Get The App

લગ્નમાં ઊભી થતી સમસ્યાઓ અને તેના ઉકેલ

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
લગ્નમાં ઊભી થતી સમસ્યાઓ અને તેના ઉકેલ 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- દામ્પત્યમાં મતભેદ અને અનુકૂલનની સમસ્યાઓ અને છૂટા પડવાની ઘટનાઓ આજકાલ સામાન્ય બની ગઈ છે. એવા સંજોગોમાં આવી સમસ્યાઓનો સામનો કરવાનું આવે તો શું કરવું ? 

કો લેજકાળમાં રાહુલ અને કાવ્યા એકબીજા સાથે પ્રેમનાં મીઠા સંબંધે બંધાયા. પરિવારનો વિરોધ હોવા છતાં બંનેએ સંઘર્ષ કરીને લગ્ન કર્યા. થોડા વર્ષો તો બધું અદ્દભુત, આહ્લાદક અને સ્વર્ગસમું લાગતું હતું. પણ જેમ જેમ સમય થતો ગયો તેમ નાના-મોટા ઝઘડાઓ, રોજગારની સમસ્યાઓ, આર્થિક મુશ્કેલીઓ અને અધુરી અપેક્ષાઓને કારણે બંનેના સંબંધોમાં તિરાડ પડવા લાગી. કોણ જાણે કેમ પણ કાવ્યાને એવું લાગવા માંડયું કે રાહુલને હવે એનામાં રસ રહ્યો નથી. તે બીજી કોઈ મિત્ર તરફ વધારે આકર્ષિત થવા લાગ્યો છે. શંકા, તણાવ અને ઝઘડાઓ વધતાં સંબંધોનો આધાર એટલેકે પારસ્પરિક વિશ્વાસ તૂટી ગયો.

એક દિવસ કાવ્યાએ નક્કી કર્યું (આવી જિંદગી જીવવી એના કરતાં એકલતા સારી). બંને જણા આર્થિક રીતે પગભર હતાં એટલે કોઈને કોઈની પાસેથી આપેલું પાછુ લેવાની કે છૂટાછેડા પછી એલ્યુમની કે મેઈન્ટેનન્સ લેવાની કોઈ જરૂર ન હતી. બંને કોર્ટમાં ગયાં. કાગળ ઉપર સહી કરી અને પારસ્પરિક સ્વેચ્છાઇથી ડિવોર્સ લઇ લીધા. આમ પ્રેમલગ્નથી શરુ થયેલી આ પ્રેમ કહાની લગ્નવિચ્છેદ સાથે જ પૂરી થઇ ગઈ. છૂટાછેડા માટે કોર્ટમાં જતા તેમણે લીધેલા પહેલા અને છેલ્લા કાઉન્સેલિંગ સેસનમાં કેટલીક નોંધપાત્ર વાતો જાણવા મળી જે મોટાભાગના પ્રેમલગ્ન અને છૂટાછેડામાં સામાન્ય રીતે જોવામાં આવે છે.

પ્રેમ લગ્નોમાં આરંભે વિશ્વાસ, ઉત્સાહ અને અમારો પોતાનો નિર્ણય હોવાનો ગર્વ હોય છે. પરંતુ જ્યારે સહજીવનની સમસ્યાઓ જેવી કે આર્થિક દબાણ, અધુરી અપેક્ષાઓ, રોજગારનો તનાવ, પારિવારિક દબાણ અને બીજા વ્યક્તિની એન્ટ્રીની સાચી ખોટી ગંધ આવે છે ત્યારે વિશ્વાસનો આધાર તૂટી જાય છે. વિશ્વાસનો આ અભાવ સંબંધોનો પાયો હચમચાવી દે છે. શંકા, ઈર્ષ્યા અને અસલામતી દામ્પત્યજીવન માટે ઝેર સમાન પુરવાર થાય છે. જોકે આવી પરિસ્થિતિમાં મનોચિકિત્સકની સમયસર અને જરૂર જેટલી લાંબી સલાહ અને સારવારનો આશરો લેવાય તો સંબંધો સાચવી પણ શકાય છે.

