સોનમ-રાજા જેવી ઘટનાઓ માટે જવાબદાર કોણ?
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- ''આપણી સગાઈ તો થઈ ગઈ, પણ એકબીજાનો પૂરો પરિચય મેળવવાનું હજુ બાકી છે. એક કામ કર. આજે સાંજે તું મને સારી હોટલમાં ડિનર માટે લઈ જા. ત્યાં જમીને શાંતિથી વાતો કરીશું.''
- શુભા-ગિરીશ
- સોનમ-રાજા
- શુભા
- ધરપકડ પછી શુભા
ઘ ણાં મિત્રોએ કહ્યું કે ઈન્દોરના રાજા રઘુવંશી અને એની હત્યારી પત્ની સોનમ વિશે લખો. અલબત્ત, ક્રાઈમની એ કથા જબરજસ્ત છે, પરંતુ ભારતભરના અખબારોમાં અને ટીવી ચેનલોમાં એના વિષે ઢગલાબંધ પિરસાઈ ચૂક્યું છે, અને હજુયે એમાં રોજ રોજ નવા ફણગા ફૂટે છે -એને લીધે સોનમની કથા લખવાને બદલે એના જેવી જ બીજી કોઈ કથાની શોધ કરી, તો બાવીસ વર્ષ જૂની એવી ઘટના જડી કે એના તાણાવાણા લગભગ એક સમાન છે. એક તરફ પ્રેમ હતો, ભરોસો હતો અને જીવનભર સાથ નિભાવવાનું વચન હતું, તો બીજી તરફ લફરું હતું, વિશ્વાસઘાત હતો અને હત્યા માટેની તૈયારી હતી!
કર્ણાટકની રાજધાની બેંગલોરમાં બાલાશંકરી પાર્કમાં રહેતા શંકરનારાયણનું વકીલ તરીકે ખૂબ મોટું નામ હતું. પોતાની એકની એક દીકરી શુભા પણ ભવિષ્યમાં પોતાનો કારોબાર સંભાળી શકે એવી ગણતરીથી એ શુભાને પણ કાયદાના અભ્યાસ માટે તૈયાર કરી રહ્યા હતા. અભ્યાસમાં અત્યંત તેજસ્વી શુભા દેખાવમાં પણ સુંદર હતી. એકવીસ વર્ષની શુભા બી.એમ.એસ. કોલેજ ઓફ લો માં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
એકવીસ વર્ષની દીકરીના બાપ તરીકે વકીલને હવે દીકરી માટે યોગ્ય મુરતિયો શોધવાની ઉતાવળ હતી. એમની જ સોસાયટીમાં રહેતા એક પરિવાર સાથે એમને પંદરેક વર્ષથી પરિચય હતો. એ પરિવારનો દીકરો બી.વી. ગિરીશ સોફટવેર એન્જિનિયર તરીકે ઈન્ટેલ કંપનીમાં નોકરી કરતો હતો. આ વાત ઈ.સ. ૨૦૦૩ ની છે, અને એ વખતે ગિરીશનો પગાર મહિને લાખ રૂપિયાથી પણ વધારે હતો. તદ્દન સીધોસાદો અને સંસ્કારી ગિરીશ હસમુખો અને મળતાવડો હતો. બીજા યુવાનોથી એ સાવ અલગ હતો. એને તમાકુ, સિગારેટ કે દારૂનું કોઈ વ્યસન નહોતું. એની આ તમામ લાયકાત જોઈને વકીલે વિચારી લીધું કે જમાઈ તરીકે આનાથી સારો બીજો કોઈ યુવાન નહીં મળે. એ ગિરીશના ઘેર જઈને એના મા-બાપને મળ્યા અને વાત કરી. આવા મોટા ગજાના વકીલની એકની એક દીકરી પુત્રવધૂ તરીકે મળશે, એ વિચારીને ગિરીશના મા-બાપ ખૂબ રાજી થઈ ગયા. આ વાત હજુ તો વડીલો વચ્ચે જ થઈ હતી, ગિરીશ કે શુભાને એની ખબર નહોતી.
એ રાત્રે ગિરીશ ઘેર આવ્યો ત્યારે માતા-પિતાએ એને આ વાત કરી. સોસાયટીમાં રહેતી શુભાને તો ગિરીશે જોયેલી જ હતી, એટલે એણે તરત સંમતિ આપી દીધી.
