- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- મામલો તો માત્ર અઢી હજાર ચોરસ વાર જમીનનો હતો. ડિલિયાં ગામમાં શિવરામના ઘર પાસેના ખેતરમાં જ્યાં ત્રણેય લાશ ઢળી પડી હતી, એ પંદર ફૂટના વિસ્તારમાં એમના લોહીથી ધરતી રંગાઈ ગયેલી...
- અભય યાદવ
- અભયની ધરપકડ
- આ કુહાડીથી હત્યા કરેલી
એ ક પુત્ર અને એક પુત્રી -વૃધ્ધ માતા-પિતાને માત્ર આવા બે સંતાન હોય અને શાંતિથી જીવી શકાય એટલી ખેતીની આવક હોય તો પછી એમની જિંદગી કેટલી સુખી હોય? આ કલ્પના ખૂબ સુંદર છે, પરંતુ વરવી વાસ્તવિકતા તો ક્યારેક વિકરાળ હોય છે. વાંચીને કમકમાટી ઉપજે એવી આ ઘટના ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લાની છે. રક્ષાબંધનનો તહેવાર નવમી ઓગસ્ટે આવવાનો હતો, અને બહેન એની તૈયારી કરી રહી હતી, પરંતુ એના તેર દિવસ અગાઉ રવિવાર, તારીખ ૨૭-૭-૨૦૨૫ ના દિવસે આ કરપીણ ઘટના બની અને ભાઈનો હાથ રાખડીને બદલે બહેનના લોહીથી રંગાઈ ગયો!
ગાઝીપુર જિલ્લાના ડિલિયાં ગામ એટલે આખુંય ગામ યાદવોનું અને મોટા ભાગનાનો વ્યવસાય ખેતીવાડીનો. આ બધા યાદવ પરિવારોમાં શિવરામ યાદવનો પરિવાર સહેજ અલગ હતો. પાંસઠ વર્ષના શિવરામની પત્નીનું નામ જમુનીદેવી (સાંઈઠ વર્ષ). એમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો. પાંત્રીસ વર્ષની દીકરીનું નામ કુસુમ અને બત્રીસ વર્ષના દીકરાનું નામ અભય યાદવ.
અભય સોળેક વર્ષનો હતો ત્યારે એક ગંભીર માંદગીમાં પટકાયો હતો અને બધાને એવું લાગતું હતું કે એ નહીં જ બચે. એ વખતે એક તાંત્રિકે મંત્ર-તંત્ર કરીને અભયના કાંડા પર એક માદળિયું બાંધી દીધેલું અને જાણે ચમત્કાર થયો હોય એમ અભય સાવ સાજો થઈ ગયેલો! એ પછી અભયને મંત્ર-તંત્ર ઉપર એટલી બધી આસ્થા વધી ગયેલી કે પેલા તાંત્રિકે આપેલા મંત્ર-તંત્રના ચાર્ટ ફ્રેમમાં મઢાવીને ઘરમાં લગાવ્યા હતા. અભયનો સ્વભાવ અકડુ અને ઉગ્રગુસ્સાવાળો, એ ઉપરાંત એના આવા જાદૂટોનાના વળગણને લીધે એ ગામલોકોથી થોડો અલિપ્ત જ રહેતો હતો.
બહેન કુસુમની જિંદગી પારાવાર પીડાથી ભરેલી હતી. શિવરામ અને જમુનીદેવીએ એને ઓગણીસ વર્ષની ઉંમરે જ પરણાવી દીધી હતી. પાંચેક વર્ષ સુધી પતિ અને નણંદોનો ત્રાસ સહન કર્યા પછી સહનશીલતાની હદ આવી, એટલે એ પિયરમાં પાછી આવી ગઈ હતી. એ પછી શિવરામ અને જમુનીદેવીએ બીજો મુરતિયો શોધીને એને પરણાવી તો ખરી, પરંતુ એ જમાઈ તો પાક્કો દારૂડિયો હતો અને દારૂના નશામાં રોજ મારઝૂડ કરતો હતો. રડી કકળીને કુસુમ ફરી વાર પિયરમાં પાછી આવી ગઈ હતી. શિવરામે એને એક નાનકડી દુકાન અપાવી હતી. ત્યાં સુધીમાં તો અભયના પણ લગ્ન થઈ ચૂક્યા હતા. એની પત્ની મુન્નીએ કુશળ ગૃહિણી તરીકે ઘરનું કામકાજ સંભાળી લીધું હતું. શિવરામ, જમુનીદેવી, અભય, મુન્ની અને કુસુમ બધા એક જ ઘરમાં રહેતા હતા. ઘેર બે ગાય અને એક ભેંસ હતી અને જમુનીદેવી એમની સંભાળ રાખતા હતા. કુસુમ પોતાની દવાની દુકાન સંભાળતી હતી અને અભય પિતાની સાથે ખેતીવાડી સંભાળતો હતો. અભય અને મુન્નીને સંતાનમાં ચાર વર્ષનો દીકરો અને બે વર્ષની દીકરી હતા.
