FOLLOW US

પ્રેમી સાથે મળીને પત્નીએ કરેલું પાપ છાપરે ચડીને પોકાર્યું

Updated: Mar 14th, 2023


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- કાજલે નફટાઈથી શરતો મૂકી. હું આ ઘરમાં આવીશ, પણ પતિ સાથે કોઈ સંબંધ નહીં રાખું, કોઈ મને અંગત સવાલો નહીં પૂછે, ફોનમાં હું કોની સાથે વાત કરું છું કે ફરવા જાઉં છું એ પણ કોઈએ પૂછવાનું નહીં અને દર મહિને પોકેટમની તરીકે પહેલી તારીખે વગર માગ્યે મને બે લાખ રૂપિયા આપવાના! 

કાજલ શાહ

POISON

કમલકાંત શાહ

સરલાબહેન શાહ

હિતેશ જૈન 

ગણેશ કૃપા  ફ્લેટ

અ ત્યારે પરીક્ષાની મોસમ છે. બૉર્ડની પરીક્ષા અગાઉ એની પૂર્વ તૈયારીરૂપે વિદ્યાર્થીઓ શાળામાં  પ્રિલિમનરી પરીક્ષા આપે છે. એ પરીક્ષામાં સારા માર્કસ આવે તો વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધી જાય અને બૉર્ડની પરીક્ષામાં પણ આવો જ ઉત્તમ દેખાવ કરી શકાશે એવી એને ખાતરી થાય છે. પોતાના ગુનાને અંજામ આપતા અગાઉ કોઈ ક્રિમિનલ આવો અખતરો કરે ખરો? આજની ક્રાઈમ કથામાં કંઈક આવા જ ખેલની વાત છે!

મુંબઈના સાન્તાક્રૂઝ વિસ્તારમાં અનેક ધનિક ગુજરાતી પરિવારો વર્ષોથી રહે છે. પશ્ચિમ સાંતાક્ઝના દત્તાત્રેય રોડ ઉપર આવેલા ગણેશ કૃપા બિલ્ડીંગનાં આલિશાન ફ્લેટમાં બીજા માળે રહેતા કમલકાંત શાહ કરોડપતિ નહીં, પણ અબજોપતિ હતા.ગાર્મેન્ટનો એમનો બિઝનેસ ધમધોકાર ચાલતો હતો. એમની કંપનીમાં માત્ર ત્રણ જ ડાયરેક્ટર હતા. એ પોતે, એમના માતા સરલાબહેન અને એમની પત્ની કાજલ (ઉર્ફે કવિતા) શાહ.

કમલકાંત અને કાજલના લગ્ન ઈ.સ. ૨૦૦૨માં બંનેના પરિવાર દ્વારા ધામધૂમથી કરવામાં આવેલા. એમને સંતાનમાં પંદર વર્ષની દીકરી અને ચૌદ વર્ષનો દીકરો હતો. કમલકાંતની નાની બહેન કવિતાએ પરિવારની સંમતિથી અરૂણકુમાર લાલવાણી નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા અને એ લોકો કોલ્હાપુર પાસે ઈચલકરંજીમાં રહેતા હતા.

કાજલે કમલકાંત સાથે જ્યારે લગ્ન કર્યા ત્યારે આ લગ્ન માટે એ માનસિક રીતે તૈયાર નહોતી. પરિવારના આગ્રહ સામે હાર સ્વીકારીને એ પરણી હતી. એને તો હિતેશ જૈન નામના યુવાન સાથે પ્રેમ હતો અને એની સાથે જ લગ્ન કરવા હતા.

લગ્ન પછી શરૂઆતના વર્ષોમાં એ બહુ સરળતાથી આ પરિવાર સાથે ભળી ગઈ. દીકરી અને દીકરાનો જન્મ પણ થયો અને બધા આનંદથી રહેતા હતા.

ઈ.સ. ૨૦૧૦માં હિતેશ જૈન ધંધાના કોઈક કામ માટે કમલકાંતના ઘેર આવ્યો અને કાજલને પોતાનો પહેલો પ્રેમ યાદ આવી ગયો. હિતેશની પણ એવી જ દશા હતી. ફરીથી સોળ વર્ષની કન્યા બનીને કાજલ હિતેશને ઝંખવા લાગી. કમલકાંત જેવા સીધાસાદા પતિની ખામીઓ હવે કાજલને દેખાવા લાગી. હિતેશ સાથે ગુપ્ત મુલાકાતો શરૂ થઈ ગઈ. હિતેશ રંગીલો હતો, ચાલાક હતો. કાજલ મનોમન એની તુલના કમલકાંત સાથે કરતી અને એને લાગતું કે લગ્ન કરીને પોતે મૂર્ખામી કરી છે! કાજલની હિતેશ સાથેની રંગીન મુલાકાતો વધવા લાગી અને એની સાથોસાથ કમલકાંત પ્રત્યેનો અસંતોષ વધુ ઉગ્ર બનવા લાગ્યો. 

