રાજકારણીઓની પ્રેમજાળમાં ફસાઈને ફના થઈ જનાર ફિઝા
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- ઓક્ટોબર, 2008 ની આઠમી તારીખે આખા હરિયાણામાં જાણે ધરતીકંપ આવ્યો હોય એવી ધમાલ મચી ગઈ. નાયબ મુખ્યમંત્રી ચંદ્રમોહન અચાનક ક્યાંક ગૂમ થઈ ચૂક્યા હતા!
- પ્રેસ કોન્ફરન્સમાં પ્રેમનું એલાન
- એકદૂજેકે લિયે
- ફિઝા
- ફિઝા અને ચાંદ
હ રિયાણા ભાજપની મહિલા નેતા સોનાલી ફોગટની હત્યા થઈ અને એના સમાચાર હજુ અખબારો-ચેનલોમાં આવ્યા કરે છે. રાજકારણમાં રૃપાળી યુવતીઓના પ્રેમસંબંધોનું કોકટેઈલ મિશ્રણ કેવું ખતરનાક નીવડે છે એ જાણવા માટે ગોપાલ કાંડા-ગીતિકા શર્મા, અમરમણિ ત્રિપાઠી-મધુમિતા શુક્લ, મહિપાલ મદરેણા-ભંવરીદેવી, ચાંદ મોહમ્મદ-ફિઝા જેવી જોડીઓને યાદ કરો. પહેલું નામ રાજકારણીનું છે અને એની સાથેનું નામ સ્વરૃપવાન યુવતીનું છે. આ સૌંદર્યવાન યુવતીઓ રાજકારણીઓ સાથે પ્રેમમાં બરબાદ થઈ ગઈ. અમરમણિ ત્રિપાઠી અને મધુમિતા શુક્લની વાત ક્રાઈમવૉચમાં વિગતવાર લખેલી. આજે હરિયાણાની ચૌદ વર્ષ જૂની પ્રેમકહાણીની વાત યાદ કરીશું-એમાં ક્રાઈમનું પણ તત્વ છે.
સાચા પ્રેમમાં સમર્પણ, વિશ્વાસ અને એકબીજા માટે મરી ફીટવાની ભાવના હોય જ્યારે રાજકારણમાં વિશ્વાસનું વાતાવરણ શોધ્યું પણ ના જડે. પ્રેમમાં પોતાની ઓળખ ભૂલીને વિલિન થવાની લાગણી હોય, જ્યારે રાજકારણમાં તો પોતાની ઓળખ મોટી કરવા માટે બીજાનું અસ્તિત્વ ભૂંસતી વખતે પેટનું પાણી પણ ના હલે.
ઈ.સ. ૨૦૦૮માં ચકચાર મચાવનાર આ પ્રેમકહાણીના પાત્રો છે-ચાંદ મોહમ્મદ અને ફિઝા- આ બંને નામ મુસ્લિમ છે પરંતુ આ નામ તો એમણે કાયદાથી છટકવા માટે ધારણ કરેલા. એમની સાચી ઓળખ અલગ છે.
ચાંદ મોહમ્મદ એટલે એક સમયના દિગ્ગજ નેતા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભજનલાલનો મોટો દીકરો ચંદ્રમોહન. રાજકારણ તો એને વારસામાં જ મળેલું. ચાંદ મોહમ્મદ બનેલો ચંદ્રમોહન પણ બાપની જેમ જ રાજકારણનો મોટો ખેલાડી. અગાઉ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલો. ચોથી વખત ચૂંટાઈ આવ્યો ત્યારે એ હરિયાણાનો નાયબ મુખ્યમંત્રી બનેલો. ફિઝા એટલે અનુરાધા બાલી. હરિયાણા સરકારમાં અનુરાધા બાલી આસિસ્ટન્ટ એટર્ની જનરલનો હોદ્દો ધરાવતી હતી.