આખોય પરિવાર સંપીને શાંતિથી રહેતો હતો. બે વખત સાસરેથી પાછી આવેલી દુભાયેલી દીકરી કુસુમ પ્રત્યે શિવરામ અને જમુનીદેવીને સ્વાભાવિક રીતે જ વધારે લાગણી હતી. એમના વ્યવહારમાં પણ એ દેખાઈ આવતું હતું. એ જોઈને અભય અને એની પત્ની મુન્ની મનોમન ધૂંધવાતા હતા. એ છતાં, મા-બાપને કંઈ કહેવાને બદલે સહન કરી લેતા હતા.
મે, ૨૦૨૫ માં પરિસ્થિતિ થોડી બદલાઈ. પુત્રી પ્રત્યેની લાગણીને લીધે શિવરામને મનમાં ચિંતા થઈ કે અમારો પંડ નહીં હોય એ પછી અભય અને મુન્ની કુસુમની કાળજી રાખશે કે કેમ? શિવરામ અને જમુનીદેવીએ નક્કી કર્યું કે આપણી જે જમીન છે, એમાંથી એક ટૂકડો જો કુસુમના નામે કરી દઈએ, તો એને ભવિષ્યમાં કોઈ ચિંતા ના રહે.પોતાની પાસે વધારે જમીન તો નહોતી, પરંતુ જે હતી એ ખૂબ ફળદ્રુપ હતી. મા-બાપે નક્કી કર્યું કે ખેતરમાંથી જે તેર બિસ્વાનો ટૂકડો છે, એ કુસુમના નામે કરી દઈએ. (જમીનની માપણી માટે ઉત્તરપ્રદેશમાં જૂનવાણી માપ બિસ્વાનો હજુ ઉપયોગ થાય છે. એમાં પણ અલગ અલગ વિસ્તારમાં બિસ્વાનું માપ જુદું હોય છે. એક બિસ્વા એટલે લગભગ અઢારસો ચોરસ ફૂટ.)
આ વાત જાણીને અભયની કમાન છટકી. માતા- પિતા જમીનનો એક હિસ્સો સાસરેથી પાછી આવીને આ ઘરમાં માથે પડેલી બહેનના નામે કરી આપે, એ વાત એને લગીર પણ મંજૂર નહોતી. કુસુમ દવાની દુકાને જવા માટે નીકળી જાય, એ પછી ઘરમાં આ મુદ્દે ઝઘડો શરૂ થતો. અભય પિતા સાથે લડતો અને એની પત્ની મુન્ની સાસુ જમુનીદેવી સાથે કચકચ કરતી.
અભય ગામમાં નીકળે ત્યારે જે મળે એની સાથે વાત કરીને બખાળા કાઢતો કે મારા બાપા અડધી જમીન કુસુમના નામે કરી દેવા માગે છે. બાપ-દીકરા વચ્ચેના ઝઘડાની વાત આખા ગામમાં ચર્ચાનો વિષય બની, એટલે ગામના આગેવાનોએ પંચાયત બોલાવીને એમાં આ બાપ-દીકરાને બોલાવ્યા. શિવરામે તો પોતાના મનની વાત કહીને કહી દીધું કે મારી જમીન છે અને એમાંથી તેર બિસ્વાનો ટૂકડો હું મારી લાચાર દીકરીને આપવા માગું છું, એમાં કોઈનાય વિરોધની મને પરવા નથી. એ સાંભળીને ગુસ્સાથી ધૂંધવાઈને અભય પગ પછાડીને ઊભો થઈને જતો રહ્યો.
અત્યારથી આ દીકરો આવી કચકચ કરે છે, તો અમે નહીં હોઈએ ત્યારે તો એ કુસુમને હડધૂત જ કરશે- એમ વિચારીને શિવરામે મક્કમ નિર્ધાર કર્યો.તારીખ ૨૫-૭-૨૦૨૫ ના દિવસે ગામના તલાટી સાથે મળીને જરૂરી કાર્યવાહી પતાવીને જમીનનો તેર બિસ્વાનો ટૂકડો કુસુમના નામે રજિસ્ટર કરાવી દીધો!
