ગૂમ થયેલો અરૂણેશ ગયો ક્યાં?
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- ફોન કરીને એણે વર્ષાને કહેલું કે મારે આવવામાં થોડું મોડું થશે, જમવાનું તૈયાર રાખજે. રાત્રે નવેક વાગ્યે એણે આ છેલ્લો ફોન કરેલો. પછી ફોન બંધ આવે છે.'
- અરૂણેશ મિશ્રા
- ઘટનાસ્થળે પોલીસ
- મોટોભાઈ કમલેશ મિશ્રા
ઉ ત્તરપ્રદેશના બાંદા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ સાથે જોડાયેલી છે. બાંદા જિલ્લાનું સતયાંવનામનું એક ગામ આવેલું છે. સોમવાર તારીખ ૧૧-૧૨-૨૦૨૩ની સવારે આ ગામનો મિશ્રા પરિવાર ચિંતાગ્રસ્ત હતો. એમના પાડોશીઓ પણ ઉચાટમાં હતા. આ ગામમાં તો પોલીસસ્ટેશન નહોતું પણ નજીકમાં આવેલા બાબેરૂ પોલીસસ્ટેશનની હદમાં આ ગામનો સમાવેશ થતો હતો. એ સવારે કમલેશ મિશ્રા નામનો યુવાન પોતાના ચાર મિત્રો સાથે પોલીસસ્ટેશને પહોંચીને ધ્રૂજતા અવાજે કરગરી રહ્યો હતો.
એને શાંત પાડીને પોલીસે કહ્યું કે તું વ્યવસ્થિત વિગત લખાવ. એ પછી કમલેશે પૂરી વિગત આપી. બોલવાનું શરૂ કરતી વખતે એણે પોતાના નાના ભાઈ અરૂણેશ મિશ્રાના ચાર ફોટાઓ પણ ઈન્સ્પેક્ટરના ટેબલ ઉપર મૂક્યા. એણે આપેલી વિગત કંઈક આવી હતી. સતયાંવ ગામના પ્રેમદત્ત મિશ્રાની પત્નીનું નામ ઉષાદેવી. આ દંપતીને સંતાનસુખમાં જાણે લોટરી લાગેલી! એક એક વર્ષના અંતરે જન્મેલા સાત દીકરાઓના નામમાં પણ એમણે પાછળ ઈશ આવે એવા જ નામ પાડેલા. પોલીસસ્ટેશને આવેલો કમલેશ સૌથી મોટો. એ પછી અખિલેશ, નાગેશ, ધનેશ, ભુવનેશ, અરૂણેશ અને સૌથી નાનાનું નામ આશિષ.
છઠ્ઠા નંબરનો અરૂણેશ મિશ્રા ગઈ રાતથી ઘેર આવ્યો નહોતો. એ ક્યાંક ગૂમ થઈ ગયો હતો. એના વિશે પોલીસે વધુ વિગત પૂછી એટલે કમલેશે જાણકારી આપી. સત્યાવીસ વર્ષનો અરૂણેશ અમારા સાતેય ભાઈઓમાં સૌથી વધારે હિંમતવાળો અને ચબરાક છે. લીડર થઈને રોલો પાડવાનો એને શોખ છે. અત્યારે તો એ ભારતીય જનતા યુવા મોરચામાં એ આપણા ડિવિઝનનો જનરલ સેક્રેટરી છે, પણ ભવિષ્યમાં ધારાસભ્ય બનવાની એની તમન્ના છે.
નેતાગીરી સિવાય એ કામધંધો શું કરે છે? પોલીસે પૂછયું.
કમલેશઃ 'એની પાસે દસ વીઘાનું ખેતર છે, એમાં ખેતી કરે છે. એ ઉપરાંત એણે એક ટ્રેક્ટર પણ વસાવ્યું છે. એ ટ્રેક્ટરના ભાડાની પણ એને આવક છે.'
પરણેલો છે કે કુંવારો? પોલીસે પૂછયું.
