- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- કંચન અને નિક્કી બંને બહેનો સાસરે આવ્યા પછી પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ સક્રિય હતી. કંચન તો પોતાના અને નિક્કીના જાતજાતના રીલ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હતી
- નિક્કી અને વિપિન ભાટી
- કંચન અને નિક્કી
- સસરા સત્યવીરની ધરપકડ
- સાસુ દયાની ધરપકડ
હ જારો વર્ષ અગાઉ સમાજ રચનાનો આરંભ થયો હશે, ત્યારે એક પુરુષ એક સ્ત્રી સાથે લગ્ન કરીને ઘરસંસાર વસાવે એવી વ્યવસ્થા વિચારાઈ હશે. એમાં પણ બંનેની શારીરિક ક્ષમતાના આધારે એવું નક્કી થયું હશે કે સ્ત્રી ઘર સાચવે અને બાળકોની સંભાળ રાખે. સામા પક્ષે પુરુષે બહાર હરીફરીને મહેનત કરીને કુટુંબના ભરણપોષણની જવાબદારી નિભાવવાની રહેશે. સમજદારીપૂર્વક એ સમયે વહેંચણી વિચારાઈ હશે કે પુરુષ કમાય અને સ્ત્રી ઘરને સંભાળે. સરસ રીતે ગોઠવાયેલી આ વ્યવસ્થામાં અચાનક એક ભયાનક દૂષણ પ્રવેશ્યું. લાજ-શરમ નેવે મૂકીને યુવકના પિતા યુવતીના પિતા પાસે માગણી કરે કે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવવી હોય તો દહેજ આપવું પડશે. આ દહેજમાં રોકડ રકમ, સોનુ, ફ્લેટ, લક્ઝરી કાર, મોંઘી મોટરસાઈકલ.. વગેરે પૈકી દહેજ તરીકે ગમે તેની માગણી કરવામાં આવે! લગ્ન પછી પણ જાત જાતની માગણી ચાલુ રહે અને જો દીકરીનો બાપ એ ચૂકવણીમાં કાચો પડે તો સાસરે રહેલી દીકરીનું જીવન ઝેર જેવું થઈ જાય! આજની વાત આવા દહેજના દૂષણની જ છે.
ગ્રેટર નોઈડાના રૂપબાસ ગામમાં રહેતા ભિખારીસિંહને સંતાનમાં બે દીકરી અને એ પછી એક દીકરો. (ભિખારીસિંહનો જન્મ થયો, એ અગાઉ એમની માતાને જન્મેલા સંતાનો ત્રણ-ચાર મહિનાના થાય એ પહેલાં જ મરી જતા હતા, એટલે માતાએ બાધા રાખીને સાત વર્ષ સુધી પુત્રનો ઉછેર ભિખારી તરીકે જ કરેલો, અને નામ પણ ભિખારીસિંહ રાખેલું! ) ભિખારીસિંહની બંને દીકરીઓમાં મોટી દીકરીનું નામ કંચન રાખેલું અને એના પછી બે વર્ષે જન્મેલી દીકરીનું નામ નિક્કી રાખવામાં આવેલું. ભિખારીસિંહનો વ્યવસાય ખેતીનો અને ખેતીમાંથી માતબર ઉપજ થતી હતી.
કંચન વીસ વર્ષની થઈ અને નિક્કી અઢાર વર્ષની થઈ ત્યારે ભિખારીસિંહને આ બંને રૂપાળી દીકરીઓ માટે મુરતિયા શોધવાની ચિંતા હતી. એમાં કોઈ સંબંધીએ આંગળી ચીંધીને સલાહ આપી કે સિરસા ગામમાં રહેતા સત્યવીર ભાટી ખૂબ સુખી માણસ છે. સત્યવીર અને દયાને સંતાનમાં બે દીકરા છે અને એ બંનેની ઉંમરમાં પણ ત્રણેક વર્ષનો જ ફેર છે, એટલે જો એક જ ઘરમાં તમારી બંને દીકરીઓને પરણાવો તો બંને બહેનો એકસાથે રહે અને એમને એકબીજાની ઓથ રહે.
