તમને વિતેલા વર્ષો જીવવાની ફરી તક અપાય તો?
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- મોટાભાગના લોકો પોતાનું જીવન બીજાઓની ઇચ્છા અનુસાર જીવીને પોતાની ઇચ્છાઓ અને આકાંક્ષાઓને કચડી નાખે છે. આવા લોકો પોતે જ પોતાનો દ્રોહ કરે છે
થો ડા સમય માટે તમે એવી કલ્પના કરો કે તમારો અંતિમ સમય આવી ગયો છે. તમારી માંદગી તમને જીવનયાત્રાનાં અંતિમ ચરણ સુધી લઈ ગઈ છે. અને તમારો જીવનદીપ બુઝાવવાની આખરી ઘડીઓ ગણાઈ રહી છે.
મૃત્યુશૈયા પર પડયા પડયા તમે જીવનમાં મેળવેલ સિધ્ધિઓને વાગોળી રહ્યા છો. તમે જીવેલા તમારા જીવનનો સમગ્ર ભૂતકાળ તમારી સમક્ષ ખડો થઈ ગયો છે.
કલ્પનાની એ દુનિયામાં વિહાર કરતાં કરતાં તમે તમારી જાતને નીચે મુજબ પ્રશ્નો પૂછો છો:
શું તમને જીવન જીવવાની મજા આવી ?
તમેં જન્મ્યા એ બાબતનો તમને આનંદ છે ?
તમે જીવનમાં સુખ અને સંતોષ મેળવ્યા ખરા ?
શું તમારા મિત્રો અને સ્વજનો તમને આ દુનિયામાંથી જતા જોઇ દુ:ખી થઈ ગયા છે ? ભાંગી પડયા છે?
શું એ લોકોને તમારી ખોટ પડશે?
જો તમને જીવન જીવવાની ફરી તક આપવામાં આવે તો તમારું જીવન તમે આ રીતે જ જીવશો ?
શું તમે સંપૂર્ણ નિખાલસતાથી તમારી જાતને કહી શકો છો કે તમે જે જીવન જીવી ગયાં એ ઉત્તમ હતું ? એટલું જ નહીં પણ રોમાંચક પણ હતું ?
તમે જે ધાર્યું હતું તેમાનું મોટા ભાગનું ધ્યેય તમે હાસિલ કરી લીધું છે?
ઉપરના પ્રશ્નોનાં જવાબ જો હા હોય તો આ પુસ્તકમાં જે વિષય પર ચર્ચા કરવી છે તે જાત અવગણના અર્થાત્ 'સેલ્ફ નીગ્લેકટ'થી તમે પીડાતા નથી એવું કહી શકાય.
અહીં જાત અવગણના એટલે શું? એની સમજ પહેલા મેળવી લઈએ. મેં સેંકડો લોકોને આ પ્રશ્ન પૂછ્યો છે કે જાત અવગણના એટલે શું ? મારા પ્રશ્નનો મોટાભાગના લોકોએ એવો જવાબ આપ્યો છે કે જાત અવગણના એટલે પોતાના શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા ન રાખવી કે શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તેવા પગલાં ન ભરવા.
દા.ત. રોજ કસરત ન કરવી. રોજ સ્નાન ન કરવું. દિવસમાં બે વખત બ્રશ ન કરવું. કોઈપણ બિમારીમાં નિષ્ણાતે આપેલી સલાહ અને સૂચનનું પાલન ન કરવું. જાત અવગણનાના આ બધા મહત્ત્વનાં પાસા ચોક્કસ છે પરંતુ અહીં શારીરિક ઉપરાંત મન સાથે સંકળાયેલ જાત અવગણનાની વાત કરી છે.
એવી સેંકડો વ્યક્તિઓ છે જે પોતાની જાતને બીજા દ્વારા કચડાવા દે છે. બીજાઓનાં અન્યાયને સહન કરી પોતાના હીત અને અધિકારની જાળવણી કરી શકતા નથી. જેઓ પોતાની ઇચ્છા મુજબ જીવન જીવવાને બદલે બીજાઓને શું ગમશે ? અને શું નહીં ગમે ? એવો વિચાર કરતાં રહીને બીજાઓની મરજી મુજબ જીવન જીવે છે.
જાત અવગણનાથી પીડાતી આવી વ્યક્તિઓ ભૂલથી પણ જો પોતાનું હીત જુએ કે પોતાની જાતમાં સહેજ પણ રસ દાખવે તો તેઓ પોતાની જાતને સ્વાર્થી સમજી મનમાં અપરાધભાવ અનુભવે છે. બીજાઓનો વધારે પડ્તો ખ્યાલ કરીને પોતાની ન્યાયી માંગણીઓ કરતાં પણ ખચકાય છે.
આ રીતે જીવન જીવીને આવા લોકો પોતાની જાતે જ પોતાનો દ્રોહ કરે છે. પોતાની આવડતનો બુદ્ધિ પૂર્વક પોતાના હીતમાં ઉપયોગ કરવામાં તેઓ નિષ્ફળ જાય છે. જેથી અનેક માનસિક સમસ્યાઓ તથા અસ્વસ્થતાઓનો સામનો કરે છે.