કમલેશ : 'સાત મહિના પહેલા જ એના ધામધૂમથી લગ્ન થયેલા છે. એની મિસિસનું નામ વર્ષા. વર્ષાનું પિયર બાંદાના અલીગંજ વિસ્તારમાં આવેલું છે. એ તો અત્યારે ધ્રૂસકે ધ્રૂસકે રડયા જ કરે છે. ભાઈ-ભાભી વચ્ચે કોઈ ઝઘડો નથી. વર્ષાને સારા દિવસો જાય છે. પાંચમો મહિનો ચાલે છે એટલે અત્યારે તો એની સંભાળ રાખવા માટે મારી મિસિસ એની પાસે જ બેઠી છે.'
રાત્રે ગૂમ થયા અગાઉ અરૂણેશે છેલ્લે કોની સાથે વાત કરેલી? છેલ્લે એની સાથે કોણ હતું?
'એની સાથે હું હતો.' પોલીસના પ્રશ્નનો જવાબ કમલેશ આપે એ અગાઉ એના મિત્ર સુનિલ યાદવે પોલીસને જાણકારી આપીઃ 'મારે એના ટ્રેક્ટરનું ભાડું ચૂકવવાનું બાકી હતું. મેં એને રવિવારે આપવાનો વાયદો કરેલો. કાલે રવિવાર હતો. અરૂણેશ સાંજે ટ્રેક્ટર લઈને ખેતરે ગયેલો. પછી ખેતરેથી એ સીધો મારા ઘેર આવ્યો. ટ્રેક્ટરમાં એણે સામાન ભરેલો હતો. મેં એને ભાડાની રકમ આપી. એ પછી એણે ટ્રેક્ટર મારા ફળિયામાં જ મૂક્યું અને મને કહે કે તારી બાઈક ઉપર મને ઘેર મૂકી જા. એને બાઈક ઉપર બેસાડીને અમે અડધે પહોંચ્યા ત્યારે મારી બાઈક બંધ પડી ગઈ. જોયું તો પેટ્રોલ ખૂટી ગયું હતું. એ નીચે ઊતરી ગયો અને કહ્યું કે વાંધો નહીં, ચાલતો જતો રહીશ. એ ગયો-પણ ક્યાં ગયો અને અત્યારે ક્યાં છે એની કંઈ ખબર નથી.'
કમલેશ : 'અરૂણેશે છેલ્લે એની પત્ની વર્ષા જોડે વાત કરી હતી. ફોન કરીને એણે વર્ષાને કહેલું કે મારે આવવામાં થોડું મોડું થશે, જમવાનું તૈયાર રાખજે. રાત્રે નવેક વાગ્યે એણે આ છેલ્લો ફોન કરેલો. પછી ફોન બંધ આવે છે.'
ભારતીય જનતા યુવા મોરચાનો હોદ્દેદાર-સત્યાવીસ વર્ષનો યુવાન અરૂણેશ મિશ્રા ગૂમ થયો હતો એટલે બાંદા પોલીસ મથકના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મીનિવાસ મિશ્રાએ પણ બાબેરૂ પોલીસસ્ટેશનના અધિકારીઓને તાકીદ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું.
અરૂણેશનો મોબાઈલ નંબર પોલીસે સર્વિલાન્સમાં મૂક્યો અને સાયબર ટીમે મહેનત કરીને રાત્રે અરૂણેશના મોબાઈલની પાસે જે બીજા નંબરો હતા એની જાણકારી મેળવી. એમાં જે નંબર હતો એ મોબાઈલના માલિકનું નામ અને અતોપતો પણ પોલીસ પાસે આવી ગયો. એ નંબર હતો ગામમાં રહેતા દેવેશ નામદેવનો. આ કેસમાં આગળ વધતા પહેલા પોલીસે પોતાના ખબરીઓ દ્વારા દેવેશ નામદેવ વિશે ઝીણી ઝીણી તમામ વિગતો મેળવી. દેવેશ નાગદેવ દરજીનું કામ કરતો હતો. એ પછી દેવેશ અને અરૂણેશ વચ્ચે દોસ્તીની જાણકારીમાં જે માહિતી મળી એ પોલીસ માટે ચોંકાવનારી હતી. પોલીસે એ જાણકારીની વાત ખાનગી રાખીને અરૂણેશના મોટાભાઈ કમલેશને બોલાવીને પૂછયું કે તમારા ભાઈને દેવેશ નામદેવ નામના દરજી સાથે મિત્રતા હતી?
