Get The App

એકાગ્રતાનો અભાવ અને અતિ ક્રિયાશીલતા

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
એકાગ્રતાનો અભાવ અને અતિ ક્રિયાશીલતા 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- એ.ડી.એચ.ડીમાં વ્યક્તિની એક ખાસ વર્તન પેટર્ન હોય છે. જેમાં પહેલા બોલવું કે તરત પ્રતિભાવ આપવો, પછી વિચારવું અને પછી પોતાને સાચા સાબિત કરવાની જીદ પકડવી 

ડી પ્રેશન અને એન્ઝાઈટી ડીસઓર્ડર્સની વાત આપણે આ લેખમાળામાં ઘણીવાર કરી ગયા છીએ. આજે એવા એક વ્યાપક પ્રમાણમાં દેખાદેતાં માનસિક રોગની વાત કરવી છે જેના દર્દીઓ હોંશિયાર હોય છે, જીવનમાં અમુક તબક્કા સુધી આગળ પણ વધી ગયા હોય છે પણ પછી તેમનાથી શું વર્તન થઇ જાય છે એની એમને ખબર પડતી નથી. જે તેમની પ્રગતિમાં રુકાવટ ઉભી કરે છે. એટલુ જ નહીં પણ આ રુકાવટનું કારણ કોઈ મનોસમસ્યા નહિ પણ તેમનો સ્વભાવ જ હશે એવું તેમના સહીત સૌ કોઈ માને છે.

૩૮ વર્ષનાં નીરવભાઈ છેલ્લા ૮ વર્ષથી ચિંતા અને ડીપ્રેશન માટે સારવાર લઈ રહ્યા હતા. શરૂઆતમાં તો તેમની સમસ્યાને રોજીંદા તનાવનું પરિણામ માનવામાં આવી પરંતુ ધીમેધીમે તેમની તકલીફો વધતી ગઈ. ઊંઘમાં ખલેલ, કામમાં રસનો અભાવ, વારંવારની નિરાશા અને 'હું કોઈ જ કામનો નથી' જેવી લાગણીઓ એમના મનમાં ઘર કરી ગઈ. તેમને એન્ઝાઈટી ઉપરાંત ડીપ્રેશનની દવાઓ પણ આપવામાં આવી અને કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છતાં પુરતો સુધારો થયો નહીં. તેમની ઓફીસમાંથી વારંવાર ફરિયાદ આવતી હતી કે તેઓ મીટીંગનો સમય જ ભૂલી જાય છે. બધાં કામ અધૂરા રાખે છે. તેમના ટેબલ પર બધું અસ્તવ્યસ્ત જ પડયું હોય છે. તેમના પત્ની વારંવાર કહેતા કે નીરવ મારી વાત જ સાંભળતા નથી. હું કંઇક કહેવાનું શરુ કરું અને મારું વાક્ય પૂરું થાય ત્યાં તેઓ જ પહેલા બોલી નાંખે છે. નીરવભાઈ પોતે પણ કહેતા કે હું પહેલા કોઈપણ વસ્તુનો જવાબ આપી દઉં છું અને પછી મને સમજ પડે છે કે મેં પૂરું સાંભળ્યું જ નહતું. ઘણીવાર કોઈ ચર્ચામાં તેઓ ઉતાવળમાં જ બોલી જતા અને પછી પોતાનું કહેલું સાચું સાબિત કરવા તેઓ દલીલો કર્યા કરતાં. પાછળથી તેમને સમજાતું કે હકીકતમાં સામેની વ્યક્તિની વાત તેમણે પુરેપુરી સાંભળી જ નથી. 

અંતે તેમનું એડલ્ટ ADHD તરીકે એટલે કે વયસ્ક ઉંમરે થતા એકાગ્રતાનાં અભાવ અને અતીક્રીયાશીલતાનું નિદાન થયું. વર્ષોથી ચાલતું ડીપ્રેશન અને ચિંતા આ મૂળ સમસ્યાનાં પરિણામ હતાં.