ગર્ભશ્રીમંત પરિવારના સાસુ તરીકે સરલાબહેન જરાયે કાચા નહોતા. વહુના બદલાયેલા વર્તનનો એમને અણસાર આવી ગયો. ઘરમાં પણ હિતેશના આંટાફેરા વધી ગયા હતા એ એમના ધ્યાન બહાર નહોતું. સાસુ તરીકે સ્વચ્છંદી વહુને ટોકવાની-સુધારવાની એમની ફરજ હતી. એમણે કાજલને સલાહ આપી એમાં કાજલ વિફરી અને ઝઘડો થયો.

સરલાબહેને દીકરા કમલકાંતને કાને વાત નાખી કે કાજલના લખ્ખણ સારા નથી. હિતેશ જોડે એ વધારે પડતી હાહાહીહી કરે છે એ આપણા ઘરને શોભતું નથી. કમલકાંતને પણ મનમાં શંકા તો હતી જ. એણે કાજલને સમજાવી કે આ તારું વર્તન યોગ્ય નથી. કાજલે ચિડાઈને પતિને સંભળાવી દીધું કે મારી અંગત વાતમાં તમારે માથું નહીં મારવાનું!

સરલાબહેન મૂંઝાયા એટલે એમણે ઈચલકરંજી ફોન કરીને દીકરી કવિતાને વાત કરી કે તારી ભાભી ઘરમાં કોઈને ગાંઠતી નથી અને ઝઘડા કરે છે. સમય મળ્યો ત્યારે કવિતા પિયર આવી. સાસુ અને નણંદે સાથે મળીને કાજલને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ કાજલ હિતેશના પ્રેમમાં એવી પાગલ બની ચૂકી હતી કે એણે આ બંને સાથે ઝઘડો કર્યો. પતિ કમલકાંત સાથે તો કાજલે બોલવાનું જ બંધ કરી દીધું હતું. એ સાંજે ઝઘડો વધ્યો ત્યારે કમલકાંત પણ ઘેર આવી ગયા હતા. એમણે પણ મોં ખોલ્યું અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો. આ વાત મે, ૨૦૨૧ની. રાત્રે ઝઘડો જામ્યો અને સવારે બેગ લઈને કાજલ પોતાને પિયર જતી રહી!

૨૦૨૧ના ઓક્ટોબર મહિનામાં કાજલે એક ફ્લેટ ભાડે રાખ્યો. એમાં  સાથે રહેવા માટે એ પોતાની દીકરીને લઈ ગઈ. પોતાના તમામ દાગીના અને બીજી મૂલ્યવાન ચીજો પણ સાથે લઈ ગઈ. આ અબજોપતિ પરિવારને એની સામે કોઈ વાંધો નહોતો.

બંને પક્ષના વડીલોને કાજલના સંતાનોના ભવિષ્યની ચિંતા હતી. આવતીકાલે દીકરી મોટી થશે અને એના માટે જ્ઞાાતિમાંથી મુરતિયો શોધતી વખતે આ રીતે પતિ-પત્ની અલગ રહેતા હોય તો સારું ના દેખાય. સરલાબહેને પણ ખાનદાની દેખાડીને કાજલના પિયરિયાંને કહ્યું કે કાજલ પાછી આ ઘરમાં આવતી હોય તો એની બધી શરત કબૂલ-મંજૂર રાખીશું. સમાધાન વખતે વડીલોની હાજરીમાં કાજલે નફટાઈથી શરતો મૂકી. હું આ ઘરમાં આવીશ, પણ કમલકાંત સાથે કોઈ સંબંધ નહીં રાખું, કોઈ મને અંગત સવાલો નહીં પૂછે, ફોનમાં હું કોની સાથે વાત કરું છું કે હું કોની સાથે બહાર ફરવા જાઉં છું એ પણ કોઈએ પૂછવાનું નહીં અને દર મહિને પોકેટમની તરીકે પહેલી તારીખે વગર માગ્યે મને બે લાખ રૂપિયા આપવાના! પૌત્રીના ભવિષ્યનું વિચારીને કચવાતા મને સરલાબહેને એની આ તમામ શરતો મંજૂર રાખી.

