ભોળા ગરીબ મજૂરને કોઈ શા માટે મારે?
- ક્રાઈમવૉચ- મહેશ યાજ્ઞિાક
- 'સાહેબ, છેલ્લા પંદર દિવસથી એ હિંમત હારી ગયા હતા. રોજ આ છોકરાને ખોળામાં બેસાડીને એકાદ કલાક વહાલ કરે, એની સાથે કાલીઘેલી વાતો કરે અને પછી સાઈકલ લઈને નીકળી જાય
'વ્યા સકાકા, હવે તો ગણીને એકવીસ દિવસ જ રહ્યા. રિટાયર થઈને આખો દિવસ શું કરશો?' કોન્સ્ટેબલ તખુભાએ હસીને પૂછયું. 'તમે તો કર્મયોગી છો. ઘરમાં બેસી રહેવાનું કઈ રીતે ગમશે?'
રોજ સવારે દસ વાગ્યે ચા આવે ત્યારે બધાએ સિનિયર ઈન્સ્પેક્ટરની ચેમ્બરમાં ભેગા થઈને સાથે ચા પીવાનો રિવાજ હતો. સિનિયર ઈન્સ્પેક્ટરને કોઈ વ્યાસસાહેબ નહોતું કહેતું. પૂરા આદર સાથે આત્મીયતાથી બધા એમને વ્યાસકાકા જ કહેતા હતા. છ ફૂટ બે ઈંચ ઊંચાઈ, ઉઘડતો ઘઉંવર્ણો રંગ અને સામેના માણસની આરપાર જોઈ શકે એવી પાણીદાર આંખો. અઠ્ઠાવન વર્ષની ઉંમરે પણ શરીર પર લેશમાત્ર ચરબી નહીં, પ્રતિભાશાળી વ્યક્તિત્વ એવું કે યુનિફોર્મમાં ના હોય તો પણ ખ્યાલ આવી જાય કે આ મિલેટ્રી કે પોલીસના અધિકારી હશે.
'અલ્યા, ઘેર બેસી રહેવાનો છું એવું કોણે કહ્યું? આખું ભારત જોવાનું બાકી છે. એટલે તો એક વર્ષના એક્સટેન્શન માટે સરકારે પૂછાવેલું તોય ના પાડી દીધી. આડત્રીસ વર્ષની નોકરીમાં આ વર્દીને એકેય ડાઘ પડવા નથી દીધો. બહુ ખુમારીથી નોકરી કરી છે. ઈશ્વરની દયાથી દીકરી સાસરે સુખી છે અને દીકરો સારું કમાય છે. તમારા કાકી બે વર્ષ અગાઉ દેવલોક પામ્યા પછી હવે કોઈ બંધન નથી. આ કોરોના થોડોક થંભે એટલે ચાર જોડી કપડાં લઈને નીકળી પડીશ. તબિયત ઘોડા જેવી છે અને કોઈ આથક ઉપાધિ નથી એટલે છેક હિમાલયથી માંડીને કન્યાકુમારી સુધી બધે ફરવાની ઈચ્છા છે. આખા ભારતમાં મારી રીતે રખડવું છે.'
નિવૃત્તિના પોતાના આયોજન વિશે વ્યાસકાકા આગળ કંઈ બોલે એ અગાઉ કાખમાં બે વર્ષના દીકરાને તેડીને ત્રીસેક વર્ષની સ્ત્રી રડતી રડતી ચેમ્બરમાં ધસી આવી એટલે બધા એની સામે તાકી રહ્યા. સાક્ષાત્ ગરીબીની મૂત જેવી એ યુવતીએ માસ્કની જગ્યાએ જૂનો કપડાનો ટૂકડો બાંધ્યો હતો એ અંદર આવીને કાઢી નાખ્યો.
'બેસ, બહેન,બેસ. શું તકલીફ છે?' સામેની ખુરસી તરફ ઈશારો કરીને વ્યાસકાકાએ એને ધરપત આપી. એક કોન્સ્ટેબલે પાણીનો ગ્લાસ એની સામે મૂક્યો. વ્યાસકાકાની તાલીમથી આ પોલીસ સ્ટેશનનું વાતાવરણ બીજાથી અલગ હતું.
સીતા નામની એ ગરીબડીએ ધ્રૂજતા અવાજે બોલવાનું શરૂ કર્યું.
