Get The App

તમે નિષ્ફળ માતા, પત્ની, વહુ, કર્મચારી કે વ્યવસાયી છો ?

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
તમે નિષ્ફળ માતા, પત્ની, વહુ, કર્મચારી કે વ્યવસાયી છો ? 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- આ જના જમાનામાં કારકિર્દી, સંતાનો અને ઘરની જવાબદારીમાં પીસાતી સ્ત્રીઓએ અપરાધભાવ અને હતાશા અનુભવ્યા વગર માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે ટકાવવું તેની ચર્ચા અહીં કરાઈ છે.

''સો રી સર... ફરી પાછી ટાઈપીંગમાં એની એ ભૂલ થઈ ગઈ... આઈ નો ઈટ ઈઝ અર્જન્ટ... હું તમારો સમય બરબાદ કરૃં છું.... આઈ ફીલ એક્સ્ટ્રીમલી સોરી... સર''

''રીલેક્ષ...ચાર્મી રીલેક્ષ.... આવી ભૂલ તો થાય... ડોન્ટ ફીલ સો મચ ગિલ્ટી એબાઉટ ઈટ... ટેઈક ઈટ ઈઝી...''

''આઈ કેન નોટ સર... એકચ્યુઅલી હું જોબ છોડવા વિચાર કરું છું. કારણ હું કામમાં ધ્યાન પરોવી શકતી નથી... કામને ન્યાય આપતી નથી અને સંખ્યાબંધ ભૂલો કરું છું અને આર્જવ પણ મને બહુ મિસ કરે છે. હું એક માતા તરીકે નકામી પુરવાર થઈ છું અને પર્સનલ સેક્રેટરી તરીકે પણ તમને આસીસ્ટ કરી તમારો વર્કલોડ ઘટાડવાને બદલે તમારું કામ બગાડી તમારો તનાવ વધારું છું. આઈ...એમ.. રીઅલી...યુઝલેસ... આઈ એમ એ ફેઈલ્યોર...''

મલ્ટીનેશનલ કંપનીમાં છેલ્લા સાત વર્ષથી કામ કરતી ચાર્મી આર્જવના જન્મ પછી સતત અપરાધ ભાવ અનુભવે છે. આમ તો આર્જવને તેના સાસુ ઘણી સારી રીતે સાચવે છે. પરંતુ ચાર્મીને સતત લાગ્ય કરે છે કે તે પુત્રને યોગ્ય માતૃત્વ આપી શકતી નથી. કદાચ એનો માનસિક વિકાસ ખામી ભર્યો રહી જશે. આર્જવ મમ્માને આખો દિવસ મીસ કરતો હશે.''

નિષ્ફળ માતા તરીકે ગિલ્ટને મનમાં પાંગરવા દઈને ચાર્મી ઓફિસના કામમાં પણ અવાર-નવાર ભૂલ થવાથી તીવ્ર અપરાધભાવ અનુભવે છે.

ગાર્ગી છેલ્લા પંદર વર્ષથી જર્નાલીઝમના ક્ષેત્રમાં છે. તે એક સફળ પત્રકાર અને લેખક છે. તેના કામનો પ્રકાર જ એવો છે કે તેના  માટે સંતાનો, પતિ અને વડીલ શ્વસુર અને સાસુ પ્રત્યે ધ્યાન આપવું મુશ્કેલ છે.

સવારના પહોરમાં સાસુ ચ્હા તૈયાર કરીને એને ઉઠાડે છે, પતિ અમિનેશ બાળકોને સવારે વહેલાં તૈયાર કરી સ્કુલ યુનિફોર્મ પહેરાવી, નાસ્તાનો ડબ્બો ભરી આપી સ્કુલે મૂકી આવે છે. કારણ ગાર્ગીને ડેઈલી ન્યુઝપેપરની નિત નવી સેન્સેશનલ સ્ટોરી તૈયાર કરતાં ઘણું મોડું થઈ જાય છે એટલે સવારે વહેલા ઊઠવું એના માટે શક્ય નથી. ક્યારેક વીડ એન્ડમાં પણ છાપાની પૂર્તિ તૈયાર કરવાની હોય છે એટલે તે બાળકોને બહાર પણ લઈ જઈ શકતી નથી.

