સ્માર્ટ સુકુમારની ધનલાલસાના ખપ્પરમાં નિર્દોષ યુવાન બલિ બન્યો
- ક્રાઈમવૉચ- મહેશ યાજ્ઞિાક
- શાહુનો ગભરાટ પારખીને સુકુમારે એના ખભે હાથ મૂક્યો. ચિંતા ના કર. સૂમસામ રસ્તા પરથી પસાર થતા એકલદોકલને જ ઉઠાવવાનો છે એટલે કોઈને ખબર નહીં પડે.
- ઘટનાસ્થળેથી માચિસ અને બળેલા હાથમોજાં જોઈને હરિદાસને શંકા પડેલી. વળી, આસપાસમાં પેટ્રોલના ડાઘ હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના પેટમાંથી ઝેરના અવશેષ મળ્યા.
કા યદાના હાથમાંથી કોઈ અપરાધી કેટલો સમય બચી શકે? આજે વાત કરવાની છે સુકુમાર કુરૂપની. આ ક્રૂર હત્યારો છેલ્લા સાડત્રીસ વર્ષથી કેરાલા પોલીસને હંફાવી રહ્યો છે. ન્યાયના ઈતિહાસમાં આ કેસ ૧૯૮૪થી લટકી રહ્યો છે.
૧૯૪૮માં જન્મેલો સુકુમાર કુરૂપ અભ્યાસમાં અત્યંત તેજસ્વી. અભ્યાસ પતાવીને ઈન્ડિયન એરફોર્સમાં ઑફિસર તરીકે નોકરી મેળવી. એ પછી એરફોર્સ છોડીને મરિન પેટ્રોલિયમ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે અબુધાબી પહોંચી ગયો. એની પત્ની સરસમ્માને પણ અબુધાબીની સૌથી મોટી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી મળી ગઈ.
સુકુમાર કેરાલા આવે ત્યારે એનો બાળગોઠિયો શાહુ અને ડ્રાઈવર પોનપ્પન સતત એની સાથે રહેતા હતા. સુકુમારનો સાળો ભાસ્કર પિલ્લાઈ સુકુમારથી સાત વર્ષ નાનો હતો. એ પણ સાથે જ હોય.
જાન્યુઆરી ૧૯૮૪ના આરંભમાં સુકુમાર એકલો કેરાલા આવ્યો. એ ભાસ્કરના ઘેર ઊતર્યો હતો. ભાસ્કર અને શાહુને રોજ રાત્રે હોટલમાં જમવા લઈ જઈને એ પાણીની જેમ પૈસા વાપરતો. એક દિવસ છેક ખૂણાનું એકાંત ટેબલ પસંદ કરીને એણે સાળા અને મિત્ર સામે જોયું. 'લિસન, એક આલિશાન બંગલો બનાવવાની ઈચ્છા છે.'
પેલા બંને અહોભાવ અને આદરભાવથી એની સામે જોઈ રહ્યા હતા.
'જીજાજી, એમાં તો બહુ પૈસા જોઈશેને?' સાળાએ પૂછયું એટલે બનેવી હસી પડયો. 'પૈસા તો એક જર્મન કંપની આપશે. જો તમે બંને મદદ કરો તો!' એ બંનેની સામે જોઈને સુકુમારે ધીમા અવાજે સમજાવ્યું. 'એ કંપની પાસે મેં પંચોતેર હજાર ડોલરનો વીમો ઊતરાવ્યો છે. ડોલરનો ભાવ અગિયાર રૂપિયા ગણો તો લગભગ સવા આઠ લાખ રૂપિયા હાથમાં આવે.સમજણ પડી?'
શાહુએ નકારમાં માથું ધૂણાવીને કહ્યું.'તું ઘરડો થાય ત્યારે પોલિસી પાકે ને પૈસા મળે. જીવતા માણસને વીમાના પૈસા કોણ આપે?'
'એ લેવા માટે પ્લાન બનાવ્યો છે, પરંતુ મારા એકલાનું કામ નથી. તમે બંને મદદ કરો તો માલામાલ થવાશે.'
'આઈ એમ રેડી.' ભાસ્કરે ઉત્સાહથી સંમતિ આપી. સુકુમારે શાહુ સામે જોયું.'તું?'
