- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- દુનિયા સારી કે ખરાબ નથી વ્યક્તિના વિચારો અને એટીટયુડ એને સારી કે ખરાબ બનાવે છે
સ વારના સાત વાગ્યા હતા મીકી વર્કઆઉટ માટે જીમમાં દાખલ થયો. બરાબર પાંચ મિનિટ પછી વિકી પણ જીમમાં આવ્યો, અને મિકીથી થોડે દૂર પડેલા વોકર પર ચાલવા લાગ્યો. બન્ને જણા મેરેથોનની તૈયારી કરતા હતા. ટ્રેઈનરે બન્નેના જોગરને બરાબર ગોઠવી આપ્યું અને અમુક સમયમાં અમુક અંતર કપાય તેવો એલાર્મ સેટ કરી આપ્યો. નોકરે બન્નેને ફ્રેશ ટોવેલ્સ અને વોટર બોટલ આપી. બન્ને સારી પ્રેક્ટીસ કરી શક્યા.
પરંતુ બન્નેની સમાનતાનો અહીં અંત આવ્યો. મીકી ઉત્સાહ અને જોશભેર હાસ્ય રેલાવતો લોકો તરફના પોઝીટીવ એટીટયુડ સાથે દાખલ થયો હતો. એની ચાલવાની છટા અને બોડી લેંગ્વેજથી જ એનું દુનિયા તરફનું પોઝીટીવ એટીટયુડ દેખાઈ આવતું હતું. તેણે સરસ પ્રેક્ટિસ કરી, ઈન્સ્ટ્રક્ટર સાથે થોડી વાતો પણ કરી અને નવા ઉત્સાહ અને ઉમંગ સાથે તે પાછો ફર્યો.
જ્યારે વિકી મોં બગાડી જીમમાં દાખલ થયો હતો. તેના પર આસમાન તૂટી પડયું હોય તેમ તે ઝૂકેલા ખભા અને માથા સાથે જીમમાં આવ્યો. તેની બોડી લેંગ્વેજ પોકારી રહી હતી ''આઘા રહેજો.'' ઈન્સ્ટ્રક્ટરે તેને પણ જોગર બરાબર ગોઠવી આપ્યું. પણ વિકીએ તેના પર નારાજગી દર્શાવી બે વાર છણકો કર્યો. નોકરે ફ્રેશ ટોવેલ આપ્યો તેનો વિકીએ ઘા કર્યો અને જોગીંગ પૂરું કરી મેનેજરને ફરીયાદ કરી તે ગુસ્સા અને તાણમાં બહાર નીકળ્યો.
મિકી અને વીકી બન્નેને એક જ જીમમાં આવી અલગ અલગ અનુભવો કેમ થયા? હકીકતમાં બન્ને તરફ એક સરખું ધ્યાન આપવામાં આવ્યું હતું. બન્નેને એક સરખી સેવાઓ આપવામાં આવી હતી.
આનો જવાબ છે બન્નેની દુનિયાને જોવાની દ્રષ્ટિ જુદી જુદી હતી. દુનિયા એક જ હતી પણ મિકી તેને પોઝીટીવ ગ્લાસથી જોતો હતો જ્યારે વિકી નેગેટીવ ગ્લાસથી. તમે દુનિયાને પોઝીટીવ મેન્ટલ એટીટયુડથી જોશો એટલે કે દુનિયાને જોવાના તમારા ચશ્મા સ્વચ્છ અને પારદર્શક રાખશો તો દુનિયા તમને પોઝીટીવ અને આવકારથી ભરેલી લાગશે અને દુનિયાને જોવાના તમારા ચશ્મા નેગેટીવ હશે તો દુનિયા નકારથી ભરેલી લાગશે.
તમારૂં એટીટયુડ એક એવું માનસિક ફીલ્ટર છે જેના દ્વારા તમે વિશ્વનો અનુભવ કરો છો.
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ એક ચૂંબકીય શક્તિ ધરાવે છે તે પોતાના તરફ પોઝીટીવીટીને આકર્ષે છે અને હંમેશાં આનંદ-ઉત્સાહથી ભરેલો રહે છે. તે જીવનમાં સફળ થાય છે.
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ એમ વિચારે છે કે:
''આ કામ સરળ છે... હું તે કરી શકીશ.''