આ પ્રકારનો અનુભવ નીરવભાઈનો એકલાનો નથી. આજકાલના સમયમાં ઘણાલોકો વર્ષો સુધી 'ચિરકાલીન ચિંતા' અથવા ટ્રીટમેન્ટ રેઝિસ્ટન્સ ડીપ્રેશન માટે સારવાર લે છે પરંતુ મૂળભૂત એડલ્ટ ADHD ની સમસ્યા ઓળખમાં જ આવતી નથી.

એ.ડી.એચ.ડી. એટલે એકાગ્રતાનો અભાવ અને અતીક્રિયાશીલતા આ એક ન્યુરોડેવલપમેન્ટલ એટલે કે મગજનાં વિકાસની પ્રક્રિયા દરમ્યાન થતો વિકાર છે. જેમાં ધ્યાનની અછત, આવેગપૂર્ણ વર્તન અને આંતરિક અશાંતિ તથા  રઘવાટ જોવા મળે છે. જે ઘણીવાર બાળપણથી શરુ થઇ વયસ્ક જીવન દરમ્યાન પણ ચાલુ રહે છે. વયસ્કોમાં તે સ્પષ્ટ અતિક્રિયાશીલતા સ્વરૂપે નહીં પરંતુ એકાગ્રતાનો અભાવ, સમયસંચાલનમાં નિષ્ફળતા, ઉતાવાળીયા પ્રતિભાવ, સંબંધોમાં ગેરસમજ અને બધુ અસ્તવ્યસ્ત રાખવાની તથા ગોઠવીને વાત કરવાની અને સમસ્યાના ઉકેલ માટી અર્થપૂર્ણ નાને તર્ક સંગત ચર્ચા કરવાના અભાવની  સમસ્યારૂપે પ્રગટ થાય છે. 

એ.ડી.એચ.ડી.ના ત્રણ પ્રકાર હોય છે. પહેલો એકાગ્રતાનો અભાવ કે બેધ્યાનપણું, બીજો પ્રકાર અતિક્રિયાશીલતા અને આવેગાત્મક વર્તન, અને ત્રીજા પ્રકારમાં ઉપરના બંને પ્રકારના મિશ્ર લક્ષણો જોવા મળે છે. આ પ્રકારનાં લક્ષણો ઓછામાં ઓછા ૬ મહિના સુધી જોવામાં આવે જે વ્યક્તિના વર્તન અને જીવનનાં વિવિધ કાર્યક્ષેત્રો પર માઠી અસર કરે ત્યારે આ રોગનું નિદાન કરવામાં આવે છે. સામાન્ય રીતે કામમાં વારંવાર ભૂલો, બધું વ્યવસ્થિત રાખવામાં મુશ્કેલી, સામાન્ય અને રોજીંદી વસ્તુઓ ભૂલી જવી, એક સાથે એક કરતાં વધારે કામો કરવાની અશક્તિ, ઉતાવળા નિર્ણયો લેવા અને ગુસ્સો કાબુમાં ન રહેવો જેવા લક્ષણો જોવા મળે છે. એ.ડી.એચ.ડી.માં એક મહત્વપૂર્ણ પેટર્ન એ જોવા મળે છે કે વ્યક્તિ પહેલાં બોલી નાંખે છે, પછી વિચારે છે, વિચારતા બોલેલું ખોટું હોય તો પણ પોતાની જાતને સાચી સાબિત કરવા આક્રમક થઇને કોશિશ કરે છે. આ પ્રકારનો પ્રતિભાવ સામાજિક પ્રામાણભાનનો અભાવ, સામાજિક  બંધનોની ખામી, લાગણીઓને કાબુમાં રાખવાની અશક્તિ અને નીચા આત્મસન્માનને કારણે જોવા મળે છે.