શહેરમાં ઉછરેલી, નોકરી કરતી, ભાવિ સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાઓથી ભરેલી નીતાનાં ગામડાંમાં ઉછરેલા કુટુંબવત્સલ અને પરંપરાગત વિચારધારા ધરાવતા અમિત સાથે એરેન્જડ મેરેજ થાય છે. લગ્ન થયા પછી થોડાક જ સમયમાં નીતાને સમજાઈ ગયું કે એની દુનિયા બદલાઈ ગઈ છે. સાસુ-સસરાનું દબાણ શરુ થયું કે 

'નોકરી શેની?, ઘરની સંભાળ રાખ'

'તારે મોટા સ્વપ્નાઓ જોઇને શું કરવું છે ? બાળકોના સ્વપ્ના પુરા કર.'

અમિત પણ એવું કહેવા લાગ્યો કે માતા-પિતાની આમન્યા રાખ. એમને ગમે એટલું જ તારે કરવાનું રહેશે. આ બધા કારણોને લઈને અમિત અને નીતા વચ્ચેના સંબંધો વણસવા લાગ્યા. નીતાની ઇચ્છાઓ અધુરી રહી ગઈ. ઘરના સતત ઝઘડાઓએ લગ્ન સંબંધને ઉધઈની જેમ કોરી નાખ્યો. અંતે એક દિવસ નીતા બેગ ભરીને માતા-પિતાના ઘરે પાછી આવી ગઈ. સંબંધ તૂટી ગયો. સામાજિક રીતે છૂટાછેડા પણ મળી ગયાં.

એવું જોવામાં આવ્યું છે કે એરેન્જડ મેરેજમાં ઘણીવાર બે અલગ અલગ સાંસ્કૃતિક પૃષ્ટભૂમિવાળા સ્ત્રી-પુરુષો લગ્નગ્રંથીથી જોડાય છે. અહીં આપેલા કિસ્સામાં પત્ની આધુનીક હતી જ્યારે પતિ પરંપરાગત. અહીં સૌથી મોટો મતભેદ હતો 'રોલ કોન્ફ્લીકટ'નો ... સ્ત્રી ગૃહિણી બનીને રહે કે વ્યવસાયી તે બાબતમાં મોટું મત-મતાંતર હતું. પતિ-પત્ની વચ્ચે સામાન્ય વાતચીત અને સંવાદનો અભાવ હોવાથી મતભેદો ઘેરા બનતા ગયા. અસમાન સાંસ્કૃતિક ભૂમિકાવાળા બે કુટુંબો વચ્ચે જો પતિ મીડીએટર ન બની શકે તો સંબંધો તૂટી જવાની સંભાવના વધી જાય છે.

અલ્પેશ અને રીના એક જ ઓફીસમાં સહકર્મચારી હતાં. તેમાંથી મિત્ર બન્યા. પ્રેમમાં પડયા અને લગ્ન પણ કર્યા. થોડા વર્ષો તો બધું સારું ચાલ્યું પણ પછી બંનેને સમજાયું કે બંનેનાં જીવન જીવવા માટેનાં સ્વપનાઓ જુદા હતાં. અલ્પેશને સ્થિર અને શાંત જીવન ગમતું હતું જ્યારે રીનાને મોજમસ્તી, નીતનવા મિત્રો, નીતનવી દુનિયા અને પ્રવાસમાં રસ હતો. લગ્નજીવનમાં નાનામોટા નિર્ણય પર તિવ્ર મતભેદો અને વાતવાતમાં વિસ્ફોટક ઝઘડાઓ થવા લાગ્યા. એક દિવસ બંનેએ શાંતિથી નક્કી કર્યું કે સાથે રહીને એકબીજાનાં દુશ્મન બની પીડા આપતા રહેવા કરતાં અલગ થવું સારુ. અને બંને એ સહસંમતિથી અલગ થવાનો નિર્ણય કરી લીધો. 

અહીં સમસ્યા હતી (પર્સનાલિટી ડીફરન્સીસની). પતિ સ્થિરતા ઈચ્છતો હતો જ્યારે પત્ની સાહસ અને સ્વતંત્રતા. બન્નેની જીવનશૈલી ક્યારેય એક સરખી રહી શકે તેમ ન હતી. મૂલ્યો અને અપેક્ષાઓ વચ્ચેની ગેરસંમતિ એટલે કે 'વેલ્યુ મિસમેચ' લાંબા ગાળે દામ્પત્યજીવનમાં અસંતોષ લાવે છે. જો દંપતિ એકબીજાની જીવનશૈલી માટે મોકળાશ અને સહનશીલતા વિકસાવે અને બંને જણા થોડી બાંધછોડ કરી અનુકૂલન સાધે તો જ સંબંધ ચાલી શકે. બંને વચ્ચે સમજુતીની ક્ષમતા ન હોય તો અલગ થવું એ એક 

