- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
- બળેવના દિવસે વીણાફૈબા બાપુને રાખડી બાંધતા હતા. બંને વચ્ચે સાવ નિર્મળ સંબંધ હતો, એ છતાં વીણાફૈબાનું રૂપ જોઇને બા હમેશાં એ સંબંધને શંકાની નજરે જોતાં હતાં
'બ ગડેલી બાજી સુધારવાની છેલ્લી તક છે, બાપુ ! આ સમય વીતી જશે તો ક્યારેય પાછો નહીં આવે. તમારા હૈયાને વલોવી નાખે એવો પારાવાર પસ્તાવો જિંદગીભર ડંખશે !' જિતુભા ચુડાસમા પલંગ ઉપર નીચું જોઇને બેઠા હતા. સામે ઊભેલા દેવશંકર શુક્લ આક્રમક બનીને એમને ઝંઝોડી રહ્યા હતા. 'તમે બે ભાઈઓ આટલાં વર્ષો ટણીમાં ને ટણીમાં જીદ પકડીને દુશ્મનની જેમ રહ્યાં છો, એ જોઇને જીવ બળે છે. એ છતાં મેં તમને કે મોબુભાને ક્યારેય કંઈ કીધું નથી, કોઈ શીખામણ નથી આપી, પણ અત્યારે એવો વખત આવ્યો છે કે દોડીને તમારે આંગણે આવ્યો છું.'
જિતુભા ચૂપચાપ સાંભળતા હતા. અંદરના ઓરડામાં એમના પત્ની ગુલાબબા પણ કાન માંડીને શુક્લજીના શબ્દો સાંભળી રહ્યાં હતાં.
'બાપુ ! મેં બોંતેર દિવાળી જોઈ છે. તમે મારાથી બે વર્ષ નાના છો. એટલે વડીલ ગણો કે તમારા કુટુંબના ગોરબાપા તરીકે તમને સમજાવવા આવ્યો છું. હવે જીવી જીવીને તમે કેટલું જીવવાના ? મનની બધી ગાંઠ ઉકેલીને બાકીની જિંદગી હળવાફૂલ બનીને જીવો તો જીવવાની મજા આવશે. ભૂતકાળને ભૂલી જાવ. મોબુભા કોઈ પારકા તો છે નહીં, સગા મોટાભાઈ છે તમારા. આખી દુનિયામાં હરીફરીને તમે બે ભાઈ છો. કરણુંભા બાપુને કોઈ ત્રીજો દીકરો કે દીકરી તો છે નહીં...'
દેવશંકરે નજીક આવીને જિતુભાના ખભે હાથ મૂક્યો. 'મારા દીકરાનો હમણાં ફોન આવ્યો. એ અમદાવાદ બૅન્કમાં ઓફિસર છે એ તો ખબર છે ને ? એણે ત્યાં હોસ્પિટલમાંથી જ ફોન કરેલો. એણે કીધું કે બધા ડોક્ટરોએ હાથ ખંખેરી નાખ્યાં છે. મોબુભા આઈ.સી.યુ.માં છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે. ડોક્ટરોએ કહી દીધું છે કે વધુમાં વધુ અડતાળીસ કલાક ! મારી વાત માનો, બાપુ ! અત્યારે નહીં જવાય તો પછી જિંદગીભરનો પસ્તાવો રહી જશે. ચાલીસ વર્ષથી તમે બે ભાઈ બોલ્યા નથી, પણ હવે તો અબોલા છોડો. મનમાં પડેલી અંટસને ચાલીસ વર્ષ સુધી સંઘરી રાખીને શું ફાયદો થયો ? દવાખાનામાં જઇને ખાલી પાંચ મિનિટ મળશો તો એમનું મોત સુધરશે. તમારો ભાર હળવો થશે. વટનો કટકો બનીને જીવવાને બદલે મોટાભાઈના મોતને ઉજળું બનાવો. પ્રેમથી પાંચ મિનિટ મળશો તો એ તમારી મોટાઈ કહેવાશે. છેલ્લી ઘડીએ બધી કડવાશ ભૂલીને બે ભાઈ મળ્યાં એ વાત લોકો યાદ કરશે. એમની બધી મિલકત અહીં રહેશે ને મોબુભા ફટ દઇને જતા રહેશે. આ ડેલી, ખેતર કે રૂપિયા-પૈસા કંઇ જોડે આવવાનું નથી. મારા ને તમારા કેસમાં પણ આવું જ થવાનું છે..'
