Get The App

સ્વપ્નામાં જેઠ સાથે સહશયન માણતી સ્ત્રીને બીમારી હતી?

Updated: Nov 7th, 2023

GS TEAM


Google News
Google News
સ્વપ્નામાં જેઠ સાથે સહશયન માણતી સ્ત્રીને બીમારી હતી? 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- સ્વપ્નભંગ થયા પછી અથવા તો સવારે ઉઠું ત્યારે હું અત્યંત બેચેન બની જતી. હું મોટું પાપ કરું છું એવું મને લાગતું.

સ્વ પ્નએ વ્યક્તિની અચેતન માનસિક પ્રક્રિયાઓને સમજવા માટેનું એક મહત્ત્વનું સાધન છે. વ્યક્તિની જાગ્રત સભાન અવસ્થા દરમ્યાન તેનો અહમ્ અને અધિઅહમ્ સંપૂર્ણપણે જાગ્રત હોવાથી દમિત ઇચ્છાઓને બહાર આવવાની તક મળતી નથી. પરંતુ નિદ્રાવસ્થા દરમ્યાન વ્યક્તિના અહમનો અંકુશ હળવો થાય છે. એટલે દમિત ઇચ્છાઓને વ્યક્ત થવાની તક સાંપડે છે.

જો કે સ્વપ્નાવસ્થા દરમ્યાન વ્યક્તિની દમિત ઇચ્છાઓની થતી ઇચ્છાપૂર્તિ હંમેશાં આનંદદાયક હોતી નથી. કેટલીક વ્યક્તિઓ માટે સ્વપ્નાંઓ અત્યંત પીડાકારક પુરવાર થાય છે. સોનુના પત્રમાં તેણીને આવતાં સ્વપ્નાંઓની દર્દનાક પશ્ચાદ્ અસરોની ચર્ચા કરાઈ છે.

સોનું લખે છે, મારી ઉંમર સત્યાવીસ વર્ષની છે. મારાં લગ્ન નવ વર્ષ પહેલાં અમારી જ્ઞાતિમાં થયાં હતાં. હાલમાં હું બે બાળકોની માતા છું. મારા પતિ ગ્રેજ્યુએટ છે. તેઓ દેખાવમાં હેન્ડસમ-સ્માર્ટ છે. કોઈપણને તેમનું આકર્ષણ થઈ જાય તેવું તેમનું વ્યક્તિત્વ છે. તેઓ મને ખૂબ જ પ્રેમ કરે છે.

હું જો કે માત્ર નવ ધોરણ સુધી જ ભણેલી છું. મારાં પિયરિયાં ધાર્મિક વૃત્તિવાળાં હોવાથી ગળથૂથીમાં જ મને ધાર્મિક સંસ્કાર મળેલા છે. ચર્ચામાં હોશિયાર, વ્યવહારમાં કુશળ, બોલવામાં ચબરાક અને દેખાવે સુંદર અને આધુનિક હોવાને કારણે કોઈને ખ્યાલ પણ ન આવે કે હું ઓછું ભણેલી છું. મને વાંચનનો ઘણો શોખ છે એટલે કોઈપણ વિષય વિશેની મારી જાણકારી ઘણી હોય છે, જેથી મારી સલાહ લેવા માંગતા અને અભિપ્રાય પૂછતા પાડોશીઓ અને સ્નેહીઓની સંખ્યા વિશાળ છે. અમારા સમાજમાં અમને પતિ-પત્નીને બધા એક દૂ જે કે લિયે- એવું લાડથી કહે છે. તમને હવે એમ થશે કે હું તો બધી જ વાતે સુખી છું, પણ ડોક્ટર એવું નથી. એક એવું દુ:ખ છે જે કોઈને પણ કહી શકાય તેમ નથી. એક એવી પીડા છે જે સહન કરીને મન હારી થાકી ગયું છે. વેદનાના ભારને મિટાવી દેવા હું એકવાર આત્મહત્યાનો નિષ્ફળ પ્રયત્ન પણ કરી ચૂકી છું. મારી આંતરમનની વેદનાની સિલસિલાબદ્ધ હકિકત નીચે મુજબ છે :

મારાં લગ્નના છ માસ બાદ અચાનક મને રાત્રે વહેલી સવારે સ્વપ્નાં આવવા માંડયા. સ્વપ્નમાં મારા જેઠ સાથે હું સમાગમ કરતી હોઉં એવાં દૃશ્યો મને દેખાતાં હતા.

