ગુનાખોરીની દુનિયામાં ઉપરોક્ત વિધાન દુઃખથી યાદ કરવું પડે તેવી ઘટનાઓ
- ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિાક
- ઊંમર તો માત્ર એક આંકડો છે'
- ખુંખાર ગુનેગારને પ્રેરણામૂર્તિ બનાવીને એમના જેવા બનવા થનગની રહેલા સમીર જેવા યુવાનોની વધતી જતી સંખ્યા સમાજ માટે ચિંતાનો વિષય છે
એ વરગ્રીન અભિનેતા દેવઆનંદ પંચોતેર વર્ષની ઉંમરે પણ નવયુવાન જેટલી સ્ફૂર્તિથી કામ કરી રહ્યા હતા એ સમયે એક ટીવી ઈન્ટરવ્યુમાં એમણે કહેલું કે ઉંમર તો માત્ર એક આંકડો છે, માનસિક તાકાત હોય તો ગમે તે ઉંમરે ગમે તે કામ થઈ શકે. સદાબહાર દેવઆનંદે ટાંકેલું આ વિધાન 'ઉંમર તો માત્ર એક આંકડો છે!' એ પછી તો ખૂબ પ્રચલિત થઈ ગયેલું.
આજે ક્રાઈમવૉચમાં દેશની રાજધાની દિલ્હીની એક નહીં, પણ બે ઘટનાઓ છે. ય્૨૦માં આવનારા નેતાઓ માટે આખું દિલ્હી હાઈ એલર્ટ ઉપર હોવા છતાં ત્યાં ધ્યાન ખેંચે એવા બે ગંભીર ગુના તાજેતરમાં બન્યા. આશ્ચર્યની વાત તો એ છે કે આ બંને કથામાં 'ઉંમર તો માત્ર એક આંકડો છે!' એ વિધાન સાવ અવળી રીતે યાદ કરવું પડે એવું બન્યું છે!
પહેલી ઘટનાઃ સાઉથ ઈસ્ટ દિલ્હીના ડી.સી.પી. રાજેશ દેવના જણાવ્યા અનુસાર તારીખ ૩૦-૮-૨૦૨૩, બપોરે સવા બે વાગ્યે પી.સી.આર. વાન ઉપર ફોન આવ્યો કે બાટલાનગર વિસ્તારના ઝાકિરનગરમાં બીજે માળના એક ફ્લેટમાં બારણું અડધું ખુલ્લું જ છે અને એમાંથી લોહીનો રેલો બહાર આવ્યો છે! પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે બધા ફ્લેટવાળા એ બારણાંની બહાર જ ઊભા હતા. પોલીસે બારણું ખોલ્યું અને અંદરનું દ્રશ્ય જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. એ ફ્લેટના માલિક મોહમ્મદ વસીમ ફરસ ઉપર ચત્તોપાટ પડયો હતો અને એની ગરદન ઉપર ધારદાર હથિયારથી અનેક પ્રહાર કરવામાં આવેલા હતા. એની હાલત જોઈને એ મરી ગયો છે એ જાણવા માટે કોઈ તબીબી પુરાવાની જરૂર નહોતી.
પોલીસની પૂછપરછમાં પાડોશીઓએ જણાવ્યું કે પાંત્રીસ વર્ષનો આ વસીમ શિક્ષક તરીકે કોઈ સ્કૂલમાં નોકરી કરે છે અને એ એના પરિવાર સાથે જામિયાનગરમાં રહેતો હતો. આ ફ્લેટ એણે ભાડે આપેલો હતો અને અહીં રહેનારો ભાડવાત પરિવાર ગયા અઠવાડિયે જ ખાલી કરીને બીજે રહેવા ગયો છે.
