Get The App

જ્યારે ભય અને વિચાર સજા બની જાય

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
જ્યારે ભય અને વિચાર સજા બની જાય 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- માનસિક બીમારીઓ ઘણી વખત દેખાતી નથી પરંતુ તે વ્યક્તિના મનમાં એવી રીતે વણાઈ જાય છે કે આખું જીવન તેની આસપાસ ફરવા લાગે છે

મા નવજીવનમાં સ્વાસ્થ્યનો અર્થ માત્ર શરીર પુરતો સીમિત નથી. મન અને વિચારોનું સ્વાસ્થ્ય એટલુંજ મહત્વનું છે. પરંતુ દુર્ભાગ્યવશ આપણા સમાજમાં આજે પણ માનસિક બીમારીઓને ગંભીરતાથી લેવામાં આવતી નથી. ઘણી વખત આવા રોગોને ''માત્ર વિચાર'', ''ડર'', ''નબળું મન'' અથવા ''વધારે વિચારે છે'' એવું કહીને ટાળી દેવામાં આવે છે. પરંતુ હકીકતમાં આવી બીમારીઓ વ્યક્તિના સમગ્ર જીવનને અંદરથી ધીમે ધીમે તોડી નાખે છે. આવીજ એક ગંભીર અને લાંબાગાળાની મનોસ્થિતિ છે ''ઓબ્સેસિવ કમ્પલસિવ ડીસઓર્ડર'' (OCD) જે બહારથી દેખાતી નથી પરંતુ અંદરથી વ્યક્તિને વિચારો સામે સતત લડવા મજબુર કરે છે. જેની ચર્ચા આપણે ઘણાબધાં લેખમાં કરી છે. 

આ લેખ એક યુવાનની સાચી માનસિક યાતના પર આધારિત છે જે વર્ષો સુધી એક અદ્રશ્ય દુશ્મન સામે સંઘર્ષ કરતો રહ્યો છે. એની કહાની એ સમજાવે છે કે કેવી રીતે એક સામાન્ય લાગતો ભય સમય જતાં સંપૂર્ણ જીવનને બરબાદ કરી નાખે છે. ૨૭ વર્ષના આ યુવાનનાં જીવનમાં ૨૦૧૮માં એક મહત્વપૂર્ણ ઘટના બની. ૧૯-૨૦ વર્ષની ઉંમરે તેને એક યુવતી તરફ એકતરફી લાગણી થઇ. પોતે પ્રેમમાં બહુ આગળ વધી ગયો પરંતુ સામેના પાત્રએ તેની એક તરફી લાગણીનો અસ્વીકાર કર્યો. એટલે કે પ્રેમમાં રિજેકશનનો તેણે અનુભવ કર્યો. ભાવનાત્મક રીતે તૂટી પડેલી મનોસ્થિતિમાં તેને પ્રથમ વખત Paid Sex Worker -  બજારુ સ્ત્રી  સાથે જાતીય અનુભવ કર્યો. આ ઘટના પછી તેના મનમાં અચાનક જ એક ભયજનક વિચાર જન્મ્યો (મને એચ.આઈ.વી. એઇડ્સ નો નહીં થઇ જાયને).