'દોસ્તીને ખાતર માથું આપવા તૈયાર છું. પ્લાન સમજાવ.'
આજુબાજુ નજર કરીને કોઈ સાંભળતું નથી એની ખાતરી કર્યા પછી સુકુમારે મોં ખોલ્યું. 'મારા જેવા જ હાઈટ-બોડી હોય એવું એક ડેડ બોડી જોઈએ. કંપનીવાળા તો ચેક કરવા આવવાના નથી. માત્ર પોલીસને ખાતરી થવી જોઈએ કે આ લાશ સુકુમાર કુરૂપની છે. એ માટે લાશનું મોઢું રીપેર કરી દેવાનું!'
'કામ અઘરું છે. આવી લાશ તો ક્યાંથી મળે?' શાહુએ પૂછયું.
સુકુમારે ઠંડકથી કહ્યું. 'આવી લાશ રખડતી ના મળે એ તો હુંય જાણું છું, બકા, પણ જલસાથી જીવવું હોય તો જોખમ લેવું પડે! મારા જેવા દેખાવવાળો જીવતો માણસ શોધી કાઢવાનો. એ જડે કે તરત એને લાશમાં ફેરવી નાખવાનો. એમાં વાર કેટલી?' બનેવી પ્રત્યેના અહોભાવને લીધે ભાસ્કર શાંતિથી સાંભળતો હતો પણ શાહુ થથરી ગયો.
'આવતી કાલથી આપણે ઑપરેશન શરૂ કરીએ છીએ.' સુકુમારના અવાજમાં ઠંડી ક્રૂરતા હતી. 'અહીંથી જમ્યા પછી કારમાં હાઈવે પર જવાનું. આંખો સાબદી રાખીને મારા જેવો કોઈ માણસ દેખાય તો એને ઝડપી લેવાનો. કાર પોનપ્પન ચલાવશે પણ એને પ્લાનની વાત નથી કરવાની. અન્ડરસ્ટેન્ડ?'
શાહુનો ગભરાટ પારખીને સુકુમારે એના ખભે હાથ મૂક્યો. 'ચિંતા ના કર. સૂમસામ રસ્તા પરથી પસાર થતા એકલદોકલને જ ઉઠાવવાનો છે એટલે કોઈને ખબર નહીં પડે.' એણે પોતાનો આગળનો પ્લાન સમજાવ્યો. 'ઑફિસિયલી ઓન પેપર હું મરી જઈશ. સ્કૂલમાં મારું નામ ગોપાલકૃષ્ણન હતું. એ નામના બધા ડોક્યુમેન્ટસ્ મારી પાસે છે. મેટ્રિકની પરીક્ષા વખતે મેં નામ બદલીને સુકુમાર કરાવેલું ત્યારે કોઈ કલ્પના નહોતી પણ એ ડોક્યુમેન્ટસ્ હવે કામમાં આવશે. સુકુમાર કુરૂપ મરી જશે અને ગોપાલકૃષ્ણન પિલ્લાઈ કોઈ બીજા સ્થળે જઈને સજીવન થશે. પૈસા હોય તો બધુંય થઈ પડશે.'
આઠ દિવસ સુધી નેશનલ હાઈવે ૪૭ પર રખડપટ્ટી કરવા છતાં જોઈતો હતો એવો માણસ ના મળ્યો એટલે સુકુમાર અધીરો બન્યો હતો. નવમા દિવસે રસ્તામાં એક ભિખારીને જોઈને સુકુમારની આંખ ચમકી.
ત્રણેય કારમાંથી ઊતરીને ભિખારીની પાસે ગયા. 'ક્યાં જવાનું છે, બાબા? ગાડીમાં બેસી જાવ.' પૂછતી વખતે પેલાનું નિરીક્ષણ કરીને સુકુમાર અને શાહુએ આંખોથી સંતલસ કરી લીધી કે આ બકરો ફીટ થાય એવો છે.
ભિખારીએ એ ત્રણેયની સામે જોયું અને સંકોચ સાથે કારમાં બેઠો. સુકુમાર ડ્રાઈવરની પાસે બેઠો હતો. પાછળની સીટ પર શાહુ અને ભિખારીની વચ્ચે ભાસ્કર બેઠો હતો. કાર સડસડાટ આગળ વધતી હતી. ભાસ્કરે ઠંડા પીણાની બોટલ ભિખારીને આપી. 'લ્યો પીવો. મજા આવશે.'
