- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- માથે વીજળી પડી હોય એમ અનિલ અને અલકા ધૂ્રજી ઉઠયા. છ મહિના અગાઉ આવું કાવતરું રચાઈ ગયું અને આજ સુધીમાં બા કંઈ બોલ્યા પણ નહીં!
ર સોડામાં અલકા પ્લેટફોર્મ પાસે ઊભી હતી. વિદ્યાબા શાક સમારી રહ્યા હતા. તૈયાર થઈને અનિલ ત્યાં આવ્યો, એટલે વિદ્યાબાએ પુત્ર સામે જોયું. 'કેલેન્ડરમાં જોને.અગિયારસ ક્યા વારે છે?'
મમ્મી ગમે ત્યારે આ સવાલ પૂછશે એની અનિલને બીક હતી. પ્રશ્ન સાંભળીને અલકાએ પણ પતિ સામે જોયું. અનિલે કેલેન્ડરમાં નજર કરીને મમ્મીને કહ્યું. 'અગિયારસનું શ્રાધ્ધ સત્તરમી તારીખે. આવતા બુધવારે....'
ચર્ચામાં માથાકૂટ થાય એવી અનિલની ઈચ્છા નહોતી એટલે મમ્મી મોં ખોલે એ પહેલા એણે પાળ બાંધી દીધી.'અત્યારે વહેલા નીકળવાનું છે અને પંદર પાર્ટીને મળવાનું છે.અમારી વીમા કંપની એકલી હતી, ત્યારે ચિંતા નહોતી.ખાનગી કંપનીવાળા આવ્ યા પછી હવે ડબલ દોડાદોડી કરવી પડે છે. 'મમ્મીના હૃદયને ક્યા ખૂણેથી સ્પર્શી શકાય એ જાણકારી હોવાથી એણે ઉમેર્યું. 'કમિશનની આવક સિવાય આપણી પાસે બીજો કોઈ આધાર છે ખરો? ભૂખ,તરસ કે તબિયતની પરવા કર્યા વગર રાત-દિવસ મહેનત કરું છું ત્યારે ઘર ચાલે છે.તું કઈ વાત કહેવાની છે એ મને ખબર છે. ચર્ચામાં મગજ બગડે ને બાઈક ચલાવવામાં લોચા પડે તો એક્સિડન્ટ થાય ને સીધો ઉપર પહોંચી જાઉં..'
'આવું ના બોલાય, ગાંડિયા!' લાગણીભીના અવાજે વિદ્યાબાએ એને અટકાવ્યો. 'આજે બુધવાર ને શ્રાધ્ધ તો છેક આવતા બુધવારે છેને?'
અનિલે તરત કહ્યું. 'ત્યાં સુધીમાં તારી રીતે વિચારી રાખ. ત્રણેય સગી બહેનોના અમદાવાદમાં બંગલા છે. હું એકનો એક ભાઈ છું. બળેવના દિવસે એ ત્રણમાંથી એકેય બહેન પાસે આ ભાઈને રક્ષાબંધન માટે આવવાનો પણ સમય ના હોય તો પછી પપ્પાના શ્રાધ્ધમાં એમને બોલાવવાની કોઈ જરૂર ખરી?' વિદ્યાબા કંઈ જવાબ આપે એ અગાઉ એ ઘરમાંથી નીકળી ગયો.
જીવનવીમાના ગ્રાહકોને સેવા આપીને જાળવી રાખવા માટે અનિલ દોડાદોડી કરતો. નારણપુરાના સાતેક ગ્રાહકો પાસેથી રિન્યૂઅલ પ્રીમિયમના ચેક લેવાના હતા.પોતાના ગ્રાહકોને આવી સેવા આપીને અનિલ એમાંથી નવો ધંધો મેળવતો.આજની મહેનતના ફળરૂપે રિન્યૂઅલના સાત ઉપરાંત ત્રણ નવી પોલિસીની દરખાસ્ત સાથેના ચેક મળ્યા. એ લઈને અનિલ સીધો વિકાસ અધિકારીના ઘેર પહોંચ્યો.સમીર જમવા બેઠો હતો. સંબંધ એવો હતો કે અનિલે ત્યાં ડાઈનિંગ ટેબલ પર જઈને બધા પેપર્સ આપીને કહ્યું. 'કાલે ઑફિસે નહીં અવાય.આ વહીવટ સંભાળી લો.' સમીરની પત્ની અર્ચનાએ જમવાનો આગ્રહ કર્યો પણ અનિલે ના પાડી. 'આ લાડુ ચાખ.' સમીરે લાડુની પ્લેટ અનિલ તરફ લંબાવી. 'મને ગોળના લાડુ ભાવે છે, એ મારી મોટી બહેનને ખબર છે એટલે મહિનામાં એકાદ વખત એ ખાસ મારા માટે બનાવીને છેક મણીનગરથી ભાણિયાને દોડાવે છે.'
