Get The App

સામૂહિક આત્મહત્યા કે ડબલ મર્ડર? .

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
સામૂહિક આત્મહત્યા કે ડબલ મર્ડર?                    . 1 - image

- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- રાત્રે છેક અગિયાર વાગ્યે નાની દીકરી શ્રીજનાનો વોઈસમેસેજ આવ્યો. 'અમે બંને પૈસા કમાવા માટે બેંગલોર જઈએ છીએ. કમાઈને ઢગલાબંધ રૂપિયા ભેગા થશે, એ પછી પાછા ઘેર આવીશું.'

ક્રા ઈમની કથામાં ક્યારેક સ્થળ બદલાયા કરે છે. આજની વાતમાં ક્રાઈમની ફરિયાદ મુંબઈમાં નોંધાઈ. એ ફરિયાદના આધારે મુંબઈ પોલીસને લાગ્યું કે આ ઘટનાના છેડા બેંગલોરમાંથી મળશે. એ રીતે તપાસ શરૂ થાય એ અગાઉ મોબાઈલનું લોકેશન જોઈને પોલીસને ઝાટકો લાગ્યો. મોબાઈલનું છેલ્લું લોકેશન તો છેક ગોરખપુર પાસે આવેલ સુનૌલી બૉર્ડર પાસેનું હતું. ભારત અને નેપાળની સરહદ  જ્યાં મળે છે, ત્યાં જ આ સુનૌલી આવેલું છે! અવનવા આટાપાટા વચ્ચે ગૂંચવાયેલી ક્રાઈમની આ ઘટનાનો આજ સુધી પોલીસને કોઈ ઉકેલ મળ્યો નથી.

વાસુદેવ કંડેલનું મૂળ વતન તો નેપાળમાં આવેલું સુરખેત ગામ.  આ નેપાળી પોતાના પરિવાર સાથે છેલ્લા ત્રીસ વર્ષથી મુંબઈમાં રહે છે. ભાયંદર વિસ્તારમાં મીરા રોડ પર એક નાનકડા ફ્લેટમાં રહીને મહેનત- મજૂરી કરે છે. મુંબઈની મોંઘવારીમાં પોતાના પરિવારનું સારી રીતે ભરણપોષણ કરવા માટે વાસુદેવ ક્યારેક તો બે બે પાળીમાં નોકરી કરતો હતો. એની પત્ની ઉમા કંડેલ પણ નોકરી ઉપરાંત ઘેર સીવણકામ કરતી હતી. મુંબઈ આવ્યા પછી કોઈ સારા- માઠા પ્રસંગે જો ફરજિયાતપણે નેપાળ જવું પડે એવું હોય, તો જ વાસુદેવ નેપાળ જતો હતો.

વાસુદેવ અને ઉમાને સંતાનમાં બે દીકરીઓ. મોટી પુત્રીનું નામ મેનુકા. સત્તર વર્ષ અગાઉ મેનુકાનો જન્મ થયો ત્યારે પ્રસુતિ માટે ઉમા નેપાળમાં પોતાના પિયર ગયેલી. વાસુદેવ અને ઉમા માટે એ સમય કપરા સંઘર્ષનો હતો. નાનકડો ફ્લેટ ખરીદવા માટે એમણે જે દેવુ કર્યું હતું, એ ચૂકવવા માટે બંનેએ સખત પરિશ્રમ કરવો પડે એવી દશા હતી. એ પરિસ્થિતિમાં નાનકડી બાળકીને પણ જો મુંબઈ લાવે તો એની સંભાળ રાખવામાં ઉમા બીજું કોઈ કામ ના કરી શકે. ઉમાના ભાઈ-ભાભીએ લાગણી દર્શાવીને કહ્યું કે આ દીકરીને અમે મોટી કરીશું, તમે બંને મુંબઈ જાવ. આમ, મેનુકા મોસાળમાં જ ઉછરતી હતી.