ઈ.સ.૨૦૦૪ના અંતમાં ચંદ્રમોહન અને અનુરાધાની પહેલી મુલાકાત એક જ્યુસ સેન્ટર ઉપર થયેલી. ચંદ્રમોહનને પહેલી જ નજરે અનુરાધા ગમી ગઈ. એ પોતે પણ દેખાવડો અને પ્રભાવશાળી. પહેલી મુલાકાત પછી ધીમે ધીમે મુલાકાતો વધવા લાગી. મિત્રતા વધતી ગઈ અને પ્રેમનો રંગ પાકો થઈ ગયો. પોતાની આ પ્રેમિકાને કોઈ મોટો હોદ્દો મળે એ માટે ચંદ્રમોહને ગોઠવણ કરી. સરકાર તો પોતાની જ હતી. એણે અનુરાધા બાલીને આસિસ્ટન્ટ એટર્ની જનરલની ખુરસી પર બેસાડી દીધી. એ સમયે હરિયાણાની રાજનીતિમાં ભજનલાલના પરિવારનો દબદબો હતો. આ ચંદ્રમોહનનો નાનો ભાઈ-ભજનલાલનો નાનો દીકરો- કુલદીપ બિશ્નોઈ પણ લોકસભાની હિસ્સાર સીટ પરથી જીતીને સંસદસભ્ય બનેલો હતો. (અત્યારે ખાપ મહાપંચાયત દ્વારા એનું નામ પણ સોનાલી ફોગટ કેસમાં ઉછાળવામાં આવી રહ્યું છે)
ત્રણ વર્ષ સુધી ચંદ્રમોહન અને અનુરાધા વચ્ચે ખાનગીમાં ઈલુ-ઈલુ ચાલ્યા પછી એમના પ્રેમ પ્રકરણની ચર્ચા થવા લાગી. એ વખતે ચંદ્રમોહનની ઉંમર ૪૩ વર્ષની અને અનુરાધા ૩૭ વર્ષની. ઉંમરનો તો કોઈ વાંધો નહોતો, પણ ખાટલે મોટી ખોડ એ હતી કે એ બંને પરિણીત હતા! ચંદ્રમોહનની પત્ની સીમા સુધી આ લફરાંની વાત પહોંચી ચૂકી હતી અને એને લીધે ઘરમાં ઝઘડા થતા હતા.
અનુરાધા પણ પરણેલી તો હતી જ, પરંતુ એણે દૂરંદેશી દાખવેલી. ચંદ્રમોહન સાથે ગળાડૂબ પ્રેમમાં ડૂબી ગયા પછી એણે વિચાર્યું કે આ નાયબ મુખ્યમંત્રીને પૂરોપૂરો પામવો હોય તો પોતે પોતાના પતિનો ત્યાગ કરવો પડશે. એણે એના પતિને છૂટાછેડાની વાત કહી. પેલો પણ અનુરાધાના લફરાથી માનસિક ત્રાસ અનુભવતો હતો. એણે તરત સંમતિ આપી અને એ બંનેના છૂટાછેડા થઈ ગયા.
હવે દરેક મુલાકાતમાં અનુરાધા ચંદ્રમોહન ઉપર દબાણ કરતી હતી, પરંતુ ભજનલાલના રૃઢિચુસ્ત હરિયાણવી સમાજમાં ચંદ્રમોહન લાચાર હતો. અનુરાધાના સૌંદર્યનું જબરજસ્ત વળગણ હોવા છતાં, સીમાને છૂટાછેડા આપવાની એની માનસિક તાકાત નહોતી. ચંદ્રમોહન-સીમાને બે સંતાન હતા. દીકરો સિધ્ધાર્થ અને દીકરી દામિની. આ ઉપરાંત, હરિયાણા રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો હતો એ હકીકત પણ એને અટકાવતી હતી.
ભજનલાલના પરિવારમાં વિખવાદ વધતો જતો હતો. આ સંબંધ તોડી નાખવા માટે એ પોતે દીકરાને તાકીદ કરતા હતા. ભજનલાલના દૂતોએ અનુરાધાને ધમકાવીને ચંદ્રમોહનથી દૂર રહેવા ચેતવણી આપી. અનુરાધા બિન્દાસ હતી. ચંદ્રમોહનને પામવા માટે એણે તો પોતાના પતિ સાથે પણ છૂટાછેડા લઈ લીધા હતા. એ હવે શા માટે નમતું જોખે? મક્કમતાથી પ્રતિકાર કરીને એણે બધી ધમકીઓને અવગણી.
પરિણામ એ આવ્યું કે અનુરાધાએ હવે ચંદ્રમોહન ઉપર આક્રમકતાથી દબાણ વધાર્યું. ચંદ્રમોહનને વિવશ કરી દે એવું સૌંદર્ય તો ઈશ્વરે એને આપેલું જ હતું. આરપારની લડાઈની જેમ એણે ચંદ્રમોહનને આખરી ઉપાય માટે તૈયાર કર્યો.
