યુવતીઓના ભેદી સંજોગોમાં મોતની ઘટનાઓ વધતી ગઈ છે
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- સખીઓએ એવી માહિતી આપેલી કે કોઈ ચેતન નામનો છોકરો વંશિકાને મળવા માટે ઘણી વાર આવતો હતો. એ ચેતન જ વંશિકાને લેવા આવેલો અને વંશિકા એની સાથે જ ગઈ છે!
- મનિષા ટીચર -ભિવાની
- જનઆક્રોશ ભિવાની
- વંશિકા
- વંશિકાની માતા જ્યોતિ
આ શાસ્પદ યુવતીનું અકળ પરિસ્થિતિમાં મૃત્યુ થાય, અને પોલીસ તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી ના થાય ત્યારે પરિવાર અને સમાજના લોકોનો આક્રોશ ફાટી નીકળે છે. અત્યારે એક સાથે બે રાજ્યમાં આવી ઘટનાને લીધે વાતાવરણ તંગ છે.
પહેલા વાત કરીએ ભિવાની- હરિયાણાની. ઢાણી લક્ષ્મણ ગામની ઓગણીસ વર્ષની મનિષા પ્લે સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. તારીખ ૧૧-૮-૨૦૨૫ ના દિવસે સવારે સ્કૂલે જતી વખતે એણે પિતાને કહ્યું કે નર્સિંગ સ્કૂલમાં પ્રવેશ માટે જવાની છું, એટલે થોડું મોડું થશે. મનિષા રાત સુધી પાછી ના આવી એટલે પિતા લોહારૂ પોલીસસ્ટેશન ગયા. રૂપાળી મનિષાનો ફોટો જોઈને સહેજ પણ ગંભીરતા વગર પોલીસ સ્ટેશનમાંથી જવાબ મળ્યો કે ચિંતા ના કરો, દીકરી ભાગી ગઈ હશે, લગ્ન કરીને પાછી આવી જશે! માત્ર લખવા ખાતર ફરિયાદ લખીને પોલીસે કોઈ તપાસ ના કરી. તારીખ ૧૩-૮-૨૦૨૫ના દિવસે સિંધાણી ગામના ખેતરમાંથી મનિષાની લાશ મળી! ભિવાની હોસ્પિટલમાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું. ગરદન ઉપર ઈજાના નિશાન હતા. રિપોર્ટમાં આવ્યું કે ગળું દબાવીને મનિષાની હત્યા કરવામાં આવી છે! લાશ સ્વીકારવાનો ઈન્કાર કરીને પરિવારે ધરણાં શરૂ કર્યા અને આખું ગામ તેમાં જોડાયું. પ્રચંડ વિરોધના રાજકીય પડઘા પડયા. જિલ્લાના S.P ની ટ્રાન્સફર કરવામાં આવી અને લોહારૂ પોલીસસ્ટેશનના પાંચ પોલીસકર્મીને લાપરવાહી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા. તારીખ ૧૮-૮-૨૦૨૫ ના દિવસે પોલીસે ધડાકો કર્યો કે જંતુનાશક દવા પીને મનિષાએ આત્મહત્યા કરી છે! હવે તો પરિવારનો અને આખા ગામનો વિરોધ ખૂબ ઉગ્ર બન્યો. લાશને રોહતકની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાં ફરી વાર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. એ રિપોર્ટમાં જણાવાયું કે પેટમાંથી જંતુનાશક દવાના અંશો મળ્યા છે! પ્રચંડ જનઆક્રોશ વચ્ચે પરિવારે માગણી કરી કે આ કેસની તપાસ CBI ને સોંપવામાં આવે અને ફાઈનલ ત્રીજી વાર પોસ્ટમોર્ટમ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં કરાવો-એ પછી અમે લાશ સ્વીકારીશું.
સરકારે આ માગણી સ્વીકારી. કેસની તપાસ CBI એ સંભાળી લીધી છે. એઈમ્સમાં પોસ્ટમોર્ટમ પછી પરિવારે લાશ સ્વીકારી અને હત્યાના આઠ દિવસ પછી તારીખ ૨૧-૮-૨૦૨૫ ના દિવસે વતનમાં હજારો લોકોની હાજરીમાં મનિષાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે પણ વાતાવરણ તંગ હોવાથી પોલીસ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સના જવાનો પણ બંદોબસ્તમાં હતા. ભીડ એટલી બધી હતી કે સ્મશાનયાત્રાના માર્ગને જેસીબી મશીનોથી પહોળો કરવામાં આવેલો!
