- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- તમારા બધાંજ લેબોરેટરી રીપોર્ટસ, MRI, સિટી સ્કેન વગેરે રીપોર્ટસ નોર્મલ આવે તો પણ તમને માનસિક બિમારી નથી એ પુરવાર થતું નથી.
(ગતાંકથી ચાલુ)
આ સમયગાળામાં તેણે મારો સંપર્ક કર્યો. પરંતુ તેને એવું લાગવા માંડયું કે આ લેબોરેટરીવાળો ડોક્ટર અને હું એકબીજાના પરિચિત હતાં એટલે તેનામાં શંકાનું નવું વિષચક્ર શરુ થયું. તેને લાગવા માંડયું કે બધા ડોકટરો અને લેબોરેટરી મળીને તેની સામે સાજીશ ઘડી રહ્યા છે. રીપોર્ટસમાં છેડછાડ થઇ રહી છે અને તેને ટ્રેક કરવામાં આવી રહ્યો છે. આમ તેનામાં શંકાશીલ વિચારો અને કોઈ તેના વિરુદ્ધ વ્યવસ્થિત કાવતરું કરી રહ્યું છે એવા વિચારોએ જોર પકડયું. ત્યાર પછી તે વિવિધ જુદા મનોચિકિત્સકોનો સંપર્ક સાધતો રહ્યો અને તેને બધાએ એકજ વાત કહી કે તેને HIV AIDS નથી પરંતુ AIDSના ભયની બિમારી છે એટલે તે એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે આ બધાજ ડોકટરો ફૂટેલા છે. આમ તેના ભય અને ભ્રમ મજબૂત બનવા લાગ્યા.
જૂન-૨૦૨૦માં તેને એક સાથે અનેક લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા. એક લેબોરેટરીએ તેની સામે જ બે વખત ટેસ્ટ કર્યો પરંતુ તેને એવું લાગવા માંડયું કે આ લેબોરેટરીની કીટ્સ નકલી છે. એટલું જ નહીં HIV ના નિદાનની એની પધ્ધતિ અને ટેકનીક પણ ગુગલ જોયા પછી શંકાસ્પદ લાગવા માંડી. ત્યારબાદ તે હૈદરાબાદ ગયો અને ત્યાની પણ પ્રતિષ્ઠિત લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો. આ દરમ્યાન તેને એવું લાગ્યું કે કેટલાક ચોક્કસ લોકો તેને વોચ કરી રહ્યા છે. ત્યારબાદ તેને ફરીથી સારવાર માટે મારી પાસે લાવવામાં આવ્યો. એને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડીસઓર્ડરનાં અનિચ્છનીય અને ઘુસણીયા વિચારો વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આનો ઈલાજ લેબટેસ્ટ નહીં પણ દવાઓ છે જે તેના મગજનાં સીરોટોનીનના લેવલને વધારશે એવું વૈજ્ઞાનિક શિક્ષણ અપાયું. તેણે આ વાત માની અને દવાઓ શરુ કરી. પરંતુ વચ્ચે વચ્ચે ગુગલ પર માહિતી મેળવવાથી તેને એવી શંકા જવા લાગી કે તેની દવા બરાબર થઇ રહી છે કે નહીં. માનસિક રીતે તો તે સંપૂર્ણપણે નોર્મલ છે અને તેને દવાની કોઈ જરૂર નથી. આમને આમ દવા લેતા, ન લેતાં તેણે ૪ વર્ષ કાઢી નાખ્યાં અને જે પણ કઈ દવા લીધી એને કારણે એ ''મને AIDS તો નહીં થઇ ગયો હોય ને'' એવા અનિચ્છનીય ઘુસણીયા વિચારોથી તે દૂર રહ્યો.