દેવશંકર શુક્લે બે હાથ જોડયાં. 'અમદાવાદ જતાંય અઢી કલાક થશે. આ શુક્લજીના કરગરવાની કંઇ અસર થઇ હોય તો ઉભા થાવ. લાલજીને ગાડી સ્ટાર્ટ કરવાનું કહો. બાકી, પેટ ભરીને પસ્તાવાની જ ઇચ્છા હોય તો તમારી મરજી !..' એમણે પગ ઉપાડયા. 'જય ભોળાનાથ !'
આકરા મનોમંથન વચ્ચે ભીંસાતા જિતુભાના ચહેરા પર જબરજસ્ત દ્વિધા છલકાતી હતી. 'મારાજ, તમે જીત્યા !' એ ઊભા થઇને અંદરના ઓરડામાં ગયા. ગુલાબબાએ આ સંવાદો સાંભળ્યાં હતાં. પતિએ આવી તૈયારી દર્શાવી એટલે એમણે મનોમન ઇશ્વરનો આભાર માન્યો.
રોજકાથી ઉપડેલી કાર ધંધૂકા ઊભી રહી. ભાણુંભાની હોટલ પર ચા પીધા પછી કાર અમદાવાદ તરફ આગળ વધતી હતી. ડ્રાઈવર કુશળ હતો. પાછળની સીટ પર જિતુભા આંખો બંધ કરીને બેઠા હતા. બાજુમાં બેઠેલા દેવશંકર શુક્લની આંખ સામે અતીતના દ્રશ્યો સળવળી રહ્યાં હતાં... રોજકાના જમીનદાર કરણુંભાને બે દીકરા. મહોબતસિંહ ઉર્ફે મોબુભા મોટા અને જિતેન્દ્રસિંહ ઉર્ફે જિતુભા નાના. કરણુંભા ગુજરી ગયા એ અગાઉ જમીનનો વહીવટ ચિઠ્ઠીમાં લખતા ગયેલા. ખરડ અને રોજકાની સીમમાં એમના બે મોટા ખેતર હતા. એંશી એંશી વીઘાના એ બે ખેતરમાંથી એક મોબુભાને અને એક જિતુભાને મળ્યું. પરંતુ હાઈવે પાસે ત્રણ વીઘાનો એક ટૂકડો હતો, એમાંથી વિવાદ સર્જાયેલો. કરણુંભાએ લખેલું કે એ જમીન મોબુભાને આપવી. એને લીધે જિતુભાની કમાન છટકેલી. બાપુએ અન્યાય કર્યો છે અને મોબુભાએ એમને ભોળવીને હાઈવે ટચ જમીનનો ટૂકડો લઇ લીધો છે એવી એમની માન્યતાથી ઝઘડો થયો અને બંને ભાઈઓ વચ્ચે સામે જોવાનો પણ સંબંધ ના રહ્યો. મોબુભા ભણવામાં હોંશિયાર હતા. એમને ખેતીમાં રસ નહોતો. બી.એડ્. કરીને શિક્ષકની નોકરી સ્વીકારીને એ અમદાવાદ જતા રહ્યા હતા. જમીન ખેડવા આપી દીધી હતી, એની કમાણી પણ હતી એટલે અમદાવાદમાં બંગલો બનાવીને એમણે રોજકાની દિશા મનમાંથી ભૂંસી નાખી હતી. કરણુંભાના અવસાન પછી એમનાં પત્ની દસ વર્ષ જીવ્યાં. એ ગુજરી ગયા ત્યારે મોબુભા એક દિવસ માટે રોજકા આવ્યા હતા. માતાના અગ્નિસંસ્કાર પછી એ સીધા અમદાવાદ જતા રહ્યા હતા. નાના ભાઈની ડેલીમાં પગ પણ નહોતો મૂક્યો.
ચાલીસ વર્ષથી મનમાં ડંખ રાખીને જીવતા આ બંને ભાઈઓ આજે મળશે એ વિચારથી દેવશંકરને મનમાં સંતોષ હતો.
હોસ્પિટલના આલીશાન બિલ્ડીંગ પાસે કાર અટકી. જિતુભા અને દેવશંકર આગળ વધ્યા. મોબુભાને આંતરડાનું કેન્સર હતું એ હવે લીવર સુધી પહોંચી ગયું હતું. બે જ મહિનામાં એ અડિખમ આદમી સાવ ખખડી ગયો હતો. આઈ.સી.યુ.ની બહાર મોબુભાનાં પત્ની અને બે દીકરાઓ ઊભાં હતાં. સુખદ આશ્ચર્યથી એ બધા જિતુભા સામે જોઈ રહ્યાં. દેવશંકર એ લોકો પાસે ઊભા રહ્યા અને જિતુભા આગળ વધ્યા.