સ્વપ્નાવસ્થામાં સેક્સનો આ ઉન્માદ આહલાદક અને આનંદદાયક રહેતો. બાજુમાં સૂતેલા મારા પતિને હું મારા જેઠ સમજી લઈ બાહુપાશમાં જકડી લેતી, પરંતુ સ્વપ્નભંગ થયા પછી અથવા તો સવારે ઊઠું ત્યારે હું અત્યંત બેચેન બની જતી. હું મોટું પાપ કરું છું એવું મને લાગતું. હું મારા મનને ટપારતી. મારા જેઠથી દૂર ભાગતી. દિવસ દરમ્યાન તેમનો ચહેરો જોવાનું ટાળતી. છતાંયે ચોરીછૂપીથી હું તેમને જોઈ લેતી. તેમનું સ્વરૂપ, બોલવા-ચાલવાની છટા મારામાં વિચિત્ર ઉન્માદ ભડકાવતાં, હું મારા જેઠને પામવાનાં વિચિત્ર સ્વપ્નાંઓ જોતી. મને મારાં જેઠાણીની ઇર્ષા આવતી. તેમની સાથે વાત વાતમાં ઝઘડી પડતી.

લગ્ન પછી શરૂઆતનાં વર્ષોમાં અમે સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં. અમારા ઘરમાં મારાં સાસુ, સસરા, જેઠ-જેઠાણી, દિયર વગેરે બહુ આનંદથી રહેતાં હતાં. મારા જેઠ દેખાવે સુંદર છે તથા આકર્ષક અને મોહક વ્યક્તિત્વ ધરાવે છે. આમ તો ત્રણેય ભાઈઓ એક એકથી ચડિયાતા છે. મારા પતિનું પણ મને બહુ આકર્ષણ છે. મારા દિયર સાથે પણ મજાક મસ્તી કરવી મને ગમે છે. પરંતુ મારા સ્વપ્નાના સામ્રાજ્યનો સમ્રાટ તો મારો જેઠ જ છે. સ્વપ્નાવસ્થા દરમ્યાન હું ક્યારેક મારી જાતને દ્રૌપદીના સ્વરૂપે નિહાળતી. મારાં સ્વપ્નાંનો એ ઉન્માદ સવાર પડતાં જ ઘોર હતાશામાં પરિણમતો.

સ્વપ્નામાં મારાથી થતા આ ઘોર પાપનું પ્રાયશ્ચિત કરવા મેં આજથી પાંચ વર્ષ પહેલાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે મારા આ પ્રયાસનું કારણ મારા અને જેઠાણી વચ્ચેના અણબનાવ તથા રગડા-ઝઘડાને ગણાવી અમને જુદું ઘર લઈ દેવામાં આવ્યું. આત્મહત્યાનું ખરું કારણ હું એકલી જ જાણતી હતી, જેની ચર્ચા આજ દિન સુધી કોઈની સાથે હું કરી શકી નથી.

મારો સ્વભાવ ઘણો જ ચીડિયો અને વિચિત્ર થઈ ગયો છે. ક્યારેક ખૂબ જ વાચાળ બની જઈ સામેથી બધા સાથે બોલવા લાગું છું, તો ક્યારેક હું અતડી બની બેસી રહું છું. મને બધા મૂડી, તરંગી કહે છે. હું માનું છું કે મારા આવા અકળ સ્વભાવનું કારણ મારા મનમાં રહેલી અપરાધભાવના જ છે.

