Get The App

બદલો ભલા બૂરાનો, અહીંનો અહીં મળે છે

- ક્રાઈમવૉચ- મહેશ યાજ્ઞિાક

- તું મને બંદૂક લંબાવ અને કારતૂસનો ડબ્બો લઈને ઉપર આવી જા.. કાનજીએ રંભાને કહ્યું અને રંભા ઉપર આવી ગઈ. નીચે ઘરના બારણાં ઉપર પોલીસે ફરીથી ગોળીબાર શરૂ કર્યો.

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News

- સહેજ ચોંકીને જાડેજાએ ધ્યાનથી કાનજીના ચહેરા સામે જોયું. 'પ્લીઝ, એમને લઈને અંદર ચેમ્બરમાં આવો..' શેખરને ધીમા અવાજે આટલી સૂચના આપીને એ સડસડાટ આગળ ગયા. 

બદલો ભલા બૂરાનો, અહીંનો અહીં મળે છે 1 - image

સા ણંદમાં આવેલી સહકારી બેન્કમાં સ્ટાફ મિટિંગ ગોઠવવી એટલે પાંચ મિનિટનું કામ. રોકડની લેવડ-દેવડનો સમય પતી ગયા પછી બ્રાન્ચ મેનેજર શેખરે પટાવાળાને સૂચના આપી. ચેમ્બરની બહાર બધાને જાણ કરીને પટાવાળો ચા-નાસ્તાની તૈયારીમાં પરોવાઈ ગયો.

'હેડ ઓફિસને ફરીથી  ગતકડું સૂઝયું છે.' સામે બેઠેલા તમામ સ્ટાફ મેમ્બર્સ સામે જોઈને શેખરે માહિતી આપી. 'સવારે એના માટે જ ફોન આવેલો. આપણી સાણંદ શાખાની બે સેટેલાઈટ બ્રાન્ચ માટે એ લોકોએ બે ગામડાં પણ પસંદ કરી નાખ્યા છે. એક ગોધાવી અને બીજું થેલાપુર. એક બ્રાન્ચ મંગળવારે અને બીજી બ્રાન્ચ બુધવારે કામ કરશે. રોટેશન ગોઠવીને મંગળ અને બુધવારે ત્રણ-ત્રણ જણાએ ત્યાં જવું પડશે.'  શાખામાં નવો આવેલો ક્લાર્ક મનોજ ઉત્સુકતાથી સાંભળતો હતો, એની સામે જોઈને શેખરે કહ્યું. 'આ મનોજ જેવા યંગ સ્ટાફને ત્યાં જવામાં મજા આવશે, પણ સિનિયરોને આ કામ કદાચ નહીં ગમે.' આટલું કહીને એણે ઉમેર્યું. 'એ છતાં, એ બે ગામના સવાસો માણસોનાં ખાતાં આપણી શાખામાં છે, એટલે અહીંનો બોજો થોડોક હળવો થશે, એ પ્લસ પોઈન્ટ છે.'

બૅન્કની પહેલી સેટેલાઈટ બ્રાન્ચ થેલાપુર ગામમાં ખૂલવાની હતી એટલે એના ઉદ્ઘાટન માટે ખુદ બેન્કના ચેરમેન જાડેજાસાહેબ આવવાના હતા. તારીખ નક્કી થયા પછી શેખર એની વ્યવસ્થામાં જોતરાઈ ગયો. મનોજને સાથે રાખીને થેલાપુર જઈને જેમના ખાતાં હતાં એ તમામ, ઉપરાંત ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહે એ માટે હાથોહાથ આમંત્રણ આપ્યાં. એમાંય ગામના માથાભારે કહેવાય એવા બધાને પણ પ્રેમથી બોલાવ્યાં હતાં.