કમલેશે કહ્યું કે એ મારા ભાઈનો મિત્ર છે. અરૂણેશે એને ખૂબ મદદ કરી છે. એને રહેવા માટે સરકારી મકાન પણ પોતાની લાગવગ વાપરીને અરૂણેશે જ અપાવ્યું છે. દેવેશ દરજીને જ્યારે પૈસાની તકલીફ હોય ત્યારે એ અરૂણેશ પાસે જ હાથ લંબાવતો. અગાઉ કેટલા આપ્યા હશે એની મને ખબર નથી, પણ છેલ્લે તો અરૂણેશે એને પચીસ હજાર રૂપિયા આપ્યા હતા એ મને ખબર છે. થોડા મહિના અગાઉ દેવેશ દરજીના પિતાનું અવસાન થયું ત્યારે તો અરૂણેશ છેક બારમા-તેરમાની વિધિ સુધી એની પડખે જ ઊભો રહ્યો હતો.
આ સિવાય એ બંને વચ્ચેના સંબંધની કોઈ આડી-અવળી વાતની તમને જાણકારી છે? પોલીસે પૂછયું અને કમલેશે ના પાડી.
હવે પોલીસે પોતાનાં પાનાં ખોલીને કમલેશને પૂછયું. 'અમારા માણસોએ ગામમાંથી જે જાણકારી મેળવી છે, એ થોડી અલગ છે. લોકોએ તો એવું કહ્યું કે દેવેશની બૈરી ગીતા ખૂબ રૂપાળી છે અને એને લીધે જ અરૂણેશે દેવેશ સાથેની દોસ્તી વધારી છે! લોકો તો એવું પણ કહે છે કે અરૂણેશ અને ગીતા વચ્ચે વર-વહુ જેવા જ સંબંધો છે. ગીતા સાથેના પ્રેમને લીધે જ અરૂણેશ છૂટા હાથે મદદ કરતો હતો. દેવેશને એ છિનાળાની પણ ખબર પડી ગઈ છે. તમારા ફેમિલીને આ પ્રેમપ્રકરણની ખબર નથી?'
પોલીસની આ વાતથી કમલેશ ઝંખવાણો પડી ગયો. નકારમાં માથું ધૂણાવીને એણે કહ્યું કે અરૂણેશને તો નેતાજી બનવું છે, એટલે એ આવું ના કરે. કદાચ આવું કંઈ હોય તો પણ અમને એ લફરાની કોઈ જાણકારી નથી.
ધારો કે કમલેશને ખબર હોય તો પણ મોટાભાઈ તરીકે એ નાનાભાઈના વાંક-ગુનાને છાવરવા જ મથે, આવી સમજણ સાથે પોલીસે એને વધારે કંઈ પૂછયું નહીં અને બધું ધ્યાન દેવેશ નામદેવ અને એની પત્ની ગીતા ઉપર કેન્દ્રિત કર્યું.
પોલીસસ્ટેશનમાં એ બંનેને બોલાવીને પોલીસે એમની પોતાની સ્ટાઈલમાં લબડધક્કે લીધા. બંનેને અલગ અલગ બેસાડીને આકરી પૂછપરછ કરી એટલે એમનો ભાંડો ફૂટી ગયો. એ બંનેએ જે કબૂલાત કરી એ સાંભળીને ઈન્સ્પેક્ટરે તરત જ ફોન કરીને એસ.પી. અંકુર અગ્રવાલને જાણ કરી.
