મરનાર યુવક કોણ હશે? .
ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિાક
ચાર મહિનાથી અહીં રહેતો હતો,એટલે એ કોણ છે અને શું કરે છે એની કોઈને ખબર નથી. અધૂરામાં પૂરું, એના ફ્લેટની એન્ટ્રી એવી છે કે એના ઘરમાં કોણ આવ્યું-ગયું એની કોઈનેય ખબર ના પડે
સવારે આઠ વાગ્યે ઈન્સ્પેક્ટર ગણાત્રાને માહિતી આપતી વખતે સોસાયટીના સેક્રેટરી વિનુભાઈનો અવાજ ગભરાટને લીધે ધુ્રજતો હતો.
આખી ઘટનાની વાત કરીએ.સી.જી. રોડથી સાવ નજીકમાં આ સુધા ફ્લેટ આવેલા છે. પચાસ વર્ષ જૂના એક બેડરૂમના આ ફ્લેટ સાવ ખખડી ગયેલા છે. એ,બી,સી અને ડી ચાર બ્લોક અને દરેક બ્લોકમાં બાર ફ્લેટ. જેની પાસે સગવડ હતી એ લોકો ફ્લેટ વેચીને કે ભાડે આપીને બીજે મોટા ફ્લેટમાં જતા રહ્યા હતા. બંગલાઓની સોસાયટીઓ વચ્ચેના રોડ પરથી ફ્લેટમાં જઈએ ત્યારે સૌથી પહેલા એ બ્લોક આવે.એ બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોરના ચાર પૈકી બે ફ્લેટ બચુભાઈના હતા.એમણે બોપલમાં બંગલો લીધા પછી આગળના ફ્લેટમાં પોતાનો જૂનો સામાન રાખીને એમણે એ બંધ રાખ્યો હતો અને પાછળનો ચાર નંબરનો ફ્લેટ એમણે ભાડે આપ્યો હતો. એની બાજુના બંને ફ્લેટ ખાલી હતા.ભાડવાતની સગવડ સચવાય એ માટે બચુભાઈએ એમના ફ્લેટની એન્ટ્રી સાવ સ્વતંત્ર કરી આપી હતી.
એમાં અત્યારે ત્રીસેક વર્ષનો એક યુવાન ભાડે રહેતો હતો. આજે સવારે દૂધવાળાએ બારણું ખખડાવ્યું ત્યારે એ ખુલ્લું જ હતું. દૂધવાળાએ અંદર ડોકિયું કરીને એવી ચીસાચીસ કરી કે આખી સોસાયટીના માણસો ત્યાં દોડી આવ્યા.
ફિલ્મો અને ટીવી સિરિયલોને લીધે પોલીસ આવે નહીં ત્યાં સુધી અંદર જઈને કોઈ ચીજવસ્તુને અડાય નહીં એટલી સમજદારી બધાને હતી. સોસાયટીમાં આવી ઘટના અગાઉ ક્યારેય બની નહોતી એટલે આ બિહામણું દ્રશ્ય જોઈને સોસાયટીના સેક્રેટરી વિનુભાઈના ધબકારા વધી ગયા. એમણે એકસો નંબર જોડીને પોલીસને માહિતી આપી અને સરનામું સમજાવ્યું. પોલીસની જીપ આવી ત્યાં સુધી બહાર ઊભા રહીને પાડોશીઓ ચર્ચા કરતા રહ્યા.
જીપમાંથી ઈન્સ્પેક્ટર ગણાત્રા અને બે કોન્સ્ટેબલ નીચે ઊતર્યા એટલે બારણાં પાસે ઊભેલું ટોળું દૂર ખસી ગયું. પોતાનો પરિચય આપીને વિનુભાઈએ પરિસ્થિતિ સમજાવી અને ગણાત્રાની સાથે આગળ વધ્યા.