ઓક્ટોબર, ૨૦૦૮ની આઠમી તારીખે આખા હરિયાણામાં જાણે ધરતીકંપ આવ્યો હોય એવી ધમાલ મચી ગઈ. નાયબ મુખ્યમંત્રી ચંદ્રમોહન અચાનક ક્યાંક ગૂમ થઈ ચૂક્યા હતા! એ ક્યાં ગયા છે એની જાણકારી ના તો મુખ્યમંત્રીને હતી કે ના તો ભજનલાલના પરિવારને! કોઈ રાજ્યનો નાયબ મુખ્યમંત્રી આવી રીતે અદ્રશ્ય થઈ જાય એ વાતને તો આખા દેશના મીડિયાએ પણ ખૂબ મહત્વ આપ્યું. જાણભેદુ પત્રકારોએ શોધી કાઢયું કે સાહેબ એકલા ગૂમ નથી થયા, એમની સાથે અનુરાધા બાલીનો પણ પત્તો નથી! દસ દિવસ પછી મુખ્યમંત્રી ભૂપિન્દરસિંગ હૂડાને ચંદ્રમોહનનો એસ.એમ.એસ. મળ્યો કે ડોન્ટ વરી. હું એક ધાર્મિક યાત્રામાં છું! એ પછી હૂડાએ એ નંબર ઉપર સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો પણ ફોન બંધ આવતો હતો!
એ પછી ધરતીકંપનો બીજો જોરદાર આંચકો આવ્યો તારીખ ૭-૧૨-૨૦૦૮ના દિવસે! ચંદીગઢમાં વિશાળ પ્રેસ કોન્ફરન્સ ગોઠવીને ચંદ્રમોહન અને અનુરાધા બાલી હાથમાં હાથ પરોવીને પત્રકારોની સામે આવ્યા!
'અમારો પ્રેમ એટલો પવિત્ર અને મજબૂત છે કે દુનિયાની કોઈ તાકાત અમને અલગ નહીં કરી શકે.' ચંદ્રમોહન અને અનુરાધાએ પત્રકારોને જાણકારી આપી. અનુરાધાનો હાથ પોતાના હાથમાં જકડીને ચંદ્રમોહને કહ્યું. 'આટલો સમય અમે મેરઠમાં હતા. ત્યાં અમે વિધિસર ઈસ્લામ ધર્મ કબૂલ કરીને મુસ્લિમ બન્યા છીએ. હવે મારું નામ ચંદ્રમોહન નથી, ચાંદ મોહમ્મદ છે અને આ અનુરાધા બાલી હવે અનુરાધા નથી, એનું નામ ફિઝા છે. ઈસ્લામ કબૂલ કરીને અમે બંનેએ ત્યાં મૌલવીસાહેબની હાજરીમાં નિકાહ પણ કર્યા છે એટલે અમે બંને હવે કાયદેસરના પતિ-પત્ની છીએ!' એ બંનેએ ઉમેર્યું કે અમે હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ જવાના છીએ અને એ પછી કાયમ માટે દિલ્હીમાં જ રહીશું.
આ સમાચાર આવ્યા પછી હરિયાણાની શેરીઓમાં એની જ ચર્ચા ચાલતી હતી. ભજનલાલે દીકરાને શરમ વગરનો નફ્ફટ ગણાવીને પરિવારમાંથી અને મિલકતમાંથી એનું નામ રદ કરી દીધું. મુખ્યમંત્રી હૂડાએ એને નાયબ મુખ્યમંત્રીપદેથી હટાવી દીધો! આ કશાયની જાણે પરવા જ ના હોય એમ એ પ્રેમીપંખીડા એમની મસ્તીમાં જ ડૂબેલા રહ્યા. લુધિયાણા જામા મસ્જિદના શાહીઈમામ હબીબુર રહેમાને ફતવો બહાર પાડીને કહ્યું કે આ માણસ કાયદાને છેતરવા માટે અને પોતાની હવસ સંતોષવા માટે માત્ર કાગળ ઉપર મુસ્લિમ બન્યો છે. તારીખ ૧૬-૧૨-૨૦૦૮ના દિવસે બીજી પ્રેસ કોન્ફરન્સ કરીને એ બંનેએ પત્રકારોને કહ્યું કે ભલે ગમે તે થાય, અમારો પ્રેમ અમર છે, દુનિયા વિરોધ કરે તો પણ અમે અલગ નથી થવાના!
