Get The App

લગ્નેતર પ્રણય અને હત્યા હવે સામાન્ય બનતા જાય છે

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
લગ્નેતર પ્રણય અને હત્યા હવે સામાન્ય બનતા જાય છે 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- રોડના કિનારે એક બંધ પડેલો ઈંટનો ભઠ્ઠો હતો. ત્યાં બેસીને રતિરામ અને રીનાના અર્ધો ડઝન બાળકો રોકકળ કરી રહ્યા હતા.

- રતિરામ નટ

- રીના

- હનીફ

- હનીફ-રીના

દ ર અઠવાડિયે ક્રાઈમની કથા શોધતી વખતે ઘણું જાણવા મળે છે. અત્યારે પતિ-પત્નીના સંબંધો એવા વણસી ચૂક્યા છે કે જાણે એકબીજાની હત્યા કરવાની સ્પર્ધા જામી હોય એવું લાગે છે. સંયુક્ત કુટુંબની પ્રથા તૂટયા પછી એકલા રહેતા પતિ-પત્ની વચ્ચે આવા કિસ્સા વધારે બને છે. એમાંય લિવ-ઈનમાં યુવતીઓની રહેંસાઈ જવાની તો અસંખ્ય ઘટનાઓ જોવા મળે છે. પરસ્પર એકબીજાને સહન કરવાની શક્તિ ના હોય અને સમજાવટથી ઉકેલ ના આવે તો અલગ થઈ જવાનો વિકલ્પ ઉત્તમ હોવા છતાં, મામલો હત્યા સુધી પહોંચી જાય છે. 

પરપુરૂષ સાથે પ્રેમ હોય, એને લીધે પત્ની દ્વારા પતિની હત્યાની એક પછી એક ઘટનાઓ સામે આવે છે. લગ્નના મહિના-બે મહિના પછી કોઈ પત્ની પતિને પતાવી દે છે, તો કોઈ હનીમૂનમાં જ હત્યા કરે છે. આજની ઉત્તરપ્રદેશની ઘટના પણ પત્ની દ્વારા પતિની હત્યાની જ છે, પરંતુ આ ઘટના સૌથી અલગ છે. સમાચારનું મથાળું જોઈને જ મને આશ્ચર્યનો આંચકો લાગેલો. કદાચ તમને પણ એવું જ લાગશે. હવસમાં આંધળી બનેલી આ સ્ત્રી એક નહીં, બે નહીં, પરંતુ નવ સંતાનની માતા છે! જે પતિ સાથે રહીને એણે નવ સંતાનને જન્મ આપેલો, એ જ પતિને નવ સંતાનની આ માતાએ નવા પ્રેમી સાથે મળીને અત્યંત ક્રૂર રીતે મારી નાખ્યો! 

ઉત્તરપ્રદેશમાં આગ્રાથી લગભગ એક સો કિલોમીટર દૂર કાસગંજ જિલ્લાનું મુખ્ય મથક કાસગંજ શહેર આવેલું છે. કાસગંજનું ભરગૈન ગામ ફર્રૃખાબાદથી પંચાવન કિલોમીટર દૂર આવેલું છે. ભરગૈન ગામમાં ઈંટના અનેક ભઠ્ઠાઓ આવેલા છે અને એમાં કુશળ કારીગરોને સારી રોજી મળે છે.