'કાનજીભાઈ, તમે તો અમારા સૌથી જૂના કસ્ટમર છો એટલે તમારી હાજરી તો જોઈશે જ. બીજા વીસેક માણસોને પણ લેતા આવજો. ચેરમેન જાડેજાસાહેબ  આવવાના છે એટલે હાજરી વધુ હોય એમાં અમારું ને ગામનું સારું દેખાશે.'

'એ ચિંતા મારા ઉપર છોડી દો. તમારો આઇસક્રીમ ખૂટી પડે એટલી પબ્લિક થઇ જશે..' કાનજીએ ખાતરી આપી. 

સાણંદ પાછા આવતી વખતે શેખર ખુશ હતો. 'કાનજી હીરાએ માણસોને લાવવાની જવાબદારી લીધી એટલે મારે ટેન્શન ઓછું.' મનોજ સામે જોઈને એણે પૂછયું. 'એ માણસ આપણી બ્રાન્ચમાં આવીને સ્ટાફની સાથે દાદાગીરીથી વાત કરે છે, એ તેં જોયું હશે. એ છતાં મોટોભા કરીને બધા કેમ સાચવે છે, એ ખબર છે તને ?'

મનોજે નકારમાં માથું ધૂણાવ્યું.

'અત્યારે ખખડી ગયેલો બુઢ્ઢો લાગે છે, પણ તેં એની આંખો ક્યારેય ધ્યાનથી જોઈ છે? શિકારી કૂતરા જેવી ખતરનાક આંખો છે. આ માણસે એની યુવાનીમાં એક સાથે ચાર પોલીસવાળાને ભડાકે દીધા હતા! એ વખતે આ માણસનું નામ આખા ગુજરાતના ખૂણે ખૂણે ચર્ચાતું હતું. એ જમાનામાં એક સાથે ચાર ખૂન અને એ પણ પોલીસવાળાના! દિવસો સુધી છાપાઓમાં કાનજી હીરાનું નામ ફોટા સાથે ચમકતું રહેલું.'

મનોજે આશ્ચર્યથી પૂછયું. 'આ કાનજી હીરા અન્ડરવર્લ્ડનો ડોન હતો?'

'કાનજી હીરાને અન્ડરવર્લ્ડ સાથે નહાવા-નિચોવવાનો પણ સંબંધ નહોતો, એ કોઈ ગેંગસ્ટર પણ નહોતો  એના કેસમાં તો માસુમ મહોબ્બતનો મામલો હતો !' 

શેખરે કથા શરૂ કરી. 'હું આ બ્રાન્ચમાં આવ્યો પછી એક દિવસ કાનજી ખૂબ ખુશ હતો ત્યારે મારી ચેમ્બરમાં બેસીને એણે પોતાની આત્મકથા સંભળાવેલી. કાનજી હીરાને પાડોશમાં રહેતી રંભા જોડે પ્રેમ થઇ ગયેલો, પણ બંનેની જ્ઞાાતિ અલગ અને કાનજીની છાપ માથાભારે દાદા ટાઈપની એટલે રંભાના મા-બાપે ના પાડી દીધી. પણ એ સમયે પચીસ વર્ષનો કાનજી રંભાના પ્રેમમાં પૂરેપૂરો પાગલ બની ચૂક્યો હતો. રંભા માટે એ ગમે તેવું જોખમ લેવા તૈયાર હતો. સામે રંભા પણ એને દિલોજાનથી ચાહતી હતી.  એ બંનેએ ભાગી જવાનો પ્લાન બનાવ્યો પણ રંભાના ફેમિલીને ગંધ આવી ગઈ.

બિચારી રંભા ઉપર કડક ચોકીપહેરો લાગી ગયો. એના બાપાએ દોડાદોડી કરીને દસ દિવસમાં રંભા માટે મુરતિયો શોધીને તાબડતોડ લગ્ન પણ ગોઠવી દીધા. રાજકોટ પાસેના ગામડેથી જાન આવી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લગ્નવિધિ પતી ગઈ. રંભા સાસરે રવાના થઇ ગઈ. એના વિરહમાં તડપતો કાનજી બેચેન બનીને અકળાયો હતો. હૃદયની આગ અસહ્ય બની એ જ વખતે એને જાણવા મળ્યું કે સાસરામાં રંભાની દશા સારી નથી. એનો વર મારઝૂડ કરે છે અને એ બાપડી રાત-દિવસ રડયા કરે છે.