પીધા પછી ચાર મિનિટમાં માણસ ભાન ગૂમાવી દે એ રીતે ઘેનની દવા એમાં ભેળવેલી હતી. ભિખારીએ બોટલ હાથમાં લીધી. સાશંક નજરે ભાસ્કર સામે જોયું. એ પછી અચાનક એ બોટલ ભાસ્કરના હાથ ઉપર પછાડીને કોઈ કંઈ સમજે-વિચારે એ અગાઉ કારનું બારણું ખોલીને એ રોડ પર કૂદ્યો. પછડાયો પણ તરત ઊભા થઈને એણે દોટ મૂકી. થોડે દૂર એક મંદિર હતું ત્યાં લોકો ઊભા હતા. ચિત્તાની ઝડપે ભિખારી એ તરફ નાઠો.ગાલ ઉપર તમાચો પડયો હોય એમ ગુસ્સાથી તમતમીને સુકુમાર એક સાથે ડઝન ગાળ બબડયો. નિષ્ફળતા અને હતાશાથી એ એટલો ધૂંધવાયેલો રહ્યો કે બીજા દિવસે રજા રાખવી પડી.
નેશનલ હાઈવે ૪૭ પર એ સમયે એક માત્ર સિનેમાહોલ- એ શ્રી હરિ થિયેટરમાં આજુબાજુના ગામના લોકો ફિલ્મ જોવા જતા હતા.
૨૧ જાન્યુઆરી,૧૯૮૪ની રાત્રે છેલ્લો શૉ પત્યા પછી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર ચાકો પોતાના ગામ જવા માટે વાહન શોધતો હતો. ચાકોના લગ્નને હજુ એક જ વર્ષ થયું હતું અને એની પત્ની સંથમ્મા ચાકો પ્રેગ્નન્ટ હતી.
લોકોની ભીડથી આગળ વધીને ચાકો રોડ પર ઊભો હતો. એને જોઈને કારમાં બેઠેલા ત્રણેયની આંખ ચમકી.અદ્દલ સુકુમાર જેટલી જ ઊંચાઈ અને કદ-કાઠી પણ એક જ સરખા. ચાકો રોડની સામેની સાઈડમાં હતો એટલે યુ ટર્ન લઈને કાર ચાકો પાસે ઊભી રહી. 'ક્યાં જવાનું છે?' સુકુમારે પૂછયું.
'અલપુઝ્ઝા.' આ લોકોની સામે આશાભરી આંખે જોઈને ચાકોએ જવાબ આપ્યો.
'નો પ્રોબ્લેમ. અમે એ તરફ જ જઈએ છીએ. આવી જાવ.' સુકુમારે કહ્યું અને ચાકો પાછળની સીટ પર ગોઠવાયો. ભિખારીવાળા અનુભવ પછી વ્યૂહરચના બદલીને હવે ઠંડા પીણાની ચાર બોટલ સાથે રાખી હતી. શાહુએ ચારેય બોટલ કાઢી અને નિશાનીવાળી બોટલ ચાકોને આપી. બધાએ ઠંડુ પીણું પીધું અને પાંચમી મિનિટે ચાકો બેભાન થઈને ઢળી પડયો.
સુકુમારે ઈશારો કર્યો એટલે ભાસ્કરે ચાકોની ગરદન દબાવી. પૂરી તાકાતથી જોર કર્યું, હાથ-પગ સહેજ તરફડયા અને ચાકોના શ્વાસ અટકી ગયા!
