Get The App

અજવાળું ચોરી લીધું! .

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
અજવાળું ચોરી લીધું!                                  . 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- બાબુ સાઈકલ લઈને ત્રણેય ગામમાં હડિયાપાટી કરે. એનો સ્વભાવ એટલો હસમુખો અને મિલનસાર કે ત્રણેય ગામના લોકો સાથે ખૂબ પ્રેમથી હસીને વાતો કરે

દિ વાળીની રાત્રે નવ વાગ્યે વાતાવરણમાં ગુલાબી ઠંડક હતી. અભિનંદન ફલેટ આમ તો પાંત્રીસેક વર્ષ જૂના હતા, પણ હજુ અડીખમ હતા. સોસાયટીના કોમન પ્લોટમાં વિશાળ જગ્યા હતી.  સ્થાનિક કોર્પોરેટરે પોતાના નામ સાથે ચાર બાંકડા ત્યાં મૂકાવ્યા હતા. રોજ રાત્રે સોસાયટીના વડીલો ત્યાં બેસીને ડાયરો જમાવતા હતા.

આ ડાયરામાં પાંચ તો કાયમી સભ્યો હતા. રાત્રે નવના ટકોરે એ પાંચેય ત્યાં આવીને સાડા દસ-અગિયાર સુધી મહેફિલ જમાવતા હતા. ગયા અઠવાડિયે જ ફલેટના એક યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલું હોવાથી કોમન પ્લોટમાં ફટાકડા ફોડવાની બાળકોને મનાઈ કરવામાં આવી હતી.

બાંકડે બેસનારા પાંચ કાયમી સભ્યોમાં નિવૃત્ત બેન્ક અધિકારી બૂચ સાહેબ આવીને શાંતિથી બધી ચર્ચા સાંભળે, પણ ભાગ્યે જ કંઈક બોલે. સતીષભાઈને સ્ટેશનરીની દુકાન હતી. એમના રસની વાત આવે ત્યારે એ ખીલી ઉઠતા અને ચર્ચામાં સહભાગી બનતા. સત્યાશી વર્ષના જમુભાઈ પાસે તો માહિતીનો ખજાનો અને અનુભવની મૂડી હતી. વૈદરાજ વસાણીભાઈ સરકારી દવાખાનામાં આયુર્વેદિક ડૉક્ટર તરીકે સેવા આપીને નિવૃત્ત થયેલા હતા. ગાઝા, યુક્રેન, ટ્રમ્પ, ટેરિફ, ભ્રષ્ટાચાર અને મોંઘવારી - ગમે તે વિષય પરની ચર્ચા હોય તો એમાં સૌથી વધુ બોલનાર જયંતીલાલ એક વાર શરૂ કરે એ પછી સતત બોલવાની એમની ટેવ હતી. પાંચેય વડીલોમાં જયંતીલાલ આમ તો આ ફ્લેટમાં સૌથી નવા હતા. એ પોતે સૌરાષ્ટ્રની અનેક સ્કૂલમાં સેવા આપ્યા પછી આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા. અહીં એમના પુત્રની સાથે રહેવા માટે એ દોઢેક વર્ષ અગાઉથી જ આવ્યા હતા. નવા હોવા છતાં પોતાની બોલવાની છટાને લીધે જયંતીલાલ બધી ચર્ચામાં છવાઈ જતા હતા.

આજે તો દિવાળીનો દિવસ હતો એટલે રાતના આ ડાયરામાં આ પાંચ વડીલો સિવાય ફલેટના અન્ય રહીશો પણ આવીને ગોઠવાઈ ગયા હતા. ભરચક બાંકડાઓ ઉપરાંત ખુરશીઓ પણ ગોઠવવી પડી એટલે ભીડ હતી. બાકીના ચારેય વડીલને ખાતરી હતી કે આજે વધુ શ્રોતાઓ જોઈને જયંતીલાલ જમાવટ કરશે.