ભાડવાત ખાલી કરી ગયો હતો એટલે ફ્લેટ સાવ ખાલી જ હતો. પોલીસે ફ્લેટમાં તપાસ કરી પણ કોઈ પુરાવા ના મળ્યા. વસીમના ખિસ્સામાં પાકિટ હતું એમાં સાતસો રૂપિયા પણ અકબંધ હતા, માત્ર મોબાઈલ ગૂમ હતો. એને લીધે સ્પષ્ટ હતું કે હત્યારાનો લૂંટફાટનો ઈરાદો નહોતો. પોલીસે જાણ કરી એટલે જામિયાનગરમાંથી બંને બાળકો સાથે વસીમની પત્ની ત્યાં દોડી આવી. ભાંગી પડેલી એ સ્ત્રીએ પોલીસને કહ્યું કે મારો શૌહર તો સીધોસાદો ઈન્સાન હતો, એને કોઈનીયે સાથે દુશ્મનાવટ નહોતી એટલે આવું કાળું કામ કોણે કર્યું છે એ સમજાતું નથી.
પોલીસે વસીમની પત્ની પાસેથી વસીમનો મોબાઈલ નંબર લીધો. સાયબર ટીમને એ નંબર આપીને એને સર્વેલન્સ ઉપર મૂકાવવાની સૂચના આપી.
તારીખ ૧-૯-૨૦૨૩ના દિવસે સર્વેલાન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી અને આરોપી સલીમ (આ નામ બદલ્યું છે) ને અટકાયતમાં લીધો. એની પાસેથી કટર, લોહીવાળા કપડાં, બૂટ અને વસીમનો મોબાઈલ પણ મેળવી લીધો. સલીમ પકડાયો ત્યારે બધાને આશ્ચર્ય થયું. સલીમની ઉંમર માત્ર ચૌદ વર્ષની! ('ઉંમર તો માત્ર એક આંકડો છે!')
સલીમે વસીમની હત્યા કેમ કરી એનું કારણ પણ આઘાતજનક હતું! બે મહિના અગાઉ સલીમે વસીમનું ટયુશન રાખ્યું ત્યારે એને કલ્પના પણ નહોતી કે આ વસીમ ટીચર હોમોસેક્સ્યુઅલ છે! બીજા જ દિવસે વસીમે સલીમને શિકાર બનાવ્યો. બળજબરીથી એના પર બળાત્કાર કરીને એનો વીડિયો પણ બનાવ્યો! એ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બે મહિના સુધી વસીમ એની સાથે દુષ્કર્મ કરતો રહ્યો. વીડિયો વાયરલ થવાની બીકથી સલીમ આ ત્રાસ વેઠતો હતો પરંતુ એની સહનશીલતાની હદ આવી ત્યારે ગુસ્સાનો વિસ્ફોટ થયો. ૩૦-૮-૨૦૨૩ના દિવસે વસીમે એને ઝાકિરનગરના ઘેર બોલાવ્યો ત્યારે સલીમ તૈયારી સાથે ત્યાં ગયો. સ્ટેશનરીની દુકાનમાંથી મોટામાં મોટી સાઈઝનું કટર એણે ખરીદેલું. વાસનામાં હેવાન બનેલા વસીમે શર્ટ કાઢયું એ જ વખતે સલીમે પૂરા ઝનૂન સાથે દાંત ભીંસીને કટરથી એની ગરદન ઉપર પ્રહાર શરૂ કર્યા. આજ સુધીના શોષણનો બદલો લેતો હોય એમ સલીમ આક્રમકતાથી તૂટી પડયો અને વસીમ લથડી પડયો. એ મરી ગયો છે એની ખાતરી કરીને સલીમ ભાગ્યો. મા-બાપ કે પોલીસને ફરિયાદ કરવાને બદલે ચૌદ વર્ષના સલીમે પોતે જ ચુકાદો આપી દીધો!
દિલ્હીમાં બીજી ઘટના ભજનપુરા વિસ્તારમાં બનેલી અને એના છાંટા તો છેક અમેરિકા સુધી ઊડયા છે. સી-૩૫, સુભાષવિહાર, ગલી નંબર એકમાં માતા-પિતા અને નાના ભાઈ સન્ની ગિલની સાથે રહેતા હરપ્રીતસિંગ ગિલ અમેરિકાની એમેઝોન કંપનીમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરતા હતા. છત્રીસ વર્ષના હરપ્રીત કુંવારા હતા. ૧૪ વર્ષની સફળ કારકિર્દી બદલ એમેઝોને એમને પ્રમોશન આપીને બેંગાલુરૂમાં મોટી જવાબદારી સોંપી હતી એટલે અઠવાડિયા પછી એ બેંગાલુરૂ જવાના હતા.