બોંતેર વર્ષના મોબુભાના શરીર સાથે જાતજાતની નળીઓ લગાડેલી હતી, પણ આંખ-કાન સાબૂત હતા. એમણે મોં મલકાવીને નાના ભાઈ સામે જોયું. બે ભાઈઓની આંખો મળી ને હોઠ પર સ્મિત ફરક્યું એ ચાર સેકન્ડના ધોધમાર લાગણીના પ્રવાહમાં જાણે ચાલીસ વર્ષથી કડવાશ એકસામટી ધોવાઈ ગઈ !
'તું આવ્યો ખરો...' મોબુભાના હોઠ ફફડયાં. 'કઈ ઘડીએ શ્વાસ અટકી જશે એનો કોઈ ભરોસો નથી. અહીં મારી પાસે બેસ અને મારા માથા ઉપર હાથ ફેરવ... હું બોલું એ સાંભળ... મારેય મનનો ભાર લઇને ઉપર નથી જવું. મારું મન હળવું થઇ જશે અને તારો ગુસ્સો ય ગૂમ થઇ જશે... સાંભળ...'
મોબુભાએ આંખો બંધ કરીને ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. 'આપણે ત્યાં તલાટી હતા રતુભાઈ બારોટ. એમના મિસિસ એકદમ ગોરા ગોરા અને ખૂબ રૂપાળા હતા એ યાદ છે ને ? એ વીણાબેને બાપુને ધર્મના ભાઈ બનાવ્યા હતા એટલે આપણે એમને વીણાફૈબા કહેતા હતા. દર બળેવના દિવસે વીણાફૈબા બાપુને રાખડી બાંધતા હતા. બંને વચ્ચે સાવ નિર્મળ સંબંધ હતો, એ છતાં વીણાફૈબાનું રૂપ જોઇને બા હમેશાં એ સંબંધને શંકાની નજરે જોતાં હતાં. બાપુને મોઢામોઢ પૂછવાની હિંમત નહોતી, પણ મગજમાં વહેમ લઇને બા જીવતાં હતાં. બાપુને આ વાતની ખબર હતી, પણ ઘરમાં ચર્ચા નહોતા કરતા. એ વખતે મને તો અમદાવાદ હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ હતી.'
બન્યું એવું કે કોઇક ખેડૂત પાસેથી લાંચ લેતી વખતે રતુફૂઆ રંગે હાથ ઝડપાઈ ગયા. આબરૂ અને નોકરી જાય ને જેલ થાય એવી દશા હતી. વીણા ફૈબા એમના બે નાના બાળકો સાથે આપણા ઘેર આવ્યા. કહ્યું કે વીરા, રાખડી બાંધું છું, પણ આજ સુધી કંઇ માગ્યું નથી. આજે ખોળો પાથરું છું. તારા બનેવીને બચાવી લે, નહીં તો અમારે બધાને ઝેર પીવાનો વારો આવશે. બાપુએ ધર્મની બેનને ધરપત આપી કે હું બેઠો છું. બાના મનમાં શંકાનો કીડો સળવળે છે એનો બાપુને ખ્યાલ હતો. બાપુ અમદાવાદ આવ્યા અને ઉપરી અધિકારીઓને મળ્યા. વીસ હજાર ખર્ચે તો રતુફૂઆ બચી જાય એવી ગોઠવણ કરી. એ વખતે તો વીસ હજાર બહુ મોટી રકમ હતી. આપણી પાસે જમીન-જાગીર ખરી, પણ રોકડા રૂપિયા અને સોનું તો તિજોરીમાં. તિજોરીની ચાવી તો વર્ષોથી બા પાસે જ રહેતી. બા પાસેથી પૈસા માગે તો ઘરમાં હોળી થાય. આજુબાજુના આઠ-દસ ગામમાં બાપુની ઇજ્જત કરોડ રૂપિયાની પણ વીસ હજાર માટે કોઇની પાસે હાથ કઇ રીતે લંબાવવો ? કારણ શું બતાવવું ?