'શાસ્ત્રોમાં કહેલું એવો કળિયુગ આવી ગયો છે... 'સત્યાશી વર્ષના જમુભાઈ નિરાશાથી બબડયા. 'લોકો પાસે બીજા માટે સમય જ નથી. આ જમાનામાં આર્થિક મદદ માટે તો કોઈનીયે પાસે આશા નહીં રાખવાની. આ મોંઘવારીમાં ઘર કઈ રીતે ચલાવવું એની ચિંતામાં ડૂબેલો માણસ ઇચ્છે તોય બીજાને ટેકો ના કરી શકે...' જશુભાઈના અવાજમાં વરવી વાસ્તવિકતા છલકાતી હતી. 'ઘરડા બાપની દવાના પૈસાય દીકરાને ભારે પડતા હોય, એમાં પારકા પાસેથી તો શું આશા રાખવાની ? ડોસો જલ્દી ઉકલી જાય તો સારું.... એવું મનોમન ઇચ્છનારા દીકરા પણ જોયેલા છે...' વેદનાભર્યા અવાજે આટલું બોલીને એમણે પ્રશ્નાર્થ નજરે જયંતીલાલ સામે જોયું. 'માસ્તરસાહેબ ! તમારી લાગણી સાચી છે, પણ આજના જમાનામાં વ્યાજબી નથી. ખુદના ઘરમાં આવી વિપત્તિની દશા હોય ત્યાં બહારનો કોઈ વરસી પડે એ વાત જ વાહિયાત છે. આ કળિયુગમાં પારકા માટે પ્રકાશ પાથરવાની પળોજણ કોણ કરે ?'

જશુભાઈ આ બોલ્યા એનુ કારણ એ હતું કે દિવાળીનો દિવસ હતો એટલે ફલેટની બાલ્કનીઓમાં પ્રક્ટેલા દીવડાઓ જોઈને જયંતીલાલે નાનકડું પ્રવચન આપી દીધું હતું. એમણે એવું કહેલું કે 'લોકો દિવાળીમાં ઘરના આંગણે દીવા કેમ પ્રગટાવે છે ? અમાસનું કાળું ઘોર અંધારું કંઈ પાંચ દીવાથી ઓછું નથી થવાનું, તો પણ લોકો હોંશે હોંશે દીવા પ્રગટાવે છે. મૂળમાં તો આખી વાત સમજદારીની છે, અને સવાલ સહાનુભૂતિ અને લાગણીનો છે. અજવાળું તો સહુને ગમે છે, પણ એ પ્રકાશ આવે ક્યાંથી ? તમે દીવાનો અજવાસ કરો એ જ રીતે જો સહુ સહભાગી બને તો ખપ પૂરતું અજવાળું તો બધાને મળી રહે !'

જયંતીલાલે પ્રવચનમાં છેલ્લે કહેલું કે 'આપણા દીવાથી બીજાનો દીવો પ્રગટાવીએ તો આપણા દીવાનું અજવાળું ઓછું ના થાય, ઉલટું પેલાનો દીવો પણ પ્રગટી જાય એટલે અજવાળું વધે. દરેક માણસે પારકાને પ્રકાશ આપવા પ્રયત્ન કરવો જોઈએ.' એમના આવા ભાષણના જવાબરૂપે જ જશુભાઈએ બળાપો ઠાલવ્યો હતો કે આ કળિયુગમાં પારકા માટે પળોજણ કરવા કોઈ તૈયાર નથી.

શ્રોતાઓ આજે વધારે હતા એટલે જયંતીલાલે જશુભાઈના નિરાશાવાદને દૂર કરવા ફરીથી બોલવાનું શરૂ કર્યું, 'વડીલ જશુભાઈ ! આપ કહો છો એવો સાવ કળિયુગ નથી. માણસ મદદ કરવા તૈયાર હોય છે, પરંતુ એ દાન યોગ્ય વ્યક્તિ સુધી પહોંચશે કે કેમ એવી શંકાકુશંકાને લીધે એ અટકી જાય છે. ક્યાંક પૂર કે ધરતીકંપ આવે ત્યારે ટીવી ઉપર એના દ્રશ્યો જોઈને હૈયું હચમચી જાય છે, પરંતુ એ પીડિતો માટે ફાળો ઉઘરાવવા કોઈ આપણા ઘેર આવે ત્યારે તરત ધ્રાસ્કો પડે છે કે આ બધું રસ્તામાં જ ચવાઈ જશે અને પેલા લોકો સુધી નહીં પહોંચે...' એમણે જશુભાઈ સામે જોઈને ઉમેર્યું, 'જશુભાઈ ! હકીકત તો એ છે કે જો કોઈ જવાબદાર અને શ્રદ્ધેય વ્યક્તિ વહીવટ કરવાની હોય તો લોકો દિલથી મદદ કરે છે.'

