Get The App

આરતી અચાનક ગુમ ક્યાં થઈ ગઈ ?

Updated: Mar 17th, 2020

GS TEAM

Google News
Google News
આરતી અચાનક ગુમ ક્યાં થઈ ગઈ ? 1 - image


ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિાક

છેલ્લા થોડા સમયથી જેટલી વાર એને ફોન કરું એટલી વાર એનો ફોન બિઝી હોય. આરતી કોની સાથે આટલી લાંબી વાત કરતી હશે? 

ચૌદમી ઓગસ્ટ,૨૦૧૯, ભારતના આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ હવામાં ઉકળાટ હતો. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જવા માટે માત્ર છ જ પગથિયાં ચડવા પડે પરંતુ એમાંય જાણે એવરેસ્ટ ચડયાનો થાક લાગ્યો હોય એવી શાંતિભાઈની દશા હતી. ઉચાટથી વ્યગ્ર હાલત અને ચહેરા પરની પીડા પારખીને એ.એસ.આઈ. પરેશ ચૌધરીએ પૂછયું.'વડીલ,ક્યાંથી આવો છો? શું પ્રોબ્લેમ છે?'

'ધાનપુરાથી.' જવાબ આપીને એમણે બે હાથ જોડયા.'મારી દીકરી આરતી..' બોલતી વખતે એમની આંખ ભીની થઈ ગઈ. 'વીસ વર્ષની મારી દીકરી આરતી ગૂમ થઈ ગઈ છે. ભોળી પારેવા જેવી મારી દીકરીને શોધી આપો, સાહેબ!'

'દીકરી મોબાઈલ રાખે છે? કોઈની સાથે પ્રેમમાં હતી? કોઈ ચિઠ્ઠી મૂકતી ગઈ છે? એની બહેનપણીઓને પૂછયું?' યુવતી ગૂમ થયાના કેસમાં રૂટિનમાં પૂછાતા પ્રશ્નોના જવાબમાં શાંતિભાઈએ નિરાશાથી ડોકું ધૂણાવ્યું. 'એ પરણેલી છે, સાહેબ, કોઈ લફરું કરે એવી નથી. તોય રામ જાણે શું થઈ ગયું !'

'પરણેલી છે તો એનો વર? એ ક્યાં છે?' 

'જમાઈનું નામ ભરત પરમાર. એ વિરૂણા ગામનો છે પણ નોકરી સાણંદમાં છે. અમારા સામાજિક રિવાજ મુજબ આરતી પિયરમાં હતી અને આ ઉપાધિ આવી ગઈ.'

'ચિંતા ના કરો,વડીલ, ફોટો લાવ્યા છો? એ આપો અને પૂછું એના જવાબ આપો.'

આરતીના દેખાવનું વર્ણન, એણે પહેરેલા કપડાની વિગત અને ફોટા સાથે જાહેરાતનું મેટર તૈયાર થઈ ગયું. ગૂમ થયેલ આ વ્યક્તિની તપાસ માટેની સૂચના સાથે જરૂરી વિગતો જિલ્લાના તમામ પોલીસ મથક ઉપર મોકલી આપવામાં આવી અને આ કેસની તપાસ ઓ.પી.ઈન્ચાર્જને સોંપવામાં આવી. એમણે શાંતિભાઈ પાસેથી વધારાની જરૂરી માહિતી મેળવી લીધી. એ પછી આરતીનો મોબાઈલ નંબર પૂછીને એની કોલ ડિટેઈલ્સ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી. આ રીતે આરતીને શોધવા માટેની તપાસનો ધમધમાટ આરંભ થઈ ગયો.

પોલીસ તપાસ વિશે આગળ વાત કરીએ એ અગાઉ આરતીના પતિ ભરત પરમારની કથા જોઈએ.

