Get The App

''ગુનો કબૂલી લો, હું તમને છોડાવી દઈશ''

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
''ગુનો કબૂલી લો, હું તમને છોડાવી દઈશ'' 1 - image

- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- પૂજાએ એમના ઘરમાં જઈને સુશીલાદેવીના ખોળામાં માથું મૂકીને રડવાનું શરૂ કર્યું અને કરગરી કે બા, હું તમારા લાખનની જ વહુ છું, લાચાર-ગરીબડી છું. મને આ ઘરમાં આશરો આપો

- પૂજા જાટવ

- અજય રાજપૂત

- સંતોષ રાજપૂત

- ધરપકડ પછી પૂજા-કામિની

આ જકાલ ક્રાઈમની કથાઓ શોધતી વખતે કોણ જાણે કેમ એક એકના માથા ભાંગે એવી યુવતીઓ-સ્ત્રીઓની કથા જ હાથમાં આવે છે. મેરઠની મુસ્કાન અને ઈન્દોરની સોનમને પણ શરમાવી દે એવી મધ્યપ્રદેશની એક અત્યંત સ્વરૂપવાન, છતાં ખતરનાક દિમાગવાળી યુવતીની કથા આજે મળી ગઈ છે.

મધ્યપ્રદેશમાં ઝાંસીથી લગભગ પચાસ કિલોમીટર દૂર કુમ્હરિયા ગામ આવેલું છે. કુમ્હરિયાના અઠ્ઠાવન વર્ષના અજયસિંહ રાજપૂત તારીખ ૨૪-૬-૨૦૨૫ની સાંજે બસમાં બેસીને ગ્વાલિયરથી કુમ્હરિયા આવી રહ્યા હતા, ત્યારે એમના મનમાં ઉચાટ હતો. ગ્વાલિયર તો કુમ્હરિયાથી લગભગ દોઢસો કિલોમીટર દૂર આવેલું છે. અજયસિંહ બે દિવસ માટે ગ્વાલિયર ગયા હતા, પરંતુ પોતાના આ પ્રવાસની જાણ એમણે પોતાની પત્ની સુશીલાને પણ નહોતી કરી. આમંત્રણ એવું હતું કે કદાચ સુશીલા ના પાડશે, એવી એમને બીક હતી, એટલે પત્નીને કહ્યા વગર જ એ ગ્વાલિયર પહોંચી ગયા હતા.

રાત્રે સાડા આઠ વાગ્યે કુમ્હરિયા પહોંચીને અજયસિંહ ઘેર પહોંચ્યા. એમને આશ્ચર્ય થયું. બારણું માત્ર અડાડીને જ બંધ કરેલું હતું. સુશીલા એકલી હોય ત્યારે આ સમયે તો એ બારણું બંધ જ રાખે. એ અંદર પ્રવેશ્યા અને લાઈટ કરી એની સાથે જ એમના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ખાટલા પર સુશીલા મરેલી હાલતમાં પડી હતી, એના મોઢામાં ડૂચો મારેલો હતો! એમની ચીસાચીસથી પાડોશીઓ દોડી આવ્યા અને કોઈએ પોલીસને પણ ફોન કરી દીધો. પોલીસની ટીમ આવી ગઈ.

ત્યાં સુધીમાં અજયસિંહે  ઘરમાં તપાસ કરી લીધી હતી. કબાટમાંથી રોકડ અને સોનાના દાગીના મળીને કુલ આઠ લાખ રૂપિયાની પણ ચોરી થઈ હતી! પોલીસે ધારણા કરી કે લૂંટના ઈરાદે આ હત્યા થઈ હશે. એમણે અજયસિંહને પૂછયું કે તમને કોઈના પર શંકા છે? સુશીલાદેવીને કોઈની સાથે દુશ્મનાવટ હતી? અજયસિંહે કહ્યું કે મારા દીકરા સંતોષની વહુ રાગિણી ઘરમાં હતી, ત્યાં સુધી એને સાસુ જોડે રોજ ઝઘડા થતા હતા. એ રિસાઈને એના પિયર જતી રહી છે. રાગિણીનો ભાઈ આકાશ દાદાટાઈપનો છે. હું અને સંતોષ ઘરમાં નથી, એવી રાગિણીને ખબર પડી હશે એટલે એણે જ આવીને સાસુને મારી નાખી હશે! 