કારને સીધી જ ભાસ્કરના ઘેર લીધી. ચાકોની લાશને ઢસડીને અંદરના ઓરડામાં લઈ ગયા પછી શાહુએ જવાબદારી સંભાળી લીધી. ચાકોના બુશર્ટ અને પેન્ટ કાઢી નાખીને એને સુકુમારના કપડાં પહેરાવ્યાં. ચહેરાની ઓળખ ભૂંસવી જરૂરી હતી. એ માટે ફોર્સથી જ્વાળા ફેંકે એવો કેરોસિનનો લેમ્પ લઈને શાહુ મચી પડયો. ચાકોની ખુદ સગી મા પણ ઓળખી ના શકે એ રીતે આખો ચહેરો સળગાવી દીધો. એ પછી લાશને કારમાં બેસાડીને એ લોકો નેશનલ હાઈવે ૪૭ પર ગયા. મવેલીકારા ગામ પાસે કારને રોડથી નીચે ઊતારી. રાત્રે અઢી વાગ્યે બધુંય સૂમસામ હતું.
કારની ડેકીમાંથી પેટ્રોલના કેરબા બહાર કાઢયા. લાશને ડ્રાઈવરની સીટ પર બેસાડીને એના હાથ સ્ટિયરિંગ પર ગોઠવીને શાહુ, પોનપ્પન અને સુકુમાર સહેજ દૂર ઊભા રહ્યા. ભાસ્કરે આખી એમ્બેસેડરને પેટ્રોલથી નવડાવી દીધી અને પછી ખિસ્સામાંથી માચિસ કાઢયું. દીવાસળી સળગાવી અને ફેંકી પણ આ પ્રક્રિયા દરમ્યાન એનો હાથ પણ પેટ્રોલથી ભીંજાયો હતો એનું એને ભાન નહોતું. મોજાં પહેર્યાં હતાં છતાં હાથ સળગ્યો અને આખી એમ્બેસેડર પણ આગના ગોળામાં બદલાઈ ગઈ. પોનપ્પને દોડીને ભાસ્કરના હાથ ઉપર ચોંટેલું સળગતું મોજું બૂઝાવી નાખ્યું. એક કિલોમીટર ચાલ્યા પછી પેટ્રોલના ખાલી કેરબા એક ખેતરમાં નાખી દીધા. ઘેર પહોંચ્યા પછી ભાસ્કરના હાથ ઉપર એલોવીરાનો પલ્પ લગાવીને પાટો બાંધી દીધો.
'થેન્ક ગોડ! સુકુમાર ઈઝ ડેડ!' હર્ષના આવેશમાં સુકુમારે ભાસ્કર અને શાહુને બાથમાં ભીડીને કહ્યું.'સવારથી પોલીસનો ધમધમાટ ચાલુ થઈ જશે અને હું તો હવે મરી ગયો છું એટલે ગામમાં રહેવાશે નહીં. પરોઢિયે હાઈવે પરથી ટ્રક પકડીને એર્નાકુલમ તરફ ભાગી જઈશ.' એણે ભાસ્કર સામે જોયું. 'ઈન્શ્યોરન્સની વિધિ કઈ રીતે પતાવવાની છે એ બધુંય મેં તને લખીને સમજાવેલું છે. પોલીસ જે જે પેપર્સ આપે એ બધાય સાચવીને રાખજે. તારી બહેનને ફોન કરીશ એટલે એ કાલે આવી જશે. આવીને એ બધી ફોર્માલિટી પતાવશે એટલે પંચોતેર હજાર ડોલરનો વરસાદ થશે.'
પરોઢિયે સાડા પાંચ વાગ્યે ચેંગાનુર પોલીસ સ્ટેશનની આખી ટીમ ઘટના સ્થળે આવી ગઈ.સળગી ગયેલી કારમાં લાશની વાત સાંભળીને ડી.વાય.એસ.પી. હરિદાસ પણ દોડી આવ્યા હતા. ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનમાં એ બાહોશ હતા.
પછીના દિવસે અખબારોમાં સમાચાર ચમક્યા. ગલ્ફમાં રહેતા મલયાલી સુકુમારનું કારમાં સળગી જવાથી મોત!
હરિદાસની શકરાબાજ જેવી નજરે જે નિરીક્ષણ કરેલું એના આધારે બીજા દિવસે અખબારોએ લખ્યું કે લાશની ઓળખ શંકાસ્પદ છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા પછી ત્રીજા દિવસે સમાચાર છપાયા કે કંઈક ભયાનક લોચો છે!
