Get The App

રિયલ ક્રાઇમમાં આવ્યો ડ્રામેટિક ટ્વીસ્ટ!

Updated: Sep 6th, 2022

GS TEAM


Google News
Google News
રિયલ ક્રાઇમમાં આવ્યો ડ્રામેટિક ટ્વીસ્ટ! 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- નવીનને એક ઓરડામાં ધકેલીને મુગિલને કહ્યું. 'આજે રાત્રે ઊંઘ ના આવે તો ચિંતા ના કરતો. કાલે કાયમ માટે ઊંઘી જવાનું છે!'

ક ર્ણાટક રાજ્યની રાજધાની બેંગ્લોરના ક્રાઈમની નાટયાત્મક ઘટના લખતી વખતે એક કહેવત યાદ આવી ગઈ- 'કરવા ગઈ કંસાર અને થઈ ગઈ થૂલી!'

બેંગ્લોરમાં ડોડ્ડાબિદારકલ્લુ વિસ્તારમાં ત્રીસ વર્ષનો નવીનકુમાર ભાડે રહે છે. પાંચ વર્ષ અગાઉ મા-બાપે શોધેલી કન્યા અનુપલ્લવી સાથે નવીનના લગ્ન થયા હતા.

બૅન્કની લોન લઈને નવીને ટેક્સી ખરીદી અને કેબ ડ્રાઈવર તરીકે કામ શરૂ કર્યું.પચીસ વર્ષની ઉંમરે અનુપલ્લવી બે બાળકોની મા તો બની ગઈ, પરંતુ શરીરની કાળજી એવી રાખેલી કે એ કાચીકુંવારી યુવતી જેવી જ દેખાતી હતી. કેબ ડ્રાઈવર તરીકે નવીનની કમાણીમાંથી બૅન્કનો હપ્તો અને મકાનનું ભાડું ભર્યા પછી વધેલી રકમમાંથી ઘર ચલાવવાનું કામ અઘરું હતું. અનુપલ્લવીની માતાનું નામ અમ્માજમ્મા. એ બેંગ્લોર આવી. ચાર દિવસના રોકાણમાં એણે દીકરી-જમાઈની આર્થિક સ્થિતિનું માપ કાઢી લીધું. ગામડાના વિશાળ ઘરમાં એ એકલી આરામથી રહેતી હતી અને પૈસાની કોઈ ખોટ નહોતી. ચાર વર્ષનો દીકરો અને ત્રણ વર્ષની દીકરી-આ બંને જો અહીં એમના મા-બાપ સાથે રહેશે તો એમનો ઉછેર સારી રીતે નહીં થાય. દીકરીના બંને સંતાનને પોતાની સાથે લઈ જવાનો એણે નિર્ણય કર્યો.

સાસુની વાતમાં નવીને તરત સંમતિ આપી એટલે અનુપલ્લવી ભડકી. 'મારી મા તો કહે, પણ એ બંનેને એમની સાથે મોકલવા હું તૈયાર નથી.' એણે પતિને કહ્યું. 'તમે પથ્થરદિલ છો.'

'હું પથ્થરદિલ નથી, પ્રેકટિકલ છું.' નવીને પત્નીને સમજાવ્યું. 'અહીં અભાવમાં ઉછરે એને બદલે ત્યાં સારી રીતે ઉછરશે. તને તારી મા ઉપર વિશ્વાસ નથી?' નવીનની સમજાવટ પછી અનુપલ્લવી પરાણે સંમત થઈ.

