સ્ત્રીના સ્વભાવમાં આવતું આ પરિવર્તન સમજવું જરૂરી છે
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- સ્ત્રીઓના માસિક પૂર્વેના દિવસોમાં સ્વભાવ-વલણ અને વર્તનમાં આવતા પરિવર્તનને જો સમજી ન શકાય તો દામ્પત્યજીવનમાં કલહ અને સાસુ-વહુ વચ્ચે કજિયા થવાની શક્યતા વધારે રહે છે. પરિણીત સ્ત્રીઓ પોતાના બાળકોને ઘાંટાપાડીને વારંવાર ખખડાવે છે
સં જીવ અને રીમાના લગ્ન થયાંને તો હજી માત્ર છ મહિના જ થયા હતા, પરંતુ આ છ મહિનામાં તો સંજીવના જીવનમાંથી આનંદ-ઉલ્લાસની ધીરેધીરે બાદબાકી થતી જતી હતી. સંજીવના મનમાં એક વાત હવે ઘર જમાવી ગઈ હતી કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. રીમા માનસિક રીતે એર્બ્નોર્મલ છે એ વાત તેનાથી છુપાવવામાં આવી છે. રીમા દ્વારા અમુક ચોક્કસ સમયના અંતરે કરાતા વિચિત્ર અને વાહિયાત વર્તનથી ત્રાસી જઈ સંજીવ ડીવોર્સ લેવા તૈયાર થઇ ગયો હતો. એટલે જ આજે તે પોતાની મમ્મીને દિલની બધી જ વાત કહી દેવા માંગતો હતો. મોકો શોધીને સંજીવે તેની મમ્મી આગળ વાત મૂકી.
'મમ્મી ! આપણાં બધાં સાથે છેતરપિંડી થઇ છે... હા... કારણ કે રીમા એક એર્બ્નોર્મલ છોકરી છે... અને હું એને ડીવોર્સ આપવા માગું છું' સંજીવની વાત સાંભળી પદ્માબહેન તો એકદમ સ્તબ્ધ થઇ ગયાં અને સંજીવને મીઠો ઠપકો આપતાં કહ્યું કે...
'બેટા ! લગ્ન એ કોઈ ઢીંગલા-ઢીંગલીના ખેલ નથી... શું વાત છે એ મને કહે. શરૂશરૂમાં બે જણ વચ્ચે થોડી ચણભણ તો થયા કરે... અને આટલીસુંદર... સુશીલ, કામકાજે કોઠાસૂઝ ધરાવતી સદાય હસમુખી અને મિલનસાર એવી રીમા તને એર્બ્નોર્મલ કેવી રીતે લાગવા માંડી ? બેટા, જરા... શાંતિથી વિચાર... શું તું જે બોલે છે તે સમજી-વિચારીને બોલે છે ?'
'હા મમ્મી ! હું બધું જ સમજી-વિચારીને કહું છું. તને જે દેખાય છે તે રીમાનું એક સ્વરૂપ છે... જે મને પણ દેખાય છે પરંતુ એનું બીજું સ્વરૂપ જે તદ્દન વિરોધાભાસી છે... વિચિત્ર છે... બાલિશ છે... એર્બ્નોર્મલ છે એની વાત જ મારે તને કરવી છે.'
અને સંજીવે પોતાના દિલની વાત પદ્માબહેનને કહેવા માંડી.
સંજીવનાં લગ્નના બરાબર પંદર દિવસ પછી તેનાજિગરજાન દોસ્ત અતુલનાં લગ્ન હતાં. એ બંનેય દોસ્તો વચ્ચે એ નક્કી થયું હતું કે હનીમૂન માટે બંનેય કપલે એકસાથે સિમલા જવું. રીમાએ પણ આ વાતને હોંશેહોંશે મંજૂરી આપી હતી એટલે આ અંગેની બધી જ તૈયારીઓ થઇ હતી. પરંતુ હનીમૂન પર સિમલા જવાની આગલી રાત્રે જ રીમા કોઈ અગમ્ય કારણોસર રિસાઇને બેસી ગઈ. એટલું જ નહીં પણ તેણે સિમલા જવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી અને સંજીવને જણાવ્યું કે...