હરિપુરા હાઉસિંગના રૂમ-રસોડાના મકાનમાં એ લોકો ભાડે રહે છે. એનો પતિ જયંતી કલરકામનો કારીગર છે. લોકડાઉનમાં રોજ ઉપર જવાનું બંધ થઈ ગયું હતું. ઘરમાં બચતના નામે કુલ દોઢસો રૂપિયા હતા. એ પછી લોકડાઉન લંબાતું ગયું અને દેવું વધતું ગયું. ઘરનું ભાડું અને બે ટાઈમ રોટલી-શાક સિવાય બીજો કોઈ ખર્ચ નહોતો પરંતુ એટલા પૈસાય લાવવા ક્યાંથી?
ગરીબીની વ્યથા વર્ણવીને સીતા સહેજ વાર અટકી. પાણીના ગ્લાસમાંથી બે ઘૂંટડા ભરીને એણે આગળ કહ્યું. 'સાહેબ, છેલ્લા પંદર દિવસથી એ હિંમત હારી ગયા હતા. રોજ આ છોકરાને ખોળામાં બેસાડીને એકાદ કલાક વહાલ કરે, એની સાથે કાલીઘેલી વાતો કરે અને પછી સાઈકલ લઈને નીકળી જાય. સાંજે ઘેર આવે ત્યારે આંખમાં ઝળઝળિયાં સાથે અમારી સામે તાકી રહે. પછી મૂઢની જેમ ગૂમસૂમ બેસી રહે. હું પૂછું કે તમને આ શું થઈ ગયું છે? તો કશો જવાબ ના આપે. પાંચ દિવસ પછી આ છોકરાના સોગન આપીને પૂછયું ત્યારે એ ભાંગી પડયા. કબૂલ કર્યું કે રોજ આપઘાતના જ વિચાર આવતા હતા. સાઈકલ લઈને છેક ગાંધીનગરના રસ્તે કેનાલ ઉપર જઈને બેસતો હતો.
ધસમસતું પાણી જોઈને કૂદવાનો વિચાર આવે, પણ એ જ વખતે તમારા બંનેના મોઢા આંખ સામે તરવરી ઉઠે અને વિચાર બદલાઈ જાય! સાહેબ, આટલું બોલ્યા પછી અમને મા-દીકરાને બાથમાં ભરીને એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા. એ પછી બે દિવસ ઘરમાં બેસી રહ્યા ત્યારે મને નિરાંત થયેલી. પણ પાછા એ સાઈકલ લઈને સવારથી જ નીકળી ગયા. આવું ત્રણ-ચાર દિવસ ચાલ્યું. જરાયે ખોટું નહીં બોલું, સાહેબ, એ આવે નહીં ત્યાં સુધી ભૂખી-તરસી બેસી રહેતી હતી. ચાર દિવસ પહેલા સવારના ગયેલા તો સાંજે ચારેક વાગ્યે પાછા આવ્યા ત્યારે કોણ જાણે કેમ એ ખુશખુશાલ હતા. હું એમની સામે તાકી રહી એટલે મને કહે કે ઉપરવાળાએ અંતે આપણી સામે જોયું ખરું! બે-ચાર દિવસમાં પૈસાની જોગવાઈ થઈ જશે. એ પછી કોઈ ઉપાધિ નહીં રહે.'
એ લગીર અટકી. ભીની આંખે વ્યાસકાકા સામે જોઈને એણે ધ્રૂજતા અવાજે આગળ બોલવાનું શરૂ કર્યું. 'ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે સાઈકલ લઈને નીકળ્યા ત્યારે એમના મોઢા ઉપર જરાયે ભાર નહોતો. જતી વખતે મને કહે કે આઠ-નવ વાગ્યા સુધીમાં આવી જઈશ. બસ, એ ગયા એ ગયા.. હજુ સુધી પાછા આવ્યા નથી!'
અત્યાર સુધી રોકી રાખેલા આંસુ એક સાથે ધસી આવ્યાં. એ રડતી હતી. એની પાસે મૂકેલો પાણીનો ગ્લાસ ખાલી થઈ ચૂક્યો હતો. એક કોન્સ્ટેબલે એ પાછો ભરીને મૂકી દીધો. એને રડતી જોઈને દીકરાએ પણ રડવાનું શરૂ કરી દીધું. માતાએ પાણીનો ગ્લાસ લઈને એને પાણી પીવડાવીને શાંત કર્યો.
'એમનો કોઈ ફોટો છે તમારી પાસે?' સબ ઈન્સ્પેક્ટર સતીશે હળવેથી પૂછયું.