મેનુકાના જન્મના ચાર વર્ષ પછી ઉમાએ બીજી પુત્રીને જન્મ આપ્યો. આર્થિક પરિસ્થિતિ થોડી સુધરી હતી એટલે નેપાળ- પિયરમાં જવાની જરૂર ના પડી. આ બીજી દીકરીનું નામ રાખ્યું શ્રીજના. શ્રીજના મુંબઈમાં વાસુદેવ અને ઉમાની સાથે ઉછરતી હતી અને મેનુકા તો હજુ નેપાળમાં- મોસાળમાં જ હતી.

શ્રીજનાનો અભ્યાસ ચાલુ હતો અને એ ઉપરાંત ઉમા એને સીવણકામ પણ શીખવાડતી હતી.

મુંબઈમાં ત્રીસ વર્ષથી રહેતા હોવાથી વાસુદેવ અને ઉમા ઘરમાં પણ નેપાળી ભાષાનો ઉપયોગ નહોતા કરતા, હિન્દીમાં જ વાતચીત કરતા હતા. શ્રીજનાને હિન્દી જ આવડતું હતું અને અભ્યાસ પણ હિન્દી માધ્યમની સ્કૂલમાં જ કરતી હતી.

માર્ચ, ૨૦૨૫ માં એક નજીકના સગામાં લગ્ન હતા એટલે ઉમા અને શ્રીજનાને સાથે લઈને વાસુદેવે નેપાળ જવાનું હતું. એ સમયે પતિ-પત્ની વચ્ચે ચર્ચા થઈ અને બંનેએ નક્કી કર્યું કે મેનુકા હવે સત્તર વર્ષની થવા આવી છે, એટલે એને આપણી સાથે મુંબઈ લેતા આવીશું. એની દસમા ધોરણની પરીક્ષા પણ પતી ગઈ હશે. એને અહીં લાવીને કોમ્પ્યુટરના કોચિંગ ક્લાસમાં દાખલ કરાવી દઈશું. 

મોટી બહેન મેનુકા પણ હવે કાયમ માટે મુંબઈમાં મારી સાથે જ રહેશે, એ જાણીને શ્રીજના પણ ખૂબ ખુશ હતી.

નેપાળમાં લગ્ન પ્રસંગ પતાવીને તારીખ ૩૧-૩-૨૦૨૫ ના દિવસે આખો પરિવાર મુંબઈ પાછો આવી ગયો. હવે શ્રીજના તો મોટી બહેન મેનુકાને વળગીને જ રહેતી હતી. એમાં કોમેડી પણ થતી હતી. તેર વર્ષની શ્રીજનાને માત્ર હિન્દી આવડતું હતું અને સત્તર વર્ષની મેનુકાને માત્ર નેપાળી ભાષા જ આવડતી હતી. ઉમાએ નજીકના કોમ્પ્યુટર ક્લાસમાં બંને દીકરીઓની ફી ભરી દીધી હતી. ઘેર કાપડનું કટિંગ અને સિલાઈ મશીન પર સિવણકામ પણ બંને દીકરીઓને એ શીખડાવતી હતી.

બંને દીકરીઓ રૂપાળી હોવાથી ઉમાને એમની ચિંતા રહેતી હતી. બપોરે જમીને એ બંને સાથે બહાર જાય, ત્યારે સાંજે સાત વાગ્યા અગાઉ ઘેર આવી જવાની એમને કડક સૂચના આપેલી હતી.

તારીખ ૨૭-૬-૨૦૨૫ ની સાંજે સાડા સાત થઈ ગયા, એ છતાં બંને દીકરીઓ પાછી નહોતી આવી, એટલે ઉમા એમને ફોન કરતી હતી પણ જવાબ મળતો નહોતો. વાસુદેવ અને ઉમાને નોકરી ઉપર જવાનું હતું. ફોન લાગતો નહોતો એટલે રાત્રે આઠ વાગ્યે ઉમાએ બંનેના મોબાઈલ ઉપર વોઈસ મેસેજ મૂક્યો કે 'અમે નોકરી પર જઈએ છે, રસોઈમાં રોટલી સિવાય બધું તૈયાર છે. તમે આવીને રોટલી બનાવીને જમી લેજો.'