તેમનું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેતું નથી એટલે કે ડાયાબિટીસ, બલ્ડપ્રેશર, ગેસ્ટ્રીક અલ્સર જેવા અસંખ્ય શારીરિક દર્દો તેમને થાય છે. એટલું જ નહીં જીવનમાં તેઓ કોઈ નોંધપાત્ર સિદ્ધિ મેળવી શકતા નથી તેથી ચિંતા,હતાશા, વ્યગ્રતા, ગુસ્સો વગેરે લાગણીઓ અને બિમારીઓનો અનુભવ કરે છે. હકીકતમાં તેમનું સમગ્ર જીવન તેમની પોતાની જરૂરિયાતોને બાજુએ હડસેલી પસાર થઈ જાય છે.
પોતાની ઇચ્છા મુજબ, પોતાની રીતે, પોતાની જરૂરિયાતો અનુસાર જીવન જીવવાના તેમનાં હકને તેઓ જ પોતાની જાતે જ ગૌણ બનાવી દે છે. સામેની વ્યક્તિને માઠું ન લાગે તે રીતે તેમને ગમે તેવું વર્તન કરતાં રહે છે. પોતાની ઇચ્છાઓનું, અરમાનોનું અને આકાંક્ષાઓનું કોઈ મૂલ્ય ન હોય તેમ પોતાની જાતને તેઓ કચડાવા દે છે. આવા લોકો તેમની પોતાની જાતનાં શ્રેષ્ઠતમ મિત્રો ક્યારેય બની શકતા નથી.
લગભગ દર ૧૦માંથી ૮ વ્યક્તિઓ જાત અવગણનાનાં રોગથી પીડાય છે.
મારી વાત સમજાવવા હું તમને આ પુસ્તકમાં કેટલાંક ઉદાહરણો આપું છું.
પતિ-પત્ની વચ્ચેનાં દામ્પત્ય સંબંધોમાં જાત અવગણના કરતી લાખો સ્ત્રીઓનાં ઉદાહરણો આપણને જોવા મળે છે. સંધ્યા અને હેમાંગની કેસ હિસ્ટ્રીની ચર્ચા અત્રે કરું છું.
સંધ્યાનું એવું માનવું હતું કે સુખી અને સફળ દામ્પત્ય જીવન જીવવા માટે પતિને સમર્પિત થઈને જીવવું આવશ્યક છે.
પોતાની ઇચ્છાઓ જરૂરિયાતો અને અધિકારોની અવગણના કરી પતિને ખુશ રાખવામાં પોતાને ઘસી નાંખવી એ 'સ્ત્રી ધર્મ ' છે એવું સંધ્યા દ્રઢતા પૂર્વક માનતી હતી.
હેમાંગ લગ્ન પૂર્વેની તેની બહેનપણીઓ સાથે સંધ્યાની સરખામણી કરી સંધ્યાને વારંવાર ઉતારી પાડતો. ત્યારે સંધ્યા ચુપ રહેતી. હેમાંગ વારંવાર એવું કહેતો કે તેની પાછળ તો ઘણી રૂપાળી છોકરીઓ પડી હતી. એવું કહી સંધ્યાનાં દેખાવ બદલ અફસોસ વ્યક્ત કરી તે સારી દેખાય તે માટે આધુનિક મેઇકઅપ તેમજ વસ્ત્ર પરિધાન કરવાની ટીકાત્મક ભાષામાં તે સલાહ આપતો ત્યારે
પણ સંધ્યા મૂંગે મોઢે પતિને ગમે તેવી બનવા ચૂપચાપ કોશિશો કર્યા કરતી. સંધ્યાની તમામ કોશિશો છતાં હેમાંગને તે ક્યારેય ગમતી નહીં. હેમાંગ સંધ્યાને ક્યારેય પ્રેમ કરતો ન હતો.
પત્નીમાં વેતા ન હોય તો પુરુષ બહાર ભટકે એ ઉક્તિને જીવનનું સત્ય બનાવી હેમાંગ લગ્નેત્તર સંબંધો રાખતો. આ વાતથી સંધ્યા વાકેફ હોવા છતાં પોતાની જાતને અપરાધી સમજી પતિની કામલીલાઓ સામે આંખ આડા કાન કરતી.
આ બધું સહન કરવા છતાં હેમાંગ તેને ઘરખર્ચનાં પૂરતા પૈસા ન આપતો, બહાર સાથે ફરવા પણ ન લઈ જતો. એટલું જ નહીં તેને ઘરમાં એકલી મૂકીને મોડી રાત સુધી મિત્રો સાથે ફર્યા કરતો. અડધી રાત્રે જ્યારે હેમાંગ પાછો આવે ત્યારે સંધ્યા ખાધા પીધા વગર પતિની રાહ જોઇને બેસી રહેતી. સંધ્યા એવું માનતી હતી કે પોતાનું તપ અને બલિદાન પતિને ક્યારેક તો પોતાની તરફ વાળવા મજબૂર કરશે જ.