નવીનનો સ્વભાવ બિન્દાસ. જો હોગા-દેખા જાયેગા એવી એની માનસિકતા. તકલીફમાં પણ હસતું મોઢું રાખીને ઉપાય શોધવાની એનામાં આવડત હતી. પૈસાની મુશ્કેલી હતી એટલે એ પોતે કોઈ ખોટો ખર્ચ નહોતો કરતો અને અનુપલ્લવી ઉપર પણ અંકુશ રાખતો હતો. ઘરેણાં તો ઠીક, નવી સાડી કે ચંપલ ખરીદવા હોય તો પણ અનુપલ્લવીના એ અભરખા પૂરા નહોતા થતા. ટેક્સી લઈને નવીન વરધી ઉપર ગયો હોય ત્યારે અનુપલ્લવી માતાને ફોન કરતી. અસંતોષથી અકળાઈને પૂછતી કે આવો પથરા જેવો કંજૂસ જમાઈ કેમ શોધ્યો?

એક દિવસ અનુપલ્લવી ખરીદી કરવા ગઈ ત્યારે એની મુલાકાત હિંમત (હિમવંત) સાથે થઈ. બિઝનેસમેન હિંમત પૈસાવાળો હતો. કુંવારો હતો અને અનુપલ્લવીને જોઈને એ પહેલી જ નજરે એના પ્રેમમાં પડી ગયો. અત્યંત લાગણીશીલ હિંમતે હિંમત કરીને અનુપલ્લવી સાથે સંબંધ વધાર્યો અને પ્રેમની કબૂલાત કરી. એનું સ્નેહાળ વર્તન અને સૌમ્ય સ્વભાવ જોઈને અનુપલ્લવી પોતે પરણેલી છે એ વાત ભૂલી ગઈ! એની નાની-મોટી તમામ જરૂરિયાતો હિંમત હોંશે હોંશે પૂરી કરતો હતો. બિચારો નવીન તો એની ટેક્સી લઈને ફર્યા કરતો હતો અને આ બંનેના પ્રેમનું મીટર પરાકાષ્ટાએ પહોંચી ગયું હતું!

'આ રીતે જીવવાની મજા નથી આવતી.' હિંમતે અનુપલ્લવીને કહ્યું. 'ઓળખીતા વકીલો છે. તું છૂટાછેડા લઈ લે.' અનુપલ્લવીએ હતાશાથી કહ્યું. 'એ જડસુ પથરા જેવો છે, પણ એને હું બહુ ગમું છું એટલે એ માણસ ક્યારેય છૂટાછેડા નહીં આપે. આપણને બંનેને બેડરૂમમાં સાથે જુએ તોય એ છૂટાછેડા માટે તૈયાર નહીં થાય!' અવાજમાં ભીનાશ સાથે એ બબડી. 'આ જડસુ મને ક્યારેય છૂટી નહીં કરે.'

'તો પછી કરવાનું શું?' હિંમતે પૂછયું. 'તારા વગર રહેવાતું નથી અને મારી ધીરજ ખૂટી ગઈ છે. કંઈક રસ્તો વિચાર.'

'તારા દોસ્તોમાં કોઈ ગુંડા પણ હશેને?' સહેજ વિચારીને અનુપલ્લવીએ હિંમત સામે જોયું. 'એમાંથી કોઈ સમર્થને સોપારી આપી દે તો વાર્તા પૂરી. છૂટાછેડાની ઝંઝટ કરવાની જરૂર નથી.'

હિંમતે ચોંકીને પૂછયું. 'તું નવીનની હત્યા કરાવવા માગે છે? ખરેખર?'

'બીજો કોઈ રસ્તો નથી. આપણે એક બનીને રહેવું હોય તો આ એક માત્ર ઉપાય છે. અમ્માએ પણ છૂટ આપી છે. હું વારંવાર ફરિયાદ કરું ત્યારે એ ગુસ્સે થઈને કહે કે એ માણસ મરશે ત્યારે તને શાંતિ મળશે.'

આવો ગુનો કરવાનું હિંમતના સ્વભાવમાં નહોતું, એ છતાં એણે શોધ શરૂ કરી. એણે પોતાની આબરૂ પણ જાળવી રાખવાની હતી. ધંધાદારી હત્યારાની ઓળખાણ તો ક્યાંથી હોય? નાની-મોટી તફડંચી કરનારા હરીશ અને નાગરાજ નામના બે યુવાનો સાથે સલામ-નમસ્તેનો સંબંધ હતો. અનુપલ્લવીને પામવા માટે હિંમતે નાછૂટકે એ બંનેને બોલાવીને મિટિંગ કરી.

