બાળકને સોનોગ્રાફી: ક્યારે? .
- ચાઈલ્ડ કેર -મૌલિક બક્ષી
- સોનોગ્રાફીનો ફાયદો એ છે કે તેમાં કોઈ રેડીએશન જતું નથી. નવજાત બાળકને પણ કરાવી શકાય છે
બા ળકને પેટની સોનોગ્રાફી કરાવવી જોઈએ? સોનોગ્રાફી કરતા બાળક રડશે? સોનોગ્રાફી ચોક્કસ નિદાન કરી શકશે? બાળકની સોનોગ્રાફી વિષે માતા-પિતાને આવા અનેક પ્રશ્નો મૂંઝવતા હશે. ચાલો, સોનોગ્રાફી વિષે જાણીએ.
સોનોગ્રાફી એટલે શું? સોનોગ્રાફી કરતી વખતે 'સાઉન્ડ વેવ્સ' શરીરમાં દાખલ કરી પરાવર્તિત થયેલા વેવ્સને આધારે શરીરના ભાગનું કે અંગનું નિદાન, તેની સાઈઝ, બ્લડ ફ્લો કે ગાંઠ વગેરેનું નિદાન થઈ શકે. સોનોગ્રાફીનો ફાયદો એ છે કે તેમાં કોઈ રેડીએશન જતું નથી. નવજાત બાળકને પણ કરાવી શકાય છે. તેનો દુઃખાવો કે ઈંજેક્શન આપવાનું હોતું નથી. હા, ક્યારેક બાળક શાંતિથી કરવા દે તેને માટે સામાન્ય ઘેનનો દવાનો ઉપયોગ કરી શકાય. સામાન્ય રીતે ખાલી પેટે ટેસ્ટ કરાવવો સારો. કીડનીના રોગોનું નિદાન માટે વધારે પાણી પીધા પછી ટેસ્ટ કરાવવો જોઈએ. બાળકને દુઃખતું નથી એટલે બાળક ગભરાઈને રડે તો ફીકર કરવાની જરૂર નથી, અમુક મિનિટોમાં જ ટેસ્ટ પૂરો થઈ જશે. સોનોગ્રાફી કેવી રીતે અને કયા અંગો માટે કરાવવાની છે તેનું તમારા ડોક્ટરનું પ્રિસ્કીપ્શન હોવું ખૂબ જરૂરી છે.
કયા નિદાન થઈ શકે? બાળકના પેટ, કિડની તથા જન્મજાત ખોડખાંપણ શોધવા માટે સોનોગ્રાફી શ્રેષ્ઠ ટેસ્ટ છે. આંતરડાના રોગો જેવા કે એપેન્ડીક્સ, પિત્તાશય કે લીવર પરનો સોજો, માર્ગમાં 'સ્ટ્રીક્ચર' કે સાંકડાપણુ, હર્નિયા કે તેને સંકળાયેલું 'ગેંગરીન'. વૃષણ કોથળી (ટેસ્ટીસ)નો સોજો કે 'ટોર્શન' (જેમાં કાયમી નુકશાન થઈ જાય), કે પેટમાં પાણી ભરાયું હોય તેવા રોગોનાં નિદાનમાં ખૂબ સારુ માર્ગદર્શન મળી શકે. બાળકોના જન્મજાત કીડનીના રોગો, કીડનીનું ઈન્ફેક્શન અને રીફ્લક્સ, પથરી અને કીડનીમાં લોહીનું પરિભ્રમણ - આ બધા નિદાન સોનોગ્રાફી કરી શકે છે. સોનોગ્રાફીને આધારે 'સોનોગ્રાફી ગાઈડેડ' બાયોપ્સીથી અનેક નિદાન થઈ શકે. સોનોગ્રાફીને કારણે કેટલાય રોગોમાં પેટ ખોલવું કે સર્જરી કરી નિદાન થતું હતું તે હવે 'નોન ઈન્વેન્શીવ' એટલે કે અંદર પ્રોસીજર કર્યા વગર નિદાન થઈ શકે.
આટલું જાણો: સોનોગ્રાફીથી કોઈ નુકસાન નથી, પેઈન લેસ છે. બધે સરકારી-અર્ધસરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સમયસરનું નિદાન ઉપયોગી છે. ધ્યાન રહે - તમારા ડૉક્ટરની સલાહ લઈને જ ટેસ્ટ કરાવો. તમારી જાતે નિર્ણય લેવો યોગ્ય નથી. કારણ કે ઘણા રોગ, નિદાન કે સારવારમાં સોનોગ્રાફી ઉપયોગી કે કમ્પલસરી નથી!