એમના પ્રેમપ્રકરણ પછી હરિયાણામાં જે વાવાઝોડું પેદા થયેલું એ ધીમે ધીમે શમી જશે એવી અમુકની ધારણા હતી, પરંતુ ચાલીસ દિવસ-બરાબર ચાલીસ દિવસ પછી ફરી એક વાર જોરદાર ધડાકો થયો. ચાંદ મોહમ્મદ ગૂમ થઈ ગયો! એ લંડન જતો રહ્યો હતો એ વાત સ્વીકારવા ફિઝા તૈયાર નહોતી. પોતાનો પ્રેમી-અને હવે તો પતિ આ રીતે દગો આપે એ આઘાત સહન કરવાનું કામ એના માટે અઘરું હતું. તારીખ ૨૮-૧-૨૦૦૯ના દિવસે ફિઝાએ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે મારા ચાંદનું અપહરણ કરવામાં આવ્યું છે અને આરોપી તરીકે એણે ચાંદના પિતા ભજનલાલ, પહેલી પત્ની સીમા અને ચાંદના ભાઈ કુલદીપનું નામ લખાવ્યું! એ પછી બીજા જ દિવસે ૨૯ મી તારીખે એણે એક સાથે ઊંઘની પચીસ ગોળી ગળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો! આત્મહત્યાના પ્રયાસ બદલ પોલીસે એની સામે ફરિયાદ નોંધી. હોસ્પિટલમાંથી ફિઝાએ ખુલાસો કર્યો કે ચાંદની દગાખોરીથી એટલી ઉચાટમાં આવી ગયેલી કે પીડા હળવી કરવા ગોળીઓ ખાધેલી.
આ ઘટનાઓને લીધે મીડિયાને તો જાણે ગોળનું ગાડું મળી ગયું હોય એમ ચાંદ-ફિઝાની ચાલીસ દિવસની પ્રેમકથાના જાતજાતના સમાચારો હરિયાણામાં ફેલાઈ ગયા. ચાલીસ દિવસમાં જ ચાંદ ફિઝાથી ધરાઈ ગયો? કે પછી આની પાછળ કોઈ મોટું કાવતરું છે? આવી જાત જાતની ચર્ચા શરૃ થઈ ગઈ.
એ પછી ૩૧-૧-૦૯ના દિવસે પોતાના નાના ભાઈ સંસદસભ્ય કુલદીપ બિશ્નોઈના ઘેરથી ચાંદનો મેસેજ પત્રકારોને આપવામાં આવ્યો. એમાં ચાંદે કહેલું કે મને મારી પહેલી પત્ની સીમા અને બાળકોની ખૂબ યાદ આવે છે-બસ આટલો જ મેસેજ. ચાંદ ભારતમાં છે કે લંડનમાં એની કોઈની પાસે જાણકારી નહોતી!
મામલો બરાબર જામ્યો હતો. તારીખ ૧૬-૨-૨૦૦૯ના દિવસે ફિઝાએ મોહાલી પોલીસસ્ટેશનમાં ચાંદ વિરૃધ્ધ દગાબાજીથી જાતીય શોષણ ઉપરાંત અનેક બાબતો લખીને ફરિયાદ નોંધાવી.
માર્ચ, ૨૦૦૯માં ફિઝાના મોબાઈલ પર સતત ત્રણ એસ.એમ.એસ. ચમક્યા. ચાંદ તરફથી મળેલા એ ત્રણેય મેસેજમાં એક જ શબ્દ હતો. તલાક! તલાક! તલાક! એ પછી બીજા દિવસે ચાંદે ફિઝાને ફોન કર્યો. બીજી કોઈ વાત કર્યા વગર ત્રણ વખત તલાક! તલાક! તલાક! કહીને ચાંદે ફોન કાપી નાખ્યો. સંબંધ કાયમ માટે તૂટી ગયો. ફિઝાએ પોલીસમાં જે જે ફરિયાદો કરી હતી એ તમામ પણ ક્યાંક ફાઈલના ઢગલામાં ખોવાઈ ગઈ.
જુલાઈ, ૨૦૦૯માં ચાંદ પાછો ભારત આવ્યો. મંદિરમાં ધામધૂમથી પૂજાવિધિ કરીને એના શુધ્ધિકરણનું નાટક કરવામાં આવ્યું. ધર્મપરિવર્તન કરીને એ ચાંદમાંથી ફરીથી ચંદ્રમોહન બની ગયો! ત્યાં ઉપસ્થિત મીડિયાને એણે કહ્યું કે ફિઝા એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. મારી એ ભૂલ બદલ હું મારા પરિવારની અને હરિયાણાની પ્રજાની માફી માગું છું! એ પોતાના પરિવાર પાસે પાછો જતો રહ્યો.