'ખૂન કરવાની અમારી તાકાત નથી.' હરીશે કહ્યું. 'તામિલનાડુના વિરૂડનગરમાં મારો દોસ્ત મુગિલન આવા કામમાં માસ્ટર છે. તમે કહો તો નવીનને એની જ ટેક્સીમાં ત્યાં લઈ જઈએ. ત્યાં મુગિલન કામ પતાવી આપશે. એની સાથે વાત કરીને નક્કી કરીએ.'

બીજા દિવસે હરીશ અને નાગરાજ આવ્યા. એમણે હિંમતને કહ્યું કે મુગિલન તૈયાર છે. બે લાખનો ખર્ચો થશે એમાંથી અડધા એડવાન્સ જોઈશે. હિંમતે એ જ વખતે નેવું હજાર રોકડા આપીને કહ્યું કે બાકીના કામ પતે એટલે મળી જશે. 

હરીશ સાંજે નવીનના ઘેર ગયો અને કહ્યું કે કાલે સાલેમ જવાનું છે. બેંગ્લોરથી સાલેમનું અંતર લગભગ બસો પાંચ કિલોમીટરનું. હરીશે ઉમેર્યું કે સાલેમમાં કામ ના પતે તો મદુરાઈ સુધી પણ જવું પડશે. આવવું છે? લાંબા અંતરની વરધી મળી એટલે નવીને હા પાડી. હરીશે ડિઝલ માટે દોઢ હજાર એડવાન્સ આપી દીધા.

તારીખ ૨૩-૭-૨૦૨૨ની સવારે હરીશ અને નાગરાજ આવીને ટેક્સીમાં ગોઠવાઈ ગયા અને નવીને સ્ટિયરિંગ સંભાળ્યું. હાઈવે નંબર ૪૪ પર બેંગ્લોરથી પચાસેક કિલોમીટર આગળ વધ્યા પછી હરીશે ચા-નાસ્તા માટે ટેક્સી ઊભી રખાવી. એ દરમ્યાન એણે ફોન કરીને ખાતરી કરી લીધી કે મુગિલન સાલેમ પહોંચીને હાઈવે પર ઊભો રહેવાનો છે.

ડિંડિંગુલ થઈને ટેક્સી સાલેમ પહોંચી એટલે મુગિલન એમની કારમાં આવી ગયો. એણે કહ્યું કે આપણે મદુરાઈથી પણ અર્ધો કલાક આગળ વિરૂડનગર જવાનું છે. બસોને બદલે પાંચસો કિલોમીટરની ટ્રિપ થતી હતી એટલે નવીને ખુશ થઈને ટેક્સી ભગાવી. રસ્તામાં હોટલમાં જમ્યા ત્યારે પેલા લોકોએ નવીનને સાથે રાખેલો. વાતચીતમાં એ ત્રણેય કરતા નવીન ચબરાક હોવાથી હસીમજાકની વાતો કરીને એણે બધાને હસાવ્યા.

મોડી રાત્રે વિરૂડનગર પહોંચ્યા ત્યારે એક મકાન પાસે મુગિલને કાર ઊભી રખાવી. બધા નીચે ઊતર્યા પછી નવીનના ખિસ્સામાંથી પૈસા, મોબાઈલ અને કારની ચાવી એણે લઈ લીધી. નવીનને એક ઓરડામાં ધકેલીને મુગિલને કહ્યું. 'આજે રાત્રે ઊંઘ ના આવે તો ચિંતા ના કરતો. કાલે કાયમ માટે ઊંઘી જવાનું છે!'