ડિસેમ્બર, ૨૦૧૬ માં ભિખારીસિંહે પોતાની બંને દીકરીઓને સત્યવીર ભાટીના બંને દીકરાઓ સાથે ધામધૂમથી પરણાવી. મોટી કંચનના પતિનું નામ રોહિત ભાટી અને નિક્કીના પતિનું નામ વિપિન ભાટી. અલબત્ત, આ બંને દીકરીઓને પરણાવવા માટે ભિખારીસિંહે ભાટી પરિવારે જે માગ્યું એ દહેજ આપવું પડેલું. એ સમય તો નોટબંધીનો હતો, એ છતાં વેવાઈ ભાટી પરિવારની માગણી મુજબ દહેજ પેટે નવ લાખ રૂપિયા રોકડા. નવી નક્કોર સ્કોર્પિયો કાર ઉપરાંત સોનાના દાગીના સાથે ભિખારીસિંહે બંને દીકરીઓને વળાવેલી.
સત્યવીર પાસે ખેતીની જમીન હતી, એમાં એ માણસો પાસે કામ કરાવતો હતો. સિરસા ગામમાં સૌથી મોટી કરિયાણાની દુકાનનો એ માલિક હતો. મોટો દીકરો રોહિત એક કંપનીમાં વાહનો સપ્લાય કરવાનું કામ કરતો હતો. સત્યવીર અને વિપિન આખો દિવસ દુકાન સંભાળતા હતા. ત્રણ માળના મકાનમાં બધાના સૂવા-બેસવાના ઓરડાઓ અલગ અલગ હતા, પરંતુ એક જ રસોડે બધા જમતા હતા.
ભિખારીસિંહે પોતાની બંને દીકરીઓને દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો હતો. કંચન અને નિક્કી બંને બહેનો સાસરે આવ્યા પછી પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ સક્રિય હતી. કંચન તો પોતાના અને નિક્કીના જાતજાતના રીલ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હતી. કંચનના ઈન્સ્ટાગ્રામ પર પચાસ હજાર જેટલા ફોલોવર્સ હતા! અલબત્ત, એમના સમાજ અને જ્ઞાાતિના લોકોને આ પસંદ નહોતું એટલે બંને બહેનોના રીલ્સ ઉપર ભદ્દી કોમેન્ટ્સ પણ મળતી રહેતી હતી.
ભાટી પરિવાર તરફથી વધુને વધુ મોટી રકમની માગણી તો ચાલુ જ રહેતી હતી. દીકરીના બાપ તરીકે ભિખારીસિંહ ના છૂટકે એમની નાની-મોટી માગણીઓ પૂરી કરતો હતો. એમાં એ કાચો પડે તો પતિ ને સાસુ દ્વારા દીકરીઓને ઢીબી નાખવામાં આવતી હતી!
નવેમ્બર, ૨૦૨૪ માં બંને બહેનોએ નક્કી કર્યું કે આપણા બાળકો હવે સાવ નાના નથી રહ્યા, એટલે સતત એમની સંભાળમાં રોકાઈ રહેવાની જરૂર નથી. મકાનનો નીચેનો ઓરડો આમ પણ સાવ ખાલી જ રહે છે, તો ત્યાં આપણે બ્યુટીપાર્લર શરૂ કરીએ. નિક્કીનો પતિ વિપિન એ સમયે કોઈક કારણસર બહારગામ ગયેલો હતો. સાસુ દયા ભાટીને અને કંચનના પતિ રોહિતને આ વાત પસંદ નહોતી, પરંતુ બંને બહેનો મક્કમ હતી. એમણે નીચેના ઓરડામાં બ્યુટીપાર્લર શરૂ કરી દીધું અને સોશિયલ મીડિયા દ્વારા એની જાહેરાત પણ કરી દીધી. સ્થાનિક અને આજુબાજુના ગામની સ્ત્રીઓ ત્યાં આવવા લાગી. વિપિન ઘેર આવ્યો ત્યારે બાજુના ગામની એક યુવતી ફેસિયલ કરાવી રહી હતી. માતા અને મોટા ભાઈએ ફોન દ્વારા વિપિનને આ બ્યુટીપાર્લરની જાણકારી આપીને એને ઉશ્કેરી દીધેલો હતો. પાર્લરમાં જઈને વિપિને સીધું જ નિક્કીને ઝૂડવાનું શરૂ કર્યું. નિક્કીને બચાવવા કંચન વચ્ચે આવી તો વિપિને એને પણ તમાચા માર્યા. ફેસિયલ કરાવવા આવેલી યુવતીને ત્રાડ પાડીને વિપિને ભગાડી દીધી. બંને બહેનોને વિપિન મારતો હતો એ વખતે સાસુ દયા પણ ત્યાં આવી ગઈ અને એણે પણ દાંત ભીંસીને બંનેબહેનોને મારવાનું શરૂ કર્યું! મારતી વખતે જ વિપિને આદેશ આપી દીધો કે આપણા ઘરમાં આવી પાર્લરની બબાલ ના જોઈએ.
