અભિષેક, તારા મામાનો દીકરો બેહોશ હાલતમાં પડયો છે
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક
- અરજી જોઈને તરત જ ચાલાક પોલીસ અધિકારીની આંખ ચમકી અને એમની તપાસની દિશા બદલાઈ ગઈ
- ઘટનાસ્થળે પોલીસ
- અંકિત
- દેવદત્તની ધરપકડ
લો કોએ ઉત્તરાખંડ રાજ્યને દેવભૂમિનો દરજ્જો આપ્યો છે. આ રાજ્યના એક જિલ્લાનું નામ ઉધમસિંગનગર છે, પરંતુ એ જિલ્લાનું મુખ્ય મથક રૂદ્રપુર શહેર છે. રૂદ્રપુરથી આગળ હલ્દ્વાની અને નૈનિતાલ આવે, એને લીધે રૂદ્રપુરને કુમાઉં પ્રદેશનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. આજની કથા આ દેવભૂમિમાં રહેનાર દેવદત્ત નામના કમનસીબ માણસની છે.
તારીખ ૧૫-૪-૨૦૨૫, મંગળવારે અભિષેક નામના યુવાન પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો. ભારેખમ અવાજમાં ફોન કરનારે કહ્યું કે અભિષેક, તારા મામાનો દીકરો અંકિત સિડકૂલ વિસ્તારમાં બેહોશ હાલતમાં પડયો છે, જલ્દી તપાસ કર. માત્ર આટલું કહીને પેલાએ ફોન કાપી નાખ્યો. વધુ વિગત જાણવા માટે અભિષેકે એ નંબર પર ફોન જોડયો, પણ પેલાએ ફોન ઉઠાવ્યો નહીં.
આગળની વાત પહેલાં પાત્રોનો પરિચય મેળવી લઈએ. રૂદ્રપુરના આઝાદનગરમાં પરિવાર સાથે રહેતા દેવદત્ત ગંગવાર (૪૦ વર્ષ)ની પત્નીનું નામ આરતી. એમને સંતાનમાં બે દીકરા. મોટો પુત્ર અંકિત ચૌદ વર્ષનો અને નાનો પ્રશાંત આઠ વર્ષનો. બંને દીકરા ખૂબ સારું શિક્ષણ મેળવે એ આશયથી દેવદત્તે એ બંનેને પોતાના ઘરની નજીક ગુરૂકુળ સ્કૂલમાં પ્રવેશ અપાવેલો. પરિવાર માટે દેવદત્ત કાળી મજૂરી કરતો હતો. રૂદ્રપુરની નજીક આવેલા સિડકૂલ ઔદ્યોગિક વિસ્તારની એક ફેક્ટરીમાં એ નોકરી કરતો હતો. એનો પગાર માત્ર બાર હજાર રૂપિયા હતો! ફેક્ટરીના મેનેજરને આજીજી કરીને દેવદત્ત બે કલાક વધારે રોકાતો, અને રવિવારે પણ ફેક્ટરીમાં જતો. એટલે ઓવરટાઈમ તરીકે વધારાના છ હજાર રૂપિયા મળતા હતા. અઢાર હજાર રૂપિયામાં ઘર ચલાવવાનું કામ આકરું હતું, એટલે આરતી પણ સિલકૂડની એક ફેક્ટરીમાં કામ કરતી હતી અને એને સાતેક હજાર પગાર મળતો હતો.
દેવદત્તની મોટી બહેનનો પુત્ર અભિષેક (૨૨ વર્ષ) છેલ્લા ત્રણેક વર્ષથી એમની સાથે રહેતો હતો. રૂદ્રપુરની એક કંપનીમાં એ નોકરી કરતો હતો. સગી બહેનના દીકરા પાસેથી રહેવા-જમવાના પૈસા ના લેવાય એવી સમજદારીને લીધે દેવદત્તે એને આશરો આપેલો. પોતાનો પગાર અભિષેક માતાને મોકલી આપતો હતો.