માત્ર વિકલ્પ રહી જાય છે.મેહુલ અને આશાનું લગ્નજીવન કુટુંબીજનોથી શરુ થયું હતું. અર્થાત લગ્ન બે કુટુંબ વચ્ચેના હતા. પ્રથમ વર્ષમાં તો જીવન ખુશખુશાલ રહ્યું પરંતુ આશાને સંતાન ન થતાં કુટુંબનું દબાણ વધ્યું. આશા સારવાર માટે ડોક્ટર પાસે જવા તૈયાર હતી પરંતુ મેહુલ એક જ વાત કરતો હતો કે ભગવાનમાં ભરોસો રાખ. બંને વચ્ચે રગડા-ઝઘડા થવા લાગ્યા. કુટુંબીજનોએ કોઇપણ મેડીકલ પરીક્ષણ વગર સંતાન ન થવા બદલ આશાને જવાબદાર ઠેરવી. આ પ્રકારના આક્ષેપો અને મેણાટોણા સાથે આશા લાંબુ રહી શકે તેમ ન હતી. તેણે ઘર છોડી દીધું. થોડા સમયમાં કોર્ટનાં કાગળો ઉપર સહી થઇ અને બંનેનાં સ્વપ્ના ભાંગીને ભૂકો થઇ ગયાં.

સંતાન ન થવું દામ્પત્યજીવનમાં મોટો તણાવ ઉભો કરી શકે છે. અહીં પત્ની ઉકેલ શોધવા તત્પર હતી પણ પતિ બધું ભગવાન ભરોસે છોડવા માંગતો હતો. વાંઝીયાપણાનો તણાવ દંપતીમાં દોષારોપણ અને અંતર વધારે છે. સમાજ અને કુટુંબીજનોનું દબાણ આ તણાવને વધુ વકરવામાં જાણ્યે અજાણ્યે મદદ કરે છે. આવા કિસ્સાઓમાં કપલ થેરાપી અને સાયકો એજ્યુકેશન દ્વારા પરસ્પર સમજુતી વધારી શકાય, પણ તે સમયસર ન થાય તો સંબંધ તૂટી શકે છે. આ ચારેય કિસ્સાઓ આજના સમાજમાં વધી રહેલા છુટાછેડાનાં કિસ્સાઓ પાછળનાં સામાન્ય રીતે જોવા મળતા જીવંત ઉદાહરણો છે. પ્રેમલગ્ન હોય કે એરેન્જડ મેરેજ. પતિ પત્ની વચ્ચે સંવાદનો અભાવ, વિશ્વાસનો અભાવ, અપેક્ષાઓના તાલમેલનો અભાવ અને કુટુંબીજનોનું દબાણ જેવા પરિબળો દાંપત્યજીવનમાં સંઘર્ષ લાવે છે અને તેને છૂટાછેડા તરફ દોરી જઈ શકે છે.