નવીન ભડક્યો. આ કારસ્તાનની ખબર નહોતી એટલે એ ગૂંચવાયો. એ છતાં એણે મુલિગનના ખભે હાથ મૂકીને પૂછયું. 'ભાઈ, આ બધું શું છે? પ્લીઝ, મને કંઈક તો કહો. મને મારીને તમને શો ફાયદો?' આ બોલતી વખતે પણ એનું મગજ ઝડપથી રસ્તો વિચારી રહ્યું હતું.

'ફાયદો બે લાખ રૂપિયાનો!' હરીશે હસીને કહ્યું. 'તારી બૈરી હિંમત જોડે ચાલુ છે. તને મારવા માટે એ બંનેએ મળીને અમને કોન્ટ્રાક્ટ આપ્યો છે!'

આ સાંભળીને નવીનને આંચકો લાગ્યો. સાથોસાથ ખ્યાલ આવી ગયો કે આ ત્રણેય સાવ ડોબા છે. ધંધાદારી હત્યારાઓ ક્યારેય આવી વાત ના કરે. કાચી સેકન્ડમાં વિચારીને એણે ચાન્સ લેવાનું નક્કી કર્યું. એણે મુગિલન સામે જોયું. 'કારની ચાવી આપો, બોસ! ડેકીમાં મારા એક કસ્ટમરે ભેટ આપેલી બેકાર્ડિની બે બોટલ પેટીપેક પડી છે. છેલ્લે છેલ્લે એનો જલસો કરી લઈએ.' વિદેશી દારૂનું નામ સાંભળીને ત્રણેયની આંખ ચમકી. મુગિલન સાથે આવ્યો અને ડેકીમાં સંતાડી રાખેલી બે બોટલ નવીને બહાર કાઢી. દારૂની સાથે ખાવા માટે આચરકૂચર પેકેટસ્ તો ઘરમાં હતા જ. જે ઓરડામાં નવીનને કેદ કરવાનો હતો ત્યાં જ મહેફિલ જામી. એ જ વખતે મુગિલનનો સાથીદાર કન્નન પણ ત્યાં આવી ગયો.

એ ચારેયને ભરચક દારૂ પીવડાવીને નવીને હળવેથી વાત શરૂ કરી. 'તમે ચાર ભાગીદાર, એટલે મને માર્યા પછી દરેકના ભાગે પચાસ હજાર આવશે.રાઈટ?'

ચારેય શ્રોતાઓએ હકારમાં માથું હલાવ્યું. 'તમે વીસ વર્ષ જેલમાં રહેશો ત્યારે એ પૈસા ફેમિલીને કામમાં આવશે!' નવીને સમજાવ્યું. 'મારી લાશ મળશે એ પછી છેક બેંગ્લોરથી અહીં સુધીના સીસીટીવી પોલીસ ચેક કરશે. હાઈવે ઉપર આપણે જે જે હોટલમાં ચા-નાસ્તો કર્યો- જમ્યા એ દરેક જગ્યાએ કેમેરા તો હતા જ. તમામ ચાર રસ્તાના ક્લિપિંગમાં તમે મારી સાથે દેખાશો એટલે પોલીસને બીજા કોઈ પુરાવાની જરૂર નહીં પડે.' બધાની સામે હાથ જોડીને નવીને ઉમેર્યું. 'મરવાની કોઈ ઉતાવળ નથી ને અહીંથી ક્યાંય ભાગી નથી જવાનો. તમે વિચારજો. ખેલ મારી બૈરીએ પાડયો છે, પણ એમાં ખતરો તમારા ઉપર છે! હું જરાય ખોટું નથી બોલતો. મનમાં શંકા હોય તો કાલે પૂછજો. અત્યારે થાક અને નશાની અસરથી ઊંઘ આવે છે.' પેલા ચારેયની ઊંઘ ઊડાડીને નવીન આરામથી ઊંઘી ગયો.