પંચનામું કરીને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

સંતોષ પણ ચાર દિવસથી ગ્વાલિયરમાં હતો, એને ફોન કરીને આ સમાચાર આપ્યા એટલે એ પણ દોડી આવ્યો. પોલીસ રાગિણીના ઘેર પહોંચે એ અગાઉ આ સમાચાર જાણીને ખુદ રાગિણી જ અહીં ઘેર આવી ગઈ. સામેથી જ પોલીસસ્ટેશન જઈને એણે પોલીસને જણાવ્યું કે આવું અધમ કામ કરવાના મારા સંસ્કાર નથી. એણે પોતાની સજ્જડ એલિબાઈ પણ રજૂ કરી એટલે આ હત્યા હવે પોલીસ માટે એક કોયડો બની ગઈ. 

સંતોષની બીજી પત્નીનું નામ પૂજા જાટવ. એ ગ્વાલિયરમાં રહેતી હતી. સંતોષ અને અજયસિંહ બંને ગ્વાલિયર એના ઘેર જ ગયા હતા. સાસુની આવી ક્રૂર હત્યાના સમાચાર જાણીને પણ પૂજા અહીં આવી નહોતી, એ વાત પોલીસને સહેજ વિચિત્ર લાગી. એમણે ફોન કરીને પૂજાને અહીં બોલાવી. સોશિયલ મીડિયામાં ડિજિટલ ક્વીન તરીકે ઓળખાતી રૂપસુંદરી પૂજાના ઈન્સ્ટાગ્રામમાં હજારો ફોલોઅર્સ હતા. પ્રેમ અને લાગણીભર્યા જાતજાતના રીલ્સ બનાવીને એ પૂજા જાટવના નામથી સતત અપલોડ કરતી હતી. પોલીસસ્ટેશનમાં આવીને એણે તો ધડાકો કર્યો. એણે ઈન્સ્પેક્ટરને કહ્યું કે એ બંનેને જરાયે બનતું નહોતું, એટલે મારી સાસુની હત્યા મારા સસરાએ જ કરી છે!

પોલીસે અજયસિંહને બોલાવીને એમની પૂછપરછ શરૂ કરી. અજયસિંહે ચોખ્ખું કહ્યું કે આ હત્યા મેં નથી કરી. પોલીસે પૂજા અને અજયસિંહને એક સાથે સામે બેસાડીને પૂછપરછ કરી. અજયસિંહ ના પાડતા હતા, ત્યારે પૂજાએ એમને સમજાવ્યું કે તમારાથી ભૂલ થઈ ગઈ છે, તો અત્યારે ગુનો કબૂલી લો. આ લોકોની સામે કરેલી કબૂલાત કોર્ટમાં નહીં ચાલે. હું ગ્વાલિયરના બેસ્ટ વકીલને રોકીને તમને છોડાવી દઈશ! જાણે બળજબરી કરતી હોય એ રીતે પૂજા એમને ગુનો કબૂલી લેવા માટે મનાવતી હતી, એ છતાં, અજયસિંહે પોતાની નિર્દોષતાની વાત પકડી જ રાખી. પોલીસ અધિકારીઓ એ બંનેના હાવભાવનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા.

એ દરમ્યાન પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો. સુશીલાદેવીને ઘેનનું ઈન્જેક્શન આપીને એ પછી એમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી!

