- મીડ વીક - હસમુખ ગજજર
- જર્મની, જાપાન અને દક્ષિણ કોરિયામાં અમેરિકી થાણા આજકાલના નહી બીજા વિશ્વયુધ્ધના સમયથી છે. અમેરિકાનો હેતું પરોક્ષ રીતે રશિયા અને ચીન જેવા કટ્ટર હરિફ દેશો પર દબાણ વધારીને સુપર પાવર તરીકેનું વર્ચસ્વ જાળવવાનો છે.
તા જેતરમાં અમેરિકાના સંરક્ષણ મુખ્યાલય પેન્ટાગોને જર્મનીમાંથી પોતાના ૫ હજાર સૈનિકો પાછા ખેંચી લેવાની જાહેરાત કરી છે. જર્મનીના ચાંસલર ફેડરિક મર્જ દ્વારા ટ્રમ્પની ટીકા થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. બીજા વિશ્વયુધ્ધ પછી જર્મની જ નહી ઇટાલી અને બ્રિટન જેવા દેશોમાં અમેરિકન આર્મી બેઝ યુરોપની સુરક્ષા માટે કરોડરજજૂ સમાન છે.પેન્ટાગોનના અસાધારણ નિર્ણયથી યુરોપીયન લિડરશીપ ચિંતામાં પડી છે.ભવિષ્યમાં પોતાની સુરક્ષાનો જાતે જ ઉપાય કરવો પડશે એવો યુરોપમાં ગણગણાટ શરુ થયો છે. યુરોપમાં અમેરિકી સૈન્ય કમાનનું મુખ્યાલય સ્ટટગાર્ટ અને યુરોપ-આફ્રિકા માટે અમેરિકી સેનાનું મુખ્ય મથક વિસ્બાડેનમાં છે. જર્મનીના બ્યૂશેલ એર બેઝમાં રહેલા અમેરિકી સૈનિકો ૧૦ થી ૨૦ બી -૬૧ પરમાણુ બોંબની દેખરેખ રાખે છે. જર્મનીમાં અંદાજે ૩૮ હજાર અમેરિકી સૈનિક ફરજ બજાવે છે. આ ઉપરાંત હજારો નાગરિક કર્મચારી અને તેમના પરિવારો પણ રહે છે. અમેરિકાની ૧૦ મી સ્પેશિયલ ફોર્સેઝના સૈનિકો મુખ્યત્વે જર્મનીમાં યુક્રેની સેનાને વિશેષ અભિયાનોની ટ્રેનિંગ આપે છે. ઇટાલીમાં અમેરિકી સૈન્યના પાંચ જેટલા થાણા છે ઉતરી ઇટાલીમાં વેનિસથી ૮૦ કિમી દૂર એવિયાનો વાયુ સેના થાણું સૌથી મહત્વનું છે. ઇટાલીના કેમ્પ ડાર્બી, કેપ એડેરલ અને સિસિલીમાં સિગોનેલા અને નેપલ્સમાં પણ યુએસનું નેવી થાણું છે. ઇટાલીમાં અમેરિકાના ૧૫૪૦૦ જેટલા સૈનિકો ફરજ પર છે.બ્રિટન અમેરિકાનું સૌથી જૂનું ભરોસાપાત્ર સાથીદાર હોવાથી યુએસના સૌથી વધુ સૈન્ય થાણા છે. આરએએફ લેકનહીથ પર એફ-૩૫ ફાઇટર જેટ ગોઠવેલા છે. આરએએફ મિલ્ડેનહોલનો ઉપયોગ એર સ્ટ્રાઇક અને સૈન્ય રસાલો ગોઠવવા માટે થાય છે. આરએએફ ફેયરફોર્ડ નામના સૈન્ય અડ્ડામાં બોંબવર્ષક મોટા વિમાનો ઉતારવામાં આવે છે. યુકેમાં અમેરિકાના સક્રિય સૈનિકોની સંખ્યા ૧૧૬૦૦ જેટલી છે.કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ અનુસાર ૨૦૨૫ની શરુઆતમાં યુરોપમાં અમેરિકી સૈનિકોની સંખ્યા ૮૪૦૦૦ હતી જેમાં સૌથી વધારે સંખ્યા ૩૮૦૦૦ જર્મનીમાં હતી. અમેરિકી રિસર્ચ સેન્ટર મુજબ યુક્રેન યુધ્ધ દરમિયાન પૂર્વી યુરોપમાં વધારાના સૈનિકો મોકલવાથી સંખ્યા વધીને ૧.