અપહરણ અને હત્યા પાછળ પૈસાની લાલચ કારણભૂત કે ઝગડો?
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- પોલીસને આશ્ચર્ય થયું કે એ દિવસે ભજનલાલ કોલોનીની આસપાસ જ હતો અને એ રાત્રે આગ્રાથી એંશી કિલોમીટર દૂર રાજસ્થાનના મુનિયા જિલ્લામાં એનું લોકેશન મળતું હતું!
- અભય પ્રતાપ
- ક્રિશ્ના ઉર્ફે ભજનલાલ
- ક્રિશ્નાનો સાથી રાહુલ
- ક્રિશ્નાની ધરપકડ
આ ગ્રામાં આવેલા તાજમહેલ પ્રેમનું પ્રતીક ગણાય છે. એનું સૌંદર્ય બેનમૂન છે, પરંતુ આગ્રામાં રહેતા લોકોની માનસિકતા એવી નમૂનેદાર નથી. આગ્રા શહેરમાં બીજા શહેરોની જેમ ક્રાઈમની ઘટનાઓ બનતી જ રહે છે. આજે ક્રાઈમવોચમાં આગ્રા શહેરની જ એક ઘટના.
આગ્રાના ફતેહાબાદ વિસ્તારમાં મોટા ભાગે બધા મધ્યમવર્ગના પરિવારો જ રહે છે. ત્યાં આવેલા વિજયનગર કોલોનીમાં તારીખ ૨૦-૭-૨૦૨૫ ના દિવસે હાહાકાર મચી ગયો હતો. કોલોનીમાં સંખ્યાબંધ મકાનો આવેલા છે. જે સમાચાર આવ્યા એ સાંભળીને કોલોનીમાં રહેતા તમામ લોકો બધા કામ પડતા મૂકીને લાલા જગદીશના ઘર પાસે દોડી આવ્યા હતા.
લાલા જગદીશની આર્થિક સમૃધ્ધિ ઘણી સારી હતી. આગ્રાની આસપાસ ખેતી માટેની પુષ્કળ જમીન એમની પાસે હતી અને પોતે દેખરેખ રાખીને માણસો પાસે ખેતી કરાવતા હતા. જગદીશના મોટા પુત્રનું નામ વિજય પ્રકાશ. લોકોમાં 'વીપી' તરીકે ઓળખાતા વિજયને ખેતીમાં રસ નહોતો, એટલે એણે નાના પાયે ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કર્યો હતો. પોતે જ મેક્સી ચલાવતો હતો અને લોકોના ઑર્ડર મુજબ વરધી ભરતો હતો. વિજયનો નાનો ભાઈ રાજેશ પણ ટેક્સી ચલાવતો હતો. અત્યંત સુખી પરિવાર હતો. વિજયના લગ્ન દસ વર્ષ અગાઉ થયેલા હતા અને એને સંતાનમાં એક પુત્ર હતો. સાત વર્ષના એ દીકરાનું નામ અભય પ્રતાપ. પહેલા ધોરણમાં ભણતો અભય આખી કોલોનીમાં બધાનો લાડકો હતો.
એમાં બનેલું એવું કે તારીખ ૩૦-૪-૨૦૨૫ ના દિવસે કોલોનીમાં કોઈ એક પરિવારને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી બધા એમાં મશગૂલ હતા. છેક સાંજે સાત વાગ્યે લાલા જગદીશનો આખો પરિવાર ઘરમાં આવ્યો ત્યારે ખબર પડી કે અભય પ્રતાપ તો હજુ આવ્યો જ નથી. પિતા વિજય અને કાકા રાજેશ આખી કોલોનીમાં ફરી વળ્યા અને બધાના ઘેર પણ પૂછયું, પરંતુ કોઈનેય અભય વિશે જાણકારી નહોતી. બીજા પાડોશીઓ પણ એમની સાથે જોડાયા અને આખો વિસ્તાર ફેંદી વળ્યા, પરંતુ અભયનો પત્તો ના મળ્યો! વિજય અને રાજેશ તરત જ પોલીસસ્ટેશને પહોંચ્યા. અભયના ફોટા અને વર્ણન આપીને ફરિયાદ નોંધાવી કે અમારો દીકરો ગૂમ થયો છે.
અભયનો પરિવાર સમૃધ્ધ હતો, એટલે પોલીસને પહેલી શંકા એ પડી કે બાળકનું અપહરણ કરીને એની મુક્તિ માટે ખંડણીની રકમ માગવામાં આવશે. પોલીસે એમની રીતે તપાસ ચાલુ કરી દીધી હતી. આખો પરિવાર દુ:ખી હતો, પરંતુ અજયના કોઈ વાવડ નહોતા, ખંડણી માટેની કોઈ માગણી પણ નહોતી આવી.