આ ભયાનક દગાબાજીથી ફિઝા અંદરથી તૂટી ચૂકી હતી એ છતાં એણે લડાઈ ચાલુ રાખી. ૨૦૧૧માં એણે પોતાની રાજકીય પાર્ટી 'ફિઝા-એ-હિન્દ'ની જાહેરાત કરીને આગામી ચૂંટણીમાં ચંદ્રમોહનની સામે ઊભા રહીને લડવાનું એલાન તો કર્યું, પણ એમાં આગળ વધવાની એની તાકાત નહોતી. એણે રિયાલિટિ શૉમાં કામ કર્યું અને એકાદ-બે ફિલ્મમાં પણ કામ કર્યું. ચંદ્રમોહનના પરિવાર સામેની લડાઈ ચાલુ હતી પરંતુ એની ખૂબસૂરત જિંદગી એક ખતરનાક કળણમાં એવી રીતે ફસાઈ ચૂકી હતી કે એમાંથી એ બહાર ના આવી શકી. મોહાલીમાં એ રહેતી હતી ત્યાં પાડોશીઓ સાથે ઝઘડા અને મારપીટના સમાચારો વચ્ચે એની નકારાત્મક છાપ ઊભી થતી હતી.
ફેબ્રઆરી, ૨૦૧૨માં એની માતાના અવસાન પછી એ હતાશામાં ડૂબી ગઈ હતી. તારીખ ૬-૮-૨૦૧૨ના દિવસે એના પાડોશીઓએ પોલીસને ફોન કર્યો કે ફિઝાના મકાનમાંથી ભયાનક ગંધ આવે છે. પોલીસ ત્યાં આવી ત્યારે અધિકારીઓને આશ્ચર્ય થયું કે એના મકાનના બારણાં ખુલ્લાં જ હતાં!
(આગળ વાંચતા અગાઉ અનુરાધા બાલી ઉર્ફે ફિઝાની ખૂબસૂરત છબીઓ ઉપર એક વાર ફરીથી નજર ફેરવી લો)
ઓરડામાં પલંગ પાસે સિગારેટનું પેકેટ, અર્ધી દારૃની બોટલ, ગ્લાસ અને અડધું ખાધેલું ભોજન પડયું હતું. પલંગ ઉપર ફિઝાની લાશ પડી હતી. પગ ટૂંટિયું વાળેલા હતા ને ડાબો હાથ પલંગમાંથી નીચે લટકતો હતો. પાંચ-છ દિવસ અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું હોવાથી કોહવાયેલી લાશમાંથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવતી હતી. એક સમયે સાક્ષાત સૌંદર્યમૂર્તિ ગણાતી ફિઝાની સડીને ગળી ગયેલી લાશ ઉપર પારાવાર જીવડાં ખદબદી રહ્યાં હતાં!
ઓરડામાંથી પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ કે કોઈ ચિઠ્ઠી ના મળી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ નશાનો ઓવર ડોઝ બતાવવામાં આવેલું. અનુરાધા બાલી ઉર્ફે ફિઝાના મૃત્યુનું રહસ્ય હજુ અકબંધ જ છે. કોઈ વ્યક્તિ આત્મહત્યાનું વિચારે તો બહુ સામાન્ય વાત છે કે એ સમયે એ બારણાં ખુલ્લાં તો ના જ રાખે! પ્રેમ, સેક્સ અને દગાબાજીની આ ઘટનામાં ફિઝાની હત્યા થયેલી કે એણે આત્મહત્યા કરેલી-એ પ્રશ્નનો જવાબ તો ક્યારેય નહીં મળે.
ભાઈ કુલદીપે સ્થાપેલી હરિયાણા જનહિત કોંગ્રેસ(હજકો) પાર્ટીમાં ચંદ્રમોહન પૂરી તાકાતથી જોડાઈ ગયો. નલવા વિધાનસભાની સીટ પર વર્ષોથી ભજનલાલનો દબદબો હતો. ત્યાંના પ્રત્યેક પરિવારને કોઈને કોઈ રીતે ભજનલાલે મદદ કરેલી. ચૂંટણીમાં ત્યાંના ઘેર ઘેર જઈને ચંદ્રમોહને હાથ જોડીને વડીલોને કહેલું. 'તાઉ, થોરા છોરા આ ગયા!'- પણ એ છોરાને મદદ ના મળી! અલબત્ત, નાના ભાઈ કુલદીપને સફળતા મળેલી. કુલદીપ બિશ્નોઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને તાજેતરમાં જ ભાજપમાં જોડાઈ ગયા છે. હરિયાણાની ખાપ મહાપંચાયત સોનાલી ફોગટની હત્યામાં એનું નામ ઉછાળી રહી છે. ચાંદ મોહમ્મદ ઉર્ફે ચંદ્રમોહન અત્યારે કોંગ્રેસમાં છે.
રાજકારણી સાથે પ્રેમ કરીને બરબાદ થયેલી સૌંદર્યવાન યુવતીઓની યાદીમાં અનુરાધા બાલી ઉર્ફે ફિઝાનું નામ યાદગાર બનીને જોડાઈ ગયું છે.