મેં એને ભગવાન માન્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- બોર્ડર પર્સનાલિટી ડીસઓર્ડરવાળી વ્યક્તિના સંબંધો ક્યારેય સ્થિર નથી રહેતાં
(ગતાંકથી આગળ)
આ જે રેવતી ૩૫ વર્ષની થઈ ગઈ છે. તે સુંદર છે, મોહક વ્યક્તિત્વ ધરાવે છે. તેનું શૈક્ષણિક સ્તર પર ઊંચું છે અને તેની આવડત પણ અજોડ છે. છતાં પણ જિંદગીમાં તે ક્યાંય સ્થિર નથી થઈ શકી. તેના મૂડમાં વારંવાર ચડાવ ઉતાર આવતાં રહેતાં હતાં. તે પોતે નોર્મલ છે કે એબનોર્મલ તે જાણવા મારા પરામર્શ માટે આવી હતી.
એની હિસ્ટ્રીમાં અને વિશેષ ચર્ચાઓ બેઠકો દરમ્યાન તેની આપવીતી જાણી. સંઘર્ષના આ સમય દરમ્યાન તેને સ્મોકિંગની પણ આદત પડી ગઈ હતી અને તે ક્યારેક ગાંજો પણ કૂંકતી હતી. તેની હકીકતો જાણ્યા પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે રેવતી 'બોર્ડરલાઈન પર્સનાલિટી ડીસઓર્ડર' એટલે કે 'સીમાવતી વ્યક્તિત્વ વિકાર' અને 'ડિપ્રેશનથી' પીડાઈ રહી છે.
આ બોર્ડરલાઈન પર્સનાલિટી ડીસઓર્ડર શું છે તેની અત્રે ચર્ચા કરું છું. માનસિક બિમારીને બે મુખ્ય પ્રવાહોમાં વહેંચી શકાય છે. સાયકોસીસ અને ન્યુરોસીસ. તમામ માનસિક બીમારીઓ આ બે ભાગમાં વહેંચાયેલી હોય છે. આ બે ભાગ એટલે કે સાયકોસીસ અને ન્યુરોસીસ વચ્ચેની સીમારેખા એટલે કે બોર્ડર પર રહેલા વ્યક્તિત્વોને 'બોર્ડરલાઈન પર્સનાલિટી' એટલે 'સીમાવર્તી વ્યકિતત્વ' કહેવાય છે.
સમગ્ર વસ્તીનાં ૩ થી ૬% લોકો બોર્ડરલાઈન પર્સનાલિટી ધરાવતા હોય છે. અર્થાત આપણા દેશમાં ૪ થી ૮ કરોડ લોકો બોર્ડરલાઈન પર્સનાલિટી ધરાવે છે. આનું પ્રમાણ મહિલાઓમાં પુરુષો કરતાં ૪ ગણું વધારે જોવા મળ્યું છે. એના લક્ષણો નીચે મુજબ હોય છે.
૧. તીવ્ર ત્યાગ ભય : વ્યક્તિને હંમેશા એવું લાગે છે કે તેને કોઈ છોડીને જતું રહેશે. આ ડર કાલ્પનિક કે વાસ્તવિક પણ હોઈ શકે છે. દરેક વાતમાં સામેની વ્યક્તિમાં એવી શંકા જાય છે કે 'એ મને છોડી તો નહિ જાય ને ?' સામેની વ્યક્તિ એનો ફોન ન ઉઠાવે તો એ વિચારે છે કે 'મારો બોયફ્રેન્ડ ફોન નથી ઉઠાવતો, મને લાગે છે કે હું લુંટાઇ ગઈ, છેતરાઈ ગઇ, હું નોંધારી થઈ ગઈ. મને ડર લાગે છે કે તે મને છોડી જશે.'