રિસાઈને પિયર જતી રહેલી સંતોષની પહેલી પત્ની રાગિણી સાસુના સમાચાર સાંભળીને તરત દોડી આવેલી અને સંતોષની આ બીજી પત્ની પૂજા કેમ નહોતી આવી? એ સવાલ ઉપરાંત, ગુનાની કબૂલાત માટે એ સસરાને જે રીતે સમજાવી રહી હતી, એ જોયા પછી પોલીસને શંકા પડી. એમાં એક કોન્સ્ટેબલે ખબરી દ્વારા મેળવેલી પૂજાની કરમકુંડળી ઈન્સ્પેક્ટર પાસે ખોલી, એટલે એ ચોંકી ઉઠયા. એમણે નક્કી કર્યું કે જરાયે દયામાયા વગર આ મેડમની પૂછપરછ કરવી પડશે. પોલીસે સખ્તાઈથી પૂછપરછ કરી, ત્યારે પોતાના અભિનયની તાકાતથી પૂજાએ શરૂઆતમાં મચક ના આપી, પરંતુ અંતે, એ ભાંગી પડી અને ગુનાની કબૂલાત કરી લીધી.

પ્રેસ કોન્ફરન્સમાં S.P. જ્ઞાનેન્દ્રસિંહે આરોપીઓને રજૂ કરીને આ કેસની જાણકારી આપી. પત્રકારોએ ખણખોદ કરીને પૂજાની આખી કરમકુંડળી રજૂ કરી ત્યારે આ ઓગણત્રીસ વર્ષની કાતિલ કાવતરાખોરની કથા જોઈને લોકો ચોંકી ઉઠયા.

ગ્વાલિયરમાં પૂજાના પિતા રેલવેમાં લોકો પાયલટ હતા. એમણે રેલવેમાં જ નોકરી કરતા ઓરછા ગામના એક યુવાન રમેશને જમાઈ તરીકે પસંદ કર્યો અને ૨૦૧૪ માં પૂજા અને રમેશના લગ્ન થયા. શરૂઆતમાં તો બધું સરસ ચાલ્યું, પરંતુ ગામના બીજા યુવાનો સાથે પૂજા જે રીતે હળીમળીને વાતો કરતી હતી, એ રમેશને ખૂંચતું હતું. એમાંથી અમુકની સાથે પૂજાને લફરું છે, એવી પણ એને શંકા હતી. આ મુદ્દે બંને વચ્ચે ઝઘડા શરૂ થયા. પૂજાની ચાલચલગત બિન્દાસ હતી એટલે રમેશ પૂજા સાથે સતત ઝઘડતો હતો. પૂજાએ ક્યાંકથી દેશી તમંચો મેળવ્યો અને એના એક યારને આપીને કહ્યું કે મારા પર પ્રેમ હોય તો આડખીલીરૂપ આ રમેશને ઊડાડી દે! પૂજાના રૂપમાં પાગલ એ આશિકે રમેશ પર ફાયરિંગ કર્યું! પાંચ દિવસ હોસ્પિટલમાં સારવાર પછી રમેશ મૃત્યુ પામ્યો! 

રમેશના પરિવારે ફરિયાદમાં પૂજાનું નામ આપેલું એટલે એફ.આઈ.આર.માં પૂજાનું જ નામ આવ્યું અને એ જેલમાં ગઈ! એ પછી ગ્વાલિયરની કોર્ટમાં કેસ ચાલતો હતો. કોર્ટમાં વારંવાર જતી વખતે એને એક નવું પાત્ર મળી ગયું. કલ્યાણ ઉર્ફે લાખન નામના યુવાન ઉપર સાતેક મુકદ્દમા ચાલી રહ્યા હતા. લાખન કુમ્હરિયા ગામનો, પરંતુ એ ઝાંસીમાં રહેતો હતો. પૂજા અને લાખનની આંખો મળી અને લાખન પૂજાનો દિવાનો બની ગયો. પુરાવાના અભાવે રમેશની હત્યાના આરોપમાંથી પૂજા છૂટી ગઈ અને એણે લાખનને લપેટમાં લઈ લીધો. ઝાંસીમાં લાખનની સાથે લિવઈનમાં રહેવાનું એણે સ્વીકારી લીધું. લાખનના પરિવારને પણ ખબર હતી કે કોઈ પૂજા નામની રૂપાળી છોકરી લાખનની વહુ બનીને રહે છે!

