- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- બારણું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે બધા ચોંકી ઉઠયા. ઓરડાની વચ્ચે લોહીથી લથબથ રૂચિકાની લાશ પડી હતી!
- રૂચિકા અને કુલદી
- રૂચિકા અને ક્રિશ
- મુકેશ પાસવાન
આ જનો આ કિસ્સો વાંચીને આપને લાગશે કે ઘરકામ માટે માણસ રાખતી વખતે ચકાસણી કરવી હિતાવહ છે. જો દુકાન માટે માણસ રાખો અને એની અવરજવર જો ઘરમાં પણ હોય તો એની ચકાસણી કરી લેવી અત્યંત આવશ્યક છે.
શુક્રવાર, તારીખ : ૪-૭-૨૦૨૫, બપોરે ત્રણ વાગ્યે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે પોસ્ટમોર્ટમ રૂમ અને શબઘરની બહાર બેઠેલા કુલદીપ સેવાણી (૪૫ વર્ષ) રડી રહ્યા છે. એમના મિત્રો-સ્વજનો પાસે ઊભા છે, પરંતુ સાંત્વના આપવાથી પણ કુલદીપના આંસુ અટકશે નહીં, એની ખબર હોવાથી એ લોકો ચૂપચાપ ઊભા છે. એક પોલીસ કોન્સ્ટેબલ અંદરથી આવીને બોલપેન અને ત્રણ-ચાર ફોર્મ કુલદીપની સામે ધરે છે. કશું વાંચ્યા વગર પેલો કહે છે ત્યાં કુલદીપ ધૂ્રજતા હાથે સહી કરી આપે છે. પોસ્ટમોર્ટમ પતી ગયું અને થોડી વાર પછી બંને લાશનો કબજો કુલદીપને સોંપવામાં આવ્યો. બીજા મિત્રો સંબંધીઓ પોતપોતાની કાર લઈને લાજપતનગરના એફ બ્લોકમાં કુલદીપ સેવાણીના ઘેર પહોંચ્યા અને કુલદીપ શબવાહિનીમાં બંને લાશની સાથે રડતા રડતા ઘેર આવ્યા. ચોવીસ કલાક અગાઉ કુલદીપનો હર્યોભર્યો પરિવાર હતો. પત્ની રૂચિકા(૪૨ વર્ષ) અને પુત્ર ક્રિશ (૧૪ વર્ષ) ની હવે તો માત્ર સ્મૃતિઓ જ કુલદીપ પાસે બચી હતી.
ઘરથી માંડ એકાદ કિલોમીટર જ દૂર લાજપતનગર સેન્ટ્રલ માર્કેટમાં કુલદીપ સેવાણીની રેડીમેડ ગાર્મેન્ટની દુકાન હતી. એમનો કારોબાર સારો ચાલતો હતો. કુલદીપ સવારે નવથી રાત્રે સાડા આઠ-નવ સુધી દુકાને રહેતો હતો. બપોરે એક વાગ્યે રૂચિકા પણ દુકાને આવી જતી હતી અને સાંજે છ વાગ્યા સુધી રોકાતી હતી. એ દરમ્યાન માર્કેટના કામ માટે કુલદીપ બહાર જઈ શકતો હતો. એ સિવાય દુકાનમાં પાંચ કર્મચારીઓ પણ રાખેલા હતા. કુલદીપના પરિવારમાં એની પત્ની રૂચિકા અને પુત્ર ક્રિશ અહીં લાજપતનગરમાં રહેતા હતા. ક્રિશથી ત્રણ વર્ષ મોટી દીકરી જમ્મુની કાલેજમાં અભ્યાસ કરતી હતી.
તારીખ ૩-૭-૨૦૨૫ સાંજે પાંચ વાગ્યે કુલદીપ ક્રિકેટના મેદાન પર ગયો. ક્રિશ દરરોજ અહીં પ્રેક્ટિસ કરવા આવતો હતો અને પાંચ વાગ્યે એની પ્રેક્ટિસ પતે એટલે કુલદીપ એને લેવા આવે. એને ઘેર મૂકીને કુલદીપ પાછો દુકાને આવ્યો. રોજની જેમ સાંજે છ વાગ્યા એટલે રૂચિકા ઘેર જવા નીકળી અને એણે કુલદીપને કહ્યું કે દાંતમાં ફરીથી દુખાવો ઉપડયો છે, એટલે અહીંથી પહેલા ડેન્ટિસ્ટને ત્યાં જઈશ અને એ પછી ઘેર જઈશ. એક્ટિવા લઈને રૂચિકા નીકળી ગઈ.