રવિવાર, તારીખ ૨૭-૭-૨૦૨૫. મુન્નીએ રસોઈ બનાવી અને બધાએ જમી લીધું. એ પછી સ્કૂટી લઈને કુસુમ કોઈ કામે ગામમાં ગઈ. મુન્ની અને જમુનીદેવી ઘરમાં છાણથી લિંપણ કરતા હતા.બાપાએ જમીન કુસુમના નામે કરાવી દીધી છે, એ જાણકારી મળ્યા પછી અભયનું મગજ ફાટફાટ થતું હતું. ભયાનક ગુસ્સા સાથે એણે શિવરામને કહ્યું કે એ રજિસ્ટ્રેશન કેન્સલ કરાવી દો, નહીં તો પરિણામ સારું નહીં આવે. બાપ-દીકરા વચ્ચે ઉગ્રતાથી બોલાચાલી થતી હતી અને મુન્નીએ પણ સાસુ સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું. ઝઘડતી વખતે આજે તો અભય છેલ્લા પાટલે બેસી ગયો હતો. ગુસ્સાથી ચહેરો લાલઘૂમ હતો અને આંખોમાં પાશવી ચમક ઉભરાતી હતી.
એ જ વખતે સ્કૂટી લઈને કુસુમ પાછી આવી. જૂના ઘર પાસે સ્કૂટર મૂકીને એ ખેતર પાસેના નવા ઘર તરફ આવી રહી હતી. એને જોઈને અભયે આ પાર કે પેલે પારનો નિર્ધાર કરી લીધો. પિતા સાથેનો ઝઘડો પડતો મૂકીને એણે કુહાડી હાથમાં લીધી અને કુસુમ તરફ દોડયો. ભાઈની આંખોની હિંસક ચમક જોઈને ગભરાયેલી કુસુમે માથા પરની હેલ્મેટ સાથે જ ખેતર તરફ દોટ મૂકી. બચવા માટે એ ભાગી, પરંતુ આજે અભયના માથે કાળ સવાર હતો. એણે દોડીને કુસુમની ગરદન ઉપર કુહાડી મારી. લથડી પડેલી કુસુમ ઉપર આડેધડ કુહાડી મારતો રહ્યો. અભય સબાસબ કુહાડી વિંઝતો હતો અને કુસુમ ચીસો પાડતી હતી. એની ચીસો સાંભળીને શિવરામ ત્યાં દોડી આવ્યા. લોહીથી લથબથ કુસુમ ઢળી પડી હતી અને અભય કુહાડી લઈને શિવરામ ઉપર તૂટી પડયો. પતિની ચીસો સાંભળીને જમુનીદેવી લથડતા પગે એમને બચાવવા દોડયા, પરંતુ ગુસ્સાના આક્રોશમાં અભય રાક્ષસ બની ચૂક્યો હતો. ધડાધડ કુહાડીના ઘા મારીને એણે પિતા અને માતાને પણ ખતમ કરી નાખ્યા!
ચીસાચીસ સાંભળીને ગામલોકો પણ દોડી આવ્યા હતા, પરંતુ અભયનું રૌદ્ર રૂપ જોઈને એની પાસે જવાની કોઈની હિંમત નહોતી. લોહીથી લથબથ બહેન, પિતા અને માતાની લાશ પાસેથી ભાગીને એ ઘર પાસે આવ્યો. ઘરના બારણે ઊભા રહીને મુન્નીએ આ ખોફનાક દ્રશ્ય જોયું હતું. કુહાડી ત્યાં જ ફેંકીને અભયે બાઈકની ચાવી હાથમાં લીધી. ગામલોકો જોઈ રહ્યા. બંને બાળકોને લઈને મુન્ની બાઈકની પાછળ બેસી ગઈ અને અભયે બાઈક મારી મૂકી!
