લૂંટેરી દુલ્હનના કારનામા .
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- મારી બીજી શરત થોડી આકરી છે અને એનો ભંગ થશે તો ખૂનખરાબા પણ થઈ જશે, એટલું યાદ રાખજો. એમ કહીને રિયાઝ ખાને કહ્યું કે ગુલશન મારી બીબી છે, એ માત્ર લગ્નના મંડપ સુધીની જ એક્ટિંગ કરશે
ક્રા ઈમની કથામાં અત્યારે તો આખા દેશમાં ઈંદોરના રાજા રઘુવંશી અને એની પત્ની સોનમની ચર્ચા ચાલે છે. લગ્નના દસ દિવસ પછી પતિને હનીમૂન માટે છેક શિલોંગ લઈ જઈને પોતાનાથી પાંચ વર્ષ નાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવનાર સોનમની પૂરી કથા તો હવે પછી આપીશ. આજે વાત તો લગ્નની જ કરવાની છે, પણ આ જુદી વાતમાં હત્યા કે ખૂનખરાબાની કોઈ ઘટના નથી.
આ સાથે આપેલી છબીમાં જે યુવતી દેખાય છે, એનું નામ છે ગુલશન રિયાઝ ખાન. અત્યારે એની ઉંમર માત્ર એકવીસ વર્ષની છે. કોઈ ક્વીઝ કે ઈનામી સ્પર્ધા નથી, એ છતાં, આ યુવતીનો માસુમ ચહેરો અને એકવીસ વર્ષની ઉંમર જોઈને જવાબ વિચારો કે એણે કેટલી વાર લગ્ન કર્યા હશે? એક વાર.. બે વાર..કે ત્રણ વાર? મને ખાતરી છે કે તમારી તમામ ધારણાઓ ખોટી પડશે. સાવ સાચો જવાબ એ છે કે આ ગુલશનબહેન આજ સુધીમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાનેતર પહેરીને ઓછામાં ઓછા બાર વખત- એક ડઝનથી વધારે વાર લગ્ન કરી ચૂક્યા છે!
વાતનો આરંભ ઉત્તરપ્રદેશથી થાય છે. અયોધ્યા ડિવિઝનમાં આવેલ આંબેડકર જિલ્લો કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. આ જિલ્લામાં બસખારી પોલીસસ્ટેશનની હદમાં અનેક ગામડાઓ પૈકી કસરા ગામના મોહનલાલ અને રતનકુમાર સરોજ -આ બંને મિત્રોની ઉંમર બત્રીસ વર્ષની. એ બંને તો પરણેલા હતા. એ બંનેને વાતચીતમાં એક વિચાર આવ્યો કે આપણા દેશમાં કુંવારા યુવાનોની સંખ્યા સતત વધતી જ જાય છે અને એ બિચારા યોગ્ય પાત્ર મેળવવા માટે સોશિયલ મીડિયા અને વિવિધ મોટ્રિમોનિયલ સાઈટો ફેંદ્યા કરે છે, તોય એમનો મેળ પડતો નથી. એમાં પણ ગામડામાં રહેતા યુવાન પાસે ગમે તેટલી સમૃધ્ધિ હોય, તો પણ કોઈ કન્યા એની સાથે લગ્ન કરીને શહેર છોડીને ગામડામાં આવવા તૈયાર નથી થતી. બત્રીસ-પાંત્રીસ વર્ષ વટાવી ચૂકેલા કુંવારા યુવાનોની મજબૂરી જોઈને આ બંનેને એક પ્લાન સૂઝયો. એ પ્લાનને અમલમાં મૂકવા માટે માત્ર આપણા બેથી કામ નહીં ચાલે, આખી ટીમ ઊભી કરવી પડશે- એમ વિચારીને એમણે વફાદાર સાથીઓની શોધ શરૂ કરી.