આજે મારાં લગ્નને નવ વર્ષ થઈ ગયાં છે. છતાં સ્વપ્નામાં આ ઘોર પાપ હું રોજ કરું છું. જો કે દિવસ દરમ્યાન હું મારા જેઠને જતાં-આવતાં જોઉં તો મને કોઈ જ ખરાબ વિચાર આવતા નથી, પરંતુ દિવસે પણ મારી આંખ લાગી જાય તો મારી સમક્ષ મારા જેઠ જ ખડા થઈ જાય છે. આ કારણે હાલમાં મારું મન કોઈ જ કામમાં લાગતું નથી. ઘરની વ્યક્તિઓ સાથે મારે કંકાસ થાય છે. બાળકો ઉપર પણ ધ્યાન આપી શકાતું નથી. મારું માથું સતત દુખ્યા કરે છે.  મગજમાં આટલા ટેન્શનની સાથે પણ મારે તમામ સામાજિક જવાબદારીઓ નિભાવવી પડે છે. મારાથી ઘણીબધી ભૂલો થાય છે. મારી આ દુર્દશામાંથી છોડાવવા ભગવાનને પણ મનોમન પ્રાર્થના કરતી રહું છું.  હું પાપી છું, એટલે સજાના રૂપમાં ક્યારેક મારા હાથ પર ચપ્પુથી કાપા પાડી લઉં છું કે રસોઈ કરતાં હાથે કરીને મારી જાતને દઝાડી દઉં છું. પરંતુ તેનાથી પણ મને મારા જેઠના સ્વપ્નાંઓ આવતાં બંધ થતાં નથી.

લોકો ભલે મને મીંઢી, અતડી, ઘમંડી, મૂડી, નખરાળી વગેરે વિશેષણોથી નવાજતા હોય પરંતુ હું નાદાન અને નાસમજ છું. હું આપમેળે કંઈ જ કરતી નથી. પણ સ્વપ્નામાં મને શું થઈ જાય છે એ જ મને સમજાતું નથી. છેલ્લાં બે વર્ષથી તો મારા પતિ જ્યારે મારી સાથે શરીરસંબંધ બાંધે છે ત્યારે હું તેમની જગ્યાએ મારા જેઠની કલ્પનાઓ જ કરું છું. જેનાથી થોડી ક્ષણો પૂરતી તો હું આનંદથી ઝૂમી ઉઠું છું, પરંતુ મારો આ આનંદ ઘોર હતાશા-નિરાશા અને અપરાધભાવામાં પરિણમે છે. મારી આ વિચિત્ર મનોસ્થિતિ કે માનસિક બીમારીમાંથી મને છુટકારો અપાવો એવી તમને વિનંતી છે.

સોનુને આવતાં સ્વપ્નાંઓ તેના જાગ્રત માનસ માટે દર્દનાક અને પીડાકારક પુરવાર થયાં છે. સોનુનાં સ્વપ્નાંઓની સૃષ્ટિનો તાગ મેળવવા માટે આપણે વ્યક્તિના જાગ્રત અને અજાગ્રત મન વિશે કેટલીક પાયાની ચર્ચા કરીએ. બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની બધી ઇચ્છાઓ જાગ્રત અવસ્થાએ હોય છે, અને તેનું સમગ્ર 

વર્તન તે ઇચ્છાઓના સંતોષ ઉપર જ કેન્દ્રિત થયેલું હોય છે. બાળકનો વિકાસ થતાં તેની કેટલીક ઇચ્છાઓના સંતોષ ઉપર બાહ્ય નિયંત્રણ આવે છે અને તેવી ઇચ્છાઓને દબાવી દેવાની તેને ફરજ પાડવામાં આવે છે. આ દબાયેલી, અસંતુષ્ટ રહેલી ઇચ્છાઓનો પુરવઠો તે જ વ્યક્તિનું અજાગ્રત કે અબોધ માનસ. વ્યક્તિના અબોધ માનસમાં મોટાભાગે એ પ્રકારની માનસિક પ્રક્રિયાઓ અસ્તિત્વ ધરાવતી હોય છે.

જે પ્રક્રિયાઓનો સ્વીકાર વ્યક્તિનું જાગ્રત મન કરી શકતું નથી. તે સ્વીકાર અજાગ્રત કે અબોધ માનસ કરી શક્તું હોય છે. સોનુને આવતાં સ્વપ્નાંઓ તેના અજાગ્રત મનનો જાગ્રત મન પર વિજય છે.