જૂન, ૨૦૨૨માં કાજલ પાછી આવી અને પહેલા જ દિવસે એણે સરલાબહેન સાથે ઝઘડો કર્યો. ઝેરનો ઘૂંટડો પીને સરલાબહેને એને માફ કરી દીધી.

'મારે આ નર્કમાંથી છૂટકારો જોઈએ છે.' હોટલના રૂમમાં કાજલે હિતેશને કહ્યું. 'આ ડોશી અને કમલ-એ બંને મરી જાય તો તમામ પ્રોપર્ટી મારી એકલીની. એ પછી તારી સાથે લગ્ન કરીને જલસાની જિંદગી જીવવાની મજા આવશે. મેં તને પહેલાં પણ કહ્યું છે કે કમલને મારવાનો કોઈ પ્લાન બનાવ.'

'મુંબઈની પોલીસ તારા ને મારા કરતા વધુ ચાલાક છે. કમલકાંતનું મર્ડર થાય એટલે અબજો રૂપિયાની તું માલિક બને. એને લીધે પોલીસને પહેલી શંકા તારા ઉપર જ આવે.' હિતેશે સમજાવ્યું. 'કોઈને સહેજ પણ શંકા ના પડે એવો પ્લાન હું વિચારી રહ્યો છું. મગજનું દહીં થઈ જાય એવી રિસર્ચ પણ કરી છે. જોઈતી સામગ્રી આવી જશે એટલે તને સમજાવીશ.'

થોડા દિવસે પછી ફરી એ જ હોટલનો રૂમ અને પ્રેમીઓનું એકાંત. હિતેશે જે પ્લાન પરફેક્ટ પ્લાન બનાવેલો એ સાંભળીને કાજલને ખાતરી થઈ ગઈ કે હિતેશ ઈઝ જિનિયસ! સ્લો પોઈઝન. આર્સેનિક અને થેલિયમનું મિશ્રણ કોઈ વ્યક્તિને પાણીમાં કે ખોરાકમાં દરરોજ આપવામાં આવે તો વીસ-પચીસ દિવસમાં જ એ મરી જાય અને એનું મોત કુદરતી જ લાગે. 

એમાંય હિતેશે બુધ્ધિ લડાવીને કહ્યું કે પહેલો અખતરો ડોશી ઉપર કરવાનો. સેમિ ફાઈનલ સરલાબહેન સાથે. એ મરે અને જો કોઈને શંકા ના પડે તો નિશ્ચિંત બનીને ફાઈનલમાં કમલકાંતની વિકેટ ઊડાડી દેવાની!

ફાર્મા કંપનીના અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને હિતેશે પંજાબની એક કંપનીમાંથી પાંચસો ગ્રામ થેલિયમ પોતાના મલાડના વર્કશોપ પર મંગાવી લીધેલું. નવા ધંધા માટે જરૂર છે એમ કહીને ભાયખલ્લાના એક પરિચિત વેપારી પાસેથી આર્સેનિક મેળવેલું. એ બંને ચીજ હિતેશે કાજલને આપી અને એના ઉપયોગની પધ્ધતિ સમજાવી. રંગ કે ગંધ વગરના આ ધીમા ઝેરને પાણીમાં જ ભેળવવાનું હતું. 

રોજ હિતેશ વોટસેપથી સૂચના આપતો રહ્યો અને એ બતાવે એ માપથી ડોઝ બનાવીને કાજલ સાસુને પીવડાવતી રહી!

તારીખ ૨૯-૭-૨૦૨૨ના દિવસે સરલાબહેનને ઉલટી થઈ અને પેટમાં સખત દુખાવો ઉપડયો. એમને કોકિલાબહેન હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં તબીબો સારવાર કરતા રહ્યા પણ સરલાબહેનના તમામ અંગો કામ કરતા બંધ થઈ ગયા અને તારીખ ૧૩-૮-૨૦૨૨ના દિવસે એ મૃત્યુ પામ્યા! વૃધ્ધાવસ્થા અને મલ્ટિપલ ઓર્ગન ફેઈલ્યોર-તબીબોએ મૃત્યુનું કારણ બતાવ્યું. કોઈને રજમાત્ર શંકા ના પડી અને સરલાબહેનને અગ્નિદાહ પણ દેવાઈ ગયો!