એક વેપારીએ રૂચિકાને ચેક આપેલો હતો, અત્યારે એ વેપારીનો ફોન આવ્યો ત્યારે કુલદીપને એ ચેક જડયો નહીં, રૂચિકાએ એ ક્યાં મૂક્યો છે એ જાણવા માટે રાત્રે પોણા આઠ વાગ્યે કુલદીપે રૂચિકાને ફોન કર્યો. ફોન લાગ્યો નહીં એટલે પાંચ મિનિટ પછી કુલદીપે ફરીથી ફોન કર્યો, પણ રૂચિકાએ ઉપાડયો નહીં. રૂચિકા કામમાં હોય ત્યારે આવું તો ઘણી વાર બનતું હતું. એટલે કુલદીપે ક્રિશનો ફોન જોડયો. બે વાર પ્રયત્ન કરવા છતાં ક્રિશે પણ ફોન ઉપાડયો નહીં એટલે કુલદીપને ચિંતા થઈ કે આ મા-દીકરો ફોન કેમ નથી ઉપાડતા? એણે તરત એમના કર્મચારી બદરૂલહસનને કહ્યું કે ઘેર જઈને જુઓ કે એ લોકો ફોન કેમ નથી ઉપાડતા? ઘરના એક ઓરડામાં જ કુલદીપે માલનો સ્ટોક રાખવા ગોડાઉન બનાવ્યું હતું એટલે દરેક કર્મચારી એમના ઘરથી સારી રીતે પરિચિત હતા. બાઈક લઈને બદરૂલહસન ઘેર પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. એણે વારંવાર ડોરબેલ વગાડી, તોય કોઈએ બારણું ના ખોલ્યું એટલે જોરજોરથી બારણું ખખડાવ્યું, તોય ના ખૂલ્યું.બદરૂલહસને ત્યાંથી જ કુલદીપને ફોન કર્યો અને આ બધું કહ્યું. એ સાંભળીને કુલદીપને ચિંતા થઈ. દુકાન બંધ કરીને એ ઘેર આવી ગયો. એણે પણ બેલ વગાડી જોયો અને બારણું ખખડાવી જોયું. અંદરથી કોઈએ બારણું ખોલ્યું નહીં, ફોનનો કોઈ જવાબ નહીં એટલે ચિંતાતુર કુલદીપ કમ્પાઉન્ડમાં મૂકેલી કાર પર ચડી ગયો. ડ્રોઈંગરૂમની બારીનો ઉપરનો થોડો હિસ્સો કાચનો પારદર્શક હતો. કાર ઉપર ઊભા રહીને એણે બારીના એટલા હિસ્સામાંથી અંદર જોયું તો એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું! ડ્રોઈંગરૂમમાં લોહીના ડાઘા જોઈને એ ગભરાઈને નીચે ઊતરી ગયો. ઘરનો દરવાજો તો અંદરથી બંધ હતો. પરસેવે રેબઝેબ કુલદીપે તરત જ પોલીસને ફોન કર્યો.
પોલીસની જીપ થોડી વારમાં જ આવી ગઈ. બારણું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે બધા ચોંકી ઉઠયા. ઓરડાની વચ્ચે લોહીથી લથબથ રૂચિકાની લાશ પડી હતી! હત્યારાએ તીક્ષ્ણ હથિયારથી રૂચિકાની ગરદન એટલી ક્રૂરતાથી કાપી હતી કે માત્ર એક હાડકાના આધારે જ મસ્તક જોડાયેલું રહ્યું હતું. લોહીના લિસોટાના આધારે પોલીસ આગળ વધીને બાથરૂમ સુધી પહોંચી. ચૌદ વર્ષના ક્રિશની લાશ બાથરૂમમાં પડી હતી અને એની પણ ગરદન કપાયેલી હતી! ઘરના દરવાજામાં ઓટોમેટિક લોક સિસ્ટમ હતી એટલે કે કોઈ જતી વખતે બારણું હળવેથી બંધ કરે તો પણ એ લોક થઈ જાય. એને લીધે હત્યારાના ગયા પછી દરવાજો અંદરથી બંધ થઈ ગયેલો.