એની સામે હકારમાં માથું હલાવીને સીતાએ પાછું વ્યાસકાકા સામે જોયું. 'સાહેબ, મને તો એવું લાગે છે કે અમને રાજી કરવા એમણે રમત કરી હશે. મુશ્કેલી ટળી ગઈ છે ને પૈસા આવવાના છે એવી વાત એમણે ઉપજાવી કાઢી હશે. અમે એમને રોકીએ નહીં એટલે આવી ધરપત આપીને અમને થોડાક દિવસ ખુશ રાખીને કાલે જતા રહ્યા. હવે એમને કઈ રીતે શોધવા? એ ક્યાં ગયા હશે?' એના અવાજની પીડા વધુ ઘેરી બની. 'અહીં અમારું કોઈ સગું-વહાલું નથી, સાહેબ, પાડોશીઓ સારા છે, પણ એમની દશાય અમારા જેવી જ છે. ઘરમાં પાંચ રૂપિયાય નથી. એમના વગર આ છોકરાને લઈને મારે શું કરવાનું? કોના આશરે જવાનું?'
'જો બહેન, દુનિયામાં જેનું કોઈ ના હોય એને ઈશ્વરનો સહારો તો મળી જ રહે છે.' વ્યાસકાકાએ એને ધરપત આપી. 'નાનું છોકરું ખોવાયું હોય તો એને શોધવાનું સહેલું છે પણ પાંત્રીસ વર્ષનો પુરુષ પોતાની જાતે ઘર છોડીને જતો રહ્યો હોય ત્યારે એનો પત્તો મેળવવામાં મુશ્કેલી પડે. એ છતાં, અમારી રીતે તપાસ કરીશું. તમે આ રાઈટરસાહેબની પાસે બેસીને એ પૂછે એના જવાબ આપજો અને ફોટો લાવ્યા છોને સાથે?'
સીતાએ કપડાની થેલીમાંથી એક પરબીડિયું કાઢયું. એમાંથી ફોટો બહાર કાઢીને લંબાવ્યો.
'કોઈની સાથે દુશ્મનાવટ કે ઝઘડો થયેલો? એમના ભાઈબંધોને પૂછયું? કોઈ બંધાણ હતું એમને? દારૂ, જુગાર, વરલીમટકા કે ચરસ જેવી કોઈ આદત હતી એમને?' સીતાનું નામ, સરનામું, ઉમર અને બીજી વિગતો લખીને રાઈટરે રૂટિન સવાલો પૂછયા.
'બધા સાથે પ્રેમથી બોલે. બાકી, એ ભલા ને એમનું કામ ભલું. બે ટાઈમ રોટલા ને ચા સિવાય કોઈ ટેવ એમને નહોતી. ચૂના જોડે મસળીને તમાકુ ખાવાની ટેવ હતી. પણ આ લોકડાઉનમાં તો તમાકુ મોંઘી થઈ ગઈ એટલે એ બંધાણ પણ છોડી દીધેલું. એમનો સ્વભાવ ગાય જેવો. જતું કરે પણ ઝઘડો ના કરે..' આટલું બોલીને એ રડી પડી.
ફરિયાદ નોંધાઈ ગઈ એ પછી રાઈટરે સાંત્વના આપી કે ચિંતા ના કરો. અમે પૂરી તપાસ કરીશું. એની સામે હાથ જોડીને સીતા ઊભી થઈ. છેલ્લે ફરીથી મોટા સાહેબને મળીને કરગરવા માટે એ પાછી ચેમ્બરમાં ગઈ. એ વખતે કોઈ વેપારી વ્યાસકાકાની સામે બેઠો હતો. આવતા અઠવાડિયે એની દીકરીના લગ્ન હતા તો એ માટે શું કરવું એની સલાહ લેવા એ આવ્યો હતો.
અંદર જઈને સીતાએ બે હાથ જોડીને ઝૂકીને વ્યાસકાકાને વંદન કર્યા. 'સાહેબ, એમને હેમખેમ પાછા લાવી આપો. જિંદગીભર તમારી ઓશિયાળી રહીશ. આખી દુનિયામાં અમારું કોઈ નથી, મોટા સાહેબ! આ અભાગણી ઉપર એટલો ઉપકાર કરશો તો જીવીશ ત્યાં સુધી ભગવાન માનીને તમારી પૂજા કરીશ.'