ઢાલની બીજી બાજુની જેમ એક મહિલા પત્રકારે ખણખોદ કરીને એવી જાણકારી મેળવી છે કે મનિષાને એક સત્તર વર્ષના કિશોર સાથે પ્રેમ હતો. એ બંને લગ્ન કરવા પણ માગતા હતા. મનિષાના પિતા અને મામાને ગયા મહિને આ વાતની ખબર પડી ગયેલી, ત્યારથી મનિષાને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. એ મારઝૂડથી કંટાળીને મનિષાએ આત્મહત્યા કરી હશે!
બીજી ઘટના કર્ણાટક રાજ્યના ચિત્રદુર્ગ જિલ્લાની છે. હીરીયુર તાલુકાના કોવેરહત્તી ગામમાં રહેતા ટિપ્પેસ્વામી અને એમની પત્ની જ્યોતિને એક માત્ર સંતાન એટલે ઓગણીસ વર્ષની વંશિકા ઉર્ફે વર્ષિતા. એકની એક દીકરીને જ્યોતિએ ખૂબ લાડપ્યારથી ઉછેરી હતી. ગામમાં સ્કૂલનો અભ્યાસ પતી ગયો, એ પછી દીકરી વંશિકા સારી રીતે આગળ અભ્યાસ કરી શકે એ માટે મા-બાપે એને ચિત્રદુર્ગની સરકારી મહિલા કૉલેજમાં પ્રવેશ અપાવેલો હતો. ચિત્રદુર્ગની સરકારી SC/STમહિલા હોસ્ટેલમાં રહીને વંશિકા એસ.વાય.બી.એ. માં અભ્યાસ કરતી હતી. બે-ત્રણ મહિને એક વાર હોસ્ટેલના વોર્ડનની રજા લઈને વંશિકા મા-બાપને મળવા માટે ગામડે જતી હતી.
તારીખ ૧૪-૮-૨૦૨૫ ના દિવસે વંશિકાએ વોર્ડન પાસે જઈને ગામડે જવા માટે એક અઠવાડિયાની રજા માગી. વોર્ડનને ખાતરી કરાવવા માટે ત્યાં ઑફિસમાં ઊભા રહીને જ એણે માતાને ફોન કરી દીધો કે હું ઘેર આવું છું.
ટિપ્પેસ્વામી અને જ્યોતિ તો દીકરીની રાહ જોઈને બેઠા હતા, પણ મોડી રાત સુધી વંશિકા આવી નહીં. એનો મોબાઈલ પણ સ્વીચઑફ આવતો હતો એટલે મા-બાપને ચિંતા થઈ. બીજા દિવસે એ બંને આઈમંગલા પોલીસસ્ટેશન ગયા અને દીકરી ગૂમ થયાની ફરિયાદ નોંધાવી. ટિપ્પેસ્વામી રોજ પોલીસસ્ટેશને ધક્કા ખાતો હતો. પોલીસે ફોન કરીને ચિત્રદુર્ગની મહિલા હોસ્ટેલમાંથી જાણકારી મેળવવા પ્રયત્ન કરેલો. ત્યાંના વોર્ડને હોસ્ટેલમાં રહેતી વંશિકાની પરિચિત છોકરીઓને બોલાવીને પૂછેલું, ત્યારે એ સખીઓએ એવી માહિતી આપેલી કે કોઈ ચેતન નામનો છોકરો વંશિકાને મળવા માટે ઘણી વાર આવતો હતો. એ ચેતન જ વંશિકાને લેવા આવેલો અને વંશિકા એની સાથે જ ગઈ છે!
વંશિકાના માતા-પિતા માટે ચેતનનું નામ અજાણ્યું નહોતું. વંશિકાનો એ જિગરી દોસ્તાર છે અને ચિત્રદુર્ગના ગંગાવતી કોપ્પલ વિસ્તારમાં આવેલી એક મલ્ટિ નેટવર્કિંગ ફર્મમાં એ નોકરી કરે છે. એ બંનેને એકબીજા માટે ઘનિષ્ટ લાગણી છે, એની પણ જ્યોતિને ખબર હતી. એ છતાં, ઘેર આવવાનું કહીને વંશિકા ચેતનની સાથે કેમ ગઈ હશે? ક્યાં ગઈ હશે? એ જ્યોતિને સમજાતું નહોતું એટલે એ ચિંતામાં ડૂબી ગઈ હતી.