છેક એક મહિનો અને ચોવીસ દિવસ પછી- તારીખ ૨૪-૬-૨૦૨૫ ના દિવસે પરિવારને પહેલી ચિઠ્ઠી મળી. એમાં લખેલું હતું કે તમારો બિટવા અમારી પાસે સલામત છે, પોલીસ પાસે જવાને બદલે પૈસા ચૂકવવાની તૈયારી રાખજો અને એવી તૈયારી જો હોય તો કોલાનીના ગેટ પાસે બે લીલી ઝંડી લગાવી દેજો, તો અમે સમજી જઈશું કે તમે પૈસા ચૂકવવા તૈયાર છો! ચિંતામાં ડૂબેલા પરિવારને લગીર આશા બંધાઈ. ચિઠ્ઠીમાં જણાવ્યું હતું એ મુજબ બે નાનકડી લીલી ઝંડી પણ એમણે લગાવી દીધી.
થોડા દિવસ પછી બીજી ચિઠ્ઠી આવી, એમાં ધમકીની ભાષા હતી અને જણાવ્યું હતું કે બિટવાને જીવતો પાછો જોઈતો હોય તો રોકડા દસ લાખ રૂપિયા તૈયાર રાખજો. પૈસા બચાવવા માટે બિટવાને ખોવાની મૂર્ખામી ના કરતા. થોડા દિવસ પછી ત્રીજી ચિઠ્ઠીમાં પણ એવી જ ધમકી હતી, પરંતુ રૂપિયા ક્યાં અને કઈ રીતે પહોંચાડવા એનો કોઈ ઉલ્લેખ નહોતો, એને લીધે પરિવારનો માનસિક ઉચાટ વધી ગયો હતો. દીકરાને બચાવવા માટે દસ લાખ આપવાની તૈયારી હતી, પરંતુ અપહરણ કરનાર તો એમને માનસિક ત્રાસ આપીને સતત ઉચાટમાં રાખતો હતો. જ્ઞાાનતંતુના આવા યુધ્ધથી છૂટકારો મેળવવા માટે પિતા વિજય એ ચારેય ચિઠ્ઠીઓ લઈને પોલીસ પાસે પહોંચ્યા અને એ ચિઠ્ઠીઓ બતાવીને બધી વાત કહી.
હવે પોલીસની ખરી કામગીરી શરૂ થઈ. દરેક ચિઠ્ઠીમાં અભય માટે વારંવાર બિટવા શબ્દનો જ ઉપયોગ થયો હતો. આ શબ્દ તો માત્ર આ વિસ્તારનો જ હતો એટલે પોલીસે ધારણા બાંધી કે અપહરણ કરનાર કોલોનીનો જ કોઈ વ્યક્તિ હશે. પોલીસની વાત સાંભળીને વિજયે પોલીસને ભારપૂર્વક ખાતરી આપેલી કે સાહેબ, અભય તો બધાનો લાડકો હતો, એટલે અમારી કોલોનીની કોઈ પણ વ્યક્તિ આવું કામ ક્યારેય ના કરે! ચિઠ્ઠીઓ હાથથી જ લખાયેલી હતી એટલે અક્ષરો ઉપરથી પણ અપરાધીને પકડી શકાશે એવી આશા સાથે પોલીસે એ દિશામાં કામગીરી શરૂ કરી.
અપહરણનો હેતુ પૈસા મેળવવાનો હતો, એટલે કોલોનીની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાંથી પૈસાની ભૂખ કોને વધારે છે અને કોણ દેવામાં ડૂબેલું છે એ જાણવા માટે પોલીસે ખબરીઓની મદદ લીધી.
અભયના પરિવારને ત્યાં જ્યારે પોલીસની ટીમ પૂછપરછ માટે આવતી એ વખતે કોલોની બહાર આવેલા એક 'જનસેવા' કાર્યાલયની જગ્યાને પણ એમણે બેઠક બનાવી દીધી હતી. બે અધિકારી અભયના ઘેર જાય ત્યારે બાકીના કોન્સ્ટેબલો એ દુકાન-કમ-ઑફિસના ઓટલે બેસતા. આ જનસેવા કેન્દ્ર ચલાવનારનું નામ કૃષ્ણા હતું, પરંતુ લોકો તો એને ભજનલાલ તરીકે જ ઓળખતા હતા.
