જેન.આલ્ફા અને તેમનાં પેરેન્ટ્સેે સમજવા જેવા સત્યો

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- બાળ ઉછેર કરતી 'નેની' આવે કે પછી એલોન મસ્કનાં દસ લાખ આધુનિક રોબો આવે. પરંતુ માનવીય સંવેદનાઓનું મહત્વ જીવનમાં ક્યારેય ઓછું થવાનું નથી.
જ નરેશન આલ્ફા એટલે કે ૨૦૧૦ પછી જન્મેલા બાળકો માટે અત્યારે આનંદનાં સાધનોનો ભરપુર અવકાશ છે. મધ્યમ વર્ગનાં માતા-પિતાઓ પણ બાળક જન્મવાનું હોય એની પહેલા એને ઉત્તમ ઉછેર મળે એ માટે ૨૫-૫૦ હજારનું એક રમકડું ઘડીનાં છઠ્ઠા ભાગમાં ખરીદી નાંખે છે અને નાના બાળકનાં ઉછેર દરમ્યાન એને દુનિયાનું લભ્ય તે તમામ સુખ આપી દેવાની માતા-પિતા વચ્ચે જાણે સ્પર્ધા થાય છે. બાળક ભણવામાં આગળ વધે એટલા માટે બેસ્ટ સ્કૂલમાં કોચિંગ અને સ્કૂલથી છૂટે કે તરત ટેનીસ ક્લાસ, મ્યુઝીક ક્લાસ, આર્ટ ક્લાસ, કરાટે ક્લાસ, સ્કેટિંગ ક્લાસ વગેરે વિવિધ કૌશલ્યોમાં પારંગત કરવાની માતા-પિતાની નેમ હોય છે.
બાળક પણ કોઈ રમકડાની દુકાનમાં મોલમાં દાખલ થાય એટલે સંખ્યાબંધ ચીજોની માંગણી કરે છે. આ જનરેશનને ઘરનું ખાવાનું તો ભાવતું જ નથી. મોબાઈલ અને સ્ક્રીન સાથે એમનો વારસાગત સંબંધ હોય એવું લાગે છે. માત્ર ‘Pleasure Principle’ એટલે કે 'આનંદનાં સિદ્ધાંતો' પર જીવાતી આ જિંદગી ભવિષ્યમાં ઘણાં માઠા પરિણામો લાવી શકે છે.
એટલું જ નહીં માતા-પિતા બાળકના સહાધ્યાયીઓ સાથે સર્કલ બનાવી અને નાના ભૂલકાઓને પાર્ટી કલ્ચર પણ શીખવાડી દે છે.
આ પરિસ્થિતિમાં એવા અસંખ્ય માતા-પિતાઓ આવે છે જેમને બાળકનાં વર્તન વિશે ફરિયાદ હોય છે. વિડીઓ ગેમ્સનાં રવાડે ચડીને ૧૫થી ૧૮ કલાક વિડીઓ ગેમ્સ રમતાં બાળકોનો તોટો નથી. બાળપણથી જ ઇચ્છે તે બધું મળી જાય છે એટલે બાળકો પોતાની ઇચ્છા પૂરી ન થાય કે ધારેલું ન થાય, તેમાંથી ઉભી થતી નિરાશા સહન કરી શક્તા નથી. એટલે નાની નાની બાબતમાં ગુસ્સો કરવો, માતા-પિતાની સામે બોલવું, જુઠ્ઠું બોલવું તો ક્યારેક મા-બાપનાં ખિસ્સા કે પર્સમાંથી ચોરી છૂપીથી પૈસા કાઢી લઇ દુકાનોમાંથી મનગમતી વસ્તુ લઇ આવવાની આદત પડી જાય છે. આવી આદતોથી નાસીપાસ થયેલા માતા-પિતા તેમનાં સંતાનોને કહે છે કે 'તને શું ખૂટે છે ? શેની ઓછપ આવે છે ? અમે બધુ જ તો તને અપાવીએ છીએ, તારી પાસે શું નથી કે તું આવું કરે છે ?' અતિશય લાડકોડથી ઉછરાયેલા આવા બાળકો કેટલીકવાર ભણવામાંથી તેમનું ધ્યાન ગુમાવી દે છે. આ કારણે જનરેશન આલ્ફામાં અભ્યાસનાં, કારકિર્દીનાં, ખોટા વ્યસનને રવાડે ચડી જવાની કિસ્સાઓ ઘણાં વધતા જાય છે. આમાં પણ માતા-પિતા જ્યારે વિભક્ત કુટુંબમાં રહેતા હોય અથવા તો દાદા-દાદી સાથે રહેતા હોય પણ તેમની ઘોર ઉપેક્ષા થતી હોય ત્યારે બાળકમાં માનસિક પ્રશ્નો વધે છે.