વકીલ શંકરનારાયણે રાત્રે દીકરીને પોતાની પાસે બેસાડીને લગ્નની વાત શરૂ કરીને ગિરીશ કેટલો સારો યુવાન છે, એ જણાવ્યું. એમની વાત સાંભળીને શુભા ચોંકી ઉઠી. આજ સુધી પિતાને નહોતું કહ્યું, પણ આ સંબંધની વાત આવી એટલે એણે મોં ખોલ્યું. ''આઈ એમ સોરી, પપ્પા! મારા માટે મુરતિયો શોધવાની તમારે જરૂર નથી. મારે લાયક યુવાન મેં નક્કી કરી લીધો છે!'' હવે ચોંકી જવાનો વારો વકીલનો હતો. એમણે પૂછયું. ''કોણ છે એ?શું કરે છે?'' લગીર પણ સંકોચ વગર શુભાએ જણાવ્યું. ''મારી સાથે કોલેજમાં જ સ્ટડી કરે છે. એનું નામ અરૂણ વર્મા. એ મને ચાહે છે અને હું પણ એને પ્રેમ કરું છું. એની સાથે લગ્ન કરીને હું વધારે સુખી થઈશ. અલબત્ત, એ મારાથી જુનિયર છે. હું એકવીસની છું, અને એ ઓગણીસ વર્ષનો છે. એ તો મારી સાથે લગ્ન કરવા ખૂબ ઉતાવળ કરે છે.'' (સોનમનો પ્રેમી પણ સોનમથી પાંચ વર્ષ નાનો છે!)
''બેવકૂફ કહેવાય! ઓગણીસ વર્ષની ઉંમરે એને લગ્ન કરવાની ઉતાવળ છે?'' પિતાએ ચિડાઈને કહ્યું. ''કાલે એને મારી પાસે મોકલજે. હું વાત કરીને એને ચકાસી લઈશ.''
બીજા દિવસે અરૂણ વર્મા વકીલસાહેબને મળવા આવ્યો, ત્યારે વકીલે એને ધમકાવી નાખ્યો. ''તું પાગલ છે? સારી રીતે ભણીને કેરિયર બનાવવામાં ધ્યાન આપ. ઓગણીસ વર્ષે લગ્ન કરવાનું ગાંડપણ ના કરાય. તું શુભાને ભૂલી જા અને સરખી રીતે ભણીને તારી કેરિયર બનાવ. મોટો હોદ્દો મેળવીશ, તો ભવિષ્યમાં શુભાથી પણ સારી છોકરી તને મળી જશે.'' અવાજમાં સખ્તાઈ સાથે એમણે ઉમેર્યું. ''લિસન! તારી સાથે લગ્ન કરવા માટે શુભાને હું ક્યારેય સંમતિ નહીં આપું. ફરગેટ હર!'' ઢીલા પગલે અરૂણ વર્મા ત્યાંથી નીકળી ગયો.
દીકરી આ અરૂણના પ્રેમમાં વધુ લપેટાય, એ અગાઉ એને ગિરીશ સાથે પરણાવી દેવી પડશે. એમણે શુભાને પણ ખૂબ સમજાવી. ''અરૂણ વર્મા ઉત્તરપ્રદેશનો છે, એના પરિવારનો આપણને પરિચય નથી, એ તને ખવડાવશે શું? એની આવકનું હજુ કોઈ ઠેકાણું નથી. જ્યારે ગિરીશના સંસ્કારી પરિવારનો આપણને પરિચય છે. આ ઉંમરે પણ ગિરીશ ઈન્ટેલ જેવી ઈન્ટરનેશનલ કંપનીમાંથી મહિને લાખ રૂપિયા કમાય છે. લગ્ન પછી પણ તને મારી આંખ સામે આ સોસાયટીમાં જ રહેવા મળશે.'' બાપ તરીકે લાગણીશીલ બનીને શંકરનારાયણે શુભાને વાસ્તવિકતા સમજાવી. સતત ત્રણેક દિવસની સમજાવટ પછી શુભા પીગળી અને એણે હકારમાં મસ્તક હલાવ્યું.
બંને પરિવારના વડીલો ભેગા થયા. ગિરીશના પરિવારે મુહૂર્ત માટે એમના ગોર મહારાજને પણ બોલાવી લીધા હતા. તારીખ ૩૦-૧૧-૨૦૦૩ ના દિવસે રંગેચંગે સગાઈ-રિંગ સેરિમની અને એ પછી તારીખ ૧૧-૪-૨૦૦૪ ના દિવસે ધામધૂમથી લગ્ન કરવાનું નક્કી થઈ ગયું.
શુભા જેવી રૂપાળી અને પરિચિત યુવતી પોતાની પત્ની બનશે -એ વિચારથી ગિરીશ ખૂબ ખુશ હતો. એની આંખોમાં ભાવિ જીવનના રંગીન સપનાંઓ તરવરી રહ્યાં હતાં. સગાઈને ત્રણેક દિવસની વાર હતી, ત્યારે એ રોજ સાંજે બાઈક લઈને શુભાની કોલેજ પર જતો અને એને લઈને ઘેર આવતો. ૩૦-૧૧-૨૦૦૩ ના દિવસે બંને પક્ષના મહેમાનો વચ્ચે ખૂબ ધામધૂમથી રિંગ સેરિમની-સગાઈની વિધિ ઉજવાઈ.