નેશનલ હાઈવે નંબર ૪૮ માં બેંગલોર અને દાવણગેરેની વચ્ચે ચિત્રદુર્ગ આવેલું છે. સતત વાહનોથી ધમધમતા રહેતા આ હાઈવે પર હોટલો આવેલી છે. તારીખ ૧૯-૮-૨૦૨૫ ના બપોરે બે યુવાનોએ કાફી પીવા હોટલ પાસે કાર ઊભી રાખી. એ પછી પેશાબ કરવા માટે હાઈવે ક્રોસ કરીને સામેના ખેતર તરફ ગયા ત્યારે એ ચોંકી ઉઠયા. અર્ધી બળેલી હાલતમાં યુવતીની લાશ જોઈને એમણે હોટલના માલિકને જાણ કરી. હોટલવાળાએ તરત ચિત્રદુર્ગ પોલીસને જાણ કરી એટલે S.P. સહિત પોલીસની આખી ટીમ ત્યાં આવી ગઈ. લાશના જમણા હાથના કાંડા પર S.P. લખેલું ટેટુ હતું. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે ગળું દબાવીને હત્યા કર્યા પછી લાશને સળગાવી દેવામાં આવી છે. આ યુવતી આઠ માસની ગર્ભવતી હતી. ચિત્રદુર્ગ પોલીસે જિલ્લાના તમામ પોલીસસ્ટેશનને જાણ કરી કે અઢાર-વીસ વર્ષની યુવતી ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હોય એ તમામ મા-બાપને આ જાણ કરીને ઓળખ માટે ચિત્રદુર્ગ મોકલો.
વંશિકાના માતા-પિતા દોડી આવ્યા અને પોતાની વહાલસોયી દીકરીની લાશ જોઈને ભાંગી પડયા. 'ત્રણ દિવસ પહેલા વંશિકાને શોધવા અમે હોસ્ટેલમાં તપાસ કરેલી, ત્યારે ખબર પડેલી કે એને ચેતન લઈ ગયો છે, અને આજે અમારું બદનસીબ તો જુઓ! દીકરીની અડધી બળેલી લાશ અમને મળી!' આટલું કહીને પિતા ધૂ્રસકે ધૂ્રસકે રડી પડયા.
જ્યાં સુધી હત્યારો નહીં પકડાય ત્યાં સુધી અમે લાશને નહીં લઈએ..એમ કહીને વંશિકાના મા-બાપ અને એમની સાથે આવેલા ગામલોકોએ જિલ્લા હોસ્પિટલ સામે રસ્તા પર ધરણાં શરૂ કર્યા. એમણે તો એવી પણ માગણી કરી કે ચેતન ઉપરાંત એના મા-બાપને પણ પકડી લાવો!
દલિત વિદ્યાર્થિનીની આવી ક્રૂર રીતે હત્યા થઈ હતી એટલે જુદા જુદા દલિત સંગઠનો પણ ત્યાં આવી ગયા અને ઉગ્ર દેખાવો કર્યા.
ABVP મા નેતાઓએ આંબેડકર ચોકથી વિરાટ રેલીનું આયોજન કર્યું અને આખા શહેરનું વાતાવરણ તંગ બની ગયું હતું.
તારીખ ૨૧-૮-૨૦૨૫ ની સાંજે - ચેતનની ધરપકડ કર્યા પછી જિલ્લાના પોલીસ વડા રણજીત બંડારૂએ પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર જાણકારી આપી.
દસ મહિના અગાઉ ચેતન અને વંશિકાનો પરિચય ઈન્સ્ટાગ્રામ મારફતે થયો હતો. ચેતન મલ્ટિ નેટવર્કિંગ ફર્મમાં નોકરી કરતો હતો અને એણે વંશિકાને કહ્યું હતું કે હું તને અમારી કંપનીમાં જ નોકરી અપાવી દઈશ. એ બંને વચ્ચેના સંબંધો ખૂબ અંગત કક્ષાએ પહોંચી ગયા હતા. બંને લગ્ન માટે પણ ઉત્સુક હતા. એમના આ પ્રેમ પ્રકરણની વંશિકાના પરિવારને પણ જાણ હતી.