દયા અને વિપિને અત્યંત ક્રૂરતાથી મારઝૂડ કરી હતી એટલે બંને બહેનો પોતાના બાળકોને લઈને પિયરમાં પહોંચી ગઈ. કંચનને એક દીકરો અને એક દીકરી હતા અને નિક્કીને સાડા પાંચ વર્ષનો એક દીકરો હતો. આવું પહેલી વાર નહોતું બન્યું. વધુ પડતો માર પડે ત્યારે બંને બહેનો પિયર આવી જતી. પછી પંચાયત ભેગી થાય. પંચાયતની હાજરીમાં સત્યવીર, રોહિત અને વિપિન માફી માગે. એ પછી કંચન અને નિક્કીને લઈને પાછા સિરસા આવી જાય. થોડા દિવસ શાંતિ રહે, પછી ફરીથી મારઝૂડ શરૂ થઈ જાય. આ વખતે પંચાયતમાં ભિખારીસિંહે ઉગ્ર રજૂઆત કરી કે આ ભાટી પરિવાર દર વખતે પંચાયતના આદેશનું ઉલ્લંઘન કરીને દીકરીઓ સાથે મારપીટ કરે છે. જવાબમાં સત્યવીર અને વિપિને હાથ જોડીને બધાની માફી માગી અને નિક્કી અને કંચનને લઈ ગયા.
હવે સત્યવીર, રોહિત અને વિપિનની દહેજની માગણી પાંત્રીસ લાખ રૂપિયાની હતી. એમાં પણ ભિખારીસિંહે તાજેતરમાં જ નવી મર્સિડિઝ કાર ખરીદી હતી, એટલે વિપિનની નજર એ કાર ઉપર હતી. વિપિને સસરાને કહ્યું કે તમે આપેલી સ્કોર્પિયો તો જૂની થઈ ગઈ છે, અને એને તો રોહિત વાપરે છે, મારે શું કરવાનું? લાચાર ભિખારીસિંહે બે લાખ રૂપિયા ખર્ચીને વિપિને કહી એ બુલેટ મોટરસાઈકલ અપાવવી પડી!
પાંત્રીસ લાખની માગણી માટે ભાટી પરિવારનું દબાણ વધતું જતું હતું અને એ મુદ્દે કંચન અને નિક્કીને માર પણ પડતો હતો. આ પાંત્રીસ લાખ દહેજની માગણીમાં એક વાત સહેજ અલગ હતી. કંચન અને નિક્કીનો જે એકનો એક ભાઈ હતો એ પરણેલો હતો. એનું સાસરું પાલીપલ્લી ગામમાં હતું. એના સસરા સાથે સત્યવીરને સારા સંબંધો હતા. નિક્કીના ભાઈને બીજી કોઈ યુવતી જોડે લફરું થયું, એટલે એણે પોતાની પત્નીને તરછોડીને પ્રેમિકા જોડે રહેવાનું શરૂ કરી દીધેલું. એ મામલો ઉગ્ર બન્યો હતો. એ વખતે સત્યવીર વચ્ચે પડયા હતા. એમણે સમાધાન કરાવી દીધું હતું. સત્યવીરના કહેવા મુજબ એમણે તરછોડાયેલી પત્નીને વળતર પેટે પાંત્રીસ લાખ રૂપિયાની બાંહેધરી આપી હતી.