ગાર્ગીના ઘરના લોકોને કોઈ જ ફરિયાદ નથી. કારણ ન્યુઝપેપરની દુનિયામાં તેનું મોટું નામ છે. આટલા વર્કલોડ અને દોડાદોડ છતાં તે બન્નેય સંતાનોને હોમવર્ક કરાવવામાં મદદ કરે છે. સમય મળે સાસુ સસરાની પણ યોગ્ય સંભાળ રાખે છે. પતિને ઓફીસ જતાં પહેલાં તેમની નાનામાં નાની વસ્તુ હાજર કરવાની તકેદારી રાખે છે.

પરંતુ ગાર્ગીને પોતાનાથી ઘણી ફરિયાદ છે. તેને એવું લાગે છે કે પોતાના કુટુંબના સભ્યો માટે જ તેની પાસે ટાઈમ નથી. તે આ કારણે જુદી જુદી વાતમાં સતત ગિલ્ટનો અનુભવ કરે છે. એટલે જ તે સતત ચિંતા અને રઘવાટમાં રહે છે, તેને સરખી નંદર આવતી નથી. માઈગ્રેનના એટેક્સ વારંવાર આવે છે.

ચેતના સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે ટ્રસ્ટની હોસ્પિટલમાં નોકરી કરે છે. કૌટુંબિક જવાબદારીને પહોંચી વળવા તે ડયુટી અવર્સ પુરા થવા પહેલાં ઘેર આવી જાય છે. કોલેજ કાળ દરમ્યાન તે હંમેશા ગોલ્ડમેડાલીસ્ટ રહેલી. પરંતુ  કૌટુંબિક જવાબદારીને કારણે તેણે કોઈ જ રીસર્ચ પેપર તૈયાર કર્યું નથી. કોઈપણ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન કરવું તો દૂરની વાત રહી તેણે તો હાજરી પણ આપી નથી. તેને લાગે છે કે તેનામાં ઘણી આવડત હોવા છતાં તેનું કેરીયર તે બનાવી શકી નથી. પોતાના ક્ષેત્રમાં તે જ્યાંની ત્યાં જ છે. આ વિચાર તેના મનમાં સતત અપરાધભાવ પેદા કરે છે. તેને હંમેશા અધુરપ ને ઓછપ લાગ્યા કરે છે. તે પોતપોતાનાથી સહેજ પણ સંતુષ્ટ નથી.

ધુ્રવી બે બાળકોની માતા છે. વિશેષ સાથે લગ્ન કર્યાને પાંચ વર્ષ થયાં છે. તે ઘરકામને પહોંચી વળવાની પૂરતી કોશિશ કરે છે પણ તેને માટે એ શક્ય બનતું નથી. દરરોજ પતિ થાકેલા આવે ત્યારે સમય પર ખોરાક રાંધીને ડાઈનીંગ ટેબલ પર રેડી ટુ ઈટ સ્વરૂપે તૈયાર રાખી શકતી નથી. ક્યારેક કપડાંને ઘડી કરીને નિયત જગ્યાએ મૂકવાના રહી જાય છે. ઘણીવાર ઘેર આવેલા મહેમાનને આપવા માટે ઘરમાં આઈસ્ક્રીમ કે નાસ્તા જેવું કંઈ જ હોતું નથી. ક્યારેક બાળકનો યુનિફોર્મ સમયસર ધોવડાવી ને પ્રેસ કરાવવાનો રહી જાય છે. આમ લીસ્ટ બહુ લાંબુ છે. જે તે પૂરું કરી શકતી નથી. આ બધાં કારણોને લઈ તે સતત અપરાધભાવનો અનુભવ કરતી રહે. આ કારણે તે હંમેશા ઉદાસ, ગભરાયેલી અને રઘવાટમાં રહે છે અને માથું કુટયા કરે છે. તથા પોતાની યાદશક્તિને દોષ દીધા કરે છે. ક્યારે તેને એવું લાગે છે કે પોતાનો આ રઘવાટીયો સ્વભાવ બીજાઓને કારણે છે. તેને એવું લાગે છે કે આજુબાજુના લોકો એને મસજે અને એના પ્રત્યે થોડોક દયાભાવ રાખે. તે સતત એવું પૂરવાર કરવાની કોશિષ કરે છે કે પોતે સર્વાંગ - સંપુર્ણ અને પરફેક્ટ વ્યક્તિ છે. બીજાઓની નાનામાં નાની વાતની તે પૂરી કાળજી લઈ શકે છે. જો તેના સંજોગો સાથ આપતા હોત તો તેને કોઈ તકલીય જ ન પડત. આમ પોતે સંજોગોના શિકાર, દયાભાવ રાખવા લાયક એક પિડીત વ્યક્તિ છે એવું તેને લાગ્યા કરે છે.

