Get The App

અંગત સંબંધોને 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લેવાની ભૂલ કરવા જેવી નથી (2)

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
અંગત સંબંધોને 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લેવાની ભૂલ કરવા જેવી નથી (2) 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- સામેની વ્યક્તિને દુઃખ પહોંચાડે એવું વર્તન કર્યા પછી મોટે ભાગે આપણે માફી તો માંગી લઈએ છીએ પરંતુ બંને પક્ષે આવી ઘટનાનાં ઉઝરડાઓ કઈ સાવ રૂઝાઈ જતા નથી

(ગતાંકથી ચાલુ)

આ પણે જેની સૌથી વધુ નજીક હોઈએ એના આપણને ન ગમતાં કોઈપણ પ્રકારના વર્તનથી ખૂબ જ પ્રમાણમાં દુઃખ પહોંચે છે. સાથે સાથે નજીકની વ્યક્તિને દુઃખ પહોંચાડવા માટે પણ આપણે અધીરા અને ઉતાવળીયા થઇ જઈએ છીએ. એટલે વ્યક્તિ આપણી જેટલી નજીક, એટલી જ એના માટે થયેલી ભાષાનો પ્રયોગ વધારે કડવો અને ઘૃણાથી ભરેલો હોય છે. આવો વ્યવહાર કરતી વખતે આપણે એવું માનીએ છીએ કે સામેની વ્યક્તિને આપણે ચાહીએ છીએ એટલે એને દુઃખ પહોંચાડવાનો આપણો અબાધિત અધિકાર છે અને દુઃખ પહોચાડયા પછી 'ર્જીિિઅદ કહી દઈશું તો તે વ્યક્તિ આપણા ગુસ્સાને સમજીને તરત જ નોર્મલ થઇ જશે. પરંતુ હંમેશા આવું  થતું નથી. અંગત સંબંધોને 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લેવાની આપણા સૌની આદત ક્યારેક આપણા જીવનમાં મોટી હોનારત નોતરે છે.

જોકે સામેની વ્યક્તિને દુઃખ પહોંચાડે એવું વર્તન કર્યા પછી મોટે ભાગે આપણે માફી તો માંગી લઈએ છીએ પરંતુ બંને પક્ષે આવી ઘટનાનાં ઉઝરડાઓ કઈ સાવ રૂઝાઈ જતા નથી. સામેનું પાત્ર આપણા વર્તનથી એને પહોંચેલું દુઃખ યાદ રાખે છે તેવી જ રીતે આપણે પણ એને પહોંચાડેલા દુઃખના અપરાધભાવને ભૂલી શકતા નથી. એક પછી એક આવા પ્રસંગો ઉમેરાતા જાય છે જેના બોજ હેઠળ બંને વ્યક્તિઓ વચ્ચેના  સંબંધો વધુને વધુ તંગ થતાં જાય છે.