વિરૂણા ગામનો ભરત બારમું પાસ કરીને એ હીરા ઘસવા માટે નવસારી ગયેલો. એ પછી અમદાવાદની એક રોલિંગમિલમાં નોકરી કરી.વધુ પગારની તક મળી એટલે છેલ્લા બે વર્ષથી સાણંદ જી.આઈ.ડી.સી.માં મધરસન કંપનીમાં જોડાયો હતો. સવારે પાંચ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીની એની શિફ્ટ હતી.કંપનીની બસ સાડા ચાર વાગ્યે સાણંદથી ઉપડે.ચાર સહકર્મચારીઓ સાથે ભરત એક ઓરડીમાં ભાડે રહેતો હતો. રૂપાળી સોનલ (નામ બદલેલ છે) એની જ કંપનીના બીજા ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી હતી. એ પણ આ બસમાં આવતી હતી. ધીમે ધીમે પરિચયમાંથી મિત્રતા થઈ અને એ ક્યારે પ્રેમમાં પરિવતત થઈ એનો ભરત કે સોનલને ખ્યાલ પણ ના રહ્યો. ઓરડીમાં પહોંચ્યા પછી આંખ સામે સોનલનો ચહેરો તરવરી ઉઠે ત્યારે ભરતને વિચાર આવતો કે મા-બાપે નક્કી કરેલી કન્યા જોડે લગ્ન કરીને પોતે મૂર્ખામી કરી છે. પોતાની આ ભૂલને લીધે સોનલનો સાથ પામવાનું સપનું શું ક્યારેય સાકાર નહીં થાય? હથોડાની જેમ આ સવાલ રોજ રાત્રે મગજમાં ઝિંકાતો હતો.

ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર મહેશ ચૌધરીને હવે આ કેસ પડકાર જેવો લાગતો હતો.આરતીના મોબાઈલની કોલ ડિટેઈલ્સ હાથમાં આવી.એ મુજબ બારમી ઓગસ્ટે રાત્રે ભરત સાથે લાંબી વાત થઈ હતી અને તેરમી તારીખે સવારથી બપોરના બાર વાગ્યા સુધીમાં આઠેક વાર ભરત સાથે વાત થઈ હતી. એ જોયા પછી ભરતના મોબાઈલ નંબરની કોલ ડિટેઈલ્સ મેળવવી જરૂરી હતી. એ દરમ્યાન તપાસ ચાલુ હોવા છતાં આરતી અંગે કોઈ માહિતી મળતી નહોતી. ઈન્સ્પેક્ટરે તમામ પેપર્સની ઝીણવટથી તપાસ કરીને પાસે ઊભેલા બીટ ઈન્ચાર્જ શરીફખાનને કહ્યું. 'આઈ એમ શ્યૉર કે ભરતના મોબાઈલની કોલ ડિટેઈલ્સ હાથમાં આવ્યા પછી કંઈક તાળો મળશે.'

કદાચ આરતી એના પતિ ભરતની પાસે સાણંદ પહોંચી ગઈ હશે એવી ધારણાથી આરતીના કાકા અને અન્ય બે વડીલો ચાર દિવસ પછી સાણંદ ગયા. ભરતને મળ્યા. વાત જાણ્યા પછી ભરતે શંકા વ્યક્ત કરી કે કદાચ એ કોઈની સાથે ભાગી ગઈ હશે. એ છતાં, એ બધાની સાથે એ પણ ધાનપુરા આવી ગયો. સવારથી સાંજ સુધી બધાની સાથે ધાનપુરા રહેતો અને પછી વિરૂણા પોતાના ઘેર જતો. તપાસની પ્રગતિ જાણવા માટે વચ્ચે વચ્ચે પોલીસ સ્ટેશને પણ જતો. એણે ઈન્સ્પેક્ટર ચૌધરીને કહ્યું.'મારી વાત માનો, સાહેબ, હું સાણંદમાં અને વીસ વર્ષની વછેરી જેવી ઉંમરે એ પિયરમાં. એમાં એને કોઈની સાથે લફરું થઈ ગયું હશે. એ પેલાની સાથે ભાગી ગઈ હશે.'  જ્યારે જ્યારે તક મળે ત્યારે ભરત આ વાતનું જ રટણ કરતો હતો એ હકીકત ચૌધરીના મગજમાં નોંધાઈ ગઈ હતી.

વીસમી ઓગસ્ટે ભરતના મોબાઈલની કોલ ડિટેઈલ્સ ઉપર ઈન્સ્પેક્ટર ચૌધરીએ ધ્યાનથી નજર ફેરવી એટલે એમના મનમાં ઘૂંટાતી શંકા હવે ખાતરીમાં ફેરવાઈ. રાત્રે અગિયાર વાગી ગયા હતા એ છતાં ઉકેલ હાથવેંતમાં દેખાતો હોવાથી એમનો ઉત્સાહ અડીખમ હતો. એમણે એ જ વખતે મિટિંગ બોલાવી. સબઈન્સ્પેક્ટર સુધીર રાણે, બીટ ઈન્ચાર્જ શરીફખાન અને રાઈટર રમેશ ચૌધરીને પોતાની ચેમ્બરમાં બેસાડીને આખું ચિત્ર સમજાવ્યું અને આવતી કાલે સવારે કોણે શું કરવાનું છે એ માટેની સૂચનાઓ આપી.