અંકુર અગ્રવાલ ડોગ સ્ક્વૉડ અને ફોરેન્સિક ટીમ સાથે આવ્યા અને પોલીસની ટીમ સાથે ગામલોકોનું ટોળું ગામની અપર પ્રાયમરી સ્કૂલ પાસે પહોંચ્યું. તારીખ ૧૦-૧૨-૨૦૨૩, રવિવારે રાત્રે અરૂણેશ ગૂમ થયો હતો અને ૧૨-૧૨-૨૦૨૩ના દિવસે એની નગ્નાવસ્થામાં લાશ મળી! નવાઈની વાત તો એ હતી કે સોમવારે અને મંગળવારે સ્કૂલ ચાલુ હતી એ છતાં પ્રિન્સિપાલ, શિક્ષકો કે વિદ્યાર્થીઓને પણ એનો ખ્યાલ નહોતો આવ્યો. શાળાના ટોઈલેટની પાછળ ઝાંખરા ઊગેલા હતા એમાં જ એ લાશ પડેલી હતી. વળી, શાળાનું આ મકાન અને અરૂણેશના ઘરની વચ્ચે પણ માત્ર બસો મીટરનું જ અંતર હતું!
લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી ત્યારે સૌથી ખરાબ હાલત અરૂણેશની પત્ની વર્ષાની હતી. લગ્ન પછી માત્ર સાત મહિનામાં જ એના કપાળ પરનો ચાંદલો ભૂંસાઈ ગયો હતો, પેટમાં પાંચ માસનો ગર્ભ હતો. પોસ્ટમોર્ટમ રૂમની બહાર પોતાની જેઠાણીના ખોળામાં માથું નાખીને એ જે આક્રંદ કરતી હતી એ સાંભળીને ત્યાં હાજર હતા એ બધાની આંખ પણ ભીની થઈ જાય એવું ગમગીન વાતાવરણ હતું.
તારીખ ૧૩-૧૨-૨૦૨૩ના દિવસે બાંદા પોલીસ લાઈનના સભાગૃહમાં પ્રેસ કોન્ફરન્સમાં આરોપીઓની કબૂલાતના આધારે એ.એસ.પી. લક્ષ્મીનિવાસ મિશ્રાએ આખી ઘટનાની વિગતવાર જાણકારી આપી.
ગીતા સ્વરૂપવાન હતી એટલે અરૂણેશ એના પર મોહી પડયો હતો અને ગીતાને પણ આ રૂપાળા નેતાજી ગમી ગયા હતા. એ બંને વચ્ચે તમામ પ્રકારના સંબંધો હતા અને આ લાભ મળતો રહે એ માટે અરૂણેશ મદદગાર મિત્ર બનીને દેવેશ દરજીને પૈસા આપતો હતો. પત્નીની બેવફાઈ અને દોસ્તની ગદ્દારીની જ્યારે જાણ થઈ ત્યારે દેવેશ સમસમી ઉઠયો. અહેસાનના બોજ હેઠળ દબાયેલો દેવેશ વધારે આક્રમકતા તો બતાવી શકે એમ નહોતો. એણે અરૂણેશને વિનંતિ કરી કે ભાઈ, આ તને શોભતું નથી. મારી મિસિસથી તું દૂર રહેજે. એણે વારંવાર તાકીદ કરી, પરંતુ પેલા બંને તો વાસનામાં અંધ બની ચૂક્યા હતા એટલે એમની ગુપ્ત મુલાકાતો ચાલુ જ રહી!
એક સમય એવો આવે છે કે જ્યારે શાંત અને નિર્માલ્ય માણસનું પણ લોહી ઉકળી ઉઠે છે. એ બંનેનું લફરું દેવેશ માટે અસહ્ય બન્યું ત્યારે એણે ગીતાને કહ્યું કે હું આપઘાત કરું અથવા અરૂણેશને મારી નાખું. આ બેમાંથી તારી ઈચ્છા શું છે?