આવું સાંભળ્યા પછી જાત ઉપર કાબૂ રાખવાનું કાનજી માટે મુશ્કેલ હતું. તાકાત તો હતી એ ઉપરાંત, અક્કલ વાપરીને એણે પ્લાન બનાવ્યો બે ભાઈબંધોને લઈને એ રંભાના સાસરે પહોંચી ગયો. રંભા તો કાનજી માટે મરી ફીટવા તૈયાર હતી. ઈશારો મળ્યો કે તરત એ ઘરમાંથી બહાર આવી ગઈ. આમ, કાનજી રંભાને ભગાડીને અહીં લઈ આવ્યો.'

લગીર અટકીને શેખરે મનોજ સામે જોયું. એ ધ્યાનથી સાંભળતો હતો. 

'બંને ગામમાં હોહા મચી ગઈ. રંભાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ બાજુ રંભાના બા-બાપા અને ભાઈઓએ પણ પોલીસનું શરણ લીધું. કાનજીની દાદાગીરી જોરદાર હતી એટલે સ્થાનિક પોલીસને તો એ ઘોળીને પી ગયો હતો. રંભાને ભગાડી લાવતાં અગાઉ અગમચેતીના પગલાંરૂપે એણે ક્યાંકથી થ્રી નોટ થ્રીની બંદૂક પણ ખરીદી લીધી હતી. એકલદોકલ કોન્સ્ટેબલ તો એની સામે અવાજ કરવાની પણ હિંમત ના કરે એવી કાનજીની ધાક હતી. રંભાના પતિ માટે તો હવે વટનો સવાલ હતો. રંભાના બાપા એની પડખે હતાં.

કાનજી અને રંભાને હવે દુનિયાની જરાય પરવા નહોતી. જેટલા સમન્સ આવે એ બધા કાનજી ફાડીને ફેંકી દેતો હતો. અંતે, સસરો અને જમાઈ સાથે મળીને ધારાસભ્યને મળ્યા. એની પાસે ફોન કરાવીને જિલ્લાના પોલીસ અધિકારીને મળ્યા. એ પછી પોલીસ એક્શનમાં આવી. ચારેક વાગ્યે બે જીપ ભરીને પોલીસનું ધાડું આવ્યું અને કાનજીના ઘરને ઘેરી લીધું. મેગાફોનથી પોલીસે કાનજીને ચેતવણી આપી અને શરણે થઇ જવા આદેશ આપ્યો. કાનજીને પોતાની તાકાત અને બંદૂક ઉપર ભરોસો હતો એટલે હાર સ્વીકારવાને બદલે લડી લેવાનો નિર્ધાર કર્યો. રંભા તો પતિની પાસે પાછા જવાને બદલે કાનજી સાથે મરવા પણ તૈયાર હતી.

બંને ઘરમાં બંધ હતાં, પોલીસે ઘરને ઘેરી લીધું હતુંત અને આખું ગામ ટોળું વળીને આ તમાશો જોઈ રહ્યું હતું. છેક સાંજ પડી ત્યાં સુધી પોલીસવાળા આદેશ આપતાં રહ્યાં. પણ કાનજી શરણે ના થયો. આખરી ચેતવણી આપીને પોલીસે ફાયરિંગ શરૂ કર્યું. હવામાં ગોળીબારની કોઈ અસર ના થઇ એટલે એ લોકોએ ઘરના બારણાં ઉપર ગોળીઓ છોડી. બહાર પોલીસોની સંખ્યા કેટલી છે એનો કાનજીને ખ્યાલ નહોતો અને પરવા પણ નહોતી. હિંમતપૂર્વક છાપરાંની વળીઓ કાપીને એણે નળિયાં ખસેડયાં. છાપરાં ઉપર લપાઈને એણે બહાર નજર કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. છાપરાંનો ઢાળ એ રીતનો હતો કે પોલીસને એની આ હિલચાલનો અણસાર ના આવ્યો.