આ વિચાર સામન્ય ચિંતા બનીને અટકી ન રહ્યો. એ રાત્રે તો તે ઊંઘી શક્યો નહીં. પરંતુ ત્યાર પછી પણ તે સતત ઘણીબધી રાત્રીઓ જાગતો રહ્યો અને કલાકો સુધી ઈન્ટરનેટ પર એચ.આઈ.વી. સંબંધિત માહિતી શોધતો રહ્યો. ગૂગલ પર વાચેલી દરેક લાઈન તેના ભયને વધુને વધુ ઘેરો બનાવતી ગઈ. તેના મનમાં આ વિચાર એવી રીતે વણાઈ ગયો કે તેનું સમગ્ર જીવન તેની આસપાસ ફરવા લાગ્યું. તે અતિશય ભય, શંકા અને વારંવાર આવતા અનિચ્છનીય વિચારોનો શિકાર બન્યો. જેણે તેની દૈનિક જીવનની શૈલી, સંબંધો અને આત્મવિશ્વાસ પર ગંભીર રીતે અસર કરી અને આ વ્યક્તિ છેલ્લા ૭ વર્ષથી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ટ્રેઈટ (વ્યક્તિત્વની તરહા) સાથે જીવતો રહ્યો છે. ''મને એચ.આઈ.વી. એઇડ્સ તો નહીં થઇ ગયો હોય ન'' એ ચિંતા શાંત કરવા માટે તેણે પ્રથમ વખત એક જાણીતી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો પરંતુ આ ટેસ્ટ દરમ્યાન તેણે ઇન્જેક્શન કે સોય જોઈ નહીં કારણ તેને આ બંનેનો સખત ભય હતો. એટલેજ ટેસ્ટ કરાવ્યા પછી એ રાત્રે ફરીથી તેના મનમાં એક નવો વિચાર આવ્યો ''કોઈએ મને કંઈ ઇન્જેકટ તો નથી કરી દીધું ને'' આ અનિચ્છનીય ઘુસણીયા વિચારો તેના મનમાં ફરીથી શરુ થયા. એટલે તેણે બીજી લેબમાં પણ ટેસ્ટ કરાવ્યો. આ બન્ને લેબના ટેસ્ટ એચ.આઈ.વી. નેગેટીવ આવ્યા. પરંતુ તેનાથી તેના મનને શાંતિ મળી નહીં.

''મને HIV AIDS તો નહિ થઇ ગયો હોય ને'', ''કોઈએ મને ઇન્જેકટ તો નહીં કરી દીધો હોય ને?'' આ વિચારો તેના મનમાં સતત આવ્યા કરતા હતાં એટલે પોતાને AIDS થયો નથી એની ખાતરી કરવા તે દર બે-ત્રણ દિવસે જુદી જુદી લેબમાં એક બ્લડ રિપોર્ટ કરાવતો રહેતો હતો.

૨૦૨૦માં કોવિડ દરમ્યાન એકલતા અને સામાજિક સંપર્કનો અભાવ તેના માટે અત્યંત મુશ્કેલ સાબિત થયા. સ્વભાવે તે બોલકો અને બહિર્મુખી હોવાથી એકલતા તેની ચિંતા વધારતી જતી હતી . આ સમય દરમ્યાન તે વારંવાર લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતો રહ્યો પરંતુ તમામ વખતે રિપોર્ટ નેગેટીવ અથવા Inconclusive એટલે કે કોઈ ચોક્કસ નિદાન તરફ ન પહોંચી શકાય તે પ્રકારનો આવ્યો. તે લેબોરેટરીઓ પાસે લેખિત રિપોર્ટ માંગતો અને બરાબર ટેસ્ટ કરવા એક જ ટેસ્ટના ચાર્જમાં વારંવાર ટેસ્ટ કરાવવા ઝઘડા કરતો. પરંતુ ફરીથી ટેસ્ટ કરવો હોય તો લેબોરેટરીને જુદો જ  રીજેન્ટ વાપરવો પડે એટલે લેબોરેટરી બીજીવાર ટેસ્ટના પૈસાથી માંગણી કરતી તેથી  તેણે આ બધી લેબોરેટરીઓ ઉપર જ શંકા થવા લાગી અને તે એવું માનવા લાગ્યો કે આ બધી લેબોરેટરીઓ સાચો રીપોર્ટ આપવાનાં વધારે પૈસા માંગે છે એટલે તે બધા સાથે ઝઘડવા માંડયો. એક લેબોરેટરીવાળાએ તેને ટેસ્ટના પૈસા પાછા આપી મનોચિકિત્સકનો સંપર્ક કરવાનું કહ્યું. (ક્રમશ:)