પચાસ વર્ષના રતિરામ નટ પાસે આ આવડત હતી. અગાઉ તે પોતાના પરિવાર સાથે વલ્લૂપુર ગામમાં રહીને ત્યાંના ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો. આઠેક દિવસ અગાઉ જ એ પોતાના પરિવારને લઈને ભરગૈન આવ્યો હતો અને અહીંના ઈંટના ભઠ્ઠામાં એને કામ મળી ગયું હતું. રતિરામની પત્નીનું નામ રીના. (૪૫ વર્ષ). એ પણ ઈંટના ભઠ્ઠામાં કામ કરતી હતી. રતિરામ અહીં આવ્યો એના કારણમાં પણ રીનાનો આગ્રહ જ જવાબદાર હતો, કારણ કે રીનાનું પિયર ભરગૈનમાં જ હતું, એટલે રતિરામને સમજાવી-પટાવીને એ એને અહીં લાવી હતી. રીના જ્યારે સોળ વર્ષની હતી, ત્યારે જ એના લગ્ન રતિરામ સાથે થઈ ગયા હતા. લગ્ન પછી પહેલું સંતાન દીકરી આવી. પુત્રની લાલસામાં એમનો વસ્તાર વધતો ગયો. પહેલી પાંચ દીકરીઓ પછી છઠ્ઠા સંતાન તરીકે દીકરો આવ્યો. એ પછી સાતમું સંતાન દીકરી અને આઠમું સંતાન દીકરો અને છેલ્લું નવમું સંતાન પણ દીકરો! 

રતિરામ અને રીના ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરીને આ નવ સંતાનને ઉછેરી રહ્યા હતા. પહેલી ત્રણ દીકરીઓ ઉંમરલાયક થઈ, એટલે એમને તો પરણાવીને સાસરે વળાવી દીધી હતી.

તારીખ ૨૧-૬-૨૦૨૫ ની સવારે એ કસબામાં રહેતા લોકોને એક કરૂણ દ્રશ્ય જોવા મળ્યું. રોડના કિનારે એક બંધ પડેલો ઈંટનો ભઠ્ઠો હતો. ત્યાં બેસીને રતિરામ અને રીનાના અર્ધો ડઝન બાળકો રોકકળ કરી રહ્યા હતા. ચૌદ વર્ષનો દીકરો વિજય પોતાના ભાઈ-બહેનોને છાના રાખવા માટે મથામણ કરતો હતો, પણ ભૂખ્યા-તરસ્યા બાળકોનું રડવાનું બંધ નહોતું થતું. આ પરિવાર અહીં રહેવા તો આઠેક દિવસ અગાઉ જ આવ્યો હતો એટલે લોકોને એમના વિશે પૂરી માહિતી નહોતી, એ છતાં છ બાળકો અનાથની જેમ રડી રહ્યા હતા એ જોઈને કોઈએ પોલીસને ફોન કર્યો.

પોલીસની જીપ આવી અને એમણે આ બાળકોને પૂછયું ત્યારે ચૌદ વર્ષના વિજયે પોતાના મા-બાપના નામ પોલીસને જણાવીને કહ્યું કે અમારા બાપા તો બે દિવસથી ક્યાંક જતા રહ્યા છે, અને અમારી મા પણ કાલે રાત્રે ક્યાંક જતી રહી છે. 

તમારા કોઈ કાકા-મામા નથી? પોલીસે આવું પૂછયું એટલે દીકરાએ કહ્યું કે અમારા અરવિંદકાકા ફર્રૃખાબાદમાં રહે છે. એમનો મોબાઈલ નંબર મારી પાસે લખેલો છે, પણ અમારી પાસે મોબાઈલ નથી, એટલે વાત કઈ રીતે કરવી?

એની પાસેથી નંબર લઈને પોલીસે અરવિંદને ફોન કર્યો ત્યારે અરવિંદે પોલીસને જણાવ્યું કે મારી ભાભી રીના છિનાળ છે. એને બે વર્ષથી ત્યાં ઈંટના ભઠ્ઠાના મુકાદ્દમ હનીફ સાથે લફરું છે. અગાઉ ચાર વાર એ પેલા હનીફની સાથે ઈન્દોર ભાગી ગયેલી, પણ મારો ભાઈ બિચારો ઢીલો છે, એટલે એને માફ કરીને પાછી ઘરમાં આવવા દીધેલી. નવ છોકરાંની મા છે, તોય લફરામાંથી ઊંચી નથી આવતી. મને ખાતરી છે કે મારા ભાઈને ગૂમ કરવામાં હનીફ અને રીનાનું જ કાવતરું હશે, સાહેબ! અત્યારે જ હું અહીંના પોલીસસ્ટેશનમાં એ બંનેના નામજોગ ફરિયાદ નોંધાવી દઉં છું. આટલું કહીને એણે પોલીસ ઈન્સ્પેક્ટરને વિનંતિ કરી કે હું ત્યાં આવું ત્યાં સુધી એ છ બાળકો ભૂખ્યા ના રહે એટલી મહેરબાની કરજો.