વિપિન કોઈ કામધંધો નહોતો કરતો અને બાપાની સાથે દુકાન પર બેસી રહેતો હતો. એને બીજી એક યુવતી સાથે લફરું હતું, એટલે દુકાનના ગલ્લામાંથી પૈસા ઉઠાવીને એ પ્રેમિકા જોડે ઐયાશી કરતો, દારૂ પીતો અને મોડી રાત્રે ઘેર આવીને નિક્કી સાથે ઝઘડીને એને ઝૂડી નાખતો. ગુરૂવાર, તારીખ ૨૧-૮-૨૦૨૫ ની ગોઝારી બપોરથી જ પાંત્રીસ લાખના મુદ્દે વિપિન અને નિક્કીનો ઝઘડો શરૂ થઈ ગયો હતો. દયાએ પણ એમાં ઝંપલાવ્યું. બોલાચાલી વધુ ઉગ્ર બની એટલે દયા અને વિપિને નિક્કીને મારવાનું
શરૂ કર્યું. સાંજે સાડા પાંચ વાગ્યે અત્યંત ક્રૂરતાથી મા-દીકરો નિક્કી ઉપર તૂટી પડયા હતા. નિક્કીનો માસુમ દીકરો ખૂણામાં ઊભો રહીને રડતો હતો.
નિક્કીની ચીસો સાંભળીને કંચન ત્યાં દોડી આવે એ અગાઉ દયાએ પેટ્રોલ ભરેલો કેરબો વિપિનના હાથમાં આપ્યો. વિપિને નિક્કીના શરીર ઉપર એ કેરબો નિક્કી ઉપર ઢોળીને એને પેટ્રોલથી તરબોળ કરી નાખી. એ પછી ઉપરાપરી થપ્પડો ઝીંકી. નિક્કીની ચીસો હવે પરાકાષ્ટાએ પહોંચી હતી.
સસરો સત્યવીર અને જેઠ રોહિત પણ ત્યાં ઊભા રહીને આ ખોફનાક દ્રશ્ય મજાથી જોઈ રહ્યા હતા. કંચન દોડીને ત્યાં આવી, એ અગાઉ વિપિને લાઈટર કાઢીને પેટ્રોલથી લથબથ નિક્કીને આગ લગાવી દીધી! કંચન ત્યાં ધસી ત્યારે એને મારીને વિપિને દૂર હડસેલી દીધી. કંચને એ વખતે હિંમત કરીને એ ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઊતારી લીધો. ભડભડ સળગતી આગની જ્વાળા સમાન નિક્કી સીડી ઊતરીને ભાગી. કંચન ગોદડું લઈને દોડી અને સળગતી નિક્કી ઉપર નાખ્યું.
એ દરમ્યાન કામ પતી ગયું છે એવી ધરપત સાથે સત્યવીર, રોહિત, વિપિન અને દયા- ચારેય અપરાધીઓ ઘરમાંથી નીકળીને ભાગી ગયા! નિક્કી હજુય ભડભડ સળગતી હતી. કંચને બૂમાબૂમ કરી એટલે પાડોશીઓ દોડી આવ્યા. એમની મદદથી આગ બૂઝાવીને કંચન નિક્કીને નજીકની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યાંના ડોક્ટરોએ નિક્કીની હાલત જોઈને તાત્કાલિક દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપી. પાડોશીઓ સાથે કંચન નિક્કીને સફદરગંજ હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યાં તબીબોએ સારવાર શરૂ કરી, પરંતુ નિક્કીનું શરીર એટલી હદે બળી ગયું હતું કે ચારેક કલાક પછી એના શ્વાસ અટકી ગયા!