એ પછી બધા શ્રોતાઓ ઉપર નજર ફેરવીને એમણે ખોંખારો ખાઈને ગળું સાફ કર્યું અને બોલ્યા, 'આજથી ત્રીસ-બત્રીસ વર્ષ પહેલાંની વાત ક્યારેક યાદ કરું છું ત્યારે અનાયાસે જ આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. સાવ અભણ અને ગરીબ માણસો જેમને આપણે ગામડિયા ગમાર કહીએ છીએ એવા માણસોની ખાનદાની અને દિલાવરી મેં નજરે જોયેલી છે. બીજા માટે ઘસાઈ છૂટવાની એમના જેવી ઉદારતા કોઈ શેઠિયાઓ પાસે પણ નથી જોઈ...'

જાણે એ દિવસોની સ્મૃતિ યાદ કરતા હોય એમ જયંતીલાલ લગીર અટક્યા. હવે બધા શ્રોતાઓ જિજ્ઞાાસાથી એમની સામે જોઈ રહ્યા હતા.

'મારી ઇચ્છા તો ભવિષ્યમાં અમદાવાદ જ સેટલ થવાની હતી, પણ એ વખતે બી.એડ. થયા પછી શિક્ષક તરીકે જ્યાં નોકરી મળે ત્યાં સ્વીકારી લેવી પડે એવી અવદશા હતી, એટલે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ફર્યો. એમાં રાજકોટ પાસેના વરખડી ગામમાં મને ફાવી ગયેલું. ગામમાં માંડ સાડા ચારસો ઘર અને માણસો એવા પ્રેમાળ કે રોજ રોજ જિંદગી જાણે જલસો હોય એવું લાગે. એમાંય ત્યાં રહીને વૈદકનું થોડુંઘણું જ્ઞાાન પણ મેળવેલું...'

પાસે બેઠેલા વૈદરાજ વસાણી સામે જોઈને જયંતીલાલે હસીને ઉમેર્યું. 'આ વસાણી સાહેબ જેટલો હોંશિયાર નહીં, પણ સાવ ઊંટવૈદ પણ નહોતો. વરખડી ગામમાં કોઈ ડૉક્ટર નહોતો એટલે મારી એ સેવાને લીધે મારું માન વધી ગયેલું. ધીમે ધીમે પાંચ વર્ષમાં તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે સરપંચ, તલાટીથી માંડીને ગામના કોઈ પણ માણસને નાનું-મોટું કંઈ પણ કામ હોય તો દોડીને મારી પાસે આવે. વરખડીથી રાજકોટ ચાળીસ કિલોમીટર. અઠવાડિયે એકાદ વાર મારે રાજકોટ જવાનું હોય ત્યારે ગામના દસ-પંદર માણસો કામ વળગાડી જાય. રાજકોટથી કોઈ વસ્તુ લાવવાની હોય-એવા બધા કામ લોકો મને સોંપી જાય. મેં નિયમ રાખેલો કે કોઈને ય ના નહીં પાડવાની. ઘસાઈને ઉજળા થવાની રવિશંકર મહારાજની વાત મેં આત્મસાત કરી લીધી હતી.'

લગીર અટકીને એમણે ધ્યાનથી સાંભળતા શ્રોતાઓ ઉપર નજર ફેરવી લીધી. એ પછી બોલવાનું ચાલુ રાખ્યું. 'અમારા વરખડી ગામમાં એક સમજુબા રહેતા હતા. એમના એકના એક દીકરાનું નામ બાબુ. એ બાબુની ઉંમર મારા જેટલી જ. એ વખતે મારો સ્વીટુ બાર વર્ષનો અને બાબુનો લાલિયો તેર વર્ષનો. હું માસ્તર અને બાબુ ટપાલી. એને ટપાલી તરીકે એક સાથે વરખડી ઉપરાંત બાજુના બે ગામની પણ જવાબદારી સોંપવામાં આવેલી. એ સમયે તો તમામ કોમ્યુનિકેશન માટે ટપાલખાતા ઉપર જ બધાનો આધાર હતો. બાબુ સાઈકલ લઈને ત્રણેય ગામમાં હડિયાપાટી કરે. એનો સ્વભાવ એટલો હસમુખો અને મિલનસાર કે ત્રણેય ગામના લોકો સાથે ખૂબ પ્રેમથી હસીને વાતો કરે. ત્રણેય ગામના લોકોનો એ લાડકો સેવક હતો.'