તું મને બંદૂક લંબાવ અને કારતૂસનો ડબ્બો લઈને ઉપર આવી જા.. કાનજીએ રંભાને કહ્યું અને રંભા ઉપર આવી ગઈ. નીચે ઘરના બારણાં ઉપર પોલીસે ફરીથી ગોળીબાર શરૂ કર્યો. પોતાની પાસે પણ હથિયાર છે, એની પોલીસને જાણ થાય એ માટે કાનજીએ હવામાં ગોળી છોડી એટલે પોલીસ અને ગામવાળા ચોંકી ઉઠયાં. ગોળીબારની દિશા પારખીને એક પોલીસ અધિકારી ચાલાકીથી સરકીને મકાનની પાછળના ભાગે પહોંચી ગયો.

એ હવે કાનજીને જોઈ શકતો હતો. એણે ચેતવણી આપીને શરણે થઇ જવા આદેશ આપ્યો, પણ હવે પારોઠના પગલાં ભરવાનું કાનજી માટે શક્ય નહોતું. એણે હવામાં ગોળીબાર કરીને પોલીસને પાછા જવા ત્રાડ પાડી. એ દરમ્યાન બધાં પોલીસો આ તરફ દોડી આવ્યાં હતાં. પોલીસે આખરી ચેતવણી આપી. જવાબમાં કાનજીએ ફરીથી હવામાં ગોળીબાર કર્યો. પોલીસે છાપરાં ઉપર ધડાધડ ગોળીઓ છોડી. આવું દિલધડક દ્રશ્ય તો આ ગામમાં પહેલી વાર જોવા મળ્યું હતું એટલે ગામલોકો શ્વાસ રોકીને દૂર ઊભા રહીને આ યુદ્ધ જોઈ રહ્યા હતા. પોલીસની એક ગોળી રંભાના કપાળમાં વાગી અને એની ખોપરીના ફૂરચા ઊડી ગયા.

એ જોઇને કાનજીની કમાન છટકી. હવે એને પોતાના જીવની પણ પરવા નહોતી. પૂરા ઝનૂનથી એણે ગોળીઓનો વરસાદ વરસાવ્યો. છાપરા ઉપર વાંકોચૂંકો થઈને એ પોતાની જાત બચાવી રહ્યો હતો. સામે પડેલી રંભાની લાશ ઉપર નજર અટકે ત્યારે એનું ઝનૂન બેવડાતું. રંભા હવે નથી એ સમજ સાથે વેર વાળવા માટે એ પાગલ થઈ ચૂક્યો હતો. પોતાની દુનિયા ઉજાડનાર ખાખી યુનિફોર્મ ઉપર દાંત ભીંસીને ગોળીઓ ધરબી રહ્યો હતો. અંતે, કારતૂસનો ડબ્બો ખાલી થઈ ગયો ત્યારે હાથ અધ્ધર કરીને એ છાપરાં ઉપર ઊભો રહ્યો. નીચે શેરીમાં લોહીના ખાબોચિયાં ભરાયાં હતાં. એક ઈન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલની લાશ લોહીમાં લથબથ થઈને પડી હતી. બે ઘાયલ કોન્સ્ટેબલ તરફડતાં હતાં. આખું ગામ સ્તબ્ધ હતું.'

ઉત્તેજનાથી એકસાથે આટલું બોલ્યા પછી શેખર અટક્યો. પ્રેમ અને વેરની લોહીભીની કથા સાંભળીને મનોજ પણ થીજી ગયો હતો.