'સંજુ... આપણા જીવનનો એક અમૂલ્ય અવસર... અને તેમાં પણ તારો પેલો અતુલ સાથે ને સાથે જ !!ત્ત્ એટલું જ નહીં ત્ત્પણ એની પેલી ચિબાવલી જ્યોતિ પણ સાથે જ વળગવાની... ઓહ ! નો... હું એમની સાથે પંદર દિવસ નહીં વિતાવી શકું... મારે હનીમૂન પર નથી આવવું... તું એકલો જઇ આવ!'
રીમાની વાતથી સંજીવે આંચકો અનુભવ્યો હતો. હનીમુન પર કોઈ પતિને પત્ની એમ કહે કે તું એકલો જઇ આવ. મારે નથી આવવું.' એ બાલિશ કે વિચિત્ર નહીં પણ પાગલપન કહેવાય. પરંતુ પરિસ્થિતિને વણસતી અટકાવવા માટે સંજીવે રીમાને આખી રાત ખૂબ જ સમજાવી હતી ત્યારે માંડ માંડ રીમા તૈયાર થઇ હતી.
સિમલાની સફરની શરૂઆતમાં જ અમદાવાદથી દિલ્હી જતાં ટ્રેનમાં પણ રીમા મોઢું ચડાવીને સૂનમૂન એકલી બેસી રહી હતી. ભાભીનો મૂડ ઓફ જોઈ અતુલે રીમાને આનંદમાં લાવવા માટે કોશિશ શરૂ કરી ત્યારે - રીમા જોરથી બરાડી ઊઠી, 'યુસ્ટુપિડ... સ્ટોપ નોનસેન્સ... લીવ મી અલોન... કોણ જાણે અમારા રંગમાં ભંગ પડાવવા તમે ક્યાંથી આવી ચડયાં ?!' પોતાના જિગરી દોસ્તનું હડહડતું અપમાન થયેલું જોઇને સંજીવ પણ રાતોપીળો થઇ બરાડી ઉઠયો. 'રીમા... બીહેવ યોર સેલ્ફ.' પરંતુ અતુલ અને જ્યોતિએ બાજી સંભાળી લીધી હતી અને જ્યોતિએ રીમાને શાંત પાડવાની કોશિશ કરી એટલે રીમા 'મને આ શું થઇ ગયું છે ? મને સહેજ પણ મૂડ નથી... મારું આખું શરીર તૂટે છે... કમ્મરમાં અને માથામાં સણકા મારે છે... તાવ આવવા જેવું લાગે છે.' - એમ કહી જ્યોતિને વળગી પડી હતી અને ધૂ્રસકે ધૂ્રસકે રડી હતી.
રીમાની તબિયત નાદુરસ્ત જણાતાં દિલ્હીમાં તેને સારા ડૉક્ટર પાસે લઇ જવામાં આવી. તેમણે રીમાને વાયરલ ફીવર છે એવું નિદાન કરી મેટાસિનની ગોળી આપી આરામ કરવા જણાવ્યું અને બે દિવસ પછી તો રીમા સાવ જ બદલાઈ ગઈ. તે અતુલ અને જ્યોતિ સાથે એવી તો ભળી ગઈ કે પંદર દિવસ ક્યાં પસાર થયા એ જ ખબર ન પડી. એટલે સંજીવ પણ આ વાતને ભૂલી ગયો.
પરંતુ વાત અહીંયાં અટકી નહોતી. સિમલાના પ્રસંગને બરાબર એક મહિનો થયો હતો ત્યારે એક રાત્રે અચાનક રીમાએ સંજીવને કહ્યું... આજે મેં નવો જ ડ્રેસ પહેર્યો હતો... છતાં પણ તેં મને કોઈ જ કોમ્પ્લિમેન્ટસ ન આપ્યાં... મનેખબર છે કે તું મને ચાહતો નથી... તે મારી સાથે લગ્ન પણ તારાં મમ્મી-પપ્પાના આગ્રહથી જ કર્યા હતા...'
રીમાના આ વિચિત્ર વર્તનથી નવાઈ પામેલા સંજીવે તેને સમજાવવા 'ડોન્ટ બી સિલિ રીમુ...' એમ કહ્યું ત્યાં તો રીમા બરાડી ઉઠી... મને હાથ ન અડકાડ... વધારે ચાલાક થવાની કોશિશ ન કર... તું મને ધિક્કારે છે એટલે હું પણ તને ધિક્કારું છું... તે મારી જિંદગી બગાડી છે.' એટલું કહી રીમા ચોધાર આંસુએ રડી પડી હતી.