નેગેટીવ એટીટયુડ વાળી વ્યક્તિ વિચારે છે કે:
''આ કામ મુશ્કેલ છે. હું તે ક્યારેય નહી કરી શકું.''
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ સોલ્યુશન વિષે વિચારે છે. જ્યારે નેગેટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ પ્રોબ્લેમ્સ વિશે વિચારે છે.
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ બીજાના ગુણોની પ્રશંસા કરે છે જ્યારે નેગેટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ બીજાના દોષ જોયા કરે છે.
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ પોતાની પાસે શું છે અને પોતે શું મેળવ્યું છે એનો વિચાર કરે છે જ્યારે નેગેટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ તેની પાસે શું નથી તેનો વિચાર કર્યા કરે છે.
પોઝીટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ સંભાવનાઓ પર નજર રાખે છે જ્યારે નેગેટીવ એટીટયુડ ધરાવતી વ્યક્તિ પોતાની મર્યાદાઓ પર.
તમારૂં એટીટયુડ દુનિયાને જોવાના તમારા ચશ્મા (ગ્લાસીસ) છે. ચશ્માના આ કાચ બાળપણમાં સ્વચ્છ હોય છે એટલે જ નાના બાળકો હંમેશા રમતાં અને નાચતા-ગાતા જોવા મળે છે. તેઓ આશાવાદી અને ઉત્સાહથી ભરપુર હોય છે.
બાખોડીયા ભરતા કે પા-પા પગલીથી ચાલવાની શરૂઆત કરતા બાળકનું એટીટયુડ જુઓ. એ પડી જાય છે ત્યારે કારપેટને કે જમીનને દોષ દેતું નથી. તે પોતાને સરખી રીતે ચાલવાનું નહીં શીખવાડવા બદલ પોતાના માતા કે પિતાનો વાંક કાઢતું નથી. તે ચાલવાનું છોડી પણ નથી દેતું. પડી ગયા પછી તે સ્મિત કરે છે, ઉભું થાય છે એ ફરી ચાલવાનો પ્રયત્ન કરે છે. આમ દિવસોના દિવસો સુધી તે પડે છે અને પ્રયત્ન કરે છે. આખરે તે ચાલવાનું શીખી જાય છે. કારણ એને લાગે છે કે એ કરી શકશે.
એનું એટીટયુડ પોઝીટીવ છે. દુનિયાને જોવાના તેના ચશ્માના કાચ સ્વચ્છ છે. પણ ધીરે ધીરે આ કાચ પર ધૂળ અને કચરો ફેંકતા જાય છે. અને કાચ ગંદા થતા જાય છે. આ ધૂળ અને કચરો ક્યાંથી આવ્યાં?
માતા-પિતા વડીલો અને શિક્ષકોની ટીકાત્મક તથા નકારાત્મક વિધાનોને કારણે.
સહાધ્યાયીઓની મજાક અને મશ્કરીને કારણે ચશ્માના કાચ પર ડાઘ પડવા માંડે છે.
લોકો દ્વારા થતા અસ્વીકારને કારણે કાચ ગંદા થતા જાય છે.
નિરાશા, શંકા, કુશંકા આ કાચ પર કાળા ધબ્બા સરજે છે.
ધીરે ધીરે કાચ વધારે ને વધારે અસ્વચ્છ થતા જાય છે. ઉત્સાહ પડી ભાંગે છે. હતાશા અને નિરાશા ઘેરી વળે છે અને સ્વપ્ના તૂટી જાય છે. કારણ આપણે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એટીટયુડના ચશ્માના કાચને સ્વચ્છ રાખી ન શક્યા. કાચ ગંદા થતા ગયા, નેગેટીવીટીના ધબ્બાઓને કારણે જીવનમાં પોસીબીલીટી દેખાવાની બંધ થઈ ગઈ.