હરપ્રીતની પાડોશમાં જ એમના કૌટુંબિક મામા ગોવિંદસિંગ રહેતા હતા. બત્રીસ વર્ષના ગોવિંદસિંગની ભજનપુરામાં જ હંગ્રી બર્ડ નામની ફાસ્ટફૂડની દુકાન હતી.
તારીખ ૨૯-૮-૨૦૨૩, મંગળવારે રાત્રે પોણા બાર વાગ્યે આ મામા-ભાણેજ બહારથી ઘેર આવતા હતા ત્યારે આઠ નંબરની ગલી પાસે, પોલીસસ્ટેશનની નજીક સાંકડા રસ્તા ઉપર એમનું સ્કૂટર અથડાયું. સામે સ્કૂટર અને બાઈક-બે વાહન ઉપર પાંચ યુવાન હતા. એમણે ઝઘડો શરૂ કર્યો. હરપ્રીત અને ગોવિંદ કંઈક બોલ્યા કે તરત એમાંથી બે યુવાને રિવોલ્વર કાઢીને ગોળીબાર શરૂ કર્યો! સાવ નજીક આવીને એમણે હરપ્રીત અને ગોવિંદના માથામાં જ ગોળી ધરબી દીધી! લોકો દોડી આવ્યા તો એમને ભગાડવા ધડાધડ હવામાં ફાયરિંગ કરીને એ પાંચેય ત્યાંથી નાસી ગયા. લોકોએ પોલીસને જાણ કરી અને હરપ્રીત અને ગોવિંદને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તબીબોએ હરપ્રીતને મૃત જાહેર કર્યો અને ગોવિંદની સારવાર શરૂ કરી. હરપ્રીતના ઘેર સમાચાર પહોંચ્યા એટલે વૃધ્ધ મા-બાપ બેભાન થઈ ગયા અને નાનો ભાઈ સન્ની બાઈક લઈને ત્યાં આવવા નીકળ્યો ત્યારે એનું પણ મગજ ઠેકાણે નહોતું. રસ્તામાં અકસ્માત થયો અને એ પણ ઈજાગ્રસ્ત થયો.
હરપ્રીતસિંગ ગિલની લાશનું જીટીબી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવીને જ્યારે પરિવારને સોંપવામાં આવી ત્યારે વાતાવરણ ગંભીર હતું. હરપ્રીતના પિતા કરનૈલસિંગ સાવ ભાંગી પડયા હતા અને માતા સ્વર્ણદીપ કૌર તો બેભાન અવસ્થામાં જ હતા. ત્યાં ઉપસ્થિત સ્નેહીજનોએ હરપ્રીતના માતા-પિતાને ટેકો આપીને સંભાળી લેવા પડયા એટલી દયાજનક એમની હાલત હતી.
આ કેસ ક્રાઈમ બ્રાન્ચે સંભાળી લીધો. ગોવિંદ પાસેથી પાંચ યુવાનોનું વર્ણન જાણીને પોલીસને લાગ્યું કે આ કામ માયા ગેંગનું હશે.
એ સમયે એ વિસ્તારમાં ઈરફાન છેનૂ, નાસિર અને હાશિમબાબાની ગેંગનો દબદબો હતો. એમનું સામ્રાજ્ય તોડીને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે નવી બનેલી માયા ગેંગે આ કારસ્તાન કર્યું હશે એ ધારણાએ પોલીસે માયા ગેંગની કુંડળી મેળવી.
માયા ગેંગના લીડર મોહમ્મદ સમીરે પોતાની ઓળખ માયાભાઈ તરીકે જ પ્રસ્થાપિત કરી હતી. મો. સમીર ઉર્ફે માયાભાઈની ઉંમર માત્ર અઢાર વર્ષ! એને અઢાર વર્ષ તો દસ દિવસ અગાઉ જ થયેલા, પરંતુ એ અગાઉ સગીરાવસ્થામાં એક પછી એક એમ ત્રણ હત્યા કરીને એ બાળસુધાર ગૃહમાં પણ રહી ચૂકેલો! ('ઉંમર તો માત્ર એક આંકડો છે!')