એના ત્રીજા દિવસે સવારે શુભાએ ગિરીશને કહ્યું. ''આપણી સગાઈ તો થઈ ગઈ, પણ એકબીજાનો પૂરો પરિચય મેળવવાનું હજુ બાકી છે. એક કામ કર. આજે સાંજે તું મને સારી હોટલમાં ડિનર માટે લઈ જા. ત્યાં જમીને શાંતિથી વાતો કરીશું.'' ''શ્યોર.'' ગિરીશે ઉત્સાહથી કહ્યું. ''હું તને લેવા આવીશ. પહેલા મારી ઓફિસે જઈશું. ત્યાં મારા મિત્રો સાથે તારો પરિચય કરાવીશ. એ પછી તું કહીશ એ હોટલમાં આપણે બંને ડિનર માટે જઈશું.''
સાંજે ઈન્ટેલની ઓફિસમાં ગિરીશે પોતાના સાથીઓ સાથે શુભાનો પરિચય કરાવ્યો. એ પછી શુભાએ એરપોર્ટ રોડ પરની એક હોટલનું સૂચન કર્યું. ખુશખુશાલ ગિરીશે તરત જ હા પાડી અને બાઈક સ્ટાર્ટ કરી. શુભા એને વળગીને પાછળ બેસી ગઈ.
હોટલ મોંઘી હતી, પણ આજે ગિરીશને એની પરવા નહોતી. મીઠી મીઠી વાતો સાથે જમવાનું પતાવીને બંને હોટલની બહાર આવ્યા. પાછા ઘેર જતી વખતે રસ્તામાં એરપોર્ટ રિંગ રોડ ઉપર જમ્બો પોઈન્ટ પાસે શુભાએ ગિરીશને બાઈક ઊભી રાખવાનું કહ્યું. ગિરીશે બાઈક ઊભી રાખી એટલે શુભાએ કહ્યું. ''અત્યારે રાતના સમયે પ્લેન ટેઈક ઓફ થાય અને લેન્ડ થાય, એ બંને સીન મેં ક્યારેય જોયા નથી. ચાલ, આજે અહીં સુધી આવ્યા છીએ તો એ પણ જોઈ લઈએ.'' ''જેવી તારી મરજી.'' ગિરીશે બાઈક આગળ લીધું અને જ્યાંથી એરપોર્ટ પર ઊતરતા અને ઉપડતા વિમાન જોઈ શકાય એવી સૂમસામ જગ્યા પર બંને ઊભા રહ્યા.
એક પ્લેન ઘરઘરાટી સાથે રનવે પર દોડીને અધ્ધર થઈને હવામાં ઊંચકાયું ત્યારે ગિરીશની નજર એ તરફ જ હતી. એ જ વખતે કોઈકે પાછળથી એના માથા પર પૂરી તાકાતથી જોરદાર પ્રહાર કર્યો! મોટરસાઈકલના શોક એબ્સોર્બર (જમ્પર) નો એ પ્રહાર એટલી પ્રચંડ તાકાતથી કરવામાં આવેલો કે ધડાકા સાથે ગિરીશની ખોપરી ફાટી ગઈ, લોહીનો ફૂવારો ઊડયો અને ગિરીશ ભોંય પર ઢળી પડયો! મારનારાઓ બાઈક લઈને વીજળીવેગે ભાગી ગયા. પાંચેક મિનિટ તરફડીને ગિરીશના શ્વાસ અટકી ગયા, એ પછી શુભાએ દોડીને રોડ પર જઈને ચીસાચીસ શરૂ કરી. એક પ્રૌઢ દંપતીએ કાર રોકી અને ગિરીશને હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડોક્ટરે તપાસીને કહ્યું કે આ યુવાન મૃત્યુ પામેલો છે. ડોક્ટરે તરત જ પોલીસને જાણ કરી.
શુભાએ પોલીસને કહ્યું કે બે દિવસ પહેલાં જ અમારી સગાઈ થયેલી, અમે હોટલમાં જમીને અહીં આવ્યા ત્યારે બે અજાણ્યા ગુંડાઓએ એમના પર હુમલો કરીને મારી નાખ્યા!