'તમારે કેટલી બહેન છે?' સ્ત્રીસહજ જિજ્ઞાસાથી
અર્ચનાએ પૂછયું.
'આમ ત્રણ ને આમ એકેય નહીં.' અવાજમાં પીડા સાથે એ બબડયો. 'ત્રણેય કરોડપતિ છે, બંગલા છે.મારી સ્થિતિ એમનાથી અજાણી નથી, તોય લોહી પીવે છે.' એના અવાજમાં પીડાની સાથે કડવાશ ભળી. 'પપ્પાના ફ્લેટમાં મમ્મીની સાથે હું, મારી મિસિસ અને અમારી ઢબુડી શાંતિથી રહીએ છીએ, પણ એ સુખ ત્રણેય બહેનોની આંખમાં ખૂંચે છે. ઝાઝા પૈસે ઝાઝી ભૂખ. એમને આ ફ્લેટમાં હિસ્સો જોઈએ છે. અઢી વર્ષ અગાઉ એ ત્રણેય સાથે આ મુદ્દે બોલાચાલી થઈ હતી, એમાં તો એમણે બોલવા-ચાલવાનો વ્યવહાર પણ કાપી નાખ્યો.કોઈને કહેતા પણ શરમ આવે એવી દશા છે. માજણી સગી ત્રણ ત્રણ બહેનો એક જ ગામમાં હોવા છતાં છેલ્લા બે વર્ષથી બળેવના દિવસે મારો હાથ ખાલી જ રહે છે!'
'ખરું કહેવાય!તમારા મમ્મી એમને સમજાવી ના શકે?' અર્ચનાએ પૂછયું.
'મમ્મીની દશા સૂડી વચ્ચે સોપારી જેવી છે. એ બિચારી જીવ બાળ્યા કરે. પેલી ત્રણેય જોગમાયા એક સાથે બોલવા માંડે પછી મમ્મીનું મોં ના ખૂલે. મારા માટે સાચા દિલની લાગણી હોવા છતાં ઉગ્ર થવાની હિંમત નથી. બહેનો તો મારા ઘેર પગ મૂકતી નથી, એ છતાં મેં મમ્મીને કહેલું છે કે જ્યારે મન થાય ત્યારે જે બહેનના ઘેર જવું હોય ત્યાં જજે..' એણે યાદ કર્યું. 'છ મહિના પહેલા તમે અમારા બંને માટે ઊટી પ્રવાસનું સેટિંગ કરી આપેલું, ત્યારે મમ્મી વચેટ બહેનના ઘેર જ અઠવાડિયું રહેવા ગઈ હતી.' લાડુનો ટુકડો મોંમાં મૂકીને એ ઊભો થયો. 'સંસાર છે, સાહેબ,સંબંધોના તાણાવાણામાં આવા તમાશા ને તરકટનું તોફાન તો ચાલ્યા કરે.'
રવિવારે મમ્મીએ શ્રાધ્ધની વાત શરૂ કરી. બહેનોના મુદ્દે મા-દીકરા વચ્ચે ચર્ચા થાય ત્યારે પોતાની ખાનદાની અને સંસ્કારને લીધે અલકા મૌન રહેતી હતી. ચર્ર્ચાના અંતે વિદ્યાબાએ મક્કમતાથી કહ્યું. 'મનદુ:ખ હોય તોય આ વર્ષ વેઠી લે. એ ત્રણેયને મારે બોલાવવી જ છે.'
બુધવારે જમવાના સમય અગાઉ ત્રણેય બહેનો પોતપોતાની કાર લઈને આવી ગઈ.
વાતાવરણમાં ઉકળાટ હતો.જમ્યા પછી બધા ડ્રોઈંગરૂમમાં બેઠા.
