Get The App

વહેમ તણા વમળો એ તારા મનની માયાજાળ હતી એ માણસના હૈયામાં તો પ્રેમભરી સંભાળ હતી

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
વહેમ તણા વમળો એ તારા મનની માયાજાળ હતી એ માણસના હૈયામાં તો પ્રેમભરી સંભાળ હતી 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- 'શરબત નહીં મોટી બેન, મને તો ઝેર પીવાનું મન થાય છે ! ચાર વર્ષમાં આવી ઉપાધિ તો પહેલી વાર આવી છે...' મીતાની આંખમાં ઝળઝળિયાં ઉભરાયાં

''મો ટીબેન, એક કામ કરવું પડશે...'' મીતાના ઢીલા અવાજમાં આગ્રહભરી વિનંતિ હતી. બહુ વિચાર કર્યા પછી અને આકરા મનોમંથન પછી એણે પોતાની જેઠાણી સુધાને ફોન કરવાનો નિર્ણય કર્યો હતો. સામા છેડે સુધા પણ પૂરી સહાનુભૂતિથી પોતાની વાત સાંભળતી હશે એવી શ્રધ્ધા હતી એટલે એણે આગળ કહ્યું ''અત્યારે મસાલાની સિઝનમાં તમારે ટાઈમની મારામારી હશે, એ સમજું છું. છતાં, મારા માટે ટાઈમ કાઢીને શાંતિથી એકાદ કલાક બેસાય એવી રીતે ઘેર આવો. ફોન ઉપર વાત થાય એવું નથી.''

મીતાની ઉંમર છવ્વીસેક વર્ષની હતી. બે વર્ષ પહેલાં જ એના મનોજ સાથે લગ્ન થયા હતા. મનોજનો મોટો ભાઈ સુધીર મનોજથી પાંચ વર્ષ મોટો હતો. સુધીરની પત્ની સુધા પણ મીતાથી ચારેક વર્ષ મોટી હતી. સુધા ખૂબ સમજદાર હતી. બંને દેરાણી-જેઠાણી હોવા છતાં મીતા અને સુધા વચ્ચે સગી બહેન જેવો સંબંધ હતો. એકબીજાના સુખ-દુ:ખમાં બંને એકબીજાને મદદરૂપ બનતાં હતા. અલબત્ત, મીતા-મનોજ છેક ચાંદલોડિયામાં રહેતાં હતા. અને સુધા-સુધીર ઈસનપુર રહેતાં હતાં. બંનેના ઘર વચ્ચેનું ભૌગોલિક અંતર ખાસ્સું વધારે હતું. એ છતાં, કોઈ કામ હોય તો અંતરની પરવા કર્યા વગર દોડીને આવી જવાનો લાગણીભર્યો સંબંધ હતો.

અત્યારે મીતાની વાત સાંભળીને સુધાએ તરત જવાબ આપ્યો. ''મસાલાની સિઝન છે, એ તો સમજયા, પણ તારે કામ છે એટલે બધુ ય પડતું મૂકીને મારે આવવું પડે. એક કામ કર. દિવસે તો આવવાનું નહીં ફાવે. કાલે રાત્રે આઠેક વાગ્યે તારા ઘેર આવી જઈશ. એ ચાલશે ને?''

''ના... એવું ના કરતા...'' જાણે હબકી ગઈ હોય એમ મીતાએ સમજાવ્યું. ''મોટીબેન, વાત એવી છે કે ટેલિફોન ઉપર થાય એવી નથી અને ઘરમાં તમારા દિયરની હાજરીમાં પણ વાત નથી કરવાની...'' એના અવાજમાં વિનંતિનો રણકાર ઉમેરાયો. ''તમારે દિવસના સમયે જ એ ઘેર ના હોય ત્યારે જ આવવું પડશે. હું બહુ મૂંઝવણમાં છું. કંઈ સમજાતું નથી. તમારે આવીને જ મને ઉગારવાની છે.''

મીતા સાવ ભોળી છે, ગભરૂ છે અને ઉંમરના પ્રમાણમાં એનામાં હજુ બાળક બુધ્ધિ છે - એનો સુધાને ખ્યાલ હતો. દિયરની ગેરહાજરીમાં એને વળી એવી તે કઈ મૂંઝવણ રજૂ કરવાની હશે ? સુધાએ સહાનુભૂતિથી કહ્યું ''તું જરાય મૂંઝાતી નહીં, ગભરાતી પણ નહીં. હું હજુ જીવતી છું. કાલે વહેલી પરવારીને દોઢ-બે વાગ્યે તારે ત્યાં આવી જઈશ. હવે તો રાજીને ?''