પ્લાન એવો વિચારેલો કે લગ્નોત્સુક વાંઢાઓને લગ્નની ઑફર આપીને એમને કન્યા બતાવવાની, લગ્ન માટે ખર્ચ પેટે લાખ- બે લાખ ખર્ચી શકે એવા હીરાઓને જ પકડવાના અને એમને કન્યા બતાવવાની. પેલો તૈયાર થઈ જાય અને પૈસા આપે એ પછી લગ્ન કરાવવાના અને લગ્ન પછી કન્યા બધું ઉસેટીને ભાગી આવે. જે દલ્લો મળે એ આપણે વહેંચી લેવાનો. એ પછી તરત બીજા બકરાની શોધ કરવાની! આ પ્લાનના અમલીકરણ માટે એમને ટીમ બનાવવામાં બહુ મહેનત ના કરવી પડી. એક પછી એક મેમ્બરને એમણે ટીમમાં લઈ લીધા. રંજન ઉર્ફે આશુ ગૌતમ (૨૨ વર્ષ), મંજુ માળી (૨૯ વર્ષ), રાહુલ રાજ (૩૦ વર્ષ), સન્નો ઉર્ફે સુનીતા (૩૬ વર્ષ), પૂનમ (૩૩ વર્ષ) અને રૂખસાર (૨૨ વર્ષ) આ મુજબ સાથીઓ તો મળી ગયા. એ છતાં, ખાટલે મોટી ખોડ એ હતી કે આમાં જે સ્ત્રીઓ હતી, એમનો દેખાવ પહેલી જ નજરે કોઈને ગમી જાય એવો આકર્ષક નહોતો. આખી ટીમ કન્યાના સગાવહાલા તરીકે કામ કરી શકે એવી હતી, હવે માત્ર કન્યાનો રોલ ભજવી શકે એવી યુવતીને શોધવાની હતી.
વાયા વાયા તપાસ કરી અને વારાણસીથી પાંસઠ કિલોમીટર દૂર જૌનપુર ગામમાંથી એમને એવી યુવતી મળી ગઈ. એ વખતે ઓગણીસ વર્ષની ગુલશન રિયાઝ ખાન નાજુક અને નમણી હતી. અલબત્ત, એ પરણેલી હતી. બે વર્ષ અગાઉ એની શાદી રિયાઝ ખાન સાથે થઈ ચૂકી હતી. એ પતિ-પત્નીને હજુ કોઈ સંતાન નહોતું. રિયાઝ ખાનની જૌનપુરમાં જ ટેલરિંગની દુકાન હતી. આ લોકોએ રિયાઝ ખાન સાથે મિટિંગ કરી અને પોતાનો પ્લાન સમજાવ્યો.
બરાબર માપ લઈને કપડાં સીવનારો રિયાઝ ખાન પાક્કો ધંધાદારી હતો. એણે પહેલા ગુલશનને પૂછયું કે તું આવી એક્ટિંગ કરવા તૈયાર છે? પૈસાની લાલચ હતી એટલે ગુલશને તરત હા પાડીને તૈયારી બતાવી. રિયાઝ ખાને સ્પષ્ટ શબ્દોમાં બે શરત મૂકીને કહ્યું કે જો આ બે શરતનું પૂરેપૂરું પાલન કરવાના હો, તો મારી બીબી તમારી ટીમમાં જોડાશે. સરસ એક્ટિંગ કરીને તમને માલામાલ કરી દેશે. મારી પહેલી શરત સાવ સીધી સાદી છે. તમે જે બકરાને પકડો અને એની પાસેથી જે માલ ખંખેરો, એમાંથી પાંચ ટકા મને આપવાના અને બાકીના પૈસામાંથી તમારે બધાએ વહેંચી લેવાના. એમાં ગુલશનનો પણ ભાગ ખરો! બધાએ એક અવાજે રિયાઝની પહેલી શરત સ્વીકારી લીધી.