ઘરમાં પાંચ રૂપિયા પણ નથી એવું સીતાએ કહેલું એ વ્યાસકાકાને યાદ હતું. 'પટેલભાઈ, એક પાંચસો રૂપિયા આ બહેનને આપો.' એમણે કહ્યું કે તરત પેલાએ ખિસ્સામાંથી કાઢીને પાંચસોની નોટ સીતા સામે લંબાવી. અવઢવમાં ડૂબેલી સીતા વારાફરતી એ ભાઈ અને વ્યાસકાકા સામે તાકી રહી.
'લઈ લે, બેટા, લઈ લે. અત્યારે તારે જરૂર છે અને આ શેઠને કંઈ અડે એવું નથી.' વ્યાસકાકાએ સહાનુભૂતિથી સમજાવ્યું. 'જયંતીલાલ જડે નહીં ત્યાં સુધી તમારે મા-દીકરાને કંઈક ખાવા તો જોઈશેને?'
સીતાએ પૈસા લીધા. બંનેની સામે હાથ જોડીને એ ધીમા પગલે રવાના થઈ ગઈ. 'તમારી પાસે પરાણે પુણ્ય કરાવ્યું પણ એ બાઈના આશીર્વાદ તમારી દીકરીને મળશે એ મારી ગેરંટી.'
'વ્યાસસાહેબ, તમારા માટે એટલું માન છે કે તમે કહો ત્યાં આંખ મીંચીને પચાસ હજાર આપવામાં પણ મને કોઈ વાંધો નથી.' આટલું કહીને એ મુદ્દાની વાત પર આવ્યો. 'સાહેબ, જાનમાં તો વીસ માણસ જ આવશે. ત્રીસેક અમારા ફેમિલી મેમ્બર છે એટલે ત્યાં સુધી વાંધો નહીં આવે, પણ મોટો પ્રોબ્લેમ પાડોશીઓનો છે. બારેય બંગલામાં બધાયના ઘેર આપણે જમી આવ્યા હોઈએ અને આપણે ત્યાં પહેલો પ્રસંગ હોય એમાં ના બોલાવીએ તો કેવું લાગે?'
'તમારી વાત સમજું છું. પચાસને બદલે બે-ત્રણ વધે ત્યાં સુધી વાંધો ના આવે પણ પાડોશીઓ આવશે તો ઉપાધિ થશે. દુનિયામાં બધા આપણા હિતેચ્છુ નથી હોતા. કોઈક વિઘ્નસંતોષી ફોન કરે તો લોચો થઈ જાય.' સહેજ વિચારીને એમણે રસ્તો બતાવ્યો. 'એક મેરેજમાં ગયેલો ત્યાં એ મિત્રે અઢીસો માણસની રસોઈ બનાવડાવેલી. ડાઈનિંગ હૉલવાળા પાસે આઠ ખાનાવાળા મોટા ફેમિલી ટિફિન અત્યારે નવરા જ પડયા છે એ મંગાવી લીધેલા. એ ભરાવીને પાડોશીઓને મોકલાવી આપેલા. એ મિત્રને કહીને બાર-પંદર ટિફિન મંગાવી આપીશ.બધા પાડોશીને ત્યાં રૂબરૂ જઈને મજબૂરી સમજાવી દેવાની ને લગ્નના દિવસે ટિફિન ભરચક ભરીને એમના ઘેર પહોંચાડી દેવાનું. બધા માટે જમણવાર ખરો, પણ પોતપોતાના ઘરમાં! એ લોકો પણ રાજી અને આપણે કોઈ ઉચાટ નહીં.'
એ ભાઈને આ સલાહ ગમી. ચા પીને એમણે વિદાય લીધી.
લગભગ દોઢ કલાક પછી સબ ઈન્સ્પેક્ટર સતીશ ચેમ્બરમાં આવ્યો.
'વ્યાસકાકા, પેલા બહેનને મનમાં ફફડાટ હતો કે એનો પતિ આત્મહત્યા કરવાનું વિચારે છે. આપઘાત કરવા માટે જ એ ઘેરથી જતો રહ્યો છે એવું એ માને છે. પણ આમાં તો મામલો સિરિયસ છે..'
એ આવું બોલ્યો એટલે વ્યાસકાકા પ્રશ્નાર્થ નજરે એની સામે તાકી રહ્યા.