શક્ય છે કે દ્રૌપદીનું પાત્ર સોનુના બાળમાનસમાં અંકિત થઈ ગયું હોય, અને દ્રૌપદીની જેમ પાંચ પુરુષોનું પડખું સેવવાથી બાલિશ ઇચ્છાને જીવનવિકાસના કોઈ એક તબક્કે સોનુના જાગ્રત મને તેના અજાગ્રત મનમાં દબાવી દીધી હોય. સોનુના આવા વિચારોનું ઊર્ધ્વગમન ન થવાને કારણે લગ્ન પછી પતિ અને જેઠ બંનેનું પત્નીત્વ સ્વીકારવા તેનું અજાગ્રત માનસ દબાણ કરતું હોય, પરિણામે તેણીને આવાં સ્વપ્નાંઓ આવતાં હોઈ શકે.

સોનુને આવતાં સ્વપ્નાંઓનું બીજું કારણ 'ઇલેક્ટ્રગ્રંથિ'નું તેની બાલ્યાવસ્થા દરમ્યાન તંદુરસ્ત નિરાકરણ ન થયું હોય તેને પણ ગણાવી શકાય. ઇલેક્ટ્રાગ્રંથિને કારણે પુત્રીને તેના પિતા પ્રત્યે અહોભાવ પેદા થાય છે. તેને પિતા વધારે મજબૂત અને શક્તિશાળી લાગે છે. જ્યારે માતા ઉતરતી કક્ષાની લાગે છે, આથી તે માતા પ્રત્યે નફરત ધરાવતી થઈ જાય છે. અને પિતા પ્રત્યે અહોભાવ ધરાવી તેમને વહાલી થવાના સતત પ્રયત્નો કરતી રહે છે. આ પરિસ્થિતિને લીધે જ ઘણી છોકરીઓ પિતા જેવી કોઈ વ્યક્તિ ન મળે ત્યાં સુધી લગ્ન કરતી નથી અને જો તેનાં લગ્ન અન્ય કોઈ યુવાન સાથે થઈ જાય તો પિતા જેવી વ્યક્તિ જીવનમાં તેને ગમે ત્યારે મળે તો તેને તે મનોમન ચાહવા લાગે છે. સોનું તેના જેઠમાં પિતાની પ્રતિકૃતિ નિહાળી તેમનું સામીપ્ય સ્વપ્નાંઓમાં શોધતી હોય તે પણ શક્ય છે.

જો કે આ નક્કી કરવા માટે સોનુના અજાગ્રત માનસનો અભ્યાસ કરીને પછી જ ચોક્કસ કારણ આપી શકાય.

સોનું હાલમાં સ્વપ્નામાં ઉન્માદ અને ત્યાર પછી અનુભવાતી તીવ્ર હતાશાનો શિકાર છે, એમ પણ કહી શકાય. સોનું આમ પણ સ્વભાવે મૂડી અને તરંગી છે. ક્યારેક કોઈની સાથે ખૂબ બોલવું અને આત્મીય થઈ જવું તો ક્યારેક એ જ વ્યક્તિ સાથે ઓળખાણ જ ન હોય તેવો વર્તાવ કરવો એ સોનુના મૂડમાં આવતા ઉતાર-ચઢાવની ચાડી ખાય છે.

સેક્સની બાબતમાં મોટા ભાગનાં સ્ત્રી-પુરુષો બહુપાત્રીય અભિગમ મૂળભૂત રીતે ધરાવતાં હોય છે. પરંતુ પતિ કે પત્ની સિવાય અન્ય પુરુષ કે સ્ત્રી વિશે ખરાબ વિચાર કરવા એ અનૈતિક કૃત્ય ગણાતું હોવાથી વ્યક્તિ આવી ઇચ્છાઓનું દમન કરે છે અને ઉન્માદની મનોદશા દરમ્યાન વ્યક્તિ જ્યારે સામાજિક અને નૈતિક બંધનોને ફગાવે છે, ત્યારે તે અન્ય પાત્રો સાથે જાતીય સંબંધ બાંધવાની પરિકલ્પનાઓ કરે છે. સોનુની આવી પરિકલ્પનાઓનું તુષ્ટીકરણ તેનાં સ્વપ્નાંઓમાં થાય છે.