એવામાં અચાનક એની તબિયત લથડી. તાવ કે શરદી જેવા કોઈ લક્ષણ નહીં, પણ એને ખૂબ થાક લાગે. થોડીક વાર સાઈકલ ચલાવે ત્યાં જ એ હાંફવા લાગે. એ મારી પાસે આવ્યો એટલે મારી સમજ પ્રમાણે મેં એને આયુર્વેદિક દવા આપી, પરંતુ કોઈ ફેર ના પડયો. સમજુબા મારી પાસે આવીને રડી પડયા એટલે બાબુને લઈને હું રાજકોટ ગયો. ત્યાં મોટી હોસ્પિટલમાં બાબુના બધા ટેસ્ટ કરાવ્યા. ડૉક્ટરે કહ્યંુ કે હાર્ટનો વાલ્વ ખરાબ થઈ ગયો છે. એના માટે તો મુંબઈ જઈને મોટી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા વગર છૂટકો નથી ! મેં ખર્ચાનું પૂછ્યું અને એ રકમ જાણીને આંચકો લાગ્યો. મેં ડૉક્ટરને પૂછ્યું કે ઓપરેશન ના કરાવીએ તો ? ડૉક્ટરે કહી દીધું કે બહુ બહુ તો એક-દોઢ વર્ષ. ઓપરેશન નહીં કરાવો તો તમારો આ બાબુ ગમે ત્યારે ફૂગ્ગાની જેમ ફૂટી જશે !

અમે પાછા ગામમાં આવ્યા. બાબુની આર્થિક સ્થિતિ એવી હતી કે મુંબઈ આવવા-જવાનો ખર્ચ પણ એને પરવડે એવું નહોતું. આમાં કરવું શું ? મારી તો ઊંઘ ઊડી ગયેલી. હસતા-રમતા બાબુને આ રીતે મરવા થોડો દેવાય ? માત્ર પૈસાના અભાવે એક યુવાન જિંદગી રોળાઈ જાય એ કેમ ચાલે ?

બજારમાં નીકળ્યો અને સરપંચ સામે મળ્યા. મેં એમને વાત કરી એટલે એમણે કહ્યું કે બાબુ માટે તો ત્રણેય ગામના લોકો મદદ કરશે. સરપંચે ગામલોકોને વાત કરી અને એક દિવસમાં તો આખા ગામમાં બસ બાબુની જ ચર્ચા હતી. ત્રણેય ગામના લોકોને પૂરી સહાનુભૂતિ હતી. વારાફરતી બધા આવીને મને મળી ગયા. કહે કે માસ્તર !

પૈસાની ચિંતા ના કરો. પંચ કે લકડી એક્કા બોજ. ત્રણ ગામના લોકો ભેગા થઈને એક જુવાનિયાની જિંદગી ના બચાવી શકીએ તો પછી માણસ હોવાનો કોઈ મતલબ ખરો ?'

સહેજ અટકીને જયંતીલાલે બધા શ્રોતાઓ સામે જોઈ લીધું અને આગળ બોલવાનું ચાલું રાખ્યું.