પરંતુ સંધ્યા હેમાંગથીજ એટલી દબાતી જતી હતી તેટલો હેમાંગ તેના પ્રત્યે વધારેને વધારે નિષ્ઠુર બનતો જતો હતો. હેમાંગની ઉદ્ધતાઈ ક્યારેક હદ વટાવી જતી. ત્યારે ગભરાતા ગભરાતા સંધ્યા તેનો વિરોધ કરતી એટલે હેમાંગનો પિત્તો જતો. તે ઘાંટા ઘાંટી કરી આખું ઘર માથે લેતો. એટલું જ નહીં તેને કાઢી મુકવાની પણ ધમકી આપતો. એટલે સંધ્યા ચુપ થઈ જતી.
સંધ્યા ગ્રેજ્યુએટ હતી. સાધન સંપન અને પ્રતિષ્ઢિત માતા-પિતાની તે એકની એક પુત્રી હતી. પિતાની સામાજિક આબરૂ ખાતર તે હેમાંગની તમામ હરકતો હસતું મોઢું રાખીને ચલાવી લેતી. એટલે જ સંધ્યા સતત ડીપ્રેશન, ચિંતા, માથાનો દુખાવો, ઓવર થીકીંગ અને અનિન્દ્રાનો શિકાર રહેતી. તેને મનમાંને મનમાં ઘણો ગુસ્સો આવતો પરંતુ તે પોતાનો ગુસ્સો કે આક્રમકતા પોતાની જાત પર ઉતારતી. આના કારણે તેનો આત્મવિશ્વાસ ઘટતો હતો. સતત હતાશ રહેવાના કારણે તે સ્થૂળકાય થઈ ગઈ હતી. જાડી અને કુરૂપ પત્નીને હેમાંગ વધારે ને વધારે ઉતારી પાડતો. સંધ્યાને હેમાંગ દ્વારા કરાતા તમામ અન્યાય અને અમાનવીય વર્તનને સહન કરવાની આદત પડી ગઈ હતી.
સંધ્યા જાત અવગણનાનો શિકાર હતી.
વાંચક મિત્રો, પતિ-પત્ની, ભાઈ-બહેન, પિતા-પુત્ર, માતા-પુત્રી, સાસુ-વહુ અને મિત્ર-મિત્ર વચ્ચેનાં સંબંધોમાં સામેની વ્યક્તિને ખુશ રાખવા. તેમની અન્યાય વર્તણુક ચલાવી લેતાં અને પોતાનાં વ્યાજબી હક માટે અવાજ ન ઉઠાવતા લાખો લોકો છે. આ બધાં જ સેલ્ફ નીગ્લેકટ એટલે કે જાત અવગણનાથી પીડાય છે.
'સાસ ભી કભી બહુ થી' જેવી સિરિયલો આજની સાસુએ વહુ તરીકે જે સહન કર્યું છે તે વિચારવાની અને તેમની વહુને એવો અન્યાય સહન ન કરવો પડે તેવું સમજાવવા માટે સલાહ સૂચનો કરે છે. પરંતુ પ્રસંગો એવાં બનતા જાય છે. જમાનાએ એવો પલટો ખાધો છે કે વહુના સ્વચ્છંદી પણા અને ત્રાસથી તરછોડાયેલી તથા અવગણના ગ્રસ્ત સાસુઓ બહુ ભી કભી સાસ હોગી ત્યારે એને ખબર પડશે કે તેની સાસુએ કેવા દુ:ખમાં દાડા કાઢયા હતા. એવું વિચારી મન મનામનું કરી લે છે.
રોલ રીવર્ઝલના આ જમાનામાં અત્યારે એવી આધેડ વયની સ્ત્રીઓ જીવે છે જેને વહુ તરીકે સાસુની જોહુકમી જીરવી હતી અને હવે સાસુ બની વહુની જોહુકમી જીરવે છે.
એવાં આધેડ વયનાં પુરુષો જીવે છે જેઓ બાલ્યાવસ્થામાં પિતાની જોહુકમી અને ત્રાસનો મૂંગામોઢે સહન કરતાં હતાં અને હાલમાં પુત્રની ઉદ્ધતાઈ, અવગણના અને અપમાન સામે લાચારીથી જીવન જીવે છે.
શું તમે પણ જાત અવગણના કરી બીજાઓની ઇચ્છા મુજબ તમારું જીવન જીવ્યા છો ? તો પછી તમારો અંતિમ સમય આવે ત્યારે તમને જીવન જીવવાની ફરી એક તક આપવામાં આવે તો તમે તમારું જીવન કંઈક જુદી રીતે જીવવા માંગશો ?
ન્યૂરોગ્રાફ
ઘૂંટણીએ પડીને જીવવું એના કરતાં પોતાના પગ પર ઉભા રહી મરવું વધારે યોગ્ય છે.