'તમને એક વાત કહેવાની છે.' વિદ્યાબાનો અવાજ ગંભીર હતો. 'છ મહિના પહેલા અનિલ અને અલકા એમની દીકરીને લઈને બહારગામ ગયેલા ત્યારે નાછૂટકે મારે વચલીને ત્યાં રહેવું પડેલું. એ દસ દિવસ તમે ત્રણેય બહેનો રોજ બપોરે ભેગી થતી હતી. પૂરેપૂરી તૈયારી કરીને છેલ્લા ત્રણ દિવસમાં મને તમારી સાથે ભેળવીને કામ પતાવી દીધેલું.' અનિલ અને અલકા સામે નજર કરીને એમણે ઉમેર્યું. 'પણ બિચારા આ બંનેને તો આપણી એ વાતની ખબર જ નથી.અત્યારે બધાય ભેગા થયા છીએ ત્યારે મોઢું ખોલવાની મારી ફરજ છે. વકીલ પાસે કાગળ તૈયાર કરાવીને તમે ત્રણેય બહેનોએ મારી સહી લીધી છે, એનાથી પણ આ બંને અજાણ છે.' એમણે અનિલ સામે જોયું. 'તને બીજે ઘર શોધવાનો પૂરતો સમય મળે એ માટે આ તારી બહેનોએ ઉદારતાથી સમય આપ્યો છે. એક વર્ષમાં આ ફ્લેટ વેચીને જે પૈસા આવે એના પાંચ ભાગ પાડવાના છે. ત્રણ બહેનો, હું અને તું. પાંચેય વચ્ચે પૈસા વહેંચી લેવાના.'
એમણે મોટી દીકરીને પૂછયું. 'મારી કોઈ ભૂલ નથી થતીને?તારા વકીલે આવો જ દસ્તાવેજ બનાવ્યો છેને?'
'ન્યાયની વાત છે.' મોટીએ ઠાવકાઈથી ભાઈ-ભાભી સામે જોયું. 'ત્રણ બહેનો,ભાઈ અને બા. બાપાની પ્રસાદી આપણને દરેકને સરખા ભાગે મળવી જોઈએ. એમાં કોઈને વાંધો ના હોવો જોઈએ.બાએ સમજી-વિચારીને કાગળ ઉપર સહી કરી છે.'
માથે વીજળી પડી હોય એમ અનિલ અને અલકા ધૂ્રજી ઉઠયા. છ મહિના અગાઉ આવું કાવતરું રચાઈ ગયું અને આજ સુધીમાં બા કંઈ બોલ્યા પણ નહીં!આ ફ્લેટના બહુ બહુ તો સિત્તેર લાખ આવે.એનો પાંચમો હિસ્સો એટલે કે ચૌદ લાખ લઈને જવાનું ક્યાં? એટલા પૈસામાં ઘર ક્યાં મળે?અનિલનું મગજ ચકરાઈ ગયું હતું.ખમતીધર બહેનોના આવા ખતરનાક ખેલની તો એને કલ્પના પણ નહોતી.અલકા બે હાથ વચ્ચે માથું પકડીને બેસી ગઈ હતી.
'આજે એમની બહુ યાદ આવે છે.' દીવાલ પર લટકતી પતિની છબી સામે નજર કરીને વિદ્યાબાએ પાંચેય શ્રોતાઓને કહ્યું. 'એમના શ્રાધ્ધ નિમિત્તે આપણે ભેગા થયા છીએ, એ જોઈને એ ત્યાં રાજી થતા હશે. છપ્પન વર્ષની ઉંમર એ કંઈ મરવાની ઉંમર ના કહેવાય, એ છતાં રઘવાટ, દોડાદોડી અને ઉચાટે એમનો ભોગ લીધેલો. કોઈ હિતશત્રુએ ઑફિસમાં ખોટું આળ મૂકીને ફસાવેલા એની ચિંતા એમને કોરી ખાતી હતી.' છબી સામે તાકીને એ વીસેક સેકન્ડ અટક્યા એ દરમ્યાન ઓરડાનું વાતાવરણ ભારેખમ બની ગયું હતું. 'ટૂંકા પગારમાંય તમને ચારેયને સરખી રીતે ઉછેરવા માટે તમારો બાપ કાળી મજૂરી કરતો હતો. અનિલને રગેરગમાં એના બાપનો વારસો મળ્યો છે. એમના જેવી જ ચીવટ અને પરિવાર માટે એવી જ સમર્પણની ભાવના. પોતાની જાત માટે પૈસા ના વાપરે. વીમાની પૉલિસીઓ વેચવા માટે ભૂખ-તરસનું ભાન ભૂલીને દોડે. માર્ચમાં તો સવારે સાત વાગ્યે નીકળીને રાત્રે છેક અગિયાર વાગ્યે આવીને જમવા બેસે ત્યારે એનો થાકેલો ચહેરો જોઈને જીવ કળીએ કળીએ કપાય. મારા મોઢા ઉપરની વેદના પારખીને એ હસીને સમજાવે કે માત્ર કમિશનની આવક ઉપર ઘર ચલાવવાનું છે, મમ્મી ! ધંધાની સિઝનમાં પગ વાળીને ના બેસાય.'