સ્થાનિકો સાથે મળીને છ બાળકો માટે ભોજનની વ્યવસ્થા પોલીસે કરી આપી અને દોઢેક કલાકમાં રતિરામનો ભાઈ અરવિંદ પણ ત્યાં આવી ગયો અને એણે બાળકોને સંભાળી લીધા. રીના ઘરમાંથી ભાગી ત્યારે ઘરમાં હતા એ તમામ પૈસા અને એના દાગીના સાથે લઈને જ ભાગી ગયેલી હતી. બીજા દિવસે તારીખ ૨૨-૬-૨૦૨૫ ની સવારથી કસબામાં લોકો પરેશાન થઈ ગયા. પવનની લ્હેરખી આવે એની સાથે માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવતી હતી. એ વાસ ક્યાંથી આવે છે  શોધવા માટે આખું ટોળું ભેગું થઈ ગયું અને જે દિશામાંથી દુર્ગંધ આવતી હતી ત્યાં તપાસ કરવા માટે બધા ખેતરો તરફ આગળ વધ્યા. એ લોકો આવી રીતે આગળ વધી રહ્યા હતા, ત્યારે ઝૂલ્ફિકારઅલીના ખેતર પાસે દુર્ગંધ વધુ તીવ્ર હોવાથી ત્યાં તપાસ કરી. એક જણની નજર ખેતરના ટયૂબવેલની ટાંકી પર પડી એટલે એણે ચોંકીને બૂમ પાડી એટલે બધા ત્યાં દોડી આવ્યા. ટાંકીના પાણીમાં એક લાશ ઊંધા માથે એવી રીતે પડી હતી કે એના પગ બહાર દેખાતા હતા, બાકીનું આખું શરીર પાણીમાં હતું.  તીવ્ર દુર્ગંધને લીધે બધા દૂર જ ઊભા રહ્યા અને પોલીસને ફોન કર્યો.  હત્યા કરાયેલી લાશની વાત સાંભળીને સિનિયર એસ.પી. અંકિતા શર્મા અને એસ.પી. રાજેશ ભારતી ફોરેન્સિક ટીમને સાથે લઈને આવી ગયા. આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું હતું. મોઢે રૂમાલ બાંધીને પોલીસ ટીમે સડી ગયેલી લાશને બહાર કાઢી. લાશની વાત જાણીને પોલીસે અરવિંદને પણ ત્યાં બોલાવી લીધો હતો. લાશ જોઈને અરવિંદ ભાંગી પડયો. એણે પોલીસને કહ્યું કે આ મારો ભાઈ રતિરામ જ છે! રીના અને હનીફે જ એની હત્યા કરીને લાશને અહીં ફેંકી દીધી હશે! એ બંનેને પકડીને ફાંસીએ લટકાવો.

પંચનામાની વિધિ પતાવીને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને એસ.પી.એ અલગ અલગ ટીમ બનાવીને રીના અને હનીફને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી. એ બંનેના લોકેશન બદલાતા રહેતા હોવાથી પોલીસ પહોંચે એ અગાઉ એ બંને છટકી જતા હતા. અંતે, પોલીસની મહેનત ફળી અને તારીખ ૩૦-૬-૨૦૨૫ ના દિવસે હનીફ અને રીના ટ્રેનમાં બેસે એ અગાઉ પોલીસે એમને દરિયાવગંજ રેલ્વે સ્ટેશન પરથી ઝડપી લીધા!