૨. અસ્થીર અને છટકણી લાગણી તથા બટકણા સંબંધો : આ પ્રકારની મનોસ્થિતિ ધરાવતી વ્યક્તિઓની લાગણી સ્થિર નથી રહી શકતી. ક્યારેક આવી માનોસ્થિતિ ધરાવતા લોકો સામેની વ્યક્તિ પર ખૂબ જ પ્રેમ દર્શાવે છે. એના માટે કંઈ પણ કરવા તૈયાર થાય છે. એના પગ ધોઈને પીવાની કે જરૂર પડયે ચામડી પણ ઉતારીને આપી દેવાની તૈયારી બતાવે છે, એની પૂજા પણ કરે છે તો ક્યારેક તે જ વ્યક્તિનું એટલું તીવ્ર અપમાન કરે છે કે એ પછી એની સામે એટલો તીખો અને નફરતભર્યો પ્રતિભાવ આપતા કહે છે. 'જેને મેં ભગવાન સમાન માન્યો હતો એ હકીકતમાં મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.'
સ્વભાવની આ પ્રકારની વિચિત્ર ખાસીયતને કારણે બોર્ડર પર્સનાલિટી ડીસઓર્ડરવાળી વ્યક્તિના સંબંધો ક્યારેય સ્થિર નથી રહેતાં. સામેની વ્યક્તિને એવું લાગે છે કે તેના ક્યાં સ્વરૂપને સાચું માનવું ? આ વ્યક્તિ નોર્મલ છે કે અબ્નોર્મલ ? એને કોઈ પ્રકારની તકલીફ છે ?
૩. ઊંડા ભાવનાત્મક ઉતાર ચઢાવ : આવી વ્યક્તિના મૂડમાં તીવ્ર ઉતાર ચડાવ આવે છે. સવારથી સાંજ સુધીમાં એમની મનોદશા ૫-૬ વખત બદલાય છે- ક્યારેક ખુશ, ક્યારેક ખૂબ ગુસ્સો, તો ક્યારેક દુ:ખી. તેઓ મોટેભાગે બેચેની, ગભરામણ અને ડરનો અનુભવ કરે છે અને સામાન્ય વાતમાં તેમની આંખમાં પાણી આવી જાય છે.
૪. આ લોકો પોતાની ઓળખ અને આત્મછબી બદલાતા રહે છે : એમને પોતાને જ સમઝાતું નથી કે ખરેખર તેઓ છે કોણ ? ક્યારેક એમને લાગે છે તેઓ ખૂબ સારી વ્યક્તિ છે, તો ક્યારેક પોતે જ પોતાને નફરત કરવા લાગે છે.
૫. ખાલીપણાનો અનુભ : આ લોકો મનમાં સતત ખાલીપણાનો અનુભવ કરે છે. ગમે તેટલી ભીડ ની વચ્ચે તેઓ સતત એકલતાનો અનુભવ કરે છે. પોતાના આ ખાલીપાને ભરવા માટે નિત્ય નવી તરકીબો અજમાવે છે.
૬. તીવ્ર ગુસ્સો અથવા ગુસ્સાની નિયંત્રણમાં અક્ષમતા: આવી વ્યક્તિઓ નાની નાની વાતમાં છંછેડાઈ જાય છે અને તેઓ પોતાના ગુસ્સાને કાબુમાં રાખી શકતા નથી. થોડી વાર માટે કોઈ એમની સામે ઉંચો અવાજ કરે તો એ ઉગ્ર રીતે ગુસ્સે થઈ વસ્તુઓ ફેંકી દઈ શકે છે.
૭. તણાવથી સંબંધિત પેરાનોઈડ વિચારધારા અથવા ડિસોસિએટિવ લક્ષણો : આ લોકો શંકાશીલ સ્વભાવના હોય છે. જેથી તેઓ કોઈના પર વિશ્વાસ મૂકી શકતા નથી. જ્યારે તણાવ બહુ વધારે થાય છે, ત્યારે એમને લાગે છે કે લોકો તેમની પાછળ ષડયંત્ર કરી રહ્યા છે અથવા તેમને મારી નાખશે.