પોલીસે ફોન કર્યો એટલે ફોરેન્સિક ટીમ પણ ત્યાં આવી ગઈ. ઘરમાં સીસીટીવી કેમેરા લગાવેલા હતા, પરંતુ હત્યારાએ પોતાનું કામ શરૂ કરતા અગાઉ એના કેબલ કાપી નાખ્યા હતા. એના આધારે પોલીસે એટલું તારણ કાઢયું કે હત્યારાને ઘરની ભૂગોળનો પૂરો પરિચય હશે. પત્ની અને પુત્રની લાશ જોઈને કુલદીપ ફસડાઈ પડયો હતો. ઘરના કબાટમાં સવારે મૂકેલા ચાળીસ હજાર રૂપિયા અને ક્રિશનો મોબાઈલ પણ હત્યારો એની સાથે ઉઠાવી ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરી. સામેના બંગલાના સીસીટીવી ફૂટેજમાં ભેદ ખૂલ્યો. એક વ્યક્તિ સાતને ત્રીસ મિનિટે ઘરમાં પ્રવેશે છે અને બરાબર સત્તર મિનિટ પછી એ ઝડપથી બહાર નીકળતો દેખાયો. પોલીસે એ સીસીટીવી ફૂટેજ કુલદીપને બતાવ્યા. એની દુકાનમાં નોકરી કરનાર ચોવીસ વર્ષના મુકેશ પાસવાનને જોઈને કુલદીપ ચોંકી ઉઠયો!
આ મુકેશ પાસવાન છે.. ધૂ્રજતા અવાજે કુલદીપે પોલીસને માહિતી આપી..મૂળ બિહારનો આ યુવાન છેલ્લા અઢી વર્ષથી મારી દુકાનમાં નોકરી કરે છે. રેઢિયાળપણે વારંવાર રજાઓ પાડે છે એટલે રૂચિકાએ એને ધમકાવ્યો હતો. આટલી નાની વાતમાં એ હરામીએ આવી રીતે વેર વાળ્યું?..આટલું કહીને કુલદીપ ભાંગી પડયો. એની વાત પરથી પોલીસને ખાતરી થઈ ચૂકી હતી કે રૂચિકા અને ક્રિશની હત્યા મુકેશે જ કરી છે, એટલે પોલીસે બાજી સંભાળી લીધી.
મુકેશ પોતાની સાથે ક્રિશનો મોબાઈલ લઈ ગયો હતો. એના સર્વેલાન્સમાં એનું લોકેશન દિલ્હીમાં અમરદીપ કોલોનીના જે બ્લોકનું હતું. કુલદીપે જણાવ્યું કે એના પિતા અને બે મોટા ભાઈ સાથે મુકેશ ત્યાં જ રહે છે. પોલીસની જીપ ત્યાં પહોંચી , ત્યારે મુકેશ ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસે એના પિતા અને બંને ભાઈઓને અટકાયતમાં લઈ લીધા.
મુકેશ પાસવાન બિહારના હાજીપુર ગામનો હતો. પોલીસને બીક હતી કે જો મુકેશ ભાગીને બિહારમાં પહોંચી જશે, તો એને શોધવાનું કામ મુશ્કેલ બનશે. રાત્રે ત્રણ વાગ્યે દિલ્હીના દરેક રેલ્વેસ્ટેશન એલર્ટ કરીને પોલીસે મુકેશ પાસવાનના ફોટા મોકલીને તાકીદ કરી કે આ માણસ છટકવો ના જોઈએ. સવારે સાત વાગ્યે નવી દિલ્હીના રેલ્વેસ્ટેશનના અધિકારીએ પોલીસને જાણકારી આપી કે મુકેશ પાસવાન રાત્રે મગધ એક્સપ્રેસમાં બેસીને રવાના થઈ ગયો છે!
આ મગધ એક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હી રેલ્વેસ્ટેશન પરથી રાત્રે નવને પાંચ મિનિટે ઉપડે અને કાનપુર, પ્રયાગરાજ જેવા ઉત્તરપ્રદેશના સ્ટેશનોમાંથી પસાર થઈને બીજા દિવસે બપોરે પટણા થઈને છેક સાડા ત્રણ વાગ્યે ઈસ્લામપુર પહોંચે. દિલ્હી પોલીસે તાબડતોબ ઉત્તરપ્દેશ પોલીસનો સંપર્ક કરીને આ ટ્રેન અને બેવડી હત્યા કરનાર મુકેશ પાસવાનની જાણકારી આપી. ઉત્તરપ્રદેશ પોલીસે ટેકનીકલ સર્વેલાન્સ, રેલ્વે પ્રોટેક્ટિવ ફોર્સ અને રેલ્વે પોલીસ સાથે સહયોગથી તપાસ શરૂ કરી. રેલ્વેસ્ટેશનની નજીકના પોલીસસ્ટેશનોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા. સવારે નવ વાગ્યે મગધ એક્સપ્રેસ દીનદયાળ ઉપાધ્યાય જંકશન (જૂનું નામ મુગલસરાઈ) પર પહોંચી ત્યારે ચંદૌલી પોલીસસ્ટેશનની આખી ટીમ સ્ટેશન પર એટેન્શનમાં હાજર હતી. ટ્રેન રોકી રાખવામાં આવી. મોઢે અને માથે ગમછો બાંધીને બેઠેલા મુકેશને ચાલાક પોલીસ અધિકારીઓએ ઝડપી લીધો! યુ.પી. પોલીસે જાણ કરી એટલે દિલ્હી પોલીસની ટીમે ત્યાં આવીને મુકેશનો કબજો લઈ લીધો.