પ્રિલિમ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવીને કાજલ અને હિતેશ ખુશ હતા. હવે તરત જ બૉર્ડની પરીક્ષા આપવાની હતી. વોટસેપથી હિતેશ દોરવણી આપતો રહ્યો અને કાજલ કમલકાંતને ડોઝ આપવા લાગી.

તારીખ ૨૪-૮-૨૦૨૨ના દિવસે કમલકાંતને ઉલટી થઈ અને પેટમાં દુખાવો ઉપડયો. કાજલે ફોન કરીને નણંદને પણ જાણકારી આપી. કમલકાંતને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. બે દિવસ ત્યાં રહ્યા પણ તબીબોને રોગનો ખ્યાલ ના આવ્યો એટલે એમણે કાજલને કહ્યું કે સાહેબને મોટી હોસ્પિટલમાં લઈ જાવ. એમની સલાહ મુજબ કમલકાંતને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કર્યા. એ હોસ્પિટલમાં હતા અને પહેલી તારીખ આવી ત્યારે કાજલે પોકેટમનીના બે લાખની માગણી કરીને ઝઘડો કર્યો. કાજલને એમની જરાય પરવા નહોતી. કમલકાંતની બહેન કવિતા અને બનેવી અરૂણકુમાર હોસ્પિટલમાં દોડાદોડી કરતા હતા. બોમ્બે હોસ્પિટલના તબીબોએ નોંધ લીધી કે આ દર્દીના માથાના, મૂછના કે દાઢીના વાળ વધતા જ નથી. શંકા પડી કે તરત એમણે મેટલ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટનું પરિણામ જોઈને ડૉક્ટરો ચોંકી ઉઠયા. સામાન્ય માણસના શરીરમાં હોય એનાથી ચારસો ગણું થેલિયમ અને આર્સેનિક એ રિપોર્ટમાં દર્શાવેલું હતું. બીજા દિવસે (તારીખ ૧૯-૯-૨૦૨૨) મલ્ટિપલ ઓર્ગન ફેઈલ્યૉરને લીધે કમલકાંતનું અવસાન થયું. કેસ શંકાસ્પદ લાગેલો એટલે હોસ્પિટલે પોલીસને જાણ કરી દીધેલી.

પોલીસ હોસ્પિટલમાં આવી અને પોસ્ટમોર્ટમનો આદેશ આપ્યો. વિફરેલી કાજલે વિરોધ તો કર્યો પણ એનું ચાલ્યું નહીં, અને પોસ્ટમોર્ટમ થયું. આ ઝેર શરીરમાં કઈ રીતે આવ્યું અને પરિવારમાં બધાને એની અસર થઈ હશે કે કેમ? એ જાણવા માટે ડોક્ટરોએ કાજલને પણ મેટલ ટેસ્ટ કરાવવા કહ્યું ત્યારે કાજલ ચાલાકીથી છટકી ગઈ. એણે હિતેશની સલાહ લીધી. હિતેશે કહ્યું એ મુજબ કાજલે પોતે પણ સાવ નાનકડો ડોઝ લીધો, પછી ટેસ્ટ કરાવ્યો.

માતા સરલાબહેન અને ભાઈ કમલકાંત બંનેનું મૃત્યુ એક સરખા લક્ષણોથી થયું હતું અને એ જોઈને કવિતા અને અરૂણકુમારે પોલીસ ફરિયાદ કરી અને એમાં કાજલ અને એના પ્રેમી હિતેશ જૈનનું નામ લખાવ્યું. ધરપકડથી બચવા માટે હિતેશે નાટક કર્યું. મુંબઈ-નાસિક હાઈવે ઉપર પોતાના ઉપર હુમલો થયો છે એવી ફરિયાદ લઈને ઘાયલ અવસ્થામાં એ નાસિકમાં પોલીસસ્ટેશને પહોંચ્યો. પોલીસે એને હોસ્પિટલમાં દાખલ તો કરાવ્યો, પણ પછી મુંબઈ પોલીસેને રિપોર્ટ આપ્યો કે આ બધી ઈજાઓ એણે જાતે કરેલી છે!