સ્વપ્નામાં આવી અનૈતિક હરકતો થઈ ગયા પછી સોનુ કૃત્રિમ પ્રાયશ્ચિત્ત કરે છે, જેને કારણે તે હતાશ રહે છે. ઉપરાંત તેણે એકવાર આત્મહત્યાની કોશિશ પણ કરી છે.

સોનુ બાયોલોજીક ડિપ્રેસન અથવા તો ખિન્ન-ઉન્મત્ત મનોસ્થિતિ અર્થાત્ બાયપોલર ડિસઓર્ડરનો શિકાર હોઈ શકે. તેની આવી મનોસ્થિતિ માટે તેના મગજમાં થતા રાસાયણિક ફેરફારો પણ જવાબદાર હોઈ શકે.

સોનુની મનોસ્થિતિનું સાચું નિદાન તો તેનુ સંપૂર્ણ તપાસ પછી જ કરી શકાય, પરંતુ ઉન્મત- ખિન્ન મનોદશાને કાબૂમાં લાવવા માટે કરાતી સારવારથી તેનાં આવાં સ્વપ્નાંઓ અટકાવી પણ શકાય. સોનુના મનને ઉલેચવું તથા તેના મનસાગરમાં આવતી વિચારોની ભરતી-ઓટને નાથવી મનોચિકિત્સા દ્વારા શક્ય છે.

બાયપોલર ડીસઓર્ડરનાં દર્દીનાં સ્વપ્નાંઓ પણ સમજવા જેવાં હોય છે. અપૂરતી ઊંઘ અને મોડેથી નીંદર આવવી તથા વહેલી આંખ ઉઘડી જવાના કારણે બાયપોલર ડીસઓર્ડરના દર્દીઓનું સ્લીપ સાયકલ અનિયમિત થઈ જાય છે. આ કારણે ક્યારેક તેમને ચિત્ર વિચિત્ર પ્રકારના તો ક્યારેક ભયાનક સ્વપ્નાઓ આવી શકે છે. સ્વપ્નામાં ક્યારેક કોઈક ગળું દબાવીને મારી નાંખતું હોય તો ક્યારેક સ્વપ્નામાં કોઈકની સાથે સહશયન કરતું હોય તેવાં સ્વપ્નાંઓ પણ આવી શકે છે. તો ક્યારેક તેઓ સ્વપ્નમાંથી સફાળા બેઠા થઈ ને જાગી જય છે, ત્યારે તેમના હૃદયના ધબકારાઓ વધી ગયા હોય છે, સ્વાસોશ્ચાસ ઝડપથી ચાલે છે અને તેમને સતત પરસેવો થયો હોય છે. આવાં સ્વપ્નાઓ તેમને ચિંતિત અને હતાશ બનાવી મુકે છે.

સંશોધનોથી પુરવાર થયું છે કે તટસ્થ મૂડ સ્ટ્ટેસ સાંસારિક, નિયમિત અથવા અસ્પષ્ટ સપના સાથે સંકળાયેલા હોય છે જ્યારે મેનિક સ્ટ્ટેસમાં વિચિત્ર અને અસંભવિત સ્વપ્નાઓ આવે છે.

અન્ય સંશોધન પ્રમાણે સેક્સ વિષયક સ્વપ્નાઓ તથા પરીકલ્પનાઓનું પ્રમાણ બાયપોલર ડીસઓર્ડરમાં વ્યાપક રીતે જોવા મળે છે.

જો કે વ્યક્તિનાં સ્વપ્નાંઓની સૃષ્ટિ ઘણી વિશાળ અને જટિલ હોય છે. સોનુને તેની જાતીય પરિકલ્પનાઓ બદલ અપરાધભાવના અનુભવી આત્મહત્યાના વિચારો કરવા કરતાં યોગ્ય સારવાર કરાવવાની મારી સલાહ છે.

ન્યુરોગ્રાફ : બધા જ સ્વપ્નાઓ સાચા પડે એવું માનવાને કોઈ કારણ હોતું નથી.

Tags :