બીજા દિવસે નવીનના પૈસામાંથી જ મુગિલને દારૂની બોટલ્સ મંગાવી લીધી. સળંગ ચાર દિવસ સાથે જમતી વખતે આ ચર્ચા ચાલતી અને દારૂ પીવાતો. બહુ ચાલાકીથી નવીને એમને ગભરાવી દીધેલા, સાથોસાથ હસીમજાકની વાતો કરીને દોસ્તી કરી લીધી હતી. 

બેંગ્લોરમાં કોઈ સમાચાર નહોતા મળ્યા એટલે આકળવિકળ અનુપલ્લવીએ હિંમતને પૂછયું અને હિંમતે હરીશને ફોન કર્યો કે કામ પત્યું? નવીને પઢાવ્યું એ મુજબ હરીશે જવાબ આપ્યો કે મુગિલન બે દિવસમાં આવશે ત્યારે કામ પતી જશે!

નેવું હજાર એડવાન્સ લીધા હતા એટલે હિંમત તાકીદ કરશે એની હરીશને ચિંતા હતી. હવે શું કરવું એની ચર્ચામાં એ ચારેય ગૂંચવાયા હતા ત્યારે નવીને એમને સમજાવ્યું. 'બાકીના એક લાખ દસ હજાર હિંમત પાસેથી ખંખેરવાનો રસ્તો મારી પાસે છે. તમારે એ હલકટને તો મારી લાશના ફોટા જ વોટસેપ કરવાના છેને? હું શર્ટ કાઢીને ભોંય પર સૂઈ જઈશ. મારી ગરદન અને છાતી ઉપર ટોમેટો સોસ એવી રીતે રેડવાનો કે એ લોહી હોય એવું જ લાગે. એ ફોટા મોકલી દો. 

હું બેંગ્લોર ક્યારેય નથી આવવાનો, દિલ્હી જતો રહેવાનો છું. તમે હિંમત પાસેથી પૈસા લઈને જલસા કરજો!'

એ ચારેય ગુંડા નવીનની બુધ્ધિ ઉપર ઓવારી ગયા. ટોમેટોસોસની બોટલ આવી ગઈ અને તારીખ ૩૧-૭-૨૨ ના દિવસે ફોટોસેશન પણ સરસ રીતે પતી ગયું. એ ફોટા વોટસેપથી હિંમતને મોકલી દીધા પછી ચારેય ગુંડાઓએ ચાલાકી કરી. ટોમેટોસોસથી લથબથ નવીનને ઊંચકીને એક ખાડામાં નાખ્યો અને નવીનની ટેક્સી લઈને એ લોકો રફૂચક્કર થઈ ગયા!

નવીનની લાશના ફોટા જોઈને ખુશખુશાલ અનુપલ્લવીએ એની માતાને ફોન કરીને વધામણી આપી કે હવે હું આઝાદ છું!

-પરંતુ અલગ અલગ એંગલથી લીધેલા નવીનની લાશના દસ ફોટા જોઈને પારાવાર પસ્તાવા સાથે હિંમત હચમચી ઉઠયો. એક પરણેલી સ્ત્રીને પામવા માટે પોતે એના નિર્દોષ પતિની હત્યા કરાવી- એ અપરાધભાવથી એનું ઋજુ હૈયું વલોવાતું હતું. સાથોસાથ પોલીસ કેસ થશે તો પોતે પકડાઈ જશે, પોલીસ રિમાન્ડ ઉપર લેશે ત્યારે હાડકાં ભાંગી નાખશે, સમાજમાં બધાય એના નામ ઉપર થૂ..થૂ કરશે એનો ફફડાટ પણ હતો- એ દહેશતની વચ્ચે લાગણીશીલ અને ભીરુ હૃદયનો હિંમત ભાંગી પડયો. પશ્ચાતાપ સાથે બદનામી અને પોલીસકેસથી બચવા માટે પહેલી ઓગસ્ટે એ પંખે લટકી ગયો! એની આત્મહત્યાનું કોઈ કારણ કે કોઈ છેડો પોલીસને ના મળ્યો.