મારી બીજી શરત થોડી આકરી છે અને એનો ભંગ થશે તો ખૂનખરાબા પણ થઈ જશે, એટલું યાદ રાખજો. એમ કહીને રિયાઝ ખાને કહ્યું કે ગુલશન મારી બીબી છે, એ માત્ર લગ્નના મંડપ સુધીની જ એક્ટિંગ કરશે. પાંચ લાખનો કે દસ લાખનો બકરો હોય. તો પણ મામલો સુહાગરાત સુધી ના પહોંચવો જોઈએ. લગ્નવિધિ પતે અને દુલ્હા-દુલ્હન કાર સુધી પહોંચે, એ જ વખતે ગુલશનને સલામત રીતે ભગાડી જવાની હોય તો અને તો જ હું એને સંમતિ આપીશ!
બધાએ સંતલસ કરીને નક્કી કર્યું કે બે બાઈક તૈયાર જ રાખવાની અને લગ્ન વિધિ પતે એ જ વખતે ગુલશનનું અપહરણ કરી લેવાનું. બાઈક ચલાવવામાં અને ભગાવવામાં તો ટીમ મેમ્બર્સની માસ્ટરી હતી, એટલે રિયાઝ ખાનની શરત સ્વીકારી લીધી.
હવે આખી ટીમે કામ શરૂ કરી દીધું. અત્યંત ધનાઢય કે વગદાર મુરતિયાને પકડવામાં ફસાઈ જવાનું જોખમ હતું એટલે મધ્યમ વર્ગના વાંઢાઓને જ પકડવાના હતા. નકલી આધાર કાર્ડ બનાવવાની પણ આવડત હતી. જુદી જુદી મેટ્રિમોનિયલ વેબ સાઈટો અને સોશિયલ મીડિયાના સહારે એમણે કામ શરૂ કર્યું. આખો ભારત દેશ એમના માટે ખુલ્લો હતો. ગુજરાતના ભાવનગર પાસેના કોઈ ગામડાના યુવાન સાથે વાતચીત શરૂ કરી ત્યારે ગુલશનનું નામ કાજલ રાખવામાં આવ્યું. એક લાખ વીસ હજાર ખર્ચ થશે એવી શરત મૂકી અને પેલો તૈયાર થઈ ગયો. જાન તરીકે પાંચ મિત્રો સાથે એ યુવાન ઉત્તરપ્રદેશ આવ્યો. રંગેચંગે લગ્નવિધિ પતી અને સોનાના દાગીના સાથે કન્યાનું અપહરણ થઈ ગયું! વાર્તા પૂરી.
હરિયાણામાં ગુલશનને સીમા નામ આપવામાં આવ્યું અને દોઢ લાખ વત્તા દાગીના સાથે કન્યાનું એટલી ઝડપથી અપહરણ થઈ ગયું કે પેલાએ પોલીસ ફરિયાદ કરી ત્યાં સુધીમાં તો આખી ટૂકડી અદ્રશ્ય થઈ ચૂકી હતી! બિહારમાં તો ગુલશને નેહા બનીને એક પછી એક બે લગ્ન કર્યા અને પાનેતર પહેરીને જ એ મંડપમાંથી બહાર આવી, ત્યાં જ એનું અપહરણ થઈ ગયું! બંને કેસમાં બિહાર પોલીસને અપહરણ કરનારનો પત્તો જ ના મળ્યો! ઉત્તરપ્રદેશમાં ગુલશનનું નામ સ્વીટી રાખવામાં આવેલું. દર વખતે નવા નામનું ખોટું આધાર કાર્ડ બનાવવામાં આવતું હતું. મહિલાની ટીમમાંથી કોઈ કન્યાની માતા બને અને કોઈ કન્યાની મોટી બહેન બને. પુરુષોમાંથી કોઈ મામા બને તો ક્યારેક કાકા બનીને વાત કરે. મીઠી મીઠી વાતો કરીને સામેના પરિવારનો વિશ્વાસ જીતવામાં એમને ફાવટ આવી ગઈ હતી. ગરીબ ઘરની દીકરી છે, એટલે તમારે ખર્ચો તો આપવો જ પડશે, એવી વાત તો દરેક વખતે સામાન્ય હતી.