કારમી આર્થિક તંગી વચ્ચે પણ દેવદત્તને પોતાના બંને પુત્રોના ઉજ્જ્વળ ભવિષ્યની સતત ચિંતા રહેતી હતી. ફેક્ટરીએ જવાના સમય પહેલા બંને દીકરાને સાઈકલ પર બેસાડીને એ સ્કૂલે મૂકવા જતો. પછી ઘેર આવીને ટિફિન લઈને ફેક્ટરીએ જતો હતો.
અંકિત વિશે આવો ફોન આવ્યો એટલે અભિષેકે તરત જ મામા દેવદત્ત અને આરતીમામીને ફોન કર્યો. અંકિત પાસે કોઈ વાહન નહોતું પણ એના સહકાર્યકરો મદદે આવ્યા. એ બધા સ્કૂટર લઈને નીકળે, એ અગાઉ પોતાની સાઈકલ ફેક્ટરીમાં મૂકીને દેવદત્ત પણ પોતાના મિત્ર સાથે બાઈક લઈને ત્યાં આવી ગયો. અંકિતને શોધવા માટે બધા સિલકૂડ તરફ આગળ વધ્યા. બે કિલોમીટર દૂર ઝાડી-ઝાંખરા વચ્ચે અંકિતની લાશ પડી હતી! ઊંધો કરીને એને ઢસડયો હશે એને લીધે ચહેરા પર ઉઝરડા હતા. ઝાડની ડાળીઓ આંખમાં ઘૂસી હોવાથી બંને આંખ પણ ફૂટી ગઈ હતી! અંકિતને એના જ બુશર્ટથી ગળે ફાંસો આપીને અત્યંત ક્રૂરતાથી એની હત્યા કરવામાં આવી હતી! બુશર્ટ હજુ ગરદન પર જ લપેટાયેલો હતો. દેવદત્ત ફસડાઈ પડયો, પણ અભિષેકે મામલો સંભાળી લીધો. તરત જ પોલીસને જાણ કરી. ચૌદ વર્ષના બાળકની આવી ક્રૂર હત્યાની જાણકારી મળી એટલે જીઁ (ક્રાઈમ) નિહારિકા તોમરે બાજી સંભાળી લીધી.
અંકિતના બુશર્ટના ખિસ્સામાંથી પોલીસને એક કાગળ મળ્યો. એમાં એટલું જ લખ્યું હતું કે મારી ફૈબાનો દીકરો અભિષેક ગુરૂકુળ સ્કૂલ પાસે રહે છે. નિહારિકા તોમરના આદેશ મુજબ હત્યારાને શોધવા પોલીસની અલગ અલગ ટીમની રચના કરવામાં આવી અને તપાસનો ધમધમાટ ચાલુ થાય એ અગાઉ ભાંગી પડેલા દેવદત્તે પોલીસને આજીજી કરી કે આ બધું રહેવા દો. મેં દીકરો ખોયો છે, એ પાછો તો આવવાનો નથી. અમને એનું શબ આપી દો, એટલે અમે અંતિમ વિધિ પતાવીએ. તપાસ કરવાનો કોઈ ફાયદો નથી, એની જરૂર પણ નથી.
પંતનગર પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટરે દેવદત્તને સમજાવ્યું કે હત્યાનો કેસ હોવાથી તપાસ તો કરીશું, એ છતાં, તમારી ઈચ્છા ના હોય તો લેખિત અરજી આપો. કાગળ અને પેન લઈને દેવદત્તે એવી અરજી લખીને આપી દીધી. એ અરજી જોઈને તરત જ ચાલાક પોલીસ અધિકારીની આંખ ચમકી અને એમની તપાસની દિશા બદલાઈ ગઈ.
બીજા દિવસે, તારીખ ૧૬-૪-૨૦૨૫, બુધવારે સાંજે પંતનગર પોલીસસ્ટેશનમાં જીઁ (ક્રાઈમ) નિહારિકા તોમરે પ્રેસ કોન્ફરન્સમાં આરોપીને રજૂ કર્યો. ખુદ દેવદત્ત ગંગવારને જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. એક પિતા પોતાના પુત્રની આવી રીતે હત્યા કરી શકે? જન્મદાતાએ આવું કૃત્ય કેમ કર્યું?