ઓરડાનું દ્રશ્ય હોરર ફિલ્મમાં જોવા મળે એવું હતું. ગણાત્રા બારણાંમાં ઊભા રહ્યા. શકરાબાજ જેવી નજરે એ નિરીક્ષણ કરી રહ્યા હતા. સામેની ભીંતને અડીને લોખંડની પાટીવાળો ખાસ્સો ઊંચો લોખંડનો પલંગ હતો.એના ઉપર ગાદલું કે ઓશિકું નહોતું. અંદરથી કંઈક શોધવા માટે ગાદલાને અને ઓશિકાને ફરસ પર નાખીને એના ચીરેચીરા કરી નાખવામાં આવ્યા હતા. બે મોટી સૂટકેસનો ફેંદાયેલો સામાન પણ એ ગાદલા-ઓશિકાના રૂની સાથે આખા ઓરડામાં પથરાયેલો હતો. પલંગ ઉપરનું દ્રશ્ય કમકમાટી ઉપજાવે એવું હતું. ભાડે રહેનાર યુવાનના શરીર પર માત્ર પેન્ટ હતું. ભીંતના ટેકે એને પલંગ પર બેસાડીને એના બંને હાથ કચકચાવીને લોખંડની પાટી સાથે બાંધવામાં આવ્યા હતા. શરીરના ખુલ્લા ભાગ ઉપર ઠેર ઠેર સિગારેટના ડામ દેવાયા હતા. મારને લીધે આખું મોઢું સૂઝી ગયેલું હતું. પ્લાસ્ટિકની મજબૂત રસ્સીથી ગળું ભીંસી નાખવામાં આવેલું હતું. એ રસ્સી પણ હજુ ગરદનમાં જ ફસાયેલી હતી. ત્યાં પણ લોહીના ટશિયા ફૂટી નીકળેલા હતા. મરતી વખતે અનુભવેલી પારાવાર વેદના ચહેરા પર અને ઉઘાડી આંખોમાં ખોફનાક રીતે થીજી ગઈ હતી. નાક અને મોંમાંથી ટપકેલું લોહી જામીને કાળું પડી ગયું હતું. એના ઉપર માખીઓ બણબણતી હતી. અત્યંત ક્રતાપૂર્વક આ યુવાનની હત્યા કરવામાં આવી હતી.
'' આ માણસ સોસાયટીમાં રહેતો હતો. એ છતાં, એના નામની પણ તમને ખબર નથી. ખરા છો તમે!'' ગણાત્રાએ ઠપકા ભરેલી નજરે વિનુભાઈ સામે જોઈને આદેશ આપ્યો. ''ફ્લેટનો માલિક કોણ છે? એને તાત્કાલિક બોલાવો.''
''ફ્લેટ તો બચુભાઈનો છે. આ ફ્લેટ ખાલી કરીને એમણે બોપલમાં મોટો બંગલો લીધો છે. એ વખતે મારે નાના દીકરા માટે જરૂર હતી એટલે મેં એમને કહેલું કે વેચવો હોય તો મને આપજો પણ રિડેવલપમેન્ટની વાત ચાલે છે એટલે એમણે ના પાડી. આ ફ્લેટમાં રિડેવલપમેન્ટ ક્યારેય થવાનું નથી તોય બધા ગાંડાની જેમ રાહ જોઈને બેઠા છે..'' એ બોલતા હતા ત્યારે ગણાત્રાએ કરડી નજરે એમની સામે જોયું. એમનો ઈશારો સમજીને વિનુભાઈએ કથા અટકાવીને ખિસ્સામાંથી મોબાઈલ કાઢયો.
''એ ભાઈને કહેજો કે આ ભાડવાત સાથે જે કોન્ટ્રાક્ટ થયો હોય એના બધા પેપર્સ લઈને આવે.'' ઈન્સ્પેક્ટરે સખ્તાઈથી સૂચના આપી એટલે વિનુભાઈએ ફોનમાં બચુભાઈ સાથે એ રીતે વાત કરી.