જનરેશન આલ્ફાનાં માતા-પિતાઓને મારે એટલું ચોક્કસ કહેવું છે કે તમે તમારા સંતાનો માટે જે કંઇ કરી રહ્યા છો એ અયોગ્ય છે એવું હું નહીં કહું પરંતુ 'અતિ સર્વત્ર વર્જયેત'નો સિદ્ધાંત તો યાદ રાખવો જ પડશે. ધાર્યું ન થાય તે સહન કરતાં બાળકને શીખવાડવું જ પડશે. એટલું હંમેશા યાદ રાખવાનું છે કે તમારા સંતાનને તમે જે આપો છો એ સિવાય બીજું ઘણું બધું આપવાનું છે અને શિખવાડવાનું છે.
તમારી આંગળી પકડીને ચાલતા શીખેલું તમારું સંતાન તમારા ધુ્રજતા પગને ટેકો આપતી લાકડી બને ત્યાં સુધીનો પ્રવાસ તમારે તેની સાથે કરવાનો છે. તમારા સંતાનની ઉચ્ચ અભ્યાસ કરી અને ઉચ્ચ કારકિર્દી ઘડાય અને સફળતાના શિખરો સર કરે એ તો તમારે તમારા બાળકને શીખવાડવાનું જ છે પરંતુ એ સિવાય જીવનનાં મૂલ્યો, કૌટુંબિક પરંપરાઓ અને માનવીય સંવેદનશીલતાનું સિંચન પણ કરવાનું છે. કેટલાક મા-બાપો ને હું એવું કહેતા સાંભળું છું કે 'હવે જમાનો બદલાયો છે. હોંશિયાર નહી થાવ તો દુ:ખી થશો' અથવા એવું પણ કહેતા સાંભળ્યા છે કે 'હવેનાં જમાનામાં જીવવા માટે થોડીક આવડત અને ચાલાકી તો જોઇશે જ. જમાના પ્રમાણે જીવતા તો શીખવું પડશે જ.'
આ ચાલાકી એટલે ખૂબ જ જબરા અને જીદ્દી થઇને અથવા બીજાને છેતરીને કે ધક્કો મારીને આગળ વધવાની માનસિકતાને જો તમે આજનાં જમાનાની રીત માનતા હોવ તો આવું બધું શિખવાડતા પહેલા તમારે ચેતવું પડશે.
દરેક વખતે તમારી ચાલાકી, તમારી હોંશિયારી કે આવડત તમને જિંદગી જીવવાની રીત શીખવતી નથી. બાળકોને સ્વીમીંગ, સ્કેટિંગ, ટેનીસ, કરાટે, મ્યુઝીક કે આર્ટ શીખવાડવામાં વ્યસ્ત રહેતા માતા-પિતાએ એટલું સમજવું પડશે કે સૌથી પહેલા બાળકમાં માનવીય સંવેદનશીલતા, કુટુંબના સંસ્કાર અને વડીલો પ્રત્યે સદ્ભાવના અને માનભર્યું શીખવાડવું બહુ જ જરૂરી છે.
મોટાભાગનાં ઘરમાં અત્યારે એ સંઘર્ષ ચાલી રહ્યો છે કે ઘરનાં વડીલો કે દાદા-દાદી સાથે બાળકોને હળવા મળવા દેવામાં આવશે તો તે નવા જમાનાને સમજી નહીં શકે અને શીખી નહીં શકે. એટલે તેમનાથી દૂર રાખવા સારા. પરંતુ એક સનાતન સત્ય સમજી લેવું જરૂરી છે કે જીવનનાં કેટલાક મૂળભૂત મૂલ્યો, કેટલીક પરંપરાઓ, કેટલાક સિદ્ધાંતો અને જિંદગી જીવવાની બાબતો સમયાંતરે બદલાતી નથી. બાળ ઉછેર કરતી 'નેની' આવે કે પછી એલોન મસ્કનાં દસ લાખ આધુનિક રોબો આવે. પરંતુ માનવીય સંવેદનાઓનું મહત્વ જીવનમાં ક્યારેય ઓછું થવાનું નથી. જિંદગીની એવી કેટલીક ઘટનાઓ છે જેની સાથે સંકળાયેલી લાગણીઓ કે સંવેદનાઓ જમાના સાથે ક્યારેય બદલાતા નથી.