એ કારણની કથા આવી હતી. સતત અભાવ વચ્ચે ઉછરતા અંકિતને રૂદ્રપુરની એક દુકાનમાં મળતા સમોસા અને કચોરીનો સ્વાદ દાઢે વળગ્યો હતો. પોકેટમની આપી શકે એવી તો દેવદત્તની શક્તિ નહોતી.
દેવદત્ત અને આરતી પોતાનો પગાર ઘરના કબાટમાં મૂકેલી એલ્યુમિનિયમની એક પેટીમાં મૂકતા હતા. એક દિવસ સમોસાની લાલચ તીવ્ર બની એટલે અંકિતે હિંમત કરી. ઘરમાં કોઈ નહોતું ત્યારે એણે કબાટ ખોલીને એ પેટીમાંથી પૈસા ઉઠાવ્યા અને પેટ ભરીને સમોસા-કચોરીનો જલસો કર્યો!
મમ્મી-પપ્પાને ખબર પડશે તો? એવી દહેશતને લીધે અંકિત બે દિવસ ફફડાટમાં રહ્યો, પણ કોઈને ખબર નહોતી પડી, એને લીધે એની હિંમત વધી ગઈ. દર અઠવાડિયે જલસા કરવાની એને ટેવ પડી ગઈ. અઢળક પૈસા હોય, અને એમાંથી થોડા ઓછા થાય તો ખબર ના પડે, પણ અહીં તો રકમ મર્યાદિત હતી એટલે અંકિતની ચોરી પકડાઈ ગઈ. જે પુત્રને મોટો માણસ બનાવવા માટે પોતે કાળી મજૂરી કરી રહ્યો છે, એ દીકરો જ આવું કરે? દેવદત્ત આઘાતથી ભાંગી પડયો. અંકિતને એણે સમજાવ્યું કે બેટા! આવું ના કરાય. તને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવા માટે હું મહેનત કરું છું અને ચોરી કરવાનું તને શોભે છે?
અંકિતે એ વખતે વચન આપ્યું કે હવે ચોરી નહીં કરું, પરંતુ એની આદત છૂટી નહીં. ફરીથી રંગે હાથ પકડાયો ત્યારે દેવદત્તે એને ઝૂડી નાખ્યો, પરંતુ આરતી વચ્ચે આવી ગઈ. એણે પુત્રનો પક્ષ લઈને પતિ સાથે ઝઘડો કર્યો. માતા પોતાની તરફેણમાં છે, એની ખાતરી થઈ ગયા પછી અંકિત બિન્દાસ બની ગયો.
હવે તો વારંવાર ઘરમાં ઝઘડા થવા લાગ્યા. દેવદત્તે પૈસા રાખવાની જગ્યા તો બદલી નહીં, પણ ગણતરી રાખી, કે જેથી ચોરી થાય તો ખબર પડે. પૈસા ઓછા થાય, અંકિતને માર પડે, એનો પક્ષ લઈને આરતી પતિ સાથે ઝઘડે-આમ આખા પરિવારની સુખ-શાંતિ હણાઈ ગઈ હતી.
અંકિત ચોરી ના કરી શકે એ માટે કંટાળીને દેવદત્તે પૈસાની પેટીને તાળું મારી દીધું. ચોરીની આદત હવે અંકિત માટે જાણે વ્યસન બની ચૂકી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં અંકિતે તાળું તોડીને ત્રણસો રૂપિયા ઉઠાવી લીધા! દેવદત્તે એને ઝૂડી નાખ્યો. ઘરમાં મોટો ઝઘડો થયો. એ છતાં, અંકિત હવે એટલો રીઢો થઈ ગયો હતો કે ઝઘડાની કે મારની એને બીક નહોતી!
સોમવાર, ચૌદમી એપ્રિલે અંકિતે હદ કરી. વારંવાર થોડા પૈસાની ચોરી કરવાને બદલે એણે એક સાથે દસ હજાર રૂપિયા ઉઠાવી લીધા! સાંજે જ એની ચોરી પકડાઈ ગઈ. આર્થિક સંકડામણમાં માથે પરિવારની જવાબદારી હોય, અને એમાં આવું બને ત્યારે માણસની નિર્ણયશક્તિ ડામાડોળ થઈ જાય છે. કાળી મજૂરી કરીને મહિને અઢાર હજાર કમાનાર બાપને મન દસ હજારનું મૂલ્ય કેટલું બધું હોય? હવે અંકિત નહીં જ સુધરે એની એને ખાતરી થઈ ચૂકી હતી. હૃદય પર પથ્થર મૂકીને એણે આકરો નિર્ણય કરી લીધો કે મારો નાનો દીકરો પ્રશાંત એ એક જ દીકરો છે એમ માનીશ!