એકવીસમી ઓગસ્ટે સવારથી સાહેબની સૂચના મુજબ બધાએ પોતપોતાની જવાબદારી સંભાળી લીધી. ભરતને પોલીસ સ્ટેશન લાવવા માટે શરીફખાન નીકળી ચૂક્યા હતા. રાણે અને રમેશ ચૌધરી પૂરી એકાગ્રતાથી ભરત અને આરતીની કોલ ડિટેઈલ્સ અને ટાવર લોકેશનની નોંધ કાગળ ઉપર ઊતારી રહ્યા હતા. એ કામ પતાવીને એમણે પેપર્સ ચૌધરીસાહેબને સુપ્રત કર્યા.

ભરત આવી ગયો એટલે હળવાશથી પૂછપરછ શરૂ થઈ. સામાન્ય પ્રશ્નો પછી ઈન્સ્પેક્ટર ચૌધરીએ પૂછયું. 'સવારે ચાર સાડા ચારની વચ્ચે સાવ ટૂંકી અને રાત્રે ખાસ્સી લાંબી વાત મોબાઈલથી કોની સાથે થાય છે?'

'સોનલની સાથે. એ મારી સાથે નોકરી કરે છે ને અમે પ્રેમમાં છીએ.'

ભરતની એ કબૂલાત પછી ઈન્સ્પેક્ટર ચૌધરી મૂળ પ્રશ્ન પર આવ્યા. 'આરતી તેરમી ઓગસ્ટે ગૂમ થઈ છે. એ દિવસે તમે ક્યાં હતા? આખો દિવસ શું કર્યું?'

'સવારથી જ તાવ હતો એટલે નોકરી પર જવાને બદલે હું મારી ઓરડીમાં જ સૂઈ રહ્યો હતો.'

'શ્યૉર? તેરમી તારીખે સાણંદ તમારા ઘેર જ હતા?'

'જી સાહેબ.' સહેજ પણ થોથવાયા વગર ભરતે ઉમેર્યું.'લફરું કરીને એ એના લવર જોડે ભાગી છે અને તમે મારું લોહી પીવો છો.'

'ખોટું બોલનારાને પોલીસ મારે ત્યારે કઈ રીતે મારે એનો તો ખ્યાલ છેને?' ઈન્સ્પેક્ટરના અવાજનો રણકો બદલાયો. સુધીર રાણે અને રમેશ ચૌધરીએ તૈયાર કરેલા કાગળ ભરતની સામે ધરીને એમણે સખ્તાઈથી કહ્યું.'સાચું બોલ્યા વગર તારો છૂટકો નથી, ભરત, એ દિવસની તારી હિલચાલનો હિસાબ આ રહ્યો. આરતી ધાનપુરાથી ડીસા આવી અને તું સાણંદથી ડીસા આવ્યો. બપોરે તમારું બંનેનું લોકેશન એક જ છે. ત્રણ વાગ્યા પછી તું ડીસાથી પાલનપુર અને મહેસાણા થઈને સાણંદ ગયો એ તમામ પુરાવા આમાં છે. ખોટું બોલવાનું બંધ કર અને માર ખાધા વગર આરતી ક્યાં છે એ કહી દે.'

ભરત ફસડાઈ પડયો. સાચું બોલવા માટે એ માનસિક રીતે તૈયાર થાય ત્યાં સુધી રાહ જોયા પછી પોલીસે પરચો બતાવવાનું શરૂ કર્યું ત્યારે એણે મોં ખોલ્યું.

'સોનલના પ્રેમમાં પડયો એનું કારણ એ કે લગ્ન પછી આરતીના મા-બાપ સામાજિક રિવાજના નામે એને સાસરે મોકલતા નહોતા. લગ્નના ત્રણ મહિના પછી એ માત્ર બે દિવસ માટે સાસરે-વિરૂણા આવેલી.  એ પછી તો એ પિયરમાં જ રહેતી હતી.

એમાંય છેલ્લા થોડા સમયથી જેટલી વાર એને ફોન કરું એટલી વાર એનો ફોન બિઝી હોય. આરતી કોની સાથે આટલી લાંબી વાત કરતી હશે? બીજા કોઈની સાથે એને લફરું હશે? એ શંકાથી લમણું ફાટફાટ થતું હતું. ખાતરી કરવા માટે અવારનવાર ચકાસણી કરતો હતો.