૫ લાખ જેટલી થઇ છે. જર્મનીમાં રામસ્ટીન અમેરિકાની બહારનું સૌથી મોટું હવાઇ થાણુ છે જે ૩૦૦૦ એકરમાં ફેલાયેલું છે. પોલેન્ડમાં રેડઝીકોવો કેમ્પ, કોસિયુસ્કો અને લાસ્ક એર બેઝ સહિતના યુએસ સૈન્ય થાણાઓ આવેલા છે. લાસ્ક એર બેઝ પર અમેરિકી વાયુસેનાની ટુકડીઓ એફ-૧૬૫ વિમાન સાથે તૈનાત રહે છે. ફેબુ્રઆરી ૨૦૨૨માં રશિયા અને યુક્રેન યુધ્ધ શરુ થયા પછી પોલેન્ડના યુએસ બેઝનું મહત્વ ખૂબ વધી ગયું છે. અત્યાર સુધી અમેરિકાએ યુક્રેનને કોઇ પણ દેશ કરતા વધારે શસ્ત્રો અને સૈન્ય ઉપકરણોની મદદ કરી છે. ઇસ્લામ બહુલ તુર્કીમાં ઇન્સિર્લિક એરબેઝ મધ્ય પૂર્વ અને ભૂમધ્ય સાગરના ક્ષેત્રમાં અત્યંત વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. અહીંયાં અમેરિકી વાયુસેના અને અન્ય સૈન્ય અભિયાનોમાં સહાયતા આપનારું સૈન્ય દળ હંમેશા ગોઠવાયેલું રહે છે. યુરોપમાં અમેરિકી સેના ચારે તરફ સુરક્ષા ઘેરો ઘાલીને તૈયાર રહે છે. રોટેશનના આધારે સૈનિકોની ગોઠવણી થાય છે પરંતુ નાટોની તૈયારીના ભાગરુપે લાંબા સમય સુધી યુએસ આર્મીના માણસોએ યુરોપમાં રહેવું પડે છે. કેટલીક અસ્થાઇ સૈન્ય ટુકડીઓ પણ છે જેને સંયુકત અભ્યાસમાં થોડા સમય માટે મોકલવામાં આવે છે.
આ તો યુરોપની વાત થઇ બાકીની દુનિયાને ગણીએ તો કુલ ૮૦ જેટલા દેશોમાં કે દેશોની હદ નજીક અમેરિકા ૭૫૦ જેટલા એરબેઝ કે સૈન્ય ઠેકાણા ધરાવે છે. પેન્ટાગોનના ડિફેન્સ મેન પાવર ડેટા સેન્ટરના જૂન ૨૦૨૫ સુધીમાં વિદેશોમાં જુદા જુદા સ્થળોએ અમેરિકાના ૧ લાખ ૧૭ હજાર અને ૫૦૦થી વધારે સક્રિય સૈનિકો છે. યુએસએ ફેકટ્સના રિપોર્ટ અનુસાર ઇરાક, સીરિયા, યમન અને સોમાલિયા જેવા દેશોમાં ખાસ મોકલવામાં આવેલા સૈનિકો (એકિટવ કોમ્બેટ ઝોન)ને ગણવામાં આવે તો સૈનિકોની સંખ્યા ૨.૪૩ લાખ જેટલી થાય છે. જાપાનમાં યુએસના સૈનિકોની સંખ્યા સૌથી વધુ ૫૦૦૦૦ હજારથી માંડીને ૫૭૭૦૦ સુધીની ગણાય છે. સાઉથ કોરિયામાં ૨૬૭૦૦ યુએસ સૈનિકો ઉત્તર કોરિયા પર નજર રાખે છે. લેટિન અમેરિકામાં કયૂબાના પૂર્વ છેડે ગ્વાટાનામો સૌથી જૂનો આર્મી બેઝ છે જેના પર અમેરિકા ૧૮૮૮થી નિયંત્રણ ધરાવે છે. યુએસ બેઝની વાત નિકળે ત્યારે ખાડી દેશોમાં બહેરીન,કતાર, યુએઇ, ઇરાક,ઓમાન અને સાઉદી અરબમાં ૩૦ થી ૪૦ હજાર સૈનિકો ફરજ પર છે. કતારના દોહાની પશ્ચિમમાં અલ ઉદેદ એરબેઝ યુએસનું સૌથી મોટું એરબેઝ છે. તાજેતરમાં ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચે ૪૦ દિવસ સુધી ચાલેલી લડાઇમાં ઇરાનની આઇઆરજીસીએ ગલ્ફ દેશોમાં આવેલા યુએસ બેઝને ટાર્ગેટ કરીને દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું હતું. ઇરાને એક માત્ર મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીના સહારે સુપર પાવર અમેરિકા અને ઇઝરાયેલ જેવા બળિયાનો સામનો કરીને યુધ્ધની તરાહ બદલી નાખી હતી. બહેરીન,કતાર, યુએઇ, ઇરાક અને સાઉદી અરબમાં આવેલા યુએસ બેઝને પારવાર નુકસાન થયું હોવાના અહેવાલ પછીથી મળવા શરુ
થયા છે.
૧૦ એકરથી વધુ જમીન વિસ્તારના થાણાઓને મોટા થાણા ગણવામાં આવે છે જેમાં ૨૦૦થી વધુ યુએસ સૈન્ય કર્મચારીઓ હોય છે. અમેરિકાએ વિદેશોમાં આટલા બધા સૈન્યથાણાઓ અને સૈનિકોની ગોઠવણ કેમ કરવી પડે છે એવો સવાલ ઉઠવો સ્વભાવિક છે.ઇરાન યુધ્ધના પગલે ભલે યુએસ બેઝ પર દુનિયાનું વધુ ધ્યાન ખેંચાયું હોય પરંતુ યુરોપમાં તો બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની સતત સૈન્ય હાજરી જોવા મળે છે. પૂર્વી મોરચા (રશિયા) તરફના ખતરા સામે યુએસ બેઝ સંરક્ષણ હરોળ તરીકે કામ કરે છે. સૈન્ય થાણા વિશ્વના સૌથી મોટા મિલિટરી સંગઠન'નાટો 'ના સંકલિત સૈન્ય અભિયાનોની સૌથી મોટી તાકાત છે.મોટા ભાગના અમેરિકન સૈન્ય અડ્ડાઓ છે જે ચીન અને રશિયાની નજીકમાં છે. પૂર્વી યુરોપમાં ફરજ બજાવતા સૈનિકો રશિયાને અને દક્ષિણ કોરિયામાં તૈનાત સૈનિકો ઉત્તર કોરિયાને દાબમાં રાખવા માટે છે. અમેરિકા પોતાને એક માત્ર સુપરપાવર અને જગત જમાદાર સમજે છે. અમેરિકાનો હેતું પરોક્ષ રીતે કટ્ટર હરિફ દેશો પર દબાણ વધારતા રહેવાનો છે. આર્મી બેઝની સ્થાપનાથી દુનિયાના વિવિધ ભાગોમાં પોતાનું વર્ચસ્વ અને પ્રભુત્વ દેખાડવાની અમેરિકાને તક
મળે છે. અમેરિકા પોતાના સૈનિકોની તૈનાતીના બદલામાં સંબંધિત દેશ પાસેથી રાજકીય સમર્થનની અપેક્ષા રાખે છે. જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ અમેરિકી સેનાની હાજરી આજકાલની નહી છેક બીજા વિશ્વયુધ્ધના સમયથી છે. અમેરિકા અને જાપાન વચ્ચે ૧૯૬૦માં એક મ્યૂચ્યુઅલ કુપરેશન એન્ડ સિકયોરિટી સંધી થઇ હતી. આ સંધી મુજબ અમેરિકાએ જાપાનની સુરક્ષાની જવાબદારી લીધી હતી. જાપાને પણ અમેરિકી સેનાને રાખવાની સંમતિ આપી હતી. આવી જ રીતે અન્ય દેશો પણ અમેરિકાના કરાર હેઠળ સુરક્ષા ગેરંટી ધરાવે છે. અમેરિકા આમ પણ ક્ષેત્રિય સ્થિરતાના નામે અનેક દેશોના વર્ગવિગ્રહમાં સૈન્ય ઉતારવાનો ઇતિહાસ ધરાવે છે.