૧.  Inattention  એટલે કે ધ્યાનની અછતવાળા એ.ડી.એચ.ડી.માં સામાન્ય રીતે નીચે પ્રકારના લક્ષણો જોવા મળે છે.

 કામમાં વારંવાર ભૂલો થવી.

 કામ શરુ કરી પછી અધૂરું રાખવું

 કોઈ વાત પૂરી સાંભળવામાં અસમર્થતા

 વિચારોની મગજમાં ગોઠવણી અને વસ્તુઓની બહારની દુનિયામા ગોઠવણીમાં મુશ્કેલીને કારણે વિચારશીલતા, સુવ્યવસ્થિત ચર્ચા અને કામમાં આયોજનમાં મુશ્કેલી

 કોઈપણ મહત્વની ચર્ચામાં લાંબોસમય ધ્યાન ન રહેવાને કારણે વચ્ચેથી ગુસ્સે થઇ જવું અને પોતાનો કક્કો ખરો કરાવવો

 ચાવી, મોબાઈલ, ફાઈલ જેવી વસ્તુઓ ગુમાવવી

 સમયનું અને સંબંધોનું યોગ્ય સંચાલન ન કરી શકવું

 મલ્ટીતસ્કીંગમાં નિષ્ફળતા

૨. આવેગપૂર્ણ વર્તન  (IMPULSIVITY)માં સામાન્ય રીતે નીચે પ્રકારના લક્ષણો જોવા મળે છે.

 વગર વિચાર્યે બોલવું અને બોલ્યા પછી બોલેલું સમજવામાં ગૂંચવાડો ઉભો કરવો

 ઉતાવળા નિર્ણયો લઇ લેવા 

 પૈસા, સંબંધો અથવા કારકિર્દી વિષે તાત્કાલિક નિર્ણયો લઇ લેવા

 વાત વચ્ચે બીજાને રોકવું

 અધીરાઈ અને ગુસ્સો

૩. Hyper Activity એટલે કે અતીક્રિયાશીલતા અને અશાંતિ પ્રકારના ADHDમાં નીચે પ્રકારના લક્ષણો જોવા મળે છે.

 સતત બેચેની અને રઘવાટ અનુભવવો

 શાંતિથી બેસી ન શકવું 

 સતત કંઇક કરવાનું મન થવું

 ભણવામાં ધ્યાન ન ચોંટવું પણ કલાકો સુધી મોબાઈલ અને ટીવીમાં મગ્ન રહેવું

 હળવાશનો અનુભવ ન કરવો અને સતત રેડી.. સેટ.. ગો..ના મૂડમાં રહેવું

ઉપરના ત્રણેય પ્રકારના અથવા તો એકથી વધુ પ્રકાર સામેલ હોય એવા મિશ્ર એ.ડી.એચ.ડીમાં વ્યક્તિની એક ખાસ વર્તન પેટર્ન હોય છે. જેમાં પહેલા બોલવું કે તરત પ્રતિભાવ આપવો, પછી વિચારવું અને પછી પોતાને સાચા સાબિત કરવાની જીદ પકડવી.