એમાં એક ખબરીએ પોલીસને જાણકારી આપી કે કૃષ્ણા ઉર્ફે ભજનલાલ ભયંકર આર્થિક સંકડામણમાં છે. એણે લોકોને જાતજાતની સરકારી નોકરીઓના વચન આપીને પૈસા ઉઘરાવેલા છે, પરંતુ એ ચિટરે કોઈનેય નોકરી નથી અપાવેલી, એટલે પૈસા આપનારા લોકો એને ગાળો આપીને પૈસા પાછા માગીને એનું લોહી પીવે છે. બધાને પૈસા પાછા આપવાની એની હેસિયત નથી, અને દાનત પણ નથી એટલે આ પરિસ્થિતિમાં એ માણસ પૈસા માટે ગમે તે કામ કરવા તૈયાર થઈ જાય એવો કારીગર છે!
ચિઠ્ઠીઓમાં વારંવાર બિટવા શબ્દ અને ભજનલાલની આર્થિક તંગી-એ બંનેનો તાળો મળતો હતો એટલે પોલીસને એના પર શંકા પડી. હવે ધમકીની ચિઠ્ઠીઓ સાથે ભજનલાલના અક્ષરની સરખામણી કરવાની હતી. ભજનલાલના ગ્રાહકો પાસેથી પોલીસે ભજનલાલના હસ્તાક્ષરોવાળા કાગળો મેળવીને ચકાસણી કરાવી તો પોલીસની શંકા ખાતરીમાં બદલાઈ ગઈ. ચિઠ્ઠીઓમાં ભજનલાલના જ અક્ષર હતા!વધુ ખાતરી માટે પોલીસે ઘટનાની તારીખે ભજનલાલના મોબાઈલના કોલ ડિટેઈલ રેકોર્ડ અને લોકેશનની ચકાસણી પણ કરાવી. પોલીસને આશ્ચર્ય થયું કે એ દિવસે ભજનલાલ કોલોનીની આસપાસ જ હતો અને એ રાત્રે આગ્રાથી એંશી કિલોમીટર દૂર રાજસ્થાનના મુનિયા જિલ્લામાં એનું લોકેશન મળતું હતું!
કોઈને સહેજ પણ અણસાર ના આવે એ રીતે આટલી તપાસ કરીને પૂરી જાણકારી મેળવીને પોલીસે તારીખ ૨૦-૭-૨૦૨૫ના દિવસે કૃષ્ણા ઉર્ફે ભજનલાલની ધરપકડ કરી અને સખ્તાઈથી પૂછપરછ કરી, એમાં ભજનલાલ ભાંગી પડયો. પોતાના કાળા કૃત્યની એણે કબૂલાત કરી લીધી.
અભયના પિતા વિજયના એક મિત્રના પૈસા ભજનલાલ પાછા નહોતો આપતો. એ કારણથી માર્ચ મહિનામાં વિજય અને રાજેશને ભજનલાલ સાથે ઉગ્ર ઝઘડો થયો હતો. એ જ વખતે વિજય પર વેર વાળવાની ભજનલાલે મનમાં ગાંઠ વાળેલી. વળી, એ પરિવારે છ મહિના
અગાઉ જમીનનો એક ટૂકડો વેચેલો, એના પાંત્રીસ લાખ રૂપિયા એમને મળેલા એની પણ ભજનલાલને ખબર હતી. આ પરિવાર પાસે પુષ્કળ પૈસા છે, તો વેર વાળવા માટે એના લાડકા દીકરાનું અપહરણ કરીને દસેક લાખ ખંખેરવાનો એણે નિર્ધાર કર્યો. નાનકડા અભયને વશમાં કરવા માટે એણે પંદર દિવસ સુધી એ સ્કૂલેથી છૂટીને ઘેર જતો હોય ત્યારે પ્રેમથી રોકીને ટોફી કે ચોકલેટ આપવાનું શરૂ કરી દીધેલું કે જેથી અભયને એના ઉપર પૂરો વિશ્વાસ બેસે.
પોતે એકલો આ કામ કરે તો તકલીફ ઊભી થઈ શકે એમ વિચારીને એણે એક સાથીદાર પણ શોધી કાઢયો. રાહુલ કોલોનીની સામે જ રહેતો હતો. એક ફેક્ટરીમાં એ વેલ્ડર તરીકે નોકરી કરતો હતો. પૈસાની લાલચમાં એ તૈયાર થઈ ગયો.