''તમે મારી પડખે છો એટલે હવે કોઈ ચિંતા નથી...'' મીતાએ આભારવશ અવાજે જવાબ આપ્યો. ''કાલે હું તમારી રાહ જોઈશ.''

''હું રિક્ષા કરીને પણ આવી જઈશ. જમીને જ આવીશ, એટલે બીજી કોઈ ઝંઝટ ના કરતી. જેસી કૃષ્ણ...'' સામે મીતાએ પણ જય શ્રી કૃષ્ણ કહીને વાત પૂરી કરી.

મનોજ અને સુધીર બંને ભાઈઓ વચ્ચે સ્નેહ હતો, પણ આવકની અસમાનતા હતી. ભણવામાં હોંશિયાર સુધીરે બી.કોમ.થઈને તરત જ બેન્કમાં નોકરી મેળવી લીધી હતી અને ઈસનપુરમાં બંગલો બનાવ્યો હતો. સુધાનું પિયર એ વિસ્તારમાં જ હતું એટલે ભવિષ્યમાં સંતાનોને નાના-નાનીનો ટેકો મળે એ વિચારીને જ એણે ત્યાં રહેવાનો નિર્ણય કર્યો હતો.

સુધીરની તુલનામાં મનોજ અભ્યાસમાં કાચો હતો. એ પણ બી.કોમ.જ થયેલો, પરંતુ એનું અંગ્રેજી સાવ કાચું. એને લીધે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં એનો ગજ વાગે એવું નહોતું. કુદરતી બક્ષિસની જેમ એને એકાઉન્ટન્સીમાં માસ્ટરી મળી ગઈ હતી. દેશી નામાથી માંડીને ટેલી અને જીએસટીની આંટી ઘૂંટીઓમાં એ નિષ્ણાત હતો. સી.જી.રોડ ઉપરની એક ખાનગી પેઢીમાં એ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. પગાર ઓછો હતો એટલે ચાંદલોડિયામાં એક રૂમ-રસોડાનો ફલેટ એણે લોન લઈને ખરીદી લીધેલો. સવારે સાડા નવ વાગ્યે ફટાફટ જમીને એ એનું ખખડી ગયેલું સ્કૂટર લઇને નીકળી જતો. એ સ્કૂટર પણ એણે સેકન્ડ હેન્ડ જ ખરીદેલું. મીતા અને મનોજ ટૂંકા પગારમાં પણ સંતોષથી જીવતાં હતાં. સવારે સાડા નવ વાગ્યે ઘેરથી નીકળેલો મનોજ સાંજે સાત વાગ્યે થાક્યો પાક્યો ઘેર આવે ત્યારે મીતા એને ગરમાગરમ રસોઈ જમાડતી. પતિની થાળી સાચવવામાં એનું વર્તન ભોજનેષુ માતા જેવું જ હતું.

આ બધી વાતની સુધાને ખબર હતી. એને લીધે અત્યારે એ પણ મનમાં મૂંઝાતી હતી કે મીતાએ હૈયું ખોલવા માટે પતિની ગેરહાજરીમાં જ આવવાની જીદ કેમ કરી હશે ?

રાત્રે એણે સુધીરને બધી વાત કરી. 'મીતાને શું કામ હશે ?' વાત કર્યા પછી એણે પતિને પૂછ્યું. 'એમાંય એણે ભાર દઈને ખાસ કહ્યું કે મનોજભાઈની ગેરહાજરીમાં જ તમારે આવવાનું છે. તમને શું લાગે છે ? મીતાને મનોજભાઈ સાથે કોઈ પ્રોબ્લેમ હશે ?'