ડિલિયાં ગામમાં અગાઉ આવું તો ક્યારેય બન્યું નહોતું એટલે ત્યાં ભેગા થઈ ગયેલા ગામલોકો હેબતાઈ ગયા હતા. ભીડમાંથી કોઈએ પોલીસને ફોન કર્યો. ટ્રિપલ મર્ડરની વાત સાંભળીને ગાઝિપુરના જીઁ ઈરાજ રાજા, છગ. જીઁ જ્ઞાનેન્દ્રનાથ પ્રસાદ અને સર્કલ ઈન્સ્પેક્ટર શેખર સેંગર ત્યાં દોડી આવ્યા. લોકોની ભીડને દૂર ખસેડીને ફોરેન્સિક ટીમે એમની કાર્યવાહી શરૂ કરી. ગામલોકો એટલા સ્તબ્ધ હતા કે કોઈ કંઈ બોલવા પણ તૈયાર નહોતા. શિવરામના પિતરાઈ ભાઈ અમરનાથ યાદવે આખી વાત કહી અને હત્યાની ફરિયાદ નોંધાવી. શિવરામનું આ ઘર અને ખેતર મુખ્ય રસ્તાથી પચાસેક મીટર દૂર હતું એટલે ત્રણેય લાશને ખાટલામાં મૂકીને રોડ પર ઊભેલી પિકઅપ વાન પાસે લઈ જવાઈ. એ પછી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.
અભયની હેવાનિયત જોઈને પોસ્ટમોર્ટમ કરનારા તબીબો પણ ચોંકી ઉઠયા. પિતા શિવરામને અભયે કુહાડીના નવ ઘા માર્યા હતા. બહેન કુસુમ પર સાત પ્રહાર કરીને અભયે જમીનનો પ્રશ્ન ઉકેલી નાખ્યો હતો! વૃધ્ધ માતા જમુનીદેવીનો જીવ તો ત્રણ પ્રહારમાં જ નીકળી ગયો હતો.
પોલીસની ત્રણ ટીમ અભયને પકડવા માટે કામે લાગી ગઈ હતી.
આખા ગામમાં સન્નાટો છવાયો હતો. શિવરામના ઘર પાસે ફરકવા પણ કોઈ તૈયાર નહોતું. પોસ્ટમોર્ટમ પછી ત્રણેય લાશને લઈને શિવરામના ત્રણ સાળાઓ ગામમાં આવ્યા તો ખરા, પણ દહેશત એવી હતી કે ગામનો એકેય યાદવ અગ્નિસંસ્કારમાં પણ સહભાગી ના બન્યા! શિવરામના સાળાઓ અને પિતરાઈ અમરનાથે જ મળીને ત્રણેય કમનસીબ લાશની અંતિમવિધિ પતાવી. ચિતાઓ ઠંડી પડી એટલે અસ્થિઓ લઈને શિવરામના સાળાઓ આ ગામમાંથી નીકળીને પોતાને ગામ જતા રહ્યા!
અભયના મંત્ર-તંત્રની બીક અને ઘરમાં એણે લગાવેલા એના ફોટાઓને લીધે અંધશ્રધ્ધાળુ ગામલોકોમાંથી કોઈ એ ઘર તરફ જવા પણ તૈયાર નહોતું. ઘરમાં બાંધેલી ગાય-ભેંસ પણ ભૂખ-તરસથી વ્યાકુળ થઈને ભાંભરી રહી હતી.
પોલીસની કાર્યવાહી ચાલુ હતી. ઘટનાના પાંચ દિવસ પછી કોઈ ખબરી દ્વારા પોલીસને જાણકારી મળી. શુક્રવાર તારીખ ૧-૮-૨૦૨૫ ના દિવસે પોલીસે અભયને પકડી પાડયો. તેં આવું કાળું કામ કેમ કર્યું ? જનમ આપનાર માતા-પિતા અને સગી બહેનને મારી નાખતા પહેલા તને કોઈ વિચાર પણ ના આવ્યો?પોલીસ અધિકારીએ આવું પૂછયું ત્યારે અભયે કહ્યું કે એ મારી બહેન મારી દુશ્મન હતી. મા-બાપને ચાવી ચડાવીને એ બધુંય હડપ કરવા માગતી હતી, એટલે એને મારી નાખી. મા અને બાપા એનું બહુ ઉપરાણું લેતા હતા એટલે એમને પણ બહેનની સાથે જ ખતમ કરી નાખ્યા!
મામલો તો માત્ર અઢી હજાર ચોરસ વાર જમીનનો હતો. ડિલિયાં ગામમાં શિવરામના ઘર પાસેના ખેતરમાં જ્યાં ત્રણેય લાશ ઢળી પડી હતી, એ પંદર ફૂટના વિસ્તારમાં એમના લોહીથી ધરતી રંગાઈ ગયેલી- એ જગ્યાથી ગામલોકો હજુ દૂર રહે છે !