અસલ માયાભાઈ કોણ? માયાભાઈ એટલે મહેન્દ્ર વિઠોબા ડોળસ, મુંબઈનો કુખ્યાત ગેંગસ્ટર માયા ડોળસ. અગાઉ જોશી ગેંગમાં ખંડણી-હત્યાનું કામ કરીને નામના મેળવ્યા પછી દાઉદની ડી ગેંગમાં જોડાઈને એ ઝડપથી આગળ વધી ગયો. એ સમયે મુંબઈમાં દાઉદના કટ્ટર દુશ્મન તરીકે કુખ્યાત ગેંગસ્ટર અરૂણ ગવળીની પણ ધાક હતી. માયા ડોળસે અરૂણ ગવળીના સગા ભાઈની ધોળા દિવસે હત્યા કરીને મુંબઈની અંધારી આલમમાં ધાક જમાવેલી. હત્યા અને ખંડણીના ડઝનબંધ ગુનાઓ એના નામે નોંધાયેલા હતા. ઈ.સ. ૧૯૯૧માં માત્ર પચીસ વર્ષની ઉંમરે જ પોલીસ એન્કાઉન્ટરમાં પોતાના છ સાથીદાર સાથે એ ઠાર થયેલો. એના આધારે ઈ.સ.૨૦૦૭માં વિવેક ઓબેરોયને માયા ડોળસ બનાવીને 'શૂટઆઉટ એટ લોખંડવાલા' ફિલ્મ બનેલી. એ સમયે તો સમીર બે વર્ષનો ટેણિયો હશે એટલે એણે એ ફિલ્મ નહોતી જોઈ, પરંતુ ઈ.સ.૨૦૧૯માં પંદરેક વર્ષની ઉંમરે સમીરે કોઈ ચેનલ ઉપર આ ફિલ્મ જોઈ અને એનું મગજ ચકરાઈ ગયું. નાની ઉંમરે જ ખૂનામરકી કરીને પચીસ વર્ષની ઉંમરે જ મરી જનાર માયા ડોળસથી એ એટલે બધો પ્રભાવિત થઈ ગયો કે માયાભાઈને પ્રેરણામૂર્તિ બનાવીને એણે પોતે માયા ડોળસની જેમ ખૂંખાર ગેંગસ્ટર બનવાનું નક્કી કરી લીધું. આખા ભારતના સૌથી મોટા ડોન બનવાની એની મહેચ્છા હતી. નાનપણથી જ ગુનાઈત માનસ તો હતું જ અને મરવાની બીક નહોતી. એમાં હવે માયાભાઈ બનવાનો નશો ચડયો એટલે એણે કાચી ઉંમરથી જ કારનામા શરૂ કરી દીધા. સમીરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈને પોલીસ પણ ચકરાઈ ગઈ. રિવોલ્વર જેવા હથિયાર સાથેના ઢગલાબંધ ફોટાઓ એણે મૂકેલા અને પોતાની ઓળખમાં સમીરે લખેલું ઃ 'નામ બદનામ, પતા કબ્રિસ્તાન, ઉમર જીનેકી, શૌક મરનેકા!'
