારા સંતાનો, મારા મિત્રો એમ મારું મારું પકડી રાખીએ છીએ અને આપણી એ પકડજ દુ:ખનું કારણ બની રહે છે. આ દુ:ખમાંથી બહાર આવવા માટે સંબંધોને છોડતા શીખવું પડે છે.
આ છોડવું એટલે હાર માની લેવી એવું નથી. આ છોડવું એટલે સ્વીકારવું અને સ્વીકારવું એટલે અંદરથી મુક્ત થવું.
જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે દરેક વ્યક્તિ આપણા જીવનમાં એક ચોક્કસ સમય માટે આવે છે અને તેમના હેતુ અને જરૂરીયાત પૂરી થતાં જીવનમાંથી ચાલ્યા જાય છે. ત્યારે આ સંબંધોને કોઈપણ પ્રકારની અપેક્ષા વગર છુટા મુકવાથી તમારું જીવન સરળ બની જાય છે. આ Letting go આપણને ખાલી નથી બનાવતું પરંતુ નવી શાંતિથી ભરી દે છે.
અંતે સંબંધો તૂટતા નથી. એ શાંત થઈ જાય છે અને શાંતિમાં એક ઊંડો અર્થ છુપાયેલો હોય છે.
જ્યારે સમજાવાની ઈચ્છા ખતમ થાય છે ત્યારે સંબંધોનો અંત શરૂ થાય છે. પરંતુ જ્યારે સ્વીકાર જન્મે છે ત્યારે સંબંધો તૂટવાથી નીકળતા આ ઘાવનો ઉપચાર શરૂ થાય છે. અને કદાચ જીવનનો સાચો અર્થ આજ છે. (ક્રમશ:)
ન્યુરોગ્રાફ
સંબંધોમાં ખોવાઈને નહીં પણ સંબંધોમાંથી શીખીને જીવન જીવવાનો સાચો આનંદ આવે છે.