ઘટનાસ્થળેથી મળેલ માચિસ અને બળેલા હાથમોજાં જોઈને હરિદાસને શંકા પડેલી. વળી, આસપાસમાં પેટ્રોલના ડાઘ પણ હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના પેટમાંથી ઝેરના અવશેષ મળ્યા. મોતનું કારણ શ્વાસ રુંધાઈ જવાનું આવ્યું. આ ઉપરાંત, સળગી જનાર વ્યક્તિની શ્વાસનળીમાં કાર્બનના તત્વોની હાજરી અનિવાર્યપણે હોય જ, પરંતુ અહીં એવું નહોતું.
ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનના ધંધાને લીધે ચાકો ક્યારેક દિવસો સુધી ઘેર નહોતો આવતો એને લીધે એની પત્નીને શરૂઆતમાં કોઈ શંકા નહોતી પરંતુ અખબારોમાં આ કેસ વિશે વાંચીને એ ગભરાઈ. ચાકોના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સંથમ્મા ચાકોને લાશની ઓળખવિધિ માટે બોલાવી. બાકી તો બધુંય બળી ગયું હતું પણ અન્ડરવેરના અવશેષ પરથી સંથમ્માએ પતિની લાશ ઓળખી બતાવી.
સુકુમારની પત્ની ને બાળકો અબુધાબીથી આવી ગયા હતા અને સાદા વસ્ત્રોમાં પોલીસ એ આખા પરિવાર ઉપર નજર રાખતી હતી. ઘરમાં મટન-ચીકન પાર્ટી થતી હતી અને કોઈનેય સુકુમારના મૃત્યુનું દુઃખ નહોતું એની પોલીસે નોંધ લીધેલી.
ચાકોની પત્નીએ લાશ ઓળખી બતાવી એ પછી કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચે સંભાળી લીધી. પોલીસને ખાતરી થઈ ચૂકી હતી કે ચાકોની હત્યા કર્યા પછી એની લાશને સુકુમાર કુરૂપ તરીકે પ્લાન્ટ કરવામાં આવી હતી.
ઉલટતપાસ દરમ્યાન ભાસ્કરનો દાઝેલો હાથ બહુ મહત્વનો પુરાવો ગણાયો.
પોલીસની સામે શાહુએ શરણાગતિ સ્વીકારી લીધી. તાજનો સાક્ષી બનીને કશુંય છૂપાવ્યા વગર એણે આરંભથી અંત સુધીની તમામ વાતો જાહેર કરી. પૈસાની ભૂખમાં આવું ભયાનક કાવતરું કરનાર સુકુમાર કુરૂપની કહાણી કેરાલાના તમામ અખબારોમાં ચમકી. ભાસ્કર અને પોનપ્પનને જન્મટીપની સજા મળી.અબુધાબીની હોસ્પિટલે સુકુમારની પત્નીને નોકરીમાંથી કાઢી મૂકી.
પણ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને મર્ડરનો મુખ્ય અપરાધી ક્યાં? હવામાં ઓગળી ગયો હોય એમ સુકુમાર અદ્રશ્ય થઈ ચૂક્યો હતો. પોલીસની અનેક ટીમ દોડાદોડી કરતી હતી પણ સફળતા નહોતી મળતી. કેરાલાના પત્રકારો માટે તો આ કેસ ગોળના ગાડા સમાન બની ગયો. જાતજાતની વાતો અને પાત્રો સાથે આછો-પાતળો પણ સંબંધ ધરાવતા લોકોના ઈન્ટરવ્યુ અખબારો અને સાપ્તાહિકોમાં છપાય અને લોકો રસથી વાંચે. વિવિધ રાજ્યમાં સુકુમાર ભૂતની જેમ ચમકી જતો હતો. માહિતી કે ઊડતી ખબર મળે એટલે પોલીસ ત્યાં દોડે પણ ત્યાં સુધીમાં તો ભૂત અદ્રશ્ય થઈ જાય!
૧૯૯૦માં મુંબઈ એરપોર્ટ પરથી પોસ્ટ થયેલો કાગળ એના પરિવાર પર આવ્યો અને પોલીસ મુંબઈ પહોંચી. પછીના વર્ષે કોઈકે કહ્યું કે એરફોર્સના જૂના સંબંધના આધારે એ ગુજરાતમાં સંતાયો છે. કેરાલા પોલીસે તરત વડસરની મુલાકાત લીધી. આ જ રીતે ભોપાલ, કલકત્તા જેવા અનેક શહેરોમાં પણ પોલીસને નિરાશા જ સાંપડી. કોઈકે કહ્યું કે એ ગલ્ફની કોઈ મસ્જિદમાં પહોંચી ગયો છે.