માત્ર નવા ડ્રેસ માટેના સમયસર કૉમ્પ્લિમેન્ટસ ન આપ્યા એ વાતથી છંછેડાઈ ગયેલી રીમાનું વિચિત્ર વર્તન જોઈ સંજીવ તો હેબતાઈ જ ગયો હતો. અને રીમા એક મહિનાથી મમ્મી-પપ્પાને મળવા ગઇ જ નથી એટલે હોમસિક થઇ ગઇ હશે એવું માની રીમાને બીજે દિવસે તેનાં મમ્મી-પપ્પાને ઘેર મૂકી આવ્યો.
માત્ર બે દિવસ પછી જ સંજીવના આશ્ચર્ય વચ્ચે રીમાએ ફોન પર કહ્યું... 'સંજુ ડાર્લિંગ... તું મને એટલો બધો પ્રેમ કરે છે કે હું તારા વગર રહી શક્તી નથી. હમણાં ને હમણાં અહીંયા આવી મને તારી સાથે લઇ જા...' રીમાના આવા વિરોધાભાસી અને વિચિત્ર વર્તન-વલણથી સંજીવ મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો. છતાં પણ રીમાના આગ્રહને માન આપીને તે રીમાને પોતાના ઘેર લઇ આવ્યો અને ત્યાર પછી રીમા પહેલાંની જેમ જ ફરી પાછી પ્રેમાળ અને હસમુખી બની ગઈ હતી.
સંજીવ રીમાના આ વિચિત્ર વર્તનને સાવ ભૂલી ગયો હતો. લગભગ એક મહિના પછી રીમાએ સંજીવને પોતાને માટે લાલ રંગનો હેડબૅન્ડ અને બક્કલ લાવવાનું કહ્યું હતું. પરંતુ ઓફિસેથી ઉતાવળમાં ઘેર આવતાં તે આ બંનેય વસ્તુ લાવવાની ભૂલી ગયો હતો. પોતાની મંગાવેલી ચીજવસ્તુ લાવ્યા વગર સંજીવ ઘેર આવ્યો એટલે રીમા છળી ઊઠી હતી અને સંજીવને કહેવા લાગી.... 'મને ખબર છે કે મારા શોખ પૂરા કરવા માટે તું પૈસા ખર્ચવા જ માગતો નથી.. બૈરીને પાળવાની ત્રેવડ નહોતી તો લગ્ન શા માટે કર્યા ? મને તો ઘણા પૈસાવાળા છોકરા મળતા હતા... હું ક્યાં અહીંયા પટકાઈ પડી...?'
સંજીવ માટે આ શબ્દો પચાવવા શક્ય નહોતા એટલે તેણે રીમાને તાત્કાલિક ઘરમાંથી નીકળી જવા જણાવ્યું. રીમા પણ...'તારા જેવા ઘણા મળી રહેશે' એમ કહેતી પગ પછાડતી પોતાને પિયર ચાલી ગઈ.
બસ, એ જ પ્રમાણે બે દિવસ પછી રીમાનો ફોન આવ્યો... 'આઈ એમ સોરી સંજુ... હું બહું ગુસ્સામાં હતી... એટલે શું બોલી ગઈ એનું મને ભાન નથી... પ્લીઝ... મને આવીને લઇ જા.'
પરંતુ આ વખતે સંજીવે ઘસીને ના પાડી દીધી અને તેનું મગજ ઠેકાણે આવે પછી જ પોતે લઇ જશે તેવું જણાવ્યું.