સુધીર હસી પડયો 'અરે ગાંડી ! એ બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ થાય એવી કોઈ શક્યતા જ નથી ! મનોજ તો ગાય જેવો છે. ખાનગી પેઢીમાં તૂટી મરીને પણ ઘરસંસાર ચલાવે છે. મીતા તો નાની બચ્ચી જેવી ભોળી છે. કરકસરથી સરસ રીતે ઘર સંભાળે છે. એ બંનેએ ક્યારેય આપણી પાસે હાથ લંબાવ્યો હોય એવું તને યાદ છે ? મનોજ માગે તો લાખ બે લાખ હું આપી શકું, પરંતુ એ સ્વાભિમાની છે. ભૂખ્યો રહે પણ સગાભાઈની પાસે પણ માગે નહીં...' સુધીરે પત્નીને સમજાવ્યું. 'તું કાલે જજે. એ બાપડીની વાત સાંભળજે. એને કહેજે કે કંઇ પણ જરૂર હોય તો વિના સંકોચે આપણને જણાવે... અમારા બે ભાઈ સિવાય દુનિયામાં અમારૃં પણ છે કોણ ? કોઈ બહેન નથી. બા-બાપા પણ પરલોકમાં પહોંચી ગયા છે...' લાગણીવશ બનીને સુધીરે ઉમેર્યું. 'મીતા પરણીને આપણા ઘરમાં આવી, એ પછી આવું તો પહેલી વાર બન્યું છે. ભૂલ્યા વગર જઇને તું એની મૂંઝવણ પારખજે. જરૂર પડે તો ત્યાંથી મને ફોન કરજે.'

સુધા બીજે દિવસે બપોરે દોઢ વાગ્યે મીતાના ઘરે પહોંચી ત્યારે મીતા એની રાહ જોઇને જ બેઠી હતી. 'મોટી બેન, તમે આવ્યા એ બહુ સારું કર્યું. હું એકલીર એકલી બહુ મૂંઝાતી હતી...' મીતાએ રડમસ અવાજે કહ્યું. 'એમાંય બે દિવસથી તો રડી રડીને ભૂખ-તરસનું ભાન પણ ભૂલી ગઈ છું. મારે તો પિયરમાંય પીપળો ઊગ્યો છે. તમારા સિવાય કોની પાસે હૈયું ખોલવું ?'

'તું જરાય ચિંતા ના કર. હું આવી ગઇ ને ?'

વહાલથી મીતાને પોતાની પાસે ખેંચીને એના હાથ પોતાના બંને હાથમાં જકડીને સુધાએ ધરપત આપી. 'તારે કોઈ પણ કામ હોય કે કંઇ પણ જરૂર હોય તો તરત ફોન કરી દેવાનો - હું આવી જઈશ. જરૂર હશે તો તારા જેઠ પણ આવી જશે. ચિંતા નહીં કરવાની..' સુધાએ હસીને મીતાના માથામાં હળવેથી ટપલી મારીને કહ્યું. 'ભરબપોરે ગરમીમાં આવી છું. તું ઊભી થઇને રસોડામાં જા. આપણા બંને માટે લીંબુનું શરબત બનાવ. એ પછી આપણે શાંતિથી વાત કરીશું. મારે કોઈ ઉતાવળ નથી.'

'શરબત નહીં મોટી બેન, મને તો ઝેર પીવાનું મન થાય છે ! ચાર વર્ષમાં આવી ઉપાધિ તો પહેલી વાર આવી છે...' મીતાની આંખમાં ઝળઝળિયાં ઉભરાયાં.

'મરે તારા દુશ્મન, મીતાડી, તું પહેલાં શરબત બનાવીને લાવ.' સુધાએ પ્રેમથી આદેશ આપ્યો. આંસુ લૂછીને મીતા રસોડામાં ગઈ. શરબતના બે ગ્લાસ લઇને એ પાછી આવીને સુધાની અડોઅડ બેસી ગઈ. એક ઘૂંટડે ગ્લાસ ખાલી કરીને સુધાએ મીતાને પોતાની સાવ નજીક ખેંચી અને ખરી લાગણીથી કહ્યું. 'હવે બોલ. કઇ ઉપાધિ આવી છે ? મારી પાસે બધા ઉપાય છે. જરાયે સંકોચ રાખ્યા વગર બોલી નાખ.'