લગ્ન એક પવિત્ર બંધન છે એમાં જવાબદારી, સહનશક્તિ, કમીટમેન્ટ, નિષ્ઠા અનુકૂલન સાધવાની તૈયારી જેવા પરિબળો હોવાં સંબંધોના પાયા મજબુત બનાવવા માટે અત્યંત જરૂરી છે. પ્રેમલગ્ન હોય કે કુટુંબે ગોઠવેલા લગ્ન, પરંતુ લગ્નસંબંધોમાં દાખલ થતી. બંને વ્યક્તિઓ એકબીજાની સાથે જીવવાનું નક્કી કરીને જ આ સંબંધમાં દાખલ થાય છે. અહીં બંને વ્યક્તિઓ સામાન્ય રીતે પૂરી સમજદારી અને સ્વીકારની લાગણીથી જોડાય છે. દુનિયાના બીજા કોઈ સંબંધમાં મોટે ભાગે આટલું કમિટમેન્ટ હોતું નથી પરંતુ આજકાલના સમયમાં લગ્નસંબંધ અચાનક જ ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવા લાગે છે જેનાં કેટલાક કારણોની ચર્ચા આપણે કરી ગયાં. આવા સંજોગોમાં બંને વ્યક્તિ માને છે કે લગ્નમાં ઉભી થતી તમામ સમસ્યાઓ માટે સામેની વ્યક્તિ જવાબદાર છે. લગભગ દરેક વ્યક્તિને પોતાના લગ્નમાં પુરેપુરા સુખ અને સંતોષથી જીવવાની ઝંખના હોય છે. દરેક વ્યક્તિને પોતાના જીવનસાથી સાથે એક એવા સંબંધની અપેક્ષા હોય છે જેમાં ક્યારેય કોઈ જ સમસ્યા ઉભી ન થાય. વિશ્વમાં લગ્નસંબંધથી જોડતા લગભગ દરેક વ્યક્તિને પોતાના લગ્નમાં પુરેપુરા સુખ અને સંતોષથી જીવવાની ઝંખના હોય છે. દરેક વ્યક્તિને પોતાના જીવનસાથી સાથે એક એવા સંબંધની અપેક્ષા હોય છે જેમાં કોઈ સમસ્યા ન થાય અને દામ્પત્ય જીવન સુખમય અને સ્વર્ગીય બની રહે. વિશ્વમાં લગ્નસંબંધથી જોડતા લગભગ દરેક યુગલની આવી ઝંખના હોય છે અને એવો પ્રયાસ પણ. તેમ છતાં એમનું લગ્ન અંતે ક્યાંકને ક્યાંક પહોંચીને સંબંધોનાં અડાબીડ જંગલની સમસ્યામાંથી પસાર થાય છે. તેમાંથી ઉકેલનો કોઈ રસ્તો મળતો નથી. 

તમે પણ જો આવી કોઈ સમસ્યામાંથી પસાર થતા હોવ તો સૌથી પહેલી જરૂરિયાત એ છે કે બંને જણા એકબીજા સાથે વાત કરે. એકબીજાના પ્રશ્નો સામેની વ્યક્તિનાં દ્રષ્ટિકોણથી સમજે. એકબીજાનું અનુકૂલન સાધવાનો પ્રયાસ કરે. કમનસીબે મોટા ભાગના લોકો આવા સંજોગોમાં સૌથી પહેલું કામ ત્રીજા માણસને વાત કરવાનું કરે છે. આમાં જ્યાં સુધી સ્ત્રીની અંગત બહેનપણી કે પુરુષનો અંગત મિત્ર હોય તો બહુ વાંધો આવતો નથી. આ લોકો તેમની સમજણ પ્રમાણે સાચી-ખોટી સલાહ આપીને લગ્નને તૂટતાં અટકાવવાનું કે પછી તોડવાનું કામ કરે છે. એમાં પણ જ્યારે પુરુષની સ્ત્રી મિત્ર કે સ્ત્રીનો પુરુષ મિત્ર આવી સમસ્યામાં સામેલ થાય ત્યારે પરિસ્થિતિ વણસવાનાં સંજોગો વધુ રહે છે. સાથે સાથે જો એમનું લગ્ન જીવન સુખી ન હોય અને એ લોકો પણ આવીજ કોઈ સમસ્યામાંથી પસાર થતા હોય તો બંને એકબીજાની નજીક આવી જાય છે પરંતુ  આવો સંબંધ પણ કોઈ સમજદારીથી કે લાગણીથી બંધાયેલો સંબંધ પુરવાર થતો નથી એટલે આખરે  સંબંધો તૂટી જાય છે. 

દામ્પત્ય સંબંધોની સમસ્યામાં બીજાનો અભિપ્રાય લેતા પહેલા એક વાત યાદ રાખવી જરૂરી છે  કે દરેક માણસ જ્યારે અભિપ્રાય આપે છે ત્યારે એની પાસે પોતાનો બેગેજ હોય છે. આ બેગેજ એનાં વીતેલા દિવસો, એણે જીવેલી જિંદગી એમાંથી એણે કરેલું અર્થઘટન અને એ પોતાની જિંદગી અને સંજોગોને જે રીતે સમજ્યા છે એ બધાનાં સરવાળારૂપે પોતાનો અભિપ્રાય આપે છે. હકીકતમાં કોઈએક જણનો અનુભવ બીજાને કામ લાગતો નથી. આવા સંજોગોમાં નિષ્ણાંતની મદદ લેવી જે સંબંધોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ન્યુરોગ્રાફ :

દુનિયાનો કોઈ સંબંધ આખરી કે કાયમી હોતો નથી. એ વાત આપણે સૌ જેટલી વહેલી સ્વીકારી લઈએ એટલું આપણા માટે જરૂરી છે.