બચુભાઈ આવે એ અગાઉ ફોટોગ્રાફર, ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વાડ આવી ચૂકી હતી. અહીં આવતી વખતે ગણાત્રાએ રસ્તામાંથી જ ફોન પર સૂચના આપેલી એટલે સબઈન્સ્પેક્ટર ગૌતમ ગુસાણીએ પણ આવીને ઓરડાની અંદરની કામગીરી સંભાળી લીધી હતી. એની નિરીક્ષણ શક્તિ જબરજસ્ત હતી. આમ પણ દોઢ મહિના પછી ગણાત્રા નિવૃત્ત થવાના હતા એટલે મોટા ભાગના બધા કેસમાં પૂરેપૂરી જવાબદારી ગુસાણી જ સંભાળી લેતો હતો. ઘટના સ્થળે પહોંચીને એની આંખો જાણે માઈક્રોસ્કોપ બની જતી હતી. એકેએક વસ્તુની ઝીણવટભરી ચકાસણી કરીને છેડા શોધી કાઢવાની એનામાં આવડત હતી. ગણાત્રા અને ગુસાણીનું ટીમવર્ક એવું હતું કે વાત કર્યા વગર માત્ર આંખના ઈશારે એ બંને એકબીજાના સંવાદ સમજી જતા હતા.
બચુભાઈ આવ્યા ત્યારે એ અત્યંત ગભરાયેલી દશામાં જ હતા. ભાડાકરારના બધા કાગળ અને એની સાથે મરનારના આધાર કાર્ડની ઝેરોક્સ ગણાત્રાને આપીને બે હાથ જોડીને એ ઊભા રહ્યા. પછી નિખાલસતાથી કબૂલાત કરી. ''સાહેબ, સાચું કહું? આ માણસને હું નથી ઓળખતો. મેં એને ક્યારેય જોયો પણ નથી. આ ઉંમરે બોપલથી ધક્કા ખાવાનું પરવડે નહીં એટલે આ બધું કામકાજ બ્રોકરને જ સોંપી દીધું હતું. એ જ ભાડવાતને શોધી લાવે અને આ બધી ફોર્માલિટિ પતાવી દે.''
ગણાત્રા અને ગુસાણી બંનેની નજર આધારકાર્ડની ઝેરોક્સ સામે હતી. ફોટો તો ઓળખાય નહીં એવો સાવ ઝાંખો જ હતો. આધારકાર્ડમાં નામ અતુલ રતિલાલ સંઘવી અને પેરેડાઈઝ પાર્ક, કાલાવડ રોડ,રાજકોટનું સરનામું હતું. મોબાઈલ નંબરની સાથે ઘરનો લેન્ડલાઈન નંબર પણ હતો.
બચુભાઈ આવ્યા એ અગાઉ ગુસાણીએ આખા ઓરડાની અને મરનારના સામાનની પૂરેપૂરી ચકાસણી કરી લીધી હતી. આધારકાર્ડની વિગતો જોઈને તરત એની આંખ ચમકી. એણે આત્મવિશ્વાસથી ગણાત્રાને કહ્યું. ''સર,એક લાખ રૂપિયાની શરત મારવા તૈયાર છું. આ માણસ જો અતુલ સંઘવી હોય તો હું અમિતાભ બચ્ચન છું.''
એની સામે હકારમાં માથું હલાવીને ગણાત્રાએ મોબાઈલ હાથમાં લીધો. આધારની ઝેરોક્સમાં જોઈને ઘરનો નંબર જોડયો. ગુસાણીએ ઈશારો કર્યો એટલે એમણે સ્પીકર ફોન ચાલુ કર્યો. બે રિંગ પછી કોઈ બહેને ફોન ઉઠાવ્યો. ''અતુલભાઈના ઘરનો જ નંબર છેને?'' ગણાત્રાએ વિવેકથી પૂછયું.
''જી. અતુલ નાસ્તો કરવા બેઠો છે. ચાલુ રાખો. એને બોલાવું છું.'' આટલું કહીને એ બહેને અતુલ..અતુલ કહીને બૂમ પાડી. ગુસાણીના હોઠ પર વિજયનું સ્મિત ફરક્યું. બીજી જ મિનિટે સામેથી અવાજ આવ્યો. ''અતુલ બોલું. આપ કોણ?''
''અતુલ રતિલાલ સંઘવી?'' પૂરેપૂરી ખાતરી કરવા માટે ગણાત્રાએ પૂછયું.
''સો ટકા સાચું. આપ કોણ ?''