૪૪ વર્ષના મેહુલભાઈ બાળપણથી જ ઉતાવળિયા અને અધીરા હતા. અભ્યાસમાં તેઓ બુધ્ધીશાળી હોવા છતાં એકાગ્રતાના અભાવને કારણે તેમની ક્ષમતા પ્રમાણેનો દેખાવ કરી શકતા ન હતાં. જુવાનવયમા તેમણે બિઝનેસ શરુ કર્યો અને શરૂઆતમાં ઝડપી નિર્ણયો લેવાને કારણે સફળતા મળી. તેમને એવું લાગ્યું કે તેમની આ સ્ટાઈલ જ તેમની શક્તિ છે પરંતુ ધીમે ધીમે તેમના આવેગાત્મક નિર્ણયો વધતા ગયા. વગર વિચાર્યે મોટા રોકાણો, ભાગીદારો સાથે ચર્ચા કર્યા વગર ત્વરિત નિર્ણયો અને જો કોઈ વિરોધ કરે તો ઉગ્ર પ્રતિક્રિયાને કારણે તેઓ પાછા પડવા લાગ્યા. કોઈપણ ચર્ચામાં તેઓ પહેલા બોલી પડતા અને કોઈપણ પ્રકારની વાત સાચી સાબિત કરવા ઝઘડામાં ઉતારી પડતા. છેલ્લા ૫ વર્ષથી તેઓ સતત ચિંતા, તનાવ અને ચીડચીડાપણમાં રહ્યા. ત્રણ વખત તેમણે ઉતાવળમાં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો. પ્રયાસ પછી તેઓ કહેતા કે મારામાં એવો આવેગ આવ્યો કે એ ક્ષણે મારા પર કોઈ કાબૂ જ ન રહ્યો. તેઓ હંમેશા એમ કહેતા કે આ બધાથી તેઓ ખૂબ કંટાળી ગયા છે અને તેમને કોઈક અજાણી જગ્યાએ ચાલ્યા જવું છે.

૨૯ વર્ષના સોનલબેનની હિસ્ટ્રી પણ એટલી જ મહત્વની હતી. તે ખૂબ મહેનતુ છે પરંતુ મલ્ટીટાસ્કીંગમાં વારંવાર નિષ્ફળતા અનુભવે છે. ઓફિસમાં નાના-નાના કામોમાં ભૂલો થતી રહે છે અને ડેડલાઇન ચુકી જાય છે એટલે તેઓ પોતાને કામને અયોગ્ય માને છે. તેમને તેમના કામ પર કોઈ ફીડબેક મળે તો તેઓ તરત જ પ્રતિક્રિયા આપે છે. પહેલા પોતાના બચાવમાં બોલી પડે છે અને પછી એકલા પડી પસ્તાવો કરે છે. બે વર્ષથી તેઓ ડીપ્રેશનની દવા લેતા હતાં. તેમાં પૂરતો સુધારો ન જણાતા તેઓ મોબાઈલ વિડીયોગેમનાં રવાડે ચડયા અને પછી તો રોજના આઠ-દસ કલાક તેઓ મોબાઈલ અને ટીવીમાં ચોંટી રહેવા લાગ્યા. પરંતુ આથી તેમનું ડીપ્રેશન વધ્યું, ખાલીપો વધ્યો.

કોઈકે તેમને આયુર્વેદિક અને નેચરોપેથિક હેલ્થ રિસોર્ટમાં ડીટોક્ષ માટે જવાની સલાહ આપી. દવા વગર સારા થવાનો આ કીમિયો તેમને ખૂબ ગમ્યો. પરંતુ રોજના બોડી મસાજ, ખાવામાં નિયંત્રણ અને વગેરે નિયમો છતાં તેમનામાં કોઈ સુધારો થયો નહીં. સોનલબેનને બાળપણથી જ ધ્યાન ચોંટાડી રાખવાની સમસ્યા હતી. તેમના આ નું નિદાન અને સારવાર થયા. ત્યાર પછી તેમનામાં ખૂબ જ ફેરફાર આવ્યા.

૪૦ વર્ષના રાજીવભાઈ કોર્પોરેટ મેનેજર છે. મિટિંગ દરમ્યાન તેઓ વારંવાર બીજાની વાતમાં વચ્ચે બોલી પડે છે. તેમને લાગે છે કે તે ઝડપથી વિચારે છે. પરંતુ હકીકતમાં તે બીજાને પૂરેપૂરા સાંભળતાં નથી. જ્યારે કોઈ તેમનો વિરોધ કરે ત્યારે તેઓ આક્રમક બની જાય છે અને પોતાની વાત સાબિત કરવા મરણિયા પ્રયત્નો કરે છે. જેમાં કોઈ તર્ક સંગતતા હોતી નથી. શાંત થયા પછી તેમને સમજણ પડે છે કે પરંતુ પોતાની ભૂલ સ્વીકારતા તેઓ ખચકાય છે. આ ઉદાહરણ આવેગાત્મકતા, ધ્યાનનો અભાવ અને લાગણીના નિયંત્રણનાં અભાવનું સચોટ ઉદાહરણ છે.