દોઢ વર્ષ પછી લાખનની બાઈક એક ટ્રક સાથે અથડાઈ અને લાખન મરી ગયો, એટલે પૂજા ગ્વાલિયરમાં પોતાની નાની બહેન કામિની સાથે  રહેવા આવી ગઈ.

છ મહિના કામિની સાથે રહ્યા પછી પૂજાએ પૂરી ગણતરી સાથે એક નિર્ણાયક ફેંસલો કર્યો. એ સીધી જ લાખનના ઘેર કુમ્હરિયા પહોંચી ગઈ. લાખનના પરિવારમાં પિતા અજયસિંહ, લાખનનો મોટો ભાઈ સંતોષ, સંતોષની પત્ની રાગિણી અને લાખનની માતા સુશીલાદેવી-આ બધા એક જ ઘરમાં સુખશાંતિથી રહેતા હતા. પૂજાએ એમના ઘરમાં જઈને સુશીલાદેવીના ખોળામાં માથું મૂકીને રડવાનું શરૂ કર્યું અને કરગરી કે બા, હું તમારા લાખનની જ વહુ છું, લાચાર-ગરીબડી છું. મને આ ઘરમાં આશરો આપો. સુશીલાદેવીએ એના માથા પર હાથ મૂકીને પરિવારના એક સભ્ય તરીકે એને સ્વીકારી લીધી.

અહીં આવ્યા પછી પૂજાએ ધીમે ધીમે સંતોષને પોતાના રૂપની જાળમાં ફસાવ્યો. રાત્રે રાગિણી ઊંઘી જાય એ પછી સંતોષ હળવેથી પૂજા પાસે પહોંચી જતો હતો. આવી વાત લાંબા સમય સુધી છૂપી તો ના જ રહે. એને લીધે રાગિણી અને સંતોષ વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા. (માત્ર સંતોષ જ નહીં, પરંતુ પૂજાએ તો લાખનના પિતા અજયસિંહને પણ લપેટમાં લીધા હતા, એવું ગામલોકો કહે છે.)  

સંતોષ અને પૂજાનો સંબંધ હવે રાગિણી સિવાય બધાએ સ્વીકારી લીધો હતો. એમાં પૂજા પ્રેગ્નન્ટ થઈ અને ધૂંધવાયેલી રાગિણી પોતાના પિયર જતી રહી. પૂજાએ સંતોષની દીકરીને જન્મ આપ્યો. સંતોષ અને અજયસિંહ બંને પોતાની મુઠ્ઠીમાં આવી ગયા પછી હવે પૂજા હુકમનું પાનું ઊતરી. આ પરિવાર પાસે કુલ સોળ વીઘા મૂલ્યવાન જમીન હતી. પૂજાએ માગણી કરી કે એમાંથી લાખનના હિસ્સા તરીકે અડધી-આઠ વીઘા જમીન મને આપો તો એ વેચીને હું ગ્વાલિયર જઈને એ પૈસામાંથી કંઈક ધંધો કરીને મારું અને આ દીકરીનું ભરણપોષણ કરી શકું. એને શહેરમાં રહીને સારી રીતે ભણાવવાની મારી ઈચ્છા છે.

સંતોષ અને અજયસિંહને તો પૂજાએ પોતાના રૂપથી લટ્ટુ બનાવી દીધા હતા એટલે એ બંનેએ તરત જ સંમતિ આપી દીધી, પરંતુ સુશીલાદેવીને આ વાત જરાયે મંજૂર નહોતી. એમણે પૂરી મક્કમતાથી ના પાડી દીધી. 