રોહતક, હરિયાણાનો સોનુ નામનો યુવાન પાંત્રીસ વર્ષનો થઈ ચૂક્યો હતો, પણ હજુ એનો મેળ નહોતો પડયો. આર્થિક સ્થિતિ પણ એટલી સદ્ધર નહોતી. એણે એક મેટ્રિમોનિયલ વેબ સાઈટમાં નામ નોંધાવેલું હતું. કાજલ નામ રાખીને ગુલશને એની સાથે વાત ચલાવી. ટીમના સભ્યો સોનુને મળ્યા અને કહ્યું કે કાજલની માતાની ટ્રિટમેન્ટમાં ખૂબ ખર્ચ થઈ ગયો છે, એટલે લગ્નનો તમામ ખર્ચ તમારે જ કરવો પડશે અને રોકડ મદદ પણ કરવી પડશે. લગ્નમાં કાજલને દાગીના પણ આપવા પડશે. થોડી રકઝક પછી સોનુએ લગ્ન વખતે એંશી હજાર આપવા તૈયારી દર્શાવી. ઉત્તરપ્રદેશના આંબેડકર જિલ્લાના કસરા ગામમાં લગ્ન કરવા આવવું પડશે, એ માટે પણ સોનુ તૈયાર થઈ ગયો.
ગુરૂવાર, તારીખ ૨૯-૪-૨૦૨૫નું શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. લગ્નના પાંચેક દિવસ અગાઉ આવીને સોનુ મંડપ અને જમણવારની વ્યવસ્થા ગોઠવી ગયો હતો. લગ્નના દિવસે ભાડાની કારમાં એ મિત્રો સાથે આવ્યો હતો. જમણવાર પતી ગયો અને લગ્નવિધિ શરૂ થઈ ત્યારે પૈસાની માગણી થઈ એટલે સોનુએ રોકડા એંશી હજાર રૂપિયા કન્યાના હાથમાં આપી દીધા અને એ ઉપરાંત સોનાનું મંગળસુત્ર અને ચાર બંગડીઓ પણ આપી. હસ્તમેળાપ અને સાત ફેરા પતી ગયા. સોનુના મિત્રોએ વર-વધૂ પર ફૂલ વરસાવ્યા. મંડપમાંથી નીકળીને વર-વધૂ કાર પાસે પહોંચ્યા, એ જ વખતે ધમધમાટ કરતી બાઈક આવી. સોનુ કંઈ સમજે એ અગાઉ બાઈકસવારે બે સેકન્ડ માટે બાઈક રોકીને કન્યાને ખેંચીને બાઈક પર બેસાડી દીધી અને બાઈક ભાગી ગઈ! ડઘાઈ ગયેલા સોનુએ તરત જ ૧૧૨ ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી કે કોઈ ગુંડો લગ્નમંડપમાંથી જ મારી
નવવધૂને ઉઠાવી ગયો છે! લગ્નમંડપમાંથી દુલ્હનનું અપહરણ થયેલું એટલે પોલીસે તાબડતોબ એક્શન લઈને આખા વિસ્તારમાં નાકાબંધી ગોઠવી દીધી અને જીપોનો ધમધમાટ ચાલુ થઈ ગયો. લૂંટના માલનો ભાગ પાડતી ટોળકી ઝડપાઈ ગઈ અને પોલીસે એમની પાસેથી તોંતેર હજાર રૂપિયા રોકડા, સોનાના દાગીના, અગિયાર મોબાઈલ, બે બાઈક અને અર્ધો ડઝન નકલી આધાર કાર્ડ કબજે કર્યા!
છેતરપિંડી, ગુનાઈત કાવતરું અને ફોર્જરી જેવા આરોપસર પોલીસે આખી ટૂકડીની ધરપકડ કરી. આકરી પૂછપરછમાં ગુલશને કબૂલાત કરી કે રિયાઝ ખાન સાથેની સાચી શાદી પછી આવી રીતે કમસે કમ બાર લગ્ન કર્યા છે!
ગુલશન રિયાઝ ખાનને ઉત્તરપ્રદેશમાં લોકો 'ડાકૂ દુલ્હન' તરીકે ઓળખે છે!