મોટા દીકરા તરીકે બાપુને મારા ઉપર પૂરો ભરોસો અને મિત્રની જેમ વાત કરવાનો સંબંધ એટલે બાપુ મારી સ્કૂલે આવ્યા. એમણે પરિસ્થિતિ સમજાવી. રોકડા વીસ હજાર તો મારી પાસેય નહોતા. મેં અમારી સહકારી મંડળીમાંથી
તાત્કાલિક લોન લઇને બાપુને વીસ હજાર આપ્યા. એ રૂપિયાનો ઉપયોગ કરીને બાપુએ રતુભાઈ તલાટીને બચાવી લીધા અને વીણાફૈબાના રક્ષાબંધનનું ઋણ હળવું કર્યું...!'
મોબુભાએ આંખો ખોલીને નાનાભાઈ સામે જોયું. એમના કપાળ ઉપર હાથ રાખીને જિતુભા સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા.
'પૈસા લેતી વખતે બાપુએ કીધેલું કે આભ તૂટી પડે તોય તમારા બાને આ વાતની ખબર ના પડવી જોઇએ. મેં પારેવાંને ચણ નાખવાનું પવિત્ર કામ કર્યું છે, પણ તમારા બા એમ જ માનશે કે મેં કબૂતરીને દાણા નાખ્યાં છે ! જૂનવાણી ગરાસણીની મનોદશા બાપુ સમજતા હતા અને મને પણ વાતની ગંભીરતાનો ખ્યાલ હતો એટલે મેં વચન આપ્યું કે આ વીસ હજાર રૂપિયાની વાત મારા મોઢેથી ક્યારેય નહીં નીકળે...'
ધૂ્રજતા અવાજે બોલતા મોબુભા થાકને લીધે લગીર અટક્યા. જિતુભા એમના મસ્તક ઉપર હાથ પસારી રહ્યા હતા.
'મેં વીસ હજારની મદદ કરેલી એ બાપુ ભૂલ્યા નહોતા. મહિના પછી તલાટીની બદલી થઇ ગઈ. એમણે બાપુને પૈસા આપવાનો વિવેક પણ ના કર્યો. એને લીધે બાપુ મને પૈસા પાછા ના આપી શક્યા. જ્યારે ભાગ પાડયા ત્યારે એંશી વીઘાવાળા બે ખેતર આપણને વહેંચી આપ્યા અને કોઈ ઉલ્લેખ કર્યા વગર પેલી ત્રણ વીઘાની કટકી મને આપી દીધી. મરવાનો અણસાર આવ્યો ત્યારે એમણે જાતે જ આ રીતની ચિઠ્ઠી લખીને બાને આપી દીધી હતી. તને રામટેકરીવાળું અને મને ખીજડાવાળું ખેતર એમાં તો બેઉને સરખું જ હતું. જે ત્રણ વીઘાની કટકી મને આપી એના કારણમાં પેલા વીસ હજાર રૂપિયા ! એ કારણે તારી કમાન છટકી, તને હડહડતો અન્યાય લાગ્યો અને તેં તલવાર ખેંચી. મેં જાણે તારા ભાગનું ઝૂંટવી લીધું હોય એમ તેં ઝઘડો કર્યો. હું વચનથી બંધાયેલો હતો એટલે મારા હોઠ સિવાયેલા હતા. તેં ઉશ્કેરાઈને સંબંધ કાપી નાખ્યો...'
ફિક્કું હસીને મોબુભાએ જિતુભા સામે જોયું. 'એ પછી તો બા દસ વર્ષ જીવ્યાં એટલે મારે તો મૂંગા જ રહેવાનું હતું. બા જ્યારે દેવલોક પામ્યાં ત્યારે એ દસ વર્ષના ગાળામાં તો આપણી વચ્ચેની કડવાશ એટલી બધી વધી ગઈ હતી કે સામે જોવાનાય સંબંધો નહોતાં રહ્યાં. એમાં ખુલાસો ક્યાં કરવો ?...'
એમનો ધૂ્રજતો અવાજ ફરીથી લગીર અટક્યો. 'જિતુ, મારા ભાઈ, ડૉક્ટરે ટાઈમ લિમિટ આપી દીધી છે, એની મને પણ ખબર છે. મનમાં મૂંઝાતો હતો કે આ ભાર વેંઢારીને ઉપર કઇ રીતે જવાશે ? પરમાત્માએ તને સદબુધ્ધિ સૂઝાડી અને તું આવી ગયો... બસ હવે ગમે ત્યારે જમડા આવે એની કોઈ ફિકર નથી..'
ચાલીસ વર્ષના અબોલાની ખારાશ ચારેય આંખમાંથી આંસુ બનીને બહાર ઠલવાઈ રહી હતી !
(શીર્ષક પંક્તિ : લેખક)