''અમદાવાદથી પોલીસ ઈન્સ્પેક્ટર ગણાત્રા..'' ગણાત્રાએ વાત ટૂંકાવી. ''અત્યારે વાત કરવાનો સમય નથી. તમારી સાથે શાંતિથી વાત કરવી પડે એવું છે એટલે એકાદ કલાક પછી વાત કરીશ.'' પોલીસનું નામ સાંભળીને પેલાને ઉચાટ ના થાય એટલે ગણાત્રાએ એને ધરપત આપી. ''તમારે ગભરાવા જેવું કંઈ નથી એટલે ચિંતા ના કરતા. આરામથી નાસ્તો પતાવો.'' પેલો કંઈ પૂછે એ અગાઉ ગણાત્રાએ વાત પતાવી.
''હવે તું બોલ.'' ગણાત્રાએ ગુસાણી સામે જોયું. ''આખું પિક્ચર ક્લિયર કર. લાખ રૂપિયાની શરતનો કોન્ફિડન્સ તું ક્યાંથી લાવ્યો?''
''સર, પહેલી વાત એ કે આ માણસ પાસેથી કોઈક વસ્તુ મેળવવા માટે બે હત્યારાઓ અહીં આવ્યા હશે. એકલો માણસ એને આવી રીતે બાંધી ના શકે. આઈ એમ શ્યોર કે મરનાર એમને સારી રીતે ઓળખતો હશે એટલે એમને જમાડયા પણ છે.'' આટલી માહિતી આપીને એણે તરત ખુલાસો કર્યો. '' રસોડાની કચરાપેટીમાં ત્રણ ખાલી બોક્સ જોઈને ખાતરી થઈ કે હોટલમાંથી તૈયાર ફૂડ પેકેટ્સ મંગાવીને મરનારે એ લોકોની આગતાસ્વાગતા કરી હશે. હોટલનું બિલ પણ ત્યાં કચરાપેટીમાં જ હતું. એ સાતસો પચાસ રૂપિયાનું બિલ ગઈ કાલે રાત્રે આઠ વાગ્યે બનેલું છે.''
પોતાની આદત મુજબ ગણાત્રા આંખો બંધ કરીને એકાગ્રતાથી સાંભળતા હતા.
''એ લોકોની વચ્ચે કોઈ અત્યંત અગત્યની વસ્તુનો મામલો હશે. જમ્યા પછી મહેમાનોએ આ માણસ પાસેથી એની માગણી કરી હશે પણ આ માણસે ઈન્કાર કર્યો હશે. એ ચીજ આ માણસે ક્યાં સંતાડી છે એ જાણવા માટે પેલા મહેમાનોએ એના ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હશે. એ છતાં આ હીરોએ મચક નહીં આપી હોય. આખા રૂમની એકે એક ચીજ પેલા લોકોએ ફેંદી નાખી છે. એ વસ્તુ કદાચ ગાદલામાં કે ઓશિકામાં સંતાડી હશે એ ગણતરીથી એને પણ ચીરી નાખવામાં આવ્યા છે. આટલી મહેનત કરવા છતાં કંઈ હાથમાં ના આવ્યું એટલે મહેમાનોએ સિગારેટના ડામ દીધા. તોય આ માણસે મોઢું નહીં ખોલ્યું હોય એટલે એ લોકોએ એને મારી નાખ્યો. એક માણસની જિંદગીથી પણ મોંઘી કોઈ વસ્તુનો મામલો હશે.''
એક શ્વાસે આટલી માહિતી આપીને ગુસાણી અટક્યો.
એ અટક્યો એટલે આંખો ખોલીને ગણાત્રાએ એની સામે જોયું.''આ બધામાં આ માણસ અતુલ સંઘવી નથી એ ખાતરી ક્યાંથી થઈ?'' એમણે પૂછયું.