ડી.સી.પી. હેમંત તિવારીએ મીડિયાકર્મીઓને જાણકારી આપતી વખતે જણાવ્યું કે મુકેશ પાસવાન અગાઉ કુલદીપના કાકાના દીકરા કેતનને ત્યાં નોકરી કરતો હતો, પણ એ વારંવાર ગુલ્લી મારતો હતો. કેતનનો સ્વભાવ ઉગ્ર હતો. એણે ધમકાવીને મુકેશને નોકરીમાંથી કાઢી મૂક્યો ત્યારે મુકેશ કરગરેલો. એ જ વખતે કુલદીપને દુકાન માટે માણસની જરૂર હતી અને કેતનને ખબર હતી કે કુલદીપ સાવ નરમ સ્વભાવનો છે અને સ્ટાફના માણસો સાથે પ્રેમથી વર્તે છે. એણે કહ્યું એટલે અઢી વર્ષ અગાઉ કુલદીપે મુકેશને નોકરીમાં રાખેલો. દુકાનના કામ ઉપરાંત મુકેશને ડ્રાઈવિંગ પણ આવડતું હતું એટલે શેઠ-શેઠાણીના ડ્રાઈવર તરીકે પણ એ કામમાં આવતો હતો. જાણ કર્યા વગર રજા પાડવાની એની કુટેવને લીધે રૂચિકા એને વારંવાર તતડાવતી હતી. અલબત્ત, એને સાચવતી પણ હતી. મુકેશે માગણી કરેલી એટલે રૂચિકાએ એને બે સ્માર્ટ ફોન પણ આપેલા.
મે, ૨૦૨૫ ના બીજા અઠવાડિયે મુકેશે રૂચિકાને કહ્યું કે મારી સગાઈ થવાની છે, એટલે ચાર દિવસ દેશમાં જવાનું છે અને પ્રસંગ છે એટલે પૈસાની પણ જરૂર છે. એણે પચાસ હજાર રૂપિયા માગ્યા ત્યારે રૂચિકાએ પર્સમાં હતા એ પિસ્તાળીસ હજાર રૂપિયા એને આપી દીધા અને કહ્યું કે પ્રસંગ પતાવીને તરત પાછો આવી જજે.
ચાર દિવસને બદલે મુકેશ અઠ્ઠ્યાવીસ દિવસ પછી પાછો આવ્યો, ત્યારે રૂચિકાએ એને ધમકાવીને કહ્યું કે હવે પછી તારી આવી લાલિયાવાડી ચલાવી લેવામાં નહીં આવે. નીચું મોઢું કરીને મુકેશે એ સાંભળી લીધું. કુલદીપનો સ્વભાવ અત્યંત સૌમ્ય હોવાથી સ્ટાફ સાથેના આવા બધા વ્યવહારો રૂચિકા જ સંભાળતી હતી.
આટલું થયા પછી પણ તારીખ ૨૧-૬-૨૦૨૫થી મુકેશ દુકાને આવતો નહોતો. ત્રણ દિવસ પછી એણે ફોન કરીને કહી દીધેલું કે મારા પેટમાં ગરબડ છે, એટલે હું હમણાં નહીં આવું. આઠ દિવસ થયા એ છતાં, એ આવ્યો નહીં એટલે રૂચિકા ચિડાઈ. એણે સ્ટાફના બે માણસોને મુકેશના ઘેર તપાસ કરવા મોકલ્યા કે સાચી હકીકત શું છે? એ માણસોએ આવીને રૂચિકાને કહ્યું કે મુકેશ ઘરમાં જ બેસીને ટીવી જોતો હતો. એણે કહ્યું કે મને પથરીનો દુખાવો થાય છે, એટલે દુકાને નથી આવતો.