રીમાના અમુક ચોક્કસ સમયે બદલાતા જતા વર્તનથી સંજીવે એવું અનુમાન બાંધ્યું કે રીમા નોર્મલ નથી. નક્કી કંઇક ગડબડ છે. સંજીવે ક્યાંક વાંચ્યું હતું કે પૂનમ અને અમાસે મગજના દરદીને પાગલપનના હુમલાઓ આવતા હોય છે. રીમાની જન્મકુંડળી લઇને તે તેણીની માનસિક હાલત જાણવા જ્યોતિષીઓ પાસે ગયો. બધાંએ એમ જ કહ્યું કે છોકરી તરંગી છે. મૂડી છે... પણ દિલની સારી છે. પરંતુ સંજીવના મનમાંથી આ ત્રણેય પ્રસંગો ભૂંસાતા ન હતા. છતાં પણ રીમાને હજી એક વધારે વખત તેણે ચકાસી જોવાનું વિચાર્યું અને સંજીવ બરાબર એક મહિના પછી અગાઉની તારીખો જોઈને એ જ તારીખોમાં રીમાને લેવા તેના ઘેર અચાનક જઇ ચડયો. તો રીમા સૂનમૂન પડી હતી અને સંજીવને જોઇને જ ગુસ્સે થઇ ગઈ...'તેં મને છેતરી છે... તે મારો ગેરલાભ ઉઠાવ્યો છે... મને ડીવોર્સ આપી દે.' એ વખતે રીમાએ કરેલા વર્તનથી સંજીવે હવે નક્કી કરી નાંખ્યું કે રીમા માનસિક રીતે એર્બ્નોર્મલ છે. આ વાત તેનાથી છુપાવવામાં આવી છે. તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. એટલે તે રીમાને ડીવોર્સ જ આપશે.
બસ, ત્યાર પછી સંજીવ સાવ જ ઉદાસ રહેવા લાગ્યો અને એક દિવસ પોતાની મમ્મીને બધી જ વાત કરી. સંજીવની વાત સાંભળી પદ્માબહેન ગંભીર બની ગયાં અને રીમાની માનસ-ચિકિત્સા કરાવવાનું નક્કી કર્યું.
સંજીવ, પદ્માબહેન અને રીમાની વાતો ધ્યાનથી સાંભળી અને રીમા વિશે મેં અભિપ્રાય આપ્યો કે રીમાને કોઈ જ ગંભીર માનસિક બીમારી નથી. રીમા એર્બ્નોર્મલ નથી અને તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. રીમાને જે કંઇ થાય છે તે પ્રી-મેન્સ્ટ્રુઅલ ટેન્શન એટલે કે ઋતુકાળ પૂર્વેનો માનસિક તણાવ છે.
'પ્રી-મેન્સ્ટ્રુઅલ ટેન્શન' એટલે કે માસિક સ્ત્રાવ પૂર્વેનો માનસિક તનાવ. એ સ્ત્રીઓમાં વ્યાપક પ્રમાણમાં જોવામાં આવતી અવસ્થા છે. જો કે રીમા જેટલી હદ સુધી ગંભીર સ્વરૂપ બધાંમાં જોવા મળતું નથી.
સામાન્ય રીતે આરોગ પંદર વર્ષથી ચાલીસ વર્ષની ઉંમરની સ્ત્રીમાં જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે.
આમાં સામાન્ય રીતે આખા શરીરે કળતર થવી, શરીર તૂટવું, માથામાં ભાર લાગવાથી માંડી લબકારા થવા, ભૂખ ન લાગવી. પેટમાં ગરબડ, અપચો થવો, સ્વભાવ ચીડિયો થઇ જવો, વાતવાતમાં ઉશ્કેરાઈ જવું. ખૂબ જ સંવેદનશીલ થઇને નાની વાતને મોટું સ્વરૂપ આપવું, કામકાજનો મૂડ ન રહેવો, અનિર્ણાયકતા, મન ઉદાસ રહેવું, વાતવાતમાં રડી પડવું... વગેરે લક્ષણો જોવા મળે છે. જો કે કેટલાક કિસ્સામાં રોગનાં લક્ષણો રીમા જેવા અથવા એથી પણ વધારે ગંભીર હોય છે, જેમાં દરદીનું વર્તન ત્રણ-ચાર દિવસ માટે એવું વિચિત્ર લાગે કે સામેની વ્યક્તિને તેની માનસિક સ્થિરતા વિશે શંકા જાય.
આને કારણે સ્ત્રીઓના માસિક પૂર્વેના દિવસોમાં સ્વભાવ-વલણ અને વર્તનમાં આવતા પરિવર્તનને જો સમજી ન શકાય તો દામ્પત્યજીવનમાં કલહ અને સાસુ-વહુ વચ્ચે કજિયા થવાની શક્યતા વધારે રહે છે.પરિણીત સ્ત્રીઓ પોતાનાં બાળકોને ઘાંટા પાડીને વારંવાર ખખડાવે છે અને ક્યારેક ગુસ્સો ઉતારવા અકારણ મારઝૂડ પણ કરી લે છે. એટલે જ આ સમય દરમ્યાન સ્ત્રીના સ્વભાવમાં થતા ફેરફારની પૂરેપૂરી જાણકારી મેળવવી અત્યંત જરૂરી છે, કારણ કે એક અંદાજ પ્રમાણે લગભગ પચાસથી સિત્તેર ટકા સ્ત્રીઓમાં અનુકૂળ પૂર્વેના સમયમાં આવું પરિવર્તન જુદાં જુદાં સ્વરૂપોમાં જોવા મળે છે.