એક દિવસ સાઢુભાઈએ પણ મારું ધ્યાન દોર્યું કે અલ્યા, આરતી જોડે તું વાત કરતો નથી તો પછી એનો મોબાઈલ કાયમ બિઝી કેમ આવે છે? એ કોની જોડે વાત કરે છે એની તપાસ તો કર. એમણે એવું કહ્યું એટલે ખાતરી થઈ ગઈ.  

સોનલ સાથેના સંબંધો ગાઢ બની ચૂક્યા હતા. જો આરતી મરી જાય તો સોનલની સાથે લગ્ન કરીને સુખેથી જીવાશે એ વિચાર મગજમાં ઘૂમરાતો હતો. અગિયારમી ઓગસ્ટે સોનલના જન્મદિવસની ઉજવણી કરવા માટે મારા રૂમ પાર્ટનર્સને સાથે લઈને સોનલના રૂમ પર જલસો કરેલો. હું પરણેલો છું એ હકીકતની સોનલને ક્યારેય ખબર ના પડે એ માટે આરતીને ખતમ કરી નાખવી પડે. બારમી ઓગસ્ટે સાંજ સુધી વિચારોમાં અટવાયા પછી લાગ્યું કે આરતી ભોળી છે એટલે એને પતાવી દેવામાં વાંધો નહીં આવે. મનોમન પ્લાન બનાવીને રાત્રે આરતીને ફોન કર્યો કે હું કાલે ડીસા આવું છું. તું ધાનપુરથી ડીસા આવી જજે. દશામાના મંદિરે જવાનું છે, પણ બાધાનો મામલો છે એટલે ઘેર કોઈને કંઈ કહેતી નહીં. એણે રાજી થઈને હા પાડી.'

વચ્ચે વચ્ચે અટકીને ભરત કબૂલાત કરતો હતો.

'સાડા બાર એકની વચ્ચે આરતીએ ફોન કર્યો કે એ ડીસા પહોંચી ગઈ છે અને જલારામ મંદિરમાં બેઠી છે. હું પણ સીધો ત્યાં ગયો.પછી દશામાના મંદિરે ગયા. ત્યાં દર્શન કરીને નાસ્તો કર્યો. એ દરમ્યાન મેં એને પટાવી કે આ ભૂખ તો શાંત થઈ ગઈ. એ છતાં, સાવ ભૂખ્યો છું. તારો વર છું. આટલું ભાડું ખર્ચીને છેક સાણંદથી અહીં ડીસા સુધી લાંબો થયો છું તો એનું વળતર તો મળવું જોઈએને? 

એણે કહ્યું કે કોઈ હોટલમાં રૂમ રાખીને ત્યાં જઈએ. મેં એને સમજાવ્યું કે હોટલવાળા એક કલાકના છસો-સાતસો રુપિયા ખંખેરી લે.એને બદલે અહીંથી આગળ ચાલતા જઈએ. ક્યાંક આપણે લાયક એકાદી જગ્યા મળી જશે. પૈસા બચશે એમાંથી તને ડ્રેસ અપાવીશ. એ માની ગઈ. દીપક હોટલથી માર્કેટ યાર્ડવાળા ત્રણ રસ્તેથી આગળ વધતી વખતે હું ચારે બાજુ નજર ફેરવતો હતો પણ મારે જોઈએ એવી કોઈ એકાંત જગ્યા મળતી નહોતી. ભોયણ બાજુથી આવતા સવસ રોડ ઉપર ચાલતી વખતે હું ઉત્સાહમાં હતો. લગભગ એકાદ કલાકથી અમે એકાંતની શોધમાં ચાલી રહ્યા હતા. સામેની લાઈનમાં બે માળના મકાનો હતા અને આ તરફ બાવળની ગીચ ઝાડી હતી. મકાનોની દીવાલો ખાસ્સી ઊંચી હતી એટલે ત્યાંથી કોઈ અમને જોઈ શકે એમ નહોતું. આરતીનો હાથ પકડીને હું એને ઝાડીની પાછળની એક સમતલ જગ્યાએ લઈ ગયો. ચારે બાજુ નજર ફેરવીને ચકાસી લીધું કે અમને જોવાવાળું કોઈ નથી. એ પછી આરતીનો દુપટ્ટો મારા હાથમાં લઈને ગાળિયાની જેમ એની ગરદન પર વીંટી દીધો. એ કંઈ સમજે-વિચારે એ અગાઉ એને ભોંય પર પટકીને એના ગળા પરનો દુપટ્ટો બે હાથથી ખેંચ્યો. પૂરી તાકાતથી ભીંસ વધારી એટલે એના હાથ-પગ તરફડવા લાગ્યા. ઉંહકારાના અવાજ આવતા હતા. એની સામે નજર કર્યા વગર ભીંસ વધારતો રહ્યો. એનો છટપટાટ શાંત થઈ ગયો અને અવાજ બંધ થઈ ગયો એટલે હું ત્યાંથી ભાગ્યો.ભોયણથી સામઢી સુધી ચાલ્યો ને ત્યાંથી રિક્ષામાં કુંભાસણ પહોંચ્યો.પછી પાલનપુર થઈને રાત્રે સાણંદ પહોંચી ગયો.રૂમમાં જઈને કપડાં બદલી નાખ્યા. પહેરેલા હતા એને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને બહાર કચરાપેટીમાં નાખી આવ્યો. પછી ઊંઘી ગયો. સવારે ચાર વાગ્યે જાગીને નોકરી પર ગયો..'