કોલોનીમાં લગ્ન હતા એ દિવસે એક્ટિવા લઈને ભજનલાલ આસપાસમાં જ ચક્કર લગાવતો હતો. રાહુલ એની પાછળ બેઠો હતો. અભય એકલો પસાર થતો દેખાયો કે તરત ભજનલાલે સ્કૂટર રોકીને એને પ્રેમથી કહ્યું કે બિટવા, મારા સ્કૂટર પર બેસી જા, તને તારા પપ્પા પાસે લઈ જવાનો છે. માસુમ અભય ભજનલાલ અને રાહુલની વચ્ચે ગોઠવાઈ ગયો. એક્ટિવા ધમધમાટ આગળ વધ્યું અને આગ્રાની સરહદ બહાર પહોંચ્યું એટલે અભય ગભરાયો. કંઈક ખોટું છે એનો એને ખ્યાલ આવી ગયો એટલે એણે ચીસો પાડવાનું શરૂ કર્યું. એની ચીસાચીસથી ગભરાયેલા ભજનલાલે એક્ટિવા રોકીને એનું મોં દબાવીને ધમકાવ્યો, પરંતુ અભય તરફડીને ચીસો પાડતો રહ્યો એટલે ચિડાયેલા ભજનલાલે એને ચૂપ કરવા એની ગરદન દબાવી દીધી. પાંચ-છ મિનિટ તરફડીને અભયના શ્વાસ અટકી ગયા. હવે? ભજનલાલ અને રાહુલ હેબતાઈ ગયા. ઉશ્કેરાટમાં આવીને પોતે ભૂલ કરી છે એનું ભાન થયું એટલે હવે એમાંથી કઈ રીતે બચવું એની ભજનલાલને વિમાસણ હતી. એણે તરત જ વિચારી લીધું કે ક્યાંક દૂર જઈને લાશનો નિકાલ તો કરવો જ પડશે. લાશને જકડીને રાહુલ પાછળ બેસી રહ્યો અને ભજનલાલે એક્ટિવા ભગાવ્યું.
ઉત્તરપ્રદેશની સરહદ પાર કરીને રાજસ્થાનમાં પ્રવેશીને એની નજર સૂમસામ જગ્યા શોધતી હતી. અંતે, મનિયા જિલ્લામાં એવી જગ્યા દેખાઈ ત્યાં એણે એક્ટિવાને રોડ પરથી કાચા રસ્તા પર લીધું. આગ્રાથી એંશી કિલોમીટર દૂર એ જગ્યાએ ખાડો ખોદીને અભયની લાશને પ્લાસ્ટિકમાં લપેટીને દાટી દીધી! એ પછી જાણે કંઈ જ બન્યું ના હોય એ રીતે બંને પાછા આગ્રા આવીને બીજા દિવસથી સાવ સામાન્ય રીતે પોતપોતાના કામમાં જોતરાઈ ગયા.
એ છતાં, પૈસાની લાલચ તો હતી જ એટલે ભજનલાલે ધમકી ભરેલી ચિઠ્ઠીઓ મોકલવાનું શરૂ કર્યું, એમાં જ એ ફસાઈ ગયો. પોલીસે એની ધરપકડ કરી અને એણે નામ આપ્યું એટલે રાહુલને પણ પકડી લેવામાં આવ્યો. એ બંનેને સાથે લઈને પોલીસની ટીમ મનિયા પહોંચી અને એમણે જે જગ્યા બતાવી ત્યાં ખોદકામ કરીને એંશી દિવસ પછી અભયની લાશના અવશેષો મેળવ્યા.
અભયની હત્યાના સમાચાર જાણીને આખી કોલોનીમાં સન્નાટો છવાઈ ગયો. અભયની માતા શશીદેવી બેહોશ થઈને ઢળી પડી. પાડોશણોએ એ દુ:ખી જનેતાને માંડ માંડ સંભાળી. શશીદેવી રડી રડીને એક જ વાક્ય બોલતી હતી કે મને મારો દીકરો પાછો લાવી આપો.
અભયના કાકાના દીકરો વિનીત તો ઘણી વાર ભજનલાલની દુકાને બેસતો હતો. એણે કહ્યું કે ભજનલાલ કાયમ કહેતો હતો કે લોકો કાયમ માટે મને યાદ રાખે એવું એકાદ મોટું કામ કરવું છે, પરંતુ મને કલ્પના પણ નહોતી કે એ અમારા પરિવાર સાથે આવું કામ કરશે!
પૈસાની લાલચ માનવીને કેવી રીતે હેવાન બનાવી દે છે એનું જીવતુંજાગતું ઉદાહરણ એટલે કૃષ્ણા ઉર્ફે ભજનલાલ!