રાત્રે છેક અગિયાર વાગ્યે નાની દીકરી શ્રીજનાનોવોઈસમેસેજ આવ્યો. 'અમે બંને પૈસા કમાવા માટે બેંગલોર જઈએ છીએ. કમાઈને ઢગલાબંધ રૂપિયા ભેગા થશે, એ પછી પાછા ઘેર આવીશું.' દીકરીઓનો આવો મેસેજ સાંભળીને વાસુદેવ અને ઉમા ચોંકી ઉઠયા. બંનેને નોકરી કરવાનું કે કમાવાનું તો ક્યારેય કહ્યું નહોતું, તો પછી એમને આવી રીતે છેક બેંગલોર જવાનું કેમ સૂઝયું? અમને જાણ કર્યા વગર આ બંને દીકરીઓ આવી રીતે કેમ ભાગી હશે? એમાંય મેનુકાને તો નેપાળી સિવાય કોઈ ભાષા આવડતી નથી, તો બેંગલોરમાં એ શું કરશે? ઘરમાં ક્યારેય બેંગલોરનો તો ઉલ્લેખ પણ નથી થયો, તો એમણે એ શહેર કેમ પસંદ કર્યું?

મા-બાપના મનમાં આવા સવાલો તો અનેક હતા પરંતુ એકેયનો જવાબ જડતો નહોતો. બંનેને ફોન જોડવા માટે ખૂબ મથામણ કરી, પરંતુ એકેય દીકરી જવાબ આપતી નહોતી.ચિંતાતુર મા-બાપ શું કરે? બીજા દિવસે સવારે મીરારોડ પોલીસસ્ટેશને જઈને એમણે બંને દીકરીઓ ગૂમ થયાની ફરિયાદ નોંધાવી અને વોઈસમેસેજ પણ સંભળાવ્યો. પોલીસે ધરપત આપીને કહ્યું કે અમે તપાસ કરીશું.

ફરિયાદ નોંધાવ્યાના છઠ્ઠા દિવસે વાસુદેવ અને ઉમાને પોલીસસ્ટેશને બોલાવીને ઈન્સ્પેક્ટરે ચોંકાવનારી જાણકારી આપી. 'તમારી દીકરીઓએ બેંગલોરનું નામ કેમ આપ્યું હશે એ સમજાતું નથી. એમના મોબાઈલનું છેલ્લું લોકેશન તો છેક ગોરખપુર પાસે સુનૌલી બૉર્ડરનું મળેલું. ભારત અને નેપાળની સરહદ પરનું છેલ્લું ગામ આ સુનૌલી છે!'

ક્યાં બેંગલોર અને ક્યાં સુનૌલી! હવે મા-બાપની ચિંતા એકદમ વધી ગઈ. બૉર્ડર ક્રોસ કરીને બંને નેપાળ જ ગઈ હશે એવું એમને લાગ્યું. વાસુદેવે નેપાળમાં રહેતા પોતાના તમામ સગા-સંબંધીઓ અને મિત્રોને ફોન કરીને આખી હકીકત જણાવીને કહ્યું કે દીકરીઓ કદાચ તમારો સંપર્ક સાધશે. તમે પણ નજર રાખજો. જે કંઈ જાણવા મળે એ તરત મને કહેજો.-પરંતુ દીકરીઓ કોઈના સંપર્કમાં નહોતી.