મિત્રો સાથે દલીલમાં ઉતરી ગુસ્સામાં બોલાયેલા અપશબ્દો, પ્રિયજન સાથે માલિકીભાવ કે અન્ય કારણોસર કરેલા તીવ્ર ઝઘડાઓ, સંતાનને ગુસ્સામાં આવી જઈ મારી દીધેલા બે તમાચાઓ--- આ કે આના જેવા અનેક પ્રસંગો આપણા બધાનાં જીવનમાં બને જ છે અને આવા પ્રસંગ વખતે  પડેલા ઘા અને ઘસરકાને કે પછી એના 'સ્કાર'ને પંપાળી કે ખોતરીને આપણે સતત જીવતા રાખીએ છીએ. સામાન્ય રીતે દરેક માણસની જિંદગીમાં એવા પ્રસંગો બનતાં જ હોય છે. પરંતુ  જેમાં આપણે પીડાયા હોઈએ કે ઘવાયા હોઈએ એ બધા જ પ્રસંગોને આપને યાદ રાખીએ છીએ. આપણને દુઃખ અને પીડાનાં પ્રસંગો યાદ રાખવાની ક્યારેય કોઈ મજા નથી આવતી છતાં પણ એના વિષે વિચારી વિચારીને દુઃખી થતાં રહેવાની આપણને આદત પડી જાય છે. જ્યારે જ્યારે એ વ્યક્તિ સાથે ફરી એકવખત કડવાશ ઉભી થાય કે મનદુઃખ થાય ત્યારે વીતેલી બધી જ કડવાશો અને મનદુઃખોની વણઝાર આપણા મનમાં તાજી થાય છે અને કડવાશ અને નેગેટીવીટીનાં વિષચક્રમાં આપણી જિંદગી ઘસડાતી જાય છે. જિંદગીમાં વીતી ગયેલી માઠી ઘટનાઓને આપણે જ્યારે જ્યારે વાગોળીએ ત્યારે આપણે નેગેટીવીટી કે કડવાશનાં વર્તુળમાં દાખલ થઈએ છીએ અને આપણે જે કઈ બોલીએ છીએ તે સામેની વ્યક્તિને દુઃખ પહોંચાડવાનાં ઈરાદાથી બોલીએ છીએ. અને એક વાર ઝઘડો શરુ થાય પછી 'કોણ કેટલું સાચું અને કોણ કેટલું ખોટું' એ વિચારવાને બદલે 'કોણ હારે અને કોણ જીતે' એનું યુદ્ધ શરુ થાય છે અને એકબીજાને દુઃખ પહોંચાડવાની સ્પર્ધા થાય છે. આ માટે જે કરવું હોય તે કરી લીધા પછી આપણા મનમાં એવો ભય ઉભો થાય છે કે સામેની વ્યક્તિ હવે આપણી સાથે સબંધ તોડી નાખશે જેની આપણી તૈયારી નથી. કારણ આપણે સંબંધ રાખવો છે પણ આપણી 'ટર્મ્સ અને કંડીન્સ' સ્વીકારાય એવો હઠાગ્રહ આપણે છોડવો નથી. આવાને આવા હઠાગ્રહમાં સંબંધો વણસતા જાય છે એમ આપણે આપણી જાતને સમજાવતા જઈએ છીએ કે જે પણ કંઈ બની રહ્યું છે એમાં મારો કોઈ વાંક નથી, બધો જ વાંક સામેવાળાનો છે.

જૂની ઘટનાઓમાંથી જન્મેલી પીડા કે અપરાધભાવ ભૂલાય કે ભૂંસાય એ પહેલા આપણે નીત-નવું ઉમેરતા જઈએ છીએ. આમ કરતાં કરતાં વારંવાર બનતા આવા પ્રસંગોને કારણે કોઈ સંબંધ તૂટી જાય ત્યારે એનું પોસ્ટમોર્ટમ કરવાના આપણે પ્રયાસો કરીએ છીએ જે બધા અર્થહિન પુરવાર થાય છે. જો તમે તમારી અંગત વ્યક્તિને ચાહતા હોવ અને એની સાથે તનમનથી જોડાયેલા હોવ ત્યારે એકબીજાને દુઃખ પહોંચાડવાને કે ઉઝરડા પાડવાના પ્રસંગો ઉભા જ ન થાય એ ઇચ્છનીય છે. આ માટે, કોઈ પ્રકારનું વર્તન કરતાં પહેલા કે કઈ પણ કહી નાંખતા કે બોલી નાખતા પહેલા જો ૫ મિનીટ થોભી જઈ પોતાની જાતને એકવાર પૂછવામાં આવે કે 'આવું વર્તન કરવું કે બોલવું જરૂરી છે ખરું ?' તો સામેની વ્યક્તિને થનારી સંભવિત પીડા અને આપણા ભીતરમાં જન્મતી અપરાધભાવનાને અટકાવી પણ શકાય. જિંદગીમાં લગભગ દરેક વખતે આપણે આ ૫ મિનીટ થોભવાનું અને આપણી જાતને ન્યુટ્રલ બનીને સવાલ કરવાનું ચુકી જઈએ છીએ અને લાગણી ની બેંકમાં  દેવાદાર થતા  જઈએ છીએ. એટલુંજ નહિ  લાગણીની બેંક પાસેથી ક્યારેય ન લીધેલી અને જેની આપણને કોઈજ જરૂર નથી એવી  લોનનું વ્યાજ આપણે ચુકવતા રહીએ છીએ. હા આ લોન આપને ક્યારેય વાપરી હોતી નથી !!!

ન્યુરોગ્રાફ

આજકાલ સંબંધો સાચના નહિ પણ કાચના વધારે હોય છે. જે ગમે ત્યારે નંદવાઈ જાય છે અને રહી જાય છે માત્ર પગમાં ભોંકાય એવી કરચો.