પોલીસ ત્યાં આવી ત્યારે કંચને સત્યવીર, રોહિત, વિપિન અને દયા- ચારેય અપરાધીઓના નામ આપીને ફરિયાદ નોંધાવીને કહ્યું કે વિપિન અને દયાએ નિક્કીને ખૂબ મારી અને એ પછી વિપિને પેટ્રોલ છાંટીને મારી બહેનને સળગાવી દીધી છે. એ વખતે મારો પતિ અને મારો સસરો પણ ત્યા ઊભા રહીને તમાશો જોતા હતા.
ચારેય અપરાધી ભાગી છૂટયા હતા એટલે પોલીસની અલગ અલગ ટીમે એમને શોધવાનું શરૂ કર્યું. તારીખ ૨૪-૮-૨૦૨૫ બપોરે ખબરીની જાણકારીના આધારે પોલીસે સૌથી પહેલા વિપિનની ધરપકડ કરી. એની તબીબી તપાસ માટે પોલીસ એને હોસ્પિટલમાં લઈ જતી હતી, ત્યારે સિરસા ચાર રસ્તા પાસે વિપિને જબરજસ્ત ચાલાકીથી ઈન્સ્પેક્ટરની કમર પરથી રિવોલ્વર ઝૂંટવી લીધી અને રિવોલ્વર લઈને એણે દોટ મૂકી. પોલીસે એનો પીછો કર્યો ત્યારે વિપિને પોલીસ સામે ગોળીબાર કર્યો. પોલીસે સામે ગોળીબાર કર્યો. વિપિનને પગમાં ગોળી વાગી અને એ ફસડાઈ પડયો એટલે પોલીસે એને પકડીને સખત જાપ્તા સાથે કાસનાની સરકારી હોસ્પિટલમાં રાખ્યો.
પોતાના દીકરાને ગોળી વાગી છે, એ સમાચાર જાણીને માતા દયા હોસ્પિટલમાં આવી. પોતે ઓળખાય નહીં, એ માટે એણે લાંબો ઘૂંઘટ તાણી રાખ્યો હતો, એ છતાં ચાલાક પોલીસ અધિકારીઓએ એને ઓળખી લીધી અને પકડી લીધી. બીજા દિવસે સત્યવીર અને એ પછી રોહિતને પણ પોલીસે દબોચી લીધા.
હત્યા પછી અને ધરપકડ અગાઉ વિપિને પોતાનો એક વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર વહેતો મૂક્યો હતો. નિક્કીએ જાણે આત્મહત્યા કરી હોય એવું બતાવવા માટે એમાં એ બબડે છે કે નિક્કી! તારે શું તકલીફ હતી, એ મને કેમ કહ્યું નહીં? મને મૂકીને તું ક્યાં જતી રહી? તેમં આવું કેમ કર્યું? દુનિયા મને હત્યારો કહેશે, નિક્કી! તારા ગયા પછી મારી સાથે બધું જ ખોટું થઈ રહ્યું છે!
પત્રકારો સામે બોલતી વખતે ભિખારીસિંહ વારંવાર રડી પડે છે. એ રાક્ષસોએ પૈસાના લોભે મારી ફૂલ જેવી દીકરીને સળગાવી દીધી! નિક્કીના છ વર્ષના દીકરાએ તો આ આખી ઘટના નજરે જોઈ હતી. હબકી ગયેલો એ બાળક પત્રકારોને કહે છે કે મારા પપ્પાએ મમ્મીને મારી, એના ઉપર કંઈક રેડયું અને પછી લાઈટરથી મારી મમ્મીને સળગાવી દીધી!
દહેજના ખપ્પરમાં સત્યાવીસ વર્ષની નિક્કીનો ભોગ લેવાયો એ પછી ભિખારીસિંહ ભાંગી પડયા છે. હવે ભાટી પરિવાર સાથે અમારે કોઈ જ સંબંધ નથી એવું કહીને મોટી દીકરી કંચન (૨૯ વર્ષ) અને એના બંને સંતાનોને કાયમ માટે પોતાના ઘેર લઈ આવ્યા છે. હત્યારાઓને સખત સજા મળે એ માટે ગામના લોકોના દેખાવો ચાલુ છે.