'જે ન્યૂઝ મળ્યા એના પરથી કંઈક ગરબડ લાગે છે. સવારે નવ વાગ્યે ગાંધીનગર હાઈવે પાસે કેનલના કાંઠેથી પોલીસને એક લાશ તો મળી છે,પરંતુ કેસ આત્મહત્યાનો નથી. પાંત્રીસેક વર્ષના પુરુષના માથામાં વજનદાર પથ્થર મારીને કોઈએ એની હત્યા કરી છે! જાણ થઈ કે તરત ત્યાં રાઠોડસાહેબને ફોન કર્યો અને વોટસેપથી ફોટો મંગાવી લીધો. લાશનું માથું છૂંદાયેલું છે એ છતાં આપણી પાસે જે ફોટો છે એની સાથે મળતો આવે છે. જયંતીલાલના ફોટામાં ગળામાં કાળા દોરામાં માદળિયું પહેરેલું દેખાય છે, એવું જ માદળિયું લાશના ગળામાં પણ દેખાય છે.'
સતીશે જયંતીનો ફોટો વ્યાસકાકાના ટેબલ પર મૂક્યો અને પોતાના મોબાઈલના સ્ક્રીન પર દેખાતો ફોટો પણ બાજુમાં મૂક્યો.આંખો ઝીણી કરીને વ્યાસકાકાએ એ બંને ફોટાનું નિરીક્ષણ કર્યું.પછી સતીશ સામે જોયું. 'યુ આર રાઈટ, સતીશ, પહેલી નજરે તો આ લાશ જયંતીની જ હોય એવું લાગે છે.'
સહેજ વિચારીને એમણે કહ્યું. 'ડેડબોડી અત્યારે ક્યાં છે એ ખાતરી કરીને પેલી બહેનને જીપમાં ત્યાં લઈ જાવ. એને તો એક્સિડન્ટ થયો છે એવું જ કહેજો. એને એકલીને ના લઈ જતા. એક વાર એ લાશ જોશે એ પછી કન્ટ્રોલ કરવામાં મુશ્કેલી પડશે. ખાનગીમાં સાચી વાત કહીને પાડોશની બીજી એકાદ-બે બહેનોને પણ સાથે લઈ જજો.'
'જી.' કહીને સતીશ ચેમ્બરમાંથી બહાર નીકળ્યો અને કોન્સ્ટેબલ નાથુસિંગને જીપ સ્ટાર્ટ કરવાની સૂચના આપી.
દોઢ કલાક પછી સતીશનો ફોન આવ્યો. 'વ્યાસકાકા, લાશ જયંતીની જ છે. અત્યારે પી.એમ. માટે સિવિલ લાવ્યા છીએ. પાડોશની બે બહેનોને તો હું સીતાની સાથે જ લઈ ગયો હતો. અહીં પાડોશમાંથી પાંચેક પુરુષો પણ આવી ગયા છે. સીતાની દશા તો જોવાય એવી નથી. માથું પછાડીને રડયા જ કરે છે.'
વાત સાંભળીને વ્યાસકાકા પણ ગંભીર બની ગયા હતા. 'એમને ડેડ બોડીનો કબજો મળી જાય એ પછી કંઈ મદદની જરૂર હોય તો પાડોશીઓને પૂછજે. લોકડાઉનમાં એમની દશા પણ દયામણી જ હશે.'
'જી.' સતીશે સંમતિ આપી અને વાત પૂરી કરી.
કાખમાં છોકરું તેડીને કરગરતી એ લાચાર યુવતીનું દ્રશ્ય વ્યાસકાકાની આંખ સામે તરવરી રહ્યું હતું. માથા ઉપરનું આછુંપાતળું છત્ર પણ છિનવાઈ ગયા પછી એ અભાગી સ્ત્રી બાળક સાથે હવે કઈ રીતે જીવશે?
જયંતીનો ફોટો હજુ ટેબલ ઉપર જ પડયો હતો.વ્યાસકાકા એની સામે તાકી રહ્યા. ઘટના વિચિત્ર હતી. રોજ ઉપર રંગકામ કરનાર ગરીબડા જયંતીની આવી ક્રૂર રીતે હત્યા કોણે કરી હશે? એક ગરીબ મજૂરને આવી રીતે મારી નાખવામાં કોને રસ હોય? એ ભોળિયા સાથે આવી દુશ્મનાવટ કોને હશે?
આ બધા પ્રશ્નોમાંથી એકેયનો જવાબ અત્યારે વ્યાસકાકા પાસે નહોતો. આ ખૂનનો તાળો નહીં મેળવું ત્યાં સુધી ચેન નહીં પડે.. એ મનોમન બબડયા.. આ કોયડાનો મારી રીતે ઉકેલ શોધીશ પછી જ મને શાંતિ થશે.
(આવતા બુધવારે પૂરી થશે.)