'આપણા દીવાથી બીજાનો દીવો પ્રગટાવીએ, તો આપણા દીવાનું તેજ ઓછું ના થાય પણ કુલ અજવાળું સો ટકા વધે ! સાવ અભણ માણસોના હૈયામાં આવી સાચી લાગણી હતી. બધાએ મળીને નક્કી કર્યું કે જો માસ્તર વહીવટ સંભાળવાના હોય અને બાબુની જોડે મુંબઈ જવાના હોય તો ફાળો કરીએ. મેં એ જવાબદારી સ્વીકારી અને બીજા દિવસથી લોકો ઘેર આવીને પૈસા આપી જવા માંડયા. રોજનું લાવીને રોજ ખાનાર માણસને પણ બાબુ માટે સાચી લાગણી હતી. ત્રણેય ગામના લોકો બાબુ બચાવ ઝૂંબેશમાં દિલથી સહભાગી બન્યા. રાજકોટમાં રહેતા એમના પરિચિતો સુધી આ સત્કાર્યની વાત પહોંચી હતી એટલે ત્યાંથી પણ મદદ આવવા લાગી. રાજકોટના ડૉક્ટરે મુંબઈની હોસ્પિટલમાં વાત કરી અને ઓપરેશનની તારીખ નક્કી થઈ ગઈ. તમે નહીં માનો, પણ અડધું ગામ અમને મૂકવા માટે રાજકોટ રેલવે સ્ટેશન સુધી આવેલું. એ જમાનામાં તો મુંબઈ એટલે અમેરિકા જવા જેવું લાગે. બોમ્બે હોસ્પિટલમાં સગા ભાઈની જેમ બાબુની સાથે રહ્યો. ઇશ્વરની કૃપાથી ઓપરેશન સફળ રહ્યું. બાવીસમા દિવસે હું બાબુને લઈને પાછો આવ્યો ત્યારે ગામમાં તો જાણે દિવાળી હોય એમ ઉત્સવ ઉજવાયો....'

ગળું ખોંખારીને જયંતીલાલ સમાપન તરફ આગળ વધ્યા. 'બસ, એ પછી હું એ ગામમાં ત્રણ વર્ષ રહ્યો. બાબુ પણ ઓપરેશન પછી બાવીસ વર્ષ જીવ્યો. અલબત્ત, હું એને મળવા નહોતો જતો. એનું કારણ એ કે હું એને મળવા જાઉં ત્યારે એ જાણે મારા ઉપકારના ભારથી દબાયેલો હોય એવું વર્તન કરતો હતો. એ હાથ જોડીને આભારવશ નજરે મારી સામે ગરીબડો થઈને ઊભો રહે એ મને પસંદ નહોતું એટલે એને મળવા નહોતો જતો. આજે દિવાળીના દિવસે આ વાત યાદ આવી એટલે સહુને એટલું જ કહેવાનું કે પોતપોતાના આંગણામાં અજવાળું કરવાની ઉદારતા લોકો દાખવે તો ય આડોશીપાડોશીને ખપ પૂરતું અજવાળું મળી રહે...'

જયંતીલાલે વાત પૂરી કરી ત્યારે બધા શ્રોતાઓ આદરભાવથી એમની સામે તાકી રહ્યા હતા. સમય પણ થવા આવ્યો હતો એટલે પાંચેય વડીલોએ ઊભા થઈને બધાની રજા લીધી. એ પાંચેય ગયા પછી ક્યારેક જ આ ડાયરામાં આવતા હતા એ બધા આરામથી બેસી રહ્યા હતા.

'આ કાકો બોલતો હતો ત્યારે મને હસવું આવતું હતું...' રસિકે બાજુમાં બેઠેલા એના મિત્રને જાણકારી આપી. 'એની વાતમાં એણે કહ્યું કે એ વખતે મારો સ્વીટુ બાર વર્ષનો અને બાબુનો લાલિયો તેર વર્ષનો... એ લાલિયો એટલે હું પોતે ! મારા બાપાનું નામ બાબુલાલ.... એ વખતે ત્રણેય ગામમાં ફરીને આ કાકાએ ઢગલામોઢે રૂપિયા ભેગા કર્યા હતા. છેક રાજકોટ જઈને પણ આ માણસે ઝોળી ફેલાવેલી. એમાં મારા બાપાને મદદ કરવાની ભાવના તો હતી, પણ વધેલા પૈસાનો એમણે કોઈ હિસાબ નહોતો આપ્યો. એમની ઇચ્છા અમદાવાદ સેટલ થવાની હતી એટલે ગૂપચાવેલા પૈસામાંથી અહીં એ વખતે સાવ સસ્તા ભાવમાં ફ્લેટ બૂક કરાવી દીધેલો !'

ફિક્કું હસીને રસિકે ઉમેર્યું, 'મારા બાપાના દીવામાં તેલ પૂરીને એમણે મદદ કરી એ કબૂલ, પણ એમાંથી ખપ પૂરતું અજવાળું એમણે ચોરી લીધેલું !'