સોચા થા ક્યા, ક્યા હો ગયા! જેવું એમની પ્રેમકથામાં બન્યું. ચેતનને તાવ રહેતો હતો અને થાક લાગતો હતો. ડૉક્ટરની સલાહ મુજબ માર્ચ, ૨૦૨૫ માં એણે મેડિકલ ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે એને ત્રીજા સ્ટેજનું કેન્સર છે! આ સમાચાર જાણીને વંશિકા ભડકી ગઈ. એણે પોતાનો અલગ રસ્તો વિચારી લીધો અને ચેતનથી એ દૂર થઈ ગઈ. અલબત્ત, ચેતનનું સંતાન પોતાના પેટમાં ઉછરી રહ્યું છે, એનું એને ભાન હતું, એ છતાં એણે આવો નિર્ણય કેમ કર્યો હશે એ સવાલનો કોઈ જવાબ અમને જડતો નથી.
ચેતનને છોડી દીધા પછી વંશિકાએ એક બીજા યુવક સાથે દોસ્તી કરી લીધી હતી. આ વાતની ચેતનને જાણ થયા પછી એ ધૂંધવાયો હતો. વંશિકાની પ્રેગ્નન્સીની જાણ વંશિકાની માસીને હતી. તારીખ ૧૭-૮-૨૦૨૫ ના દિવસે એમણે ચેતનને ફોન કરીને કહ્યું હતું કે ચેતન, વંશિકાના પેટમાં તારું બાળક છે, તમે બંને જલ્દી લગ્ન કરી લો! એમણે જે કહ્યું એ સાંભળ્યા પછી ચેતને આ પાર કે પેલે પારનો નિર્ણય કરી લીધો હતો.
ચૌદમી તારીખે એ હોસ્ટેલ પર ગયો હતો અને વંશિકા એની સાથે જ હોસ્ટેલમાંથી બહાર નીકળી હતી. બે કલાક પછી બંને છૂટા પડયા હતા અને એ પછી વંશિકા ક્યાં ગઈ હતી એની કોઈ જાણકારી મળી નથી. માસીનો ફોન આવ્યા પછી ચેતને વંશિકાને ખતમ કરી નાખવાનો પ્લાન બનાવી લીધો. હાઈવેના સર્વિસ રોડ પાસે ગોનારમાં સૂમસામ જગ્યા એણે જોયેલી હતી. એણે વંશિકાને ફોન કરીને ત્યાં મળવા બોલાવી. વંશિકા ત્યાં આવી. મારી માંદગીની જાણ થયા પછી તેં મને તરછોડીને બીજો યાર પણ શોધી લીધો? એમ કહીને ચેતને ઝઘડાની શરૂઆત કરી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ચેતને વંશિકા ઉપર હુમલો કર્યો અને એની ગરદન ભીંસી નાખી. પાંચેક મિનિટ તરફડીને વંશિકાના શ્વાસ અટકી ગયા. કોઈ પુરાવો ના રહે એ માટે ચેતન પૂરી તૈયારી કરીને આવ્યો હતો. કેરબો ભરીને પેટ્રોલ પણ એ સાથે લાવ્યો હતો. લાશ પર પેટ્રોલ છાંટીને એણે આગ તો લગાવી, પણ થોડી વારમાં જ વરસાદ તૂટી પડયો એટલે લાશ પૂરેપૂરી સળગી નહીં. પ્રેસ કોન્ફરન્સમાં છેલ્લે એસ.પી. રણજીત બંડારૂએ કહ્યું કે ચેતને ગુનો કબૂલી લીધો છે. એ થર્ડ સ્ટેજના કેન્સરનો પેશન્ટ છે, એવું એણે કહ્યું છે, એટલે અમે હોસ્પિટલમાંથી એના પેપર્સ મંગાવ્યા છે.
આ તરફ આંદોલન હજુ ઉગ્ર જ હતું. દલિત સંગઠનો અને વિદ્યાર્થી સંગઠને માગણી કરી હતી કે જિલ્લાના મંત્રી અહીં આવીને ખુલાસો કરે. જિલ્લાના મંત્રી ડી. સુધાકરે તારીખ ૨૭-૮-૨૦૨૫ ના દિવસે કલેક્ટર ઑફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું કે ઝડપી તપાસ કરાવીને ગુનેગારને આકરી સજા અપાવવામાં આવશે. એમણે વંશિકાના મા-બાપને આર્થિક રાહત માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો અને આશ્વાસન આપીને કહ્યું કે વધારાની રાહત માટે હું મુખ્યમંત્રીને વાત કરીશ.
હરિયાણાની મનિષા અને કર્ણાટકની વંશિકા- આ બે કેસ તો જાહેર થયા અને ચર્ચાસ્પદ બન્યા, બાકી આવી તો અનેક અભાગણી કન્યાઓના જીવતર રોળાઈ જતા હશે અને એને પ્રસિદ્ધિ નહીં મળતી હોય!