'પછી તો કેસ ચાલ્યો અને જનમટીપની સજા મળી. પણ કાનજી નસીબનો બળિયો એટલે આઠ વર્ષ પછી ગાંધી જન્મશતાબ્દી નિમિત્તે કેદીઓની સજા માફ થઇ એમાં એ છૂટી ગયો. પાછો ગામમાં આવ્યો અને જાણે કશુંય બન્યું જ ના હોય એ રીતે સામાન્ય જિંદગી જીવવા લાગ્યો.  એ પછી આજ સુધીમાં એણે કોઈને ધોલધપાટ પણ નથી કરી. આ આપણા કાનજી હીરાની કથા.' 

શેખરની વાત પૂરી થઇ ત્યારે સાણંદ આવી ગયું હતું. 

બ્રાન્ચના ઉદ્ઘાટનના દિવસે શેખર ખુશ હતો. કાનજી હીરાએ મહેનત કરી હશે એવું લોકોની ભીડ જોઇને લાગતું હતું. મકાનની બહાર શમિયાણો બાંધીને નાનકડું સ્ટેજ બનાવ્યું હતું. બૅન્કના ચેરમેન જાડેજા ખુશખુશાલ હતા. 

પ્રાસંગિક પ્રવચનો પતી ગયાં પછી બધા બેન્કના બારણાં પાસે આવ્યાં. સુશોભિત ટ્રેમાં કાતર લઈને શેખર જાડેજા પાસે આવ્યો.

'આ રિબીન કાપીને ઉદ્ઘાટન કરવાનું કામ મારું નથી..' જાડેજાસાહેબે બધાની વચ્ચે નમ્રતાથી કહ્યું ને શેખર સામે જોયું.'આપણી આ સહકારી બેન્ક આ બધા ખાતેદારોની છે. આમાંથી જ કોઈ જૂના કસ્ટમરના હાથે આ વિધિ કરાવીએ.'

શેખરે તરત કાનજી સામે જોયું અને આગળ આવવા ઈશારો કર્યો. તાળીઓના ગડગડાટ વચ્ચે કાનજીએ હરખભેર રિબીન કાપી. એ પછી આઇસક્રીમ શરૂ થયો. લોકો આઇસક્રીમ ખાતા હતા ત્યારે કાનજી જાડેજાસાહેબ અને શેખરની પાસે જ ઊભો હતો.

'સર,આપે વાલ્મિકીની કથા તો સાંભળી હશે..' શેખરે જાડેજાને જાણકારી આપી. 'આ કાનજીભાઈ હીરાભાઈની કથા કંઈક એવી જ છે. વર્ષો અગાઉ ગુસ્સાના આવેશમાં એમણે એક સાથે ચાર પોલીસની હત્યા કરી નાખેલી પણ એ પછી પારાવાર પસ્તાવા સાથે અત્યારે શાંતિથી જીવે છે..' 

સહેજ ચોંકીને જાડેજાએ ધ્યાનથી કાનજીના ચહેરા સામે જોયું. 'પ્લીઝ, એમને લઈને અંદર ચેમ્બરમાં આવો..' શેખરને ધીમા અવાજે આટલી સૂચના આપીને એ સડસડાટ આગળ ગયા. આશ્ચર્યચકિત શેખર કાનજીને લઈને મેનેજર માટેની નવી ચેમ્બરમાં આવ્યો. ત્યાં જાડેજા ગંભીર બનીને ઊભાં હતાં.

જાડેજાએ ઝૂકીને કાનજીનો ચરણસ્પર્શ કર્યો ત્યારે કાનજી ડઘાઈ ગયો અને શેખરનું મગજ ચકરાઈ ગયું.

'કાનજીભાઈ, વર્ષોથી આપને શોધતો હતો. આપના ઉપકારનો બોજો ઉપાડીને થાકી ગયો હતો ને આજે અચાનક આપના દર્શન થયા.ખરેખર,ખરા હૃદયથી મળવા ઈચ્છતો હતો એટલે ઈશ્વરે આપની સાથે મુલાકાત કરાવી આપી.'