''ઓરડામાં આ માણસની બે મોટી સૂટકેસની અંદરની તમામ ચીજો પેલા લોકોએ ફેંદી નાખી છે. બેગના કપડાં મૂકતી વખતે એ ખરાબ ના થાય એટલે તળિયે છાપાં પાથરીને પછી કપડાં મૂકવાની લોકોને ટેવ હોય છે. આ માણસની બેગના તળિયે જે છાપું હતું એ બંગાળી ભાષાનું હતું. એકાદ વર્ષ જૂની તારીખનું એ છાપું જોયા પછી ધારણા કરી આ માણસ બંગાળી હશે.'' ગણાત્રાની સામે જોઈને એણે આગળ કહ્યું. ''એ પછી આપણા હેડ કોન્સ્ટેબલ નાથુસિંગે એક વસ્તુ શોધીને મને બૂમ પાડી કે સાહેબ, આ માણસનો અફીણનો કારોબાર લાગે છે. ત્યાં જઈને એ વસ્તુ અને એની સાથે હતું એ બોક્સ જોયા પછી આ માણસની આખી કુંડળી મળી ગઈ.'' એણે આત્મવિશ્વાસથી ઉમેર્યું. ''આ માણસની ઓળખ મેળવવાનું બાકી રહ્યું. બાકી, હત્યાનો મોટિવ પણ મગજમાં સેટ થઈ ગયો.''
ગણાત્રા હવે આંખો ખોલીને એની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યા હતા.
''સોનીનો દીકરો છું એટલે ઝડપથી ખ્યાલ આવી ગયો. નાથુસિંગ જેને અફીણ સમજ્યા હતા એ અફીણ નથી પણ કાળું મીણ છે. સોનાનું કામ કરનાર દરેક બંગાળી કારીગર પાસે એ હોય જ. એને ટીપીને-વણીને પતલી રોટલી જેવું બનાવી દેવામાં આવે. પછી એના ઉપર હાર કે બુટ્ટીની ડિઝાઈન ફોટોગ્રાફ ઉપરથી કાપીને મૂકે અને આ મીણમાં પ્લાસ્ટર ઑફ પેરિસ રેડે. એ સૂકાઈને ડિઝાઈનનો મોલ્ડ બની જાય એટલે એમાં સોનું અને કેડિયમનું મિશ્રણ ગરમ કરીને નાખે અને આ રીતે દાગીનો બનાવે.''
એણે નિખાલસતાથી કબૂલ કર્યું. ''અલબત્ત, પહેલી નજરે તો મનેય એ અફીણ લાગેલું પણ એની જોડે સામાનમાં જે ઈલેક્ટ્રિક ગન પડી હતી એનું બોક્સ જોઈને આખી કથા સમજાઈ ગઈ. બંગાળી કારીગરો સોનાના દાગીનામાં સોલ્ડરિંગ કરવા ગેસથી ચાલતી આવી ગનનો ઉપયોગ કરે છે. એ જે બોક્સમાં રાખવામાં આવે છે એ પાંચ ઈંચ લાંબુ અને અઢી ઈંચ પહોળું લાકડાનું બોક્સ માત્ર રાજકોટમાં જ બને છે.''
સહેજ અટકીને ઊંડો શ્વાસ લઈને એણે ગણાત્રા સામે જોયું. ''સર, એના સામાનમાંથી જે પ્લાસ્ટિકની થેલીઓ મળી છે એ બધી રાજકોટની દુકાનોની છે. ધેટ મિન્સ, આ બંગાળી કારીગર રાજકોટમાં કામ કરતો હશે. કોઈ સોનીને ત્યાં મોટો હાથ મારીને ભાગી આવ્યો હશે.''
''તારું નિરીક્ષણ સાવ સાચું, પણ હવે તારી કસોટી થશે.'' ગણાત્રાએ ગુસાણીના ખભે હાથ મૂક્યો. ''રાજકોટ જઈને આ અજાણ્યા માણસની ઓળખ મેળવવાની અને એ પછી એના ખૂનીનો પત્તો મેળવવાનું કામ અઘરું છે. એ છતાં, તારી તાકાત પર વિશ્વાસ છે. હું રિટાયર થાઉં એ પહેલા આ કેસ નિપટાવી દે,ભાઈ!''
''દોઢ મહિનાનો સમય છે એટલે આપ નિશ્ચિંત રહો,સર,આ ખૂનના અપરાધીઓ આપના હાથે જ હાથકડી પહેરશે-મારા તરફથી આપને એ રિટાયરમેન્ટ ગિફ્ટ આપીશ.''
( આવતા બુધવારે પૂરી થશે )