અનુપલ્લવીને તો આ વાતની ખબર જ નહોતી. અગાઉ નક્કી કરેલા પ્લાન મુજબ સવારે પોલીસસ્ટેશને જઈને એણે તો ફરિયાદ નોંધાવી કે મારા પતિ નવીનકુમાર કેબ ડ્રાઈવર છે. તેવીસ તારીખે બે અજાણ્યા યુવાન એમને સાલેમ જવા લઈ ગયેલા, પછી એ પાછા આવ્યા નથી અને એમનો ફોન પણ બંધ આવે છે. એની વાત સાંભળીને પોલીસે મિસિંગની ફરિયાદ નોંધી.

નવીનની મોટી બહેન સાસરે હતી. રક્ષાબંધન અંગે વાત કરવા એ ભાઈનો નંબર જોડતી હતી પણ ફોન લાગતો નહોતો. ચિંતાતુર થઈને એ ૨-૮-૨૨ ના દિવસે બેંગ્લોર આવી ત્યારે ઘરને તાળું મારીને અનુપલ્લવી તો એની મા પાસે પહોંચી ગઈ હતી. પાડોશીએ કહ્યું કે નવીનકુમાર ગૂમ થઈ ગયા છે. બહેન રડતી રડતી પિન્યા પોલીસસ્ટેશન પહોંચી અને પોતાનો ભાઈ ગૂમ થઈ ગયો છે એવી ફરિયાદ નોંધાવી.

આ બાજુ તામિલનાડુના વિરૂડનગરમાં શું બનેલું? પેલા ચારેય ગુંડા ભાગી ગયા પછી મહામુસીબતે નવીન ખાડામાંથી બહાર નીકળ્યો. એ વખતે એની હાલત ભિખારી જેવી હતી. કાર, પાકિટ, પૈસા, મોબાઈલ કે બુશર્ટ-નવીન પાસે કશુંય નહોતું! એણે ચાલવાનું શરૂ કર્યું. રસ્તા પર પહેલી જે હોટલ આવી ત્યાં પાણી લઈને ટોમેટોસોસ અને માટીથી ખરડાયેલું શરીર સાફ કર્યું. એની હાલત જોઈને હોટલવાળાએ મફત ખાવા આપ્યું. પાંચેક યુવાનો એક કારમાં પસાર થતા હતા. એમાંથી એક સજ્જને પોતાની બેગ ખોલીને નવીનને ટિશર્ટ આપ્યું. તામિલનાડુમાં તો ભાષાની પણ સમસ્યા નડતી હતી. કોઈ ટ્રકવાળાની લિફ્ટ લઈને નજીકના રેલ્વેસ્ટેશને પહોંચ્યો. ભિખારી જેવી રઝળપાટ પછી ૬-૮-૨૨ ના દિવસે એ બેંગ્લોર પહોંચ્યો. પોલીસસ્ટેશને જઈને એણે પોતાની રામકહાણી સંભળાવી. 

તાબડતોબ એક્શન લઈને પોલીસે અનુપલ્લવી, એની મા અમ્માજમ્મા, હરીશ, નાગરાજ અને મુગિલનની ધરપકડ કરી. કન્નન હજુ ફરાર છે. અનુપલ્લવી અને મૃતક હિંમતના મોબાઈલ કબજે કરીને એમાંથી પોલીસે હત્યાના કાવતરાના પુરાવા મેળવી લીધા છે. કરવા ગઈ કંસાર અને થઈ ગઈ થૂલી-એવી હાલતમાં જેલમાં બંધ અનુપલ્લવી પસ્તાવાથી પીડાય છે. પતિ સાથે દગો કર્યો અને પ્રેમીએ આત્મહત્યા કરી! અલબત્ત, નવીને પોલીસને વિનંતિ કરી છે કે હું મારી પત્નીને હજુય પ્રેમ કરું છું-એને છોડી દો!

Tags :