નેપાળના ભક્તાપુર જિલ્લાનું થીમી ગામ કાઠમંડુથી માત્ર પંદર કિલોમીટર જ દૂર છે. થીમી ગામના નીરજ ચક્રધર પ્રજાપતિએ જે મકાન બનાવ્યું હતું, એમાં પાંચ-છ ઓરડીઓ ભાડે આપવા માટે જ બનાવી હતી.ઓરડીઓ એવી હતી કે એમાં લોખંડની ગ્રીલનું જ બારણું હતું. એને લીધે દરેક ઓરડીમાં શું ચાલે છે, એ બહારથી પણ જોઈ શકાય. તારીખ ૨૫-૭-૨૦૨૫ રવિવારે એક ભાડવાતની નજર પોતાની બાજુની ઓરડી પર પડી અને એ હબકી ગયો. એણે ચીસાચીસ કરી એટલે બીજા પાડોશીઓ પણ ત્યાં દોડી આવ્યા. ઓરડીનું દ્રશ્ય ખોફનાક હતું. બે છોકરીઓની લાશ ઓરડીમાં છતના હૂક પર લટકતી હતી. વાદળી રંગના પ્લાસ્ટિકની એક જ રસ્સીથી બંનેની ગરદન બંધાયેલી હતી!

કોઈએ જાણ કરી એટલે નેપાળ પોલીસની ટીમ ત્યાં આવી ગઈ.પૂછપરછમાં મકાનમાલિકે જણાવ્યું કે આ બંને છોકરીઓ સુરખેત ગામની છે અને કાઠમંડુ કૉલેજમાં ભણે છે, એમ કહીને પંદર દિવસ પહેલાં જ એમણે આ ઓરડી ભાડે રાખી હતી! પોલીસની ટીમે આખી ઓરડીની તલાશી લીધી. આમ તો સીધોસાદો આત્મહત્યાનો કેસ લાગતો હતો, પરંતુ ઓરડીમાં ક્યાંયથી કોઈ સ્યુસાઈડ નોટ કે એ મતલબનું કોઈ લખાણ ના મળ્યું! પોલીસે સુરખેત ગામમાં તપાસ કરાવી તો ખબર પડી કે આ તો વાસુદેવ અને ઉમાની દીકરીઓ-મેનુકા (૧૭ વર્ષ) અને શ્રીજના (૧૩ વર્ષ) છે.

બંનેના મોબાઈલ પોલીસે ચકાસ્યા, તો રાત્રે જ આ બંને બહેનોએ એક અત્યંત ભાવવાહી નેપાળી ગીત પર નેપાળી ડ્રેસ પહેરીને નૃત્ય કર્યું હતું, એનો વીડિયો હતો. આ વીડિયો એમણે કોઈને મોકલ્યો નહોતો કે ફેસબૂક પર મૂક્યો નહોતો. એ ગીતના શબ્દો એવા હતા કે 'સાચા પ્રેમનું બંધન એવું હોય છે કે એ મૃત્યુ પછી પણ તૂટતું નથી!' એ ડાન્સમાં બંનેની સ્ટાઈલ અને ફોટોગ્રાફી જોઈને પોલીસને એટલી ખાતરી થઈ કે મૃત્યુની આગલી રાત્રે બનાવેલા આ વીડિયો વખતે કોઈ અન્ય વ્યક્તિ /વ્યક્તિઓ આ બહેનોની સાથે હશે! એ કોણ હશે? છેલ્લા બે દિવસના આસપાસના તમામ સ્થળોના સીસીટીવીમાં આ બહેનોની સાથે બે છોકરાઓ પણ જોવા મળ્યા.

મધ્યાપુર થીમી વિસ્તારના ઘજીઁ ધુન્ડિરાજે પત્રકારોને જણાવ્યું કે આ બધું જોઈને આ કેસ સામૂહિક આત્મહત્યાને બદલે ડબલ મર્ડરની ઘટના પણ હોઈ શકે! એ માટે પ્રત્યેક દ્રષ્ટિકોણથી અલગ અલગ ટીમે તપાસ શરૂ કરી દીધી છે. સૌથી પહેલું કામ સીસીટીવીમાં દેખાયેલા પેલા બે છોકરાઓને ઝડપી પાડવાનું છે. 

એમની પૂછપરછ અત્યંત મહત્વની બનશે.ઘર છોડયા પછી શું શું બનેલું અને શા માટે મરવા માટે મજબૂર બનવું પડયું એની જાણકારી એમની પાસેથી મેળવવાની છે.( આ લખાય છે ત્યાં સુધીમાં પોલીસને એ છોકરાઓનો પત્તો મળ્યો નથી.) 