૩૫ વર્ષનાં શિક્ષિકા કવિતાબેન ઉતાવળમાં નિર્ણય લે છે. તેમને કોઈ વસ્તુ ગમે તો તેઓ તરત ખરીદી લે છે. કોઈ સાથે મતભેદ થાય તો તેઓ તરત કઠોર પ્રતિભાવ આપે છે. થોડા સમય પછી તેમને લાગે છે કે તે આવું કેમ બોલી ગયા. પરંતુ જો કોઈ તેમને સમજાવે તો તેઓ પોતાની જાતને સાચા ઠેરવવાનાં જ પ્રયત્નો કરે છે. રોજબરોજનાં જીવનમાં આવાતો અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે. ADHDનાં કારણોમાં જીનેટીક્સ, મગજના ડોપામીન જેવા ન્યુરોટ્રાન્સમીટરમાં અસંતુલન અને પર્યાવરણનાં પરિબળોનો સમાવેશ થાય છે. આ મનોરોગમાં વ્યક્તિની સમતોલ, અભિપ્રાય આપવાની અશક્તિ અને પોતાની લાગણી પરના નિયંત્રણની અક્ષમતા તેને રોજીંદા જીવનમાં નુકશાનકારક પુરવાર થાય. એ.ડી.એચ.ડી.ની સારવાર ન કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. જેમાં વારંવાર મળતી નિષ્ફળતા, સંબંધોમાં તનાવ અને ઝઘડા, વ્યસની પદાર્થ, મોબાઈલ કે સ્ક્રીન વગેરેનું એડિકશન, આર્થિક સમસ્યાઓ, વારંવાર કરાતા અકસ્માતો જેવા જોખમો તો રહેલા જ છે. પરંતુ સૌથી ગંભીર જોખમ છે આત્મહત્યાનું. એ.ડી.એચ.ડી. ધરાવતા વયસ્કોમાં વારંવાર આત્મહત્યાનાં વિચારો આવે છે અને આવેગાત્મક આત્મહત્યાનાં પ્રયાસો જોવા મળે છે. એમાં  પણ એ.ડી.એચ.ડી. સાથે ડીપ્રેશન અને ચિંતા જોડાય ત્યારે જોખમ ખૂબ જ વધી જાય છે. 

આપણા સમાજના સંદર્ભમાં સ્પર્ધાત્મક શિક્ષણ, નોકરી-ધંધાકીય દબાણ, પરિવારની ઊંચી અપેક્ષાઓને કારણે એ.ડી.એચ.ડી ધરાવતા લોકોને ઘણીવાર આળસુ અને બેજવાબદાર ગણવામાં આવે છે. હકીકતમાં તેઓ સમગ્ર જિંદગી પોતાના મગજ સાથે ઝઝુમતા રહે છે. પોતાની આ મનોસ્થિતિનો જો તેઓ સ્વીકાર કરી લે તો તેમની સારવાર સરળ બને છે અને મોટી હોનારતો અટકાવી શકાય છે. સારવારમાં ખાસ કરીને સ્ટીમ્યુલંટ દવાઓ અને લાઈફ સ્કીલ્સ શીખવાડવાનો સમાવેશ થાય છે.

ન્યુરોગ્રાફ

એ.ડી.એચ.ડી. આળસ નથી, ખરાબ સ્વભાવ પણ નથી. તે એક ન્યુરોબાયોલોજીકલ સ્થિતિ છે. સમયસરની ઓળખ અને યોગ્ય સારવાર વ્યક્તિનુ જીવન બદલી શકે છે.