૧૫-૪-૨૦૨૫ની સવારે બંનેને સાઈકલ પર બેસાડીને દેવદત્ત સ્કૂલે પહોંચ્યો. નાના પ્રશાંતને ઊતારીને એણે અંકિતને કહ્યું કે તારે આજે સ્કૂલે નથી જવાનું, મારી સાથે એક કામ માટે આવવાનું છે. અંકિતને બે કિલોમીટર દૂર જંગલ જેવા વિસ્તારમાં લઈ જઈને એણે સાઈકલ ઊભી રાખી. અહીંથી થોડા લાકડા ઘેર લઈ જવાના છે, એ તારા બુશર્ટમાં બાંધવા પડશે. એમ કહીને એણે અંકિતનું શર્ટ ઊતરાવ્યું અને પછી આજ સુધીની બધી દાઝ કાઢતો હોય એમ ઝૂડવાનું શરૂ કર્યું અને એને ઊંધો પાડીને ઢસડયો. એ પછી એના જ બુશર્ટથી એના ગળે ફાંસો દઈ દીધો!
બાપનો જીવ હતો, એટલે દીકરાની લાશ અહીં નિર્જન વિસ્તારમાં કોહવાઈને સડી જાય, એ એને મંજૂર નહોતું એટલે એણે એક કાગળમાં લખ્યું કે મારી ફૈબાનો દીકરો અભિષેક ગુરૂકુળ સ્કૂલ પાસે રહે છે. એ કાગળ એણે અંકિતના શર્ટના ખિસ્સામાં મૂકી દીધો. (પાછળથી પોલીસસ્ટેશનમાં એણે તપાસ રોકવા અરજી આપી ત્યારે બંને અક્ષરો સરખા જ જોઈને પોલીસને શંકા પડેલી!)
હત્યા કર્યા પછી ફેક્ટરીમાં પહોંચીને પણ એને શંકા હતી કે લાશ મળશે? એની ઓળખ થશે? એટલે એણે પોતાના સાથી કર્મચારીનો ફોન લઈને અવાજ બદલીને અભિષેકને જાણકારી આપી. એ પછી અભિષેકનો ફોન આવ્યો ત્યારે એણે અભિષેકને પૂછયું કે આવો ફોન કોણે કરેલો? એમ પૂછીને અભિષેક પાસેથી ફોન લઈને લોગમાંથી એ ફોનનંબર ડિલિટ કરી નાખેલો, કે જેથી પકડાવાય નહીં! પરંતુ એમાં પણ એ ફસાયો. અભિષેકે તરત જ સામેથી એ ભાઈને ફોન કરેલો, પરંતુ ત્યારે ફોન હજુ દેવદત્તના હાથમાં જ હતો. એ પછી પેલા ભાઈએ મિસ્કોલ જોઈને અભિષેકને ફોન કરેલો. અભિષેકે પૂછયું કે અંકિતની હત્યાની તમને ક્યાંથી ખબર? એ ભાઈએ કહ્યું કે મેં ફોન નહોતો કર્યો, દેવદત્ત ગંગવારે બેલેન્સ નથી, એમ કહીને મારો ફોન માગેલો!
આ પુરાવાઓ ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં પણ અંકિતને સાઈકલ પર બેસાડીને દેવદત્ત ઘટનાસ્થળ તરફ જતો દેખાય છે. જરાય પસ્તાવા વગર દેવદત્તે કબૂલાત કરી કે પેટે પાટા બાંધીને ઉછેરેલો દીકરો આવું કરે, એના કરતાં તો એ ના હોય તો સારું! આરતી નાના પુત્ર પ્રશાંતને ગળે વળગાડીને રડયા કરે છે.