શાળામાં બાળકને પહેલીવાર મુક્યા પછી રડતું બાળક, પ્રથમ પ્રેમનાં બ્રેકઅપ પછી તૂટેલું દિલ, લોહીનાં ગાઢ સંબંધોનાં સારા માઢા પ્રસંગોથી વિતાવેલા દાયકાઓ પછીની જુદાઈ કે મૃત્યુ પામેલા સ્વજનને વળાવતી વખતે હૈયાફાટ આવતું રુદન. બદલાતા જમાનાની તાસીર સાથે કે સમગ્ર વિશ્વના તમામ દેશોની ભાષાનાં વર્ણનમાં ક્યારેય ન બદલી શકાય એવા સનાતન સત્યો છે.
સાચું બોલવાથી, હકીકતનો અસ્વીકાર કરવાથી કે ખોટો રૂપિયો ન ચાલે તો ગમે તેટલા ધમપછાડા કરવાથી પણ જગતનાં કોઈ જ સંબંધોમાં લાંબા સમય માટે ગેરસમજો કે અબોલા ઉભા કરી શકાતા નથી.
જમાનો ભલે બદલાતો હોય, ફેશન ભલે બદલાતી હોય, એટીકેટ ભલે બદલાતી હોય, કરોડોની ગાડીનાં નવા મોડલ ભલે લોકો ફેરવતા હોય કે બંગલા અને ફાર્મહાઉસનું કલ્ચર ગમે તેટલું આંજી નાખતું હોય તો પણ તમારા બાળકની સામે તમે અને માત્ર તમે જ એક આદર્શ છો. એ ક્યારેય ભૂલતા નહીં. એને દિશાસૂચન કરવાની જવાબદારી લઇને એને કારકિર્દીનાં વિકલ્પો ચોક્કસ પૂરા પાડી શકાય. પરંતુ એ વિકલ્પોમાંથી પસંદગી કરવાની આવડત અને સમજદારી તમારી તમે બાળકને આપેલી કેળવણીથી જ શક્ય બનશે.
બાળકને નમ્ર વિવેકી, સંવેદનશીલ, જવાબદાર નાગરિક બનાવવાની સભાનતા સૌ કોઈ માતા-પિતાએ રાખવી પડશે.
આપ સૌએ અબ્રાહમ લિંકનનું નામ તો સાંભળ્યું જ હશે. તેઓ યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના ેક સફળ પ્રમુખ હતાં. જીવનનાં દરેક તબક્કામાં વારંવાર નિષ્ફળ જઇ આખરે અમેરિકાનાં પ્રમુખની ચૂંટણીમાં સફળ જનાર અબ્રાહમ લિંકન, વિપરીત પરિસ્થિતિઓ સામે ન ઝૂકનાર અને સંઘર્ષમય જીવન જીવનાર એક સફળ વ્યક્તિ તરીકે આજની તારીખમાં પણ લોકજીભે પ્રચલિત છે. અબ્રાહમ લિંકને એ જમાનામાં એમનાં પુત્રનાં શિક્ષકને એક પત્ર લખ્યો હતો. અત્યારે આપણે જનરેશન આલ્ફાની વાત કરીએ છીએ ત્યારે અબ્રાહમ લિંકનનાં એ પત્રમાંથી કેટલાક વાક્યો આપની સમક્ષ રજુ કરવાની મને ઇચ્છા થાય છે. આજના આધુનિક માતા-પિતાઓ માટે પણ આ પત્રમાં લખાયેલ વાક્યો એક દીવાદાંડી સમાન પુરવાર થઇ રહેલ તો મને કોઈ નવાઈ નહીં લાગે. લિંકને પોતાના પુત્રના શિક્ષકને લખેલા પત્રના કેટલા અંશો નીચે મુજબ છે.