આ રેઢિયાળ માણસને સીધો કરવો જ પડશે. રૂચિકાએ મોબાઈલ હાથમાં લીધો અને મુકેશનો નંબર જોડયો. ત્રણેક વાર એણે પ્રયત્ન કર્યો, પણ મુકેશે ફોન ઉપાડવાની પણ પરવા ના કરી એટલે રૂચિકાની કમાન છટકી. એણે વોઈસ મેસેજ મોકલ્યો. એમાં એણે સખ્તાઈથી કહ્યું કે 'મુકેશ! વહેલામાં વહેલી તકે મારા આપેલા બંને મોબાઈલ પાછા આપી જા. તારી દયા ખાઈને આપેલા પિસ્તાળીસ હજાર રૂપિયા પણ કાલ સાંજ સુધીમાં પાછા આપી જા. તું પૈસા અને મોબાઈલ પાછા આપવા નહીં આવે તો હું તારા ઘેર આવીશ અને તારા પિતાજી અને ભાઈઓની હાજરીમાં તારું અપમાન થશે, એટલું યાદ રાખજે!'
આ વોઈસ મેસેજ સાંભળીને મુકેશ અપમાનની ભાવનાથી સળગી ઉઠયો. એણે એ જ વખતે રૂચિકાને ખતમ કરી નાખવાનો નિર્ધાર કરી લીધો. એને ખબર હતી કે રૂચિકા દુકાનેથી સવા છ વાગ્યે ઘેર પહોંચી જાય છે. એ દિવસે એણે ચાકુ ખરીદ્યું અને નવા ચાકુને પણ ફરી વાર ધાર કઢાવી. સવા છ વાગ્યે એ પહોંચ્યો ત્યારે રૂચિકા ડેન્ટિસ્ટને ત્યાં ગઈ હતી. કમ્પાઉન્ડમાં એક્ટિવા ના દેખાયું એટલે મુકેશને ખબર પડી કે મેડમ ઘરમાં નથી. બંગલામાં પહેલે માળ જવાની સીડી બહારની સાઈડે જ હતી. મુકેશ એ સીડી પર લપાઈને બેસી રહ્યો. સવા સાત વાગ્યે રૂચિકા આવી. સાડા સાત વાગ્યે ડોરબેલ વગાડી. રૂચિકાએ બારણું ખોલ્યું. મુકેશને આવેલો જોઈને એણે પૂછયું કે અલ્યા, તું દુકાને આવતો નથી, તો પછી અહીં તારું ડાચું બતાવવા કેમ આવ્યો છે? જવાબ આપવાને બદલે મુકેશે પાણી માગ્યું. રૂચિકાએ પીઠ ફેરવીને રસોડા તરફ પગ ઉપાડયા કે તરત મુકેશ તૂટી પડયો. પૂરા ઝનૂનથી ક્રૂરતાપૂર્વક એણે રૂચિકાની ગરદન કાપી નાખી. અવાજ સાંભળીને ક્રિશ ત્યાં ધસી આવ્યો. એ બૂમ પાડે કે પ્રતિકાર કરે એ અગાઉ મુકેશે એની પણ ગરદન કાપી નાખી. ક્રિશના હાથમાંથી પડી ગયેલો મોબાઈલ એણે લઈ લીધો અને સામે કબાટમાં પડેલા ચાળીસ હજાર રૂપિયા પણ એણે ઉઠાવી લીધા. સીસીટીવીના કેબલ તો રૂચિકા આવી એ અગાઉ જ એણે કાપી નાખ્યા હતા. માત્ર સત્તર મિનિટમાં જ બંનેની હત્યા કરીને મુકેશ ભાગી ગયો. એના જણાવ્યા મુજબ ક્રિશની ગરદન કાપ્યા પછી પણ એ નીકળ્યો ત્યાં સુધી ક્રિશ જીવતો હતો. એ પછી ક્રિશ જાતે જ ઢસડાઈને બાથરૂમમાં ગયો હશે. મુકેશે એ પણ કહ્યું કે મને કુલદીપશેઠ સામે કોઈ ફરિયાદ નહોતી. મેડમ જ વારંવાર મારું અપમાન કરતી હતી!
પોલીસે હત્યાનું હથિયાર કબજે કરીને મુકેશને જેલમાં ધકેલી દીધો છે. આ ઘટનાથી દિલ્હીની વેપારી આલમમાં બધા ડઘાઈ ગયા છે.