અમેરિકા વિભિન્ન દેશોમાં સ્થાપિત આર્મી બેઝ વડે પોતાનું વૈશ્વિક વર્ચસ્વ મજબૂત બનાવ્યું છે. દુનિયાના અનેક મોટા વ્યાપારી માર્ગો જેવા કે દરિયાઇ રસ્તાઓ અને તેલ આપૂર્તિ પર નજર રાખે છે અને પોતાના જહાજોને સુરક્ષા આપે છે કારણ કે દુનિયાની અર્થ વ્યવસ્થા દરિયાઇ જહાજોથી થતા વેપાર પર નિર્ભર છે. ક્રુડ ઓઇલનો સૌથી મોટો પુરવઠો મિડલ ઇસ્ટ (પશ્ચિમ એશિયા) માંથી આવે છે આ ઉપરાંત ૫૦ ટકાથી વધુ ગુડઝ આવન જાવન ઇન્ડો પેસિફિક દરિયાઇ રુટ પરથી થાય છે. અમેરિકા વિદેશમાં સૈન્ય અને સૈન્ય થાણાઓ પાછળ વર્ષે ૧૦ બિલિયન ડોલરનો ખર્ચ કરે છે. આ ખર્ચ તેના કુલ સંરક્ષણ બજેટનો ૨ ટકા ભાગ છે. જેમાંથી ૭ બિલિયન ડોલર જેટલો ખર્ચ જર્મની, જાપાન અને સાઉથ કોરિયામાં સ્થિત સૈન્ય અડ્ડાઓ પર થાય છે. આના માટે સંબંધિત દેશો મદદ પણ કરે છે. યુએસની ગર્વમેન્ટ એકાઉન્ટબિલિટી ઓફિસ (જીએઆ)ેના અહેવાલ મુજબ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન જાપાને અમેરિકી સૈનિકો પાછળ ૧૨.૬ બિલિયન, સાઉથ કોરિયાએ ૫.૮ બિલિયન ડોલર ખર્ચ મદદ પેટે કર્યો હતો. જાપાન અમેરિકાને થતા ખર્ચનો ૫૦ ટકા જેટલો જયારે સાઉથ કોરિયા ૪૧ ટકા જેટલો ખર્ચ ઉઠાવે છે. યુરોપ,એશિયા અને નાના મોટા ટાપુઓ પર અમેરિકાના આર્મી બેઝ અને સૈનિકો લાંબી, સ્થાઇ નીતિનો એક ભાગ છે. જર્મનીમાંથી ૫ હજાર સૈનિકો ખસેડી લેવાના નિર્ણયનો આવનારા ૬ મહિનામાં અમલ થાયતો ટ્રમ્પ સરકારનો સૌથી મોટું પગલું ગણાશે. ઇરાન યુધ્ધ પછી નાટો સંગઠન અને યુરોપ સાથેના અમેરિકાના સંબંધો કથડયા છે. હોર્મુઝ ખાડીમાં ઇરાનની નાકાબંધી ખોલવામાં નાટો દેશો મદદ આવશે તેવી અમેરિકાની આશા ફળીભૂત થઇ નહી. યુરોપમાંથી સૈનિકો પાછા ખેંચી લેવાની જાહેરાતને ટ્રમ્પની નારાજગી સાથે જોડવામાં આવી રહી છે. યુરોપમાંથી સૈન્ય પાછુ ખેંચવા અંગે કેટલાક રિપબ્લીકન નેતા ચેતવણી આપી રહયા છે કે ટ્રમ્પ આવું કરશે તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ખોટો મેસેજ જશે. આવનારો સમય યુરોપ,નાટો અને અમેરિકા વચ્ચેના સૈન્ય સંબંધોની કસોટી કરનારો રહેશે એમા શંકાને સ્થાન નથી.