જાડેજા ગળગળા અવાજે બોલી રહ્યા હતા.

કંઈ સમજાતું નહોતું એટલે કાનજી ડઘાયેલી હાલતમાં એમની સામે તાકી રહ્યો હતો. શેખર પણ સ્તબ્ધ હતો.

'મારા ઉપર જે ઉપકાર કર્યો છે એનો આપને તો લગીર પણ ખ્યાલ નથી. ખરેખર, આપની અમીદ્રષ્ટિ ના થઈ હોત તો આજે હું રોડ ઉપર ભિખારીની દશામાં ભટકતો હોત..' કાનજી સામે બે હાથ જોડીને જાડેજા ભીના અવાજે બોલતાં હતાં અને કાનજી સ્તબ્ધ હતો. ડઘાઈ ગયેલો શેખર વારાફરતી એ બંનેની સામે તાકી રહ્યો હતો.

'અંજારમાં મારા ગ્રાન્ડફાધર- દાદાબાપુની આલિશાન હવેલી અને બસ્સો વીઘા જમીન હતી. એમને બે દીકરા. એક મારા બાપુ, એ સાવ ભગવાનના માણસ અને બીજા મારા કાકાબાપુ, એક નંબરના શેતાન. દાદાબાપુ દેવલોક પામ્યાં એ પછી ત્રીજા જ વર્ષે મારા બાપુને અચાનક હાર્ટએટેક આવ્યો ને એ પણ દાદાબાપુ પાસે પહોંચી ગયા. હું અને મારાં બા સાવ હેબતાઈ ગયાં હતાં. એ વખતે કાકાબાપુ નોકરીમાંથી રજા લઈને દોડી આવ્યા. એમણે કેટલાય કાગળમાં મારા બાની સહીઓ કરાવી લીધી. સગા દિયર ઉપર ભરોસો હોવાથી એમણે જ્યાં જ્યાં નિશાની કરી હતી ત્યાં બાએ મત્તું મારી આપ્યું...'

જાડેજા યાદ કરીને બોલી રહ્યા હતા. કંઈ ટપ્પી પડતી નહોતી એટલે કાનજી અને શેખર બાઘાની જેમ એકબીજાની સામે તાકી રહ્યાં હતાં.

'દસ દિવસ પછી અમને ખબર પડી કે અમે રહેતા હતા એ હવેલીથી માંડીને દાદાબાપુની તમામ મિલકત કાકાબાપુએ પોતાનાં નામે કરી નાખી છે. કાકા-કાકીએ અમને એ ઘરમાંથી રવાના કરી દીધા પછી હું અને બા મામાના આશરે રહેવા જતા રહ્યા..'

એ કડવી સ્મૃતિઓના સ્મરણ સાથે એમનાં અવાજમાં લગીર ધ્રૂજારી ભળી. 

'કાકાબાપુ પોલીસ ઇન્સ્પેક્ટર હતાં..' કાનજી સામે તાકીને જાડેજાએ ખુલાસો કર્યો. 'આપે જે ચાર ઢીમ ઢાળી દીધેલાં એમાં એક મારા કાકાબાપુ! એ આવી રીતે મર્યા એ પળે કાકીસાને ઝાટકો લાગ્યો. એમનો અંતરાત્મા જાગ્યો. વીજળીના ચમકારાની જેમ સમજાઈ ગયું કે આ શેનું ફળ મળ્યું. એમણે અમને બોલાવ્યાં, સદગત કાકાબાપુ વતી માફી માંગી અને અમારો ભાગ આપી દીધો...'

જાડેજા બોલતા હતા. કાનજી નીચું જોઇને સાંભળતો હતો. શેખર હજુ સ્તબ્ધ હતો.

Tags :