અનિલ અને અલકા હજુ આઘાતમાંથી બહાર નહોતા આવ્યા.ત્રણેય બહેનો ધ્યાનથી સાંભળતી હતી અને વિદ્યાબા બોલતા હતા. 'સવારથી રાત સુધી મજૂરી કરે પણ મગજમાં ઉચાટ ના હોય તો માણસની તબિયત ઘોડા જેવી રહે. મહેનત કરવાથી કોઈ ના મરે, ચિંતા અને ઉચાટ હોય એ અભાગિયો અકાળે ફાટી પડે!'
એમણે ત્રણેય દીકરીઓ સામે જોયું. 'ભગવાનની દયાથી તમને ત્રણેયને રાજરાણી જેવું સુખ મળ્યું છે,તોય ભાઈને ભટકતો કરી દેવાની ભૂખ છે તમને?' એમના રણકતા અવાજમાં તીખાશ ભળી. એ વખતે તમે ત્રણેય હૈડિયે બેસીને લોહી પીતા હતા એટલે છૂટકારો મેળવવા લખાણમાં સહી તો કરેલી પણ હવે એ કાગળની કોઈ વેલ્યુ નથી, ફાડી નાખજો. કાલે વ્યાસકાકા વકીલ પાસે ગઈ હતી.એમણે તો એમની વકીલની ભાષામાં બહુ આકરા શબ્દોમાં લખ્યું કે અગાઉ
બળજબરીપૂર્વક મારી સહી લેવામાં આવી હતી.પણ પછી મેં કહ્યું એ મુજબ એમણે પાકા પાયે મારું વિલ બનાવી આપ્યું.ફ્લેટ મારા નામે છે અને મારા પછી એક માત્ર વારસદાર તરીકે અનિલનું નામ લખાવ્યું છે.' ત્રણેય બહેનોના કાળાધબ્બ ચહેરા સામે નજર કરીને એમણે ઉમેર્યું. 'તમને દુ:ખ થતું હશે,મારા ઉપર ગુસ્સો આવતો હશે, એ છતાં,મારો આ અંતિમ નિર્ણય છે.ખાસ આ ચોખવટ કરવા માટે જ તમને બોલાવ્યા છે. વાર-તહેવારે આવો અને જમો એ તમારો અધિકાર પણ આ ફ્લેટની બારીનો એક નકૂચોય તમને નહીં મળે. તમારામાંથી કોઈની દશા નબળી હોત તો સામેથી જ ભાગ આપે એટલી ખાનદાની અનિલના લોહીમાં છે. ભાઈ ભિખારી બનીને ભાડું ભરે ને સતત ઉચાટમાં જીવે એવું તમે વિચારી શકો છો, એટલી મારા ઉછેરમાં ખામી રહી ગઈ હશે! તમને સાથ ના આપ્યો ને બધુંય અનિલને આપી દીધું છે,છતાં એક લોહી છે એટલે હું જીવું છું ત્યાં સુધી ચારેય ભાંડરડા હળીમળીને રહેજો..'
એ ભીના અવાજે બોલતા હતા.અનિલ અને અલકા સુખદ આશ્ચર્યથી આભારવશ નજરે વિદ્યાબા સામે જોઈ રહ્યા હતા. ત્રણેય બહેનો નીચું જોઈને બેઠી હતી.બહાર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો.