વૈજ્ઞાનિક રીતે એ શોધાયું છે કે સ્ત્રીઓને સ્ત્રેણ સ્વરૂપ અને સ્વભાવ આપતા સ્ત્રાવોની વધઘટ આ પ્રકારની માનસિક અવસ્થા માટે જવાબદાર હોય છે. 'ઇસ્ટ્રોજન' નામનો હોર્મોન વધવાથી અથવા 'પ્રોજેસ્ટેરોન' નામનો હોર્મોન ઘટવાથી આવી રોગિષ્ઠ માનસિક અવસ્થા આવે છે. એટલે જ આ માનસિક અસ્વસ્થતાની સારવાર માટે 'પ્રોજેસ્ટેસ્ટેરોન' નામના હોર્મોન્સની ગોળીઓ ચોક્કસ સમય માટે આપવાથી આવી અસ્વસ્થતા નિવારી શકાય છે. આને માટે ગર્ભનિરોધક ગોળીઓ આપવાથી પણ તકલીફ નિવારી શકાય છે.
'પ્રી-મેન્સ્ટ્રુઅલ ટેન્શન' દૂર કરવા માટે વધારે પેશાબ થાય તેવી 'ડાયયુરેટિક્સ' ગોળીઓ આપવાની પણ સલાહ અપાય છે, કારણ કે કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિના લોહીમાં 'ઇલેક્ટ્રોલાઇટ્સ'નું પ્રમાણ ખોરવાઈ જતાં પણ આવી તકલીફ થાય છે.
આ પ્રકારની તકલીફમાં વિવિધ માનસિક તકલીફો માટેની દવાઓ જેવી કે એસ.એસ.આર.આઈ., મૂડ સ્ટેબીલાઇઝર્સ જેવી દવાઓની સારવાર પણ અત્યંત ઉપયોગી નીવડે છે. આવી સારવાર સ્ત્રીનો સ્વભાવ ચીડિયો થતો અટકાવે છે. એટલું જ નહીં પણ તેનું માનસિક સંતુલન પણ જાળવી રાખે છે. જો કે આ પ્રકારની તકલીફમાં પતિનું અને ઘરના અન્ય લોકોનું પ્રેમાળ અને ઉષ્માભર્યું વલણ અને દરદીની પોતાની સ્વસ્થ થવાની પ્રબળ ઇચ્છા મહત્ત્વનો ભાગ ભજવે છે.
સંજીવને રીમાનું આ વર્તન-વલણ એબ્નોર્મલ લાગ્યું, પણ હકીકતમાં તે એર્બ્નોર્મલ કે અસ્થિરતાની નિશાની નથી પણ તેના શરીરમાં થતા રાસાયણિક ફેરફારોને કારણે છે એની જાણકારી થતાં જ તેણે ડીવોર્સનો વિચાર તો પડતો મૂક્યો એટલું જ નહીં, પણ પોતાનું વર્તન પ્રેમાળ અને ઉષ્માભર્યું રાખવાની ખાતરી આપી. એટલે રીમાના વિચિત્ર વર્તનના આવા હુમલાઓ નિવારવામાં સફળતા મળી. બહુમતી સ્ત્રીઓની આ માનસિક અવસ્થાને સમજવાની બહુમતી પતિઓને નમ્ર વિનંતી છે.
ન્યુરોગ્રાફ
'પ્રી-મેન્સ્ટ્રુઅલ ડીસસ્ફોરિક ડીસ ઓર્ડર' એ સ્ત્રીના હોર્મોન્સ ના સમયાંતરે આવતા કુદરતી ફેરફારોથી થાય છે. એટલે જ આ સમય દરમ્યાનસ્ત્રીના સ્વભાવમાં આવતું પરિવર્તન એ કોઈ અર્બ્નોર્મલ વર્તન નથી.