એક વિદ્યાર્થીને, વ્યવસાયીને, કલાકારને, ગૃહીણીને જીવનના કોઈક તબક્કે આવું લાગે. આ સમયે સંજોગોને લોકોને દોષ દેવાની ઈચ્છા થાય. પણ સંજોગો પર આપણો કાબુ નથી આપણા એટીટયુડ પર આપણો કાબુ છે. આપણા એટીટયુડમાં સુધારો લાવવા, વિશ્વને આપણે ફરીથી સ્પષ્ટપણે જોઈ શકીએ તે માટે દુનિયાને જોવાના ચશ્માના કાચ પરના ધબ્બા, ધૂળ, ગંદકી સાફ કરવાની જરૂર હોય છે. જો આવું કરી શકીએ તો આખુંયે નવું વિશ્વ તમારી આંખ સામે ખડું થશે. ફરીથી જીવન અનેક શક્યતાઓથી ભરપૂર લાગશે. તમને મનગમતું કામ તમે કરી શકશો તમારા વ્યવસાયમાં, કારકીર્દીમાં, સંબંધોમાં તમે પરિવર્તન લાવી શકશો. કારણ તમારું એટીટયુડ તમારા જીવનમાં બનતા સારા કે માઠા પ્રસંગો માટે જવાબદાર છે. તમારૂં એટીટયુડ બદલો, જીવન બદલાઈ જશે.
તમારૂં એટીટયુડ બદલવાનું, દુનિયાને જોવાના તમારા ચશ્માના કાચ સાફ રાખવાનું કામ તમારું છે. આ માટે તમને કોઈ પ્રોત્સાહિત જરૂર કરી શકે પણ તમારા વતી આ કામ કોઈ કરી ન શકે.
યાદ રાખો તમારૂં જીવન કઈ રીતે જીવવું તેનો નિર્ણય તમે જ લઈ શકો. તમે તમારા ચશ્માના કાચને અસ્વચ્છ અને ધબ્બાવાળા રાખી દુનિયાને જોવાનું ચાલુ રાખી શકો. પરંતુ આ નિર્ણય તમને હતાશા, નિરાશા, દુઃખ અને નિષ્ફળતાની ગર્તામાં ધકેલશે. તમારી શક્તિ મુજબ સિધ્ધિ તમે જીવનમાં નહી મેળવી શકો. એના કરતાં આજે જ નિર્ણય લો. તમારૂં એટીટયુડ બદલો તમારા ચશ્માના કાચ સ્વચ્છ કરો. તમારૂં જીવન તમને જીવવા જેવું લાગશે. તમે સુખી અને સફળ વ્યક્તિ થઈ શકશો. તમારૂં ધ્યેય તમે નક્કી કરી શકશો. તમારાં સ્વપ્નાં તમે પુનર્જિવિત કરી શકશો.
કેટલાક લોકો એવી દલીલ કરે છે કે જેના પર વીત્યું હોય એ જ સમજી શકે. આવું કહેવું સહેલું છે કરવું અશક્ય છે. આ લોકો સાથે ઘણું બધું ખરાબ બન્યું હોય તેવું બની શકે. તેઓ ખરાબ સમયમાંથી પસાર થયા હોય તેમના સંજોગો ખરાબ હોય. છતાં પણ હું તેમને ભારપૂર્વક કહીશ કે તેમનું એટીટયુડ બદલવાની શક્તિ તેમનામાં છે. એ કામ સહેલું ચોક્કસ નથી પણ કરવા યોગ્ય અને કરી શકાય તેવું કામ ચોક્કસ છે. પરંતુ તેમ કરવાની ઈચ્છા હોવી જરૂરી છે. કારણ માણસ સંજોગોને કારણે સુખી કે દુઃખી નથી હોતો પણ એટીટયુડને કારણે સુખી કે દુઃખી હોય છે.
સફળતા માટે દુનિયાને જોવાના ચશ્માના તમારા કાચ સાફ કરો એટલે કે તમારું એટીટયુડ પોઝીટીવ રાખો. તમારી શક્તિઓનો તમે શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકો અને તમારા ધ્યેય સિદ્ધ કરી શકો તે માટે સફળતાના સિધ્ધાંતોનો ઉપયોગ કરો. તમારા ભયનો સામનો કરો. દ્રઢ નિશ્ચય શક્તિ વિકસાવો. જે ઈચ્છો તે મેળવો. પોઝીટીવ મેન્ટલ એટીટયુડ સાથે સફળતાના અન્ય સિધ્ધાંતોનો સુમેળ સાધશો તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતા મેળવતા નહી અટકાવી શકે.
ન્યુરોગ્રાફ:
તમારૂં એટીટયુડ એ બારેય માસ અને ચોવીસેય કલાક કામ કર્યા કરતો એક સિક્રેટ પાવર છે જે સારૂં કે ખરાબ પરિણામ આપે છે.