અઢાર વર્ષના સમીર ઉર્ફે માયાભાઈની ગેંગમાં વીસેક યુવાનો હશે એવી પોલીસની ધારણા છે. એમાં અદનાન ઉર્ફે અમર ઉર્ફે ડોન (૧૯ વર્ષ), બાવર્ચી ઉર્ફે સોહેલ(૨૨ વર્ષ), બિરયાની ઉર્ફે જુનૈદ(૨૩ વર્ષ), બિલાલ ગનીને તો ૨૭ ઓગસ્ટે જ અઢાર વર્ષ થયા હતા, ગાંજો પીવાની આદતને લીધે એ મલ્લુ તરીકે ઓળખાતો-આ બધાના છાપેલા કાટલા જેવા નામ તો પોલીસના ચોપડે ચડી ચૂક્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરપ્રીતની હત્યા કરનાર માયા ગેંગના મેમ્બર્સને દબોચવા માટે દોડાદોડી શરૂ કરી દીધી. બીજા દિવસે દિલ્હીના સિગ્નેચર બ્રીજ પાસેથી રાત્રે બે વાગ્યે બિલાલ ગની ઉર્ફે મલ્લુને પોલીસે પકડી લીધો. મલ્લુ ત્રણ દિવસ પહેલા જ અઢાર વર્ષનો થયો હતો. પાંચ ભાઈ-બહેનોના પરિવારમાં એ સૌથી મોટો હતો. માંડ માંડ દસમા ધોરણ સુધી ભણીને એણે એક વેલ્ડિંગના કારખાનામાં નોકરી મેળવેલી અને પછી તો ફૂલટાઈમ સમીરની માયા ગેંગમાં જોડાઈ ગયો હતો. મલ્લુની મરામતમાં પોલીસે કોઈ કસર ના છોડી અને એણે વટાણા વેરી નાખ્યા. એણે કબૂલ્યું કે કોઈ પણ જાતના કારણ વગર માત્ર ધાક જમાવવા માટે જ એણે અને માયાભાઈએ ફાયરિંગ કરેલું. એમાં સાવ નિર્દોષ હરપ્રીત ગિલ મૃત્યુ પામ્યા અને ગોવિંદસિંહ જીવનમરણ વચ્ચે ઝોલા ખાય છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પોતાની આવડતથી મલ્લુનું મોઢું ખોલાવીને બીજા બધા ક્યાં ક્યાં હોઈ શકે એની જાણકારી પણ મેળવી લીધી.
બીજા દિવસે સીમાપુરીમાંથી આ ગેંગના માસ્ટર માઈન્ડ મોહમ્મદ સમીર ઉર્ફે માયાભાઈને પકડી લેવામાં આવ્યો. સમીરને કોઈ પસ્તાવો નહોતો, પકડાયાની કોઈ પીડા નહોતી. એના પર હત્યાના ત્રણ અને અન્ય દસ કેસ તો ચાલુ જ હતા. અઢાર વર્ષના સમીરના મા-બાપ થોડા વર્ષો અગાઉ અવસાન પામ્યા હતા. એની મોટી બહેનને મેરઠમાં પરણાવેલી હતી. એને એના નાના ભાઈના આવા ધંધાથી નફરત હતી એટલે એ બંને વચ્ચે ખાસ સંબંધ નહોતો. પોલીસે મોઢું ખોલાવવા મથામણ કરી પરંતુ માયાભાઈએ મીંઢા બનીને માર સહન કરી લીધો, મોઢું ના ખોલ્યું!
મલ્લુએ આપેલી જાણકારીના આધારે પોલીસની તપાસ ચાલુ જ હતી. તારીખ ૩-૯-૨૦૨૩ ના દિવસે ઓગણીસ વર્ષના અદનાન ઉર્ફે અમર ઉર્ફે ડોનને સદરબજારમાંથી પકડી લેવાયો. એની પાસેથી હત્યાના દિવસે વપરાયેલા વાહનો પણ કબજે કરવામાં આવ્યા. બાકીનાને ઝડપી લેવાની કાર્યવાહી ચાલુ છે.
અત્યારે આ લખાય છે ત્યારે પણ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમનું કામ ચાલુ જ છે. ટેણિયાઓની આ ટીમે આચરેલા દરેક ગુનાઓની માહિતી મેળવીને એમાંથી કોઈ ગુનેગાર છટકી ના જાય એ માટે એ લોકો મહેનત કરી રહ્યા છે.
ખુંખાર ગુનેગારને પ્રેરણામૂર્તિ બનાવીને એમના જેવા બનવા થનગની રહેલા સમીર જેવા યુવાનોની વધતી જતી સંખ્યા સમાજ માટે ચિંતાનો વિષય છે.