ઉંમરની સાથે જાતીય આવેગો વધતા તેણે ડેટિંગ એપ પર યોગ્ય પાર્ટનર શોધવાનું નક્કી કર્યું અને ત્યારબાદ એક પાર્ટનર સાથે અને એક મસાજ પાર્લરમાં એણે પ્રોટેક્ટેડ સેક્સનો પ્રયત્ન કર્યો. પરંતુ આ ક્રિયા કર્યા પછી તેને એવો વિચાર આવ્યો કે ''કદાચ એ સમયે તેનો નિરોધ ફાટી ગયો હશે અને ફરીથી એને મને એઇડ્સ તો નહિ થયો હોય ને'' એવી ચિંતા ઘુસી. આ સમય દરમ્યાન તેની દવાઓ પણ બંધ હોવાથી તેના વિચારો વધી ગયા એટલે તેને થયું કે ડોકટરો પણ તેમના લાભ માટે ખોટી ખોટી લાંબો સમય દવાઓ ખવડાવે છે. એટલે તે એક દિવસ ઘેરથી ભાગી ગયો અને જુદી જુદી હોટલોમાં રહીને જુદી જુદી લેબમાં રિપોર્ટ કરાવતો રહ્યો. આખરે તેની પાસે પૈસા ન બચતા તેણે એક ધાર્મિક સ્થળે આશરો લીધો. પરંતુ ત્યાં પણ બે-ત્રણ દિવસ રહ્યા પછી તેને ભગવાન વિશે સેક્સનાં અપમાનજનક વિચારો આવવા માંડયા. આથી તે અત્યંત ડરી ગયો અને તેણે આત્મહત્યાની કોશિશ કરી. આખરે તેના સગા સ્નેહીઓએ તેની ભાળ મેળવી તેને ઘેર લાવ્યા. આ સમયે તેની ઊંઘ ઉડી ગઈ હતી. તે સતત એવું બોલ્યા કરતો કે ''હું પાપી માણસ છું. મને મારા કર્મોનો બદલો મળ્યો છે. મને જીવલેણ AIDS થયો છે. કોઈપણ મારી આજુબાજુ ફરકશો નહીં.'' તે એવું પણ વિચારવા લાગ્યો કે ''હવે કોઈની સાથે લગ્ન કરવા પણ શક્ય નથી. કારણ કે આમ કરવાથી સામેના પાત્રની જિંદગી બગડી જાય.'' એટલુજ નહીં તે સાવ નકામો છે અને તેને જીવવાનો કોઈ અધિકાર નથી. આ સમય દરમ્યાન તે વારંવાર લેબ રીપોર્ટ કરવતો રહેતો હતો. એમાં એક લેબના પેથોલોજીસ્ટે HIV રિપોર્ટ કરતા પહેલા જે ડોકટરે આની સલાહ આપી હોય એની રેફરન્સ ચિઠ્ઠી માંગી એટલે એણે એની સામે ખૂબ જ દલીલો કરી કે ''આજ સુધી કોઈએ આવી રેફરન્સ ચિઠ્ઠી માંગી નથી અને આવી ચિઠ્ઠી માંગવાની તેની હિંમત કઈ રીતે ચાલી''. પેલા પેથોલોજસ્ટે નમ્રતાપૂર્વક એને કહ્યું કે એ સિવાય હું ટેસ્ટ નહીં કરી શકું એટલે તેની સાથે બોલાચાલી અને ઝઘડો બહુ ચરમસીમાએ પહોંચ્યા એટલે એને સમજાવીને એના કુટુંબીઓ ફરી મનોચિકિત્સા માટે લાવ્યા. આ યુવાન ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડીસઓર્ડર વિથ પૂઅર ઇનસાઈટથી પીડાતો હતો.
મતલબ કે તેના રોગ વિષે તેને કોઈ જાણકારી કે માહિતી નહતી. ઈન્ટરનેટ અને ગુગલનાં ખોટા ઉપયોગથી તે મનઘડન રીતે પોતાને HIV થઇ ગયો છે એવું માની બધાજ લેબોરેટરી પેથોલોસિસટ અને ડોકટરોને શંકાસ્પદ રીતે જોવા લાગ્યો.
આ કેસ હિસ્ટ્રી આપણને એક સત્ય વાત સમજાવે છે કે માનસિક બીમારી એ કોઈ કલ્પના નથી. જો તમારા બધાંજ લેબોરેટરી રીપોર્ટસ, MRI, સિટી સ્કેન વગેરે રીપોર્ટસ નોર્મલ આવે તો પણ તમને માનસિક બિમારી નથી એ પુરવાર થતું નથી. યાદ રાખો માનસિક બીમારી વાસ્તવિક છે, પીડાદાયક છે અને યોગ્ય સારવારથી તેને કાબૂમાં લાવી શકાય છે. શક્ય છે કે કેટલી બીમારીઓ માટે દવા લાંબો સમય ચાલુ રાખવી પડે પરંતુ એનો અર્થ એવો નથી થતો કે એમને દવાની આદત પડી ગઈ છે. આપણે ડાયાબીટીસ, બ્લડપ્રેશર વગેરે રોગોમાં લાંબો સમય દવા લેવીજ પડે છે. તો કોઈપણ માનસિક બીમારીમાં જો તજજ્ઞાને જરૂર લાગે તો તેની સલાહને સ્વીકારીને યોગ્ય સહયોગ આપવાની જરૂર છે.
કોઈપણ પ્રકારની માનસિક બિમારીની સમયસર અને જરૂરી સારવાર તમારા જીવનનાં મહત્વના વર્ષોને નકામા અને અર્થહિન થતા અટકાવી શકે છે. અને તમને દુનિયાના સામાન્ય પ્રવાહમાં લાવી શકે છે.
ન્યુરોગ્રાફ :
ઘણી વખત લડાઈ દુનિયા સામે નહીં પરંતુ પોતાના મન સામે ચાલી રહી હોય છે.