હનીફ અને રીનાની કબૂલાતના આધારે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં એસ.પી. રોજેશ ભારતીએ પત્રકારોને વિગતવાર જાણકારી આપી. છેલ્લા બે વર્ષથી આ નવ સંતાનની માતા હનીફના પ્રેમમાં હતી અને એમાં રતિરામ એમને કાંટાની જેમ ખૂંચતો હતો. રતિરામને કઈ રીતે ખતમ કરી નાખવો એ માટે છેલ્લા એક વર્ષથી એ બંને પ્લાનિંગ કરતા હતા. અગાઉ ચારેક વખત રીના હનીફની સાથે ભાગીને ઈન્દોરની હોટલમાં રોકાઈ હતી, છતાં રતિરામે એને માફ કરી દીધી હતી; તોય રીના સુધરી નહોતી. હનીફ સાથે એનું ઈલુ..ઈલુ ચાલુ જ હતું. તારીખ ૧૭-૬-૨૦૨૫ ની રાત્રે એ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને બંને વચ્ચે મારામારી પણ થયેલી. એ જ રાત્રે રીનાએ નિર્ધાર કરી લીધો કે હવે આ ત્રાસ સહન નહીં થાય. 

બીજા જ દિવસે અઢારમી તારીખે રાત્રે બાર વાગ્યે રીનાએ રતિરામને જગાડીને કહ્યું કે મારે સંડાસ જવું છે, બહાર અંધારામાં બીક લાગે છે, તમે મારી સાથે આવો. ભોળિયો રતિરામ એની સાથે ખેતરમાં આવ્યો ત્યારે પ્લાનિંગ મુજબ હનીફ ત્યાં સંતાઈને બેઠો હતો. રીનાએ રતિરામને જકડી લીધો અને નીચે પાડી દીધો. એની છાતી ઉપર બેસીને એની ગરદન ભીંસવા લાગી. સાથોસાથ ઢીંચણથી એની છાતીમાં પૂરા જોરથી પ્રહાર પણ કરતી હતી. હનીફના દાંત ખૂબ મજબૂત છે. કણસતા રતિરામના શ્વાસ હજુ ચાલુ હતા એ જોઈને હનીફે ખુન્નસથી એનું નાક કરડી ખાધું! લોહીનો ફૂવારો વછૂટયો અને પાંચેક મિનિટમાં જ રતિરામના શ્વાસ અટકી ગયા! લાશને ઢસડીને ટયૂબવેલના હોજમાં નાખી દીધી. હનીફના કપડાં લોહી લોહી થઈ ગયા હતા એટલે ત્યાં ખેતરમાં જ ખાડો કરીને એણે ત્યાં દાટી દીધા. એ પછી જાણે કંઈ જ બન્યું ના હોય એમ બંને પોતપોતાના ઘેર પહોંચી ગયા. પોતાના કપડાં, દાગીના અને પૈસા સમેટીને રીના તૈયાર હતી. બીજી રાત્રે નક્કી કર્યા મુજબ હનીફ આવી ગયો. છ સંતાનને રઝળતાં મૂકીને રીના હનીફની સાથે ભાગી ગઈ. એણે પોલીસને એવું કહ્યું કે હું હનીફને પ્રેમ કરું છું અને એમાં રતિરામ આડખીલીરૂપ હતો. દારૂ પીને મને મારતો હતો, એટલે મેં આવી રીતે એનાથી છૂટકારો મેળવ્યો!

પિતા રતિરામ હવે આ દુનિયામાં નથી અને માતા રીના જેલના સળિયા પાછળ પહોંચી ગઈ છે. એને લીધે એમના છ બાળકો સાવ નિરાધાર બની ગયા હતા. રતિરામના વૃધ્ધ પિતા ત્યાં આવી ગયા હતા. એ અને અરવિંદ આ છ બાળકોને પોતાની સાથે ફર્રૃખાબાદ લઈ ગયા. નવ સંતાનની માતા-પિસ્તાળિસ વર્ષની આ સ્ત્રીની હવસની કથા જાણીને લોકો એના નામ પર થૂ..થૂ.. કરી રહ્યા છે.

Tags :