'મોટી બેન, અગાઉ તો એ રોજ સાંજે સાત વાગ્યે ઘેર આવી જતા હતા. આવીને હું રસોઇ બનાવું ત્યાં સુધી મારી સાથે હસીમજાકની વાતો કરે. થાકેલા હોય તોય તોય ખૂબ પ્રેમથી વાતો કરે. પણ છેલ્લા ત્રણ મહિનાથી બધું બદલાઈ ગયું છે. એમણે મને કહી દીધું કે અમારો શેઠ બહુ ચીકણો છે અને બીજો માણસ છૂટો થઇ ગયો છે એટલે મારે ડબલ કામ ખેંચવું પડે છે. ઑફિસમાં જ મારા માટે ભરપેટ નાસ્તો મંગાવી લે છે એટલે મારી સાંજની રસોઈ ના બનાવતી.. આવું કહ્યા પછી એમનો ટાઈમ બદલાઈ ગયો છે. રોજ રાત્રે સાડા અગિયાર બાર વાગ્યે ઘેર આવે ત્યારે સાવ ઢીલાઢસ હોય. મારી સાથે હસીમજાકની વાતો પણ ભૂલી ગયા છે... આમ તો એમની હાલત જોઇને દયા આવી જાય પણ મારી સાથે બે શબ્દો ય બોલે નહીં એ કેમ ચાલે ?...''

એક સાથે આટલું બોલીને મીતા સહેજ અટકી એટલે સુધાએ સમજાવ્યું. 'મીતા, બધા શેઠિયાઓ આવાં જ હોય ! પગાર આપીને માણસને પૂરેપૂરો ચૂસી લે. એમાંય સરકારે ટેક્સના કાયદા પણ એવા 

અટપટા બનાવ્યા છે કે બધાને તકલીફ પડે છે...' પોતાના જવાબથી મીતાને સંતોષ નથી થયો એવું લાગ્યું એટલે સુધાએ ઉમેર્યું. 'હું તારા જેઠને વાત કરીશ. એ મનોજભાઈને સમજાવશે અને બીજી કોઈ પેઢીમાં લાગવગ વાપરીને મનોજભાઈને નોકરી બદલી નખાવશે. એ પછી તારે કોઈ ચિંતા નહીં...'

'મારી વાત હજુ અધૂરી છે, મોટીબેન ! ચિંતાની વાત તો મેં હજુ કરી જ નથી !' મીતાએ તરત જ કહ્યું. 'આવું તો ત્રણ મહિનાથી ચાલે છે, પણ મેં તમને વાત કરી ? ખરી મુસીબત તો બે દિવસથી જ ખબર પડી છે. મગની દાળ ખૂટી ગઈ હતી એટલે એ લેતા આવે એ કહેવા માટે મેં એમને ફોન કર્યો. એમણે ફોન ઉપાડયો નહીં. મારે ઉતાવળ હતી એટલે મેં એમની પેઢીનો લેન્ડલાઈન નંબર જોડયો. એ વખતે રાતના આઠ વાગ્યા હતા. દસ વાર રિંગ વાગી, પણ કોઈ ફોન ઉપાડતું નહોતું એટલે મને શંકા પડી. ઑફિસમાં કોઈ છે નહીં, તો એ ક્યાં ગયા હશે ? મનની પીડા મનમાં દબાવી રાખી. એ રાત્રે બાર વાગ્યે ઘેર આવ્યા ત્યારે મેં એમને કંઇ પૂછ્યું નહીં. મેં થોડીક ચાલાકી કરી. બીજા દિવસે બપોરે એમની પેઢીના લેન્ડ લાઈન ઉપર ફોન કરીને કહ્યું કે વડોદરાથી અમારા શેઠને તમારી પેઢીમાં કામ છે, તમારી ઓફિસ ક્યાં સુધી ખુલ્લી હોય છે ?' ઓફિસની કોઈ છોકરીએ મીઠા અવાજે જાણકારી આપી કે સાંજે સાડા છ સુધીમાં જ આવી જાવ. એ પછી પેઢીમાં કોઈ નહીં મળે !...

સુધા સામે જોઇને મીતાએ આગળ કહ્યું 'મોટીબેન, ઓફિસ તો સાડા છ વાગ્યે બંધ થઇ જાય છે, તો તમારા દિયર રાત્રે બાર વાગ્યા સુધી ક્યાં જાય છે ? એમની જોડે ત્રણ-ચાર ફૂલ ફટાકડી જેવી રૂપસુંદરીઓ નોકરી કરે છે. દેખાવમાં તો તમારા દિયર ઋત્વિક રોશન જેવા છે, એટલે સો ટકા કોઈ રૂપસુંદરીની જાળમાં એ ફસાઈ ગયા હશે !' હવે તમે જ કહો, મોટીબેન આમાં મારે શું કરવાનું ?'

મીતાની વાત સાંભળીને સુધા પણ વિચારમાં ડૂબી ગઈ હતી. મનોજભાઈ આવું કરી શકે ? એ વાત માનવા હૈયું તૈયાર નહોતું, પણ મીતા જે કહી રહી હતી એ વાત પણ ખોટી નહોતી.