'આ દુનિયામાં બધા માણસો ન્યાયપ્રિય કે સત્યનિષ્ઠ નથી. આ એક સનાતન સત્ય છે. મારો દિકરો પણ આ સત્ય ક્યારેક શીખશે અને સમજશે એવી મારી આશા છે. સાથે સાથે એને એ પણ શીખવાડજો કે આ જગતમાં બદમાશોનો ટોટો નથી તેવી જ રીતે ચરિત્રવાન ઉત્તમ પુરુષોની પણ કમી નથી. સ્વાર્થી રાજકારણીઓની બહુ મોટી ટોળકી છે, તો ક્યાંક ક્યાંક સત્યપરાયણ નેતાો પણ જીવે છે.
ધાર્યું ન થાય તો નિરાશ થતા પણ તેને શીખવાડજો. કેટલાક વિશિષ્ટ સંજોગોમાં જીવનમાં હારવું પણ પડે તો હાર કેવી રીતે સ્વીકારવી અને પચાવવી એ પણ એને શીખવાડજો. એટલુ જ નહીં વિજયનો આનંદ સંયમથી ઉજવવાની સમજ પણ એનામાં કેળવજો.
તમારા અભ્યાસક્રમમાં ન હોય તો પણ દ્વેષ અને અદેખાઈથી દૂર રહેતા પણ એને શીખવજો. ભૌતિક સુખસંપત્તિઓ જોઇને એ અંજાઈ ન જાય અને પોતાનું આત્મસન્માન અને આત્મવિશ્વાસ જાળવી શકે એવા પાઠો પણ એને ભણાવજો.
જો ખુશ થવાના પ્રસંગ આવે તો જીવનમાં હળવેથી ખુશી વ્યક્ત કરતાં પણ શીખવજો. તમારા અભ્યાસક્રમમાં ન હોય તો પણ ગુરુજી એને એટલું તો શીખવાડજો જ કે મનમાં ગમે તેટલું દુ:ખ હોય તો પણ બહાર હસતા જ રહેવું. સાથે સાથે એ પણ સમજાવજો કે આંખમાંથી આંસુ સરી પડે તો એમાં શરમાવા જેવું પણ કંઇ જ નથી.
તમે એના મનમાં એકવાત બરાબર ઠસાવી દેજો કે તેણે પોતાની સંપૂર્ણ બુદ્ધિ, સૂઝબુઝ અને મહેનતથી કમાણી કરવી. પૈસા કમાવવા માટે ક્યારેય જીવનનાં મૂલ્યો, આત્માના અવાજ અને હૃદયની લાગણીઓને ખૂણામાં ન હડસેલી દેવી. એને એટલું જ શીખવાડજો કે તમને ધિક્કારનારાઓનાં ટોળા તમારી સામે આવે તો આંખ આડા કાન કઈ રીતે કરવા એની સમજણ એને આપજો. છેલ્લે એક વાત એના મનમાં ચોક્કસ ઠસાવજો કે જે સાચું અને ન્યાયી લાગે તે માટે દ્રઢતાની જીવનનાં અંતિમ શ્વાસ સુધી લડી લેવું.'
જનરેશ આલ્ફાને ઇચ્છે તે બધું મળી શકે છે અને મા-બાપો એમની સઘળી ઇચ્ચા પરિપૂર્ણ કરવાં તત્પર છે. પોતાનાં સંતાનોને ડોક્ટર, એન્જિનિયર, આઈ.એ.એસ. આઈ.પી.એસ, બિઝનેસમેનન, સંગીતકાર કે કલાકાર બનાવવાની દરેક માતા-પિતાને ઇચ્છા હોય એ સમજી શકાય એમ છે. પોતાના સંતાનને એક સફળ નાગરિક તરીકે જોવાની ઇચ્છા દરેક મા-બાપની હોય છે પરંતુ અહીં એક સનાતન સત્ય સમજી લેવાની જરૂર છે કે જીવનમાં સફળ થવું એટલે એક સારા માણસ બનવું. ભવિષ્યમાં તમારું સંતાન ગમે તે બને પણ સૌથી પહેલા એ માણસ બને અને રોજેરોજ જેની સાથે પનારો પડવાનો છે એવા માણસો સાથે માણસાઇથી રહે એ સત્ય આજનાં યુગનાં ફેશનેબલ અને એટીકેટ ધરાવતા મા-બાપોએ સૌથી પહેલા સમજી લેવાની જરૂર છે.
ન્યુરોગ્રાફ :
બાળકો આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ તો આપોઆપ શીખી જશે પણ કૌટુંબિક વારસાઈના મૂલ્યો અને માણસાઈ દાખવવાની કલા મા-બાપે જ શીખવવી પડે.