એમણે પૂજાને કહ્યું કે તને અને તારી દીકરીને જીવશો ત્યાં સુધી આ ઘરમાં રોટલાં મળવાના છે, પરંતુ જમીન તો હું જીવીશ ત્યાં સુધી કોઈ કાળે વેચવા નહીં દઉં!

આ મુદ્દે અનેક વાર પૂજા કરગરી-ઝઘડી, પરંતુ સાસુએ જરાયે મચક ના આપી. ચિડાઈને પૂજા પોતાની દીકરીને લઈને ગ્વાલિયર પોતાની બહેન કામિનીને ત્યાં આવી ગઈ. માતા-પિતાના અવસાન પછી એકલી રહેતી કામિનીને પણ આર્થિક તકલીફ તો હતી જ. તારીખ ૨૩-૬-૨૦૨૫ના દિવસે પૂજા-સંતોષની દીકરીનો પહેલો જન્મદિવસ આવતો હતો. પૂજાએ બહુ વ્યવસ્થિત પ્લાન બનાવી કાઢયો. અનિલ વર્મા નામનો યુવાન કામિનીનો પ્રેમી હતો. બંને લગ્ન કરવાનું પણ વિચારી રહ્યા હતા. એ બંનેને બેસાડીને પૂજાએ પ્લાન સમજાવ્યો કે દીકરીનો જન્મદિવસ ઉજવવા માટે સંતોષ અને અજયસિંહને હું અહીં બોલાવીશ અને ચોવીસમીની સાંજ સુધી અહીં જ રોકી રાખીશ. ત્યાં ઘરમાં ડોશી એકલી હશે. તમે બંને ત્યાં જઈને એને ખતમ કરી નાખો, તો આઠ વીઘા જમીન મને મળશે. એ વેચવાથી જે પૈસા આવશે, એમાંથી અડધા તમારા! તમે લગ્ન કરીને આરામથી રહી શકશો. ઘરમાં સોનું અને રોકડ પણ ખાસ્સી છે, એ પણ તમારે લઈ લેવાની. એક ડોશીને મારવાની હિંમત કરો, તો તમારી ઉપાધિ ટળી જશે.

આ રીતે લાલચ આપીને, ઘરની વિગત સમજાવીને હત્યા કઈ રીતે કરવી એનું પણ પૂજાએ માર્ગદર્શન આપ્યું. ડોશીને ઘેનનું ઈન્જેક્શન આપીને પછી ગળું દબાવી દેવાનું-ખેલ ખતમ! અનિલ અને કામિની તૈયાર થઈ ગયા.

દીકરીનો જન્મદિવસ ઉજવવા સંતોષ તો ચાર દિવસ અગાઉ ગ્વાલિયર આવી ગયો હતો. પત્નીને કહ્યા વગર અજયસિંહ પણ આગલા દિવસે આવી ગયા. અનિલ વર્મા અને કામિની બાઈક પર કુમ્હરિયા પહોંચી ગયા અને એમણે કામ પતાવી દીધું! પ્લાન પાર પડયાના સમાચાર મળ્યા એના એક કલાક પછી જ ડિજિટલ ક્વીન પૂજાએ હલ્દી-પાનીનો ખૂબ પ્રચલિત વીડિયો અપલોડ કર્યો હતો.

પોલીસે પૂજા અને કામિનીની ધરપકડ કરી, પરંતુ અનિલ ફરાર હતો. બીજી જુલાઈના દિવસે ભાગતા અનિલ પર પોલીસે ગોળીબાર કર્યો. પગમાં ગોળી વાગી અને અનિલ પણ પકડાઈ ગયો!

રૂપાળા ચહેરા પાછળ કાતિલ દિમાગ પણ હોઈ શકે છે, એ વાત પૂજા જાટવે સાબિત કરી આપી!