આટલું બોલવાનો થાક લાગ્યો હોય એમ બે હાથ વચ્ચે માથું પકડીને એ ભોંય પર બેસી ગયો. પોલીસ સ્ટેશનનો સ્ટાફ એની કબૂલાત સાંભળીને સ્તબ્ધ હતો. ઈન્સ્પેક્ટરે ડ્રાઈવર ગણપતલાલ મીણાની સામે જોયું.ગણપતલાલે આંખોથી જ ખાતરી આપી કે એ જગ્યા જડી જશે. કોન્સ્ટેબલ શીવરામભાઈ, સબળસિંહ,પરબતભાઈ અને હેડ કોન્સ્ટેબલ કેવળભાઈ જીપમાં ગોઠવાઈ ગયા. ભરતે જે વર્ણન કરેલું એ અધૂરું હોવાથી એ રસ્તે આખી ટૂકડીએ ખાસ્સી મહેનત કરી પણ આરતીની લાશનો પત્તો ના મળ્યો.

રાત્રે નવ વાગ્યે ફરીથી ભરતને પૂછયું. ત્યારે યાદ કરીને એ બબડયો કે રેલ્વેના એક ગરનાળાની નીચેથી પસાર થઈને અમે આગળ વધેલા.

'એ ગરનાળું મેં જોયેલું છે.' ગણપતલાલે કહ્યું. આ વખતે જતી વખતે બંને અધિકારીઓ અને પંચના માણસો સહિત લગભગ સોળ-સત્તર માણસો સાથે નીકળ્યા. કડક જાપ્તા હેઠળ ભરતને પણ સાથે રાખ્યો હતો. ગણપતલાલની જીપની પાછળ બીજા વાહનો આગળ વધતા હતા. ગરનાળું પસાર કરીને સહેજ આગળ ગયા ત્યારે ગૂંચવાયેલો ભરત બબડયો કે આટલામાં જ હશે.

રાતનો અંધકાર,જંગલી ઘાસ, કાંટાળા બાવળ અને આગલા દિવસે પડેલા વરસાદને લીધે કીચડની વચ્ચે બે-બેની ટીમમાં બધા વહેંચાઈ ગયા. ટોર્ચ અને મોબાઈલની ટોર્ચના સહારે શોધ ચાલતી હતી. ભરત ભાગે નહીં એ માટે બે કોન્સ્ટેબલ એની પાસે રહ્યા. રાઈટર રમેશ ચૌધરી અને ગણપતલાલ આગળ વધતા હતા ત્યારે બે કૂતરાંને જોઈને ચમક્યા.પથ્થર મારીને એમને ભગાડીને મોબાઈલની ટોર્ચના અજવાળે જોયું તો જાનવરોએ કરડી ખાધેલી આરતીની લાશ!

પંચનામું કરીને જાનવરો વધુ નુકસાન ન કરે  માટે ત્યાં જાપ્તો ગોઠવ્યો.

એ પછી ડી.એન.એ. ટેસ્ટ માટેના સેમ્પલ અને સીસીટીવીના ફૂટેજના પુરાવા મેળવવામાં આવ્યા. ભોળી પત્નીની ઠંડા કલેજે હત્યા કરનાર ભરતને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો. સોનલને પૂછપરછ માટે બોલાવવામાં આવી ત્યારે ભરતની હેવાનિયતની વાત સાંભળીને એ પણ હબકી ગઈ. આ ઘટનામાં એનો કોઈ હાથ નહોતો એની ખાતરી થયા પછી એને જવા દેવામાં આવી.

(માહિતી : રમેશ વી. ચૌધરી)

Tags :