૨૦૧૦માં એના દીકરા સુનીતના લગ્ન થયા ત્યારે કંકોત્રીમાં ક્યાંય સ્વર્ગવાસી સુકુમાર એવું લખાણ નહોતું એટલે સુકુમાર જીવતો છે એની પોલીસને ખાતરી થઈ. શ્રી વલ્લભ ટેમ્પલ, તિરૂવલ્લામાં યોજાયેલા એ લગ્ન સમારંભમાં પોલીસ સાબદી હતી. સજા ભોગવીને છૂટેલો ભાસ્કર મામા તરીકે ફરજ બજાવતો હતો, પણ સુકુમાર ના જડયો!
આ ખૂનકેસમાં કેરાલાની પ્રજાને જે જબરજસ્ત રસ પડયો હતો એ જોઈને ૨૦૧૬માં ખ્યાતનામ નિર્દેશક અદૂર ગોપાલકૃષ્ણને નેશનલ હાઈવે ૪૭ નામની મલયાલમ ફિલ્મ બનાવી. બીજા એક નિર્માતાએ પણ આ જ ઘટના પર આધારિત પિનેય્યુમ નામની ફિલ્મ બનાવી. બંને ફિલ્મને સફળતા મળી. અખબારોમાં, ટીવી ચેનલોમાં, સરકારી ફાઈલોમાં અને લોકોની ચર્ચામાં સુકુમાર કુરૂપ આજે પણ જીવતો જ છે એનું તાજું ઉદાહરણ એટલે સુપર સ્ટાર દલકીર સલમાનને સુકુમાર તરીકે રજૂ કરતી ૨૦૨૦ ની ફિલ્મ કુરૂપ! યુટયુબ પર એના વિવિધ ટ્રેલર્સને જોનારાની સંખ્યા જ એક કરોડથી વધુ છે!
પીઢ પત્રકાર કુરિયોકોઝ ચાકોની પત્ની સંથમ્માનો ઈન્ટરવ્યુ લેવા જૂન,૨૦૧૮માં ગયો ત્યારે સંથમ્માએ કહ્યું કે સુકુમાર જીવે છે કે મરી ગયો એ હું નથી જાણતી પણ મેં એને ખરા હૃદયથી માફ કરી દીધો છે. એ પછી પત્રકારે ૩૦ જૂને ચર્ચમાં મિટિંગ ગોઠવી.
'આ હું શું કરી રહ્યો છું એ સમજવા જેટલી પરિપક્વતા કે અક્કલ એ સમયે મારામાં નહોતી.' સંથમ્મા સામે હાથ જોડીને ભાસ્કર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો. એના હાથ પોતાના હાથમાં જકડીને સંથમ્માએ એને શાંત પાડીને કહ્યું. 'આ પાંત્રીસ વર્ષના કપરા સમયમાં ઈશ્વરે અમને મદદ કરી છે અને એ જ ઈશ્વરે મને ક્ષમા આપવાનું શીખવ્યું છે, ભાઈ! તમારા કોઈનાયે માટે મારા હૃદયમાં લેશમાત્ર કડવાશ નથી. ખરા દિલથી બધાને માફ કરી દીધા છે.'
ભાસ્કર ફરી વાર રડી પડયો. 'જેલમાંથી છૂટયા પછી પણ મનમાં વલોવાતો હતો. તમે માફ કર્યો એ પછી મનમાં હળવાશ લાગે છે.'
આ લાગણીસભર ઘટના પણ મીડિયા મારફતે કેરાલાની પ્રજાના હૃદયને સ્પર્શી ગઈ.
કાયદો કદાચ સુકુમારને ક્યારેય પકડી નહીં શકે પણ એણે જે અપરાધ કર્યો છે એ સામાન્ય માણસના મનમાં રહેલી કાળાશ અને ધનલાલસાને લાલ બત્તી બતાવતો રહેશે.