શુભાની વાત ગળે નહોતી ઊતરતી, પરંતુ કોઈ છેડો મળતો નહોતો, એટલે પોલીસ હજુ અંધારામાં જ હતી. સગાઈની વિધિમાં કદાચ કોઈ શંકાસ્પદ ચહેરો દેખાય, તો એ દિશામાં આગળ વધાય, એમ વિચારીને પોલીસે સગાઈના પ્રસંગના વીડિયો મંગાવ્યા, એ જોયા, એમાં કોઈ શંકાસ્પદ ના લાગ્યું. ફરી વાર ધ્યાનથી જોતી વખતે એક ચાલાક ઈન્સ્પેક્ટરે બોડી લેંગ્વેજનું નિરીક્ષણ કર્યું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શુભાના ચહેરા પર લગીર પણ ઉત્સાહ કે આનંદ નહોતો, માત્ર ઉદાસી જ હતી.(ફોટામાં જુઓ. શુભાની તુલનામાં સોનમે તો જોરદાર એક્ટિંગ કરી છે!)
હવે પોલીસને શુભા પર શંકા પડી. પાડોશીઓ અને ઓફિસમાં પોલીસે પૂછપરછ કરીને જાણકારી મેળવેલી કે ગિરીશ તો અજાતશત્રુ હતો. એને કોઈની સાથે દુશ્મનાવટ નહોતી. ચોરીનો પણ પ્રયાસ થયો નહોતો, તો પછી સીધાસાદા યુવાનની આવી ક્રૂર હત્યા કોણ કરે? પોલીસે શુભાને ફરીથી પૂછપરછ માટે બોલાવી. એનો મોબાઈલ લઈને કોલ ડિટેઈલ તપાસી તો હત્યાના દિવસે એક નંબર સાથે શુભાએ તોંતેર વખત વાત કરી હતી! એ નંબર અરૂણ વર્માનો હતો. પોલીસે એને બોલાવ્યો, તો એણે કહ્યું કે એ દિવસે તો હું બેંગલોરમાં હતો જ નહીં, બહારગામ ગયેલો હતો. પોલીસે લોકેશન ચેક કર્યું તો હત્યાના સ્થળે જ અરૂણનો મોબાઈલ એક્ટિવ હતો! એનું જૂઠ્ઠાણું પકડાઈ ગયું એટલે પોલીસે પોતાની અસલ સ્ટાઈલમાં અરૂણ-શુભાની આકરી પૂછપરછ કરી, એમાં એ બંને ભાંગી પડયા અને ગુનો કબૂલી લીધો. શુભાના કહેવાથી અરૂણે વ્યંકટેશ નામના હત્યારાને દોઢ હજાર રૂપિયામાં આ કામ સોંપ્યું હતું. હત્યાના સ્થળે અગાઉથી નક્કી થયા મુજબ અરૂણ અને એનો કઝિન દિનકર પણ વ્યંકટેશની સાથે છૂપાઈને હાજર હતા.
તારીખ ૩૦-૧૧-૨૦૦૩ ના દિવસે સગાઈ, અને ૩-૧૨-૨૦૦૩ ની રાત્રે ગિરીશની હત્યા-એ પછીનો ઘટનાક્રમ ટૂંકમાં-૨૫-૧-૨૦૦૪ ના દિવસે શુભાની ધરપકડ થઈ.૧૯-૧૨-૨૦૦૭ ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ. ૧૭-૫-૨૦૧૦ કોર્ટે શુભા, અરૂણ, વ્યંકટેશ અને દિનકરને દોષિત જાહેર કરીને જન્મટીપની સજા કરી. પુરાવાના નાશ બદલ શુભાને વધારાના ત્રણ વર્ષની સજા થઈ. એ બધા હાઈકોર્ટમાં ગયા. ૨૫-૭-૨૦૧૦ કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો માન્ય રાખ્યો અને શુભાની જામીન અરજી ફગાવી દીધી.અંતે, તારીખ ૧૧-૮-૨૦૧૪ ના દિવસે શુભાને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા!
એ સમયે આખા કર્ણાટકમાં ચકચાર જગાવનાર આ કેસમાં મારી દ્રષ્ટિએ ત્રણ મુદ્દા : શુભાના પિતાને દીકરીના લફરાની ખબર હતી, એમણે લગ્ન માટે ઉતાવળ કરવાની જરૂર નહોતી. (બે) શુભાએ નિખાલસતાથી જો પોતાના પ્રેમની વાત ગિરીશને કહીને સગાઈની ના પાડી હોત, તો સરળ સ્વભાવનો ગિરીશ સગાઈની ના પાડી દેત.(૩) સગાઈના સમયે શુભાની બોડી લેંગ્વેજ જે પોલીસના ધ્યાનમાં આવી, એ અતિ ઉત્સાહમાં ભોળિયા ગિરીશને ધ્યાનમાં ના આવી!
સોનમની કથા પરથી કોઈ નિર્માતા ફિલ્મ બનાવશે કે નહીં, એની ખબર નથી, પરંતુ કર્ણાટકમાં તમામ મહિલા ફિલ્મમેકર્સની ટીમે ૨૦૧૫ માં આ કથાના આધારે ''રિંગ રોડ'' નામની કન્નડ ફિલ્મ બનાવેલી અને એ હીટ ગયેલી!