સતત અપરાધભાવ અનુભવવાને કારણે તેનું પર્ફોમન્સ વધારે ને વધારે બગડતું જાય છે. જેની જવાબદારી સ્વીકારવા તે ક્યારેય તૈયાર નથી. ચાર્મી, ગાર્ગી, ધુ્રવી કે ચેતનાની તકલીફો એટીલ ગંભીર નથી. નોકરી, વ્યવસાય, ઘરકામ વગેરે વચ્ચે સંતુલન સાધવાની સમસ્યા ક્યારેય ન ઉકેલી શકાય એટલી મુશ્કેલ હોતી નથી. પરંતુ તેમની સમસ્યા સતત ગિલ્ટ-અપરાધભાવ અનુભવતા રહેવાની છે. લગ્નના દસ-પંદર વર્ષ સુધી નોકરી કરતી સ્ત્રીઓ માટે વિસ્તરતા કુટુંબ સાથે લોકોની જરૂરિયાતોને પહોંચી વળવું અને નોકરી કે વ્યવસાય અને ઘરનાં લોકો એમ બન્નેય બાજુ બધી જ ફરજ બજાવવી અશક્ય હોય છે. પણ આને લીધે એમને આટલા દુ:ખી અને દયાપાત્ર બની જઈ સતત અપરાધની લાગણી જ અનુભવતા રહેવાની અને પોતે કોઈને સરખો ન્યાય આપી શકતા નથી એવા નકારાત્મક વિચારોમાં ગરકાવ થઈને દુ:ખી રહ્યા કરવાની જરૂર નથી.

ગિલ્ટ વ્યક્તિની કાર્યક્ષમતા, આત્મછબિ અને આત્મસન્માન પર કારમો ઘા કરતી નકારાત્મક લાગણી છે. હકીકતમાં તે વ્યક્તિની તમામ લાગણીને તોડી મરોડી નાંખે છે. અપરાધભાવ અનુભવવો એ તદ્દન નિરર્થક અને વાહિયાત વાત છે. આનાથી સમય અને શક્તિ વેડફાય છે. જાતને સતત કોસતા રહી દિલગીરી અનુભવવાથી કોઈપણ સંજોગો, તમારા વિચારો, વર્તન કે વ્યક્તિત્વને બદલી શકાતું નથી. સતત અપરાધભાવ અનુભવવામાં જ જો તમે વ્યસ્ત રહેશો તો કંઈક કામ કરવમાનો કે ભૂલ સુધારવાનો સમય તમને ક્યારે મળશે ?

અપરાધ અનુભવવો એ માત્ર સ્ત્રીઓની જ સમસ્યા નથી. અપરાધની લાગણી વિશ્વવ્યાપી છે અને તે આબાલ વૃધ્ધ સહુ કોઈ અનુભવે છે.

સતત ગિલ્ટ અનુભવતી વ્યક્તિ આત્મધિક્કારનો અનુભવ કરે છે. કોઈપણ વાત પર ગિલ્ટ પેદા થાય એટલે વ્યક્તિએ એની મોટી કિંમત ચૂકવવી પડે છે. તે અંદરથી હચમચી જાય છે. એનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. એની હિંમત ઓસરતી જાય છે. એની એકાગ્રતા ભંગ થાય છે. કોઈ કામમાં એનુ ધ્યાન રહેતું નથી. તેમને હંમેશા અધુરપ અને ઓછપ લાગ્યા કરે છે, તેમની યાદશક્તિ ક્ષીણ થતી જાય છે, સ્વભાવ રઘવાટીયો બની જાય છે. તે સાચા ખોટાનો નિર્ણય કરી શકતી નથી. તેઓ હતાશ રહે છે. તેમનું બ્લ્ડપ્રેશર વધે છે, એસીડીટી થાય છે. માનથું દુ:ખે છે... સંખ્યાબંધ શારીરિક રોગો થઈ શકે છે.

ન્યુરોગ્રાફ 

અપરાધ અનુભવી તમે તમારી જાતને ઘોર અન્યાય કરો છો. અપરાધભાવ આત્મસન્માન અને આત્મ વિશ્વાસનો જાની દુશ્મન છે. એ તમને અંદરથી કોરી ખાય છે અને દુખ તથા હતાશાની ગર્તામાં ધકેલે છે.