માત્ર સાંયોગિક પુરાવા જ હતા અને આ કેસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ ૯ ને સોંપાયો. કમિશનર (ક્રાઈમ) લક્ષ્મી ગૌતમ અને

 ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયની રાહબરીમાં ઈન્સ્પેક્ટર દીપક પવારે પોતાની ટીમ સાથે કામ શરૂ કર્યું. સરલાદેવીનો મૃતદેહ તો પંચમહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો હતો, એ છતાં એમની સારવારના તમામ પેપર્સ પોલીસે મેળવ્યા. ઘરકામ કરનાર નોકરે કહ્યું કે અગાઉ માજીને અને ભાઈને પાણી અને દૂધ હું આપતો હતો, પણ છેલ્લે છેલ્લે મને ના પાડીને એ કામ કાજલમેડમે સંભાળી લીધું હતું. ફ્લેટના સફાઈ કર્મચારીએ બે નાની માટલીઓ પોલીસને સોંપીને જણાવ્યું કે કમલશેઠના મૃત્યુ પછી મેડમે મને આ ઢોચકીઓ આપેલી અને એને દૂર ફેંકી આવવા માટે કહેલું. એ બંને માટલીમાં થેલિયમ અને આર્સેનિકના અવશેષ પોલીસને મળી ગયા. સાયબર ટીમે હિતેશ અને કાજલની વોટસેપ ચેટ ઉપરાંત હિતેશે ગૂગલ ઉપર જે ખાંખાખોળા કરેલા એનો ઈતિહાસ ઉખેળ્યો. ચેટમાં ડોઝ માટે હિતેશ થેલિયમ માટે ્જ અને આર્સેનિક માટે  છજ શબ્દ વાપરીને કેટલા મિલિલીટર બિસલેરી પાણીની બોટલમાં ભેળવવું એની રોજ કાજલને સૂચના આપતો હતો. નેટની દસેક લાખ એન્ટ્રીઓ જોયા પછી પોલીસે શોધ્યું કે હિતેશે ઈન્ટરનેટ પર થેલિયમ અંગે ૧૬૫ વખત અને આર્સેનિક અંગે ૧૦૬ વખત સર્ચ કરેલી હતી. પંજાબની જે કંપનીમાંથી થેલિયમ મંગાવવામાં આવેલું એ હિતેશના મલાડમાં આવેલા વર્કશોપ પર સ્વીકારવામાં આવેલું. પંજાબની એ કંપની અને કુરિયર કંપનીની પણ જુબાની લેવામાં આવી છે. ભાયખલ્લાના વેપારીએ આર્સેનિક હિતેશને આપ્યાની કબૂલાત કરી દીધી છે. 

કુલ પંચોતેર સાક્ષીઓના નિવેદન કલમ ૧૬૪ મુજબ લેવાયેલા. સરલાબહેન અને કમલકાંતના તમામ મેડિકલ રિપોર્ટસ અને સાયબર ટીમના અહેવાલ પછી પોલીસે સોમવાર, તારીખ ૨૭-૨-૨૦૨૩ના દિવસે ૧૩૬૫ પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. સરલાબહેનની હત્યા અને કમલકાંતની હત્યા-એ બંને કેસ ક્લબ કરીને પોલીસે હત્યા, ઝેર આપીને મારવાનો પ્રયાસ, પુરાવાનો નાશ અને ગુનાઈત કાવતરા સહિતની વિવિધ કલમો એમાં લગાવેલી છે. 

આ બંનેને સજા તો જ્યારે કેસ ચાલશે ત્યારે જાહેર થશે. અત્યારે તો આ પ્રેમીયુગલ મુંબઈની જેલમાં દિવસો પસાર કરે છે. અબજોપતિ બનીને લગ્ન કરવાની લાલસામાં ફસાયેલ કાજલ શાહ અને હિતેશ જૈન એટલા સુંવાળા છે કે એમને જેલની સજા આકરી લાગે છે. રૂપસુંદરી કાજલ પારાવાર પસ્તાય છે. એ પસ્તાવો સાસુ અને પતિને સ્વર્ગમાં પહોંચાડવાનો નથી, પણ પ્લાનમાં કાચા પડયાની પીડા છે. હિતેશ જૈને તો મોબાઈલ તોડીને સિમકાર્ડના પણ કૂચા કરી નાખ્યા હતા, એ છતાં પોલીસે તમામ ડેટા કઈ રીતે રિકવર કર્યો હશે એ વિચારીને એ પોતાની મૂર્ખામી ઉપર પસ્તાય છે!

Gujarat
Magazines