૮. પુનરાવર્તિત આત્મહત્યા અને સ્વ-હાનિકારક વર્તન : આ લોકો પોતાની જાતને નાનીમોટી ઈજા પહોંચાડવાની કે આત્મહત્યા કરવાની ધમકી સામેવાળાને આપતાં રહે છે. ઘણીવાર હાથ પર કાપા મૂકે છે કે જાતને બીજી રીતે કોઈ ઈજા પહોંચાડે છે. જ્યારે તેમને પરિજન સાથે મતભેદ કે ઝગડો થાય છે, ત્યારે તેઓ હાથ પર કાપા પાડે છે અથવા ગોળીઓ ખાઈ લેવાનું વિચારે છે.
૯. આત્મવિનાશી વર્તન : આવા લોકો આવેગાત્મક વર્તન ધરાવે છે. આ આવેગો તેમના માટે નુકશાનકારક પુરવાર થાય છે. ક્યારેક ખૂબ ખાવાનું ખાય છે, બેફામ ડ્રાઈવિંગ કરે છે તો ક્યારેક અસુરક્ષિત સેક્સ કરવા સુધીના પગલાઓ પણ ભરે છે.
આ ૯માંથી કોઈપણ ૫ લક્ષણો કોઈ વ્યક્તિમાં હોય તો એ વ્યક્તિ બોર્ડરલાઈન પર્સનાલિટી ડીસઓર્ડર ધરાવે છે તેવું કહી શકાય.
રેવતીમાં બોર્ડરલાઈન પર્સનાલિટી ડીસઓર્ડરના નીચે મુજબના લક્ષણો હતાં.
એને હંમેશા એવું લાગ્યા કરતું કે કોઈ એને છોડીને જતું રહેશે. એના મૂડમાં તિવ્ર ચડાવ ઉતાર આવતા હતાં. તે સતત ખાલીપો અનુભવી રહી હતી. તેના મનમાં તેની પોતાની ઓળખ અને છબી અસ્પષ્ટ હતી. તે સતત ગભરાહટ અને ડરનો અનુભવ કરતી હતી. સામેની વ્યક્તિ પર તે શંકા કુશંકાઓ કરવા માંડતી.
એક વાત રેવતીએ ખાસ બતાવી કે જ્યારે પોતાના કોઈપણ પ્રેમીને ફોન કરતી અને જો એ ફોન ન ઉઠાવતો તો એ પોતાના હાથ પર કાપા મૂકવા માંડતી અને કાપામાંથી નીકળતા લોહીને જોઈને તેનો તનાવ ઓછો થતો. કારણ કે એવું માનતી કે પોતે સજા આપવાને યોગ્ય છે અને પોતાને સજા આપીને તે શાંતિ અને હાશકારો અનુભવતી હતી. આ સાથે એનો ગુસ્સો પણ શાંત થઈ જતો એટલે પોતાની જાતને શિક્ષા આપીને તે રાહતનો અનુભવ કરતી હતી.
સામેના પાત્ર સાથેના સંબંધોમાં તે હંમેશા એવું માનતી કે તે એને છોડીને તો નહીં જતો રહેને ? એટલે એ સામેની વ્યક્તિની ઈચ્છાઓને તાબે થતી અને તેની કામેચ્છાઓને સંતોષતી હતી. ક્યારેક હતાશા ને કારણે તે જંક ફૂડ પણ ખાતી હતી. આમ બોર્ડરલાઈન પર્સનાલિટીનાં લક્ષણો રેવતીમાં મોજુદ હતાં.
તમારું જો કોઈ સ્વજન કે પરિજન બોર્ડરલાઈન વ્યક્તિત્વ ધરાવતું હોય તો તમારે ડરવાની જરૂર નથી. કારણ આની દવાઓ ઉપલબ્ધ છે અને આના માટે ઘ.મ્.્ એટલે કે ડાયેલેકટીકલ બિહેવિયર થેરાપી અસરકારક પુરવાર થાય છે. તો ગભરાયા વગર તમારા સ્વજન પરિજનની સારવાર કરાવો.
ન્યુરોગ્રાફ :
કિસી પથ્થર કી મુરત સે મહોબ્બત કા ઈરાદા હૈ,
પરસ્તિશ કી તમન્ના હૈ, ઈબાદત કા ઈરાદા હૈ.