તદ્દન વિચિત્ર પરિસ્થિતિમાં બંને દીકરીઓને ગૂમાવનાર વાસુદેવ અને ઉમા અત્યંત દુ:ખી છે. ઉમાએ પત્રકારોને કહ્યું કે મારી દીકરીઓએ આત્મહત્યા નથી કરી, કોઈએ કાવતરું કરીને એમની હત્યા કરી છે. જો એમને આત્મહત્યા જ કરવી હોત તો એ મુંબઈમાં પણ કરી શકત, એના માટે નેપાળ સુધી લાંબા થવાની એમને ક્યાં જરૂર હતી? બેંગલોરની લાલચ આપીને એમને ફસાવનાર એમને નેપાળ શા માટે લઈ ગયો હશે, એ સમજાતું નથી. મારી માસુમ દીકરીઓની કોઈએ હત્યા કરી છે, એ હકીકત છે!

મેનુકા જેમને ત્યાં ઉછરેલી એ ખગેન્દ્રે પણ ભારપૂર્વક કહ્યું કે મેનુકાને નેપાળી સિવાય બીજી કોઈ ભાષા આવડતી નથી એટલે મોટી બહેન તરીકે મેનુકા પોતાની નાની બહેન શ્રીજનાની જવાબદારી સાથે લઈને છેક મુંબઈથી ગોરખપુર-સુનૌલી બૉર્ડર સુધી આવવાની હિંમત કરે, એ શક્ય જ નથી! અહીં મેનુકાએ દસમા ધોરણની પરીક્ષા આપેલી, એનું પરિણામ પણ એ બંને ગૂમ થયા, એ જ દિવસે આવેલું. એમાં એ નાપાસ થયેલી!

નેપાળના નિવૃત્ત ઘજીઁ ગજેન્દ્રસિંહે અગાઉ વર્ષો સુધી ઉત્તરપ્રદેશમાં પોલીસ અધિકારી તરીકે સેવા આપેલી. આત્મહત્યાની વાત માનવા એ તૈયાર નથી. એમણે તર્કબધ્ધ રીતે કહ્યું કે મૃત્યુની આગલી રાત્રે ઊતારેલ વીડિયોમાં ગીત તો કરૂણ છે, પરંતુ એ બંને દીકરીઓના હાવભાવ એટલા પરવશ ને લાચાર 

દેખાય છે કે જાણે કોઈએ બળજબરીથી એમની પાસે આ વીડિયો બનાવ્યો હોય એવું લાગે છે! વળી, પ્લાસ્ટિકની એક જ રસ્સીથી બંનેની લાશ લટકતી હતી એ મારી દ્રષ્ટિએ શક્ય નથી. સૌથી મહત્વની વાત એ છે કે મારી કારકિર્દી દરમ્યાન ભારતમાં અને નેપાળમાં અનેક યુવાન દીકરીઓના આત્મહત્યાના કેસ જોયા છે. કંટાળેલી-ત્રાસેલી દીકરી આત્મહત્યા કરે ત્યારે કારણ દર્શાવતી સ્યુસાઈડ નોટ તો અવશ્ય લખે જ! આ કિસ્સામાં એવી કોઈ નોટ નથી મળી! પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ પૂરેપૂરો સ્પષ્ટ નથી. એમણે ઉમેર્યું કે નેપાળી યુવતીઓની અનૈતિક કામ માટે ભારતમાં મોટી ડિમાન્ડ છે. હ્યુમન ટ્રાફિકિંગ કરનારી ગેંગ દ્વારા આ બંનેને ફસાવવામાં આવી હોય અને ઈન્કાર બદલ એમને આ સજા મળી હોય એ પણ શક્ય છે!

આત્મહત્યા કે હત્યા? એ રહસ્યના તાણાવાણા તો હજુ ગૂંચવાયેલા જ છે, પણ બે માસુમ જિંદગી રગદોળાઈ ચૂકી છે, એ કરૂણ હકીકત છે!