'એક કામ કર...' મીતાના ખભે હાથ મૂકીને સુધાએ ધરપત આપી. 'આજે હું તારા જેઠને વાત કરીશ. એ એમની રીતે દોડધામ કરીને સચ્ચાઈ શું છે એનો પત્તો મેળવી લેશે. ત્યાં સુધી તું મનોજભાઈને કંઇ પૂછતી નહીં. બે-ત્રણ દિવસમાં જ આખું કારસ્તાન પકડાઈ જશે. ચિંતા ના કરતી.'

સુધાએ વિદાય લીધી. એ પછી ચોથા દિવસે સાંજે સુધાએ મીતાને ફોન કર્યો કે અમે અર્ધા કલાકમાં આવીએ છીએ. તું તૈયાર રહેજે.

સુધીર અને સુધા આવ્યા ત્યારે મીતા તૈયાર જ હતી. સાંજના સાડા સાત વાગ્યે ત્રણેય સી.જી.રોડ પર પહોંચ્યા. મીતાના ધબકારા વધી ગયા હતા. સી.જી.રોડથી કોમર્સ કોલેજ તરફ જવાની ગલી પાસેના એક શોપિંગ કોમ્પ્લેક્સમાં સુધીરે સુધા અને મીતાને ઊભા રાખ્યા. ત્યાંથી ગલીમાં આવેલી ફૂટપાથ પરની હોટલ દેખાતી હતી.

'મીતા, એ ફૂટપાથની હોટલમાં ધ્યાનથી જો ત્યાં બધા મજૂર વર્ગના માણસો જમે છે. આ રોડ પરની બીજી હોટલોમાં ઢોંસો કે ભાજીપાંઉ બસ્સો રૂપિયામાં મળે છે, જ્યારે આ ફૂટપાથ પર માત્ર ત્રીસ રૂપિયામાં ચાર રોટલી અને રીંગણા-બટાકાનું શાક મળે છે. જરા ધ્યાનથી જો. ભીંત સામે મોઢું રાખીને મનોજ ત્યાં બેસીને ત્રીસ રૂપિયાની રજવાડી થાળી જમી રહ્યો છે !...'

પતિને આવી રીતે આવું જમતો જોઇને દુ:ખદ આશ્ચર્યથી મીતાની આંખો પહોળી થઇ ગઈ.

'મીતા, તારા મનમાંથી બધી શંકા અને ચિંતા ખંખેરી નાખ. તારા પતિદેવ તો દેવપુરુષ છે...' સુધીરે મીતાને સમજાવ્યું. 'મનોજ જે પેઢીમાં નોકરી કરે છે, એવો જ ધંધો કરનારી બીજી એક પેઢી સી.જી.રોડ ઉપર જ છે. એ પેઢીનો કારોબાર વિદેશો સાથે વધારે છે. એકાઉન્ટસ્માં મનોજની માસ્ટરી જોઇને એ પેઢીએ પણ મનોજને નોકરીની ઓફર કરી. મનોજે સાડા સાતથી સાડા અગિયાર સુધીની એમની નોકરી ચાલુ કરી દીધી છે. નોકરી છે, એ પેઢીમાં આ વાતની ખબર પડવા દેવાની નથી. વાત ખાનગી ના રહે તો નોકરી જતી રહે. તારો સ્વભાવ સાવ ભોળો છે એટલે કદાચ ક્યારેક ભૂલભૂલમાં તારાથી બફાટ થઇ જશે એવી મનોજને ચિંતા હશે એટલે એણે તારાથી આ વાત છૂપાવી. રોજ સાંજે આ શાહી ભોજન જમીને એ બિચારો બીજી નોકરીમાં જોતરાઈ જાય છે. તું સારી રીતે જીવી શકે એ માટે એ માણસ ડબલ મજૂરી કરીને પૈસા મેળવવા તૂટી મરે છે... કોઈ લફરું નથી, કોઈ વ્યસન નથી; માત્ર મહેનત કરીને આવક વધારવા માટે એ મથી રહ્યો છે !...'

મીતાની આંખમાં ધસી આવેલા આંસુ સુધાએ લૂછી આપ્યા. હવે મીતાનું હૈયું નિર્મળ બનીને પતિ પ્રત્યેના આદરભાવથી ઉભરાતું હતું !