ગામની સ્ત્રીઓ પોતાની સામે જે રીતે નફરત અને તિરસ્કારથી તાકતી હતી એને લીધે ગીતા પણ હવે આ સંબંધમાંથી છૂટવા માગતી હતી, પરંતુ અરૂણેશ એને છોડવા તૈયાર નહોતો. અત્યારે પતિએ જે કહ્યું એ સાંભળીને એણે કહ્યું કે હું પણ આ ત્રાસથી છૂટવા માગું છું. અરૂણેશને મારવાના પ્લાનમાં સાથ આપવા એ તૈયાર થઈ ગઈ. દેવેશે પ્લાન બનાવ્યો. એણે ગીતાને સૂચના આપી કે તું એને ફોન કરીને રાત્રે નિશાળમાં મળવા બોલાવ. હું પણ ત્યાં આવીશ અને અરૂણેશને મારી નાખીશ. ગીતાએ શંકા વ્યક્ત કરી કે તમને જોઈને એ ભાગી જશે તો? એ નહીં ભાગી શકે..એમ કહીને દેવેશે એને આખો પ્લાન સમજાવી દીધો.
દેવેશ દરજીનો પ્લાન સફળ થયો. રાત્રે અરૂણેશ આવ્યો અને નક્કી કરેલા પ્લાન મુજબ ગીતાએ એને લાડથી કહ્યું કે પ્લીઝ, તમારા બધા કપડાં તો કાઢી નાખો. અરૂણેશે ફટાફટ કપડાં કાઢી નાખ્યા.(આ દશામાં એ ક્યાં ભાગવાનો હતો?) ગીતા એને ભેટી પડી.એ પળે અરૂણેશની પીઠ બારણાં તરફ હતી અને ગીતા સિવાય આસપાસની દુનિયાનું એને ભાન નહોતું. બીજા ઓરડામાં સંતાઈ રહેલો દેવેશ ત્યાં આવ્યો. પ્લાસ્ટિકની જાડી રસ્સી એણે પાછળથી જ અરૂણેશની ગરદન ફરતી વીંટાળી દીધી અને આખા શરીરની તમામ તાકાત વાપરીને-લટકીને- એણે એટલી પ્રચંડ ભીંસ આપી કે અરૂણેશની ગરદન અડધી કપાઈ ગઈ! થોડી વાર તરફડિયાં મારીને એના શ્વાસ અટકી ગયા. એ છતાં, દેવેશના મનમાં આજ સુધી ધરબાયેલો આક્રોશ શાંત નહોતો થયો. પોતાની સાથે મોટી ખીલીઓ પણ એ લાવેલો. અરૂણેશના ચહેરા પર, છાતીમાં અને સાથળ ઉપર એણે ખીલીઓ ઠોકી દીધી! એ પછી લાશને ઢસડીને પાછળ ટોઈલેટ પાસે ઝાંખરામાં ફેંકી દીધી.
આ બધી વિગતો આપીને પોલીસ અધિકારીએ ઉમેર્યું કે અરૂણેશની હત્યા કર્યા પછી એણે પહેરેલી સોનાની ચેઈન અને રૂદ્રાક્ષની માળા પણ દેવેશ અને ગીતાએ કાઢી લીધી હતી, એ અમે એની પાસેથી જપ્ત કરી લીધી છે. અરૂણેશના કપડાં અને હત્યા માટે વપરાયેલી પ્લાસ્ટિકની દોરી લાશ પાસેથી મળી ગયેલ છે. માત્ર ચોવીસ કલાકમાં જ આ હત્યાનો ભેદ ઉકેલીને બાબેરુ પોલીસસ્ટેશનની ટીમે આરોપીઓને ઝડપી લીધા છે એ માટે એ ટીમને વીસ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
આડા સંબંધની કહાણીનો કરૂણ અંત તો આવ્યો, પણ એમાં વાંકગુના વગર વર્ષાએ જીવનભર વિપત્તિ વેઠવી પડશે!